લવ ટ્રાયેંગલ .

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
લવ ટ્રાયેંગલ                                                                   . 1 - image


- પ્રકરણ - 7

- જીયા દરરોજ અજયને અલગ અલગ છોકરીઓ સાથે સેટની પાછળના ભાગમાં જોતી અને  દુ:ખી થતી હતી. તેને અજયના આવા રૂપ વિશે જરાય કલ્પના નહોતી. 

રા જ દ્વારા આવું રિએક્શન આપવામાં આવશે તેની જીયાને કલ્પના જ નહોતી. તે રડતી, વલખાં મારતી આખી રાત ઘરમાં આમતેમ ફરતી રહી, બેડ પર પડખાં ફેરવતી રહી પણ તેની રાત પસાર થતી નહોતી. બીજી તરફ ગુસ્સામાં ગયેલો રાજ પણ ઘરે પરત આવ્યો નહોતો. જીયાને તેની પણ ચિંતા થતી હતી. આ રીતે સવાર પડી ગઈ પણ રાજ આવ્યો નહીં. જીયા તૈયાર થઈને શૂટિંગ માટે જતી રહી. તેણે જતા પહેલાં પ્લેટફોર્મ ઉપર માફી માગતી એક ચિટ્વી પણ લખીને મુકી હતી જેથી કદાચ રાજ ઘરે પાછો આવે તો તેને જાણ થાય.

જીયા જેવી સેટ ઉપર પહોંચી કે સામેની તરફ ખુરશીમાં રાજ અને અજયને બેઠેલા જોયા. જીયાને આશ્ચર્ય થયું પણ તે આ બંને તરફ જવા લાગી. જીયાને આવતી જોઈને અજય ઊભો થયો અને હાથ પકડીને તેને રાજ પાસે લઈ આવ્યો અને ખુરશીમાં બેસાડી.

'જીયા યાર, આ લાગણીશીલ માણસનું ધ્યાન રાખ. નાની નાની વાતોમાં ખોટું લગાડે છે. આવો ઈમોશનલ ફુલ રહ્યા કરશે તો કેવી રીતે ચાલશે. કાલે હું ગુસ્સામાં બોલી ગયો એમાં તો નોકરી છોડવા સુધી પહોંચી ગયો. તારી સાથે પણ ઝઘડો કર્યો અને ઘર છોડીને પણ જતો રહ્યો. આ તો સારું થયું કે સવારે હું એક ફ્રેન્ડના ઘરેથી સેટ ઉપર આવતો હતો ત્યારે આ ડફોળને કિટલી પાસે ઊભેલો જોયો અને મારી સાથે અહીંયા લઈ આવ્યો. ખબર નહીં આ શું કરવા માગે છે. મારા ગુસ્સાથી નોકરી છોડવા તૈયાર થયો છે તો કાલ ઊઠીને અંકિતા જેવાએ સેટ ઉપર ગાળો દીધી તો આ ભાઈ તો આપઘાત કરી લેશે. એનું સેલ્ફ રિસ્પેક્ટ આ સહન નહીં કરી શકે.'- અજય એટલું બોલીને જોર જોરથી હસવા લાગ્યો.

'સાચી વાત છે. અહીંયાથી ઘરે ગયા પછી મારી સાથે પણ ઝઘડયો હતો. ગમે તેમ બોલતો હતો. મેં સમજાવ્યું કે, કામ કરવા દરમિયાન આવું તો થાય પણ વિચારવા કે સ્વીકારવા તૈયાર જ નહોતો. ઉપરથી..' -જીયા આગળ બોલે તે પહેલાં રાજે તેની સામે જોયું...

'શું ઉપરથી...'- અજયે સવાલ કર્યો.

'કશું નહીં ઉપરથી ખાધું-પીધું ય નહીં અને ઝઘડીને ઘરેથી જતો રહ્યો. આખી રાત હું પણ ભુખી-તરસી એની રાહ જોતી રહી. મારી પણ આખી રાત બગાડી.'- જીયાએ ફરિયાદી સ્વરે કહ્યું.

