Get The App

પ્રાચીન રોમન શહેર પોમ્પેઈનું રહસ્ય ખુલી રહ્યું છે!

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
પ્રાચીન રોમન શહેર પોમ્પેઈનું રહસ્ય ખુલી રહ્યું છે! 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

પ્રા ચીન રોમન શહેર પોમ્પેઈમાં જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, મૃત્યુ પામેલા કેટલાક લોકોની ઓળખ વિશે એક સંશોધનપત્ર 'કરંટ બાયોલોજી જર્નલ'માં પ્રકાશિત થયું છે. સંશોધનપત્ર પ્રમાણે પ્રાચીન ડીએનએનું પૃથ્થકરણ કરતા આશ્ચર્યજનક માહિતી ઉપલબ્ધ થઈ છે. સંશોધકોએ કરેલા નવા ખુલાસાઓએ, પોમ્પેઈના લોકોના એકબીજા સાથેના જનીન સંબંધો, વંશ અને મળેલા અવશેષોની જાતિ નિર્ધારણ વિશેની,  ભૂતકાળમાં થયેલા સંશોધનોને પડકાર ફેંક્યો છે. ૨૦૨૨માં આ પ્રકારનું એક સંશોધન પત્ર,સાયન્ટિફિક રીપોર્ટમાં પ્રકાશિત થયું હતું. હાલમાં થયેલા સંશોધનમાં, વધારે વિગતવાર માહિતી ઉપલબ્ધ થઈ છે. જેના કારણે પ્રાચીન રોમન શહેર પોમ્પેઈના લોકો વિશે, વધારે માહિતી મળી છે. પુરાતત્વ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ટેકનોલોજી દ્વારા થયેલા આધુનિક સંશોધન, ઇતિહાસની યોગ્ય દિશામાં દોરવાનું કામ કરી રહ્યું છે. સંશોધનમાં ઊંડા ઉતારીએ તે પહેલા, રોમન સામ્રાજ્ય અને પોમ્પેઈ શહેર વિશે થોડી માહિતી મેળવી લઈએ. 

રોમન સામ્રાજ્યની શરૂઆત

ઈ.સ.પૂ. ૨૭માં રોમન સામ્રાજ્યની શરૂઆત થઈ હતી. ત્યારબાદ રોમન સામ્રાજ્યનો વિકાસ એશિયા, યુરોપ, અને આફ્રિકા સુધી વિસ્તર્યો હતો. રોમન સામ્રાજ્ય તેની ચરમસીમા અને મહાનતાની ઉંચાઈ પર પહોંચ્યું હતું ત્યારે, રોમન સામ્રાજ્યનો વિસ્તાર બે કરોડ વર્ગ કિલોમીટર સુધી ફેલાયેલો હતો. અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે, જ્યારે ગ્રીકો, ઈટ્રસ્કન્સ અને સેમનાઈટ્સએ, આ શહેર પર કબ્જો જમાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોમ્પેઇ રોમન કૉલોનીનો એક ભાગ બની ગયું હતું. પરંતુ પોમ્પેઇ અને આજુબાજુની અન્ય રોમન વસ્તીઓનું માઉન્ટ વિસુવિયસના વિસ્ફોટે નકશામાંથી નામો નિશાન ઉડાવી દીધું હતું. પોમ્પેમાં વૈભવી મકાનો, ભવ્ય મંદિરો, નાટયશાળાઓ અને જાહેર સ્થળોનો સમાવેશ થતો હતો. પોમ્પેઈ શહેર કૃષિ, અને વેપાર માટે સુપ્રસિદ્ધ હતું. અહીંથી મદિરા, ઓલિવ તેલ, ફળ, અને ખાદ્યપદાર્થોનો નિકાસ કરવામાં આવતો હતો. ઈ.સ.૭૯ની ૨૪ ઓગસ્ટના રોજ, વેસુવિયસ પર્વતમાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો. ત્યારે ગરમ, જીવલેણ વાયુઓ અને રાખ હવામાં ફેંકાયા હતા, જેના કારણે શહેરની મોટાભાગની વસ્તી ધીમે ધીમે મૃત્યુ પામી હતી. આજે શહેર અને માનવ અવશષો લોકોની પીડાના દ્રશ્યો એક ભયાનક ટાઇમ કપ્સ્યુલની માફક સચવાઈ રહ્યા છે. 

