એક હત્યા, ચાર ચહેરા પ્રકરણ - 01 .
- મહેશ યાજ્ઞિક
- ''બાહોશ પોલીસ અધિકારી તરીકે આપની છાપ છે એટલે ખુદ કમિશ્નરે આપનું નામ અમને આપ્યું છે. સાચા ખૂનીને પકડાવીને લાલજીને બહાર લાવવાનો છે...''
''પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સીનું ઉદઘાટન પોલીસ કમિશ્નર કરે એવું તો ક્યારેય જોયું નથી.'' ત્યાં ઊભેલા પત્રકારો વચ્ચે આવી ચર્ચા ચાલતી હતી. રવિવાર હોવાથી આસપાસની દુકાનો બંધ હતી. સી.જી. રોડ પરના નવા કોમ્પ્લેક્સનો આખો પહેલો માળ શણગારેલો હતો. ''અનંત ડિટેક્ટિવ એજન્સી આપને આવકારે છે!'' એવું બેનર ઝૂલતું હતું.
રોડ પર પોલીસોના વાહનો ઉપરાંત અનેક કાર પણ હારબંધ ગોઠવાઈ ગઈ હતી. પોલીસ કમિશ્નરનો કાફલો આવી પહોંચ્યો અને એમની પ્રતીક્ષામાં પ્રવેશદ્વાર પાસે ઊભેલા પોલીસ અધિકારીઓ એટેન્શનમાં આવી ગયા.
અનંત ડિટેક્ટિવ એજન્સીની ઓફિસના બારણાંની બહાર લાલ રેશમની રિબન બાંધેલી હતી. પેસેજમાં ગોઠવાયેલી ખુરસીઓમાં આમંત્રિતો બેસી ગયા હતા. એ ખુરસીઓની સામે ચાર મોટી ખુરસીઓ ખાલી હતી. જમણી તરફ દીપ પ્રાગટયની વિધિ માટે ફૂલોની રંગોળી વચ્ચે દીપક ગોઠવાયેલો હતો. ધીમું ઈન્સ્ટ્મેન્ટલ સંગીત વાગી રહ્યું હતું. કમિશ્નરને ઉષ્માથી આવકાર આપીને એમને ખુરસી સુધી લઈ જવામાં આવ્યા. એમને પાસેની ખુરસીમાં એજન્સીના માલિક તખ્તસિંહ જાડેજા બેઠા. બીજી બે ખુરસી પર એક યુવાન અને એક યુવતી ગોઠવાઈ ગયા.
એ યુવાને ઊભા થઈને માઈક હાથમાં લીધું''નમસ્કાર. શુભારંભના આ અવસરે કોઈ એન્કરને બદલે જાડેજાસાહેબે એ જવાબદારી મને સોંપી છે. અમારી અનંત ડિટેક્ટિવ એજન્સી વતી માનનીય કમિશ્નરસાહેબ અને આપ સહુનું હું હાર્દિક સ્વાગત કરું છું. બહુ લાંબી વિધિ નથી કરવાની. કમિશ્નરસાહેબ દીપ પ્રગટાવશે અને એ પછી રીબીન કાપીને ઓફિસ ખુલ્લી મૂકશે. એ પછી એ આજના અવસર વિશે કંઈક બોલશે. એ પછી અનંત ડિટેક્ટિવ એજન્સીના માલિક તખ્તસિંહજાડેજા આપને સંબોધશે. એના પછી આપણે સહુ સાથે મળીને નાસ્તો કરીને આઈસ્ક્રીમ લઈશું.''
આટલું કહીને એણે કમિશ્નર સામે જોયું. ''સર, પ્લીઝ.'' એણે કહ્યું અને ખુરસી પર બેઠેલી યુવતી ઊભી થઈને શણગારેલી ટ્રે લઈને દીવાની પાસે આવી. એક પછી એક મીણબત્તી સળગાવીને એણે કમિશ્નરને અને તખ્તસિંહને આપી. કમિશ્નરે દીપકની એક દિવેટ પ્રગટાવી, પછી તખ્તસિંહે બીજી દિવેટ પ્રગટાવીને પોતાની મીણબત્તી એ યુવાનને આપી. એણે એક દિવેટ પ્રગટાવીને મીણબત્તી એ યુવતીને આપી એટલે એણે પણ એક દિવેટ પ્રકટાવી. બાકીની છ દિવેટ માટે આગળની હરોળમાં બેઠેલા ત્રણ પોલીસ અધિકારીઓને અને શહેરના ત્રણ અગ્રણી ઉદ્યોગપતિઓને તખ્તસિંહે નામ દઈને બોલાવ્યા અને આ રીતે દીપપ્રાગટયની વિધિ સંપન્ન કરીને તખ્તસિંહ કમિશ્નરને બારણાં પાસે લઈ ગયા. આગળની હરોળમાં બેઠેલા બધા આમંત્રિતો પણ એમની સાથે જોડાયા. તાળીઓના ગડગડાટ અને કેમેરાની ફ્લેશલાઈટોના ઝબકારા વચ્ચે રીબીન કાપીને કમિશ્નરે ઓફિસમાં પ્રવેશ કર્યો.
