એક હત્યા, ચાર ચહેરા - મહેશ યાજ્ઞિક
- પ્રકરણ - 07
- હત્યા કોણે કરી છે, એની પાકી ખાતરી નથી, પણ મરનારો તો સવિતાનો સગો ભાઈ હતો; એટલે ઑફિસર તરીકે પણ સહાનુભૂતિથી શરૂઆત કરીશ, તો એ સો ટકા સહકાર આપશે.'
અ વિનાશ માટે આજનો દિવસ ચોંકાવનારો હતો. વિનોદે આપેલી માહિતીના આંચકાની અસર ઓછી નહોતી થઈ અને એમાં ગાંડાબાપુએ નવો ઝાટકો આપ્યો. એમણે તો જાણે આ હત્યાકેસની ગૂંચ ઉકેલી નાખી હોય એમ રસિક રાઠોડની બહેન સવિતા અને બનેવી સુરેશને જ સીધા આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા હતા!
'તું એ ગરીબને છોડાવવા માગે છે, એટલે આખા ગામની તારે જે જાણકારી જોઈતી હશે એ પ્રેમથી આપીશ.' ગાંડાબાપુએ અવિનાશને કહ્યું. 'તારી પાસે બાઈક છે, એટલે બજારમાં ફરીને મને શોધવામાં પણ તને વાંધો નહીં આવે.' બાંકડા ઉપરથી ઊભા થઈને ગાંડાબાપુએ કોટ ખંખર્યો. 'હવે એક છેલ્લી સેવા કર. મને ટોકિઝ સુધી પહોંચાડી દે. બહાર રખડવાને બદલે જે હોય તે પિક્ચર જોઈ લઈશ.'
આ માણસની ખોપડી ગજબનાક છે! એ વિચારની સાથે અવિનાશે હસીને પૂછયું. 'તમે રસ્તો બતાવો એટલે હું મૂકી જઈશ, પણ ત્યાં ટિકિટ મારે અપાવવાની છે કે પૈસા છે?' 'મારે ટિકિટ લેવાની ના હોય. ત્રણ મહિનાથી પિક્ચર નથી જોયું, એટલે આજે તો મારી પાસે કોઈ ટિકિટ નહીં માગે.' અવિનાશની સામે જોઈને ગાંડાબાપુએ ગર્વથી કહ્યું. 'તને માનવામાં નહીં આવે, પણ એક સમય એવો હતો કે રાત્રે નવથી બારના શૉમાં હું રોજ- રોજ એટલે રોજ- એવરી ડે પિક્ચર જોતો હતો! એ વખતના મેનેજર નરસીભાઈ ખૂબ સારા માણસ હતા. મારા માટે લાગણી હતી એટલે ડોરકીપર મશરૂને એમણે કહી દીધેલું કે ગાંડાબાપુ ગમે ત્યારે આવે ત્યારે એમની પાસે ટિકિટ નહીં માગવાની!' એ હતાશાથી બબડયા. 'માણસો બદલાઈ ગયા અને એ ગોલ્ડન પીરિયડ ખતમ થઈ ગયો.'
અવિનાશે બાઈક સ્ટાર્ટ કરી અને ગાંડાબાપુને સિનેમાના થિયેટર પાસે ઊતાર્યા. છૂટા પડતી વખતે ગાંડાબાપુએ કહ્યું. 'મારી વાત સાચી હોય તોય દેસાઈ ગણતરીમાં ના લે, એની મને ખબર છે. જ્યાં મારી કિંમત ના હોય ત્યાં હું ક્યારેય મોઢું ના ખોલું, પણ તને મળે તો તું એને કહેજે કે રસિકનું ખૂન એના બેન-બનેવીએ જ કર્યું છે!' માથું હલાવીને અવિનાશે એમની વાતમાં સંમતિ આપી અને વિદાય લીધી.
સહેજ આગળ વધીને અવિનાશ ચાર રસ્તા પાસે ઊભો રહ્યો. કાંડા ઘડિયાળમાં જોયું. સાંજના છ વાગ્યા હતા. તખુભા અને નંદિની હજુ હોટલમાં જ હશે કે પૂછપરછ પતાવીને પાછા બંગલે આવી ગયા હશે? એણે તખુભાને ફોન કર્યો. 'ક્યાં છો તમે? હું ફ્રી થઈ ગયો છું.'