'સોરી યાર... આઈ એમ રિયલી સોરી... હું વધારે પડતું જ રિએક્ટ કરી ગયો હતો.'- રાજે જીયાના ખભે હાથ મુકીને માફી માગી.

'ગઈકાલ માટે મારા તરફથી પણ સોરી... હું પણ કદાચ વધારે રિએક્ટ કરી ગયો હતો...'- અજયે પણ રાજનો ખભો પસવાર્યો.

'અરે સ્પોટદાદા કિસી કો ભેજો ઔર બહારસે તીન કટિંગ ચાય ઔર તીન વડાપાવ મંગવાઓ... આજ કોઈ ડાયેટ નાસ્તા નહીં.. તીનો દોસ્ત સાથે મેં નાસ્તા કરેંગે વો ભી દેસી...'- અજયે દૂર ઊભેલા એક વ્યક્તિને બુમ મારીને કહ્યું અને હસી પડયો. રાજ ઊભો થઈને જીયાને ભેટી પડયો અને ફરીથી માફી માગી. 

'જુઓ કામ કરતી વખતે મને ક્યારેક આવું થઈ જાય છે તો પ્લીઝ તમે લોકો ખોટું ન લગાડતા. તમને લોકોને હું મારી સાથે લાવ્યો છું કારણ કે મારે મારા પોતાના માણસો અને ગમતા માણસોની જરૂર છે. આગળ જતાં હું તમારી સાથે ઘણા કામ કરવા માગું છું. પ્લીઝ મારા એરોગન્સ અને ગુસ્સાને થોડો સહન કરી લેજો.'- અજયે બંને સામે જોઈને કહ્યું.

'તું અત્યારે ભાનમાં છે એટલે તારી વાત સ્વીકારી લઈએ છીએ બાકી રાત્રે તું આવું કશું કહે તો અમે માની શકીએ નહીં. રાત પડતા અજય કપૂર આખો ચેન્જ થઈ જાય છે.'- રાજે કહ્યું અને જીયા હસી પડી.

'યાર યુ આર રાઈટ. રાતનો નશો જ કંઈ અલગ છે અને નશામાં જતી રાત પણ કંઈક અલગ છે. મને એ બંને ગમે છે.'- અજયે પણ હસતા હસતા જવાબ આપ્યો.

ત્રણેય આવી વાતો કરતા હતા ત્યાં સ્પોટદાદા ચા અને વડાપાઉ મુકી ગયા. ત્રણેયે ચા-નાસ્તો કર્યો અને પોતાના કામમાં જોડાયા. દિવસ આખો સરસ રીતે કામ થયું અને સાંજે બધા છુટા પડયા. ધીમે ધીમે બધા એકબીજાથી ટેવાતા જતા હતા અને આ રીતે લગભગ દસ દિવસ પસાર થઈ ગયા. કામ સરસ રીતે આગળ વધી રહ્યું હતું. હવેના ચાર દિવસ શૂટિંગનું નાઈટનું શિડયુલ હતું. 

નાઈટ શિડયુલની પહેલી જ શિફ્ટમાં કોસ્ચ્યુમ ફાઈનલ કરવા માટે અજયની શોધ ચાલી રહી હતી. અજય ક્યાંય દેખાતો નહોતો. જીયા અને કોસ્ચ્યુમ ડિઝાઈનર આખા સેટ ઉપર ફરી આવ્યા પણ ક્યાંય અજય દેખાયો નહીં. જીયા અજયને શોધવા માટે સેટની બહાર નીકળી અને ફિલ્મ સિટીમાં સહેજ દૂર બીજા સેટ તરફ ચાલવા લાગી.

