લવ ટ્રાયેંગલ પ્રકરણ - 12 .

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
લવ ટ્રાયેંગલ પ્રકરણ - 12                                                                   . 1 - image


-રવિ ઈલા ભટ્ટ

દુબઈનો આ પ્રવાસ મારી જિંદગીનો છેલ્લો પ્રવાસ છે. હું આત્મહત્યા કરી રહી છું. આમ તો મારી મોત અજયને એવો પાઠ ભણાવશે કે તે આખી જિંદગી યાદ રાખશે.

અ જય સવારે મૂર્હત માટે તૈયાર થઈને હોટેલના પાર્કિંગમાં આવ્યો ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવી અને મોબાઈલમાં કેટલાક ફોટા બતાવ્યા. ફોટો જોતાની સાથે જ અજયના ચહેરાનો ફ્યૂઝ ઊડી ગયો. 

'અજય સર, તમને મારે સમાચાર આપવા છે કે, જીયાનું મોત તમારા પ્લાનિંગના કારણે નહીં પણ અલગ રીતે થયું છે. આ સમાચાર દુબઈમાં કેટલાક લોકો સુધી પહોંચી ગયા છે બસ ત્યાંના સત્તાવાળાઓને ખબર નથી. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે જીયાને મારવા માટે જે પ્લાનિંગ કરતા હતા તેની બધી જાણ જીયાને હતી. તમે જે રીતે ડ્રગ્સ લાવ્યા, જીયાને આપ્યું અને જીયાના કપડાં અને બેગ્સમાં ગોઠવ્યું હતું તે બધું જ જીયા જાણતી હતી. આ બધી તસવીરો તેની જ છે. તેના રૂમમાં તેણે કેમેરા સેટ કરાવ્યા હતા જેમાં તમારી કારીગરી કેદ થઈ ગઈ છે. હવે આગળ શું કરવું તે નક્કી કરો. આમ તો જીયાનું મોત કુદરતી જ છે છતાં તે કુદરતી નથી તે સાબિત કરવામાં આ તસવીરો સારો ભાગ ભજવી શકે છે. આગળ શું કરવાનું એ તમને ખબર જ છે.' - હોટેલમાં આવનાર વ્યક્તિએ કહ્યું.

'મારે તને કેટલા આપવાના છે. તમને લોકોને બ્લેકમેઈલ કરવા સિવાય કંઈ આવડતું જ નથી. તમારી ઔકાત હું પામી ગયો છું.' - અજયે રોષ સાથે કહ્યું.

'મારે એકપણ પૈસો જોઈતો નથી. તારી કે તારા બાપની કાળી કમાણીમાં મને રસ નથી. હું તો માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે, આ બધું તારે અટકાવવું હોય તો આ ફિલ્મ આજે મુર્હત પહેલાં જ બંધ કરવાની જાહેરાત કરવી પડશે. તારે ફંડિંગની સમસ્યા છે એટલે આ ફિલ્મ બંધ કરવી પડી તેવા સમાચાર છપાવવા પડશે નહીંતર આ તસવીરો અને સમાચાર છપાઈ જશે.' - આગંતુક ગુસ્સા સાથે બોલ્યો.

'તને ભાન પડે છે. તું શું કહી રહ્યો છે. તું જે કહેવા અને કરાવવા માગે છે તે શક્ય નથી. મારી કેરિયરનો સવાલ છે. આ રીતે ફિલ્મ પહેલાં જ દિવસે અટકાવી દઉં તો શું પરિસ્થિતિ થાય. તારે જેટલા પૈસા જોઈતા હોય એ બોલ હું આપી દઈશ.' - અજયના અવાજમાં એકાએક આજીજીનો સૂર આવી ગયો.

'મારે કંઈ નથી જોઈતું. તને કહ્યું એ કરી દેજે. બાકી જે થાય એ ભોગવતો રહેજે.' - આગંતુક એટલું કહીને જતો રહ્યો. અજય તેની પાછળ દોડવા ગયો પણ હોટેલના પાર્કિંગમાં તેને જોઈને લોકો ભેગા થવા લાગ્યા હતા એટલે સહેજ આગળ વધીને અટકી ગયો. અજય તરત જ પાછો વળ્યો અને હોટેલમાં અંદર જતો રહ્યો.