'એક કામ કર. પાંચેક મિનિટમાં અમે અહીંથી નીકળીને પાછા જ આવીએ છીએ, એટલે તારે અહીં આવવાની જરૂર નથી. બંગલાની ચાવી અમારી પાસે છે, એટલે વીસેક મિનિટ તારે રાહ જોવી પડશે. ત્યાં સુધીમાં યાદ આવે તો કોઈ નાનું-મોટું કામ નિપટાવી લે.' તખુભાએ જવાબ આપ્યો. એ સાંભળીને અવિનાશને કામ પણ યાદ આવી ગયું. રસિકના બહેન-બનેવીનો બંગલો શોધીને એનું બહારથી નિરીક્ષણ તો અત્યારે કરી શકાય.
સહેજ આગળ વધીને અવિનાશે એક બાઈક સવારને રોક્યો. 'દોસ્ત, અહીં બાઈક રિપેરિંગ માટે સારું ગેરેજ ક્યાં આવ્યું?' પેલાએ અવિનાશની બાઈક સામે નજર કરી અને કહ્યું. 'બુલેટ માટે બે કારીગર છે. અહીં ખોજા બોર્ડિંગની સામે એક બંગલામાં સુરેશનું ગેરેજ છે. કોઈ બોર્ડ નથી, પણ તમને ત્યાં આઠ-દસ બાઈક પડેલી દેખાશે. થોડે દૂર જવું હોય તો સુંદરકૂવા રોડ ઉપર રહીમભાઈનું ગેરેજ છે. બંને માસ્ટર છે.' એનો આભાર માનીને અવિનાશ આગળ વધ્યો. સુરેશનું ગેરેજ આમ તો દરબાર સોસાયટીની સામે સાવ નજીક જ હતું. અહીં આવ્યા પછી ત્યાંથી તો ઘણી વાર પસાર થવાનું બનેલું, પરંતુ એ તરફ નજર જ નહોતી કરી. એણે બાઈક એ તરફ લીધી. બંગલાની સામે બાઈક ઊભી રાખીને જાણે મોબાઈલ પર વાત કરી રહ્યો હોય એમ મોબાઈલ કાન પાસે રાખીને એણે નજર બંગલા તરફ રાખી. બંગલો બેઠા ઘાટનો હતો પણ પ્લોટ ખૂબ મોટો હતો. બાજુના બંને બંગલાવાળાએ બંગલાની આગળ દીવાલ બનાવીને ગેટ મૂકાવેલો હતો. આ બંગલામાં પણ અગાઉ એ જ રીતે હશે, પરંતુ વિશાળ કમ્પાઉન્ડમાં વર્કશોપ બનાવવા માટે આગળની દીવાલ દૂર કરી નાખી હશે. ડઝન જેટલા ટુ વ્હીલર્સ ત્યાં પડયા હતા. એક મોટરસાઈકલનું એન્જિન ખોલીને સ્ટૂલ પર બેઠેલો જે માણસ મથામણ કરી રહ્યો હતો એની ઉંમર પિસ્તાળિસથી પચાસની વચ્ચે હશે. મોટી મૂછવાળા એ માણસે મેલું ટિશર્ટ અને ખૂલતું પેન્ટ પહેર્યું હતું. અવિનાશને ખ્યાલ આવી ગયો કે આ માણસ રસિકનો બનેવી સુરેશ જ હશે. જૂની ઢબના બંગલામાં આગળ ઓસરી હતી અને ત્યાં બેસવા માટે ઓટલો અને હીંચકો પણ હતો. અંદરથી એક સ્ત્રી ઓટલા પર આવી. ચાલીસેક વર્ષની કરડા ચહેરાવાળી એ સ્ત્રીએ ગુજરાતી સાડી પહેરી હતી. એ રસિકની બહેન સવિતા હશે એવી અવિનાશે ધારણા કરી. ઓસરીની ધાર પર ઊભા રહીને સવિતાએ જમણો હાથ લંબાવીને સુરેશને કંઈક કહ્યું. રસ્તા પરના ટ્રાફિકનો અવાજ અને અંતર વધારે હતું એટલે એ શું