નાદ બ્રહ્મરૂપ ધ્વનિ - સ્વરશક્તિ રોગોપચારનું અસરકારક સાધન
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ધ્વનિ બ્રહ્માંડની મુખ્ય ત્રણ શક્તિઓમાંની એક શક્તિ છે. આ ત્રણ શક્તિઓ છે - ધ્વનિ, તાપ અને પ્રકાશ. એ ત્રણેય શક્તિઓના સૂક્ષ્મ તરંગો આખા બ્રહ્માંડમાં ફેલાયેલા છે
'મનનાત્ ત્રાયતે યસ્માત્રસ્માત્ મંત્ર: પ્રકીર્તિત: ।
મનન કરવાથી જે આપણને બચાવે છે, જે આપણું રક્ષણ કરે છે તે મંત્ર.' મન્યતે જ્ઞાયતે આત્માદિ યેન - જેનાથી આત્મા અને પરમાત્માનું જ્ઞાન, પરમ તત્વનો સાક્ષાત્કાર થાય તે મંત્ર. એ રીતે મંત્ર વિશે સરસ વ્યાખ્યા આપવામાં આવી છે - મનનં વિશ્વ વિજ્ઞાનં ત્રાણં સંસારબંધનાત્ । યત: કરોતિ સંસિદ્ધો મંત્ર ઈત્યુચ્યતે તત: ।। આ જ્યોતિર્મય અને સર્વવ્યાપક આત્મ તત્વનું મનન છે અને આ સિદ્ધ થાય એટલે રોગ, શોક, દુ:ખ, દૈન્ય, પાપ, તાપ અને ભય વગેરેથી રક્ષા કરે છે એટલે એ મંત્ર કહેવાય છે. શાસ્ત્રોમાં મંત્ર વિશે બીજી પણ એક સુંદર સમજૂતી આપવામાં આવી છે - 'મનનાત્ તત્વરૂપસ્ય દેવસ્યામિત તેજસ: । ત્રાયતે સર્વદુ:ખેભ્ય: તસ્માન્મંત્ર ઈતીરિત: ।। જેનાથી દિવ્ય અને તેજસ્વી દેવતાના રૂપનું ચિંતન અને બધાથી દુ:ખોથી રક્ષણ પ્રાપ્ત થાય તે મંત્ર છે. પ્રયોગ સમવેતાર્થસ્મારકા: મંત્રા: - અનુષ્ઠાન અને પુરશ્ચરણના પૂજન, જપ અને હવન વગેરેમાં દ્રવ્ય અને દેવતા વગેરેના સ્મારક અને અર્થના પ્રકાશક મંત્ર છે.' સર્વે બીજાત્મકા: વર્ણા: મંત્રા: જ્ઞોયા શિવાત્મિકા: બધા બીજાત્મક વર્ણો મંત્ર છે અને તે શિવનું સ્વરૂપ છે. મંત્રો ખૂબ શક્તિશાળી હોય છે અને તે ગૂઢ રહસ્યોથી ભરેલા હોય છે. એટલે જ કહેવાયું છે - 'મંત્રો હિ ગુપ્ત વિજ્ઞાન: મંત્ર ગુપ્ત વિજ્ઞાન છે. તેનાથી ગૂઢમાં ગૂઢ રહસ્યોને પ્રાપ્ત કરી શકાય છે.