અજયની ફિલ્મના સેટથી લગભગ પાંચસો મીટર દૂર જ બીજો સેટ હતો. ત્યાં જસ્સી ખુરાનાની સિરિયલનું શૂટિંગ ચાલતું હતું. જીયાને થયું કે કદાચ અજય ત્યાં પહોંચી ગયો હશે. તેથી તેણે સિરિયલના સેટ તરફ ચાલવાનું શરૂ કર્યું. જીયા સેટની પાસે પહોંચી ત્યારે તેને સમજાયું કે આ તો પાછળનો ગેટ છે જે બંધ છે. તે સેટની આગળ પહોંચવા માટે પતરાની આડાશને સમાંતર ચાલવા લાગી ત્યાં જ તેને કોઈ અવાજ સંભળાયો.

તેણે અવાજની દિશામાં સહેજ આગળ જઈને જોયું તો એક ગાડી પાર્ક કરેલી હતી અને તેની ઉપર એક યુવતી અર્ધનગ્ન અવસ્થામાં બેઠી હતી. તેની પાસે અજય ઊભો હતો. પેલી છોકરીએ પાસે પડેલા પર્સમાંથી કોઈ ગોળી કાઢી અને જીભ ઉપર મુકી. અજય તેની પાસે ગયો અને લિપલોક કરીને તે ગોળી પોતાના મોઢામાં લઈ લીધી. 

'આઈ રિયલી લવ યુ બેબ્સ... આઈ લાઈક યોર સ્ટાઈલ ઓફ વર્કિંગ. તું આજ રીતે મારી ઈચ્છા પૂરી કર અને મારા ત્રીજા પ્રોજેક્ટમાં તું મારી સાથે રૂપેરી પડદે દેખાઈશ. એન્ડ યુ નો વન થિંગ સુહાની... ધીસ પીલ ઈઝ ડેમ ગુડ... જે કિક વાગે છેને... પાંચ દિવસ મારે નાઈટ શિડયુલ છે. શૂટિંગના શિડયુલ પહેલાં આપણું શિડયુલ ગોઠવાવું જ જોઈએ.'- અજયે સુહાનીના કમરના ભાગે હાથ ફેરવતા ફેરવતા કહ્યું.

'સર આઈ એમ ઓલવેઝ ધેર ફોર યોર નીડ્સ... અલાઈક યુ. આપકો જો ચાહીયે વો મિલ જાયેગા... બસ મુઝે હિરોઈન બના દો... છેલ્લાં દસ દિવસથી તો તમે પેલા બંને સાથે જે રીતે વર્તન કરતા હતા અને કામ લેતા હતા તે જોઈને મને લાગ્યું કે, તમે ખરેખર રાજ અને જીયાને વધારે મહત્ત્વ આપી રહ્યા છો. તેઓ આગામી પ્રોજેક્ટમાં તમારા હેલ્પર નહીં પણ પાર્ટનર થઈ જશે.'- સુહાની પાસે પડેલી બિયરની બોટલમાંથી ઘુંટડો ભરતા બોલી.

'કોણ પેલા બંને જસ્ટ ... ઓફ. મારે તો લાગણીશીલ મજુરો જોઈએ છે એટલે બંનેને રાખ્યા છે. ચાર ગણા પૈસા આપતા પણ આવા ડેડિકેટેડ અને લાગણીશીલ મજૂરો મળતા નથી. આ લોકો તો માત્ર ડબલ સેલેરીમાં જ આવી ગયા છે. ડુ યુ થિંકે હું પેલા રાસ્કલ રાજને મારો પાર્ટનર બનાવીશ. એને હું ડિરેક્શન તો શું ક્લેપર બોર્ડ પકડવા પણ ન રાખું. એન્ડ યુ નો... જીયા... જીયા ઈઝ નોટ માય ટાઈપ... આઈ નો હાઉ ટુ પ્લે વિથ હર અને વિન હર એન્ડ....'- અજય એટલું બોલીને ખંધુ હસી પડયો અને સુહાની પણ ખડખડાટ હસી પડી.

