પૃથ્વીનો વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવ રશિયા તરફ ખસતા જીવ સૃષ્ટિ પર જોખમ
- જગદીશચંદ્ર ભટ્ટ
- નેવિગેશન સિસ્ટમ વેરણછેરણ થઇ શકે
મેગ્નેટિક નોર્થ પોલની રશિયા ભણી ખસવાની પ્રક્રિયા લગભગ ૨૦૪૦ના અંત સુધીમાં પૂરી થઇ જવાની શક્યતા છે : આ કુદરતી પ્રક્રિયા પૂરી થઇ જશે ત્યારે કમ્પાસ(હોકાયંત્ર)માંની સોય ઉત્તરને બદલે પૂર્વ દિશાનું સૂચન કરવાની શક્યતા ખરી.
પૃ થ્વીવાસીઓ માટે થોડાક ચિંતાજનક સમાચાર છે. પૃથ્વીના વિરાટ ગોળાનો વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવ( મેગ્નેટિક નોર્થ પોલ) ધીમે ધીમે સોવિયેત રશિયા તરફ ખસી રહ્યો છે. સાથોસાથ પૃથ્વીનો વિદ્યુત ચુંબકીય દક્ષિણ ધ્રુવ પણ એન્ટાર્કટિકાના પૂર્વ હિસ્સા ભણી ખસી રહ્યો છે.
બ્રિટીશ જીઓલોજીકલ સર્વેના વિજ્ઞાની વિલિયમ બ્રાઉન અને તેની ટીમે તૈયાર કરેલા ખાસ પ્રકારના સાયન્ટિફિક મોડેલના અભ્યાસ દ્વારા આ માહિતી જાણવા મળી છે.
વિલિયમ બ્રાઉને તેના સંશોધનપત્રમાં એવી માહિતી આપી છે કે સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ અને ભૂચુંબકીય ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરતા વિજ્ઞાનીઓ પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવની અને વિદ્યુત ચુંબકીય દક્ષિણ ધ્રુવની અકળ છતાં અતિ મહત્વની ગતિવિધિમાં થતા ફેરફારનો સતત અભ્યાસ કરી રહ્યા છે.આ અભ્યાસના આધારે એવો સંકેત મળ્યો છે કે હાલ પૃથ્વીનો વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવ સોવિયેત રશિયાના સાઇબિરિયા તરફ ખસી રહ્યો છે.આમ તો રશિયા તરફ ખસતાં પહેલાં ૧૯૯૦ દરમિયાન વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવ એટલાન્ટિક મહાસાગરમાં હતો.
વિદ્યુત ચુંબકીય ઉત્તર - દક્ષિણ ધ્રુવ એટલે શું? તેનું સ્થાન ક્યાં હોય?
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ જીઓમેગ્નેટિઝમ(આઇ.આઇ.જી.--નવી મુંબઇ)ના સિનિયર વિજ્ઞાની(નિવૃત્ત) અને સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતના એન્ટાર્કટિકાના કાયમી સંશોધન મથક ભારતીમાં ૧૦ વખત જઇ આવેલા અજય ધરે ગુજરાત સમાચારને કહ્યું હતું કે પૃથ્વીનો વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ નજીકના ચોક્કસ અંતરના ખૂણા પર હોય, જ્યારે પૃથ્વીનો વિદ્યુત ચુંબકીય દક્ષિણ ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ નજીકના ચોક્કસ અંતરના ખૂણા પર હોય.પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તથા આ બંને વિદ્યુત ચુંબકીય ધ્રુવ વચ્ચે ઘણો ઘણો તફાવત છે.
સરળ રીતે સમજીએ તો પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને સ્થિર ભૌગોલિક પ્રદેશ છે, જ્યારે બંને વિદ્યુત ચુંબકીય ધ્રુવ તો પૃથ્વીના કુદરતી ચુંબકીય તત્ત્વ છે, જેમાં સતત પરિવર્તન થતું રહે છે. વળી, આ બંને વિદ્યુત ચુંબકીય ધ્રુવ પૃથ્વીના પેટાળમાં સર્જાતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર(મેગ્નેટિક ફિલ્ડ)ના જ હિસ્સા છે. એક ઉત્તરનો અને બીજો દક્ષિણનો.
ઉદાહરણરૂપે શાળાનાં વિદ્યાર્થીઓ પાસે લોખંડનું જે લોહચુંબક હોય છે તેના ઉત્તરના છેડા પર વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય , જ્યારે દક્ષિણના છેડા પર વિદ્યુત ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોય. કહેવાનો અર્થ એ છે કે બંને વિદ્યુત ચુંબકીય ધ્રુવ છેવટે તો પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર(મેગ્નેટિફ ફિલ્ડ)ના જ હિસ્સા છે.
મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થાય તો શું થાય ?
પૃથ્વીનો વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવ રશિયા ભણી ખસે અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કદાચ પણ મંદ પડે તો પૃથ્વી પરની વિશાળ જીવ સૃષ્ટિ સહિત સંદેશા વ્યવહારની સુવિધા વેરણછેરણ થઇ જાય. સાથોસાથ એરોપ્લેન, સબમરીન, સ્માર્ટફોન વગેરેની નેવિગેશન સિસ્ટમ(દિશા સૂચનની સુવિધા)માં પણ મોટો અવરોધ સર્જોય. ઉપરાંત, મેગ્નેટિક ફિલ્મ કદાચ પણ મંદ પડે તો પૃથ્વી પરની રંગબેરંગી અને હસતીરમતી વિશાળ જીવસૃષ્ટિ માટે પણ જોખમ સર્જાઇ શકે. કારણ એ છે કે મેગ્નેટિક ફિલ્ડરૂપી કુદરતી સુરક્ષા કવચ પૃથ્વીને સૂર્યમાંથી ફેંકાતા ભારે વિનાશકારક વિદ્યુત ભારવાહી પદાર્થકણો અને સૌરપવનોની પ્રચંડ થપાટમાંથી બચાવે છે.
