સિક્રેટ અમેરિકન પ્રેસિડેન્ટ્સ ક્લબનો અનોખો કારોબાર
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- નિક્સન પ્રમુખ હતા ત્યારે યુવાન બિઝનેસમેન ટ્રમ્પે તેમને પત્રો લખ્યાં હતાં. એ પત્રો પરથી સ્પષ્ટ જણાય છે કે ટ્રમ્પ-નિક્સનને પોતાના ગુરુ માનતા હતા.
- બરાક ઓબામા પહેલીવાર પ્રમુખ બન્યા ત્યારે તેમની શપથવિધી વખતે પહેલીવાર તત્કાલીન હયાત એવા ચારેય ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ (સિનિયર), જ્યોર્જ બુશ (જુનિયર), બિલ ક્લિન્ટન તથા જિમ્મી કાર્ટર (પ્રેસિડન્ટ્સ ક્લબના સભ્યો) હાજર રહ્યા હતા.
લો કશાહી ભારતમાં પણ છે અને અમેરિકામાં તો ફુલપ્રૂફ ડેમોક્રેસી છે. પરંતુ અમેરિકન લોકતંત્રની વાતો જરા નિરાળી છે તેમાંય પ્રમુખપધ્ધતિની તો વાત જ શું કરવી? સત્તારૂઢ પ્રમુખ હોય તેનો પ્રભાવ તો પડે જ. પરંતુ અમેરિકામાં નિવૃત્ત થઈ ગયેલા વયોવૃદ્ધ ભૂતપૂર્વ પ્રમુખોનું પણ ઘણું વર્ચસ હોય છે. શાસન પ્રણાલિમાં તેમના મતનું પણ મહત્ત્વ હોય છે. કારણ કે જગતનોદાદો થઈને ફરતા અમેરિકામાં ભૂતપૂર્વ પ્રમુખ અને હોદ્દા પરના પ્રમુખ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો અનિવાર્ય બને છે.
અમેરિકાના પ્રમુખો વચ્ચે રાજકારણ, વ્યક્તિ અને નજીવી ફરિયાદોની દષ્ટિએ કદાચ મતમતાંતર હોઈ શકે, પરંતુ આ મતભેદ હોવા છતાં પણ તેઓ એક અજોડ અને અલાયદી જમાતના સભ્યો છે અને તેઓ અનુભવોને આધારે એકબીજા સાથે સંકળાયેલા છે અને આ મંડળને પ્રેસિડેન્ટ્સ ક્લબ અથવા અમેરિકન પ્રમુખોની સિક્રેટ સોસાયટી તરીકે ઓળખાવાય છે.
મજાની વાત તો એ છે કે નેન્સી ગીબ્સ અને મિશેલ ડફી દ્વારા ધી પ્રેસિડેન્ટ્સ ક્લબ યુ.એસ.એ. પર લખાયેલા પુસ્તકને ન્યુયોર્ક ટાઈમ્સે 'બેસ્ટ સેલિંગ બુક' જાહેર કરી છે.
આ પ્રેસિડેન્ટ્સ ક્લબનું અસ્તિત્વ કદાચ બંધારણ, કોઈ પુસ્તક કે કાયદાની રૂએ નથી. કલબનો પ્રારંભ ૧૯૫૩મા ડ્વાઇટ આઇઝનહોવર દ્વારા થયો હતો. તે વખતે હર્બર્ટ હૂપરે દ્રુમેન સમક્ષ મૈત્રીનો હાથ લંબાવ્યો હતો. રાજકીય તથા વ્યક્તિગત રીતે એકબીજાના વિરોધી આ બન્ને નેતા એ મુદ્દે સંમત થયા હતા કે... અમેરિકાની સલામતી માટે વિશ્વવિગ્રહ પછીના સમયમાં પ્રમુખનો હોદ્દો વધુ મજબૂત હોય તે જરૂરી છે. પ્રમુખની સત્તામાં વધારો થાય તે માટે આ બન્ને નેતાઓએ સાથે મળીને કામ કર્યું હતું. કોઈ કોંગ્રેસી વડાપ્રધાન અને ભાજપના વડાપ્રધાન વચ્ચે આવી મિત્રતા કેળવાઈ હોય તેવું ભૂતકાળમાં પણ ક્યારેય આપણે નિહાળ્યું નથી.
ચૂંટણી સમયે એકબીજાના કટ્ટર હરીફો તરીકે, ટીકાકાર તરીકે તથા જીવ પર આવીને ચૂંટણીજંગ લડતા ઉમેદવારો તરીકે જોવા મળેલા પ્રમુખો હોદ્દા પર હોય ત્યારે અને હોદ્દા પરથી નિવૃત્ત થયા બાદ દેશહિતના કામકાજમાં કેવા ભાઈચારાથી એકબીજા સાથે વર્તે છે તેની વાતો જાણવા જેવી છે.
