લવ ટ્રાયેંગલ પ્રકરણ -11 .

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
લવ ટ્રાયેંગલ  પ્રકરણ -11                                                                 . 1 - image


- અજય પોતાના કાફલા સાથે દિલ્હી પહોંચ્યો પણ તેનું પ્રમોશન કે શૂટિંગ થયું નહીં. તેને શૂટિંગના મૂર્હતમાં એવા ભયાનક સમાચાર મળ્યા કે તે હેબતાઈ ગયો.

અ ખબારમાં ન્યૂઝ હતા કે, યુવા સુપર સ્ટાર અજય કપૂરે પોતાની પત્ની માટે દુબઈમાં આલિશાન ફ્લેટ ખરીદ્યો. અજય કપૂરે અંદાજે અધધ ૧૦૦ કરોડની કિંમતનો ફ્લેટ ખરીદ્યો. માત્ર પાંચ દાયકા જેટલી ઓછી ફિલ્મી કરિયરમાં બોલિવૂડમાં છવાઈ ગયેલા અજય કપૂરનું વધુ એક આશ્ચર્યજનક કામ. પહેલાં જીયા નામની પોતાની આસિસ્ટન્ટ સાથે લગ્ન કરીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા અને હવે લગ્નના ઓફિશિયલ એનાઉન્સમેન્ટના દિવસે પોતાની પત્ની માટે કરોડોની કિંમતનો એપાર્ટમેન્ટ ખરીદ્યો.

જીયા આ ન્યૂઝ જોઈને ડઘાઈ ગઈ. તેણે ઘરમાં પડેલા બે-ત્રણ અખબારો જોયા અને મોબાઈલમાં પણ સફગ કર્યું તો ખબર પડી કે આ ન્યૂઝ બધે જ ચાલી રહ્યા છે. તે રસોડામાં ગઈ અને પોતાના માટે ચા બનાવીને લાવીને ડાઈનિંગ ટેબલ ઉપર ફરીથી ગોઠવાઈ. તેણે મોબાઈલ હાથમાં લીધો અને અજય બહાર આવ્યો. 

'સો વેરી ગુડ ઈવનિંગ માય લવ. નાઉ યુ આર ઓનર ઓફ ધ લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ ઈન દુબઈ. બી રેડી ફોર ધ નેક્સ્ટ ફેઝ ઓફ યોર લાઈફ. આ એપાર્ટમેન્ટ તને મેં નહીં પણ મારા પપ્પાએ લઈ આપ્યો છે. તે જેમ મને બ્લેકમેઈલ કરીને મારી સાથે લગ્ન કર્યા, પૈસા માગ્યા અને બધું પડાવી લેવાની વેતરણ કરી તેવી જ રીતે મેં મારા બાપને કહીને મિડલ ઈસ્ટના વિવિધ માફિયાઓના બ્લેક મની તારા નામે ઈન્વેસ્ટ કરાવ્યા છે. આ ફ્લેટ તારા નામે એટલા માટે લેવડાવ્યો છે કે જો તું મને ડિચ કરવા જઈશ તો મારા પપ્પા ત્યાંની ઓથોરિટીને જણાવી દેશે કે તે કેવી રીતે બ્લેકમનીનો ઉપયોગ કરીને ત્યાં એપાર્ટમેન્ટ લીધો છે અને મને અહીંયા પણ ભરાવ્યો છે. સો નાઉ આઈ એમ એટ ધ સેફર સાઈડ...'- અજયે આટલું કહીને જીયાના ગાલ ઉપર આંગળી ફેરવી. 

'અરે વાહ, તો તું પણ પ્લાનિંગ કરવા લાગ્યો. તને શું લાગે છે કે તું મને ફસાવી દઈશ અને હું ફસાઈ જઈશ. હજી તો તારે ઘણું કરવાનું બાકી છે અને હું બધું જ કરીને બેઠી છું. તે ગયા અઠવાડિયે આ એપાર્ટમેન્ટ લેવા માટે મારા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ અને સિગ્નેચરનો ઉપયોગ શરૂ કરી દીધો હતો તે મને ખબર છે. જે છોકરી જીયા બનીને તારા બાપ સાથે દુબઈ ગઈ હતી તેને પણ હું ઓળખું છું. તેં એને જીયા બનવા માટે બે લાખ આપ્યા હતા અને મેં વધારાના બે લાખ આપ્યા હતા તારા બાપ સાથે રાત પસાર કરવા માટે. તારો બાપ તારા જેવો જ છે! રાત્રે નશાની હાલતમાં ભાન ભુલી ગયો અને બિચારી ઉપર તૂટી પડયો. તારા બાપના વીડિયો અને ફોટો મારી પાસે છે. તમારે લોકોને જોઈતા હોય મેમરી માટે તો હું આપી દઈશ. જ્યારે પણ એમ થાય કે આપણે મીડિયામાં આપવું છે ત્યારે બધાને બતાવીશું કે સસરા અને પુત્રવધૂ વચ્ચે કેવા સરસ સંબંધો છે. ઓકે બેબી...'- જીયાએ તો સીધી સિક્સ જ ફટકારી. અજય દિગમૂઢની જેમ તેની સામે જોતો રહ્યો.તે પગ પછાડીને પાછો રૂમમાં જતો રહ્યો અને જીયાએ મોબાઈલ હાથમાં લઈને કોઈને ફોન કર્યો.

