જડક્રિયા અને શુષ્કજ્ઞાનના અંધકારને ભેદનારા આધ્યાત્મિકતાના પ્રકાશપૂંજ
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- 'બાપાજી'ના વ્હાલસોયા સંબોધનથી ઓળખાતા પૂ.શ્રી રાકેશભાઈએ એક નવી જ કેડી કંડારી આપી અને શાસ્ત્રનાં ગહન સૂત્રોને લઈને એના અર્થોને સરળ, પ્રવાહી, સર્વજનભોગ્ય વાણીમાં પ્રસ્તુત કરવા લાગ્યા
સં તો અને મહાત્માઓનાં જીવન અને સંદેશની જેમ જ અનોખું હોય છે એમનું બાળપણ અને બાળપણમાં જ જ્ઞાનગાંભીર્ય પામનારા પૂ.રાકેશજીમાં માત્ર ચાર વર્ષની નાની વયે અધ્યાત્મજ્ઞાનની ઉત્કૃષ્ટતા પ્રગટ થઈ. આઠ વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્રજીનું દિવ્ય ચિત્રપટ નિરખતા થયેલી દિવ્યાનુભૂતિ એવી હતી કે એમણે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક ક્રિયા અને પ્રત્યેક શ્વાસ શ્રીમદ્ રાજચંદ્રજીને સમર્પિત કરી દીધા.
દસમા વર્ષે તો એમની પાસેથી આધ્યાત્મિક જિજ્ઞાસાનું માર્ગદર્શન મેળવવા માટે મુમુક્ષુઓ આવવા લાગ્યા. સત્સંગનો રંગ જામવા લાગ્યો. એ સત્સંગમાં બધાનો 'માંહ્લલો' સ્નાન કરવા લાગ્યો, તો જેમ શાસ્ત્રગ્રંથ 'ગર્ગસંહિતા'માં કહ્યું છે તેમ, સત્સંગ, પાપ, તાપ, અને દૈત્યનો તત્કાળ નાશ કરે છે એ રીતે આવનારા મુમુક્ષુઓ પોતાના દુષ્કર્મોનું આપોઆપ પ્રાયશ્ચિત કરવા લાગ્યા. પાપની જગાએ પુણ્યની સુવાસ ફેલાવા લાગી અને વૃત્તિઓની લીલાને બદલે વીતરાગમાં પોતાનું ચિત્ત લીન કરવા લાગ્યા.
બહારની અઢળક સમૃદ્ધિ હોવા છતાં આંતરિક દૈન્યતા ધરાવતા લોકોને એમના ઉપદેશને પરિણામે પોતાની ઓળખ સાંપડી અને એ અંતરની ઓળખ પામીને બાહ્ય પદાર્થની નશ્વરતા અને આંતર પદાર્થની શાશ્વતતાનો અનુભવ કરવા લાગ્યા. શ્રી રાકેશભાઈના જીવનને જોઈને મુમુક્ષુઓને અધ્યાત્મનું ઊંડાણ, જ્ઞાનનો પ્રકાશ અને ભક્તિની તન્મયતાનો અનુભવ થવા લાગ્યો અને આંતરસ્વરૂપની ખોજ કરવા લાગ્યા.
જગતનાં આકર્ષણોમાં બહાર ઘૂમતી આંખો હવે ભીતરને જોવા લાગી અને જગતની ભૌતિકતા તરફ મુખ માંડીને બેઠેલો માનવી એની વ્યર્થતા જોઈને એ ભૌતિક જગતનાં આકર્ષણો તરફ પીઠ રાખીને બેઠો. બાહ્ય સંપત્તિઓ જ નહીં, પરંતુ બાહ્ય વૃત્તિઓને પણ આ સાધકો ત્યાગ કરવા લાગ્યા અને આંતરસ્વરૂપની ઓળખ માટે પૂ.રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ ઓળખ પામવા લાગ્યા.