વિશાળ ઓફિસની અંદર ત્રણ ચેમ્બર હતી. વચ્ચેની મોટી ચેમ્બરની આજુબાજુની બંને ચેમ્બર થોડી નાની હતી. બહાર મુલાકાતીઓને બેસવા માટે સોફા હતા અને એની સામે બે ટેબલ- ખુરસી ગોઠવાયેલા હતા. ત્રણેય ચેમ્બરમાં એક રિવોલ્વિંગ ખુરસી, ટેબલ અને સામે ખુરસીઓ ગોઠવાયેલી હતી. આ બધું બતાવીને તખ્તસિંહે કમિશ્નરને પેલા યુવાન અને યુવતીનો પરિચય પણ કરાવ્યો.
ઓફિસમાંથી બધા બહાર આવ્યા એટલે આમંત્રિતો પાછા પોતપોતાની ખુરસીઓ ઉપર ગોઠવાઈ ગયા. ''હવે આજના અવસરે કમિશ્નરસાહેબ અમને આશીર્વાદ આપશે.'' આટલું કહીને એ યુવાને માઈક કમિશ્નરને આપ્યું. ''સર, પ્લીઝ.''
કમિશ્નરે ઊભા થઈને સામે બેઠેલા બધા આમંત્રિતો ઉપર નજર ફેરવી અને પછી બોલવાનું શરૂ કર્યું. ''પોલીસ અધિકારી થઈને પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સીનું ઉદ્ધાટન કરવા આવ્યો, એટલે આપ સહુને આશ્ચર્ય તો થતું હશે, પરંતુ આ તખ્તસિંહ જાડેજા -જેમને અમે બધા પ્રેમથી તખુભા જ કહીએ છીએ, એમની સાથેનો સંબંધ એવો છે કે ના પાડવાનું મારા માટે શક્ય નહોતું. આપ સહુને એમના વિરાટ વ્યક્તિત્વનો ટૂંકમાં જ પરિચય આપીશ. તખુભાએ એમની કારકિર્દીનો પ્રારંભ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે કરેલો. નખશિખ સજ્જન તરીકે નિાપૂર્વક કામગીરી કરીને એ એક પછી એક પ્રમોશન મેળવતા રહ્યા. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરત- આ ચારેય શહેરમાં ક્રાઈમ બ્રાન્ચમાં જ કામ કરીને દરેક શહેરમાં બાતમીદારોનું જબરજસ્ત નેટવર્ક એમણે ઊભું કરેલું છે. નોકરીની સાથોસાથ કાયદાનો અભ્યાસ કરીને એમણે એલ.એલ.બી. માં પણ પ્રથમ વર્ગ મેળવ્યો છે. મૂળ તો બાપુ એટલે કોઈનીયે ખોટી વાત એ જરાય સાંખે નહીં. ત્રણેક વખત એમણે મારી સાથે કામ કરેલું છે એટલે એમના સ્વભાવનો મને પૂરો પરિચય છે. અત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં ડી.વાય.એસ.પી. તરીકે એ ફરજ બજાવતા હતા, એ જ વખતે એમની પૈતૃક જમીનના એક વિવાદનો ચુકાદો એમની તરફેણમાં આવ્યો. કચ્છની એ જમીન એમણે વેચી દીધી અને એમના હાથમાં એક સાથે આઠ કરોડ રૂપિયા આવી ગયા. એ પછી અમે ખૂબ મનાવ્યા, એ છતાં, એમણે ગયા મહિને નોકરી છોડી દીધી. મને એ વાતનું ગૌરવ છે કે આટલા વર્ષની એમની નોકરીમાં એમણે ક્યારેય કંઈ ખોટું નથી કર્યું, હરામના એક પૈસાની પણ એમણે લાલચ નથી રાખી!''