૧૭૪૮માં વિજ્ઞાનીઓએ ભુલાઈ ગયેલા શહેરનું ખોદકામ શરૂ થયું હતું. ૧૮૬૩માં પુરાતત્વવિદ્ ગિયુસેપ્પે ફિયોરેલીએ પોમ્પેઈના જ્વાળામુખી વિસ્ફોટના ભોગ બનેલા કેટલાક લોકોના અવશેષોને, પ્લાસ્ટર આફ પેરિસ ઉપયોગ કરી, અવશેષોને સાચવવાની ખાસ પદ્ધતિ વિકસાવી હતી. રાખમાં સમાયેલા શરીરની કેટલીક નરમ પેશીઓમાં સમય જતાં સડો પેદા થઈ રહ્યો હતો. તેને અટકાવવા માટે, સચવાયેલા અશ્મિઓના આકારોમાં પ્રવાહી ચોક રેડીને, જીવાશ્મીઓને આધાર આપ્યો હતો. આ રીતે લગભગ ૧૦૪ લોકોના શરીરના હાડકાઓને ચોક્કસ આકારમાં સાચવી રાખવામાં આવ્યા છે. હવે સંશોધકોએ ડીએનએ સિક્વન્સીંગના પરિણામો ઉપરથી માહિતી મેળવવાનો વૈજ્ઞાનિક પ્રયાસ કર્યો છે.

અભ્યાસ લેખ શું દર્શાવે છે?

હાઉસ ઓફ ગોલ્ડન બ્રેસલેટ, જે એક સુંદર ફ્રેસ્કોથી શણગારેલું ઘર છે, તેનું નામ એક પ્રૌઢ વ્યક્તિના નામ પર પાડવામાં આવ્યું છે, જેણે કાંડા ઉપર કાંસાનું બ્રેસલેટ પહેરેલા હતા. તેમના હાથમા એક બાળક તેડેલું હતું. તેની બાજુમાં એક અન્ય પુખ્ત વ્યક્તિ છે, જે બાળકના પિતા હશે એવું માનવામાં આવ્યું છે. આ ત્રણેય એક સીડીના પગથિયેથી મળી આવ્યા હતાં. બહારની બાજુ બગીચામાં જવાના રસ્તેથી બીજું એક બાળક મળ્યું હતું. જે કદાચ તે ભાગતા ભાગતા બાકી પરિવારથી અલગ થઈ ગયું હતું. પરંપરાગત રીતે, સંશોધકોએ માની લીધું હતું કે 'બ્રેેસલેટ પહેરનાર વ્યક્તિ બાળકની માતા હશે. પરંતુ જિનેટિક વિશ્લેષણથી જાણવા મળ્યું કે તે એક પુરુષ અને બાળકનાં અવશેષો હતા.'

ઓહિયોના માયામી યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવન ટકના કહેવા મુજબ 'લોકો કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિને સ્ત્રી માની લે છે, પણ અહીં એવું નથી. તેમનો સંબંધ જે કંઈ હોય, મૃત્યુની અંતિમ પળે તેણે બાળકને બચાવવાની માનવતા દેખાડી હતી' પોમ્પેઇમાં લોકોએ કેવી રીતે પોતાનો જીવ ગુમાવ્યો તે વિશે વધુ જાણવાંનું બાકી છે. 

હાઉસ ઓફ ક્રિપ્ટોપોર્ટિકસનું નામ તેના ઘર પાસેના ભૂગર્ભ માર્ગને કારણે પડયું છે, ઘરની દિવાલો હોમરના 'ઇલિયડ'થી પ્રેરિત દ્રશ્યોથી શણગારેલી હતી. બે શરીરો એકમેકને લપેટાઈને પડેલા જોવા મળ્યા હતા. આધુનિક વિશ્લેષણ મુજબ એક વ્યક્તિની ઉંમર મરણ સમયે ૧૪થી ૧૯ વર્ષની હતી, જ્યારે બીજી એક વ્યક્તિ એક યુવાન હતો. બેમાંથી એક વ્યક્તિનું લિંગનું નિર્ધારણ શક્ય બન્યુ નથી. ઈસા પૂર્વેના પ્રથમ સદીનાં ફ્રેસ્કોથી શણગારેલું  વિલા ઓફ ધ મિસ્ટરીઝ નામનું રહેઠાણ મળ્યું છે. ઘરના નીચલાં માળે બે મહિલાઓ અને એક બાળકના અવશેષ મળ્યા હતા, અન્ય છ વ્યક્તિઓના અવશેષ રાખના થરોથી દટાયેલા હતાં. જેનાથી એવો અંદાજ આવે છે કે તેઓ પ્રથમ વિસ્ફોટથી બચી ગયા હતા, પછીના તબક્કામાં ગરમી અને ગુગળામણથી મૃત્યુ પામ્યા હશે. એક રૂમમાં એક માણસનાં અવશેષો મળ્યા છે. તેના કપડાના નિશાન પરથી અનુમાન કરવામાં આવે છે કે તે વિલાનો ચોકીદાર હતો.

