એક હત્યા, ચાર ચહેરા પ્રકરણ - ૦2 .
- મહેશ યાજ્ઞિાક
- મિલકતમાં ભાગ આપ્યા વગર ભગાડી મૂકાયેલો એનો ઘરડો કાકો તો મનમાં ડંખ સાથે હજુ જીવતો છે. એનો દીકરો દીનેશ તો બાપથી પણ વધારે ડંખીલો છે
'ચો ત્રીસ વર્ષની નોકરીમાં યુનિફોર્મ પહેરીને ગુનેગારોને પકડવા સિવાય બીજું કોઈ કામ મેં નથી કર્યું ...' તખુભાએ હસીને ગણેશજી સામે જોયું. '...અને આજે આપે મને વિમાસણમાં મૂકી દીધો. યુનિફોર્મવાળાએ જેને પકડયો છે, એ આરોપીને છોડાવવા માટે મારી પાસે આવ્યા!' તખુભાએ લાલજીના પિતા નારણ સામે જોયું. 'નારણભાઈ, દરેક મા-બાપ પોતાના સંતાનને હમેશાં નિર્દોષ જ માનતા હોય છે. લાલજીએ હત્યા નથી કરી એવું આપને લાગે એ સ્વાભાવિક છે. એ છતાં, આપના નિર્દોષ દીકરાને ફસાવવામાં આવ્યો છે- એ મારે કઈ રીતે માનવું?'
'સાહેબ! અમે ખરેડી મીણા છીએ.' નારણે પહેલી વાર મોં ખોલ્યું. 'અંબા માતા અમારા કુળદેવી છે. કોઈ ખરેડી મીણો અંબામાતાના સોગન ખાય નહીં, અને સોગન ખાય ત્યારે માનવાનું કે એ સો ટકા સાચો છે. અંબામાતાના સોગન ખાઈને કોઈ મીણો ક્યારેય ખોટું ના બોલે! મારા લાલજીને હું મળવા ગયો ત્યારે આંખમાં આંસુ સાથે અંબામાતાના સોગન ખાઈને એણે કહેલું કે એણે ખૂન નથી કર્યું!' તખુભા સામે હાથ જોડીને એણે કહ્યું. 'આ સિવાય મારી પાસે કોઈ પુરાવો નથી. લાલજી મારો એકનો એક દીકરો છે. એનાથી નાની ત્રણ દીકરીઓ છે. કોઈ ગુનો કર્યો નથી, છતાં લાલજી જેલમાં રહેશે તો આ દીકરીઓને પરણાવવાનું અઘરું પડશે.' આંખમાં ઝળઝળિયાં સાથે એ વધુ બોલી ના શક્યા.
વિચારમાં ડૂબેલા તખુભાની સામે જોઈને ધારાસભ્ય ગણેશજીએ સમજાવ્યું. 'જાડેજાસાહેબ, લાલજી સો ટકા નિર્દોષ છે, એ મારી ગેરંટી! ત્યાંની પોલીસે જાણીને કે અજાણતા કોઈ ભૂલ કરી છે. આપે તપાસ કરીને સચ્ચાઈ બહાર લાવવાની છે. આપ તો બાહોશ છો. હું કોઈ દુરાગ્રહ નથી કરતો. તપાસની શરૂઆતમાં જ આપને સચ્ચાઈનો અણસાર આવી જશે. એ પછી જો આપને લાગે કે લાલજીએ ગુનો નથી કર્યો, તો અને તો જ આગળ વધજો.' એણે પોતાની બ્રીફકેસમાંથી ચેકબૂક બહાર કાઢી. 'આજ સુધી આવું કોઈ કામ કર્યું નથી, એટલે આપની ફીનો મને અંદાજ નથી. આ છોકરાની જિંદગી બચાવવાની છે, આપ કહો એ રકમ હું લખી નાખીશ.'