અજય અને જીયાની જિંદગી આ રીતે જ પસાર થતી હતી. આ દરમિયાન અજય પોતાની ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો અને જીયા પોતાના માટે પૈસા ભેગા કરવામાં અને પાર્ટીઓ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. અજય તેને જોઈએ એટલા પૈસા આપતો હતો કારણ કે હવે તે અને તેના પિતા બંનેના સિક્રેટ જીયા પાસે હતા. બીજી તરફ રાજની કેરિયર પણ ફુલ ફ્લેજ દોડી રહી હતી. સંજય સરે તેને કર્મા પ્રોડક્શનમાં ઓફિશયલી જોઈન કરી લીધો હતો. તે હવે રઘુબીરની જેમ જ સંજય સરનો મહત્ત્વનો વ્યક્તિ બની ગયો હતો. સ્વેનીએ પણ જીયાની મદદથી પોતાનું સરસ મજાનું સલુન ખોલી નાખ્યું હતું અને સરસ કમાણી કરતી હતી. 

અજય પણ ધૂમ પૈસા કમાતો હતો અને વારંવાર વિદેશોમાં ફરતો હતો. આ બધા વચ્ચે તેણે અમેરિકા અને લંડનમાં રોકાણ શરૂ કર્યું હતું. તેણે ઈન્વેસ્ટમેન્ટ કરીને બ્રિટનની નાગરિકતા પણ લઈ લીધી હતી. અજયને આનંદ એ વાતનો પણ હતો હવે તેના અને જીયાના કોન્ટ્રાક્ટ મેરેજને માત્ર એક જ વર્ષ બાકી હતું. ચાર વર્ષ તો તેણે ગમેતેમ પસાર કરી લીધા હતાં. 

અજયે પોતાનો પ્રેમ સાચો હતો અને જીયા જ ખરાબ પત્ની હતી તે સાબિત કરવા માટે પાર્ટીઓનું આયોજન વધારી દીધું. જીયા આ પાર્ટીઓ મનભરીને માણતી અને નશો કરતી. અજય પણ નશો કરતો હતો છતાં તે પોતાના મળતિયા ડોક્ટરોની મદદથી ડિટોક્સ થતો હતો. બોલિવૂડમાં નશાખોર ટોળકીઓને ડિટોક્સ કરવાનો ધંધો પણ ધમધોકાર ચાલે છે. નશેડી અને ગંજેડીઓ કરોડો રૂપિયા ખર્ચે છે અને ધૂતારાઓ તેમને લૂંટે પણ છે. મહત્ત્વની વાત એ હતી કે, અજયને તો એક જ વાત સાબિત કરવી હતી કે જીયા ભયાનક નશાખોરી કરે છે અને અત્યંત ખરાબ પત્ની છે. 

આ પ્લાનને સફળ બનાવવા અને જીયાને દુબઈના કાયદાઓમાં ફસાવી દેવા માટે તેણે એક વખત દુબઈમાં પાર્ટીનું આયોજન કર્યું. દુબઈની એક આલિશાન હોટેલમાં તેણે પોતાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું. દુનિયાભરમાંથી તેણે પોતાના મિત્રો, કેટલાક ચાહકો અને બોલિવૂડના સ્ટાર્સને ત્યાં બોલાવ્યા. ત્રણ દિવસનો ભવ્ય જલસો રાખવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં દુનિયાભરના પીરસવામાં આવી હતી. લોકોએ ખૂબ જ જલસા કર્યા હતા. પાર્ટીના છેલ્લાં દિવસે મોટી દુર્ઘટના બની જેણે બધાના જીવન બદલી કાઢયા.

પાર્ટીના છેલ્લાં દિવસે એટલે કે અજયના જન્મ દિવસે ગ્રાન્ડ સેલિબ્રેશન હતું. તે દિવસે રશિયન બેન્ડ પર્ફોર્મ કરવાનું હતું. તે ઉપરાંત બીજા ઘણા આયોજનો કરવામાં આવ્યા હતા. રાત્રે આઠ વાગ્યાની આસપાસ અજય તૈયાર થઈને નીચે પાર્ટી લોન્જમાં આવ્યો. તેના મિત્રો, માતા-પિતા, તેના સાથીઓ તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા હતા. અજય જાણે કે આજે ખુશ જણાતો હતો. તેણે એક વખત પોતાના પિતાની સામે જોઈને આંખ મિચકારી. તેના પિતા પાર્ટી લોન્જની બહાર ગયા અને કોઈને ફોન કર્યો. 

લગભગ અડધો કલાક થયો હશે ત્યાં હોટેલમાં પોલીસનું ધાડું દોડી આવ્યું. 

પોલીસે હોટેલમાં ચરસ લવાયું હોવાની અને ચરસનું સેવન થતું હોવાની બાતમીના આધારે તપાસ શરૂ કરી. પોલીસે તમામ રૂમ, પાર્ટી લોન્જ, રેસ્ટોરાં અને પાર્કિંગ તથા દરેક ગેસ્ટને તપાસ્યા. તેઓ તપાસ કરતા કરતા હોટેલના સૌથી ઉપરના ૭૦મા માળે પહોંચ્યા. ત્યાં અજયનો સ્પેશિયલ સ્યૂટ રૂમ હતો. પોલીસ અજયને લઈને આ રૂમ ખોલવા માટે ઉપર ગઈ. અજયે દરવાજા ઉપર કાર્ડ ટેપ કર્યું અને દરવાજો ખુલી ગયો. અજયનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો કે, જીયા નશાની હાલતમાં મળશે અને તેની પાસેથી ડ્રગ્સની પડિકિઓ પણ મળી આવશે અને ટાઢાપાણીએ ખસ જશે. 