પ્રાચીન ભૂતકાળની એક ઝાંખી

પોમ્પેઇમાં તેના નાગરિકોના અંતિમ પળોના દુ:ખદ દૃશ્યોનું અનોખું સંરક્ષણ એ પુરાતત્વશાસ્ત્રીઓ માટે ભૂતકાળમાં દ્રષ્ટિ કરવાની એક બારી બની ગયું છે, જેનાથી તેઓ રોમન સામ્રાજ્યમાં જીવન કેવી રીતે હતું? તે વાત સમજવામાં મદદરૂપ બન્યું છે.

જ્વાળામુખીથી નીકળેલી ગરમ રાખ અને પ્રવાહી પથ્થરોએ, ત્યાંના માનવી અને પ્રાણીઓના શરીરો, ઇમારતો, સ્મારકો, મોઝેક, ફ્રેસ્કો, મૂર્તિઓ અને અન્ય કલાકૃતિઓને ઢાંકી દીધા હતા. આ માનવ શરીરો વિસ્ફોટ બાદ થયેલાં વરસાદથી રાખમાં દબાયેલા સિમેન્ટની જેમ ઘન સોલીડ બની ગયા હતા. રાખ જાણે કે સિમેન્ટમાં ફેરવાઈ ગઈ હતી, જેણે દરેક વસ્તુના આકારને તેના વાસ્તવિક સ્વરૂપમાં સાચવી રાખ્યો હતો. સદી પછી જ્યારે પોમ્પેઇ સાઇટ પર ખોદકામ શરૂ થયું, ત્યારે પુરાતત્વશાસ્ત્રીઓએ ઘરો, ચોક, રસ્તાઓ, બાગ-બગીચાઓ અને શહેરની દીવાલોની બહાર લગભગ ૧,૦૦૦ લોકોના આકારોને શોધી કાઢયા હતાં, જેમાં કેટલાંકના શરીર એકલા અને છૂટા છવાયેલા પડયા હતા. કેટલાંક સમૂહ એટલે કે જૂથમાં હતાં.

૨૦૧૫માં, પોમ્પેઇ આર્કિયોલોજિકલ પાર્કે ફરીથી ૧૦૪ પ્લાસ્ટર કાસ્ટમાંથી ૮૬ને પુન:સ્થાપિત કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ઠ-રે અને ભ્ સ્કેન દ્વારા જાણવા મળ્યું કે 'ભલે આ કાસ્ટમાં સંપૂર્ણ હાડપિંજર ન હોય, પણ ઘણા કાસ્ટમાં હાડકાંના અવશેષો હતા.' સ્કેનના આધાર પર સ્પષ્ટ થયું કે, વર્ષો પહેલા જ્યારે આ કાસ્ટો પર કામ થયું હતું, ત્યારે પુરાતત્વશાસ્ત્રીઓએ તેની બનાવટને ફેરફાર કરી હતી. શારીરિક આકારને સુધારવા, હાડકાં દૂર કરવા અને મેટલ રાડ જેવા સ્ટેબિલાઇઝર્સ ઉમેર્યા હતા.

અભ્યાસકર્તાઓની ટીમે આ હાડકાંના ટુકડા અને દાંત પર વધુ સંશોધન કર્યું છે. જે જૂના કાસ્ટમાં થયેલા નુકશાનને કારણે ઉપલબ્ધ બની શક્યા હતા. ટીમે ઘણાં ટુકડાઓમાંથી ડીએનએ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી અને તેનું વિશ્લેષણ કર્યું હતું.

