Get The App

સંબંધનું સુખ સમંદરનો નકશો નથી, એ તો સમંદરમાં ધુબાકો!

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
સંબંધનું સુખ સમંદરનો નકશો નથી, એ તો સમંદરમાં ધુબાકો! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ચકચૂર લગ્નગાળામાં વાંચવા જેવી રિયલ રિલેશનશિપની રોમેન્ટિક વાતો જે આધુનિક સમયમાં સહજીવનનું નંદનવન બનાવી શકે છે!

- નિકી અનેજા

- સોફિયા લોરેન

ઇટાલીની જ નહિ, વિશ્વ સિનેમાની જાણીતી અભિનેત્રી. હજુ ૯૦ વર્ષે જીવે છે. દુનિયાએ જે અપ્રતીમ સુંદરીઓ જોઈ છે, એમાંની એક. ટાઈમલેસ બ્યુટી. સુપરહોટ. ફ્રેંચ બ્રિજેટ બાર્ડોટની માફક સેક્સીની વ્યાખ્યામાં જેની તસવીર શોભે એવી સુપરચાર્મર હીરોઈન. કામણગારી કામિની. જગતની ટોપ ટેન રૂપરમણીઓમાં મેરેલીનથી મોનિકાની હરોળમાં ઉભી રહે એવી. જેની મોહિની જોઇને ભલભલા પુરુષોનો તપોભંગ થઇ જાય એવી અપ્સરા.

પણ બહુ ઓછાને ખબર હશે કે સોફિયા પહેલેથી જ એક મોટી ઉંમરના પુરુષના પ્રેમમાં નાની ઉંમરે પડેલી. અનેક દિલફેંક દીવાનાઓ એના પેદા થાય એ પહેલા તો ૧૫ વર્ષની ઉંમરે એણે એક લોકલ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને એમાં જજ તરીકે આવેલા ફિલ્મ ડાયરેક્ટર કાર્લો પોન્ટીએ એનું દિલ જીતી લીધું. કદાચ બાપ વિનાની સોફિયાને એમાં ફાધર ફિગર દેખાયુ હશે. પણ પોતાનાથી બાવીસ વર્ષ મોટા એવા કાર્લો સાથે એને ઈશ્ક થઇ ગયો. કાર્લોને પ્રથમ પત્ની એવી અભિનેત્રી સાથે ભળતું નહોતું. એણે જુવાનજોધ સોફિયા સાથે ૧૯૫૭માં સિક્રેટ અને ૧૯૬૬માં ઓફિશ્યલ મેરેજ કરી લીધા. કાર્લો સુખી લગ્નજીવન અને જોબનના જામ રોજ પીવાને લીધે કે જે કારણ હોય તે, લાંબુ જીવ્યો. ૨૦૦૭માં ૯૪ વર્ષે એણે વિદાય લીધી ત્યારે પત્ની ૨૨ વર્ષ નાની હોવા છતાં પચાસેક વર્ષનું લગ્નજીવન ભોગવ્યું !

સોફિયા આટલી આકર્ષક ને વળી ફિલ્મી નટી. છતાં એવું તો સુખી દાંપત્ય કે સોફિયાને એક ઈન્ટરવ્યુમાં થોડા વર્ષો પહેલા પૂછવામાં આવ્યું કે તમારી મેરેજ લાઈફના રિગ્રેટસ (પશ્ચાતાપ) શું ? તો એણે કહેલું, 'લગ્નના દિવસે મને મારી ઈચ્છા મુજબનો વ્હાઈટ વેડિંગ ગાઉન ના પહેરવા મળ્યો તે!' (અર્થાત, પાંચ દસકામાં બીજો કોઈ મોટો કહી શકાય એવો એકમેક સાથેનો પ્રોબ્લેમ નહિ !)  સોફિયાનો હસબન્ડ જ નહિ, ઘડવૈયો પણ હતો કાર્લો. 