પોલીસની ટીમ અને અજય અંદર ગયા તો દ્રશ્ય જોઈને ડઘાઈ ગયા. જીયા હોટેલના બાથરૂમમાં પડી હતી. પોલીસે જઈને તપાસ્યું તો ખ્યાલ આવ્યો કે જીયા તો મૃત્યુ પામી છે. જીયા મૃત્યુ પામી હોવાની વાત વાયુવેગે હોટેલમાં ફેલાઈ ગઈ. થોડી જ વારમાં ભારતીય મીડિયામાં પણ વાત ફેલાઈ ગઈ કે, સુપરસ્ટાર અજય કપૂરની પત્ની જીયા કપૂર દુબઈની લક્ઝુરિયસ હોટેલના સ્યૂટ રૂમના બાથરૂમમાં મૃત અવસ્થામાં મળી આવી. ચારેકોર જીયાની મોતના સમાચાર ફેલાઈ ગયા. અજય કપૂર ફિક્સમાં મુકાઈ ગયો. 

જીયાને નશાખોરીમાં પકડાવવા માટે કરેલું આયોજન ઉંધું પડયું અને જીયાના મોતના કેસમાં પોતે સસ્પેક્ટ બની ગયો. જીયાની ડેડબોડીની ઓટોપ્સી કરવામાં આવી અને તેમાં જણાવાયું કે, હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હતું. આ ઉપરાંત જીયાને લિવરનું ચોથા સ્ટેજનું કેન્સર હતું. તેના પેટમાંથી ભોજન અને થોડોઘણો દારૂ મળી આવ્યો હતો. દુબઈની પોલીસ આ ઓટોપ્સીથી સંતુષ્ટ નહોતી. તેના કારણે સમગ્ર હોટેલ રૂમ અને જીયાના વિસરાની ફરીથી ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસમાં પણ જીયાનું હાર્ટએટેકના કારણે જ મોત થયું હોવાનું સાબિત થયું. લગભગ એક મહિનાની મથામણ બાદ દુબઈની પોલીસે તેને જવા દીધો અને જીયાનું મોત કુદરતી રીતે થયાનું જાહેર કર્યું.

જીયાના મોતના કેસમાં ફસાયેલો અજય દુબઈથી પરત આવ્યા બાદ તમામ પ્રોજેક્ટ અટકાવીને લંડન ચાલ્યો ગયો. તમામ સમાચારો, કામગીરી, લોકોના સવાલો, લોકોની નજરો, લોકોની વાતો, ઈન્ડસ્ટ્રીની ગોસિપ બધાથી દૂર તે લંડનમાં પોતાના પિતાના એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયો. લગભગ નવ મહિના સુધી તે ત્યાં રહ્યો અને માત્ર તેના માતા-પિતા સાથે જ તેણે સંપર્ક રાખ્યો હતો.

જીયાની મોતને હવે એક વર્ષ થવા આવ્યું હતું. અજય તેની તર્પણ વિધિ કરવાનું નાટક કરવા ભારત પાછો આવ્યો. અજયે ભારત પરત આવીને જીયાની તર્પણ વિધિ કરાવી. આ ઉપરાંત તેણે જીયાને આપેલા પૈસા, તેનો ફ્લેટ, તેની ગાડી, તેનું બેન્ક બેલેન્સ, તેની ૧૦ કરોડની લાઈફ ઈન્સ્યોરન્સની રકમ તથા બાકીના પૈસા ભેગા કરવાનું શરૂ કરવાનું નક્કી કર્યું. 

અજયે જ્યારે આ બધું શોધવા અને ભેગું કરવા માટે જીયાના રૂમમાં અને તેના કબાટમાં શોધખોળ કરી ત્યારે તેને કશું જ મળ્યું નહીં. અજય આ જોઈને રઘવાયો થઈ ગયો અને ખૂબ જ ગુસ્સે ભરાયો. અજયને પહેલાં તો એમ થયું કે જીયાએ કદાચ આ બધું પોતાના પિતાને મોકલાવી દીધું હશે પણ તેની એ શંકાપણ ખોટી સાબિત થઈ. જીયાના પિતાએ આ વાત નકારી દીધી. અજય પાછો મુંબઈ આવ્યો અને સ્વેની તથા સુરભી પાસેથી આ મુદ્દે ખુલાસા કરાવાનું આયોજન કર્યું. અજય હવે પોતાના પૈસા પાછા લેવા અને બધું વસુલવા માટે મરણીયો થયો હતો. તેની પાસે હવે આ રસ્તો અપનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