મૂર્હતનો સમય નીકળી ગયો છતાં અજય હોટેલની બહાર આવ્યો નહીં. તેણે ફોન પણ બંધ કરી દીધો હતો. વિરાગે પણ તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ થયો નહીં. વિરાગ હોટેલ ઉપર પહોંચ્યો ત્યારે અજયે બોમ્બ ફોડયો. અજયે પ્રેસ કોન્ફરન્સ બોલાવી લીધી હતી. વિરાગ આવ્યો ત્યારે અજય પ્રેસ કોન્ફરન્સની તૈયારી કરતો હતો. વિરાગ કંઈ સમજ્યો નહીં પણ પત્રકારોને જોઈને તે સહેજ આશ્ચર્યમાં મુકાયો. તેને કદાચ એમ લાગ્યું કે, આ પત્રકાર પરિષદ પણ અજયના પ્લાનનો કોઈ ભાગ હશે. તે ચુપચાપ સોફામાં ગોઠવાઈ ગયો.

 'મિત્રો, મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે, વિરાગ સાથેની આ ફિલ્મ હું કરી શકું તેમ નથી. મારે થોડો ફંડિંગનો પ્રોબ્લેમ થયો છે. આ ઉપરાંત આ સ્ક્રીપ્ટમાં મને દમ લાગતો નથી. તેથી આ ફિલ્મ હાલ પુરતી અટકાવવામાં આવે છે. આ સ્ટોરી ઉપર ફરીથી કામ કરીશું અને ટૂંક સમયમાં નવી જાહેરાત કરીશું. થેંક્યુ વેરી મચ ફોર કમિંગ.' - અજય એટલું બોલીને ઊભો થઈને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો.

વિરાગને કંઈ સમજાયું નહીં પણ તેની પાસે શાંતિ રાખવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તે અજયને સવાલ કરી શકે તેવી સ્થિતિમાં હતો નહીં તેથી વિરાગ પણ પોતાના રૂમમાં જતો રહ્યો. આ ફિલ્મ ડબ્બા બંધ થઈ ગઈ અને અજય પોતાના અન્ય પ્રોજેક્ટમાં બિઝી થઈ ગયો. તેણે લગભગ છ મહિના સુધી કોઈ ફિલ્મની જાહેરાત કરી નહીં. તે પાછલા બારણે મરાઠી ફિલ્મોમાં રોકાણ કરતો રહ્યો. તેની આવક વધી રહી હતી પણ તેને હવે લાઈમ લાઈટમાં આવવાની ચાનક ચડી હતી.

તેણે પોતાની સફળતાને એન્કેશ કરવા માટે નવો પ્લાન બનાવ્યે. અજય હવે ગુજરાતી ફિલ્મોના પ્રોડક્શનમાં પડવા માગતો હતો. તેણે એક દિવસ અખબારમાં જાહેરાત આપી કે મારે સરસ મજાની ફિલ્મ કરવી છે અને એ પણ ગુજરાતીમાં. તેણે ઓફર કરી હતી કે, મારે ગુજરાતીમાં ફિલ્મ સ્ક્રિપ્ટ જોઈએ છે. આ ફિલ્મમાં ૭૦ ટકા ઈન્વેસ્ટમેન્ટ મારું, ૩૦ ટકા તમારું. આ ફિલ્મમાં હું લીડ રોલ કરીશ અને જે પ્રોફિટ થશે તે બંને સરખા ભાગે વહેંચી લઈશું.

અજયે આ જાહેરાત ફરતી કર્યા પછી તેની પાસે સ્ક્રિપ્ટનો ઢગલો થવા લાગ્યો અને તેણે ઘણી સ્ક્રિપ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એક દિવસ સાંજે અજય પોતાના આલિશાન ઓફિસમાં આ કામ કરતો હતો ત્યારે એક વ્યક્તિ તેને મળવા માટે આવી. આવનાર વ્યક્તિએ પોતાનો પરિચય નૈષધ ઠાકર તરીકે ઓળખ આપી. 

'અજય સર, મારી પાસે એક સરસ ઓફર છે. તમે તમારું સ્ટારડમ દાવ ઉપર લગાવો છો અને પૈસા પણ એવું તો થોડું ચાલે. મારી એક સરસ ઓફર છે. હું તમને એક સ્ક્રિપ્ટ આપું છું. તમે વાંચી જૂઓ જો તમને પસંદ પડે તો તેમાં ૭૦ ટકા ઈન્વેસ્ટમેન્ટ મારું, ૩૦ ટકા તમારું અને જે પ્રોફિટ થાય તેમાં ૭૦ ટકા તમારો અને ૩૦ ટકા મારો. બોલો ઓફર કેવી લાગી.'- નૈષધ બોલ્યો.

'સાઉન્ડ્સ ઈન્ટ્રેેસ્ટિંગ. તો તમે મારા સ્ટારડમનો લાભ લેવા માગો છો કે પછી બીજું કંઈ છે. તમારી ઓફર પહેલી નજરે તો બરાબર લાલચ ઊભી કરાવે તેવી છે. રોકાણ ઓછું અને નફો વધારે તથા તમારા પક્ષે રોકાણ વધુ અને નફો ઓછો. દોસ્ત મને લાગે છે કે, તમે ગમે તે હશો પણ બિઝનેસમેન તો નહીં જ હોવ.'- અજયે સ્માઈલ આપી અને કહ્યું.