એણે સોફિયાની શરૂઆતની થોડી મેદસ્વી કાયાને શિસ્તથી ઘાટીલી કરી. સોફિયાને એકદમ આર્ટિકયુલેટ કહેવાય એવી ભાષા શીખવાડી. એને ક્લાસિકલ મ્યુઝિકમાં રસ લેતી કરી. વિશ્વનું ઉત્તમ સાહિત્ય વંચાવ્યું. પ્રોમિસ કરેલું એવા પરીકથાના મહેલમાં એને રાખી. ફિલ્મો કરવાની સ્વતંત્રતા તો ઠીક અભિનય અને અદાઓ પણ પતિને બદલે શિક્ષક બનીને શીખવી ! સોફિયાની ચાલ મારકણી બને એ માટે ઘરમાં એ સામસામે બે લાકડાના ટેબલ રાખીને એના ખાના ખુલ્લા રાખતો. સોફિયાએ નિતંબો લહેરાવતા લટકમટક ચાલવાનું ને પુષ્ટ એવા બમ્સથી બેઉ ખાના બંધ કરવાના એટલે ચાલ માદક હિલોળા લેતી બને ! પતિ કાર્લોએ 'દેશી' એવી સોફિયાને ઉત્તમ ચિત્રો કે કલાના મ્યુઝિયમો અને પાર્ટીઓમાં લઇ જઈ, એને સરસ ફેશનેબલ ગિફ્ટસ આપીને સોફિસ્ટિકેટેડ બનાવી.

ફિલ્મોમાં આવા મોટી ઉંમરના મેન્ટોર એવા પ્રેમી કે પતિને છોડીને આમ તૈયાર થયેલી નાયિકા કોઈ પોતાની ઉંમરના પુરુષ સાથે પ્રેમમાં પડીને તરછોડી દે એવી વાર્તાઓ બહુ આવે. પણ આ ફિલ્મી કપલ તો બે દીકરાઓ ઉછેરતું છેલ્લા શ્વાસ સુધી જોડે ને જોડે જ રહ્યું ! હમણાં પેલા ખૂબસુરત બેગમને આખો ટાપુ ખરીદી ભેટ આપનાર આરબ શેખ જમાલના ન્યુઝ અખબારોમાં ચમકેલા. જેમાં યુકેમાં સાથે ભણતા પ્રેમલગ્ન કરનાર એ શેખે પત્ની બિકિની પહેરી મુક્ત રીતે હરેફરે માટે કરોડો ખર્ચી એને આખો ટાપુ લઇ દીધો ! પણ પત્નીએ જ પછી ઈન્સ્ટાગ્રામ પર લખેલું કે બીજા કોઈ પુરુષ સાથે સ્પર્શ તો શું વાત પણ નહિ કરવાની પતિની પરમિશન વિના એવા કડક નિયમો પણ છે ! સોનાનું પિંજર થયું આ તો ! રૂપ કે એના પર સજાવેલા મસ્ત વસ્ત્રો કોઈ જુએ જ નહિ તો એની મજા શું છે ! સોફિયાના ફિલ્મમેકર પતિએ સુખસાહ્યબી આપીને બંધનો નહોતા આપ્યા.. એમાં જ ગ્રે હેર થયા પણ પ્રલોભનો બેઉની લાઈફમાં આસાન હોવા છતાં ગ્રે ડિવોર્સ ના થયા !

