કારતકની કળીમાં ઠંડીની સુવાસ .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- કારતક મહિનો ગુજરાતી પ્રજાના કૅલેન્ડરમાં ટાઢો સૂરજ થઈને ઊગે છે. દિવાળીની ખુશાલી કારતકની કાયા ઉપર ચમકે છે અને ફટાકડાનો ચમકાર તેના ચહેરા ઉપર દેખાય છે
આ સો ને 'આવજો' કહીને કારતક માનવજીવનમાં કળીની માફક ઊઘડી રહ્યો છે. હિંદુ પ્રજા કાળગણનાના બે પરિમાણોમાં સંવાદ સાધીને જીવે છે અને કારતક, માગસર, પોષ, મહા, ફાગણથી શરૂ કરી આસો સુધીનાં પર્વો પણ ઉજવવાં છે અને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના દિવસોની તારીખોમાં જીવનને વ્હેંચી પણ દેવું છે.
કારતક મહિનો ગુજરાતી પ્રજાના કૅલેન્ડરમાં ટાઢો સૂરજ થઈને ઊગે છે. દિવાળીની ખુશાલી કારતકની કાયા ઉપર ચમકે છે અને ફટાકડાનો ચમકાર તેના ચહેરા ઉપર દેખાય છે. ગુજરાતમાં દિવાળી અને અખાતરી બે દિવસો વધારે મહત્ત્વના. વ્યવહારો ગોઠવવા માટે એનું મહત્ત્વ. દિવાળીના તહેવારોમાં સ્નેહમિલન થતું પણ દિવાળી પોતે જ તહેવારોનું સંમેલન યોજે છે. કારતકની કાયામાંથી કસ્તૂરી પ્રસરે છે. શિયાળાનો પ્રારંભ થાય છે. ઠંડીની કુમકુમ પગલીઓ પડે છે પવન શીળો થઈ જાય છે. હિમાલય તરફથી કોઈ દૂત આવીને કારતકના ગજવામાં ઠંડીના સિક્કા નાખી ગયો હશે કે શું ? ખેડૂત ઠૂઠવાતો ઠૂઠવાતો ઘઉં, રાઈ, રાજગરો, જીરૂ, મૂળા, મેથી, વરિયાળી કે રચકાને જલાભિષેક કરે છે. આકાશ ચોકખું હોય છે. કોઈક વાર વાદળાં જામી પણ જાય છે. કશું નક્કી નહિ, ઠંડીનું બાળપણ શરૂ થઈ જાય છે. પાથરેલી પથારીમાં ઠંડી સૂઈ જાય છે અને રજાઈ ઓઢી લે છે. સંતાઈ ગયેલી ઠંડી પવનના પોત ઉપર શીળી ડિઝાઈન બની જાય છે. રેતીના મોજાં ઉપર આળોટે છે ઠંડી. ઠંડી સજીવોને સ્પર્શ કરે છે કે પ્રેમ કરે છે ? એના સ્પર્શથી જે ઝીણાં કંપનો જન્મે છે તેમાં કારતકનો મહિમા જોવા મળે છે.
જીવનની ધાર ઉપર બેઠેલા વદ્ધો સવારે તડકામાં બેસવાનુ વધુ પસંદ કરે છે. ચશ્માના કાચમાં ઠંડી પોતાની પ્રકૃતિનાં પોતાં ફેરવે છે. સજીધજી દર્પણમાં પોતાનો ચહેરો જોતી ગૃહિણીઓ ભ્રમમાં પડી જાય છે. દર્પણ ઉપરથી કારતકની ઠંડીને ભુંસી નાખીએ પછી ચહેરો બરાબર દેખાય છે. ચહેરાની અસલ ચમક વરતાય છે. ઠંડી આવે છે એટલે આળસના ખરલ ઉપર ઘૂંટાઈ ઘૂંટાઈ ઘટ્ટ થતું સ્વરૂપ !! ચાની ચૂસકીઓ અને સિગરેટ બીડીની ફૂંક, ચલમ-હુક્કાની ફૂંકોમાં ઠંડીને ફૂંકી નાખવાના પ્રયત્નો જોવા મળે છે. સ્વેટર-ધાબળા- રજાઈ- મફલરના બંધનોમાં ઠંડીને બાંધી રાખવાના પ્રયત્નો થાય છે. મનુષ્યો ઠંડી સામે ઝઝૂમે છે. ઠંડી વધારે સશક્ત બનીને આવે છે. સૂર્ય પણ બરફના કારખાનામાંથી બહાર નીકળતો હોય છે. ચોમાસુ વરસી રહ્યાનો છેલ્લો સંકેત, વૃક્ષનાં પર્ણોમાંથી પામી લીધા પછી એ વૃક્ષોના મૂળમાંથી ઠંડીનો પ્રવાહ પૃથ્વી ઉપર વહેવા માંડે છે. ઠંડીની સીમામાં ભરાઈ રહેવાનું અને એ સીમામાંથી બહાર નીકળવાનું બંને ક્રિયાઓ કારતક મહિનામાં નજરે પડે છે. ઠંડી લઈને કારતક આવે છે કે કારતકની સાથે ઠંડી આવે છે. બોટલનું, માટલીનું પાણી જે ઠંડુ થઈ જાય છે એ કારતકની ઠંડી છે. મધ્યાહ્નમાં તાપ લાગતો નથી એ કૂણાશ કારતકની છે કે ઠંડીની ? સાંજ પડે છે ત્યારે ઠંડીના દરેકની કાયામાં પ્રવેશ કરે છે ઠંડી !