'સર, તમને જે લાગે છે. મારા માટે આ પહેલો પ્રયોગ છે. મારે શીખવું છે, ફિલ્મ મેકિંગમાં આવવું છે. મારી પાસે ફંડ ઘણું છે અને મારી ઈચ્છા છે કે, પહેલા પ્રોજેક્ટમાં મારે પૈસા કરતા અનુભવ વધારે લેવો છે. તેના કારણે જ તમારા જેવા ખમતીધર અને ડિમાન્ડિંગ એક્ટર સાથે કામ કરવા તૈયાર થયો છું. બાકી તો ફિલ્મો બનાવવાના નામે લેભાગુઓની ગુજરાતમાં અછત નથી. જાતભાતની સ્ક્રીપ્ટો બતાવીને, ચોરેલી સ્ક્રીપ્ટો સાથે પચાસ લાખની ફિલ્મો પાંચ કરોડમાં કરવાવાળા પણ પડયા જ છે. મારે એવા લોકો સાથે જરાય કામ નથી કરવું.સાહેબ, ગુજરાતમાં છેતરપિંડીના એક્કાઓ અને પૈસાના ગુલામો બહુ જ ફરે છે. પેટિપેક સ્ક્રીપ્ટનો દાવો કરનારા લેભાગુઓને રવાડે ચડીએ તો બેચાર વર્ષમાં તો ટિફિન લઈને નોકરીએ જવાના દિવસો આવે.'- નૈષધના અવાજમાં ધાર હતી.

'મી. નૈષધ મને લાગે છે કે, તમે તમામ પ્રકારનું હોમવર્ક કરીને આવ્યા છો. મને તમારી ડિલ મંજૂર છે. આપણે બે દિવસ પછી ભેગા થઈએ. મને સ્ક્રીપ્ટમાં રસ પડયો તો આપણે ત્યારે જ એગ્રિમેન્ટ કરી લઈશું.'- અજયે કહ્યું. 

અજયની વાત સાંભળ્યા પછી નૈષધ નીકળી ગયો પણ બે દિવસ પછી અજયે તેને બોલાવીયે લીધો. બંને વચ્ચે કરાર થયા અને અમદાવાદથી અમેરિકા નામની ફિલ્મની જાહેરાત થઈ. આયોજન પ્રમાણે અજય અને નૈષધે કામ શરૂ કર્યું. લગભગ આઠ મહિનાની મહેનત પછી ફિલ્મ રિલીઝ થઈ અને લોકોએ તેને વધાવી પણ લીધી. ગુજરાત અને મુંબઈમાં ફિલ્મ હિટ સાબિત થઈ. ઓવરસિઝ ઓડિયન્સે પણ અજયને ગુજરાતી ફિલ્મમાં એક્ટર તરીકે આવકાર્યો. અજયે આ ફિલ્મની સફળતાને ઉજવવા માટે એક અનોખી સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં તેણે ગુજરાતી ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના પોતાના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. આ પાર્ટી દરમિયાન અજય ખૂબ જ ખુશ હતો કારણ કે હિન્દીની સાથે સાથે ગુજરાતી ફિલ્મ પ્રોડયુસ કરવાનું તેનું સાહસ સફળ થયું હતું. આ પાર્ટી દરમિયાન અજયે એક સાથે બે ગુજરાતીની અને બે હિન્દી ફિલ્મોની જાહેરાત કરી. લોકોએ તેને આનંદની કિકિયારીઓ પાડીને વધાવી લીધો. અજયે શેમ્પેનની છોળો ઉડાડી અને લોકો આનંદથી ઝુમી ઉઠયા. 

અજય અને નૈષધ બંને હાથમાં દારૂનો ગ્લાસ રાખીને ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અજયની મેનેજર તેમની નજીક આવી. 

'સર કેટલાક લોકો ફિલ્મ વિશે ગોસિપ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, અત્યારે ન્યૂઝ ચેનલ ઉપર આપણી ફિલ્મ વિશે કંઈક ન્યૂઝ ચાલી રહ્યા છે. મને લાગે છે કે, આપણે જોવા જ જોઈએ.'- મેનેજરે શાંતિથી અજયને કહ્યું.