એમ તો ૨૯ વર્ષના લગ્નજીવન બાદ અચાનક એ.આર.રહેમાનના તલાકના સમાચાર એણે જ પોસ્ટ કરીને હમણાં આપ્યા. રહેમાનની બેસ ગિટાર વગાડનાર બંગાળણ મોહિની ડેના પણ સેપરેશનના ત્યારે જ સમાચાર આવ્યા. પછી રહેમાનથી તાજી છૂટી થયેલી પત્ની સાયરાએ વળી એના પ્રેમ ને સદભાવના વખાણ પણ કર્યા. રહેમાન દંપતીની ડિવોર્સ લોયર વંદના શાહે જણાવ્યું પણ ખરું કે આ લેવલની સેલિબ્રિટીઝ આમ છૂટી લાંબા લગ્નજીવન પછી પણ એટલે થાય છે કે એમની પાસે બધું જ હોય છે એટલે ઝટ કંટાળી જાય છે. પછી રોમાંચ ફરી મેળવવા નવો રોમાન્સ કરે છે. ક્યારેક વન નાઈટ સ્ટેન્ડ કે અફેરના ઓપ્શન એમને માટે બીજા કરતા ઇઝી હોય છે. એમની સેક્સ લાઈફ અલગ પ્રકારની હોય છે. એની અપેક્ષા અલગ હોય છે. એ લોકો પ્રાઈવસી ખરીદી શકે છે અને પબ્લિક લાઈફમાં આકર્ષણના વિકલ્પ આસાનીથી મળી રહે છે. ક્યારેક પત્ની સામે વાઘ થઇ ફરતો પતિ પેરન્ટસ સામે બિલાડું બની જાય છે, તો ક્યારેક તદ્દન આથી ઉલટું થાય છે. 

કહેવાય છે કે સ્ક્રીન પરના રોમેન્ટિક આઇકોન અને પ્રેમલગ્ન કરીને પરણેલા દેવ આનંદ જેમણે એમના ટૂંકા સમય માટે સુંદરીઓ સાથેના અફેર્સના નિખાલસ ને રસાળ ઉલ્લેખો પોતાની આત્મકથામાં કરેલા છે, એ પાછલી જિંદગીમાં પત્ની કલ્પના કાર્તિક સાથે એક જ ઘરમાં અબોલા રાખી અલગ, રીતસર દીવાલ ચણાવીને રહેતા ! ખબર નહિ, સાચુંખોટું પણ મૃત્યુ પછી કે એ સમયે પણ દેવ આનંદના હજુ હયાત પત્ની તદ્દન ખામોશ છે એ તો નજર સામે દેખાતી હકીકત છે!

અઘરું છે, સાથે રહીને પણ દૂર એવી રિલેશનના રાઝ સમજવાનું. ઓશોએ એક વાર ટાગોરની એક વાર્તા ટાંકીને કહેલું કે સરોવરના બે કાંઠે રહેતા યુવકયુવતી પ્રેમમાં પડે છે. પણ સ્ત્રી શરત મુકે છે કે આપણે ભેગા નહિ રહીએ. પ્રેમ જરૂર કરીશું. મધુર સુમિરન કરીશું. એકબીજાને મળવા હોડીમાં બેસી મન પડશે ત્યારે આવીશું. સાથે નૌકાવિહાર કરીશું. મન થાય તો એકમેકની ઘરે રોકાઇશું, સૂઈ જઈશું. પણ એક છત નીચે એકધારો સમય રહીને પ્રેમની ભરતીમાં ઓટ નહિ આવવા દઈએ. ત્યારે એકપક્ષીય સત્તા કે વડીલશાહી વિના માત્ર સ્વસ્થ સંતુલનથી તમામ આઝાદી છતાં એક ઘરમાં એકસાથે રહીને દીર્ઘ દાંપત્ય વીતાવી શકતા યુગલો હવે ભારતના ચિત્તા કે માડાગાસ્કરના ડોડોની જેમ દુર્લભ / રેર લાગશે ? 

***

નિકી અનેજા. 

