ઊંચાઈ અને ઊંડાઈને ગાઢ નાતો છે .
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
આપણા સાહસ કે શૌર્ય પર નિર્ભર છે કે આપણું જીવન સંકોચાશે કે વિસ્તરશે.
- અનીસ નેન.
એક વખત ડેવ ચેપ્પલે નામના એક કોમેડિઅનને ડલ્લાસની એક શાળાએ બાળકોને મોટીવેટ કરવા માટે આમંત્રણ આપ્યું. તેના વ્યાખ્યાનના અંતે તેણે કહ્યું 'કિડ્સ, લાઇફ ઇસ વેરી હાર્ડ વિધાઉટ અ શો.' અર્થાત એકાદ અફલાતૂન ખેલ વિના જીવન મુશ્કેલ છે. જીવન સાધક કે કલાકાર ક્યારેય નવરો ન પડવો જોઈએ. તે ક્યાંક મારગ પર ચાલ્યા કરતો હોવો જોઈએ, તે પ્રયાસ જ તેને તાજો કે યુવાન રાખે છે. તે માટે;
નદીમાં કે દરિયામાં ધૂબાકો દો,
શિખર પર ચડો કે ખીણમાં ઉતરો,
નામ વિનાનું વન કે નકશા વિનાના ગામ તરફ ચાલી નાખો,
અજાણ્યું સરોવર કે અવ્યાખ્ય સંબંધમાં ઝંપલાવો....
પાંખો અને આકાશ કે ચરણ અને કેડી વચ્ચે પાકી દોસ્તી છે. જીવન કે અસ્તિત્વને તક આપો. જીવાયેલ જીવનના આધારે કથા રચાય તે ઇચ્છવા યોગ્ય છે. બાકી, આપણે ક્યારેય પંખી, પ્રાણી, પતંગીયા પોતાનાં બચ્ચા માટે માળા કે રહેઠાણ, ફ્લેટ્સ કે અપાર્ટમેન્ટ બનાવતા જોયા નથી. કદાચ, અદભુત અને અનન્ય જીવન અનામ અને અજ્ઞોયમાં આકાર લેતું હોય છે. થોડાક સમય પહેલા એક અલૌકિક વિડીયો જોયેલો..... એ પૂર્વે થોડીક વિગતો.....
આમ તો પેન્ગ્વીનની વીસથી વધારે જાતો છે. જેમાંથી થોડીક એન્ટાર્ટિકા ઉપર રહે છે. એમ્પરર પેન્ગ્વીન તેમાંની જ એક છે. તેઓ પંચોતેર ટકા જીવન તો જળમાં વિતાવે છે. તેમાંનું ઘણુ બધુ જીવન તો થિજેલાં દરિયા પર. તેઓ ફ્રિઝીંગ કન્ડિશનમાં પણ જીવે છે. તેઓના શરીર પર એક સ્ક્વેર ઈચમાં સીતેરથી વધારે પીંછા હોય છે. અલબત્ત તેઓ સમૂહાચારી છે, તેથી ટોળામાંથી હૂંક મેળવે છે. તેઓ ઉડી શકતા નથી, કે નથી માળો બાંધતા. અને હા, એક પત્નીત્વમાં માને છે. તેમના વીસ-પચ્ચીસ કિલો વજન લઈને તેઓ ધીમે ધીમે ચાલે છે, જાણે તત્વચિંતક. કલાઈમેટ ચેન્જને કારણે તેની વસ્તી ઝડપભેર ઘટી રહી છે. આમ પણ તેની આયુષ્ય પંદર-વીસ વરસથી વધારે નથી હોતી. પંખીઓમાં સૌથી લાંબી અને ઊંડી છલાંગ આ એમ્પરર પેન્ગ્વીન મારી શકે છે. ક્યારેક સો-બસ્સો મીટર ઊંચેથી કુદકો મારે અને તેટલા જ ઊંડે જાય છે. એક પેન્ગ્વીન તો ૫૬૫ મીટર ઊંડે ગયાનું દ્રષ્ટાંત છે, જે નોંધાયેલું છે. અને હવે પેલા વીડીઓની વાત...
સેંકડો પેન્ગ્વીનનું એક ટોળું ધીમે ધીમે થીજેલાં બરફની ધાર પાસે આવીને ઊભું.... તેમના પ્રથમે પળભર નીચે ઘૂઘવતો લીલો-કાળો સાગર જોયો અને પછી બસ્સો મીટર ઊંચેથી છલાંગ લગાવી... એક પછી એક દરેકે આ રીતે ઝંપલાવ્યું. કોઈ કોર્સ, ટ્રેનિંગ, પ્રેક્ટિસ, મોટીવેશન, એવોર્ડ વિના જ.
અસલામતી અને અનિશ્ચિતતા અસ્તિત્વનું આમંત્રણ છે, આવકાર છે, સાદ છે. અને આમ પણ ઊંચાઈ અને ઊંડાઈને પ્રગાઢ નાતો અને નિસબત હોય છે.