આ અવશેષો પોમ્પેઇના આર્કિયોલોજિકલ પાર્કની વિવિધ જગ્યાઓથી મળ્યા હતા, જેમાં હાઉસ ઓફ ગોલ્ડન બ્રેસલેટ, હાઉસ ઓફ ક્રિપ્ટોપોર્ટિકસ અને વિલા ઓફ ધ મિસ્ટરીઝનો સમાવેશ થાય છે.

પોમ્પેઇ : વૈશ્વિક  જિનેટિક અવશેષોનું કેન્દ્ર 

પોમ્પેઇ એક વૈશ્વિક શહેર હતું, જ્યાં વિવિધ પૃષ્ઠભૂમિવાળા લોકોનો સમૂહ વસવાટ કરતો હતો. જર્મનીના મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટયૂટ ફોર એવોલ્યુશનરી એન્થ્રોપોલોજી અને હાવર્ડ યુનિવર્સિટીમાં રાઇખની લેબ સાથે જોડાયેલા સંશોધક અલિસ્સા મિટનિક જણાવે છેકે 'ઘણા લોકોની પેઢી પોમ્પેઇમાં નવા સ્થાયી થયેલા પૂર્વ મધ્યપ્રાચ્યના ઇમિગ્રન્ટ્સમાંથી ઉતરી હતી, જે રોમન સામ્રાજ્યમાં આંતરખંડીય, ગતિશીલતા અને સાંસ્કૃતિક વિનિમયને પ્રતિબિંબિત કરે છે. કોર્નેલ યુનિવર્સિટીની પ્રોફેસર કેટી બેરેટ જણાવે છેકે 'તે સમયે રોમન સામ્રાાજ્ય બ્રિટનથી લઈને ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વ સુધી ફેલાયેલું હતું, જ્યારે પોમ્પેઇનું સ્થાન એ સમયના સૌથી વ્યસ્ત બંદરોમાંનું એક હતું, જ્યાં ઇજિપ્તના એલેકઝાન્ડ્રિયાથી નિયમિત રીતે જહાજો આવતાં.' આ શહેરના લોકોની પૃષ્ઠભૂમિ અને દેખાવ આ વૈશ્વિક ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે.'આધુનિક સંશોધનના પૂર્વ મધ્યપ્રાચ્યના જિનેટિક માર્કર્સ ધરાવતા અવશેષોની આ ઉપસ્થિતિ આપણને યાદ અપાવે છેકે 'રોમની દાસ પ્રથાનો સામાન્ય પ્રયોગ અને વિદેશીઓના નિયમિત ગુલામીમાથી મુક્તિકરણની પ્રથાની શરૂઆત પણ થઈ હતી. 

સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. માઈકલ એન્ડરસન કહે છેકે 'આ આધુનિક જિનેટિક રિસર્ચ, ઔપનિવેશિક સમયના ઐતિહાસિક વિચારો અને  ખોટી પૂર્વધારણાઓને તોડી પાડવામાં મદદ કરે છે. જેને ૧૮મી અને ૧૯મી સદીમાં યુરોપિયન સમુદાયોએ  ઉભા કર્યા હતા. જે ખરેખર પ્રાચીન વાસ્તવિકતાને દર્શાવતા નથી. આજકાલ લેખક, પત્રકાર અને ઇતિહાસકાર, પોમ્પેઇમાં જ્વાળામુખી વિસ્ફોટના કારણે થયેલ નાટકીય મૃત્યુ અને વિનાશની વાર્તાઓ શોધવા, તેને રજૂ કરવામાં ખૂબ જ રસ લઈ રહ્યા છે. તે ઘણી સારી વાત છે. પરંતુ સત્ય લોકો સુધી પહોંચે તે પણ એટલું જ જરૂરી છે.  જુની ગેરસમજને વિખેરી, વધુ વૈવિધ્યપૂર્ણ, રસપ્રદ અને વૈજ્ઞાનિક  રીતે વાસ્તવિકતાનું  અર્થઘટન થઈ રહ્યું છે.' અભ્યાસકર્તાઓની ટીમ રોમન સામ્રાજ્ય દરમિયાન પોમ્પેઇમાં હાજર રહેલી જાતિની વૈવિધ્ય પર વધુ પ્રકાશ પાડવા માટે એક વિશાળ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.


Google NewsGoogle News