Get The App

શિયાળાનું સ્ટાઈલ આઈકન ડેનિમ જેકેટ 'સ્ટાઈલ' માટે બન્યું જ ન હતું!

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
શિયાળાનું સ્ટાઈલ આઈકન ડેનિમ જેકેટ 'સ્ટાઈલ' માટે બન્યું જ ન હતું! 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ડિસેમ્બર મહિનો ઠંડી લઈને આવ્યો. ને વિન્ટરવેરની શોપિંગમાં તેજી આવી. દર વર્ષની જેમ ડેનિમ જેકેટ ટ્રેન્ડિંગ છે, ત્યારે જાણીએ દુનિયાનું પહેલું ડેનિમ જેકેટ કેવી રીતે બન્યું હતું...

લિવાઈ સ્ટ્રસ.

૧૯મી સદીમાં જર્મન-અમેરિકન બિઝનેસમેનનું નામ કદાચ આજે અજાણ્યું લાગે, પરંતુ એણે બનાવેલી પ્રોડક્ટ અને કંપની બિલકુલ અજાણી નહીં લાગે. આ ઉદ્યોગ સાહસિકે ૧૮૫૩માં લિવાઈ સ્ટ્રસ એન્ડ કંપની નામે ઉદ્યોગ સ્થાપ્યો અને પહેલી વખત બ્લૂ જીન્સ બનાવવાનું શરૂ કર્યું. એણે સ્થાપેલી કંપની આજે લિવાઈસના નામે જગ વિખ્યાત છે અને એનું બ્લૂ જિન્સ ગ્લોબલ ફેશન ટ્રેન્ડ છે.

વેલ, ૧૯મી સદીની શરૂઆતના દશકામાં કાપડના ઘણાં સંશોધનો થતાં હતાં. એમાં કોટનમાંથી મજબૂત કાપડ 'જીન'ના પ્રયોગો પણ થતાં હતાં. આ પ્રયોગો કરવામાં ઈટાલી, ફ્રાન્સ, જર્મની, અમેરિકાના સંશોધકો મોખરે હતા. તેના કારણે જુદા જુદા પ્રકારનું 'જીન'નું મજબૂત કાપડ બન્યું. તે વખતે હજુ એ કાપડ પર રંગના, મટિરિયલના ઘણાં એક્સપિરિમેન્ટ થતાં હતા ને એમાંથી પ્રોડક્ટ કઈ બનાવી શકાય તેનીય વિચારણા ચાલતી હતી. ત્યારે આ કાપડનું નામ 'જીન્સ' પડયું ન હતું. ઈટાલીના જે શહેર જીનોવામાં એ બનતું હતું એટલે તેને ઘણાં જીન કહેતા, તો કેટલાક ફ્રાન્સમાં નીમ્સમાં બનતું હોવાથી એને નીમ્સ પણ કહેતા હતા. એ ગાળામાં ઘણાં સંશોધકોએ જીન્સ બનાવ્યું અને એની પેટન્ટ પણ નોંધાવી. એમાંના એક હતા લિવાઈ સ્ટ્રસ.

જર્મનીમાં જન્મેલા લિવાઈએ જર્મની અને ફ્રાન્સમાંથી જીન્સનું કાપડ અમેરિકામાં લાવ્યું અને સાન ફ્રાન્સિસ્કોના એક દરજી જેકબ ડેવિસ સાથે મળીને તૈયાર પેન્ટ બનાવવાનું શરૂ કર્યું. તેમણે ફેશન આઈકન બનાવવા માટે જીન્સનું બ્લૂ પેન્ટ બનાવ્યું ન હતું. મૂળ તો ખાણ અને મિલમાં કામ કરતા મજૂરોના કપડાં તુરંત ફાટી જતા. મિલ માલિકોને મળીને તેમણે મજબૂત પેન્ટ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ કરવા માંડયો. કોલસાની ખાણોમાં પણ મજૂરો માટે અને રેલબોર્ડના કામદારોને પણ આ મજબૂત પેન્ટ ઉપયોગી થઈ પડયા. લિવાઈ અને જેકબનો ધંધો ટૂંક સમયમાં જ જામી ગયો. એકાદ દશકા સુધી બ્લૂ જીન્સનું જથ્થાબંધ ઉત્પાદન કર્યા પછી તેમની પાસે આવા જ મટિરિયલના મજબૂત શર્ટની માગણી થવા માંડી. ને એમાંથી બન્યું દુનિયાનું પ્રથમ ડેનિમ જેકેટ.

