બેમિસાલ બુમરાહની બાર ખૂબીઓ .
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- સૌથી મોટી ખૂબી એની બોલિંગ એક્શનની છે. જેનાથી આજે દુનિયાભરના બેટરોની એણે ઊંઘ હરામ કરી છે. આ જમોડી ઝડપી ગોલંદાજ એનો ડાબો હાથ છેક સુધી સીધો રાખે છે
ઑ સ્ટ્રેલિયાના પર્થ શહેરના ઓપ્ટ્સ સ્ટેડિયમની અત્યંત ઝડપી વિકેટ પર ભારતને પહેલી ટેસ્ટમાં જ ભીંસમાં લેવાનો ખ્વાબ સેવનાર ઑસ્ટ્રેલિયાને આ સ્ટેડિયમ પર ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમવાર પરાજયનો બે-સ્વાદ ચાખવા મળ્યો. ભારતે ઓસ્ટ્રેલિયા પર રનનાં માર્જિનથી સૌથી મોટો વિજય મેળવ્યો. ઓસ્ટ્રેલિયાના મિડિયાનો શોરબકોર, એના ખેલાડીઓનું સ્લેજિંગ અને પીચ અને પેસ પરનો એનો આધાર એ સઘળું ઝૂંટવાઈ ગયું.
સુકાની જસપ્રીત બુમરાહે ઑસ્ટ્રેલિયાના સઘળા ગોખેલા ગણિત પર પાણી ફેરવી દીધું અને હકીકત પણ એ છે કે ભારતના સર્વશ્રેષ્ઠ ઝડપી ગોલંદાજ તરીકે ખ્યાતિ મેળવનારો સુકાની બુમરાહ આનું મુખ્ય કારણ બન્યો. એ બુમરાહની કેટલીક ભીતરી વિશેષતાઓ જોઈએ.
સર્વસામાન્ય બાબત એ છે કે ઝડપી ગોલંદાજ સારી એવી ઊંચાઈ અને સુદ્રઢ શરીર ધરાવતો હોવો જોઈએ. વેસ્ટ ઇન્ડિઝના વેસ્લી હોલ કે ગ્રિફિથને યાદ કરીએ. અરે ! બુમરાહ સામેનાં ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સને યાદ કરીએ. ઓસ્ટ્રેલિયાના ખેલાડી પેટ કમિન્સની ઊંચાઈ છ ફૂટ અને ચાર ઈંચ છે, જ્યારે બુમરાહની પાંચ ફૂટ અને દસ ઈંચ છે. આમ ઊંચાઈની દ્રષ્ટિએ કે કદાવર શરીરની દ્રષ્ટિએ બુમરાહ પાકે પાયે ઝડપી ગોલંદાજ લાગે નહીં, પરંતુ એ ખૂબીપૂર્વક ૧૪૫થી ૧૫૦ કિ.મી. (૯૦થી ૯૩ માઈલ)ની ઝડપે ગોલંદાજી કરે છે. ઝડપ 'જનરેટ' કરે છે અને એ ગોલંદાજીમાં વૈવિધ્ય આણીને બેટ્સમેનોને થાપ આપે છે.
બુમરાહ પાસે બીજી ખૂબી પીચને પારખવાની છે. મેચના પ્રારંભિક દડામાં જ એ પીચનું રૂપ એટલે વલણ પારખી લે છે અને પછી એનો લાભ લઈને પોતાની ગોલંદાજીમાં જરૂરી પરિવર્તન કરીને વેધક ગોલંદાજી કરે છે. ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં એણે પીચનો દિમાગ પારખીને બીજા દિવસે લંચ પછી પીચનો સ્વભાવ બદલાશે એવો વરતારો કર્યો હતો, જે સાચો નીવડયો. આમ એ ઘણી મોટી 'ક્રિકેટીંગ સેન્સ' ધરાવે છે.
એની ત્રીજી ખૂબી છે ગોલંદાજ તરીકે એક જુદી જ રીતે ખેલવાની. વિકેટ મળે કે ન મળે, પણ એ હતાશ કે બેબાકળો થતો નથી. આમ તો ભાગ્યે જ અસફળ જાય છે, પરંતુ નિષ્ફળતા મળે ત્યારે એનાથી મૂંઝાવવાને બદલે એ સતત પોતાની જાતને સવાલ કરતો હોય છે કે 'આ તબક્કે હું ક્યો દાવ અજમાવું અને કેવો દડો ફેંકું કે જેથી સફળતા મળે.' સદાય હસતા રહેતા બુમરાહને કોઈ ફિલ્ડર કેચ ગુમાવે કે એને વિકેટ ન મળે, અથવા તો બેટર બાઉન્ડ્રી લગાવે, છતાં એના ચહેરા પરનું હાસ્ય ઓછું થતું નથી.