અજયે તરત જ હોટેલના ડાન્સબારમાં ટીવી ચાલુ કરાવ્યું અને ન્યૂઝ ચેનલ જોઈ તો ડઘાઈ ગયો. ન્યૂઝ એન્કર બોલતી હતી કે, અજય કપૂરનું વધુ એક ફ્રોડ પોતાના નામે ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવાનું તૂત. કોઈના પૈસે પોતાની નામના અને ખિસ્સા ભરવાનો કારસો. સ્ટોરી બીજાની, પૈસા બીજાના અને સ્ટારડમના નામે પ્રોફિટ પોતે કમાઈ લીધો. આ પહેલાં પણ હિન્દી ફિલ્મોમાં બીજાના પૈસે રોકાણ કરીને પોતાના ખિસ્સા ભરી લીધા હતા. નવાઈની વાત એ છે કે, આ ફિલ્મ જેણે લખી છે અને જેની સ્ટોરી છે તેને માત્ર પાંચ લાખ આપીને ચૂપ કરી દેવાયો. તેને ધમકીઓ આપવાં આવી છે. ન્યૂઝ એન્કરે વારાફરતી અજય અને નૈષધ વચ્ચે થયેલા કરારના કાગળો પણ બતાવ્યા અને કોન્ટ્રાક્ટની શરતો પણ વાંચી સંભળાવી.

'યુ બાસ્ટર્ડ, પહેલાં મને આવી શરતો કરવાનું કહે છે અને જ્યારે ફિલ્મ સફળ થાય છે ત્યારે વધારે પૈસા પડાવવા માટે મને મીડિયામાં અપમાનિત કરે છે.' - અજય ન્યૂઝ જોઈને બરાબરનો ગિન્નાયો. તેણે સીધી જ નૈષધની ફેંટ પકડી. 

'અજય મને આ વિશે કંઈ જ ખબર નથી. કોન્ટ્રાક્ટના પેપર પણ તારી પાસે છે. સમગ્ર પ્રોસેસ દરમિયાન તો હું અમેરિકા હતો તો મારો વાંક ક્યાંથી આવે. તું જાતે તપાસ કર કે તારા પોતાનાએ આવું કંઈક કર્યું હશે અથવા તારા દુશ્મને આવું કર્યું હશે.' - નૈષધે પોતાના કપડાં છોડાવતા ગુસ્સા સાથે કહ્યું.

'આઈ એમ સોરી યાર. હું થોડો ગુસ્સામાં આવી ગયો. એક્ટ્રીમલી સોરી. હું મારી રીતે તપાસ કરું છું. એક કામ કર તું અત્યારે અહીંયાથી જતો રહે અને છ મહિના સુધી મને મળતો નહીં. હમણા જે પ્રોજેક્ટ્સની જાહેરાત કરી તેને પણ હમણા અટકાવીએ છીએ. હું આ બધું તપાસ કરી લઉં પછી આગળ કામ કરીશું.' - અજયે નૈષધને વિનંતીભર્યા સ્વરે કહ્યું.

'ઈટ્સ ઓકે. તને ઈચ્છા થાય ત્યારે મને કહેજે. હવે તારી લાગણીઓ ઉપર કાબુ રાખજે નહીંતર મને પણ ઘણું બધું આવડે છે.' - નૈષધ ધમકીભર્યા સ્વરે બોલીને પાર્ટીમાંથી નીકળી ગયો.

અજય પણ પાર્ટીમાંથી નીકળીને સીધો જ ઘરે આવી ગયો. તેણે આ મુદ્દે ઘણો વિચાર કર્ય પણ તેને કશું જ મળ્યું નહીં. તેણે સ્થિતિને જાણવા ઘણા પ્રયાસ કર્યા પણ તેને કોઈ રીતે કશું જ જાણવા મળ્યું નહીં. તેને એમ થયું કે, ઓફિસમાંથી જ કોઈએ માહિતી લીક કરી હશે. તેણે ઓફિસના દરેક લોકોના ફોન અને મેસેજ તથા ઈમેલની તપાસ કરાવી પણ કશું જ મળ્યું નહીં. આખરે તે થાકી ગયો પણ સત્ય સુધી પહોંચી શક્યો નહીં. તેણે કંટાળીને આ દિશામાં તપાસ પડતી મુકી દીધી. તેની જિંદગીમાં આ વધુ એક એવો ટર્ન આવ્યો હતો જેના વિશે તેને કશી જ ખબર નહોતી પણ તેની કારકિર્દીની ગાડી ખોટકાઈ ગઈ હતી. તેના માટે આ આઘાત સહન થાય તેવો નહોતો.

અજયે ધીમે ધીમે પોતાની જિંદગી ફરીથી પાટે ચડાવવાની શરૂઆત કરી. તેણે પ્રોડક્શનના બદલે હવે રાજીવ ગુપ્તાની ફિલ્મ એક્ટર તરીકે શરૂ કરી દીધી. તેના માટે સારી બાબત એ હતી કે, આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ બ્રિટનમાં અને અમેરિકામાં હતું. માત્ર પાંચ દિવસનું જ શૂટિંગ ભારતમાં હતું. આ શૂટિંગ અમદાવાદમાં હતું.