***

૧૮૭૦ આસપાસ લિવાઈ સ્ટ્રસે જીન્સના મટિરિયલમાંથી શર્ટ બનાવવાની કોશિશ કરી. લિવાઈ અને જેકબે મળીને શર્ટ બનાવ્યું, પરંતુ એ મટિરિયલમાં કામ કરવાનું અઘરું હતું. એકલ-દોકલ શર્ટ તો બનીય જાય, પરંતુ જે જથ્થાબંધ ઉત્પાદનની ડિમાન્ડ હતી એ પૂરી થાય તેમ ન હતી. એના માટે સીવણ મશીનમાં ફેરફાર કરવા પડે, પેન્ટની સરખામણીએ શર્ટના કોલર વગેરે બનાવવાનું વધારે અઘરું કામ હતું. મોટાભાગના કારીગરોએ એવા શર્ટ બનાવવામાં ખાસ રસ બતાવ્યો નહીં. વળી, બ્લૂ જીન્સ પેન્ટની ડિમાન્ડ જ એટલી વધારે હતી કે બીજું કશું કરવામાં જામેલા ધંધાને અસર થાય એવું બંને પાર્ટનર્સ ઈચ્છતા ન હતા.

આખરે બધું સેટ થયું પછી ૧૮૭૮માં જીન્સના શર્ટનો પહેલો જથ્થો કંપનીએ બહાર પાડયો. તેને જોરદાર રિસ્પોન્ડ મળ્યો એટલે લિવાઈ સ્ટ્રસ એન્ડ કંપનીએ તો ઉત્પાદન વધાર્યું, પરંતુ બીજી ગારમેન્ટ કંપનીઓ પણ થોડી જુદી ડિઝાઈનની પેટન્સ નોંધાવીને મેદાને પડી. તે વખતે આ શર્ટને જીન્સનું જેકેટ નામ અપાયું. તેને મજૂરવર્ગ, રેલવેના પાયલટ્સ તો પહેરતા જ હતા. તે ઉપરાંત જેને કાઉબોય કહેવાતા એ તબેલામાં કામ કરતા લોકો પણ પહેરતા થયા. બ્લૂ જીન્સ અને જીન્સના જેકેટની ખાસિયત એ હતી કે તેને દિવસો સુધી પહેરી શકાતા. ઘોડા પર લાંબી મુસાફરી હોય ત્યારેય આ કપડાં ઉપયોગી થઈ પડતા. ટકાઉ તો હતા, ઠંડીથી પણ રક્ષણ આપતા.

૧૯મી સદીના અંતે ને ૨૦મી સદીની શરૂઆતમાં અમેરિકન ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ક્રાંતિ આવી. ટ્રક ચાલવા માંડયા. ટ્રક ચાલકોમાં બ્લૂ જીન્સ ઉપરાંત જીન્સના જેકેટ પોપ્યુલર થયા.

આ જેકેટ્સને બનાવવામાં ફ્રાન્સના નીમ્સ શહેરમાં બનતું કાપડ બહુ જ વપરાતું એટલે એના માટે સર્જ ડી નીમ્સ ટર્મ વપરાતી. એમાંથી શબ્દ બદલાઈને ડેનિમ થઈ ગયો. ડેનિમ ને જીન્સ પછીથી પર્યાય શબ્દો બની ગયા ને ૨૦મી સદી મધ્યાહને પહોંચી ત્યાં સુધીમાં જીન્સના જેકેટ ડેનિમ જેકેટથી ઓળખાવા લાગ્યા.

***

સેકન્ડ વર્લ્ડવોર પછી આખી દુનિયામાં ફેશન ટ્રેન્ડ બદલાયો. મિલ મજૂરો ને ખાણ, ફેક્ટરીના કામદારો જે કાપડ પહેરતા હતા એનો શહેરી યુવા વર્ગમાં ક્રેઝ વધ્યો. એ અસરામાં કાઉબોયને કેન્દ્રમાં રાખીને હોલિવૂડમાં અનેક ફિલ્મો બનતી હતી. એ ફિલ્મોમાં કાઉબોયને જીન્સ પેન્ટ અને ડેનિમ જેકેટ પહેરેલા બતાવાતા એટલે એવા કપડાંની યુવાનોમાં ડિમાન્ડ થઈ. પરિણામે બ્લૂ જીન્સ અને જેકેટ્સની ડિઝાઈન યુવાનોને ધ્યાનમાં રાખીને બનવા લાગી. એમાંય પહેલ લિવાઈસે જ કરી.