'યુ નો સર... ઈન્ડસ્ટ્રીમાં જે વાત ચાલે છે એ મને થોડી સાચી લાગે છે... અંકિતાને તમે જે આપ્યું હોય એ પણ એનામાં રહેલા કપટ, છેતરપિંડી અને લોકોને વાપરવાની વૃત્તિ તમારામાં બરાબર આવી છે. એની સાથે પસાર કરેલી તમામ રાતોમાં તમે ઘણું શિખ્યા છો. હવે તમે બીજાની રાતો રંગીન કરીને બધું પામી રહ્યા છો... આઈ રિયલી એપ્રિસિયેટ યોર વે ઓફ વર્કિંગ... સબકા સાથ સબકા વિકાસ....'- સુહાની એટલું બોલીને જોરજોરથી હસી પડી....

'સાલી કુતિયા... તેરે કાન ઔર જબાન જ્યાદા ચલતે હૈ... લેકીન સહી સુના હૈ.... અંકિતા કો મૈને જો દિયા હૈ ઉસસે કઈ જ્યાદા ઉસને મુઝે દિયા હૈ... છોડ... સાલા સારા મજા કિરકિરા કર દિયા. એક ઓર ગોલી દે... અબ મુઝે સેટ પે જાના હૈ... સીન રેડી હોગા... અભી કપડે ભી બદલને હૈ...'- અજયે કહ્યું અને ફરીથી સુહાનીને કિસ કરીને ડ્રગની પીલ લઈ લીધી અને ચાલતી પકડી.

'અરે સર કોસ્ચ્યુમ બદલને કે લીયે પહેલે પુરાને કપડે પહનને પડતે હૈ... યે કચ્છે મેં જાઓગે તો અચ્છે નહીં લગોગે...'- સુહાની જોર જોરથી હસવા લાગી અને અજય પણ હસી પડયો.

અજય અને સુહાનીની વાત સાંભળીને જીયાને ઘણું લાગી આવ્યું પણ હાલમાં અજય સાથે બગાડવાની તેની કોઈ ઈચ્છા નહોતી. તેણે આ વાત પોતાના મનમાં જ દબાવી દેવાનું નક્કી કર્યું અને અજય આવે તે પહેલાં પાછી જતી રહી. 

તે સેટ ઉપર પાછી પહોંચી અને થોડીવારમાં અજય ગાડી લઈને આવ્યો અને બધા કામ કરવા લાગ્યા. અજય નશામાં હતો બધાને ખબર હતી પણ કોઈ કશું જ બોલી શકે તેમ નહોતું. પહેલી નાઈટનું શિડયુલ પૂરું થયું અને આ જ રીતે દરેક રાતનું શૂટિંગ થતું હતું. જીયા દરરોજ અજયને અલગ અલગ છોકરીઓ સાથે સેટની પાછળના ભાગમાં જોતી હતી અને મનોમન દુ:ખી થતી અને ગુસ્સે પણ ભરાતી હતી. તેને અજયના આવા રૂપ વિશે જરાય કલ્પના નહોતી. અત્યારે તો તેને પોતાને કામની જરૂર હતી અને પોતાનું અસ્તિત્વ ટકાવવા ઉપરાંત એક સારા બ્રેકની પણ જરૂર હતી તેથી તે મોઢું સીવીને જ કામ કર્યા કરતી હતી. તે દિવસના ઝઘડા બાદ રાજ પણ પોતાની લિમિટમાં જ કામ કરતો હતો અને અજય કહે કે પુછે તેમાં જ માથુ મારતો બાકી સેટના એક ખુણામાં બેસી રહેતો હતો. 