અજયે સ્વેની અને સુરભીને પકડવા માટે એક પ્લાન બનાવ્યો. તેણે અર્જુનને કહીને મડઆઈલેન્ડમાં એક પાર્ટીનું આયોજન કરાવ્યું. આ હેલોવિન પાર્ર્ટીમાં તેણે બધાને આમંત્રણ અપાવ્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ન્યૂઝ કવર કરતા હોય તેવા તમામ પત્રકારોને પણ આ પાર્ટીમાં બોલાવવામાં આવ્યા. અજયે નક્કી કર્યા પ્રમાણે બધા ત્યાં આવી ગયા. પાર્ટી ચાલુ થઈ ગઈ અને લોકો ડાન્સ અને દારૂના તાલે ઝૂમવા લાગ્યા. વિવિધ પ્રકારના દારૂ, ફૂડ અને મ્યુઝિકથી લોકોને મજા પડી ગઈ હતી. આ પાર્ટીમાં અર્જુને જાહેરાત કરી કે આ પાર્ટી  મારા મિત્ર અજયની લાઈફની નવી ઈનિંગની શરૂઆત માટે છે. અજય હવે મરાઠી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઈન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યો છે. તે આ માટે પોતાનું એક નવું પ્રોડક્શન હાઉસ પણ ખોલવાનો છે. તેના આ સાહસમાં બે મોટા નામ પણ જોડાઈ રહ્યા છે, એક છે અલ્તમાસ ખાન અને બીજું નામ છે દેશબંધુ માંજરેકર. આ ત્રિપુટીએ મરાઠી ઈન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટેનું બિડું ઝડપ્યું છે અને આગામી વર્ષમાં તેઓ ત્રણ ફિલ્મો સાથે માર્કેટમાં આવી રહ્યા છે.

આ બધી જાહેરાતો વચ્ચે લોકો પાર્ટીની મજા માણતા હતા ત્યારે સ્વેની, સુરભી, શિવાંગી અને બીજી બે-ચાર છોકરીઓ દારૂ પી રહ્યા હતા. આ દરમિયાન એક છોકરી સ્વેની અને સુરભીને બોલાવવા માટે આવી. સ્વેની અને સુરભી તેની પાછળ પાછળ ગયા. એ છોકરી બંનેને પાકગ સુધી લઈ ગઈ. 

'મેમ પ્લીઝ વેઈટ હીયર... તમને કોઈ મળવા આવે છે...'- પેલી છોકરી એટલું બોલી અને પાછી ફાર્મ હાઉસની અંદર જતી રહી. સ્વેની અને સુરભી ત્યાં ઊભા ઊભા વિચારતા હતા કે એવું તો કોણ મળવા માગે છે કે, કોણ આવે છે કે અહીંયા બહાર સુધી આવવું પડયું. બંને વિચાર કરતા હતા ત્યાં જ પાછળથી કેટલાક લોકો આવ્યા અને બંનેને પકડી લીધા. બે કદાવર લોકોએ સ્વેની અને સુરભીને પીઠમાં ઈન્જેક્શન માર્યું અને ગણતરીની મિનિટમાં બંને બેભાન થઈ ગયા. આ લોકોએ બંનેને ઉચકીને એક કારમાં નાખી દીધા. બંનેને લઈને કાર પુરપાટ ફાર્મહાઉસના પાર્કિંગની બહાર જતી રહી.

સુરભી અને સ્વેની જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેઓ કોઈ અંધારિયા રૂમમાં હતા. બંનેને ખુરશી સાથે બાંધવામાં આવેલા હતા. તેમણે આંખો ખોલી અને આસપાસનું વાતવરણ જોવા લાગ્યા ત્યારે તેમને સમજાયું કે તેમને કિડનેપ કરવામાં આવ્યા છે. સ્વેનીના ચહેરા ઉપર થોડો ભય જણાતો હતો પણ સુરભી ખૂબ જ સામાન્ય હતી. સુરભીએ આંખના ઈશારાથી સ્વેનીને સામાન્ય રહેવા જણાવ્યું. બંનેને ભાનમાં આવેલા જોઈને સામે ઊભેલી વ્યક્તિએ કોઈને ફોન કર્યો.

'બોસ, દોનો લડકીયાં હોશ મેં આ ગઈ હૈ... આપ આ જાઈયે ઉપર.'- પેલી વ્યક્તિએ આટલું કહીને ફોન કટ કરી દીધો અને બે જ મિનિટમાં અજય અને અન્ય એક વ્યક્તિ રૂમમાં પ્રવેશ્યા.

'અરે તિવારી લંગડે તુ... મુઝે લગા કી યે કિડનેપિંગ તુને હી કિયા હોગા... તેરે જૈસે અનપઢ લોગ હી જર્નાલિસ્ટ કો કિડનેપ કરને કા સોચતે હૈ... ઔર અજય સાબ... યે સબ આપ કે ઈશારે પે હુઆ હૈ...'- સુરભીએ ખૂબ જ શાંત સ્વરે કહ્યું.

'હા. એક કાંટો તો એની જાતે નીકળી ગયો અને હવે બાકીના બે કાંટા હું કાઢી નાખીશ એટલે મારી જિંદગીનો અને મારી કેરિયરનો રસ્તો એકદમ સુંવાળો થઈ જશે. પાર્ટી તો માત્ર બહાનું હતું. તમારા બંનેનો કાંટો કાઢવો મારા માટે મહત્ત્વનો છે. તમારી પાસે બે ઓપ્શન છે. એક હું પુછું એના જવાબ સીધી રીતે અને સીધે સીધા આપી દો અને અહીંયાથી જીવતા પાછા જાઓ અથવા તો... તમને ખબર જ છે.'- અજયે ખંધા સ્વરે કહ્યું.

