લવ ટ્રાયેંગલ પ્રકરણ - 10 .

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
લવ ટ્રાયેંગલ પ્રકરણ - 10                                                                  . 1 - image


- અજય સાંજે ફિલ્મના સેટ ઉપર આવ્યો અને  વરુણના ટેન્ટમાં જવા માટે ચાલવા લાગ્યો. તે હજી માંડ આઠ-દસ ડગલા ચાલ્યો હશે ત્યાં જ તેની પીઠ ઉપર અવાજ અથડાયો.

રા જ અને રઘુબીર ત્યાં જ ઊભા રહી ગયા. તેમણે જોયું તો અજય નશાની હાલતમાં જ હતો છતાં તેણે ગાડીનો કાચ નીચે કર્યો અને રાજની સામે જોઈને બોલ્યો...

'રાજ... તારા જેવો નબળો અને ફેલ્યોર માણસ મેં ક્યારેય નહોતો જોયો. મેં તને ધક્કા મારીને કાઢયો છતાં તું ગયો નહીં. ફિલ્મ સિટીમાં જ મારાથી માત્ર બે સેટ દૂર તે કામ મેળવી લીધું. તને શરમ પણ નથી આવતી. તારી જગ્યાએ હું હોઉં તો ક્યારનો દરીયામાં સમાઈ ગયો હોઉં.'

'પહેલી વાત કે મારી જગ્યાએ તું હોઈ જ ન શકે. નક્કી તું તારા મા-બાપને મંદિરની બહારથી કોઈ ગટર ઉપરથી મળ્યો હોઈશ. તારા માતા-પિતાના સંસ્કાર અને વાતો ઉપરથી મને નથી લાગતું કે તું એમનું સંતાન હોઈશ. બીજી વાત તારા જાતની મારી સાથે સરખામણી પણ થાય એવી નથી. તું મારા જેવો હોત તો સીધી રીતે કામ કરતો હોત અને નામ મેળવવા મહેનત કરતો હોત. લોકોને હમબિસ્તર થઈને આ રીતે આગળ ન વધ્યો હોત. સો ગેટ ધ હેલ આઉટ ઓફ હિયર...'- રાજે ગુસ્સામાં જવાબ આપ્યો.

રાજની વાત સાંભળતા જ અજય રોષે ભરાયો અને મોટેથી ગાળ બોલ્યો અને અંદરથી જ ગાડીના દરવાજાને મુક્કો માર્યો. 

'તારી ઓકાતમાં રહેજે. તું અજય કપૂર સાથે વાત કરે છે. મેં તને લાત મારીને કાઢયો હતો અને હવે અહીંયાથી ધક્કા મારીને કઢાવીશ. તને હજી મારી પહોંચની ખબર નથી. બે કોડીનો માણસ મને સંસ્કારો અને વાતો શીખવે છે. યુ રાસ્કલ...'- અજય બરાબરનો ગીન્નાયો.

'પહેલે હોશ મેં રહેને કા શીખ કે આ... જબ હોશ મેં આજા તબ બાત કરને આના... અભી નીકલ... એ ડ્રાઈવર ગાડી જાને દો... લે જાઓ અપને નશીડે સાબ કો...'- રઘુબીરે કહ્યું અને અજયની ગાડીને બહારથી લાત મારી.

અજય બેફામ ગાળો બોલતો રહ્યો અને ડ્રાઈવરે ગાડી જવા દીધી. રાજ અહીંયાથી સીધો જ પોતાના રૂમ ઉપર ગયો. તેણે રઘુબીર સાથે જ રહેવાનું નક્કી કરી લીધું હતું. તેણે ઘરે જોયું તો જીયા અને સ્વેની હજી આવ્યા નહોતા. તેણે પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. બે-ત્રણ કલાકમાં તો તે પોતાના તમામ માલસામાન સાથે રેડી થઈ ગયો અને લઈને નીકળી પડયો. રસોડામાં રાખેલા ફ્રિજની ઉપરની દીવાલે લગાવેલી ફોટોફ્રેમમાંથી એક તસવીર તેણે પોતાની બેગમાં નાખી અને બીજી તસવીર તાળુ મુકવાની જગ્યાએ રાખી દીધી. તેણે તસવીરની પાછળ કંઈક લખ્યું અને નીકળી પડયો પોતાના નવા ભવિષ્ય અને બદલાતા વર્તમાનની સફર ઉપર. 

જીયા અને સ્વેની રાત્રે ઘરે આવ્યા તો બહાર તાળું જોયું અને તેમને લાગ્યું કે રાજ હજી આવ્યો નહીં હોય. જીયાએ તાળુ ખોલ્યું અને અંદર પગ મૂક્યો ત્યાં જ તેને ધ્રાસ્કો પડયો. તેની જે ધારણા હતી તે સાચી પડી હતી. રાજ તેને છોડીને જતો રહ્યો હતો. તેણે સ્મૃતિ અને યાદગીરી માટે માત્ર એક તસવીર મૂકી હતી અને તેની પાછળ લખ્યું હતું, આઈ ઓલવેઝ મીસ યુ....

