એલ્વિન ટોફ્લર અને ભવિષ્યવેત્તાની વાત
- એલ્વિન ટોફ્લર જેવા જ્ઞાનીએ બદલાતી દુનિયા કેવી હશે તેનું ભવિષ્ય ભાખ્યું પણ ભગવદ્ ગીતામાં તો સદીઓ પહેલાંથી ''પરિવર્તન એ જ સંસારનો નિયમ છે'' તેવો બોધ અપાયો છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- જ્યારે એલ્વિન ટોફલર અને તેમનાં પત્ની હેઇડી ફારેરો વિજય ભાઈ ગાંધી પાસેથી આપણા ધર્મમાં જેનો મહિમા છે તે ગર્ભ સંસ્કાર અને તેમણે વિકસાવેલી 'હ્યુમન બીઈંગ ફયુચરોલોજી'ની વાત સાંભળી દંગ થઈ ગયા
‘The illiterate of the 21st century will not be those who can not read or write, but those who can not learn, unlearn and relearn.’
આ જગવિખ્યાત વાક્ય ભવિષ્યના વહેણ અગાઉથી પારખી જવા માટેના દ્રષ્ટા એવા અમેરિકાના એલ્વિન ટોફલરના (૧૯૨૮- ૨૦૧૬) છે. તેમનો કહેવાનો અર્થ એમ છે કે '૨૧મી સદીમાં જે લોકોને લખતા અને વાંચતા નહીં આવડતું હોય તેઓ નિરક્ષર કે અભણ નહીં કહેવાય પણ જેઓ શીખશે અમુક વર્ષો પછી તે શીખેલું ભૂલી જશે અને ફરી નવું શીખશે તેવી અવિરત પરિવર્તન પ્રક્રિયામાં સામેલ નહીં હોય તેવા લોકો કહેવાતા હશે.'
કેટલી અદ્દભુત વાત અને યથાર્થ પુરવાર થયેલો વિચાર છે.
ટેકનોલોજીના આ જમાનામાં આપણે હજુ કંઇક શીખીએ કે હસ્તગત કરીએ છીએ ત્યાં તો નવી ટેકનોલોજી, મોડેલ કે ફિચર્સ હાજર હોય છે. ટૂંકા ગાળામાં જ જૂનું ભૂલીને નવું જ્ઞાન મેળવવાનું અને ફરી થોડા અરસા પછી આ નવું શીખેલું પણ ભૂલી વધુ નવા વર્ઝનનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આ ચક્કર કાયમ ચાલતું જ રહેશે. મોડેલ અને નવી દુનિયા આઉટ ડેટેડ નહીં થાય આપણે જો આમ નહીં કરીએ તો વિશ્વના મુખ્ય પ્રવાહથી દૂર ફંગોળાઈને હાંસિયામાં ધકેલાઈ જઈશું.
સામાન્ય રીતે ભવિષ્યવેતા (VTgwahtujtursMx - Futurologist) એટલે આપણી નજરે એવા જ્ઞાની અને સિધ્ધ વ્યક્તિઓ જેઓ તેમની અંત: સ્ફુરણાથી નજીકના કે દૂરના ભવિષ્યમાં દેશ, દુનિયા અને વ્યક્તિ વિશેષ જોડે કઈ મંગળ કે અમંગળ ઘટના બનશે તેની આગાહી કરી શકે.
પણ,એલ્વિન ટોફ્લર એવા ભવિષ્યવેતા હતા કે જેમણે પોતાની કલ્પના શક્તિથી મુક્ત અર્થતંત્ર, ગ્રાહકવાદ, કમ્પ્યુટર, ડિજિટલ જગત, રોબોટ ટેકનોલોજીને લીધે વ્યક્તિ અને પરિવારનું રોજીંદુ જીવન અને માનસ કઈ રીતે બદલાશે. બજાર, સમાજ, ઓફિસ, ઉદ્યોગો અને તબીબી જગતમાં કેવું પરિવર્તન આવશે તેની આગાહી કરી હતી.
એક નાનું ઉદાહરણ લઈએ તો તેમણે એમ લખ્યું છે કે 'બજારમાં ચીજવસ્તુની એક્સચેન્જ ઓફર અંતર્ગત ખરીદી કરવાને લીધે આપણું માનસ એવી રીતે ઘડાતું જશે કે આપણે ચીજવસ્તુની જેમ જૂના સંબંધોને પણ તોડી નાંખતા ખચકાટ નહીં અનુભવીએ. અગાઉના જમાનામાં બજાર કે મોડેલ અપડેટ આ ઝડપે નહોતા થતાં તેથી આપણા રેડિયો, સાયકલ, સ્કૂટર કે કાર અને ઉપકરણો જોડે જાણે પરિવારના સભ્યો હોય તેમ જોડાણ રહેતું કેમ કે તે લગભગ એક વખત જ ખરીદાતું અને તેની કાળજી તે રીતે લેતા હતા.