યાદ આવ્યું ? ૧૯૯૪માં અનિલ કપૂર સાથે ફિલ્મ આવેલી મિસ્ટર આઝાદ એની માધુરી દીક્ષિતની લૂક એલાઈક એવી હસમુખી પંજાબણ હીરોઈન ? પછી એની ફિલ્મો તો ખાસ આવી નહિ. શાહરૂખ સાથે યેસ બોસ સાઈન કરી હતી પણ પિતાના અવસાન બાદ એણે છોડી દીધી. એક્ચ્યુઅલી, એને ગ્લેમર ઇન્ડસ્ટ્રી જ બહુ માફક ના આવી. એને તો થવું હતું પાયલટ. મોડેલિંગ શોખથી કરતી હતી ને પપ્પા એક સ્ટુડિયોના માલિક એમાં લીડ હીરોઈન તરીકે ફિલ્મ મળી ગઈ. પણ પોતે સેન્સર ચીફ હતા ત્યારે સંસ્કૃતિના નામે કાપકૂપ કરીને સ્કૂપ બનેલા પહેલાજ નિહલાની એને ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર સાથે ડિનર લેવા ફોર્સ કરતા. (દંભીસ્તાન !)

નિકી ભડકતી કે હું પ્રમોશન કરી દઉં એ મારી ફરજ છે. પણ મધરાતે શું કામ ફિલ્મના ફ્યુચર માટે કોઈ સાથે એકલી જાઉં ? અને એનો રસ ઉડી ગયો ફિલ્મી દુનિયાથી. (કૈંક આવી જ વાત બેહદ સ્વરૂપવાન નેહા શર્મા સાથે પણ થઇ હોય એવું લાગે છે. પિતા એના પણ વગદાર રાજકારણી છે પાછા એટલે ઝુક્યા વિના ઝીંક ઝીલી હશે)એની હજુ એક સપ્તાહ પહેલા સિદ્ધાર્થ કન્નનને નિકીએ આપેલો ઈન્ટરવ્યુ જ આ લેખનો જન્મદાતા છે. નિકી પછી થોડી વધુ સલામત ગણાતી ટીવી ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર થઇ ગયેલી. શાહરૂખ સાથે શોઝ કરતી. એમાં એનો એક્સિડન્ટ થયો સેટ પર, અને પછી આઈટી પ્રોફેશનલ એવા લંડનવાસી પ્રેમી સની વાલિયા સાથે પરણવાનું એણે નક્કી કર્યું. નિકી કોઈ લગ્નમાં આવીને બહુ હસમુખ અદાઓમાં એણે ધમાલ હાસ્ય સાથે બધી વાતો દિલ ખોલીને કરી છે. 

એણે કહ્યું કે મોટા ગણાતા પૈસાદાર ગ્લેમરસ લોકોમાં ભાગ્યે જ રિયલ હેપી રિલેશન્સ હોય છે. મોટા ભાગે ગિવ એન્ડ ટેકની સોદાબાજી ને બીજાને દેખાડવા પુરતી શોબાજી. યાદ છે, મૂળ મોરોક્કન અને કેનેડાથી અહીં આવેલી મહાસેક્સી નોરા ફત્તેહીએ કહેલું કે ઘણા ફિલ્મી કપલ માત્ર એકબીજાના લેવલ સરખા હોઈ પરણેલા રહે છે, બાકી હેપિલી મેરીડ હોતા નથી. (નોરાને તો તરત ખબર પડેને ફરતી નજરમાં ઘટતી વફાદારીની !) અને હું તો કોઈ કમાઈ દે તો ઘર ચલાવતી ગૃહિણી બનવામાં વધુ સુખી થાઉં !