અથર્વવેદમાં ઉલ્લેખ છે કે મંત્રસિદ્ધ ઋષિમુનિઓ એમના શિષ્યોને કહેતા - 'યત્ ત આત્મનિ તત્વાં ઘોરમસ્તિ । સર્વ તદવાચાપહન્મો વયમ્ ।। તારા શરીરમાં જે અનિષ્ટ (રોગ) છે તેને મંત્રથી પવિત્ર થયેલી વાણીથી એટલે કે વિશિષ્ટ સ્વરશક્તિથી અમે નષ્ટ કરી દઈશું.' (૧/૧૮/૩)
ધ્વનિ બ્રહ્માંડની મુખ્ય ત્રણ શક્તિઓમાંની એક શક્તિ છે. આ ત્રણ શક્તિઓ છે - ધ્વનિ, તાપ અને પ્રકાશ. એ ત્રણેય શક્તિઓના સૂક્ષ્મ તરંગો આખા બ્રહ્માંડમાં ફેલાયેલા છે. તે સજીવ-નિર્જીવ બધાને અસર પહોંચાડે છે. ધ્વનિ તરંગો આપણા સ્થૂળ શરીરને પ્રભાવિત કરે છે, તાપ તરંગો સૂક્ષ્મ શરીરને પ્રભાવિત કરે છે અને પ્રકાશ તરંગો કારણ શરીરને પ્રભાવિત કરે છે. એટલે સ્થૂળ શરીર પર અસર ઉપજાવવા મંત્ર ધ્વનિ, સ્વર ધ્વનિ, શાસ્ત્રીય રાગ ગાયનનો સૂક્ષ્મ શરીર પર અસર ઉત્પન્ન કરવા પ્રાણાયામ, યોગ અને કારણ શરીર પર અસર ઉપજાવવા ધ્યાન યોગનો ઉપયોગ કરાય છે. આપણે ત્યાં નાદ ધ્વનિ, સ્વર શક્તિને બ્રહ્મ કહેવામાં આવે છે. મંત્રોચ્ચાર થકી ઉત્પન્ન થયેલો ધ્વનિનો પ્રવાહ વ્યક્તિની સમગ્ર ચેતનાને પ્રભાવિત કરે છે. મંત્ર ધ્વનિના કંપનો (Vibrations) અંતરિક્ષમાં ફેલાઈને સ્થૂળ અને સૂક્ષ્મ બધી સત્તાઓ પર અસર ઉપજાવે છે. કંઠ, જીત અને તાળવા જેવા અવયવોથી ઉત્પન્ન કરાયેલ ધ્વનિ સ્થૂળ શરીર પર પ્રભાવ પેદા કરી સૂક્ષ્મ શરીરમાં આવેલી ઉપત્યિકાઓ, નાડી ગુચ્છકો અને વિદ્યુત પ્રવાહો પર પણ ભારે અસર ઉપજાવે છે. મંત્ર ઉચ્ચારણથી ઉદભવેલી ઊર્જા ઉચ્ચારણ કરનારના આખા અસ્તિત્વને પ્રભાવિત કરે છે એમ છતાં એ શબ્દવેધી બાણની જેમ શરીરના અમુક ભાગ કે અંગોપાંગને ટકરાઈને ખાસ તે જ જગ્યાએ વિશેષ અસર ઉપજાવી શકે છે જે ઋણ કે રોગગ્રસ્ત હોય. એટલા માટે જ મંત્રમાં ખાસ બીજાક્ષરો અને શબ્દોનો પ્રયોગ થાય છે. ઓમ, ઐં, હ્રીં, ક્લીમ્ જેવા જુદા જુદા બીજમંત્રો આ માટે જ બનાવાયા છે.
શાસ્ત્રો કહે છે કે મંત્ર, એનો અર્થ અને એના દેવતાનું ઐક્ય સધાય તો એ ફળ આપનારા બને છે. એટલે જ 'મંત્ર ગુરુ દેવતાનામ્ ઐક્યમ્'ની વાત કહેવામાં આવી છે. દેવતા એ મંત્રનું શક્તિકેન્દ્ર છે. મંત્રનું ઉચ્ચારણ થાય છે ત્યારે તે વિશેષ ગતિથી આકાશના પરમાણુઓમાંથી પસાર થઈ એ દેવતા (શક્તિકેન્દ્ર) સુધી પહોંચે છે. મંત્રજાપ વખતે જરૂરી ઊર્જા મનની પ્રાણશક્તિથી પ્રાપ્ત થાય છે. એ શક્તિ થકી તે વખતે આવિર્ભાવ પામેલા ધ્વનિ તરંગો વિદ્યુત તરંગોના રૂપે પ્રેષિત કરાય છે. તે તરંગો શક્તિકેન્દ્રોને અથડાય છે એનાથી અદ્રશ્ય સૂક્ષ્મ પરમાણુ મંદગતિથી પરાવર્તિત થવા લાગે છે. સૂક્ષ્મ અને સ્થૂળ પરમાણુઓ ચારેબાજુ પ્રવાહિત થાય છે. એનાથી શારીરિક, માનસિક અને આત્મિક ત્રણેય આયામો પર અસર પડે છે.