પણ એક્સચેન્જ ઓફરને લીધે બે પાંચ વર્ષ તો ચીજ વસ્તુનો ઉપયોગ બહુ થઈ ગયો. નવું મોડેલ આવતા જ જૂનું પરત આપીને નવું ખરીદવું સાવ રમત વાત મનાય છે. જૂનું આપી દેતા સ્હેજ પણ જીવ કચવાતો નથી. એક બાળકી પણ બાર્બી ઢીંગલીને જાણે તેનું સંતાન હોય તેમ રમાડતી હોય છે અને ઢીંગલીનું નવું મોડેલ આવતા જ તે હાલની ઢીંગલીને પળ વારમાં બદલીને અનેરો રોમાંચ પ્રાપ્ત કરે છે.
આ જ માનસિકતા સંબંધોમાં, નોકરી કે ઘર બદલવામાં પણ આરોપિત થઈ જ જાય છે. 'યુઝ એન્ડ થ્રો' માનસિકતા આવા બજારની દેન છે.'
'ફોર્ચ્યુન' સામયિકના એસોસિયેટ એડિટર રહી ચૂકેલા એલ્વિન ટોફ્લરે આવા પરિવર્તન કેવા અને કયા કારણોસર આકાર પામશે તેની રજૂઆત કરતા ૧૩ જેટલા પુસ્તકો લખ્યા હતા. જેમાં 'ફ્યુચર શોક', 'ધ થર્ડ વેવ' અને 'પાવર શિફ્ટ' તો એપિક સ્તરના મનાય છે.
બિલ ગેટ્સ,વોરેન બફેટ કે વિશ્વની ટોચની હસ્તીઓ ટોફલરના પુસ્તકોથી ભાવિ બજાર,સંશોધનો,રોકાણ કઈ દિશામાં કરવું તેનો ક્યાસ કાઢે છે અને તે રીતે ધંધાની અને ઉત્પાદનની વ્યૂહ રચના ગોઠવે છે. ટોફ્લરના સેમિનાર અને વક્તવ્યો પણ યોજાતા અને તેમાં જુદા જુદા ક્ષેત્રોની વ્યક્તિવિશેષ ભાગ લેતી હતી.
હવે જરાક 'કહાનીમેં ટ્વીસ્ટ.' 'તમે એવું માની શકો કે આવા એલ્વિન ટોફલર અને તેમના પત્ની હેઇડી ફારેલ એક ભારતીય અને તે પણ ગુજરાતી વ્યક્તિથી એ હદે પ્રભાવિત થયા હતા કે તેઓએ આ વ્યક્તિ વિજય ભાઈ ગાંધી જોડે એક પુસ્તક બનાવવાની પણ યોજના બનાવી હતી. ૧૯ વર્ષ પહેલાની વાત છે. લોસ એન્જલસમાં એક હોટેલમાં ટોફલરનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. વિજય ભાઈ પાસે ભવિષ્યવેતા (ફ્યુચરોલોજિસ્ટ)નો નવો જ ખ્યાલ હતો. જે તરફ ટોફલરનું ધ્યાન ક્યારેય નહોતું ગયું. વિજય ભાઈના ઓળખ પરિચય બાદ ટોફલર અને તેમના પત્નીને તેમની વાતમાં રસ જાગ્યો. વકતવ્યનો આ કાર્યક્રમ પૂરા થયા પછી વિજય ભાઈ કે જેઓની વય હાલ ૭૯ વર્ષ છે તેમણે ટોફ્લર અને તેની પત્ની સમક્ષ હોટેલની લોબીમાં બેસીને કહ્યું કે 'તમારી પાસે વ્યક્તિ, સમાજ અને બજારના બાહ્ય જગતના બદલાવ માટેનું ભવિષ્ય કહેવાની ક્ષમતા છે પણ માનવી એટલે કે વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી જે અવસ્થામાંથી પસાર થાય છે ત્યારે તેને પણ બદલાતી જતી દુનિયામાં જે પણ વિષમતા સર્જાશે તેનો પડકાર ઝીલવો પડશે. આ ઉપરાંત તેને અગાઉથી જ ચેતવવામાં આવે કે બદલાતી અવસ્થાએ ભવિષ્યમાં આવા આવા પડકારો આવશે અને તે માટે તારે સજ્જ રહેવાનું છે અને હકારાત્મક ગુણો કેળવી દિવ્ય આનંદની અનુભૂતિ કરવા સાથે મોક્ષ પામવાનો છે.'