માત્ર દસ વર્ષની વય ધરાવતા પૂ.રાકેશભાઈને સહુ 'પૂજ્ય ગુરુદેવ' તરીકે સંબોધવા લાગ્યા. ભગવાનની આગળ ભક્તની જિદ ભારે હોય છે ! ભક્ત ધારે તો ભગવાનને ય પોતાની ધરતી પર હેઠા ઉતારી શકે છે. પોતાની પ્રાર્થનાથી એ ભગવાન પાસેથી ઉત્તર પણ મેળવી શકે છે અને આથી જ યુવાવસ્થાને આંગણે આવેલા પૂ.શ્રી રાકેશભાઈએ વિચાર કર્યો કે હવે કઈ દિશામાં પ્રયાણ કરીશું ? જીવનને કઈ રીતે પસાર કરવું ? આ જીવનનું કયું લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રયત્ન કરવો ? આને માટે પોતાના સમગ્ર અસ્તિત્વ પર છવાઈ ગયેલા એમણે વિચાર કર્યો કે જેને શ્રીમદ્ રાજચંદ્ર જેવા ગુરુ મળ્યા હોય એને ઉત્તર માટે બીજે ક્યાં દોડવાનું હોય ? પણ એમણે એક દિવસ પ્રાર્થના કરી.
'હે પરમકૃપાળુદેવ, આ જીવન માટે આપની શી આજ્ઞા છે ?'
એનો ઉત્તર મેળવવા માટે ખમાસણાં આપવાના શરૂ કર્યાં. ગુરુની આજ્ઞા ન મળે ત્યાં સુધી અટકવું નથી. ગુરુનો બોધ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી થોભવું નથી. ગુરુની પાસેથી જીવન માટેની આજ્ઞા લીધા વિના હવે જંપવુ નથી. એક શિષ્યનો આ નિર્ધાર હતો અને એથી એમણે સવારથી સાંજ સુધી ખમાસણાં કર્યા અને દસહજાર ખમાસણા અપાયાં, ત્યારે એમને પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રાપ્ત થઈ. એમની એ આજ્ઞા હતી.
'મહાન આધ્યાત્મિક ઉદ્દેશ અને સાર્વજનિક ઉત્થાન અર્થે જીવન સમર્પિત કરવું.' એ પછી એ ધન્યદિવસ અને એ ધન્યઘડી આવી પહોંચી. એ વર્ષ હતું ૧૯૮૩નું અને એ પાવન દિવસ હતો અખાત્રીજનો.
૧૯૮૩ની અખાત્રીજે સામાજિક અને વ્યાવસાયિક જીવનનો વિધિપૂર્વક ત્યાગ કર્યો. આજીવન બ્રહ્મચર્યવ્રત સહિત અનેક વ્રત નિયમ અંગીકાર કર્યા. પવિત્રસ્થાનોમાં સાધનામય જીવન ગાળવા લાગ્યા અને સાથોસાથ વિવિધ શાસ્ત્રો અને દાર્શનિક શાસ્ત્રોનું અધ્યયન કર્યું, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો, ન્યાયદર્શનનું અવગાહન કર્યું, શ્વેતાંબર અને દિગંબર શાસ્ત્રો તથા શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતનો અભ્યાસ કર્યો. રોજનું અઢાર કલાકનું મૌન સહજ હતું અને સાથે યોગાભ્યાસ અને આત્મસાધના સાથે યોગાભ્યાસ ચાલતો રહ્યો તેમજ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં એમનો આંતરિક આનંદ અસ્ખલિત નિરંતર વહેતો રહ્યો.