તખુભાએ સહેજ વિચારીને કહ્યું. 'ગણેશજી! આ ઑફિસ ખોલ્યે હજુ આઠ દિવસ જ થયા છે. બે દિવસ પહેલાં જ મારી પાસે પહેલો કેસ આવેલો, પરંતુ એની મેં મારા આ બે સાથીઓને પણ વાત નથી કરી. ફી પેટે પાંચ લાખની ઑફર હતી, પરંતુ એમાં કાયદા વિરૂદ્ધની વાત હોવાથી મેં એમને ના પાડી દીધી! એટલે, આમ જોઈએ તો આ કેસ જ અમારો પહેલો કેસ બનશે. હવે વાત રહી મારી ફીની. એમાં કોઈ નિશ્ચિત રકમ ના હોય. તપાસ દરમ્યાન અમારે જે કંઈ ખર્ચ કરવો પડે એનો હિસાબ અમે રાખીશું, અમારી ટીમે કેટલા દિવસ કામ કરવું પડશે એ અત્યારથી કહી ના શકાય.'
નારણ સામે જોઈને એમણે ઉમેર્યું. 'અમારા માટે આ પહેલો કેસ છે, એટલે ખાસ આપના માટે જ મેં વિચારી લીધું છે. લાલજી જો નિર્દોષ હશે તો અમે જે ખર્ચ કરીશું, એ ઉપરાંત, ફી તરીકે માત્ર અગિયાર રૂપિયા આપની પાસેથી લઈશું.' એ પછી ગણેશજી સામે જોઈને ઉમેર્યું. 'જો લાલજી દોષિત છે, એવું અમને લાગશે તો અમારા તમામ ખર્ચ ઉપરાંત હું જે કહું એ ફી આપે આપવાની રહેશે. બોલો, મંજૂર છે?'
ગણેશજીએ તરત ઊભા થઈને જાડેજાના બંને હાથ પોતાના હાથમાં જકડી લીધા. 'આપની મહેરબાની, સા! ખર્ચ માટે કોઈ રકમ એડવાન્સ આપવાની હોય તો હુકમ કરો. આપે આ કેસ હાથમાં લીધો એ જ અમારા માટે મોટી વાત છે.' લાલજીના પિતા પણ આભારવશ નજરે જાડેજા સામે જોઈ રહ્યા હતા.
'આપના પર વિશ્વાસ છે એટલે એડવાન્સની કોઈ જરૂર નથી.' જાડેજાએ કહ્યું. 'કોન્ટેક્ટ નંબર મને આપી રાખો, એટલે જે કંઈ ડેવલપમેન્ટ કે કોઈ પ્રોબ્લેમ હશે તો હું જણાવતો રહીશ.'
'જી.' કહીને ગણેશજીએ પોતાનું વિઝિટિંગ કાર્ડ જાડેજાને આપતી વખતે કાર્ડ ઉપર બીજો એક નંબર પેનથી લખી આપ્યો. 'ધારાસભ્ય છું, એટલે કાર્ડમાં છાપેલો નંબર પબ્લીક માટે છે. આ મારો અંગત નંબર છે, એના પર જ ફોન કરજો.'
એમની પાસેથી જાડેજાએ લાલજીના ફોટા માગ્યા એટલે નારણે થેલીમાંથી બે ફોટા કાઢીને આપ્યા. ફોટા ઉપરાંત લાલજીની તમામ વિગતો લીધી ત્યાં સુધીમાં ચા લઈને માણસ આવી ગયો હતો. ચા-પાણી પીધા પછી બંને મહેમાનોએ જાડેજાને હાથ જોડીને વિદાય લીધી.
એમના ગયા પછી લાલજીના બંને ફોટાઓ ઉપર નજર ફેરવીને તખુભાએ બંને ફોટા નંદિની સામે મૂક્યા. 'માનસશાસ્ત્રી! આ તમારો પહેલો કેસ છે. આ ફોટા જોઈને બોલો, તમને શું લાગે છે?'
