Get The App

પાસવર્ડમાંથી મુક્તિ અપાવશે પાસકી !

Updated: Dec 11th, 2022


Google NewsGoogle News

ઓનલાઈન એકાઉન્ટમાં અત્યાર સુધી પાસવર્ડથી આપણી ઓળખ સાબિત થાય છે, હવે આ ઝંઝટભરી પદ્ધતિ બદલાશે

પાસવર્ડમાંથી મુક્તિ અપાવશે પાસકી !

પાસવર્ડમાંથી મુક્તિ અપાવશે પાસકી ! 1 - imageઇન્ટરનેટે આપણું જીવન બદલી નાખ્યું એમાં બેમત નથી, પણ એમાં તમને કઈ વાત સૌથી ત્રાસદાયક લાગે છે? લગભગ તમારો જવાબ હશે કે પાસવર્ડ! જે વેબસાઇટ કે એપમાં આપણને રસ પડે, એમાં ઘૂસવા જઈએ તો તરત કહેવામાં આવે - એકાઉન્ટ બનાવો ને પાસવર્ડ પસંદ કરો! પાસવર્ડ પાછો એવો હોઈએ જેમાં કેપિટલ-સ્મોલ લેટર્સ હોય, ડિજિટ્સ હોય, સ્પેશિયલ કેરેટગર્સ હોય... વત્તા એ પાછો યાદ પણ રહેવો જોઈએ! સદનસીબે, હવે આપણે આ ઝંઝટ લાંબો સમય સહન કરવાની નથી.

પાસવર્ડને સ્થાને ‘પાસકી’ (Passkey) આવી રહી છે. તમે વોટ્સએપના એન્ક્રિપ્શનમાં થોડા ઊંડા ઊતર્યા હશો તો જાણતા હશો કે આપણા મેસેજ ખાનગી રાખવા ‘પબ્લિક કી’ ને ‘પ્રાઇવેટ કી’ની આપલેની કરામત કરવામાં આવે છે. થોડા સમયથી આપણે ત્યાં બેંકિંગ કાર્ડના ટોકનાઇઝેશનનો મુદ્દો ગાજે છે એમાં પણ કંઈક અંશે આ જ વાત છે. તેમ, કેટલીક બેંકની એપમાં એમપિન ઉપરાંત, ફિંગરપ્રિન્ટથી લોગ-ઇન થવાની સગવડ મળી ગઈ છે.

લગભગ એ જ કન્સેપ્ટ હવે એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવાં મોટાં પ્લેટફોર્મ, તમામ એપ/સાઇટ ડેવલપર્સના સાથમાં આગળ વધારી રહ્યાં છે. પરિણામે પાસવર્ડ કે ટુ-સ્ટેપ-વેરિફિકેશનની ઝંઝટ જ નીકળી જશે. આપણે જુદી જુદી એપ/સાઇટમાં લોગ-ઇન  કરતી વખતે તેની સિસ્ટમને ફક્ત પોતાની આંગળીની છાપ કે ચહેરો બતાવીને એટલું જ કહેવાનું રહેશે કે ‘‘હું, પેલો થોડા દિવસ પહેલાં પહેલી વાર ચહેરો કે અંગૂઠાની છાપ બતાવી ગયો, એ હું - હું જ છું!’’ પછી એપ/સાઇટ આપણને બીજું કંઈ પૂછશે નહીં ને આપણે એપ/સાઇટમાં લોગ-ઇન થઈ જશું!

પાસવર્ડ હોય જ નહીં તો તેને યાદ રાખવાની ઝંઝટ નહીં, ભૂલાઈ કે ચોરાઈ જવાનો ડર પણ નહીં! આ નવા પ્રકારની પાસકી પાછળની એન્ક્રિપ્શન ટેક્નોલોજી (બહુ રસપ્રદ, પણ અટપટી)નો એંગલ ફરી ક્યારેક તપાસીશું, અત્યારે તો સરેરાશ યૂઝર તરીકે આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીશું એની વાત માંડીએ, બને એટલી સરળ ભાષામાં!

પાસવર્ડમાંથી મુક્તિ અપાવશે પાસકી ! 2 - image

પાસકીનો ઉપયોગ કેવી રીતે ?

ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ વગેરે બધી મોટી ટેક કંપની પાસવર્ડને સ્થાને પાસકીનો ઉપયોગ કરવામાં ઘણી આગળ વધી ગઈ છે. તેમને પગલે, આવી કંપની માટે એપ ડેવલપ કરનારા ડેવલપર્સ પોતાની એપ કે સાઇટમાં પાસકીની સગવડ આપવા લાગ્યા છે. આવી એપ/સાઇટમાં પાસકીનો ઉપયોગ કંઈક આવો રહેશે...