સેટ ઉપર કામ કરવા દરમિયાન રાજની દોસ્તી આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાથે થઈ ગઈ હતી. રાજસ્થાનનો યુવાન છોકરો અમોલ ગુપ્તા એનએસડીમાં ભણીને તૈયાર થયો હતો. એનએસડીમાંથી પાસ આઉટ થયા બાદ તેણે એક-બે પ્રોજેક્ટમાં શીખાઉ તરીકે કામ કર્યું પણ અજયની આ ફિલ્મમાં તેને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે મોટો બ્રેક મળી ગયો હતો. 

પંદર દિવસનું શિડયુલ પૂરું થયા બાદ વીસ દિવસનો બ્રેક હતો કારણ કે અજયને વચ્ચે બીજા એક ડાયરેક્ટરની ફિલ્મનું શિડયુલ પૂરું કરવાનું હતું અને સુજાતાસિંહ પણ અજયના રેફરન્સથી એક સિરિયલમાં કામ કરવાની હતી. તેનો સિરિયલમાં નાનકડો જ રોલ હતો જે દસ દિવસના શિડયુલમાં પૂરો થઈ જાય તેમ હતો. હવે કોઈની પાસે કામ નહોતું.

આ દરમિયાન રાજ અને જીયાએ ઘણો ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો. દરરોજ ઓફિસ જવાનું અને સાંજે પાછા આવવાનું. ખાસ કોઈ કામ નહીં અને કોઈ સ્ટ્રેસ નહીં. તેમાંય મહિનો પૂરો થવાના દિવસે તેમને સેલેરી પણ મળી ગઈ હતી. બંને જણા ડબલ પૈસા આવવાથી ખુબ જ ખુશ હતા. બંને જણા પગાર લઈને પોતાની ગમતી રેસ્ટોરાંમાં પાર્ટી કરી આવ્યા અને રાત્રે પણ ઘરે આવ્યા પછી દારૂ પાર્ટી થઈ અને ત્યારબાદ સવાર સુધી મજા કરતા રહ્યા.

બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે બંનેની ઉંઘ ખુલી જ્યારે સ્વેની એક સરસ મજાના ન્યૂઝ લઈને આવી. સ્વેનીએ આવીને બંનેને જગાડયા અને પોતાના મોબાઈલમાં એક વીડિયો ક્લિપ બતાવી. અજયનો ફિલ્મ સ્ટુડિયોનો એમએમએસ ફરતો થયો હતો. સુહાની સાથેની એની સુહાની યાદે હવે જગજાહેર થઈ ગઈ હતી. સુહાનીએ આ વીડિયોના બદલામાં અજય પાસે ફિલ્મમાં કામ અથવા તો દસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી અને એટલે અજય શૂટિંગનું શિડયુલ કેન્સલ કરીને લંડન જતો રહ્યો હતો.

રાજ અને જીયાને હવે આ ન્યૂઝથી ખાસ કોઈ ફેર પડયો નહીં પણ ત્રણેય જણાએ આ ન્યૂઝનો આનંદ લીધો. જીયાને આ ન્યૂઝની વાસ્તવિકતા ખબર હતી પણ તેણે આ અંગે કોઈ ફોડ પાડયો નહીં. આ રીતે વીસ દિવસ પસાર થઈ ગયા અને અજય લંડનથી પરત આવી ગયો અને ફિલ્મનું નવું શિડયુલ શરૂ થઈ ગયું. લગભગ વીસ દિવસમાં ફિલ્મનું તમામ શૂટિંગ પૂરું કરી દેવાયું. ધીમે ધીમે વિનાયક પ્રોડક્શન ઝડપ પકડી રહ્યું હતું. 

અજયે પોતાના કમિટમેન્ટ પૂરા કર્યા હતા અને એ વર્ષમાં જાહેર કરેલી બે ફિલ્મો તો આપી પણ સાથે સાથે તેની બે સિરિયલ પણ આવી. જો કે હવે તે સિરિયલોમાં મોટા કહી શકાય એવા પણ નાના સમય માટેના રોલ કરતો હતો. તેનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મો ઉપર હતું. 