'અબે ગધે... ના.. ના... પેલું જીયા શું કહેતી હતી... હા... ડિયર અજય... ડફોળ તારે હજી પ્લાનિંગ કરવાનું શીખવાનું છે. અમને તો પહેલેથી આવડે જ છે. જે દિવસે જીયાનું મોત થયું તે દિવસથી અમને ખબર હતી કે તું અમને શોધવાનો છે, પકડવાનો છે અને હેરાન પણ કરવાનો છે. તે આ કામ કરવાનું એક વર્ષ પછી વિચાર્યું પણ અમે તો જીયાના મોતના દિવસથી જ બચવાનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. તને એક મજાની વાત કહું. આ લોકો જ્યારે ગાડીમાં અમને અહીંયા લાવ્યા ત્યારે હું થોડી થોડી ભાનમાં હતી અને આ પેલા ટકલાએ અહીંયા આવ્યા પછી મારો ફોન સ્વીચઓફ કર્યો હતો. મારા ફોનમાં એસઓએસ સેટ કરેલું છે. હું જ્યારે પણ ફોન સ્વીચઓફ કરું એટલે મારું છેલ્લું લોકેશન મારા એક મિત્ર પાસે જતું રહે છે. જો એમ ન કરવું હોય તો ફોન ઓન હોય ત્યારે એસઓએસ બટન દબાવીને તેને બંધ કરવું પડે છે. ત્યારબાદ સ્વીચઓફ કરીએ ત્યારે લોકેશન જતું નથી. હવે અમને કંઈ પણ થયું કે તમે કર્યું એટલે આ જગ્યા શોધતી શોધતી પોલીસ આવી જ જશે.'- સુરભીએ ધારદાર શબ્દોમાં કહ્યું અને પછી અજયની સામે જોઈને હસવા લાગી.

'ક્યા બાત કર રહી હૈ... અરે ફોન ચાલુ કર ઉસકા... યે જો બટન બોલી વો દબા દે ઔર એક કામ કર વો હટેલે કો ફોન લેકર ભેજ દે ઔર બોલના મલાડ રેલવે સ્ટેશન પે જાકે ફીર સે સ્વિચ ઓફ કરદે.'-તિવારીએ પોતાના માણસને કહ્યું. 

તિવારીના માણસે સુરભીનો ફોન ઓન કર્યો અને એસઓએસ બટન દબાવી દીધું. ફોનમાં મોટેથી એલાર્મ વાગ્યું. ત્યારબાદ પેલાએ ફોન સ્વીચઓફ કરી દીધો અને ફોન લઈને નીકળી ગયો. અજય અને તિવારી જોરજોરથી હસવા લાગ્યા. સુરભી પણ તેમના હાસ્યમાં જોડાઈ અને વધારે મોટેથી હસવા લાગી.

'થેંક્યુ તિવારી ટકલે... તુ સાલા અંડરવર્લ્ડ કે કાબિલ હી નહીં હૈ... તું ડબ્બાવાલા થા વોહી અચ્છા થા... ગલતી સે મર્ડર કર કે ભાઈ બનને નીકલા હૈ લેકીન તેરી દેહાતી સોચ કા ક્યા કરેગા. તુને ફોન ઓન કરકે પુલિસ કો ઔર મેરે દોસ્ત કો લોકેશન ભેજ દિયા હૈ... અબ તુમ લોગો કો જો કરના હૈ વો કરો.'-સુરભી બોલી અને પછી સુરભી અને સ્વેની જોરજોરથી હસવા લાગ્યા.

'યે ક્યા કિયા ટકલે... તુઝે પતા નહીં ચલતા... યે કિસકો હાયર કિયા મૈને... અબ છોડ ઈનકો... ઔર નીકલ યહાં સે... ઔર તેરે આદમી કો બુલા કે ઉસકા ફોન વાપસ કર દે...'- અજયે કહ્યું અને ગાળ દીધી.

'સુન બે ચિકને.... અપની ગાલી અપને પાસ રખ વરના યે જો ચાકુ હૈ વો ઐસી જગહ ઘુસેડ દુંગા કે જિંદગીભર ના સો પાયેગા ના બૈઠ પાયેગા... નીકલ...'- તિવારીએ પણ ગુસ્સા સાથે ગાળ દીધી.

'એ ડફોળો તમારે જે કરવું હોય તે કરજો. અમને જવા દો. અજય તારે જે જોઈએ છે તે અમારી પાસે નથી. હા સમય આવ્યે તારી પાસે આવી જશે. એક વાત યાદ રાખજે જીયા એવી રીતે પ્લાનિંગ કરીને ગઈ છે કે, તું સહેજ પણ ઉતાવળો કે ઉત્સાહિત થઈને કશું કરવા ગયો તો તારે જ ફસાવાનો વારો આવશે. એમાંય તારા અને તારા બાપના ફોટો અને વીડિયો પણ હજી સુરક્ષિત જ છે. જે દિવસે જીયાનું કામ પૂરું થઈ જશે એ દિવસે તને બધું આપોઆપ મળી જશે. તું શોધવાનો અને મેળવવાનો પ્રયાસ છોડી દે.'- સ્વેનીએ કહ્યું.

'તું કહેવા શું માગે છે, જીયાએ મર્યા  પહેલાં આ બધું કોઈને આપી દીધું હતું. જીયાનું મોત તો કુદરતી રીતે થયું હતું તો પછી તેને પ્લાનિંગ કરવાનો ટાઈમ મળ્યો ક્યારે. જીયાને તો દુબઈમાં એટેક આવ્યો હતો અને આપણે બધા જ ત્યારે ત્યાં જ હાજર હતા. મને જે હોય એ સાચુ કહી દો.'- અજય ગિન્નાયો.