તાળીઓનો ગડગડાટ થયો એટલી વાર મૌન રહીને કમિશ્નરે આગળ કહ્યું. ''પોલીસ અધિકારી તરીકે એ નિાથી ફરજ બજાવતા હતા એ છતાં, અમારા ડિપાર્ટમેન્ટની કેટલીક મર્યાદાઓ એમને ખૂંચતી હતી. સ્વીકારવું નથી ગમતું પરંતુ એ હકીકત છે કે અમારા જ કેટલાક ભાઈઓ ડાબા હાથે કમાણી કરીને કરોડો કમાયા છે. એ જોઈને તખુભાને ઈર્ષા નહીં, પણ પીડા થતી હતી. એ ઉપરાંત, ક્યારેક પુરાવાના અભાવે કે વકીલોની ચાલાકીથી એમણે પકડેલો કોઈ ગુનેગાર છૂટી જાય ત્યારે એમની કમાન છટકતી હતી. આ બધા કારણોને લીધે એ મનમાં ધૂંધવાતા હતા અને એમાં જમીનના પૈસા હાથમાં આવ્યા એટલે એમણે આ એજન્સી ખોલીને સમાજસેવા અને ન્યાયનું કામ કરવાનો નિર્ધાર કર્યો છે. ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનમાં તખુભાની માસ્ટરી છે અને એમને બે મજબૂત સાથીઓ પણ મળી ગયા છે એટલે એમની આ અનંત ડિટેક્ટિવ એજન્સી જબરજસ્ત સફળતા મેળવશે એમાં મને કોઈ શંકા નથી.''
તાળીઓ પડી એટલી વાર શાંત રહીને એમણે ઉમેર્યું. ''તખુભાએ એમની એજન્સીનું નામ પસંદ કરવામાં પણ નમ્રતા દર્શાવી છે. અનંતમાં અ એટલે..'' પેલા યુવાન અને યુવતી તરફ આંગળી ચીંધીને એમણે કહ્યું. ''આ અવિનાશ અને નં એટલે આ નંદિની અને ત એટલે આપણા આ તખુભા! પોતાનું નામ સૌથી છેલ્લે રાખીને એમણે આ બંને બાળકોને વધુ મહત્વ આપ્યું છે. હું આ ત્રિપુટીને ખૂબ ખૂબ અભિનંદન આપીને ઝળહળતી સફળતાની શુભકામના આપું છું. આપ સહુએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ થેક્યુ.. થેંક્યુ વેરી મચ!''
તાળીઓના ગડગડાટ વચ્ચે પોતાની વાત પૂરી કરીને કમિશ્નર ખુરસી પર બેઠા પછી તખુભાએ માઈક હાથમાં લીધું.છ ફૂટ એક ઈંચની ઊંચાઈ અને પંચાવન વર્ષની ઉંમરે પણ શરીર પર લેશમાત્ર વધારાની ચરબી નહીં, વિશાળ કપાળ, પોપટની ચાંચ જેવું તીણું નાક, ટૂંકા ક્કટ સફેદ વાળ, ભરાવદાર ચહેરો અને સામા માણસની આરપાર જોઈ શકે એવી આંખો.સ્ટીલ ગ્રે કલરના સૂટમાં એમનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી લાગતું હતું. સામે બેઠેલા સહુ મહેમાનો સામે હાથ જોડીને એમનું અભિવાદન કરીને એમણે માઈક હાથમાં લીધું. ''અમારા આમંત્રણને માન આપીને આપ સહુ અહીં પધાર્યા એનો મને આનંદ છે. કમિશ્નરસાહેબે એમની વ્યસ્તતામાંથી પણ સમય ફાળવ્યો એ બદલ એમનો ણી છું. એકવીસ વર્ષની ઉંમરે ખાખી વર્દી સ્વીકારી હતી, પંચાવન વર્ષની ઉંમરે એમાંથી મુક્તિ મેળવ્યા પછી હવે મારે મારી રીતે જીવવું છે. ઈશ્વરની દયાથી મારી બંને દીકરીઓ એમના સાસરે ખૂબ સુખી છે. આ ડિટેક્ટિવ એજન્સીમાં મુખ્ય આશય કમાણી કરવાનો નથી, દરેક પ્રકારે લોકોને મદદરૂપ થવાની ભાવના છે.ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષોના અનુભવને આધારે ગમે તેવું અઘરું કામ હશે તે પણ પાર પાડી આપવામાં અમને કોઈ વાંધો નહીં આવે. આ બંને બાળકો પણ ઉત્સાહથી મારા આ મિશનમાં જોડાયા છે.'' પેલા યુવાન અને યુવતી તરફ હાથ લંબાવીને એમણે પરિચય કરાવ્યો. ''આ અવિનાશે ફોરેન્સિક સાયન્સમાં ડીગ્રી મેળવી છે અને એની નિરીક્ષણ શક્તિ ખરેખર ગજબનાક છે. આ નંદિનીએ હ્યુમન સાયકોલોજીમાં ગોલ્ડમેડલ સાથે ડીગ્રી મેળવી છે. આમ તો દરેક ગુનામાં માણસનું મન જ કારણભૂત હોય છે અને માનવમનના આટાપાટા ઉકેલવાની આ દીકરી નંદુ પાસે તાકાત છે. મારા બંગલાની પાસેના ફ્લેટમાં જ રહેતા એ બંનેના પરિવાર સાથે મારે વર્ષોનો પરિચય છે. આ એજન્સી ખોલવાનો વિચાર આવ્યો એટલે એ બંને મારી પાસે આવ્યા અને મેં એમને મારા સાથીદાર બનાવી દીધા. કોઈનું પણ ગૂંચવાયેલું કોકડું હોય તો એ ઉકેલવા માટે અમે ત્રણેય આપ સહુની સેવામાં હાજર છીએ. પોલીસખાતામાં હતો ત્યારે ડિપાર્ટમેન્ટની અમુક મર્યાદાઓ મને નડતી હતી, હવે એવું કોઈ બંધન નથી એટલે મારી રીતે- મારી સ્ટાઈલમાં જ ઝડપી ઉકેલ શોધવામાં મને મજા આવશે. કોઈના પણ તરફથી ગમે તેવું કામ-અલબત્ત કાયદેસરનું કામ સોંપવામાં આવશે તો એની વિગત અમારા ત્રણ પૂરતી જ મર્યાદિત રહેશે. નામ અને કામ બધુંય સંપૂર્ણ ખાનગી રહેશે -એ મારી ગેરંટી!''
કમિશ્નરની સામે જોઈને એમણે ઉમેર્યું. ''સાહેબ, ખાસ આપને ખાતરી આપું છું. અમારા કોઈ પણ કામમાં પોલીસની કામગીરી સાથે સંઘર્ષ નહીં થાય. આજ સુધી જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં મીઠા સંબંધોનું વાવેતર કર્યું છે. એને લીધે અમારા કામમાં જરૂર પડશે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સહયોગ મળશે એવી મને શ્રધ્ધા છે. એવી જ રીતે ગૂંચવાયેલા કોઈ કેસમાં પોલીસ ડિપાર્ટમેન્ટને પણ જરૂર હશે તો હું પ્રેમથી સહકાર આપીશ. તખુભા જાડેજાનું આ વચન છે, સાહેબ!''
તાળીઓનો અવાજ બંધ થયો એ પછી તખુભાએ બધાની સામે હાથ જોડયા. ''આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી. હવે પછી જે કહેશે એ અમારું કામ જ કહેશે. આપ સહુ અહીં પધાર્યા એ બદલ ખરા હૃદયથી ફરી વાર આપનો આભાર માનું છું. હવે પાછળ જે કાઉન્ટર છે ત્યાં નાસ્તાની અને આઈસક્રીમની વ્યવસ્થા છે. એનો લાભ લીધા વગર કોઈએ અહીંથી જવાનું નથી. પ્લીઝ..''
તાળીઓના ગડગડાટ વચ્ચે કાર્યક્રમ પૂરો થયો. ત્રણેયના મોબાઈલ નંબર સાથેના અનંત ડિટેક્ટિવ એજન્સીના વિઝિટિંગ કાર્ડ દરેક મહેમાનને આપીને અવિનાશ અને નંદિની બધાને આગ્રહ કરીને નાસ્તાના કાઉન્ટર તરફ દોરી ગયા.