લાલજીનો એક ફોટો કમર સુધીનો હતો અને બીજા ફોટામાં એ મોટરસાઈકલ પાસે ઊભો હતો. નંદિનીની સાથે અવિનાશે પણ ફોટા ધ્યાનથી જોયા. સત્યાવીસેક વર્ષની ઉંમર, સહેજ લંબગોળ ઘઉંવર્ણો ભોળો ચહેરો, મોટી આંખોમાં વિસ્મય છલકાતું હોય એવું લાગે, ઘાટ્ટા વાળ, છ ફૂટ જેટલી ઊંચાઈ અને અર્ધી બાંયના ટિશર્ટમાં સ્નાયુબદ્ધ ખડતલ શરીરનો ખ્યાલ આવતો હતો.
'ફોટો જોઈને માણસના મગજને પારખવાનું કામ અઘરું છે.' બંને ફોટાનું નિરીક્ષણ કરીને નંદિનીએ તખુભા અને અવિનાશની સામે જોઈને કહ્યું. 'એ છતાં, આ લાલજીની આંખો જોઈને ગણેશજી વાત સાચી લાગે છે. ચહેરા પર ભોળપણ દેખાય છે. આ માણસ કોઈની જાળમાં ફસાઈ ગયો હોય એવી પૂરેપૂરી શક્યતા છે.'
'પહેલા જ કેસમાં આવી રીતે જલ્દી તારણ ઉપર નહીં આવવાનું, બેટા!' જાડેજાએ હસીને બંનેને સમજાવ્યું. 'ફોટા ઉપરથી કે ઈવન ચહેરા ઉપરથી માણસનું માપ કાઢવાની ઉતાવળ નહીં કરવાની. માણસ આપણી સામે ઊભો હોય ત્યારે એની આંખમાં આંખ પરોવીને વાત કરીએ, ત્યારે જ એનો સાચો પરિચય મળે. અલબત્ત, એમાંય આપણી આંખ કાચી પડે તો છેતરાઈ જવાય!'
આટલું કહ્યા પછી લગીર અટકીને એમણે કહ્યું. 'કાશીબાની હવેલી ધંધૂકા પાસે આવેલી છે. એ હેરિટેજ હોટલ છે એટલે એનું ભાડું મારી નાખે એવું હશે. લાલજીનો બાપ નારણ ગરીબ માણસ છે, એટલે આપણે ધંધૂકામાં જ મુકામ રાખીશું. ત્યાં બ્રાહ્મણ બોર્ડિંગની પાસે દરબાર સોસાયટી આવેલી છે. મારા મિત્ર ચુડાસમાસાહેબનો બંગલો કદાચ ખાલી છે, રાત્રે એમને ફોન કરીને પૂછી જોઈશ. એ નહીં તો બીજે ક્યાંક વ્યવસ્થા કરીશું, પણ કાલે સવારે આપણે ધંધૂકા માટે નીકળવાનું નક્કી!'
બંનેની સામે જોઈને એમણે પ્રેમથી સમજાવ્યું. 'અહીં ઑફિસ તો બીના સંભાળી લેશે. આપણે પાંચ-છ દિવસ તો ત્યાં રોકાવું જ પડશે, એટલે. કાલે સવારે તમે બંને તમારી બેગ લઈને મારા બંગલે આવી જાવ. પહેલા કામના પહેલા ઑપરેશન માટે નીકળવાનું છે એટલે ચા-નાસ્તો મારે ત્યાં જ કરવાનો છે. શાર્પ આઠ વાગ્યે તમારી રાહ જોઈશ.'