'અજય, સાચું એટલું જ છે કે, તારી સાથે રહેવા દરમિયાન જીયાએ એના પૈસા અને બાકીની તમામ મિલકતોનું આયોજન કરી નાખ્યું હતું. તેણે અમને એટલું જ કહ્યું હતું કે, સમય આવ્યે બધું જ છતું થઈ જશે. તેણે દુબઈ જતાં પહેલાં અમને માત્ર એટલું જ કહ્યું હતું કે, હવે સમય ઓછો છે અને કામ વધારે છે. અમને એમ હતું કે, તમારા કોન્ટ્રાક્ટ મેરેજ પૂરા થવાનો ટાઈમ નજીક આવી ગયો છે પણ ખરેખર તો તેને પોતાના મોતનો અંદાજ આવી ગયો હોવો જોઈએ. તેણે દુબઈ જતાં પહેલાં બધા જ ડોક્યુમેન્ટ, તસવીરો, વીડિયો અને બાકીની વસ્તુઓ કોઈને મોકલાવી દીધી હતી.'- સુરભી બોલી.

'આ પ્લાનિંગમાં તમારા ત્રણ સિવાય પણ કોઈ સંડોવાયેલું હતું. મને તો કોઈ વ્યક્તિની ખબર જ નથી. તમારા ત્રણ સિવાય મેં કોઈને જોયા નથી અને કંઈ ખબર પણ નથી. સાચું કહો મારા પૈસા ક્યાં છે. તમારે જોઈતો હોય તો તેમાંથી તમને ભાગ આપવા પણ તૈયાર છું.'- અજયના અવાજમાં હવે વિનંતીનો સુર આવી ગયો હતો. 

'બેટાજી... લેટ્સ હેવ પેશન્સ એન્ડ એન્જોય ધ સસ્પેન્સ ઓફ યોર લાઈફ. અમને ખરેખર કશું જ ખબર નથી. હા એટલી ખબર છે કે, તેણે કોઈ પોતાની અંગત વ્યક્તિને પૈસા આપી દીધા છે અને જ્વેલરી પણ વેચીને તેના પૈસા એ વ્યક્તિને જ આપી દીધા છે. તે કોઈ અનાથ આશ્રમને પણ દાન આપવાની વાત કરતી હતી પણ તેની અમને ખાસ ખબર નથી. હવે અમને જવા દે તો તારા અને અમારા બંને માટે સારું છે. બાકી તારું નસીબ.'- સુરભી બોલી.

'સારું. તમે મને આટલું કહ્યું તેના બદલ આભાર અને મારે આ કરવું પડયું તેના માટે સોરી. આઈ હોપ કે આ વિશે તમે કોઈને કશું કહેશો નહીં. હું પ્રોમિસ કરું છું કે, ભવિષ્યમાં તમને જરાય હેરાન-પરેશાન નહીં કરું. આઈ એમ રિયલી સોરી ફોર ઓલ ધીસ.'- અજયે હાથ જોડીને કહ્યું.

'અરે હોય કંઈ, અજયકુમાર.તમારે માત્ર નાનકડી ૫-૫ લાખની રોકડ સેવા નોંધાવી દેવાની છે. અમે પણ તને પ્રોમિસ કરીએ છીએ કે અમે આ વિશે કોઈને કહશું કહીશું નહીં. તને તકલીફ પડી રહી છે અમે સમજીએ છીએ પણ તે અમનેય તકલીફ આપી છે તેનું કમ્પેન્સેશન તો આપવું પડે ને.'- સ્વેનીએ કહ્યું.

'ઠીક છે. કાલે સવારે મારી ઓફિસથી કલેક્ટ કરી લેજો. હું પણ આ દિવસ ભુલી જઈશ અને તમે પણ ભુલી જજો.''ભાઈ ઈન દોનો કો જાને દો. આપ કો ભી આપ કે પૈસે દે દુંગા.'- અજય બોલ્યો.

અજયના કહેતાની સાથે જ ટકલાના માણસોએ બંને છોકરીઓને છોડી મૂકી અને બધા એ મકાનમાંથી નીકળી ગયા.

અજયે પાછા આવીને તપાસ શરૂ કરી કે તેના પૈસા ખરેખર જીયાએ કોને આપ્યા હશે. અજય વિચારોમાં 

હતો કે, જીયાનું અંગત વ્યક્તિ એવું તો કોણ હતું જેને પૈસા આપેલા હતા. તે એવા તો કયા અનાથ આશ્રમ સાથે જોડાયેલી હતી જેમાં તેણે પૈસા દાન કરી દીધા હતા અથવા તો કરવાની હતી. અજયને હવે ચેન પડતું નહોતું. તેણે પહેલી વખત ઘરમાં દારૂ પીવાનું શરૂ કરી દીધું. સાંજ પડતા સુધીમાં તો તે આખી બોટલ પી ગયો અને નશામાં ધૂત થઈ ગયો. તેને પોતાને ખબર નહોતી કે તે શું કરી રહ્યો છે. સાંજે જ્યારે છોટુકાકા બહારાથી આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અજય બહાર ડાઈનિંગ ટેબલ પાસે પડી ગયેલો હતો....