પાસવર્ડમાંથી મુક્તિ અપાવશે પાસકી ! 3 - image

ટેકન્યૂઝ : ટેકજગતના ખબરઅંતર

હવે સ્પોટીફાય એપે પણ એપલની ફી સામે વાંધો ઊઠાવ્યો

પાસવર્ડમાંથી મુક્તિ અપાવશે પાસકી ! 4 - imageએપલના એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરની ૩૦ ટકા સુધીની ઊંચી ફી લાંબા સમયથી વિવાદનો મુદ્દો રહી છે. ભારતમાં હજી હમણાં જ આ મુદ્દે ગૂગલને કરોડોનો દંડ થયો છે અને હવે અમેરિકન મ્યુઝિક એપ સ્પોટીફાયએ પણ આ મુદ્દે એપલ સામે વિરોધનો સૂર છેડ્યો છે! તમે જાણતા જ હશો તેમ, એપલ કે ગૂગલના પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી કોઈ પણ એપમાંથી આપણે જ્યારે ડિજિટલ કન્ટેન્ટ ખરીદીએ ત્યારે જ્યારે આપણે ૧૦૦ રૂપિયાની ખરીદી કરીએ ત્યારે એપ ડેવલપરને મળેલા આ ૧૦૦ રૂપિયામાંથી ૩૦ રૂપિયાની સુધીની રકમ ગૂગલ અને એપલ પોતાની ફી પેટે લઈ જાય છે! તેની સામે જો આપણે ઓનલાઇન શોપિંગ એપ્સમાંથી ડિજિટલ કન્ટેન્ટ નહીં, પરંતુ વાસ્તવિક ચીજવસ્તુઓ ખરીદવી હોય તો આવી એપ્સ ઓનલાઇન પેમેન્ટ મેળવવા માટે ગૂગલ અને એપલની પેમેન્ટ સિસ્ટમ સિવાયના કોઈ પણ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી શકે છે. આવા પેમેન્ટ ગેટવેની ફી ૧૦૦ રૂપિયે માંડ ૨ રૂપિયા જેટલી હોય છે. આમ એપ ડેવલપર માટે ડિજિટલ કન્ટેન્ટ પર ચૂકવવી પડતી ઊંચી ફી તેમના બિઝનેસનું ગણિત ખોરવી નાખે છે. 

અગાઉ ફોર્ટનાઇટ નામની ગેમ એપ ડેવલપર કંપનીએ આ મુદ્દે ગૂગલ અને એપલ સામે જંગ છેડ્યો હતો. હવે સ્પોટીફાય એપના સીઇઓએ ટ્વીટર પર શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને એપલની નીતિ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે એપલ તેની મ્યુઝિક એપમાં ઓડિયોબુક્સનું વેચાણ કરે તો તેમાં તેણે કોઈ ફી ચૂકવવી પડતી નથી. પરંતુ સ્પોટીફાય પોતાની એપમાં બરાબર એ રીતે ઓડિયોબુક વેચે તો તેણે એપલને ૩૦ ટકા સુધીની રકમ ચૂકવવી પડે છે! આ મુદ્દે ભારતની સ્થિતિ વાત કરીએ તો ભારતે ગૂગલને દંડ કર્યા પછી કંપનીએ એન્ડ્રોઇડ માટેની એપ્સમાં ગૂગલની જ પે સિસ્ટમનો ફરજિયાત ઉપયોગ કરવાનું વલણ હાલ પૂરતું અટકાવ્યું છે.

એમેઝોનની એલેક્સા સર્વિસ જંગી ખોટ કરી રહી છે

એમેઝોન કંપનીએ દસેક વર્ષ પહેલાં એલેક્સા વોઇસ આસિસ્ટન્ટની મદદથી જબરો તહેલકો મચાવ્યો હતો. ગૂગલ અને એપલે પણ તેની જેમ વોઇસ આસિસ્ટન્ટ લોન્ચ કર્યા છે, પરંતુ હવે લાગે છે કે આપણો પડ્યો બોલ ઝીલતી એલેક્સા સર્વિસ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હાલમાં એમેઝોન કંપની તેના ઇતિહાસમાં સૌથી વધુ પ્રમાણમાં એમ્પ્લોઇને છૂટા કરી રહી છે. કંપનીના અંદાજે ૧૦,૦૦૦ એમ્પ્લોઇ નોકરી ગુમાવે તેવી શક્યતા છે. તેના મૂળમાં એલેક્સામાં કંપનીને થઈ રહેલી જંગી ખોટ પણ કારણભૂત છે. એમેઝોન કંપની એલેક્સા સ્માર્ટ ડિવાઇસનું વેચાણ કરે છે પરંતુ તેની વેચાણ કિમત સિવાય આ ડિવાઇસમાંથી કંપની નિયમિત કોઈ આવક ઊભી કરી શકી નથી. એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૨ના પહેલાં ત્રણ મહિનામાં જ એમેઝોન કંપનીને એલેક્સામાં ત્રણ અબજ ડોલર જેટલી ખોટ ગઈ છે. વર્ષના અંત સુધીમાં આ આંકડો ૧૦ અબજ ડોલરના આંકને પાર કરી જાય તેવી શક્યતા છે. હાલની સ્થિતિમાં એમેઝોન કંપની એલેક્સા સર્વિસનો સાવ વીંટો વાળી લે તેવી શક્યતા નથી, પરંતુ કંપની એલેક્સાની ટીમ ખાસ્સી એવી ઘટાડી રહી છે.