અવિનાશે મોબાઈલમાં ગુગલ પર જોઈને તખુભા સામે જોયું. 'બાપુ! ધંધૂકા તો એકસો પાંચ કિલોમીટર જ દૂર છે. વળી, ત્યાં નાની-મોટી દોડાદોડી માટે મને લાગે છે કે મારી બાઈક જ ઠીક રહેશે. તમારે ત્યાં ચા-નાસ્તા માટે આવીશ ત્યારે મારી બેગ તમારી કારમાં મૂકી દઈશ. હું મારી બુલેટ લઈને ધંધૂકા દરબાર સોસાયટીમાં તમારી કાર પડી હશે એ બંગલામાં આવી જઈશ.' આટલું કહીને એણે ઉમેર્યું. 'જો તમે સંમતિ આપો તો!'
'આઈડિયા અચ્છા હૈ!' તખુભાએ હસીને એની વાત સ્વીકારી. 'સવારે ઠંડી હશે એટલે હેલ્મેટ અને જાકિટ પહેરીને આવજે.' પછી બંનેની સામે જોઈને કહ્યું. 'અત્યારે બીજું કંઈ કામ નથી. તમારે ભાગવું હોય તો ભાગો. કાલથી આખું અઠવાડિયું સતત બીઝી રહેવાનું છે. બીનાબહેનને થોડું રૂટિન સમજાવીને હું પણ નીકળી જઈશ. કાલે શાર્પ આઠ વાગ્યે આવી જજો.'
બીજા દિવસે સવારે આઠ વાગ્યે તખુભાના પત્ની લક્ષ્મીબા નાસ્તો બનાવી રહ્યા હતા. અવિનાશે તો આવીને તરત કહ્યું. 'લક્ષ્મીબા, મેથીના ગોટાની સુવાસથી પણ વધારે સરસ સુગંધ તો સુખડીની આવે છે!'
'સુખડીની સોડમ તો આવે જને, ભાઈ? બાપુને કચ્છના ચોખ્ખા ઘી સિવાય બીજું કોઈ ઘી નથી ભાવતું. ત્યાંથી જ ડબ્બા મંગાવીએ છીએ.' લક્ષ્મીબાએ હસીને કહ્યું. 'તું ચિંતા ના કરતો. અત્યારે અહીં તો સુખડી મળશે, એ ઉપરાંત ત્યાં લઈ જવા માટે પણ મોટો ડબ્બો ભરીને બનાવી છે.' નંદિનીએ પણ આવીને આ સંવાદ સાંભળ્યો હતો એટલે એણે કહ્યું. 'લક્ષ્મીબા તો સાક્ષાત્ અન્નપૂર્ણા છે, અવિનાશ! હું તો જેટલી વાર અહીં આવી છું, મારે ફરજિયાત જમવું પડયું છે!'
'હવે વાતોના વડા કર્યા વગર આ ગોટા પતાવો.' ટિપોઈ પર પ્લેટ મૂકીને લક્ષ્મીબાએ કહ્યું એ જ વખતે તખુભા પણ તૈયાર થઈને આવી ગયા. 'ફટાફટ નાસ્તો પતાવો. મારે વાત થઈ ગઈ છે. ચુડાસમાસાહેબનો બંગલો ખાલી જ છે અને એની ચાવી એમણે ત્યાં બાજુમાં રહેતા વકીલ ઝાલાસાહેબને ત્યાં આપી રાખેલી છે. એમણે એમની સાથે પણ વાત કરી લીધી છે.'
ચા-નાસ્તો પતાવીને તખુભા અને નંદિની કારમાં ગોઠવાયા. કાર સ્ટાર્ટ કરતા અગાઉ તખુભાએ અવિનાશને કહ્યું. 'બુલેટ શાંતિથી ચલાવજે. ધંધૂકાથી ચારેક કિલોમીટર પહેલા કાશીબાની હવેલી આવશે. બાઈક ઊભી રાખીને બહારથી એનું નિરીક્ષણ કરી લેજે.'
પોણા નવ વાગ્યે એમની કાર ઉપડી એ પછી અવિનાશે હેલ્મેટ પહેરી અને બુલેટ ભગાવી.