દાયકા પૂર્વે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડનારા બરાક ઓબામાએ તેમના ચૂંટણીપ્રચારની વીડિયો ફિલ્મ તૈયાર કરવાનું કામ બે ઓસ્કાર એવાર્ડ વિજેતા કલાકારોને સોંપ્યું હતું. આમાંના એકનું કામ વીડિયો ફિલ્મનું દિગ્દર્શન કરવાનું, જ્યારે બીજાનું કામ પ્રવક્તા તરીકે ઓબામાની સિદ્ધિઓ તથા તેમની ક્ષમતાનું વર્ણન કરવાનું હતું, પરંતુ આ ફિલ્મનો ખરેખરો હીરો પ્રમુખપદ માટે બીજી વખત ચૂંટાઈ આવવાનું ઇચ્છતા ઓબામા નહીં, પરંતુ અમેરિકાના પ્રમુખપદે બે વખત ચૂંટાઈ આવેલી વ્યક્તિ હતી અને તે છે બિલ ક્લિન્ટન.
૧૭ મિનિટની આ ફિલ્મમાં ક્લિન્ટન ચાર વખત જોવા મળે છે. ઓબામાએ અર્થતંત્ર, આટોમોબાઇલ ઉદ્યોગને ઉગારી લેવા લીધેલાં પગલાં, આરોગ્યસેવા ક્ષેત્રના સુધારા તથા વિદેશ નીતિના ક્ષેત્રે મેળવેલી સફળતા અને સિદ્ધિઓને ક્લિન્ટને સુંદર રીતે બિરદાવી છે.
અમેરિકાના ૪૨મા પ્રમુખ (ક્લિન્ટન) અને ૪૪મા પ્રમુખ (ઓબામા) વચ્ચેના કડવાશભર્યા સંબંધોનો જેમણે અભ્યાસ કર્યો છે તેમને માટે તો ક્લિન્ટન ઓબામાની કામગીરીની પ્રશંસા કરે તે એક સુખદ્ બાબત છે. જો બાઇડેન પૂર્વે છેલ્લાં ૪૦ વર્ષમાં ડેમોક્રેટિક પક્ષના માત્ર આ બે જ ઉમેદવારો (ક્લિન્ટન અને ઓબામા) પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને બન્ને જેટલા પ્રમાણમાં એકબીજાના હરીફ હતા. તેટલા જ પ્રમાણમાં સારા મિત્રો છે. આ બન્નેએ ચૂંટણીપ્રચારની અસરમાંથી મુક્ત થઈને એકબીજાના ભાગીદાર બનવાનો પ્રયાસ ૨૦૦૯ અને ૨૦૧૦ના મોટા ભાગના સમય દરમિયાન કર્યો હતો. આજે પણ પક્ષનાં આંતરિક વર્તુળો બન્ને વચ્ચેના સંબંધોનું વર્ણન કરતાં કહે છે કે તેમની વચ્ચેનો દોસ્તીનો અંત આવ્યો નથી.
૬૦ના દાયકા સુધી પ્રેસિડેન્ટ્સ ક્લબ એક સંસ્થાનું સ્વરૂપ ધારણ કરવાને બદલે એક વિચારના સ્વરૂપની જ હતી. હોદ્દા પરના કેટલાક પ્રમુખોએ તેમના પુરોગામી પ્રમુખો સાથે યુદ્ધકથાઓની આપલેથી આગળ વધીને સલાહમસલત કરી હતી. હવે વૈશ્વિક સેલિબ્રિટીના આ યુગમાં પ્રમુખ હોદ્દા પરથી નિવૃત્ત થાય તે પછી પણ તેઓ લાંબા સમય સુધી ખાસ્સો પ્રભાવ જાળવી રાખે છે.