'અજય બાબા... ઓ અજય બાબા... આ શું કર્યું તમે...તમે ઘરમાં પીવાનું શરૂ કરી દીધું. મેડમના ગયા પછી તમારી હાલત બહુ ખરાબ થઈ રહી છે. તમે થોડા દિવસ માટે મોટા શેઠને ત્યાં જઈ આવો. તમે કહો તો હું એમને ફોન કરીને જાણ કરી દઉં.'- છોટુ કાકાએ અજયને ઊભો કરીને તેના બેડરૂમમાં લઈ જતા જતા કહ્યું.

'છોટુ કાકા મારે ક્યાંય જવાની જરૂર નથી. સવારે બધું બરોબર થઈ જશે. તમારે કોઈને કશું કહેવાનું નથી.'- અજય નશાની હાલતમાં એટલું બોલ્યો અને બેડ ઉપર ફસડાઈ પડયો.

અજય બાબા... અરે અજય બાબા.... અજયના કાને આ અવાજ પડયો ત્યારે તેની સવારે આંખ ખુલી.

અજયે જોયું તો તે ડાયરી વાંચતા વાંચતા બહાર બાલ્કનીમાં જ હિંચકા ઉપર ઉંઘી ગયો હતો. ડાયરી નીચે પડી ગઈ હતી અને ફોન પણ જમીન ઉપર પડેલો હતો. નંદુ ચાનો કપ અને નાસ્તો લઈને તેની સામે ઊભો હતો.

'બાબા આ તમારી ચા અને નાસ્તો. મેડમ બહાર ગયા છે અને બપોરે મોટા શેઠને એરપોર્ટથી લઈને પાછા આવશે. તમને રેડી થઈ જવાનું કહ્યું છે.'- નંદુ એટલું બોલીને ચા-નાસ્તો ત્યાં ટેબલ ઉપર મૂકીને જતો રહ્યો. 

અજય ઊભો થયો અને તેણે ડાયરી તથા ફોન ઉપર મૂક્યા અને ફ્રેશ થવા માટે અંદર ગયો અને થોડીવારમાં પાછો આવીને હિંચકી ઉપર જ ગોઠવાઈ ગયો. છેલ્લાં ૨૪ કલાકથી તેણે કશું જ ખાધું પીધું નહોતું તેથી નાસ્તો કર્યો અને ફોન ઉપર એક નજર ફેરવી.

ફોનમાં જતીનના લગભગ દસ મિસ્ડ કોલ હતા અને તેની સેક્રેટરીના પણ પાંચ મિસ્ડકોલ હતા.અજયે પહેલાં જતીનને ફોન લગાડયો.

'બોલ જતીન દા. અબ ક્યા હુઆ. ઔર કોઈ કાંડ હો ગયા.'- અજયે શાંતિથી પૂછયું.

'કાંડ છોડો... યે સાલી જિંદગી પૂરી કાંડ હો ગઈ હૈ... તુઝે પતા હે વો અનાયરા... વો અંકિતા કી ઘટિયા સિરીયલ મેં લીડ એક્ટ્રેસ થી.'- અજયે કહ્યું.

'હા... જાનતા હું... મૈને તો ઉસકો કાસ્ટ કરવાયા થા. આપ ને ભી એક ફિલ્મ કરવાઈથી ઉસસે... તો અબ ક્યા...'- અજયે કંટાળા સાથે કહ્યું.

'અનાયરા આજે મારી પાસે આવી હતી. મને કહેતી હતી કે, આપણે તેનું કાસ્ટિંગ કર્યું ત્યારે તેને જે હોટેલ ટેસ્ટ અપાવ્યા હતા તેના બદલે પૈસા જોઈએ છે. એની પાસે તારો અને મારો ફોટો છે. જેમાં આપણે સાથે બેસીને ચરસ ખેંચીએ છીએ. એની પાસે તારા પપ્પાનો પણ ફોટો છે. મને લાગે છે બંનેએ દુબઈમાં પડાવ્યો હશે.'- જતીન દાએ ગુગલી નાખી.

'વોટ ધ... શું વાત કરે છે... મારા પપ્પાની તસવીર એની પાસે કેવી રીતે આવી. પપ્પા તો એને ક્યારેય મળ્યા જ નથી... ઓહ શીટ...'-અજય આટલું બોલ્યો અને અટકી ગયો.

'શું થયું... કેમ અટકી ગયો. એ આપણી પાસે ૨૫-૨૫ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી રહી છે. મારી પાસે તો અત્યારે વ્યવસ્થા નથી... તારે જ કોઈ હેલ્પ કરવી પડશે. હું પછી તને પ્રોજેક્ટ પૂરા થશે એમ આપી દઈશ. પ્લીઝ આપણા ત્રણેયની આબરૂ તારા હાથમાં છે.'- જતીને રિક્વેસ્ટ કરી.

'એ તો કરી લઈશું. પૈસાની ચિંતા નથી. એક કામ કરો નેક્સ્ટ વીક એને પણ બોલાવી જ લો. આ વખતે બધા જ રિપોર્ટરો, બ્લેક મેઈલરોનો સામટો હિસાબ કરી નાખીએ ક્યાં એમનો જ હિસાબ પૂરો કરી નાખીએ.'- અજયે દાંત કચકચાવીને કહ્યું.