એની ચોથી ખૂબી એ છે કે એ સતત 'પૉઝિટીવ એપ્રોચ'થી ખેલતો હોય છે. પર્થ ટેસ્ટમાં પહેલા દાવમાં ભારતીય ટીમ માત્ર દોઢસો રનમાં ઑલ-આઉટ થઈ ગઈ, પરંતુ એણે ટીમનો જુસ્સો એવી રીતે જાળવી રાખ્યો કે બધાને એમ લાગ્યું કે, 'ભલે આપણે પહેલા દાવમાં નિષ્ફળ ગયા, પણ ફરી મેદાનમાં ઉતરીશું, ત્યારે બરાબર વળતો જવાબ આપીશું. ' આમ દરેક પરિસ્થિતિને પહોંચી વળવાના એના મેન્ટલ પાવર પર તો આપણા કોમેન્ટેટર શ્રી સુધીર તલાટી વારી ગયા છે અને વાત પણ સાચી કે એની ગોલંદાજીમાં કોઈ ચોગ્ગા કે છગ્ગા મારે તો પણ અકળાયા વિના એ તરત જ પછીનો દડો નાખવા તૈયાર થઈ જતો હોય છે.
આ બધાનું કારણ એની પાંચમી ખૂબીમાં છે અને એ ખૂબી એ છે કે શીખ પંજાબી કુટુંબમાંથી આવતા જસપ્રીત બુમરાહનો સઘળો ઉછેર અમદાવાદમાં થયો છે. વસ્ત્રાપુરની નિર્માણ હાઈસ્કૂલના આ વિદ્યાર્થીને એની માતા દલજિત પાસેથી શિક્ષણ અને સમજનાં પાઠ શીખવા મળ્યા છે. પરિણામે પંજાબી તાકાત સાથે ગુજરાતી ઠાવકાઈનો એનામાં સમન્વય જોવા મળે છે.
પણ છઠ્ઠી અને સૌથી મોટી ખૂબી એની બોલિંગ એક્શનની છે. જેનાથી આજે દુનિયાભરના બેટરોની એણે ઊંઘ હરામ કરી છે. આ જમોડી ઝડપી ગોલંદાજ એનો ડાબો હાથ છેક સુધી સીધો રાખે છે. આ ડાબો હાથ એટલે એનો નોન-બોલિંગ આર્મ. બીજા ગોલંદાજો જે હાથે ગોલંદાજી કરતા હોય છે, એ હાથ ઉપરાંત બીજા હાથને વાળીને કે ઘુમાવીને ગોલંદાજી કરતા હોય છે. બુમરાહના સીધા રહેતા હાથને કારણે સામે ખેલતા બેટરને છેક સુધી ખ્યાલ આવતો નથી કે એના હાથમાંથી ક્યારે દડો છૂટશે. મજાની ઘટના એ બને છે કે એના ગોલંદાજી કરતા હાથમાંથી દડો કઈ રીતે છૂટશે એ સવાલનો જવાબ પછી આપવાનો રહે છે, પણ પહેલો સવાલ તો એનો સીધો હાથ જ બેટરને દડો પારખવામાં અવરોધરૂપ બને છે.
સાતમી ખૂબી એ છે કે બુમરાહ ઓપન 'ચેસ્ટેડ' ગોલંદાજી કરે છે. પ્રારંભકાળમાં ઘણા અનુભવીઓએ એને ક્રિકેટના કોચિંગની કિતાબની બહારની બોલિંગ એક્શન સુધારવાની સમજ આપી હતી, પણ ઓસ્ટ્રેલિયાના ઝડપી ગોલંદાજ ડેનિસ લીલીએ જોયું કે આ એક્શનમાં જ આ ગોલંદાજની કામિયાબી છુપાયેલી છે અને હકીકત પણ એ જ છે કે એના હાથમાં રહેલા દડાની ગ્રીપ બેટ્સમેન પામી શકતો નથી, જેથી બેટર છેક સુધી અંધારામાં રહે છે અને એને કઈ રીતે દડો રમવો તેનો ખ્યાલ આવતો નથી. એ ઇનસ્વિંગર નાખે છે કે આઉટસ્વિંગર એની ય ખબર પડતી નથી. દડો ક્યાં પડશે અને કઈ બાજુ વળાંક લેશે એને વિશે બેટ્સમેનના મનમાં છેક સુધી પ્રશ્નાર્થ રહે છે. એના ઇનસ્વિંગિંગ યોર્કર એ એનું સૌથી ખતરનાક શસ્ત્ર છે. પાકિસ્તાનના એક સમયના સમર્થ ઝડપી ગોલંદાજ અને કોમેન્ટ્રેટર વસીમ અકરમના કહેવા પ્રમાણે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલતા ઝડપી ગોલંદાજોમાં સૌથી શ્રેષ્ઠ અને અસરકારક યોર્કર નાખવામાં બુમરાહ બેમિસાલ છે. બુમરાહ જૂના દડે 'કટર' નાખે છે અને વિકેટની બંને બાજુથી દડાને કટ કરી શકે છે. આને કારણે બેટ્સમેન સતત એલ.બી.ડબલ્યુ. થવાના ભયમાં જીવતો હોય છે.
