પાર્કિન્સન: સમયસર નિદાન અને યોગ્ય સારવારથી રાહત

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
પાર્કિન્સન: સમયસર નિદાન અને યોગ્ય સારવારથી રાહત 1 - image


- ડૉ. હેલી શાહ (ન્યૂરોલોજિસ્ટ)

- પાર્કિન્સનની યોગ્ય નિયમિત સારવાર કરવાથી ઘણાં લક્ષણો પર મહદંશે કાબૂ મેળવી શકાય છે

(ભાગ-૨)

પાર્કિન્સની સારવાર વિશે માહિતી

આ રોગની સારવાર મુખ્યત્વે (i)  મેડીકલ તથા  (ii)  સર્જીકલમાં વહેંચી શકાય છે. હાલના તબક્કે તબીબી સારવાર માટેની મુખ્ય દવા લિવોડીયા- કાર્બીડોયા છે જે મોટા ભાગે પુખ્ત વયના દર્દીઓમાં વાપરવામાં આવે છે. જ્યારે ૫૦ વર્ષ કે તેથી નાની વયમાં રોગની શરૂઆત માટે ડોપામિન અગોનિસ્ટ (પ્રેમીપેક્ષોલ, રોપીનીરોલ)નો ઉપયોગ થાય છે. આમ છતાં રોગની તીવ્રતા તથા તબક્કા મુજબ તેના વપરાશમાં અપવાદ હોઇ શકે છે. અન્ય દવાઓમાં એમેન્ટેડીન, MAO-B Inhibitors   (રાસાજીલીન, સેફીનેમાઈડ), COMT Inhibitors  (એન્ટાકેપોન), એન્ટિકોલિનર્જીક (ટ્રાયહેક્ષીફીનીડીયલ) વગેરે દવાઓ વિવિધ સંયોજનમાં નિષ્ણાત ન્યૂરોલોજીસ્ટ રોગની તીવ્રતા મુજબ નક્કી કરે છે. કોઈપણ બે દર્દીની સારવાર માટે દવાઓ એકસરખી હોય તેવું નથી.

છેલ્લા કેટલાક વર્ષોમાં આ રોગ માટે અત્યંત મહત્વપૂર્ણ શોધોના કારણે તબીબી તથા દર્દીઓમાં આશાનું કિરણ જણાયું છે નવી દવાઓમાં લિવોડોપાનો મુખ વાટે લઈ શકાતો પાવડર (Imbrija) તથા એપોમોર્ફીન જે મુખ વાટે જીભ પર મૂકવાથી માંડીને ચામડી વાટે પેન દ્વારા લઈ શકાય છે જેનો ઉપયોગ 'રેસ્ક્યુ થેરાપી' એટલે કે મુખ્ય દવાઓની અસર અચાનક જતી રહે ત્યારે વપરાય છે.

પાર્કિન્સનના આગળ વધેલા તબક્કામાં (Advanced Stage) કે જ્યારે મુખ્ય દવા લિવોડીપાને કારણે થતી આડઅસરો જેમ કે ડિસકાઈનેઝીયા અથવા રોગને લગતા અચાનક ફેરફારો જેમ કે દવાની અસર નિર્ધારિત સમય કરતા ઝડપથી જતી રહેવી, લાંબો સમય લાગવો  (motor fluctuations)  તેવા કિસ્સામાં સુયોગ્ય દર્દીઓમાં ઉપાયોમાં

 ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન (BBS) તથા એમઆરઆઈ ગાઈડેડ ફોકસ્ડ અલ્ટ્રાસાઉન્ડ  (MRgFUS)

 લીવોડોપા-કાર્બીડીપાની આંતરડામાં PEJ tube મારફતે મૂકવામાં આવતી જેલ (LCIG) 

 ચામડી વાટે મૂકવામાં આવતો એપોમોર્ફીનો પંપ (CSAI) 

પાર્કિન્સનના સુયોગ્ય કિસ્સામાં વધુ પ્રચલિત, સલામત, સ્વીકાર્ય સર્જરીમાં ડીપ બ્રેઈન સ્ટિમ્યૂલેશનનો સમાવેશ થાય છે. તેમાં મગજના ચોક્કસ ભાગમાં ઈલેકટ્રોડની મદદથી તે ભાગને અતિઉત્તેજિત કરી વાયર મારફતે છાતીના ભાગમાં સ્ટિમ્યૂલેટર (IPG)સાથે જોડવામાં આવે છે. આ પદ્ધતિથી મગજના ભાગનો કાયમી છેદગ્રસ્ત થતો નથી. ઉત્તેજના ઓછીવત્તી કરવાથી પરિણામ બદલી શકાય છે, તેની આડઅસરો ઓછી હોય છે. હાલમાં કંપવાત માટે સબથેલેમિક સ્ટિમ્યૂલેશનના પરિણામો સારા જણાય છે. આ સર્જરીનો વ્યાપ વધતો જાય છે અને આપણા દેશમાં અમુક સેન્ટરમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય સર્જરીમાં સ્ટિરિઓટેકસીની મદદથી પાર્કિન્સોનીઝમ થવાના કારણભુત મગજના કોષોમાં યોગ્ય જગ્યાએ છેદ કરવામાં કરવામાં આવે છે. જેને Ablation સર્જરી કહેવાય છે. આધુનિક પદ્ધતિમાં MRgFUSનો સમાવેશ થાય છે. જેમાં હાઈ એનર્જી અલ્ટ્રાસાઉન્ડ કિરણો દ્વારા વગર સર્જરીએ મગજના ચોક્કસ ભાગમાં છેદ કરી પાર્કિન્સની ધુ્રજારીમાં કાબૂ લાવી શકાય છે.

પાર્કિન્સનની યોગ્ય નિયમિત સારવાર કરવાથી ઘણાં લક્ષણો પર મહદંશે કાબૂ મેળવી શકાય છે. હાલના તબક્કે આ રોગને જળમૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી, પરંતુ આ દિશામાં ઘણા સંશોધનો હાલમાં કાર્યરત છે. પાર્કિન્સન રોગથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. શક્ય તેટલું વહેલુ નિદાન, સચોટ સારવાર, નિષ્ણાત મુવમેન્ટ ડીસોર્ડર સ્પેશીયાલીસ્ટ/ ન્યૂરોલીજીસ્ટનું માર્ગદર્શન, સમૂહ ચિકિત્સા, યોગ-પ્રાણાયામ, કસરતો, ડાન્સ, સંગીત, સાઈક્લીંગ તથા યોગ્ય દવાઓ અને કેટલાક કિસ્સામાં સર્જરી દ્વારા રોગના લક્ષણો પર કાબૂ મેળવી રોગને મહદંશે નાથી શકાય છે. આ દર્દીઓને જરૂર છે આપણા સૌના હૂંફ, પ્રેમ તથા લાગણીની !!

Ravi-Purti

Google NewsGoogle News