પૃથ્વીના પેટાળમાં ધગધગતા મોલ્ટન નામના લાવાને કારણે મેગ્નેટિક ફિલ્ડમાં સતત ફેરફાર થયા કરે છે. ઉદાહરણરૂપે દરરોજ સવારે મેગ્નેટિક ફિલ્ડની તીવ્રતા વધુ હોય છે, જ્યારે દરરોજ રાતે તે મંદ થઇ જાય છે. આજથી ૨૦ વર્ષ પહેલાં મેગ્નેટિક ફિલ્ડ ઘણું મંદ થઇ ગયું હતું.
2040 સુધીમાં મેગ્નેટિક નોર્થ પોલ સંપૂર્ણપણે ખસી ગયો હશે
વિલિયમ બ્રાઉને ચેતવણીના સૂરમાં એવો સંકેત પણ આપ્યો છે કે મેગ્નેટિક નોર્થ પોલની રશિયા ભણી ખસવાની પ્રક્રિયા લગભગ ૨૦૪૦ના અંત સુધીમાં પૂરી થઇ જવાની શક્યતા છે. આ કુદરતી પ્રક્રિયા પૂરી થઇ જશે ત્યારે કમ્પાસ(હોકાયંત્ર)માંની સોય ઉત્તરને બદલે પૂર્વ દિશાનું સૂચન કરવાની શક્યતા ખરી.
આવા ચિંતાજનક પરિવર્તને કારણે જોકે નેવિગેશન સિસ્ટમમાં ભારે મોટો અવરોધ સર્જાવાનું જોખમ રહે છે. અગાધ સમુદ્રમાં તરતી સ્ટીમર ઉત્તરને બદલે પૂર્વમાં જતી રહે અને અફાટ ગગનમાં ઉડતું વિમાન પૂર્વને બદલે પશ્ચિમમાં ફંટાઇ જાય તો શું થાય તેની કલ્પના કરવા જેવી છે.
દર 3,00,000 વર્ષે બંને મેગ્નેટિક પોલ્સ બદલાઇ જાય
અજય ધરે તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે કહ્યું હતું કે ખરેખર તો વિદ્યુત ચુંબકીય દક્ષિણ ધ્રુવ ખસવાની પ્રક્રિયામાં જબરો ખળભળાટ થઇ રહ્યો છે.આ પોલ એન્ટાર્કટિકા ભણી ખસી રહ્યો છે.આમ તો બંને મેગ્નેટિક પોલ્સની ખસવાની કુદરતી પ્રક્રિયા દર ૩,૦૦,૦૦૦(ત્રણ લાખ) વર્ષે થાય છે. આ જ પ્રક્રિયા દરમિયાન બંને વિદ્યુત ચુંબકીય ધ્રુવ પણ ઉલટા-- સુલટા બદલાઇ જાય(રિવર્સલ). એટલે કે મેગ્નેટિક નોર્થ પોલ મેગ્નેટિક સાઉથ પોલ બની જાય અને મેગ્નેટિક સાઉથ પોલ મેગ્નેટિક નોર્થ પોલ બની જાય. રિવર્સલ ઓફ પોલની કુદરતી પ્રક્રિયા આજથી ૭,૮૦,૦૦૦ વર્ષ પહેલાં થઇ હતી. આ ભારે તોફાની પ્રક્રિયા થવાનો સમય આવતો જાય છે. કદાચ આવતાં ૧,૨૦૦ થી ૧,૫૦૦ વર્ષ દરમિયાન થાય તેવી સંભાવના ખરી.
પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ઉત્તર ધ્રુવમાં કેવી ગતિવિધિ થઇ રહી છે?
વિલિયમ બ્રાઉને તેના સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે છેલ્લાં ૩૦૦ વર્ષ દરમિયાન (૧,૬૦૦ થી ૧,૯૦૦)ના વૈજ્ઞાનિક સંશોધન અને અભ્યાસના આધારે જાણવા મળ્યું છે કે મેગ્નેટિક નોર્થ પોલ દર વર્ષે લગભગ ૬(છ) માઇલ ખસ્યો છે.ખાસ કરીને આ સદીની શરૂઆતના તબક્કે દર વર્ષે આશરે ૩૪ માઇલ સરક્યો છે. જોકે છેલ્લાં પાંચ વરસ દરમિયાન તેની ગતિવિધિ મંદ થઇ હતી અને તે દર વરસે ૨૨ માઇલ ખસ્યો છે.
પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ધ્રુવની ગતિવિધિની નોંધ બ્રિટીશ જીઓલોજીકલ સર્વે અને અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન(એન.ઓ.એ.એ.--નોઓ) રાખે છે. આ બંને વિજ્ઞાન સંસ્થાઓએ ખાસ પ્રકારનું વર્લ્ડ મેગ્નેટિક મોડેલ તૈયાર કર્યું છે.આ મોડેલના આધારે એવી સચોટ આગાહી કરી શકાય છે કે મેગ્નેટિક નોર્થ પોલ ચોક્કસ કયાં હોવો જોઇએ ?