'થેંક્સ યાર. તું પાછો આવીશ ત્યારે બંનેને ફોન કરી દઈશું. તું થોડો એલર્ટ રહેજે. મને લાગે છે કે, આપણા કર્મો હવે પાછા આવી રહ્યા છે. મને ચિંતા થઈ રહી છે.'- જતીનના અવાજમાં હજી પણ ગભરામણ વર્તાતી હતી.

'ડોન્ટ વરી મેન. હું સંભાળી લઈશ. તમે પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપો. આપણા માટે પ્રોજેક્ટ મહત્ત્વનો છે. આ વખતે બધાના એકાઉન્ટ સેટલ થઈ જશે.'- અજયે એટલું કહ્યું અને ફોન કટ કરી દીધો.

અજયે ફોન મૂકીને ડાયરી હાથમાં લીધી અને પાછો હિંચકે આવીને ગોઠવાયો. ડાયરીમાં આગળ લખ્યું હતું તે પણ અજય માટે ખૂબ જ આશ્ચર્યજનક તો હતું જ. તેણે ડાયરી વાંચવાની શરૂ કરી ત્યાં ફોન રણક્યો...

'હેલ્લો... કૌન..'- અજયે સ્ક્રીન ઉપર પ્રાઈવેટ નંબર જોઈને કહ્યું.

'અજય સર... તમારી પાસેથી કવર લેવાનું છે. સુરભી મેમ અને સ્વેની મેમે મને તમારો નંબર આપ્યો છે. તમે કહો તો અત્યારે તમારી ઓફિસ આવી જાઉં.'- ફોનમાં સામેના છેડે વિનંતી કરતો અવાજ આવ્યો.

'આવી જાઓ. ઓફિસ રિસેપ્શન ઉપરથી કવર કલેક્ટ કરી લેજો. એન્ડ ટેલ ધોસ બિચ ટુ લીવ અસ અલોન.'- અજયે એટલું કહીને ફોન કટ કરી દીધો.

અજયે આ વખતે સ્વેની અને સુરભીને પૈસા આપ્યા પછી એ લોકો ક્યારેય એના જીવનમાં આવ્યા નહોતા. ઈનફેક્ટ સ્વેનીએ તો ત્યારબાદ ફિલ્મોની લાઈન છોડી દીધી હતી અને સુરભી લગ્ન કરીને દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી. 

બીજી તરફ અજયે ફિલ્મો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેણે પોતાની ગુમાવેલી ઈમેજ અને પૈસા ભેગા કરવા માટે મહેનત શરૂ કરી દીધી હતી. તેણે અલ્તમાસ ખાન સાથે એક ફિલ્મ કરી અને ફરીથી પોતાના સ્ટારડમને સાબિત કરી દીધું. તેની આસપાસ જે ચર્ચાઓ ચાલતી હતી, જીયાના મોતના જે વિવાદો ઊભા થયેલા હતા તે બધું જ શાંત થઈ ગયું. અજયને ખબર નહોતી કે હજી એક એવી ઘટના છે જે તેના માટે હાથ ફેલાવીને ઊભી છે. આ એવી સ્થિતિ હતી જેના વિશે અજયે ક્યારેય કલ્પના જ નહોતી કરી કે પછી એ દિશામાં કદાચ તે વિચારવાનું ભુલી જ ગયો હતો.

અજયની ફિલ્મો ચાલવા લાગી અને તેણે ધડાધડ ફિલ્મો સાઈન કરવાની પણ શરૂ કરી દીધી. તેમાંય મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પ્રોડયુસર તરીકેની તેની એન્ટ્ર્રી પણ સફળ થઈ અને નોટોનો વરસાદ થવા લાગ્યો હતો. તેણે નામ અને દામ ફરીથી કમાવાનું શરૂ કરી દીધું હતું. 

આ દરમિયાન તેણે એક એક્સપિરિમેન્ટલ ફિલ્મ કરવાનું નક્કી કર્યું. તેણે વિરાગ સિન્હા સાથે રિયાલિસ્ટિક ફિલ્મ ઉપર કામ શરૂ કર્યું. એક સ્ટારની લાઈફમાં કેવી કેવી સમસ્યાઓ આવે છે અને તે કેવી રીતે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખે છે તેના ઉપર કામ શરૂ કર્યું. તેણે ફિલ્મના શૂટિંગની શરૂઆત પોતાની જ એક રિલિઝ થઈ રહેલી ફિલ્મના પ્રમોશનથી કરાવવાનું નક્કી કર્યું હતું. તેણે દિલ્હીમાં ફિલ્મના પ્રમોશન માટે જવાનું નક્કી કર્યું અને પોતાની સેમી બાયોપિક જેવી ફિલ્મની શરૂઆત કરી.

ફિલ્મના શુટિંગ માટે અને પ્રમોશન માટે તે દિલ્હી પહોંચ્યો ત્યારે તેના માટે એક એવું રહસ્ય રાહ જોઈ રહ્યું હતું તેનો તેને અણસાર પણ નહોતો. અજય પોતાના કાફલા સાથે દિલ્હી પહોંચ્યો પણ તેનું પ્રમોશન કે શૂટિંગ થયું નહીં. તેને શૂટિંગના અને પ્રમોશનના મૂર્હતમાં એવા ભયાનક સમાચાર મળ્યા કે તે હેબતાઈ ગયો.

(ક્રમશ:)


Google NewsGoogle News