ફેશન વર્લ્ડમાં ટાઈપ-૩ ડેનિમ જેકેટના કોડનેમથી ઓળખાતું પોકેટવાળું ડેનિમ જેકેટ લિવાઈસે ૧૯૬૨માં માર્કેટમાં મૂક્યું અને તે ઓવરનાઈટ ક્લિક થઈ ગયું. અમેરિકાના બાઈકર્સ ડેનિમ જેકેટ અને જીન્સને સ્ટાઈલ આઈકન ગણતા. જીન્સ, વ્હાઈટ કે રેડ ટીશર્ટ અને તેના ઉપર જેકેટ - આ પહેરવેશ અમેરિકન યુવાનોમાં એવો ક્લિક થઈ ગયો તેની અસર આખી દુનિયાની ફેશન ઈન્ડસ્ટ્રી પર પડી. તે વખતના શર્ટમાં ડાબી તરફ માત્ર એક પોકેટ આવતું. ડેનિમમાં બે પોકેટ તો આવતા જ, પરંતુ એના પર બટન લગાવેલું કવર પણ આવતું ને પછીના ડેનિમ જેકેટ્સમાં તો સાઈડમાં હેન્ડ પોકેટ્સ આવવા માંડયા.

ડેનિમ જેકેટ્સ એકદમ યુવાનોની પસંદ પ્રમાણે બનતા જ હતા, પરંતુ ૧૯૮૦ આસપાસ તો હોલિવૂડની એક્ટ્રેસ પણ ડેનિમ જેકેટ્સ અને જીન્સ પહેરીને પડદા પર આવવા માંડી એટલે યુવતીઓમાંય ડેનિમ જેકેટ પોપ્યુલર થવા માંડયા.

આજે ડેનિમ જેકેટ વર્ષો વર્ષ દર શિયાળામાં શોપિંગ ટેન્ડ બને છે ને સેંકડો કંપનીઓ ડેનિમ જેકેટ્સ બનાવે છે. જીન્સના પેન્ટની જેમ ડેનિમ જેકેટ પણ ક્યારેય આઉટ ઓફ ફેશન બન્યા નથી. છેલ્લાં ૬૦-૭૦ વર્ષમાં ત્રણ-ચાર જનરેશન બદલાઈ ગઈ ને દરેક જનરેશન ડેનિમ જેકેટ્સ પહેરવાનું પસંદ કરે છે.

ડેનિમ જેકેટનું ગ્લોબલ માર્કેટ ૧૮ અબજ ડોલરનું છે અને ૨૦૩૦ સુધીમાં બમણું થઈને ૩૬ અબજ ડોલરનું થઈ જશે. વિન્ટરવેરના ટોટલ માર્કેટમાંથી ૧૨-૧૫ ટકા હિસ્સો ડેનિમ જેકેટ્સનો છે. આ ડેનિમ જેકેટનો દબદબો બતાવે છે, જે આગામી દશકાઓમાં ઘટવાને બદલે વધવાનો છે.

વિન્ટરવેરનું ગ્લોબલ માર્કેટ 285 અબજ ડોલર

વિન્ટરવેરનું માર્કેટ એક રીતે સ્ટેબલ હોવું જોઈએ. કારણ કે એશિયન દેશોમાં વર્ષમાં એક જ વખત જેકેટ્સ, કોટ, મફલર, ઈયરમફ, ગરમ ટોપી, હાથ-પગનાં ગરમ મોજાં વગેરેની જરૂર પડે છે. સૌથી વધુ ગરમ કપડાંનું માર્કેટ યુરોપ અને અમેરિકાના અલાસ્કા, કોલોરાડો જેવા અમુક રાજ્યો, કેનેડા, રશિયામાં છે. જ્યાં ઠંડી વધારે પડે છે. પરંતુ હવે એક્સ્ટ્રીમ વેધરના કારણે ને લોકોની ખરીદશક્તિ વધી હોવાથી ગરમ કપડાંનું માર્કેટ ઝડપભેર વધી રહ્યું છે. ૨૦૨૪માં ગ્લોબલ વિન્ટરવેરનું માર્કેટ ૨૮૫ અબજ ડોલરને પાર થઈ ચૂક્યું છે. એક દશકામાં આ માર્કેટ હજુય વધીને ૩૫૦ અબજ ડોલરે પહોંચે તેવો અંદાજ છે.