તે પછી વિજય ભાઈએ ઉમેર્યું કે 'મેં આ માટે 'હ્યુમન બીઇંગ ફ્યુચરોલોજી' થિયરી વિકસાવી છે.' ટોફલર અને તેમના પત્નીને તેમણે સમજાવ્યું કે 'હિન્દુ ધર્મમાં તો બાળક આગળ જતાં શ્રેષ્ઠ સંસ્કારો, ગુણ અને પ્રતિભા સંપન્ન થાય તે માટે બાળકને તે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ સંસ્કાર આપવાની પ્રણાલી અને તેનું શાસ્ત્ર છે. વ્યક્તિની વય પ્રમાણેની તમામ અવસ્થામાં અને તે વખતે તેણે શું કરવું.. કેવી સ્થિતિ હોઇ શકે તેનું અગાઉથી ભવિષ્ય કહી શકાય તેવું શાસ્ત્ર છે. વિશ્વને શ્રેષ્ઠ નાગરિક મળે તેવી આ ભવિષ્ય નિર્માણની થિયરી છે.'
ટોફ્લર અને તેમના પત્ની આ થીયરી વિષે જાણી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ કહ્યું કે, 'અમે તો બજાર અને જનસમુહના પરિવર્તન સુધી જ વિચારી શક્યા છીએ જ્યારે આ તો એક એક વ્યક્તિના શિલ્પી બનવાની ફોર્મ્યુલાનું તત્ત્વજ્ઞાન છે.'
તે વખતે ટોફલર એક પુસ્તક લેખનમાં અને અગાઉથી નિર્ધારિત વિશ્વ પ્રવાસમાં વ્યસ્ત હતા. વિજય ભાઈ પણ કંઈ વ્યાપારી વૃત્તિના છે નહીં તેથી તેમણે યોગ સર્જાય તો ઠીક તેમ માની ટોફલર સાથે ચર્ચા કરેલી તેવું તેમનું આગવું 'હ્યુમન બીઈંગ ફ્યુચરોલોજી'નું જ્ઞાન નિ:શુલ્ક અમેરિકામાં અને ભારતમાં પણ હાલની જેમ જ્યારે અમદાવાદ આવે ત્યારે તેમને જે પણ જાણે તેઓ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે તે ધોરણે તેમની પાસે જે આવે તેમને આપવાનું શરુ કર્યું.
વ્રજેશ્વરીના બ્રહ્મલીન નિત્યાનંદ સ્વામી અને તે પછી બદરી કેદારની યાત્રા દરમિયાન યોગી વેંકટેશ કે જેઓ પૂર્વાશ્રમમાં ન્યાયધીશ હતા તેમની જોડે કોઈ યોગ સર્જાયો હોય તેમ કોઈપણ પાશ્ચાદ ભૂમિકા વગર મુલાકાત થઈ અને કેટલુંક જ્ઞાન તેમને પ્રાપ્ત થયું તેમાનું એક આ 'હ્યુમન બીઇંગ ફયુચરોલોજી' હતું. આ ઉપરાંત ભાવાત્મક વસિયતનામુ લખી આપવું તેમજ નેચરોપેથીનું માર્ગદર્શન આપવામાં જીવન વિતાવી રહ્યા છે.
સંપર્કમાં આવે તેના સંતાનને કે જે તે વ્યક્તિને શ્રેષ્ઠ અને સફળ બને તે માટેની સેવા કરવાનો જાણે તેમને આદેશ મળ્યો હતો. તેઓ સેંકડો બાળકોને ગર્ભ સંસ્કારથી માંડી, બાળ વયે, યુવા વયે, પ્રૌઢ વયે, ઘડપણમાં કઈ રીતે જીવન જીવવું તે માટે જે તે અવસ્થા અગાઉ કે અવસ્થા વખતે તેનું માર્ગદર્શન આપે છે.