વિનાયક પ્રોડક્શનની બંને ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન કરી શકી હતી જેના કારણે હવે તેમની પાસે ચાર નવા પ્રોજેક્ટ આવી ગયા હતા. અજયે બધાને બોનસ પણ સારું એવું આપ્યું હતું. તેણે જીયા અને રાજને તો પાંચ-પાંચ લાખ રૂપિયા ગિફ્ટમાં આપ્યા હતા. જીયા માટે આ ભેટ ખરેખર નવાઈ પમાડે તેવી હતી કારણ કે અજયની સુહાની સાથેની વાતચીત હજી પણ તેના મનમાં રમતી હતી. 

કામ આગળ ધપતું જતું હતું અને અજય સુપરસ્ટારની કેટેગરીમાં આવતો જતો હતો. હવે તેની પાસે ઘણા બધા પ્રોજેક્ટ આવી ગયા હતા. આ ઉપરાંત અલત્માસ ખાન સાથે પણ તે એક એક્શન ફિલ્મ કરવાનો હતો જે તેના જીવનનો સૌથી મોટો બ્રેક હતો. આ સિવાય કેશવ ભાનુશાળીની પિરિયોડિક ડ્રામામાં તેને મોટો રોલ ઓફર કરવામાં આવ્યો હતો જે તેની કારકિર્દી માટે મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગયો હતો.

અજય હવે મોટા ગજાના સેલેબ્સમાં ગણાતો થઈ ગયો હતો. રાજ અને જીયા તેની સાથે રહીને આગળ વધ્યા હતા પણ તેમની સ્થિતિમાં બીજો કોઈ સુધારો થયો નહોતો. બંનેને માત્ર આર્થિક લાભ સારા થયા હતા તેમને ફિલ્મોમાં જે કામ કરવું હતું અથવા તો જે તક જોઈતી હતી તે હજી પણ અજયે આપી નહોતી. અજયે તેમને જે કમિટ કર્યું હતું તે અડધું પૂરું થયું હતું. હવે તેઓ આ વિશે અજય સાથે વાત કરવા માગતા હતા પણ યોગ્ય તકની રાહ જોતા હતા. 

વિનાયક પ્રોડક્શનમાં નવા પ્રોજેક્ટની જાહેરાત થઈ. આ બિગ બજેટ ફિલ્મ બનવાની હતી કારણ કે તેમાં રેટ્રો થિમ અને આધુનિક થિમના કોમ્બિનેશનથી કામ થવાનું હતું. મજાની વાત એ હતી કે, વિનાયક પ્રોડક્શન સાથે વીએફએક્સમાં અને સેટ ડિઝાઈનિંગમાં ફરહાન ખાન અને ઈમરાન કાદરીની રેડ ફ્લેમ અને કે ફોર ક્રિયેટિવિટી નામની બે મોટી કંપનીઓ જોડાઈ હતી. આ બંને કંપનીઓ બીગ બજેટ ફિલ્મો અને હોલિવૂડની ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ ધરાવતી હતી. આ સિવાય ડાયરેક્ટર અને કો-પ્રોડયુસર તરીકે વરુન આહુજા જોડાયો હતો જે પોતાના લક્ઝુરિયસ સેટ ડિઝાઈન અને સુપરરિચ કલ્ચર માટે જાણીતો હતો.

અજયે એક મિટિંગ બોલાવીને ફિલ્મની જાહેરાત કરી હતી અને આ ફિલ્મમાં તેણે રાજને પોતાના હેલ્પર તરીકે નહીં પણ ડાયરેક્ટરના આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું કહ્યું. બીજી તરફ જીયાને પણ ફિલ્મમાં એક રોલ ઓફર કર્યો હતો. સ્વેનીને પણ ફિલ્મમાં મેકઅપ આર્ટિસ્ટનો જ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. અજયની આ જાહેરાતથી બધા જ ખુશ હતા. અજયે આ ઉપરાંત ત્રણેય મિત્રોને નવી કામગીરી માટેની ફી પણ વધારી આપી હતી. આ સિવાય ફિલ્મમાં જે રોલ કરવાના હતા તેના માટેની એડવાન્સ ફી પણ આપી દીધી હતી.