સાધના માટે ગુફા ગમવા લાગી. પદ્માસનમાં બેસી વધુને વધુ ગહનતામાં સરી જવા લાગ્યા. ૧૯૯૧માં એમણે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. એ સમયે તેઓ મૌન રાખતા હતા. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર જેવા ગ્રંથ પર ૨૬૦૦ પૃષ્ઠનો મહાનિબંધ લખ્યો. પોતાને મળેલો ડોક્ટરનો ખિતાબ એમણે શ્રીગુરુના ચરણકમળમાં અર્પણ કરી દીધો. આ મહાનિબંધ (થિસીસ)ના કાર્ય દરમિયાન એમના ચિત્તમાં એક વ્યવસ્થિત સંસ્થાના નિર્માણે આકાર લીધો અને ૧૯૯૪માં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રની સ્થાપના કરવામાં આવી.
પૂ.શ્રી રાકેશભાઈએ અધ્યાત્મનો અહાલેક જગાવ્યો. ભૌતિકતા અને બાહ્ય આકર્ષણોમાં ગળાડૂબ પ્રજાને એ સઘળાંની વ્યર્થતા હૃદયસ્પર્શી વાણીમાં સમજાવી. જીવનનો સાચો પંથ બતાવ્યો. અધ્યાત્મજિજ્ઞાસુ મુમુક્ષુઓને પત્રવ્યવહાર દ્વારા માર્ગદર્શન આપતા રહ્યા અને એક આધ્યાત્મિક કેળવણીની મહાશાળાનું સર્જન થયું.
આશ્રમને માટે ૧૭૫ જેટલા જુદાં જુદાં સ્થાનોનું નિરીક્ષણ કર્યું પરંતુ ધરમપુરની એ ભૂમિ પર એકસો વર્ષ પૂર્વે શ્રીમદ્ રાજચંદ્રજીએ સદેહે વિચરણ કર્યું હતું એ ભૂમિ એમણે પસંદ કરી અને ૨૨૩ એકરમાં આ વિશાળ આશ્રમનું ભવ્ય નામકરણ કરવામાં આવ્યું. સદ્ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના શુભનામથી એનું નામાભિધાન થયું.
એ પછી તો અનેક પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિ અને માનવસેવાનો વ્યાપ થતો રહ્યો. પ્રવૃત્તિ એક આંદોલનના સ્વરૂપમાં જાગી ઊઠી. એક અભિયાન બની ગયું અને એ અભિયાનને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માટે તેમના દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું નિર્માણ થયું.
કોઈ દિવ્ય આધ્યાત્મિક ભૂમિમાં આવીને મુમુક્ષુઓ ધ્યાનશિબિરોમાં આવવા લાગ્યા. વળી બીજી બાજુ વિશાળ જનસમૂહ તેઓનાં પ્રવચનો દ્વારા શાસ્ત્રોનાં ગહન રહસ્યોને જીવનની સચ્ચાઈના ધરાતલ પર જોવા લાગ્યા. એક વિરાટ વટવૃક્ષ રૂપે આ આધ્યાત્મિક સાધનાની પ્રવૃત્તિ વિશાળ જનસમુદાયને રાહ ચીંધનારી બની. તેઓ માત્ર યુવાનોના જ રાહબર રહ્યા નહીં, પરંતુ સાથોસાથ બાળકોને માટે પણ એમણે જુદા જુદા ત્રણ અભ્યાસક્રમો તૈયાર કર્યા અને વર્તમાન સમયની નવી પેઢીને ચારિત્ર, સદાચાર અને ધાર્મિકતાના પાઠ શીખવ્યા. તેઓશ્રી પીએચ.ડી.નો અભ્યાસ કરતા હતા, ત્યારથી આજ સુધી જ્યારે જ્યારે તેમના દર્શન થયા, ત્યારે મને (કુમારપાળદેસાઈ) સદૈવ તેમની આધ્યાત્મિકતા સાથે આત્મીયતાનો અનુભવ થયો. અધ્યાત્મના ઊંચા શિખરે બિરાજમાન તેઓશ્રી મારા પ્રત્યેક જન્મદિવસે શુભાષિશ પાઠવે છે અને સ્વાસ્થ્ય બરાબર ન હોય, ત્યારે એની જાળવણી કરવાનું ફોન દ્વારા સૂચન કરે છે. આવી ઊર્ધ્વ આધ્યાત્મિકતા સાથે આત્મિયભાવની લાગણી સાચે જ વિરલ કહેવાય.