હોદ્દા પરના પ્રમુખોએ રાષ્ટ્રહિતની બાબતોમાં ભૂતપૂર્વ પ્રમુખો સાથે સલાહમસલત કર્યાનાં કેટલાંક ઉદાહરણો આ મુજબ છે : ક્યુબાને અળગું પાડવાને પગલે યુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના હતી. ત્યારે ક્યુબાને અળગું પાડયાની ઘોષણા કરતાં પહેલાં થોડી મિનિટો અગાઉ તત્કાલીન પ્રમુખ જ્હોન કેનેડીએ ભૂતપૂર્વ પ્રમુખ આઇઝન હોવરનો ટેલિફોન પર સંપર્ક સાધ્યો હતો. એક મોડી રાતે ક્લિન્ટને રશિયા અને ચીનના નેતાઓ સાથેના સંબંધમાં તેમની વચ્ચે કિંમતી સમયની ફાળવણી કઈ રીતે કરવી તેની ચર્ચા માટે ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિકસનને ટેલિફોન કર્યો હતો. એવી જ રીતે નેવી સીલ્સે (અમેરિકન નેવીનો અલાયદી કમાન્ડો ટુકડી) ઓસામા બિન લાદેનને ઠાર કર્યો તે રાતે ઓબામાએ સૌપ્રથમ બે કોલ જ્યોર્જ ડબલ્યુ બુશ અને ક્લિન્ટનને કર્યા હતા. જ્હોન કેનેડીની હત્યા પછી જ્હોનસને આઇઝન હોવરને જણાવ્યું હતું કે મને અગાઉ કરતાં હવે તમારી વધારે જરૂર છે. ૧૯૮૧માં રોનાલ્ડ રેગનનો જાન લેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓ ઊગરી ગયા હતા. આમ, તેમની સામેના જોખમને પગલે તેમણે ઈજિપ્તના અનવર સાદતના અંતિમવિધિમાં હાજર રહેવા ભૂતપૂર્વ પ્રમુખો જિમ્મી કાર્ટર, રિચાર્ડ નિકસન તથા જિરાલ્ડ કોર્ડને મોકલ્યા હતા. ૨૦૦૪માં એશિયન સુનામી અને ૨૦૦૫માં વાવાઝોડાં કેટરિનાના સંકટ વખતે ખાનગી રાહતકાર્યોનું સંકલન કરવાની કામગીરી જ્યોર્જ બુશે તેમના પૂર્વ પ્રમુખ પિતા બુશ તથા ક્લિન્ટનને સોંપી હતી.
૧૯૯૪માં નિકસનનું અવસાન થયું તેના થોડા સમય પહેલાં લખેલો પત્ર એટલો સહાય કરનારો હતો કે ક્લિન્ટન દર વર્ષે એ પત્ર વાંચતા હતા અને તેમાંથી કંઈક નવું શીખતા હતા.
પ્રેસિડેન્ટ્સ ક્લબના નિયમો છે અને તે એ કે એકબીજાના સંપર્કમાં રહો, ક્લબની ચર્ચા તથા કામકાજ બાબતે સમાચાર માધ્યમ (મીડિયા) સાથે ચર્ચા ન કરો. આ ક્લબનું સુવેનિઅર પણ પ્રગટ કરવામાં આવે છે તથા વ્હાઇટ હાઉસ નજીકનું એક પ્રાઈવેટ ક્લબ હાઉસ પણ ભૂતપૂર્વ પ્રમુખોના ઉપયોગ માટે અનામત રાખવામાં આવ્યું છે. આજે આ ક્લબ તેના સભ્યો સાથે મળીને કેટલી અને શી કામગીરી કરે છે તે દ્રષ્ટિએ મહત્ત્વની છે. ભૂતપૂર્વ સભ્યો કોઈ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનાં, કોઈ કાર્યક્રમ સ્પોન્સર કરવાના કે વિદાય સમારંભ માટેનાં આમંત્રણોનો સ્વીકાર કરે છે, પોતાના સાથી સભ્યો શું પ્રવૃત્તિ કરે છે તેની માહિતી જરૂર રાખે છે. તથા એકબીજાની તબિયતની પૂછપરછ કરતા હોય છે. તાજેતરમાં તેમણે દુર્લભ તસવીરોની નકલો વ્યક્તિગત ધોરણે એકબીજને દર્શાવી હતી. ક્યારેક તો તેમના ટોચના સહાયકો ફોન કે ઇમેલ દ્વારા રોજિંદા ધોરણે એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. દરેક ક્લબોમાં બનતું હોય છે તેમ આ ક્લબમાં પોતાના કલહ-કજિયા અને તંગદિલી છે. ક્લબના એક પણ સભ્યને ઓબામા માટે ખરેખર કોઈ હેત નથી તેમ છતાં પ્રત્યેક સભ્યે પોતાની રીતે ઓબામાને સહાય કરી છે.