બાવળા, બગોદરા અને ફેદરા થઈને આગળ વધતી વખતે અડવાળનું પાટિયું જોયા પછી અવિનાશે બુલેટની ગતિ ઘટાડી. ચારેક કિલોમીટર પછી જમણી તરફ હવેલી અને એનું બૉર્ડ દેખાયું. 'કાશીબાની હવેલી, ધ હેરિટેજ હોટલ' બાઈક ઊભી રાખીને અવિનાશે નજર ફેરવી. ત્રણ માળનું પ્રાચીન બિલ્ડિંગ જાજરમાન હતું. આગળ પણ પચાસ કાર પાર્ક થઈ શકે એટલી જગ્યા હતી અને ફરતી દીવાલ પાછળની તરફ જે રીતે લંબાતી હતી એ જોઈને લાગતું હતું કે હવેલીની પાછળ તો ઘટાદાર વૃક્ષો વચ્ચે અત્યંત વિશાળ જગ્યા હશે. તખુભાએ અંદર જવાની ના પાડી હતી એટલે એ ઈચ્છાને મનમાં દબાવીને અવિનાશે બુલેટ ભગાવી. અગાઉ ક્યારેય ધંધૂકા જોયું નહોતું એટલે શહેર પાસેના ચાર રસ્તા આવ્યા, ત્યાં રસ્તા પરના ફેરિયાને રસ્તો પૂછયો. ભાવનગર તરફ જતા સીધા રસ્તે જ સોસાયટી આવેલી હતી. દરબાર સોસાયટીમાં વધારે બંગલાઓ નહોતા અને તખુભાની કાર તો તરત દેખાઈ ગઈ. બાઈક મૂકીને એ અંદર ગયો.
સોફા પર તખુભા અને નંદિનીની સાથે બેઠેલા ચાલીસેક વર્ષના ભાઈએ ઊભા થઈને આવકાર આપ્યો. 'આ એડવોકેટ ઝાલાસાહેબ છે.' તખુભાએ પરસ્પર પરિચય કરાવીને કહ્યું. 'અમે વીસેક મિનિટ પહેલા જ આવ્યા. ચુડાસમાસાહેબે એમને ચાવી આપવાનું કહીને કહેલું કે અમદાવાદથી ત્રણ મહેમાન આવવાના છે, એમને જમાડવાના પણ છે, એટલે આપણાથી હવે કંઈ બોલાય એવું નથી. આપણા ઘરમાં જઈને ફ્રેશ થઈને પાછા જમવા માટે અહીં જ આવવાનું છે.'
નોકર ચા લઈને આવ્યો. ચા પીધા પછી ચાવી લઈને ઝાલા એમની સાથે આવ્યા અને બંગલો ખોલીને બધું બતાવી દીધું. બે માળના બંગલામાં નીચે ત્રણ બેડરૂમ અને વિશાળ ડ્રોઈંગરૂમ હતો. મોટું ટીવી હતું. રસોડામાં ગેસ, મિક્સરથી માંડીને ફ્રીઝ સુધીની તમામ સુવિધા હતી. 'આપ અહીં રહો એટલા દિવસ મારે ત્યાં જમવા પધારો તો મને આનંદ થશે. એ સિવાય આપને અહીં રસોઈ કરવી હોય તો દૂધ ને શાકભાજી સિવાય તમામ સામગ્રી રસોડામાં છે.' ઝાલાએ કહ્યું.
તખુભાએ હાથ જોડીને એમને કહ્યું. 'આજે આપને તકલીફ આપી, પરંતુ હવે અમારું કામ શરૂ થશે એ પછી સમયનું કોઈ ઠેકાણું નહીં રહે.' 'જેવી આપની મરજી. ફ્રેશ થઈને જમવા પધારો.' એટલું કહીને ઝાલાએ વિદાય લીધી.