ટેકટિપ્સ

માઈક્રોસોફ્ટ આઉટલૂકમાં મેઇલ રીડ રીસિપ્ટના વિકલ્પો જાણીએ

પાસવર્ડમાંથી મુક્તિ અપાવશે પાસકી ! 5 - imageજો તમે જીમેઇલ જેવી વેબબેઝ્ડ ઇમેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેમાં કેટલાંક થર્ડ પાર્ટી ટૂલ્સની મદદથી સામેની  પાર્ટીએ આપણો ઇમેઇલ જોયો કે નહીં તેનું કન્ફર્મેશન મેળવી શકીએ છીએ (એ વિશે આપણે ‘ટેક્નોવર્લ્ડ’માં વિગતે વાત કરી છે). જો તમે ઓફિસમાં કે અંગત ઉપયોગ માટે પણ માઇક્રોસોફ્ટની આઉટલૂક સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેમાં આવી સુવિધા સર્વિસનો જ એક ભાગ છે. 

માઇક્રોસોફ્ટ આઉટલૂક આપણને બે પ્રકારની ખાતરી આપી શકે છે. એક, આપણો મેઇલ સામેની વ્યક્તિના ઇનબોક્સમાં પહોંચી ગયો કે નહીં, અને બીજું, સામેની વ્યક્તિએ આપણો ઇમેઇલ ઓપન કર્યો કે નહીં. આ બંને વાત અનુક્રમે ‘ડિલિવરી રીસિપ્ટ’ અને ‘રીડ રીસિપ્ટ’ તરીકે ઓળખાય છે. જોકે એ ધ્યાને રાખવા જેવું છે કે માઇક્રોસોફ્ટ આઉટલૂકમાંથી ડિલિવરી રિસિપ્ટ અને રીડ રીસિપ્ટની રિકવેસ્ટ સાથે મોકલાયેલો મેઇલ આઉટલૂક સિવાયના કોઈ પણ પ્રોગ્રામમાં પહોંચે ત્યારે એ સર્વિસ આવી રીસિપ્ટ ન મોકલે તેવું બની શકે છે. 

આટલી સ્પષ્ટતા સાથે પીસી/લેપટોપમાં આઉટલૂક પ્રોગ્રામમાં તથા આઉટલૂકની વેબસાઇટ પર રીડ રીસિપ્ટ કેવી રીતે ઓન કરવી એ વિશે જાણી લઇએ. 

જો તમે પીસી/લેપટોપમાં આઉટલૂક પ્રોગ્રામમાંથી મોકલાતા તમામ ઇમેઇલ માટે રીડ રીસિપ્ટ મેળવવા માગતા હો તો એ કામ સહેલું છે. એ માટે પીસી/લેપટોપમાં માઇક્રોસોફ્ટ આઉટલૂક પ્રોગ્રામ ઓપન કરો અને તેમાં ડાબી તરફની પેનલમાં ફાઇલ ઓપ્શનમાં જાઓ. અહીં ‘મેઇલ’ ટેબ સિલેક્ટ કરો. તેમાં નીચેની તરફ ‘ફોર ઓલ મેસેજિસ સેન્ડ રિકવેસ્ટ’ ઓપ્શન મળશે. અહીં ‘રીડ રીસિપ્ટ વેરિફાઇંગ ધ રેસિપિયન્ટ વ્યૂડ ધ મેસેજ’ વિકલ્પ માટેનું બોક્સ ટિક કરી દો અને પછી ઓકે કહો. હવે પછી આપણે જે કંઈ ઇમેઇલ મોકલીશું તેની રીસિપ્ટ મેળવવાનો પ્રયાસ થશે.

આઉટલૂકની વેબસાઇટ પર આ કામ કરવા માટે ઉપર જમણી તરફના ખૂણે સેટિંગ્સ ઓપન કરો અને તેમાં રીડ રીસિપ્ટનો વિકલ્પ શોધી કાઢો. અહીં રીડ રીસિપ્ટ ટેબમાં આ માટેનો વિકલ્પ મળશે.. 

તમે ઇચ્છો તો તમામ મેઇલ માટે નહીં, પરંતુ કોઈ ચોક્કસ મેઇલ મોકલતી વખતે તેને મોકલતાં પહેલાં મેસેજ વિન્ડોમાં ઓપ્શન્સ પર ક્લિક કરીને ‘રિકવેસ્ટ એ રીડ રીસિપ્ટ’ વિકલ્પ ઓન કરી શકો છો. હવે સામેની વ્યક્તિ આપણે મોકલેલો ઇમેઇલ ઓપન કરશે ત્યારે આપણને એ વિશેનું ઓટોમેટિક નોટિફિકેશન મળી જશે!


Google NewsGoogle News