અજયે ફિલ્મી શરૂઆત કરી દીધી. શૂટિંગ શરૂ થઈ ગયું અને અજય અમેરિકા રવાના થઈ ગયો. લગભગ દોઢ મહિનો ત્યાં રહીને મોટાભાગની ફિલ્મ શૂટ કરીન ેબ્રેક માટે તે અમદાવાદ પરત આવ્યો. દિવાળી સમયે શૂટિંગ બ્રેક હતો. અજય પોતાના ઘરે આવી ગયો હતો. એક દિવસ સવારે તે જોગિંગ ઉપરથી પરત આવ્યો અને પોતાના રૂમની બહારની બાલ્કનીમાં આદત પ્રમાણે નાસ્તો કરતો હતો ત્યાં જ તેના પિતા આવ્યા.

'દીકરા મારે તારી સાથે એક વાત કરવી છે. આમ જોવા જઈએ તો એક ચોખવટ... ના... એક ભુલ સ્વીકારવી છે.' - અજયના પિતા થોડાક નર્વસ અવાજે બોલ્યા.

'જો તમે દુબઈની ઘટનાઓ વિશે વાત કરવા માગતા હોવ તો રહેવા દેજો. આપણે જે કરવાનું હતું અને તમે જે કર્યું હતું તે બધું જ મને ખબર છે. તમને અનાયરા સાથે પ્લાનિંગ કરવા મોકલ્યા હતા. તમે અનાયરા સાથે પોતાનું જ પ્લાનિંગ કરવામાં જોડાઈ ગયા. મને તો કહેતા પણ શરમ આવે છે. તમારા કર્મો હું ભોગવી રહ્યો છું. તમારા કારણે મારે આખે આખી ફિલ્મ છોડી દેવી પડી. મુર્ર્હત પણ કરી શક્યો નહીં.' - અજય બરાબરનો ગિન્નાયો.

'માઈન્ડ યોર લેન્ગવેજ અજય. તારા પાપ સુધારવા માટે જ હું તૈયાર થયો હતો. હું સ્વીકારું છું કે, મારાથી ભુલ થઈ છે. આ ભુલ મેં સુધારી પણ લીધી છે. તું અમેરિકા હતો ત્યારે મેં અનાયરાને દસ લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત તેની પાસેથી અમારી તસવીરો પણ મેળવી લીધી હતી. બસ આજે હું તારી સામે મારી ભુલ સ્વીકારવા માટે આવ્યો હતો.' - અજયના પિતા બોલ્યા.

'જે થયું તે જવાદો. હવે આપણે આ મુદ્દે કોઈ ચર્ચા કરવી નથી. મને સમજાતું નથી કે, આપણા ફોન, આપણા ઈમેલ અને આપણી આખેઆખી જિંદગી કોઈ જોઈ, જાણી અને જણાવી રહ્યું છે. આપણા ઉપર તમામ બાજુએથી જાસુસી થઈ રહી છે. મને તેની ચિંતા વધારે છે. તમે હવે જે પણ કરો અને જ્યાં પણ જાઓ ત્યાં થોડી સાવચેતી રાખજો. હું નથી ઈચ્છતો કો આપણે કોઈ સમસ્યામાં ફસાઈએ.' - અજયે પોતાના પિતાને વિનંતી કરી. 

'ઠીક છે. તું પણ તારું ધ્યાન રાખજે દીકરા. મારું માને તો અમેરિકામાં આપણો બિઝનેસ સેટ છે. તારી ઈચ્છા હોય તો થોડો સમય ફિલ્મોમાંથી આરામ લઈ લે અને અમેરિકા જ સેટલ થઈ જાય. પાંચ-સાત વર્ષ બિઝનેસ કર પછી પાછો આવજે.' - અજયના પિતા બોલ્યા.

'સમય આવ્યે જોઈશું. અત્યારે તો આ ફિલ્મ પૂરી કરી લઉં. ત્યારબાદ તેના વિશે વિચારીશું. પ્લીઝ તમે અને મમ્મી સાચવજો.' - અજયે આટલી વાત કરી અને તેના પિતા ત્યાંથી નીકળી ગયા.

અજય આ ઘટના પછી પોતાની ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયો. ત્યારબાદ તેણે અન્ય એક ફિલ્મ કરી અને સાથે સાથે ફિલ્મ પ્રોડયુસ કરવામાં પણ વ્યસ્ત રહેવા લાગ્યો. 