'આપણે ક્યા કામે આવ્યા છીએ, એ હજુ મેં ઝાલાસાહેબને કહ્યું નથી. જમ્યા પછી વાત કરીશું.' તખુભાએ અવિનાશને કહ્યું. 'કાર ઊભી રાખીને અમે એ હોટલ જોઈ. ગેટ પર સિક્યોરિટી ગાર્ડ પણ દેખાયો નહીં.'
'મારી ધારણા કરતા પરિસર ખૂબ વિશાળ છે. જમ્યા પછી ઝાલાબાપુ પાસેથી આ હવેલીનો ઈતિહાસ જાણી લઈશું.' અવિનાશે હસીને કહ્યું. 'સવારે મોડો ઊઠેલો એટલે હું તો નાહ્યો પણ નથી. આપણે રૂમ વહેંચી લઈએ એટલે ફ્રેશ થવાનું કામ પતી જાય.'
ત્રણેય પોતપોતાના રૂમમાં જઈને તૈયાર થઈને ડ્રોઈંગરૂમમાં આવી ગયા. બંગલાને તાળું મારીને ઝાલાના બંગલે પહોંચ્યા. ડાઈનિંગ ટેબલ પર ચારેય સાથે જમવા બેઠા. જમી લીધા પછી તખુભાએ ઝાલાને આગમનનું કારણ સમજાવ્યું. એ પછી અવિનાશે ઝાલાને એ હવેલીનો ઈતિહાસ પૂછયો.
'સો વર્ષ જૂનો ઈતિહાસ છે. એ સમયના એક ઠાકોરસાહેબની રખાત હતી કાશી!' ઝાલાએ જાણકારી આપી. 'રંગીન મિજાજના ઠાકોરસાહેબને પૈસાની કોઈ કમી નહોતી એટલે ચાર એકરના ખેતરમાં બાવીસ વર્ષની રૂપસુંદરી કાશી માટે બાવીસ રૂમની આ હવેલી બંધાવી આપેલી! કાશીને એક દીકરો પણ થયો. એ દીકરાને પરણાવ્યા પછી ઘરડી કાશી એ દીકરાના દીકરાઓને રમાડીને સમય પસાર કરતી હતી. બે પૌત્રો સાથે લાગણીનું બંધન હતું પણ એમાં નાના પૌત્ર ઉપર એને વિશેષ
સ્નેહ હતો. કાશી મરી ત્યારે ચાર એકરની જમીન અને એમાં ઊભેલી આ હવેલી એ નાના પૌત્રના નામે કરતી ગયેલી. એ બંને ભાઈઓ મોટા થયા અને એમના લગ્ન થયા પછી મોટા પૌત્રે નાના પાસે મિલકતમાં ભાગ માગ્યો. એમાં વિવાદ વધ્યો, પણ કાયદેસર હક તો નાના પૌત્રનો જ હતો, એટલે એણે થોડા રૂપિયા આપીને મોટાને એના પરિવાર સાથે હવેલીમાંથી કાઢી મૂક્યો. મોટો પૌત્ર પોતાની પત્ની અને નાનકડા દીકરાને લઈને બોટાદ જતો રહ્યો. હવેલીના માલિક નાના પૌત્રને સંતાનમાં એક માત્ર દીકરી. એ દીકરીનું નામ અંજલિ. અંજલિ વીસ વર્ષની થઈ ત્યારે એના માતા-પિતાની કાર એક ટ્રક સાથે અથડાઈ. અકસ્માતમાં અંજલિના માતા-પિતા અવસાન પામ્યા!'
સહેજ અટકીને ઝાલાએ ત્રણેય શ્રોતાઓ સામે જોયું. 'એ વખતે આખા તાલુકામાં સૌથી મોટા ગજાના વકીલ તરીકે મારા બાપુજીનો ડંકો વાગતો હતો. અંજલિ મારા બાપુજી પાસે આવી અને અકસ્માત કરનાર ટ્રકમાલિક સામે કેસ કર્યો. ચાર વર્ષે કેસનો ચુકાદો આવ્યો અને મારા બાપુજીએ અંજલિને વીસ લાખ રૂપિયા અપાવ્યા. ચોવીસ વર્ષની અંજલિની અઢળક સંપત્તિમાં વીસ લાખ ઉમેરાયા. આ વાત આજથી પંદરેક વર્ષ અગાઉની છે.'