દિવાળી બાદ ફિલ્મની શરૂઆત થઈ હતી. ફિલ્મનું શિડયુલ ખૂબ જ મોટું હતું. લગભગ ૪૩ દિવસનું શિડયુલ બન્યું હતું અને પાંચ દિવસના બ્રેક સાથે બે ભાગમાં ફિલ્મ શૂટ થવાની હતી. આમ કુલ ૪૮ દિવસ શૂટિંગ માટે ફાળવવામાં આવ્યા હતા. 

વિનાયક પ્રોડક્શન દ્વારા નક્કી કરેલા સમયે લાભ પાંચમે જ ફિલ્મનું મુર્હત કરવામાં આવ્યું અને કામગીરી શરૂ કરી દેવાઈ હતી. જેમ જેમ શિડયુલ આગળ વધતું જતું હતું તેમ બધા કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા હતા. રાજ અને જીયા એક જ ઘરમાં રહેતા હોવા છતાં એકબીજાને સમય આપી શકતા નહોતા. ઘણી વખત બંને અલગ અલગ શિફ્ટમાં પણ કામ કરવા માટે જતા હતા. સમય જતો હતો અને કામ થતું હતું અને પૈસા આવતા હતા તેથી બંને ખુશ હતા. તેમાંય રાજની કામગીરીથી વરુન આહુજા અને તેનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર બિનોય ખુબ જ ખુશ હતા. આ ઉપરાંત રાજની લાઈટિંગ સેન્સને કાદરીએ પણ ખૂબ જ વખાણી હતી. તેમણે આગામી પ્રોજેક્ટમાં રાજને તેમની સાથે જોડાવાની ઓફર પણ કરી હતી. રાજને તે વાતનો વધારે આનંદ હતા. 

એક રાત્રે શૂટિંગ પૂરું કરીને રાજ અને જીયા આરામથી જુહુ બીચ ઉપર બેઠા હતા. જિંદગી ધીમે ધીમે થાળે પડી રહ્યાનો આનંદ લઈ રહ્યા હતા. જીયા વધારે ખુશ હતી કારણ કે તે હવે કેમેરો ફેસ કરવાની હતી અને ફિલ્મમાં દેખા દેવાની હતી. રાજની પ્રગતિથી પણ તેને ખુબ જ આનંદ થયો હતો. ખાસ તો આગામી બે દિવસ બંને માટે ખૂબ જ મહત્ત્વના હતા. બે દિવસ જીયાનું શૂટિંગ શિડયુલ હતું અને વરુનનો એક આસિસ્ટન્ટ બીમાર હોવાથી તેણે એ કામ રાજને સોંપ્યું હતું તેથી રાજ શૂટિંગ શિડયુલ ઉપર કામ કરવાનો હતો અને સેટ પ્રિપેર કરાવવાનો હતો. બંનેએ નક્કી કર્યું હતું કે, આ ફિલ્મ પછી તેઓ અજય પાસે અન્ય કોઈ પ્રોડક્શન હાઉસનું કામ આવે તો કામ કરવા દેવાની મંજૂરી માગશે. આવી વાતો કરતા કરતા બંને પરોઢિયા સુધી બિચ ઉપર જ બેઠા રહ્યા. સવાર થવા આવી અને બંને એકબીજાનો હાથ પકડીને બિચ ઉપરથી બહાર આવ્યા અને ઘર તરફ ચાલવા લાગ્યા. 