બેક ટુ નિકી. નિકી કહે છે. મારો વર્તમાન પતિ ને તત્કાલીન પ્રેમી સની મને મળવા આવતો કે પાર્ટીમાં ભેગો આવતો તો પણ ગોસિપ શરુ થઇ જતી કે જો તો પૂંછડીની જેમ ચોંટયો છે ! અરે, તમારે આવો પ્રેમી કે પ્રેમિકા ના હોય જે જોડે ફરે ને શરમ વિના કંપની આપે તો એ તમારો પ્રોબ્લેમ છે. નિકી એ પણ કહે છે કે 'બાઉન્ડ્રીઝ' ખાસ કરીને એકલી ઇન્ડીપેન્ડન્ટ માઈન્ડની ગણાતી સ્ત્રીઓએ અમલમાં મુકવા જેવો શબ્દ છે આ. તમે તમારી સરહદ નક્કી કરી એને સ્પષ્ટ જણાવી દો, ને પોતે જ લિમિટ ક્રોસ કરી મિક્સ્ડ સિગ્નલ્સ કામના નામે કે પાર્ટીના નામે આપતા ના ફરો તો ઘણી પરેશાની આપોઅપ દૂર થઇ જશે. સેટ ધ બાઉન્ડ્રીઝ. કે આથી આગળ મને નહિ ફાવે. હું અવેલેબલ કે કમ્ફર્ટેબલ નથી. સોરી, ગુડબાય. 

અને એ કહે છે કે ચોઈસીઝ. જે લોકો રિલેશન બાબતે પ્રોબ્લેમમાં આવે છે, એમણે પૈસા કે પ્રતિષ્ઠા કે કોઈ ઈમોશનલ પ્રેશર કે કોઈ સામાજિક દબાણમાં, ઉતાવળમાં કે બીજાને દેખાડી દેવાની લાહ્યમાં, કોઈ વલ્નરેબલ ડિપ્રેશન કે પછી સ્વપ્નીલ લાલચમાં પાર્ટનરની ચોઈસ જ ખોટી કરી હોય છે ! એ ખબર પડીં જાય પણ ક્યાં જાય ? પછી એકલા એકલા પસ્તાવું પડે. ઈજ્જત કે પોતે ખોટા હતા એ કબૂલ ના કરવાનીં બીકે વધુ સમાધાનો કરીને તમાચો મારીને ગાલ લાલ રાખવા પડે !

નિકી આગળ કહે છે કે અમે તાજા પરણેલા હતા, ને હું ત્યારે પણ 

કામ કરતી ને એને માટે મારા હબી એડજસ્ટ કરતા. ત્યારે અમે એક પાર્ટીમાં જોયું કે એક જાણીતી સેલિબ્રિટીની નાનકડી દીકરીને કૈંક થયું તો ભેંકડો તાણતી એની મમ્મી કે પપ્પા પાસે  નહી પણ નોની યાને એની આયા એવી નોકરાણી પાસે ગઈ ! મોટા મોટા લોકોના સંતાનો એમના નોકરો જ ઉછેરે છે, વ્યસ્ત મમ્મી પપ્પાને જુવાનીમાં ટાઈમ નથી. એ વખતે અમે નક્કી કરેલું કે આપણા બાળકોને આમ નહિ ઉછેરીએ. એટલે ટવીન્સ થયાને મેં કરિઅર છોડી દીધી. લંડન જતી રહી. ને મને એનો કોઈ જ અફસોસ નથી. બલકે ગર્વ છે કે મારા બાળકો મેં ઉછેર્યા છે. આજે મોટા થઇ ગયા પણ હજુ લવ યુ મમ્મી, લવ યુ પાપા કહેતા શરમાતા નથી. દોસ્તો ખીજવે કે લે તારા મમ્મી કે પપ્પા તને હગ કરે કે તને તેડવા મુકવા આવે કે તને કોલ કરે ત્યારે મેં એમને શીખવાડી દીધું છે કે સામું કહી દેવું કે 'લે તારા મમ્મી પપ્પા તને એટલો પ્રેમ નથી કરતા ? હાય હાય સો સેડ !'

વેલ સેઇડ નિકી. લાઈફની હીરોઈન બનવામાં તો સ્ટાર બનવા કરતા પણ વધુ મોજ છે, ઇઝન્ટ ઈટ ? 

ફાસ્ટ ફોરવર્ડ 

સવાલ એટલો જ છે કે તમારે ખુશ થવું છે કે બીજાની સામે ખુશ દેખાવું છે? 


Google NewsGoogle News