બોલી એ સંભળાયું નહીં, પરંતુ એના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ લાગતું હતું કે એ સુરેશને કોઈ આદેશ આપી રહી છે. આદેશ આપીને ઝાંસીની રાણીની જેમ બંને હાથ કમર પર ટેકવીને એ સુરેશ સામે તાકી રહી હતી. આજ્ઞાાંકિત પતિ તરીકે એન્જિનને પડતું મૂકીને સુરેશ તરત ઊભો થઈ ગયો. ગાભાથી હાથ લૂછીને એ સીધો ઘરની અંદર જતો રહ્યો અને સવિતા પણ એની પાછળ અંદર ગઈ. રસિકના બહેન-બનેવીના આટલા નિરીક્ષણ પરથી જ અવિનાશને ખ્યાલ આવી ગયો કે આ પતિ-પત્નીમાં પત્નીનો જ હુકમ ચાલે છે. સવિતાના ઘઉંવર્ણા ચહેરા પર સ્ત્રીસહજ કોમળતાને બદલે કરડાકી હતી. સુરેશે મોટી મૂછ ભલે રાખી હોય, પણ સવિતાના એક જ અવાજે કામ અધૂરું મૂકીને એ ઊભો થઈ ગયો હતો! હવે અહીં ઊભા રહેવાનો અર્થ નહોતો. મોબાઈલ ખિસ્સામાં મૂકીને અવિનાશ બંગલા તરફ આગળ વધ્યો.થોડી વારમાં તખુભા અને નંદિની પણ આવી ગયા.
'કૈસા રહા?' તખુભાએ હસીને અવિનાશને પૂછયું અને જવાબની રાહ જોયા વિના આગળ કહ્યું. 'તારો ફોન આવ્યો એ પછી મેં ડુંગરપુરના ધારાસભ્ય ગણેશજીને ફોન કરેલો. એ કાલે સાંજે ગાંધીનગર આવી જશે. એણે કહ્યું એ મુજબ પરમ દિવસે જેલમાં લાલજી સાથે મુલાકાતની ગોઠવણ થઈ જશે. હવે તું બોલ કે આજની બંને મુલાકાત કેવી રહી?'
અવિનાશે બોલવાનું શરૂ કર્યું એ અગાઉ નંદિની ડાયરી અને પેન લઈને લખવા માટે તૈયાર થઈને બેઠી હતી.
'બરવાળા જઈને વિનોદ શર્માને મળ્યો.' વિનોદ સાથે જે વાત થઈ હતી એ તમામ વિગત અવિનાશે જણાવી અને નંદિની એ નોંધતી જતી હતી. લાલજી અને હોટલની માલિક અંજલિના સંબંધ વિશે અને પોતે જોયેલા દ્રશ્ય વિનોદે જે કહ્યું હતું એ પ્રસંગ અવિનાશે કહ્યો ત્યારે તખુભાના હોઠ પર લગીર મલકાટ ફરક્યો, પરંતુ યાદ કરીને એકાગ્રતાથી બોલી રહેલા અવિનાશને એનો ખ્યાલ ના આવ્યો.
'વિનોદે આ વાત કરીને મગજમાં વાટ લગાવી દીધી હતી, એ પછી ગાંડાબાપુએ તો ગજબનાક જાણકારી આપીને હત્યારાઓના નામ પણ આપી દીધા!' અવિનાશે આગળ બોલવાનું ચાલુ રાખ્યું. બંગલા માટે રસિકનો બહેન સવિતા સાથે ઝઘડો અને સવિતાએ રસિકને મારી નાખવાની ધમકી આપેલી એ બધી વિગત જણાવ્યા પછી આજે પોતે રસિકના બહેન-બનેવીનું થોડી વાર જે નિરીક્ષણ કરેલું એની જાણકારી આપીને કહ્યું કે આપણા બંગલાની સામેની સાઈડમાં સાતેક મિનિટ ચાલીએ ત્યાં જ રસિકનો બંગલો આવેલો છે.