ઓસરીમાં, ઓરડામાં, આંગણામાં અને ઘરમાં, દીવાલ ઉપર અને પદાર્થોમાં, ઘર ઉપર, મોભ ઉપર, મંદિરમાં મંદિરના ઘંટમાં ઠંડી પ્રવેશ કરે છે. જિનાલયોમાં તેનો વધારે અનુકૂળ વસવાટ હોય તેવું લાગે છે, ત્યાં ઠંડી આત્મીયતાપૂર્વક નિવાસ કરે છે. શ્વાન, શ્વાનનાં નવાં સંતાનો પણ ઠંડીનો પરિચય કરે છે. આ ઠંડી આવે છે ક્યાંથી ? ઠંડીને કોની કોની સાથે સગાઈ છે ? જે કારતકની કાયામાંથી શીળી સુગંધ રૂપે દેખાય છે.
કારતકની કળીમાંથી ઠંડીની સુગંધ આવવા માંડે છે. ઠંડીનો સુગંધનો પરિચય ઘઉંના છોડમાંથી, રાઇના છોડમાંથી, રાજગરા, વરિયાળીના છોડમાંથી વિવિધ રીતે આવવા માંડે છે. બીજી બાજુ પારિજાત, પારસનાં પુષ્પોમાંથી ઠંડીની સુવાસનું વૈવિધ્ય માણવા મળે છે. ઠંડીની સુગંધમાં વૈવિધ્ય છે કે કારતકનું કામણ છે !! હેમંત નામની કન્યા કારતકની સ્વરૂપ પાછળ પાગલ થઈને ફર્યા કરે છે. એ બંનેનાં નામો લયલા-મજનુની જેમ જાણીતાં થયાં છે. ક્યારેક ચામડી તરડાઈ જાય ત્યારે વૃધ્ધો જે રીતે ત્વચાને વલૂરે છે એ વલૂરમાં પણ જે મીઠો આનંદ આવે છે તે કારતકનો હોય છે કે ઠંડીનો ? છોડ નો કે સુગંધનો ? ઘાસફૂસના ઘરમાં કારતક પ્રવેશે કે ઠંડી ? માટીની દીવાલો, દેશી નળિયાં એમાંથી કારતક પવનની સાથે આવે કે ઠંડી ? પછેડી થેપાડાની, ઓઢણી કે સાડીમાંથી બનાવેલી ગોદડીઓમાં પણ વાસ આવે, એ વાસ કોની ? ખાટલા- ચૂલાને શરણે ચાલ્યા જવાનો મોહ થાય એ મોહ લગાડે કોણ ? સાંજ વ્હેલી પાડી દે તે કારતક કે ઠંડી ? અડધી રાતે ચીબરી, શિયાળ કે ઘૂવડનો અવાજ આવે ત્યારે બીક લાગે એ અવાજોમાં પણ ઠંડીનો વાસ હોય છે !! ચંદ્રની રેલાતી ચાંદની, સીમ, ગામ ઉપર પથરાઈ જાય જાજમની જેમ ! એમાં બેસણાં કરે છે કારતક કે ઠંડી ? શિયાળાની સવારે ઊઠવાનું પણ આકરું પડે ! એ આળસ શરીરમાં આવી ક્યાંથી ? ઊઠયા પછી ચાનો કપ ઓછો પડે ! એ બધો પ્રતાપ કારતકનો. શિયાળો કારતકની આંગળી પકડીને આવે છે. કળી થઈને ઊઘડે છે, પણ એની સુવાસ દૂર-સુદૂર સુધી એવી તો વિસ્તરે છે - કે એ સુગંધમાંથી જ સૃષ્ટિના ચક્રનું ઊંજણ પ્રાપ્ત થાય છે. એવા કોડભર્યા કારતકને આવકારીએ.