અજય પોતાની આવી જ એક ફિલ્મના શૂટિંગમાં તુર્કી ગયો હતો ત્યારે તેની મુલાકાત તેના જૂના મિત્ર સાથે થઈ. તુર્કીમાં સંજય સરની ફિલ્મ ચાલતી હતી અને તેનું ડિરેક્શન રાજ કરી રહ્યો હતો. સંજય સર ટીમ સાથે હતા પણ સંચાલન રાજના હાથમાં આપેલું હતું. એક દિવસ પોતાના શૂટિંગમાં બ્રેક લઈને અજય સંજયસરને મળવા ગયો ત્યારે સંજય સર અને રાજ ફિલ્મનો એક સીન ડિસ્કસ કરી રહ્યા હતા. અજય ત્યાં આવ્યો અને તેને જોઈને રાજ બહાર નીકળી ગયો. અજય થોડીવાર બેઠો અને સંજયસર સાથે વાતો કરીને ટેન્ટની બહાર આવ્યો. તેણે નજર કરી તો રાજ બહાર જ ઊભો હતો.

'રાજ મારે તારી સાથે વાત કરવી છે. પ્લીઝ બે મિનિટ આવીશ.' - અજયે રિક્વેસ્ટ કરી.

'મારે તારી સાથે કોઈ વાત કરવી નથી. તું તારી લાઈફમાં મસ્ત અને વ્યસ્ત છે. હું પણ મારી લાઈફમાં વ્યસ્ત છું.' - રાજ એટલું કહીને ટેન્ટમાં અંદર જતો રહ્યો અને અજય પોતાના રસ્તે આગળ જતો રહ્યો.

અજય પોતાના શૂટિંગ લોકેશન ઉપર પહોંચ્યો અને પોતાના ટેન્ટમાં અંદર જવા જતો હતો ત્યાં જ તેનો ફોન રણક્યો. અજયે જોયું કે પ્રાઈવેટ નબંર લખેલું હતું તેથી તેણે ફોન ઉઠાવ્યો નહીં. થોડાવાર થઈને ફરીથી ફોન રણક્યો. આખરે તેણે ફોન ઉઠાવ્યો.

'હેલ્લો.. હુ ઈઝ ધેર..' - અજયે કહ્યું.

'અજય સર. થેંક્યુ સો મચ ફોર યોર સપોર્ટ. તમે આપેલા બે કરોડના કારણે અમારો અનાથ આશ્રમ નવો બની ગયો અને દરેક છોકરાઓ માટે સારામાં સારી સુવિધા થઈ ગઈ. તમારો અને જીયા મેડમનો ખુબ ખુબ આભાર. જીયા મેડમ તો રહ્યા નથી પણ અમે આશ્રમનું નવું મકાન તેમની યાદમાં બનાવ્યું છે. જીયા મેડમે મને આ વિશે તમને વાત કરવાની ના પાડી હતી પણ હું મારી જાતને રોકી શક્યો નહીં. અમે નવો વોર્ડ તમારા હાથે ખુલ્લો મુકવા માગતા હતા પણ મેડમે તેના માટે પણ ના પાડી હતી. અમને ગર્વ છે કે, અમારે ત્યાં રહીને ઉછરેલી છોકરી આટલા મોટા સુપરસ્ટારની પત્ની બની અને અમને આટલું મોટું દાન આપ્યું.' - સામેની વ્યક્તિએ આટલું કહીને ફોન કટ કરી દીધો. 

અજયે તરત જ તે નંબર ઉપર પરત ફોન લગાવ્યો પણ તે ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. અજય નિરાશ થઈ ગયો. અજયને જે જાણવું હતું અને જે કહેવું હતું તે ઈચ્છા અધુરી રહી ગઈ. અજયની ઈચ્છાઓનું ચેપ્ટર અધુરું રહી ગયું.

અજયે ડાયરીનું પાનું ફેરવ્યું તો આગળ બધું જ કોરું હતું. તેના તુર્કી પ્રવાસ સુધીની જ વાત હતી. ત્યારબાદ કશું લખ્યું જ નહોતું. તે પછી તો તેના જીવનમાં ઘણી ઉતાર-ચડાવ આવ્યા પણ તેના વિશે કોઈ જ ઉલ્લેખ કરાયો નહોતો. 

અજય ડાયરીના પાછળના બધા જ પાના ફેંદી કાઢયા પણ તે બધા જ કોરા હતા. અજયને નવાઈ લાગી. તેની ઈચ્છાઓના પાના અને આતુરતાના પાના પણ હવે કોરા રહી ગયા હતા. તે ડાયરીના છેલ્લા પાના સુધી પહોંચી ગયો પણ ક્યાંય કશું જ લખ્યું નહોતું.