'એક વાત નિશ્ચિત છે કે નિર્દોષ લાલજીને ફસાવવામાં આવ્યો છે, પરંતુ કોકડું ગૂંચવાતું જાય છે.' તખુભાએ અવિનાશ સામે જોયું. 'આજે અમે હોટલમાં અંજલિ અને પંકજ ઉપરાંત સ્ટાફના તમામ માણસોની પૂછપરછ કરી. દરેકને વ્યક્તિગત બોલાવીને ખાસ તો આઠમી તારીખે રાત્રે એ શું કરતા હતા એ પ્રશ્ન જ મહત્વનો હતો. દરેકે જે જવાબ આપ્યો એ નંદિનીએ નોંધી લીધો છે. એની પાસેથી એ પેપર્સ તું લઈ લે. આજે ત્યાંથી નીકળતી વખતે મેં પંકજ અને અંજલિને સૂચના આપી છે કે આવતી કાલે પૂછપરછના બીજા રાઉન્ડ માટે અવિનાશ આવશે. તારે હોટલમાં જઈને ફરી એક વાર વારાફરતી દરેકને બોલાવીને થોડા આડાઅવળા પ્રશ્નો પૂછયા પછી આઠમી તારીખે રાત્રે એ શું કરતા હતા એ પ્રશ્ન ફેરવી ફેરવીને પૂછવાનો છે. આજે એમણે જે જવાબ આપ્યા છે, એ તારી પાસે હશે. આવતી કાલે એ લોકો જે જવાબ આપે એમાં લગીર પણ ફેરફાર હોય એ વ્યક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.'
આટલું બોલ્યા પછી તખુભાએ સમજાવ્યું. 'જે સાચું હોય એ યાદ રાખવું ના પડે, જે માણસે ખોટો જવાબ આપ્યો હોય એને ફરીથી પૂછવામાં આવે ત્યારે ફરી વાર એનું એ જ જુઠ્ઠાણું બોલતી વખતે એ ગફલત કરે એવી શક્યતા છે. તારે સવાલ-જવાબમાં જ આ વસ્તુ જ ધ્યાનમાં રાખવાની છે. રાતની ડયુટી કરનાર રિસેપ્શનિસ્ટને અમે આજે બોલાવ્યો હતો. એ પંકજ પાઠકને પણ કાલે બપોરે આવવાની સૂચના આપી દીધી છે.'
'મારો કાર્યક્રમ નક્કી થઈ ગયો. કાલે હોટલમાં પૂછપરછ અને પરમ દિવસે પેલા ધારાસભ્ય સાથે સાબરમતી જેલમાં જઈને લાલજીને મળીને એનો ખુલાસો પૂછવાનો.' આટલું કહ્યા પછી અવિનાશે પૂછયું. 'મૃતક રસિકના બહેન-બનેવીની પૂછપરછ ક્યારે કરવાની છે?'
'એ સવિતામેડમનો મોરચો આવતી કાલે નંદિની સંભાળી લેશે. ગાંડાબાપુએ તને કહ્યું એ મુજબ સવિતા ડેન્જર પીસ છે. હત્યાના હેતુની દ્રષ્ટિએ વિચારીએ તો શકમંદની યાદીમાં એ પતિ-પત્નીનો જ પહેલો નંબર આવે. હેન્ડલ વીથ કેર જેવો મામલો છે, એટલે નંદુ એમની પૂછપરછ કરવા જશે ત્યારે મારે એ બંગલાની આસપાસમાં જ રહેવું પડશે.' કાંડા ઘડિયાળ સામે નજર કરીને તખુભા ઊભા થયા. 'એ સિવાય હવે અંજલિના પિતરાઈ ભાઈ દીનેશની પૂછપરછ બાકી છે, અને તારે લાલજીને મળવાનું પણ બાકી છે. છતાં ઘણું કામ પતી ગયું છે. અત્યારે જમવાનો સમય પણ થઈ ગયો છે.'
જમીને આવ્યા પછી થોડી વાર બેઠા ત્યારે તખુભાએ પોતે ઉકેલેલા એક હત્યા કેસની રસપ્રદ વિગતો અને ઉકેલ માટે કેવી કેવી સાવધાની રાખવી પડેલી એની વાતો કરી.