જેમ કે બાળક વયમાં નાનું હોય ત્યારથી તેના વર્તન, ચહેરાના હાવભાવ, તેનો ગમો - અણગમો, સામાજિક પરિપ્રેક્ષ્ય, તેના માતા પિતાના સંસ્કાર, બેક ગ્રાઉન્ડનો અભ્યાસ કરવામાં આવે તો તેના ગુણો કે ભયસ્થાનોના વલણ જાણી શકાય છે. તે રીતે ઉછેરની દિશા નક્કી કરી શકાય છે. તેનો એપ્ટીટયુડ ટેસ્ટ, આઇ ક્યુ ટેસ્ટ, ઈમોશનલ અને સ્પિરિચ્યુલ ટેસ્ટ પણ લઈ શકાય. તે ક્યા ક્ષેત્રમાં ઝળકી શકે તે પણ ક્યાસ કાઢી શકાય તેવી જ રીતે વ્યક્તિ આંતર્મુખ કે બહિર્મુખ છે તે જાણીને પણ તેની વેપાર, રોજગારીની તકો ક્યાં છે તે જાણી શકાય. કિશોર વયની વ્યક્તિ યુવા બનશે ત્યારે તેની સમક્ષ કેવું ભાવિ હોઇ શકે તે નજરમાં રાખીને તેને કિશોરવયથી જ સજ્જ કરી શકાય.૨૧ વર્ષની વય સુધીમાં ૧૫, ૧૮ અને ૨૧ વર્ષે એમ ત્રણ વિવિધ કસોટી વિજય ભાઈએ વિકસાવી છે.
યુવા વયે જો વ્યક્તિ માર્ગદર્શન માટે મળે તો ઓફિસ, વ્યવસાય, ઉદ્યોગમાં કેવા ગુણો કેળવવાથી ખીલી શકાય ત્યાંથી શરૂ કરીને શ્રેષ્ઠ પતિ, પત્ની કે વાલી કેમ બની શકાય તેનું પણ જ્ઞાન આપી શકાય. જીવન સાથીની પસંદગી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તે પણ માર્ગદર્શન યુવા પેઢી પાસ હોવું જોઈએ. તે પછી નિવૃત્તિ બાદનું જીવન અને મનોસ્થિતિની આગવી દુનિયા છે. આહાર વિહાર, વ્યાયામ, નેચરોપેથીનું મહત્વ વધતી વય સાથે વધતું જાય છે.
ગર્ભ સંસ્કારનું તો ગજબનું વિજ્ઞાન છે જે ભલે હિન્દુ ધર્મના આપણા પૂર્વજોની કમાલ છે પણ તમામ ધર્મીએ અપનાવવા જેવું છે. મેડિકલ વિજ્ઞાન ગર્ભવતી માતાના પૌષ્ટિક આહાર અને કસરતો પર ભાર મૂકે છે પણ તે બાળકના આરોગ્ય માત્ર પર જ કેન્દ્રિત છે જ્યારે ગર્ભ સંસ્કાર તો આરોગ્ય ઉપરાંત બાળકની પ્રતિભા,સંસ્કાર અને સત્વતા પર પણ ભાર મૂકે છે. પતિ પત્નીએ પ્રસન્ન અને એકબીજાને પ્રેમથી સમર્પિત માનસ સાથે સમાગમ કરવો ત્યાંથી શરૂ કરીને પતિ પત્નીએ નવ મહિના કેમ રહેવું, બેડ રૂમ કેવો રાખવો, હળવું સંગીત સાંભળવું જેવી કેટલીયે બાબતો આવરી લેવામાં આવે છે .બાળકના ગર્ભમાં ઉછેરની બદલાવ અવસ્થા વખતે શું કરવું અને શું ન કરવું તેના માર્ગદર્શન હોય છે.
માનસિક રીતે બાળક મંદ હોય તો તેના શ્રેષ્ઠ ઉછેરનું પણ જ્ઞાન છે.
આમ પેલી કહેવત છે ને કે 'તું જ તારો શિલ્પી છે.' તે જ ધોરણે માનવના અસ્તિત્વના ભવિષ્ય ઘડતરના રોડ મેપનું વિજય ભાઈ સિધ્ધ જ્ઞાન છે.
આમ જોવા જઈએ તો એલ્વિન ટોફલર બદલાતી જતી દુનિયા અને માણસો કેવા હશે તેનું ભવિષ્ય ભાખતા હતા પણ ભગવદ્દ ગીતાનો તો પાયાનો મંત્ર જ એ છે કે 'પરિવર્તન તો સંસારનો નિયમ છે. આજે જે તમારું છે તે ભવિષ્યમાં બીજા કોઈનું થઈ જશે.' કર્મો પ્રમાણે આપણી જન્મ યોની પણ એક્સચેન્જ જ થાય છે ને.