બુમરાહની આઠમી ખૂબી એ છે કે એણે ટી-ટ્વેન્ટી, વન-ડે અને ટેસ્ટ મેચ એમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની ગોલંદાજીમાં ઝડપ, સાતત્ય અને વૈવિધ્ય દાખવ્યું છે. એ એની બોલિંગ એક્શનથી દડાની લાઈન, લેન્થ અને ઝડપમાં બેટ્સમેનને ખબર ન પડે એ રીતે પરિવર્તન લાવી શકે છે. વળી એ બોલિંગ ક્રિસનો ચાતુરીભર્યો ઉપયોગ કરે છે, ક્યારેક ક્રિસ પાસેથી, ક્યારેક સ્ટમ્પ પાસેથી, ક્યારેક અમ્પાયરની નજદીકથી-એમ જુદી જુદી જગ્યાએથી દડો નાખે છે અને એને કારણે એના સ્વિંગને (દડાના વળાંકને) એક જુદો જ એંગલ મળે છે.
જોકે મજાની વાત એ છે કે આવી અનઓર્થોડોક્સ એક્શન કઈ રીતે આવી, એનો ખુદ બુમરાહને પણ ખ્યાલ નથી. બધા એને સલાહ આપતા કે ઝડપી ગોલંદાજ થવા માટે શરીર મજબૂત હોવું જરૂરી છે, માટે શરીરનો બાંધો મજબૂત કરવા પર ધ્યાન આપ, પણ જેમ એ રાષ્ટ્રીય સ્તરે આગળ વધ્યો તેમ એની વિચિત્ર એક્શને સહુનું ધ્યાન ખેંચ્યું.
એની નવમી વિશેષતા એ છે કે મેદાન પર એના ચહેરા પરનું હાસ્ય ક્યારેય સુકાતું નથી અને વિકેટ મળતા આજનો ગોલંદાજ જેમ આકાશી ઊંચો કૂદકો લગાવે એવું કશું કરતો નથી. આને કારણે એ સહુને ગમતા ક્રિકેટર તરીકે વિશેષ જાણીતો છે.
એની દસમી વિશેષતા એ છે કે આજે ડેથ ઓવર્સનો ભારતનો એ પ્રથમ નંબરનો ગોલંદાજ બન્યો છે અને બધા દેશોની વિકેટ પર એ સફળ થયો છે.
એની અગિયારમી ખૂબી એ છે કે મધ્યમવર્ગીય પરિવારમાં ઉછેર પામેલા બુમરાહને મળતી સિદ્ધિ એના દિમાગ પર ઝાઝી અસર કરતી નથી. પર્થની ટેસ્ટમાં એણે મેચના બંને દાવમાં મળીને બોંતેર રનમાં આઠ વિકેટ ઝડપી અને 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ હાંસલ કર્યો, પરંતુ એણે કહ્યું કે, 'આ ખિતાબ યશસ્વી જયસ્વાલને મળ્યો હોત તો મને વધુ આનંદ થાત.' આવી જ રીતે પોતાની પત્ની અને એક વર્ષના પુત્ર અંગદને સ્ટેડિયમમાં રાખીને જાણ્યે-અજાણ્યે પુત્રમાં ક્રિકેટના સંસ્કારો રોપવાનાં પ્રયાસ કરે છે. પોતે ભવિષ્યમાં પુત્રને પોતાના ક્રિકેટ કારનામાઓની વાત કરે, ત્યારે એ સમયે એમના પુત્રને એ ઉપસ્થિત હતો, એનો આનંદ મળે એવો ભાવ રાખે છે.