સવારે તૈયાર થયા પછી ત્રણેય સાથે જમવા ગયા. કાર અવિનાશ ચલાવતો હતો. હોટલમાં જતી વખતે અવિનાશે રસ્તામાં કાર ધીમી કરીને તખુભા અને નંદિનીને સુરેશ-સવિતાનો બંગલો બતાવી દીધો. જમીને પાછા આવ્યા પછી અવિનાશ બાઈક લઈને હોટલ તરફ ગયો. તખુભા અને નંદિની બંગલે આવ્યા.
'નંદુ, તારી પાસે બોસ જેવો જે ડ્રેસ છે એ પહેરીને તૈયાર થઈ જા.' તખુભાએ નંદિનીને સૂચના આપી. 'હોટલવાળાને તો ઈન્સ્પેક્ટર દેસાઈએ સૂચના આપેલી છે એટલે એ બધાએ આજ્ઞાાંકિત બનીને જવાબ આપ્યા, પરંતુ આ માથાભારે મેડમ સીધી રીતે સહકાર નહીં આપે. તારે કડકછાપ અધિકારી બનીને જ એ પતિ-પત્નીની પૂછપરછ કરવી પડશે. સૂટ-બૂટ પહેરીને વટકે સાથ એના ઘરમાં એન્ટ્રી લેવી પડશે. અન્ડરસ્ટેન્ડ?'
'મને તો એ નાટકમાં મજા આવશે.' હકારમાં મસ્તક હલાવીને નંદિનીએ કહ્યું. 'હત્યા કોણે કરી છે, એની પાકી ખાતરી નથી, પણ મરનારો તો સવિતાનો સગો ભાઈ હતો; એટલે આફિસર તરીકે પણ સહાનુભૂતિથી શરૂઆત કરીશ, તો એ સો ટકા સહકાર આપશે.'
'એ બાબતમાં તો મારે તને કંઈ શીખવવા જેવું નથી. સહાનુભૂતિથી શરૂઆત કરીને ધીમે ધીમે ખોતરીને એ ગુસ્સે થઈ જાય ત્યાં સુધી પૂછવાનું ચાલુ રાખજે. હું બંગલાની બહાર જ હઈશ એટલે સહેજ પણ ગભરાયા વગર એને ઉશ્કેરજે. માણસ ગુસ્સે થાય ત્યારે એને બોલવાનું ભાન ના રહે, ઉશ્કેરાટમાં આવીને કબૂલાત કરી નાખે એવા કિસ્સા પણ મેં જોયેલા છે.' આટલી સમજણ આપીને તખુભાએ ચપટી વગાડીને ઉમેર્યું. 'ફટાફટ તૈયાર થઈ જા.'
નંદિની તૈયાર થઈને ઓરડામાંથી બહાર આવી. કાળા રંગના કોટ-પેન્ટમાં એની ગોરી ત્વચા વધુ ચમકદાર લાગતી હતી. બંને કારમાં ગોઠવાયા. ગેરેજવાળા બંગલાની બહાર તખુભાએ કાર ઊભી રાખી. એ કારમાં બેસી રહ્યા અને જબરજસ્ત આત્મવિશ્વાસ સાથે મક્કમ ચાલે નંદિની અંદર પ્રવેશી.