'બાપાજી'ના વ્હાલસોયા સંબોધનથી ઓળખાતા પૂ.શ્રી રાકેશભાઈએ એક નવી જ કેડી કંડારી આપી અને શાસ્ત્રનાં ગહન સૂત્રોને લઈને એના અર્થોને સરળ, પ્રવાહી, સર્વજનભોગ્ય વાણીમાં પ્રસ્તુત કરવા લાગ્યા. આને પરિણામે એ શાસ્ત્રગ્રંથો શ્રોતાજનોની ગ્રંથિઓ ભેદનારા બન્યા અને એ શાસ્ત્રવચનો આંતરશોધનો પથ બની ગયા. વળી આ શાસ્ત્રવચનો માત્ર સ્વીકારી લેવાને બદલે એને તાર્કિક પ્રમાણથી શ્રી રાકેશભાઈ સમજાવે છે અને એ રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વમીમાંસા અને શાસ્ત્રજ્ઞાન સાધકોને પ્રાપ્ત થાય છે. આત્માર્પિત જીવનશૈલીનો એક ક્રાંતિકારી પથ મુમુક્ષુઓને આપ્યો. ઇ.સ.૨૦૧૩થી આત્માર્પિત નેમિજી પૂજ્યશ્રીના અંગત સચિવ તરીકે સેવા કરવા કૃપાપાત્ર બન્યા છે.
૧૭૫થી વધુ ધ્યાનશિબિરો, અધ્યાત્મમાર્ગે જિજ્ઞાસુઓની પ્રગતિ અર્થે ૧૬૦૭૦ કલાકોનાં પ્રવચનો, ૭૯૬થી વધારે ધર્મયાત્રાઓ, ૨૩૧૪ થી વધુ ઘરોમાં પ્રભુની પ્રતિષ્ઠા, દેશ અને વિદેશમાં ૨૦૬ સત્સગં કેન્દ્રો અને એ ઉપરાંત અનેકવિધ કાર્યોની સાથોસાથ 'શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર' દ્વારા આરોગ્યસેવા, શૈક્ષણિકસેવા, બાળસેવા, મહિલાસેવા, આદિવાસીસેવા, સમાજસેવા, માનવીયસેવા, પ્રાણીસેવા, પર્યાવરણ સુરક્ષા અને સંક્ટ સહાયસેવા જેવા દસ મુદ્દાનાં કાર્યો ઉપરાંત અત્યારે હોસ્પિટલ, છાત્રાલય, પાંજરાપોળ અને જાગૃતિવર્ધક અભિયાનો ઇત્યાદિ પચાસથી વધુ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે વિશાળ સમાજને લાભદાયી બને છે.
ધર્મના શુષ્ક અને બંધિયાર સ્વરૂપને એમણે આધુનિક માનવીને માટે રસમય બનાવ્યું છે અને એ માટે કેટલીક ક્રાંતિકારી નવીન પરંપરાઓ સ્થાપી છે અને આ રીતે આધ્યાત્મિક ઉચ્ચ દશામાં પૂજ્યશ્રી રાકેશભાઈ બિરાજમાન હોવા છતાં હજારો યુવાનોને પોતાની તર્કબદ્ધ વિચારણા અને નિજ અનુભવ દ્વારા પ્રોત્સાહન આપે છે. એમણે વિશાળ અને વ્યાપક દૃષ્ટિથી સાંપ્રદાયિકતાથી પર જઈને વિશ્વમાં વિશ્વમાનવીને અધ્યાત્મ તરફ ગતિ કરવાનો રાહ ચીંધ્યો છે.