૨૦૦૯માં ઓબામા પ્રમુખપદ સંભાળે તે માટેનો સમય આવી ગયો ત્યારે સત્તાનું હસ્તાંતરણ સરળતાથી પાર પડે તે માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરવાનું વચન બુશે આપ્યું હતું. પ્રમુખ તરીકે ચૂંટાયા પછી ઓબામાએ ચાર હયાત ભૂતપૂર્વ પ્રમુખો સાથે બપોરના લંચ સાથેની બેઠક યોજવા બુશને જણાવ્યું હતું અને તે મુજબ વ્હાઇટ હાઉસમાં લગભગ ૪૦ વર્ષમાં પહેલી વખત ચાર પ્રમુખો અને ભૂતપૂર્વ પ્રમુખ અનુક્રમે જ્યોર્જ બુશ, સિનિયર બુશ, કાર્ટર, ક્લિન્ટન તથા ઓબામા એકત્રિત થયા હતા. આ બેઠક પછીના એક ઇન્ટરવ્યૂમાં કાર્ટરે જણાવ્યું હતું કે અમે પ્રમુખપદ માટે ચૂંટાયેલા ઓબામાને ઉપદેશ આપ્યા વગર સારી રીતે વ્હાઈટ હાઉસની પ્રવૃત્તિ વિશે વાકેફ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રેસિડેન્ટ્સ ક્લબના સભ્ય હોય તેવા પ્રમુખો વચ્ચેના પત્રવ્યવહાર, નોટબુક લખાણ પરથી કેટલીક રસપ્રદ વાતો પણ બહાર આવી છે. જેમ કે અમેરિકામાં ઉપપ્રમુખ પદની રચના પછી તેમને મળનારા હક્કો તેમની ફરજ તેમનો કાર્યવિસ્તાર વગેરે બાબતમાં સૌથી વધુ અભિપ્રાય આઇઝનહોવર અને લિન્ડન જ્હોનસન વચ્ચેની ચર્ચાને કારણે પ્રકાશમાં આવ્યા હતા. જ્હોન એફ. કેનેડી અને રિચાર્ડ નિક્સન બેઉ પહેલેથી જ બહુ સારા મિત્રો હતા. પરંતુ ૧૯૬૦માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં બેઉ એકબીજાના કટ્ટર હરિફ બન્યા હતા. આ જ રીતે જ્યોર્જ એચ.ડબ્લ્યુ. બુશ અને બિલ ક્લિન્ટન એક સમયે પ્રમુખ પદની ચૂંટણી સામસામે લડયા હતા. પરંતુ પ્રમુખપદેથી નિવૃત્ત થયા બાદ અમેરિકન સરકાર દ્વારા વિશ્વના અનેક દેશોમાં યોજાયેલી માનવહિતકારી યોજનામાં એકસાથે જોડાયા હતા.
હવે તો વોશિંગ્ટનમાં રિચાર્ડ નિક્સન પ્રેસિડેન્શિયલ લાયબ્રેરી અને મ્યુઝિયમની સ્થાપના પણ થઈ ચૂકી છે. જેમાં જેમ્સ એડમ્સથી જેફરસન અને નિક્સનથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધીના પ્રમુખોની લગતી અસંખ્ય તસવીરો, પ્રશંસા પત્રો, વિડિયો-રિલ્સ વગેરે જોવા મળે છે. અહીં પ્રદર્શિત કરાયેલી ચીજો પણ અમેરિકાના વિવિધ પ્રમુખો વચ્ચેના સંબંધ, તેમની મૈત્રી, કેટલાંક પ્રમુખો વચ્ચેના અણબનાવના કિસ્સા પણ દર્શાવે છે. આ મ્યુઝિયમમાં ભૂતપૂર્વ પ્રમુખો વચ્ચેના કેટલાંક સિક્રેટ પત્રવ્યવહાર પણ મૂકવામાં આવ્યા છે. (અલબત્ત તેમની મંજૂરી મેળવીને જ) તેમ જ અમુક પ્રમુખ કે પ્રમુખ પત્નીએ સર્જેલી કળા કારીગરીના નમૂના પણ ગોઠવાયાં છે. એ સિવાય ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિક્સન અને હાલના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભૂતકાળમાં એક્સચેન્જ થયેલા પુસ્તકો પણ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે. પ્રમુખો વચ્ચેના પત્રવ્યવહારથી એ પણ સ્પષ્ટ થાય છે કે કોની કોની વચ્ચે માત્ર ઔપચારિક રીતે પત્રલેખન થયું હતું અને કયા પ્રમુખો વચ્ચેના પત્રો બેઉ વ્યક્તિ દરમિયાનના ઘનિષ્ઠ સંબંધોનો સંકેત કરે છે. જેમ કેનિક્સન પ્રમુખ હતા ત્યારે યુવાન બિઝનેસમેન ટ્રમ્પે તેમને પત્રો લખ્યાં હતાં. એ પત્રો પરથી સ્પષ્ટ જણાય છે કે ટ્રમ્પ-નિક્સનને પોતાના ગુરુ માનતા હતા. આ બેઉ મહાન નેતાઓની વચ્ચે રાજકારણ સિવાય ફૂટબોલથી લઈને વિયેટનામ વોર સુધીના અનેક વિષયો પર વિચારોની આપ-લે થતી હતી. સવાલ એ થાય કે શું ભારતમાં કદી ભૂતપૂર્વ વડાપ્રધાનો પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને આવી નિખાલસતા, ઔહાર્દભર્યા સંબંધો દર્શાવી શક્યા છે કે ભવિષ્યમાં ક્યારેય દાખવશે?