એ સીધી જ ઓટલા પાસે પહોંચી ત્યારે હથોડો લઈને સુરેશ એક એક્ટિવાના પડખા ઉપર પડેલો ઘોબો સરખો કરી રહ્યો હતો. રૂઆબદાર નંદિનીને આવી રીતે અંદર આવેલી જોઈને ગરદન ઘૂમાવીને એણે પૂછયું. 'કોનું કામ છે, બહેન?' સુરેશની સામે મોં મલકાવીને નંદિનીએ કહ્યું. 'સવિતાબહેનનું અને એ પછી તમારું પણ કામ છે.' સુરેશને નવાઈ લાગી એટલે એ સ્ટૂલ પરથી ઊભો થઈ ગયો. સુરેશનો અવાજ સાંભળીને અંદરથી સવિતા પણ ઓટલા પર આવીને આશ્ચર્યથી નંદિનીની સામે જોઈ રહી. એ બંને સામે જોઈને રણકતા અવાજે નંદિનીએ કહ્યું. 'રસિકભાઈનું ખૂન થયું એની તપાસનું કામ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવ્યું છે. જસ્ટ ફોર ફોર્માલિટી, તમારી સાથે એ અંગે થોડીક વાતચીત કરવાની છે.' એણે સવિતા સામે જોઈને ઉમેર્યું. 'તમે તો સગા ભાઈને ગૂમાવ્યો છે, એટલે તમારી પીડામાં વધારો કરવા નથી આવી, પરંતુ ડિપાર્ટમેન્ટે સોંપેલી જવાબદારી પૂરી કરવાની છે.' આટલું કહીને એણે હસીને પૂછયું. 'આપણે અહીં ઊભા ઊભા જ વાત
કરવાની છે?'
'આવો, અંદર આવો.' એમ કહીને બારણાં પાસેથી ખસીને સવિતાએ બંને હાથ પહોળા કરીને નંદિનીને અંદર આવવા ઈશારો કર્યો. ડ્રોઈંગરૂમ ખાસ્સો મોટો હતો અને એમાં ફર્નીચરના નામે બે જૂના સોફા સામસામે ગોઠવાયેલા હતા અને વચ્ચે એક નાનકડી ટિપોઈ જ હોવાથી રૂમ
વધુ મોટો લાગતો હતો. ભીંત પર એક વૃધ્ધ દંપતીની છબી પર પ્લાસ્ટિકનો હાર ઝૂલી રહ્યો હતો. સવિતાએ સોફા તરફ ઈશારો કરીને નંદિનીને બેસવાનું કહ્યું. હાથમાં હથોડા સાથે જ સુરેશ પણ અંદર આવીને ખૂણામાં ઊભો રહી ગયો હતો. સોફા પર બેસીને નંદિનીએ સામે લટકતા ફોટા સામે આંગળી ચીંધીને સવિતાને પૂછયું. 'તમારા મમ્મી-પપ્પા છે કે સાસુ-સસરા?'
'મારા બા-બાપા છે.' સવિતાના અવાજમાં લગીર ગર્વનો રણકો ભળ્યો. 'આ બંગલો મારા બાપાએ બંધાવેલો. ખડા પગે ઊભા રહીને જાતે દેખરેખ રાખેલી.' જવાબ આપીને સવિતાએ ટિપોઈ નંદિનીની સામે ખસેડી અને રસોડામાં ગઈ. પાણીનો ગ્લાસ લાવીને એણે નંદિનીની સામે મૂક્યો. એ પછી એ સામેના સોફા પર બેસી ગઈ. સુરેશ તો હજુ ઊભો જ હતો. બે ઘૂંટડા પાણી પીને નંદિનીએ પૂછયું. 'તમે કેટલા ભાઈ-બહેન?'
'હું અને રસિક-અમે બે જ ભાંડરડાં. મારાથી પાંચ વર્ષ એ નાનો હતો. રસિકનો ટેકો હું અને મારો ટેકો રસિક-એવી જ દશામાં અમે જીવતા હતા. એમાં કોઈ નખ્ખોદિયાએ દાટ વાળી દીધો ને મારો ટેકો ઝૂંટવાઈ ગયો!'
'મા જણ્યા સગ્ગા ભાઈને ગૂમાવવાની વેદના વસમી હોય છે, સવિતાબહેન! આવું કાળું કામ કોણે કર્યું હશે? તમને કોઈના ઉપર શંકા છે?'
'રસિક છેલ્લા દસ વર્ષથી મુંબઈમાં રહેતો હતો, અને અમે ધંધૂકામાં, એટલે કોને એની સાથે આવી દુશ્મનાવટ હોય એની અમને તો ક્યાંથી ખબર હોય! એ ત્યાં શેનો બિઝનેસ કરતો હતો એની પણ અમને ખબર નથી.'