યોગીઓ, ઋષિઓ મંત્ર ધ્વનિથી સારવાર કરતા હતા. શાસ્ત્રીય સંગીતના ગાયકો સ્વરશક્તિ પર આધારિત રાગના ગાયનથી રોગોપચાર કરે છે અને અર્વાચીન વિજ્ઞાનીઓ પરાધ્વનિ (અલ્ટ્રા સાઉન્ડ)થી રોગ નિદાન અને રોગ સારવાર કરે છે. અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના ચિકિત્સક જોસેફ હોમ્સે અલ્ટ્રા સાઉન્ડનો ઉપયોગ કરીને ઉતકો (tissues) નો અભ્યાસ કર્યો. અર્વાચીન વિજ્ઞાને ટ્રાન્સ્ડ્યુસર (transducer) નામનું એક ઈલેકટ્રોનિક ઉપકરણ બનાવ્યું છે જે વિદ્યુત ઊર્જાને ધ્વનિ ઊર્જાના રૂપમાં ફેરવે છે. તે ૧ સેકન્ડમાં ૨૦,૦૦૦ થી વધારે માત્રાની ગતિથી ધ્વનિ તરંગો પ્રસારિત કરે છે. એ તરંગો જેને અથડાય છે એનું એ પરાવર્તિત કંપનોથી ચિત્ર બનાવી દે છે.
અત્યારે લિથોટ્રિપ્સર નામનું ઉપકરણ બનાવાયું છે જે ધ્વનિ તરંગોથી શરીરમાં રહેલી પથરીને તોડીને ભુક્કો કરી દે છે. કિડની, યુરેટર કે લિવરમાં રહેલી પથરીનું સર્જિકલ ઓપરેશન મહદંશે આ લિથોટ્રિપ્સીની ટેકનિકથી જ કરાય છે. મેડિકલ સાયન્સ અત્યારે અનેક રોગો અને શારીરિક ક્ષતિઓ દૂર કરવા અલ્ટ્રા સાઉન્ડનો જ ઉપયોગ કરે છે. પોલિયો અને સંધિવાનો ભોગ બનેલા ૯૦ બાળકોને અલ્ટ્રા સાઉન્ડથી થોડો સમય સારવાર આપવામાં આવી તો તે સારા થઈ ગયા હતા. પેરિસની પિટિ-સાલપેટ્રી યુનિવર્સિટી હોસ્પિટલ (Pitie - Salpetriere University Hospital) દર્દીઓને પણ અલ્ટ્રા સાઉન્ડથી સારવાર આપવામાં આવી ત્યારે ઘણા ચમત્કારિક પરિણામો જોવામાં આવ્યા હતા. પેરિસના એક વકીલને કમરનો ભયંકર દુ:ખાવો રહેતો હતો તેમનાથી વધારે વખત સુધી ઊભા રહી શકાતું નહોતું. એમને અલ્ટ્રા સાઉન્ડની સારવાર આપવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે માત્ર ૫ મિનિટની સારવારથી તેમની તકલીફ દૂર થઈ ગઈ હતી. ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલ (Mount Sinai Hospital) ના દર્દીઓ પર પણ અલ્ટ્રા સાઉન્ડ થેરેપીનો પ્રયોગ કરાયો હતો અને તેનું ધાર્યા કરતાં પણ વધારે સારું પરિણામ જોવા મળ્યું હતું.
અમેરિકાના ઓહાયો (Ohio) ના આલ્બનીમાં આવેલી હોકિંગ કોલેજના હ્યુમન બાયો-એકોસ્ટિક સાઉન્ડ વિભાગના અધ્યક્ષ, ધ્વનિ વિજ્ઞાની, નિષ્ણાત સાઉન્ડ થેરાપિસ્ટ શેરી એડવર્ડઝે તેમની વિશિષ્ટ સ્વરશક્તિ (Toning Power) થી અનેક રોગો, હાડકા અને સ્નાયુની તકલીફોને દૂર કરી દીધા છે. આ રીતે મેડિકલ સાયન્સ પણ હવે સ્વર શક્તિનો રોગોપચાર માટે ઉપયોગ કરે છે.