વિન્ટર જેકેટના પ્રોડક્શનમાં ચીનને પછાડી બાંગ્લાદેશ આગળ નીકળ્યું

યુરોપ, અમેરિકાથી લઈને એશિયન દેશોમાં વેચાતા વિન્ટર જેકેટ્સનું પ્રોડક્શન બાંગ્લાદેશમાં થાય છે. બ્રાન્ડેડ જેકેટ્સ બનાવતી કંપનીઓ હજારો રૂપિયામાં જે જેકેટ્સ વેચે છે એનું બલ્ક પ્રોડક્શન બાંગ્લાદેશમાં કોન્ટ્રાક્ટ પર થાય છે. બાંગ્લાદેશમાંથી એક જ મહિનામાં સરેરાશ ૨૫૦ કરોડ રૂપિયાના જેકેટ્સ એક્સપોર્ટ થાય છે. અત્યાર સુધી ગ્લોબલ વિન્ટરવેર મેકર કંપનીઓ ચીનમાં વિન્ટરવેરનું પ્રોડક્શન કરતી હતી, પરંતુ હવે ચીનમાં પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ છે. વળી, ચીનની કંપનીઓ અન્ય કંપનીઓના બ્રાન્ડેડ જેકેટ્સ બનાવવા કરતાં પોતાની રીતે જેકેટ્સ સહિતના વિન્ટરવેર બનાવીને આફ્રિકા-યુરોપમાં મોકલીને સારી એવી કમાણી કરે છે. પરિણામે દુનિયાભરની વિન્ટરવેર મેકર કંપનીઓએ ચીનને બદલે બાંગ્લાદેશ તરફ ફોકસ કર્યું છે. બાંગ્લાદેશમાં એક બ્રાન્ડેડ જેકેટ ચારથી પાંચ ડોલર યાને ૩૫૦થી ૪૦૦ રૂપિયામાં તૈયાર થઈ જાય છે. તેને કંપનીઓ ૨૫થી ૩૫ ડોલર એટલે અંદાજે બે હજારથી ત્રણ હજાર રૂપિયામાં વેચે છે. અમેરિકા અને યુરોપના દેશોના ટેરિફ વગેરેના કારણે ચીનમાં વિદેશી બ્રાન્ડના જેકેટની પ્રોડક્શન કોસ્ટ વધીને ૮થી ૧૦ ડોલરે પહોંચી જાય છે એટલે કંપનીઓનો નફો ઘટી જાય છે. તેના બદલે બાંગ્લાદેશમાં પ્રોડક્શન કરે તો નફાનું માર્જિન ઘણું મોટું રહે છે. બાંગ્લાદેશની કપડાં બનાવતી ફેક્ટરીઓનું પ્રોડક્શન છેલ્લાં દોઢ-બે વર્ષથી ઓલમોસ્ટ બમણું થઈ ગયું છે. બે વર્ષથી બાંગ્લાદેશની ફેક્ટરીઓ જેકેટ્સનું પ્રોડક્શન પણ દોઢ ગણું વધ્યું છે.

ઠંડા પ્રદેશોના કપડાંના પ્રોડક્શનમાં ગરમ દેશોનો દબદબો

ચીન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, વિએટનામ, તાઈવાન, ફિલિપાઈન્સ, જાપાન, સાઉથ કોરિયા, યુએઈમાં મોટાપાયે વિન્ટરવેરનું પ્રોડક્શન થાય છે. અમુક કંપનીઓ આફ્રિકન દેશોની ફેક્ટરીઓ પાસે પણ પ્રોડક્શન કરાવે છે. ભારતમાં પણ ૨૦૨૦ પછી વિન્ટરવેરનું પ્રોડક્શન વધ્યું છે. ગરમ કપડાંનું એક્સપોર્ટ વધ્યું છે. ૨૦૧૪માં ભારતના ગરમ કપડાંનું માર્કેટ રૂ. ૧૫ હજાર કરોડ હતું, જે વધીને આ વર્ષે ૩૩ હજાર કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ભારતની નિકાસ પણ ૧૨ ટકા વધી છે. એશિયન દેશોમાં જેકેટ્સ, કોટ, મોજાં સહિતના ગરમ કપડાંની નિકાસમાં છ ટકાનો વૃદ્ધિદર નોંધાયો હતો. ગ્લોબલ વિન્ટરવેર પ્રોડક્શનમાંથી ૬૦થી ૬૫ ટકા ઉત્પાદન ચીન, બાંગ્લાદેશ, ભારત સહિતના એશિયન દેશોમાં થાય છે.


Google NewsGoogle News