ભૂતકાળ યાદ કરીને ઝાલા બોલી રહ્યા હતા. 'સાવ જંગલ જેવી જગ્યામાં આટલી મોટી હવેલીમાં અંજલિ એકલી રહીને શું કરે? એણે આ બધુંય વેચીને અમદાવાદ કે વડોદરામાં રહેવાનું નક્કી કર્યું. અમદાવાદના એક એસ્ટેટ બ્રોકરને એ મળી. એમાં તો એવું બન્યું કે વારંવાર મુલાકાત પછી એ યુવાન એસ્ટેટ બ્રોકર સાથે અંજલિને પ્રેમ થઈ ગયો. પેલાએ એને સમજાવ્યું કે આ પ્રોપર્ટી વેચવાને બદલે એમાં થોડું રિનોવેશન કરીને આપણે ત્યાં હેરિટેજ હોટલ બનાવીએ. બંનેએ લગ્ન કર્યા અને આ રીતે કાશીબાની હવેલી હોટલ ઊભી થઈ! અંજલિના પતિનું નામ પંકજ. અત્યારે આખી હોટલનો વહીવટ પંકજ સંભાળે છે. પ્રવાસીઓ ઓછા આવે છે, પરંતુ જગ્યા ખૂબ મોટી છે, એટલે ત્યાં લગ્ન અને નાની-મોટી પાર્ટીઓ થયા કરે છે.'
ત્રણેય શ્રોતા ધ્યાનથી સાંભળતા હતા અને ઝાલા બોલતા હતા. 'એમણે આ હોટલ તો ઊભી કરી પણ મિલકતમાં ભાગ આપ્યા વગર ભગાડી મૂકાયેલો એનો ઘરડો કાકો તો મનમાં ડંખ સાથે હજુ જીવતો છે. એનો દીકરો દીનેશ તો બાપથી પણ વધારે ડંખીલો છે. બોટાદમાં એની ફેક્ટરી છે, પણ અહીં એના ઘણા દોસ્તારો છે. આ હોટલને બદનામ કરવા માટે ત્રણ વર્ષ અગાઉ એક લગ્ન સમારંભમાં દૂધપાકમાં એણે કંઈક એવું નાખી દીધેલું કે બધાને ફૂડ પોઈઝનિંગ થયેલું અને એક માણસ તો મરી પણ ગયેલો! દોઢ વર્ષ અગાઉ લગ્નનું ફંક્શન ચાલુ હતું અને હોટલમાં કોઈએ આગ લગાડેલી અને ભાગભાગ થવાથી લગ્ન રઝળી પડેલા! આ તમામ કારનામા અંજલિના કાકાના દીકરાના!'
ઝાલાએ તખુભા સામે જોયું. 'પંદર દિવસ અગાઉ હોટલમાં મર્ડર થઈ ગયેલું એની તપાસ માટે આપ આવ્યા છો, એટલે આ કથા સંભળાવી. હોટલને બદનામ કરવાના અગાઉ બે પ્રયાસ કરનાર માણસે ઝનૂનમાં આવીને આવો ખતરનાક ખેલ પાડયો હોય એ શક્ય છે! પોલીસે નોકરને પકડયો, પણ આ આખું કાવતરું તો અંજલિના કાકાના દીકરા દીનેશનું જ હશે એવું મને લાગે છે!'
ઝાલા બોલી રહ્યા હતા ત્યારે એ સાંભળીને તખુભા, અવિનાશ અને નંદિનીના મગજમાં એક જ વિચાર રમતો હતો. શંકાસ્પદની યાદીમાં પહેલું નામ તો આજે જ મળી ગયું!
(ક્રમશ:)