'એવું કેમ? દસ વર્ષમાં વચ્ચે વચ્ચે અહીં આવીને એ તમારી સાથે કોઈ વાત નહોતો કરતો?' નંદિનીએ પૂછયું એટલે સવિતાના ચહેરો સહેજ વંકાયો અને અવાજમાં કડવાશ ભળી. 'એ તો મોટો માણસ થઈને લાખ્ખોમાં આળોટતો હતો એટલે ગરીબ બહેનની ખબર પૂછવાનું એ ભૂલી ગયો હતો.'
'મને તો એ વાતની પણ નવાઈ લાગી કે ગામમાં સગી બહેનનું ઘર હોવા છતાં એણે મોંઘીદાટ હોટલમાં પૈસા કેમ બગાડયા? અહીં તમારું આવડું મોટું ઘર હોવા છતાં એ હોટલમાં કેમ ઊતર્યો?' નંદિનીનો આ સવાલ સાંભળીને સવિતાના ચહેરાનો રંગ બદલાયો. એણે ટૂંકમાં જવાબ આપ્યો. 'ભાઈને ભપકાનો શોખ હતો, એટલે રોલો પાડવા માટે એ ત્યાં ઊતર્યો હશે.'
ખૂણામાં સ્થિતપ્રજ્ઞાની જેમ ઊભેલા સુરેશ તરફ નજર ફેરવીને નંદિનીએ સવિતાને પૂછયું. 'એ પછી તમને બંનેને મળવા માટે આગલી રાત્રે એ અહીં આવેલો અને તમારી સાથે ઝઘડો થયેલો એવી પણ જાણકારી અમને મળી છે. આ બંગલો રસિકના નામે હોવાથી એ વેચવા માગતો હતો. બંગલો ખાલી કરવા માટે એણે તમને એક વર્ષની મુદત પણ આપેલી. એ છતાં, તમે ખાલી કરવાની ચોખ્ખી ના પાડીને એને મારી નાખવાની ધમકી આપેલી એવી બાતમી પણ અમને મળી છે! આ અંગે તમારે શું કહેવાનું છે?'
નંદિની બોલતી હતી એ સાંભળીને સવિતા સોફા પરથી ઊભી થઈ ગઈ હતી. સુરેશ પણ એની પાસે આવીને ઊભો રહી ગયો હતો.
એ બંનેની સામે જોઈને નંદિનીએ છેલ્લો પ્રહાર કર્યો. 'બંગલો રસિકનો હતો અને એની હત્યા થયા પછી તમે એના માલિક બની ગયા છો એટલે ક્રાઈમના અધિકારીઓ તો એવું જ માને છે કે બંગલા માટે થઈને બહેન-બનેવીએ ભાઈનું ઢીમ ઢાળી દીધું!'
'ગેટ આઉટ!' સવિતાનો ઘઉંવર્ણો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ બની ચૂક્યો હતો. હાથમાં હથોડા સાથે સુરેશ પણ બાળી નાખે એવી નજરે નંદિની સામે તાકી રહ્યો હતો. 'ગેટ આઉટ!' ફરી વાર ત્રાડ પાડીને સવિતાએ નંદિની સામે હાથ લંબાવીને બારણાં તરફ ઈશારો કર્યો. 'તારે જે માનવું હોય એ માનજે.' ભયાનક આક્રોશથી ધૂ્રજતા અવાજે સવિતાએ ઘાંટો પાડયો. 'અમે જ રસિકડાને મારી નાખ્યો છે, બસ? તારાથી થાય એ કરી લેજે. તાકાત હોય તો પુરાવા લાવીને અમને ફાંસીએ લટકાવજે!' એણે ફરીથી હાથ લંબાવીને ઘાંટો પાડયો. 'ગેટ આઉટ! ફરીથી અહીં આવીને તારું ડાચું ના બતાવતી! અમને કોર્ટમાં બોલાવીને જે કરવું હોય એ કરી લેજે. અમારું લોહી પીધા વગર હવે અહીંથી ટળ!'
નંદિની હળવેથી ઊભી થઈ. સવિતા અને સુરેશની સામે નજર કર્યા વગર એ સડસડાટ બહાર નીકળી ગઈ! (ક્રમશઃ )