અજયે નિરાશા સાથે ડાયરી પછાડીને બંધ કરી. તેને એમ થયું કે આવી તે કેવી ડાયરી રાજ મને આપવા માટે આવ્યો હતો. આ ડાયરીમાં તો અધૂરી વાતો છે. અજય હજી વિમાસણ અને અસમંજસની સ્થિતિમાં હતો. તેને સમજાતું નહોતું કે શું કરવું. તેણે ફરી એક વખત ડાયરી ઉથલાવવાનું શરૂ કર્યું. તેણે છેલ્લા પાના સુધી ડાયરી ફેરવી નાખી પણ કશું જ મળ્યું નહીં. તુર્કીના શૂટિંગની વાત અધુરી હતી તે અધૂરી જ હતી. અજય જ્યારે છેલ્લા પાના ઉપર પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે, આ પેજ થોડું વધારે જાડું છે. તેણે ધ્યાનથી ડાયરી જોઈ તો સમજાયું કે બે પેજ ચોંટાડેલા હતા. અજયે પોતાના ટેબલના ડ્રોઅરમાંથી કટર કાઢયું અને બંને પેજ છુટા પાડવા માટે સાઈડમાંથી કપાવાનું શરૂ કર્યું. અજયે સાવચેતીથી બંને પાના અલગ કર્યાં ત્યાં જ તેમાંથી એક સફેદ રંગનું કવર નીચે પડયું. અજયે કવર ઉપાડયું અને તેમાંથી એક પત્ર બહાર કાઢયો. તેણે પત્ર વાંચવાની શરૂઆત કરી અને તેના જીવનનું સૌથી મોટું આશ્ચર્ય અને રહસ્ય તે પત્રમાં છતું થઈ ગયું હતું.

આ પત્ર જીયા દ્વારા રાજના નામે લખવામાં આવ્યો હતો. તેઓ દુબઈ ગયા ત્યારે આ પત્ર લખાયો હતો. તેમાં ત્રણેયના જીવનના વર્તમાન અને ભવિષ્યની વાતો કરવામાં આવી હતી. પત્રમાં કંઈક આ પ્રમાણે લખ્યું હતું...

'પ્રિય, રાજ

હું આજે જિંદગીના એવા પડાવ ઉપર આવી ગઈ છું કે, મારી પાસે તારી માફી માગવા અને મારા ગુનાની માફી માગવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. મારો જન્મ ક્યાં થયો અને મારા માતા-પિતા કોણ છે તેની તો મને ખબર જ નથી. એક અનાથ આશ્રમમાં હું ઉછરી અને મારા સપનાં પૂરા કરવા માટે મુંબઈ આવી હતી.

તને પહેલાં દિવસે મળી ત્યારથી એ દિવસ જે આપણને વિખુટા પાડી ગયો ત્યાં સુધી મેં તને ચાહ્યો છે. પહેલાં તું મારો સારો મિત્ર હતો અને પછી હું તારા ગળાડૂબ પ્રેમમાં હતી. મારો પ્રેમ તારા માટે ક્યારેય ખોટો નહોતો. હું તારી સાથે આગળ જીવવા અને ઘર વસાવવા પણ માગતી હતી. મારી જિંદગીને કદાચ મારી નિયતીને એ પસંદ નહોતું. અજયની સાથે કામ કરવા દરમિયાન મારું મન લલચાયું. અજયના પૈસા અને પ્રસિદ્ધિ એન્કેશ કરવા માટે મારું મન લલચાયું. મને લાગ્યું કે, હવે બોલિવૂડમાં રહેવા કે જીવવા માટે એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઈઝ સિવાય કોઈ વિકલ્પ વધ્યો નથી. મેં એ વિકલ્પ પસંદ કરી લીધો. 

આજે મારી જિંદગી તેના અંતિમ પડાવ ઉપર પહોંચી ગઈ છે. મને ગર્ભાશયનું કેન્સર થયેલું છે. છેલ્લા સ્ટેજનું કેન્સર છે. મારું ગમે ત્યારે મોત થઈ શકે છે. મારા મૃત્યુ પહેલાં હું મારી ભુલ સ્વીકારવા અને તારી માફી માગવા માગું છું. હા આ જિંદગી મેં ખૂબ જ માણી છે. આ સમયમાં અજયે મારા તનનો અને મેં તેના ધનનો ભરપૂર ઉપયોગ કર્યો છે. હવે આ જિંદગી વધારે જીવાય કે સહેવાય એવી નથી.