કમિશ્નરને વિદાય આપવા ત્રણેય નીચે ઊતરીને એમની કાર સુધી ગયા. એમની વિદાય પછી આ ત્રણેય ઉપર આવ્યા એટલે એક પછી એક મહેમાનોએ આવીને તખુભાની સાથે હાથ મિલાવીને શુભેચ્છા પાઠવીને વિદાય લીધી.
''હવે આપણે થોડીક પેટપૂજા કરીને ઓફિસમાં બેસીએ.'' અવિનાશ અને નંદિનીના ખભે હાથ મૂકીને તખુભાએ કહ્યું. ''તમારા બંનેની મહેનત ફળી. મારી ધારણાથી પણ વધારે લોકો આવ્યા અને કમિશ્નરસાહેબ પણ સરસ બોલ્યા.''
નાસ્તો કરીને ઓફિસમાં પહોંચ્યા પછી તખુભાએ આ બંનેની સામે જોઈને હસીને કહ્યું. ''વચ્ચેની આ કેબિન મારી છે. ડાબી અને જમણી તરફની કેબિન એક સરખી જ છે. તમે બંને નક્કી કરીને પસંદ કરી લો.'' ''લેડિઝ ફર્સ્ટ!'' અવિનાશે હસીને નંદિનીને કહ્યું. ''તને જે ગમે તે રાખી લે, એ સિવાયની મારી!''
''હું તો લેફ્ટિસ્ટ છું, એટલે ડાબી કેબિન મારી!'' નંદિનીએ પણ હસીને કહ્યું. ''તું બાપુની જમણી તરફ બેસજે અને હું ડાબી તરફ. રાઈટ?'' ''નો પ્રોબ્લેમ.'' અવિનાશે તરત સંમતિ આપી દીધી.
''આપણી ચેમ્બર્સની બહાર બે ટેબલ-ખુરસી મૂકાવ્યા છે, પરંતુ અત્યારે રિસેપ્શનિસ્ટ કમ ક્લાર્ક માટે એક વ્યક્તિ ચાલશે.'' તખુભાએ બંનેની સામે જોઈને કહ્યું. ''કાલે અગિયાર વાગ્યે એ હાજર થઈ જશે. બીનાબહેન મારા મિત્રના દીકરી છે. એ પરિવારને જરૂરિયાત છે અને બહેન હોંશિયાર છે, એટલે મેં આવવાનું કહી દીધું છે. આજે હવે અહીં કોઈ કામ નથી. કાલે અગિયાર વાગ્યે તમે બંને આવીને તમારી ચેમ્બર સંભાળી લેજો.''
બીજા દિવસે બીના આવી ગઈ. અનંત ડિટેક્ટિવ એજન્સીનું બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે પાન કાર્ડ
જેવી જરૂરિયાતોની વિધિ પતાવવા સિવાય બીજું કોઈ કામ નહોતું. બીનાની કાર્યક્ષમતા જોઈને અવિનાશ અને નંદિનીને સંતોષ થયો.
આઠમા દિવસે બપોરે બે વાગ્યે ખાદીનો ઝભ્ભો-લેંઘો અને જાકિટ પહેરેલો એક દમામદાર યુવાન અને એની સાથે ગામડિયા જેવા એક પુરુષે ઓફિસમાં પ્રવેશ કર્યો. ''જાડેજાસાહેબને મળવાનું છે.'' હિન્દી-મારવાડી મિક્સ ભાષામાં પેલાએ કહ્યું એટલે એમને સોફા ઉપર બેસવાનું કહીને બીનાએ નામ પૂછયું.
બીનાએ ઈન્ટરકોમ જોડીને તખુભાને કહ્યું. ''સાહેબ, રાજસ્થાનથી ડુંગરપુરના ધારાસભ્ય ગણેશજી તમને મળવા આવ્યા છે. એમની સાથે બીજા એક ભાઈ પણ છે.''
''એમને અંદર મોકલો. અવિનાશ અને નંદુને પણ મોકલો.'' સૂચના આપીને તખુભાએ ઉમેર્યું. ''ચાવાળાને પણ કહી દેજો.''
બધા એમની ચેમ્બરમાં આવી ગયા. ''કમિશ્નરસાહેબે નામ આપ્યું એટલે બહુ મોટી આશા લઈને અમે આપની પાસે આવ્યા છીએ.'' પોતાનો પરિચય આપીને ધારાસભ્ય ગણેશજીએ તખુભા સામે જોઈને કહ્યું. ''પંદર દિવસથી આ માણસના ઘરમાં રાંધ્યા ધાન રઝળે છે!''