પર્થની ટેસ્ટ મેચમાં બનેલી એક ઘટના તરફ ગુજરાતના બાહોશ અને કામયાબ ક્રિકેટ કોચ શ્રી જયરાજ સરવૈયાએ ધ્યાન ખેંચ્યું કે, 'આ મેચમાં બંને સુકાનીઓ ઝડપી ગોલંદાજ હતા. સામાન્ય રીતે માત્ર ઝડપી ગોલંદાજ હોય, તે ભાગ્યે જ સુકાની બને છે, ત્યારે પર્થમાં તો બંને ટીમના સુકાની ઝડપી ગોલંદાજ હતા. ક્રિકેટમાં કદાચ આ એક વિરલ ઘટના કહેવાય.'
વસીમ અકરમ તો કહે છે કે, 'ગોલંદાજ માટે સુકાનીપદ લોઢાના ચણા ચાવવા જેવું હોય છે, કારણ કે મેદાન પર ફિલ્ડિંગ ગોઠવવામાં એને પારાવાર પરેશાની થતી હોય છે.'
બુમરાહની બારમી ખૂબી જોઈએ તો એણે સુકાની તરીકે પીચનું વલણ બરાબર પારખી લીધું. અશ્વિન જેવા દિગ્ગજ ગોલંદાજને બદલે હર્ષિત રાણા અને રેડ્ડી જેવા યુવાનોને તક આપી અને એથી ય વિશેષ એ યુવાનોને ભરપૂર પ્રોત્સાહન આપ્યું. સમયસર દાવ ડિક્લેર કરીને ઓસ્ટ્રેલિયાને ભીંસમાં લીધું. આથી કેટલાકે વિચાર્યું કે, 'રોહિતને બદલે હવે બુમરાહને સુકાની પદ આપવું જોઈએ,' પણ આ વિચારધારા યોગ્ય નથી. એમ તો અગાઉ ઋષભ પંત અને કે.એલ. રાહુલે સુકાની તરીકે સફળતા મેળવી હતી. માટે સુકાની તો રોહિત જ. હા, એ ખરું કે આવતીકાલનો સુકાની જરૂર બુમરાહ.
મનઝરૂખો
વિશાળ આકાશમાં વિમાની ખેલ-કરતબ બતાવવા માટે ટેસ્ટ પાયલટ બૉમ હુવરની અમેરિકામાં ચોતરફ ખ્યાતિ ફેલાયેલી. એક વાર સાનડિયાગોમાં શૉ કરીને તેઓ વિમાન ચલાવીને પોતાના ઘેર લોસ એન્જલસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક ૩૦૦ ફૂટની ઊંચાઈએ એમનું પ્લેન બંધ થઈ ગયું. મશીનો કામ કરતાં અટકી ગયાં. બૉમ હુવર કુશળ પાયલોટ હોવાથી પ્લેનને મહામહેનતે જમીન પર ઉતારવા સફળ રહ્યા, પરંતુ આમ કરવા જતાં વિમાનને ઘણું મોટું નુકસાન થયું.
આવી રીતે ઇમરજન્સી લેન્ડિંગ કર્યા પછી પાયલોટ બૉમ હુવરે પોતાના અનુભવને આધારે તત્કાળ વિમાનનું બળતણ તપાસવાનું કામ કર્યું. એણે ધાર્યું હતું તેવું જ બન્યું. વિમાનમાં ગેસોલિનના બદલે જેટનું બળતણ ભર્યું હતું. હવાઈ મથકેથી તેઓ તરત જ વિમાનને સર્વિસ કરનારા મિકૅનિક પાસે પહોંચી ગયા. જ્યારે મિકૅનિકને આ ઘટનાની જાણ થઈ ત્યારે તો એ ધુ્રજવા લાગ્યો.
એને થયું કે એનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, કારણ એટલું જ કે આ અકસ્માતમાં ભલે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ અત્યંત મોંઘી કિંમતનું પ્લેન તૂટી ગયું. હવે શું થશે ?
મિકૅનિક ધારતો હતો કે બૉમ હુવર એની ઝાટકણી કાઢશે, તત્કાળ સસ્પેન્ડ કરી દેશે. સહુની હાજરીમાં આકરો ઠપકો આપશે અને શું નું શું થઈ જશે !
પરંતુ બન્યું એવું કે પાયલોટ બૉમ હુવરે આવીને ન તો મિકૅનિક પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો કે ન તો એને આકરો ઠપકો આપ્યો. બલ્કે એના ગળા પર પ્રેમથી હાથ વીંટાળીને કહ્યું,
'હવે મને ખાતરી થઈ ચૂકી છે કે તું ક્યારેય આવી ગંભીર ભૂલ નહીં કરે. ખેર, આવતીકાલે મારું પ્લેન એફ-૧૧ની સર્વિસ કરવા માટે સવારે આવી જજે.'