દુબઈનો આ પ્રવાસ મારી જિંદગીનો છેલ્લો પ્રવાસ અને જીવવાનો છેલ્લો પ્રયાસ છે. હું આત્મહત્યા કરી રહી છું. આમ તો મારી મોત અજયને એવો પાઠ ભણાવશે કે તે આખી જિંદગી યાદ રાખશે. તેણે મારી અને મારા જેવી અન્ય ઘણી છોકરીઓ સાથે જે રમત કરી છે તે રમત હવે તેની જિંદગી સાથે રમાવાની શરૂઆત થશે. અજયને જવા દે. મારે તને કંઈક કહેવું છે. મારી જિંદગીની શરૂઆત મારા હાથમાં નહોતી પણ તેનો અંત મારા હાથમાં છે. હું આ અંત લાવતા પહેલાં તારી જિંદગી સુધારવા માગું છું. 

અજય પાસેથી જે પૈસા મેં મેળવ્યા છે, તેણે મારા નામે છે મુક્યા છે અને તેની સંપત્તીઓ વેચીને જે હું કમાઈ છું તે બધું જ હવે તારા સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરતી જાઉં છું. તને ટૂંક સમયમાં મારા મોતના સમાચાર મળશે. તેની સાથે સાથે આ તમામ સંપત્તી અને પૈસા તારી પાસે પહોંચી જશે. તને જે યોગ્ય લાગે તે તું કરજે. મારા પિતાને મારી એક ડાયરી અને આ પૈસા આપ્યા છે. તેઓ તારા સુધી આ બધું જ પહોંચાડી દેશે.

મને આ તબક્કે એક વાત સમજાઈ છે કે, સ્પોટબોય અને સેટ આસિસ્ટન્ટ તરીકે જે કામ કરતા હતા તે વધારે સારું હતું. સ્વમાન સાથે સાચો પૈસો કમાતા હતા અને સુંદર જીવન પસાર કરતા હતા. એક અનાથ તરીકે જીવન કેવું હોય અને અભાવ શું હોય તે હું જાણું છું. તેના કારણે તારી સાથે છેતરપિંડી કરી. મને હવે સમજાય છે કે, છત્રી નીચે ચરિત્ર વગરનું જીવન જીવવા કરતા છત્રી પકડીને સ્વમાન અને ચરિત્ર સાથે જીવવું વધારે સારું હતું. 

હું તને કાયમ પ્રેમ કરતી હતી અને જીવનના અંતિમ શ્વાસ સુધી પ્રેમ કરતી રહીશુ. શક્ય હોય તો મને માફ કરી દેજે.

- તારી અને માત્ર તારી જ જીયા.' 

અજયે પત્ર વાંચ્યો અને તેની આંખોમાં આંસુ ઉમટી આવ્યા. તેણે પત્રને ફેરવ્યો તો તેની પાછળ પણ કંઈક લખ્યું હતું.

'પ્રિય જીયા

તારી અને તારા પતિની આ કાળી સંપત્તીમાં મને કોઈ રસ નથી. મેં તમે જિંદગીના દરેક પડાવમાં અનહદ પ્રેમ કર્યોહતો. મને તારો પ્રેમ ત્યારે પણ જોઈતો હતો અને કદાચ હું પછી પણ તારા પ્રેમના આધારે જ જીવન પસાર કરી નાખતો. નિયતીને કદાચ એ મંજૂર નહીં હોય. હા તને એક પ્રોમિસ કરું છું કે, તું જે કાળી સંપત્તી મને આપીને જાય છે તે તારા પતિ પાછળ ખર્ચી નાખી છે. તારા એ ઘમંડી પતિ, એક્ટર અને પ્રોડયુસરને એક બે કોડીના સ્પોટબોયે તેની હેસિયત બતાવી દીધી છે. 

હું તને માફ તો નહીં કરી શકું પણ તને જીવન ચાહતો રહીશ. આઈ ઓલવેઝ મીસ યુ જીયા. આઈ લવ યુ.

- તારો રાજ.'

અજય ક્યાંય સુધી પત્ર હાથમાં પકડીને રડતો રહ્યો. તેની આંખો સામે સ્પોટબોયથી શરૂ કરીને અજય કપૂર ધ સુપર સ્ટાર સુધીની જિંદગીની આખી ફિલ્મ પસાર થઈ ગઈ હતી. તેની આંખમાંથી આંસુઓનો ધોધ વહ્યા કરતો હતો. કદાચ પહેલી વખત તેની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહ્યા હતા. તે ક્યાંય સુધી રડતી આંખે ક્ષિતિજ તરફ તાકતો રહ્યો. દિવસ દરમિયાન તેજોમય રહેલો સૂર્ય હવે અસ્તાચળે આગળ વધી ગયો હતો અને અંધારાનું સામ્રાજ્ય બાહ્ય વિશ્વ અને તેના ભાવવિશ્વ ઉપર છવાઈ ગયું હતું.

(સમાપ્ત)


Google NewsGoogle News