ઘરે પહોંચીને તેઓ ફ્રેશ થઈને સેટ ઉપર પહોંચી ગયા. આયોજન પ્રમાણે શૂટિંગ શરૂ થયું. જીયાએ ખૂબ જ મહેનતથી પોતાને આપેલા ડાયલોગ્સ યાદ રાખીને દરેકે દરેક શોટ સરસ રીતે આપ્યા. રાજે પણ સેટ ડિઝાઈનિંગ અને લાઈટિંગ તથા એક્ટર્સને કામ કરાવવામાં ખૂબ જ સારું સેટ અપ ગોઠવી આપ્યું. રાજના મેનેજમેન્ટને કારણે એક જ દિવસમાં ચારને બદલે છ સીન શૂટ થઈ ગયા અને ટીમ આનંદમાં આવી ગઈ. ખાસ કરીને વરુન તેના કારણે વધારે ખુશ હતો. તેણે જાહેરમાં રાજના વખાણ કર્યા અને અજયને ટકોર કરી કે તારે રાજને સાચવવો જોઈએ અને ડાયરેક્ટર બનાવવો જોઈએ અથવા તો તેને સોંપી દેવો જોઈએ. 

બીજા દિવસે પણ રાજ અને જીયાએ પોતાની કામગીરીમાં ખૂબ જ મહેનત કરી. સવારના પહેલાં ભાગમાં સરસ રીતે કામ ચાલ્યું. બપોરે શૂટિંગમાં બ્રેક પાડવામાં આવ્યો અને બીજું શિડયુલ રાત્રે આઠ વાગ્યાથી પરોઢિયા સુધીનું સેટ કરવામાં આવ્યું. બ્રેક દરમિયાન રાજ, જીયા અને સ્વેનીએ લન્ચ સાથે જ કર્યું અને આ વખતે લન્ચ તેમના માટે એટલે ખાસ બની ગયું કે, વરુને ત્રણેયને પોતાના ટેન્ટમાં લન્ચ માટે ઈનવાઈટ કર્યા હતા. વરુન, અજય, ફિલ્મની હિરોઈન નિવેદિતા, સ્ટાર કીડ દિવ્યા જે આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી હતી તે, તેની માતા અંજના કશ્યપ અને આ ત્રણેય જણાએ સાથે લંચ કર્યું. આ દરમિયાન પણ વરુને ત્રણેયની કામગીરીને વખાણી હતી. લંચ બાદ બધા થોડો આરામ કરવા માટે છુટા પડયા.

છૂટા પડતા પહેલાં રાજે તમામ એક્ટર્સ અને ટીમને તેમની કામગીરી અને કોલ શિટ આપી દીધા. બધું જ સમજાવી દીધું અને સાંજના શૂટિંગનું શિડયુલ ગોઠવવા માટેની કામગીરી હાથ ધરી. સાંજ થઈ અને બધા પોતપોતાની વેનિટિમાંથી બહાર આવવા લાગ્યા. જેમનું જે પ્રમાણેનું શિડયુલ અને કોલટાઈમ હતો તે રીતે કામગીરી શરૂ થવા લાગી. લગભગ નવ વાગવા આવ્યા પણ ક્યાંય અજયનો પત્તો લાગતો નહોતો. અજય અને નિવેદિતાના બે મહત્ત્વના નાઈટ સીન શૂટ કરવાના હતા. નિવેદિતા રેડી હતી પણ અજય દેખાતો નહોતો.

રાજ તેને શોધવા માટે સમગ્ર સેટ ફરી વળ્યો પણ ક્યાંય તે દેખાયો નહીં. તેણે અજયને ફોન કર્યો તો તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. રાજ તેને શોધીને થાક્યો અને અંતે સેટથી દૂર જ્યાં વરુન માટે અલગથી ટેન્ટ બનાવવામાં આવ્યો હતો તેમાં એક નજર કરવાનું નક્કી કર્યું. તે પાંચ જ મિનિટમાં ટેન્ટ પાસે પહોંચી ગયો. તેણે ઝાટકા સાથે ટેન્ટનો દરવાજો ખોલ્યો.

(ક્રમશ:)


Google NewsGoogle News