''સાહેબે મને મામલો સમજાવ્યો.'' તખુભાએ એમને કહ્યું. '' આપ એમને મળ્યા, એ પછી આપની વાત સાંભળીને એમણે એ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પણ જાણકારી મેળવી. એ પછી એમણે મને ફોન પર પૂરી વિગત આપી. મને જે સમજાયું એ હું આપને કહું છું. એ પછી એમાં કંઈ ફેરફાર હોય તો આપ મને કહેજો.''
આવેલા બંને મુલાકાતી, અવિનાશ અને નંદિનીની સામે જોઈને તખુભાએ કમિશ્નર પાસેથી જાણેલી હકીકત જણાવી. ''કાશીબાની હવેલી નામની હેરિટેજ હોટલ ધંધૂકા પાસે આવેલી છે. એમાં ડુંગરપુરનો લાલજી છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. એ ત્યાં પ્લમ્બિંગથી માંડીને લાઈટિંગ ઉપરાંત સોંપાય એ મજૂરીના તમામ કામ કરે છે. એને દારૂની અને ચોરીની આદત છે એવી હોટલના માલિકને શંકા છે. પંદર દિવસ અગાઉ ત્યાં કોઈ પાર્ટીનો લગ્ન સમારંભ હોવાથી વીસમાંથી અઢાર રૂમ એ પાર્ટીએ બૂક કરાવ્યા હતા. બાકીના ઓગણીસ અને વીસ નંબરના રૂમમાં બીજા બે પ્રવાસી ઊતરેલા હતા. ઓગણીસ નંબરના રૂમમાં ઊતરેલા પ્રવાસીનું નામ રસિક રાઠોડ. આઠમી ઓગસ્ટની મધરાતે કોઈએ માથામાં હથોડો મારીને રસિકની હત્યા કરી. પોલીસે તપાસ કરી તો સર્વન્ટ ક્વાર્ટર્સમાં લાલજીની ઓરડીમાંથી રસિકનો મોબાઈલ, પાકિટ, પાંત્રીસ હજાર રૂપિયા રોકડા અને એ ઉપરાંત લોહીવાળો હથોડો પણ મળ્યો, જેના ઉપર માત્ર લાલજીના આંગળાની છાપ હતી! આટલા સજ્જડ પુરાવા મળ્યા એટલે પોલીસે હત્યાના આરોપસર લાલજીની ધરપકડ કરી છે!''
એક સાથે આટલું બોલ્યા પછી સહેજ અટકીને તખુભાએ ગણેશજી સામે જોયું. ''મારી પાસે આટલી માહિતી છે. હવે આપને શું કહેવાનું છે?''
''આ લાલજીના બાપાને હું વર્ષોથી ઓળખું છું.'' સાથે આવેલા માણસ તરફ ઈશારો કરીને ગણેશજીએ કહ્યું. ''આ કેસમાં લાલજીને ફસાવવામાં આવ્યો છે. લાલજીને દારૂની કુટેવ હશે, પણ ચોરીની વાત સાવ ખોટી. ભૂખે મરી જાય, પણ ચોરી ના કરે. બળુકો છે, એટલે કોઈ એક લાફો મારે તો સામે બે લાફા મારી દે એવી એની તાસિર છે, પણ પૈસા માટે એ કોઈનું ખૂન તો ક્યારેય ના કરે, સાહેબ! કોઈ મોરલો કળા કરી ગયો અને આ બાપડાના ગળામાં ગાળિયો પરોવી દીધો છે.'' એણે તખુભા સામે હાથ જોડયા. ''બાહોશ પોલીસ અધિકારી તરીકે આપની છાપ છે એટલે ખુદ કમિશ્નરે આપનું નામ અમને આપ્યું છે. સાચા ખૂનીને પકડાવીને લાલજીને બહાર લાવવાનો છે. આ ગરીબ ફેમિલીની આટલી સેવા કરો, સાહેબ! આપની જે કંઈ ફી હશે એ આપવા હું તૈયાર છું.''
પોલીસે પુરાવા સાથે પકડેલા આરોપીને છોડાવવા માટેની વિનંતીનો તખુભા શું જવાબ આપશે એ જાણવાની જિજ્ઞાસા સાથે અવિનાશ અને નંદિની એમની સામે જોઈ રહ્યા હતા.
(ક્રમશઃ)