જીયા તસવીર હાથમાં પકડીને ત્યાં જ બેસી પડી અને રડવા લાગી. જીયા ચોધાર આંસુએ રડતી હતી પણ હવે તેની પાસે રડવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. તેણે રાજને ગુમાવ્યો હતો અને અજયને પરાણે ગમાડવો પડયો હતો. તેણે એક સપનું સાકાર કરવા માટે બીજા સપનાની હત્યા કરવી પડી હતી.

સ્વેનીએ તેના હાથમાંથી તસવીર લીધી અને પાછળ લખેલું વાચ્યું. તેણે જીયાને છાની રાખવા પ્રયાસ કર્યો પણ જીયા રડયા કરતી હતી. સ્વેનીએ રસોડામાંથી પાણીની બોટલ લાવીને તેને પાણી આપ્યું અને ઊભી કરીને તેને બેડરૂમમાં લઈ ગઈ. બંને ત્યાં બેઠા.

'જીયા, હવે તારી પાસે વિલાપ કરવાનો વિકલ્પ પણ નથી અને અધિકાર પણ નથી. તે જે દિવસે અજયની શરતો સ્વીકારી લીધી હતી તે જ દિવસથી તું રાજનો પ્રેમ અને તેની જીવનસંગીની બનવાનો અધિકાર ગુમાવી ચુકી હતી. તે જે કર્યું અથવા તો તું જે કરી રહી છે તે વહેલું કે મોડું રાજને અને દુનિયાને ખબર પડવાની જ છે. આ રડવાનું રહેવા દે અને હવે એ વિચાર કે તારે લાઈફ કેવી રીતે સેટ કરવી છે. તે જે પગલું ભર્યું છે તેના વિશે તારે પહેલાં વિચાર કરવાનો હતો હવે રડવાથી કશું જ સુધરવાનું નથી. તું મુંબઈ આવી તે દિવસથી તારી પાસે બે જ વિકલ્પ હતા પૈસા અથવા પ્રેમ. તે બંને ભોગવ્યા હતા પણ હવે તારી પાસે આગળ એક જ વિકલ્પ વધ્યો છે. પ્રેમને ભુલી જા અને પૈસા ભેગા કરી લે. પૈસા હશે તો જીવનમાં ફરીથી પ્રેમ આવી શકશે પણ માત્ર પ્રેમના આધારે જીવન નહીં જાય.'- સ્વેની સીધા શબ્દોની સીધી જ અસર જીયા ઉપર થઈ.

'તારી વાત સાચી છે સ્વેની. મારે હવે પ્રેમ ભુલી જવો પડશે. પ્રેમને તો હું સમય આવ્યે પાછો મેળવી લઈશ પણ હવે પૈસા કમાવવાની એકપણ તક જવા દેવી નથી. એક વખત અજય સાથે લગ્ન થઈ જાય પછી જો મજા. તેણે જે કોન્ટ્રાક્ટની કોપી આપી હતી તેને મેં સુધારાવી છે અને તેમાં એક સરસ શરત ઉમેરાવી છે. અમારા લગ્નજીવન દરમિયાન જો મારું અકુદરતી મોત થાય તો તેની જવાબદારી અજયની રહેશે. આ વાત અજયને ખબર નથી. તેને એમ જ છે કે, તેણે જે કાગળ આપ્યા તે મેં સ્વીકારી લીધા છે. હકીકતે મેં તેના વકીલને પણ આપણી સાથે જોડી લીધો છે. તેને પણ સારા પૈસા મળશે અને આપણે પણ જલસા કરીશું. બસ હવે થોડા દિવસ છે પછી તો જુહુ જેવા પોશ એરિયામાં શિફ્ટ થવાનું છે. તું પણ આવો કોઈ બકરો શોધી કાઢ એટલે તારે પણ જલસા.'- જીયાએ એકાએક રડવાનું બંધ કરીને એકદમ મક્કમ સ્વરે કહ્યું. તે જાણે કે કોઈ ફિલ્મનો સીન કરી રહી હોય તેમ આખું વાતાવરણ જ બદલી કાઢયું. જીયા અને સ્વેની એકબીજાને તાલી આપીને હસી પડયા.

થોડા દિવસ પછી જીયા અને અજયના કોન્ટ્રાક્ટ મેરેજ થઈ ગયા. જીયા પોતાના સરસામાન સાથે અજયના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગઈ. અજય પાસે હવે કોઈ વિકલ્પ નહોતો. તે જીયાની સાથે રહેવા લાગ્યો. તેણે લગ્ન પછી પહેલું કામ એબોર્શન કરાવવાનું હાથ ધર્યું હતું. એબોર્શન કરાવી લીધા પછી તેને થોડી રાહત થઈ. અજય હવે પોતાની કરિયર ઉપર ફોકસ કરતો હતો અને જીયા પોતાની પાર્ટીઓ અને હાઈફાઈ લાઈફસ્ટાઈલ ઉપર ફોકસ કરવા લાગી હતી. તેણે બે-ત્રણ ફિલ્મોમાં કામ કરવાનો પ્રયાસ કર્યો પણ ખાસ સફળ થઈ નહીં. તેને સિરિયલોમાં પણ ખાસ રોલ મળ્યા નહીં. અજયે પણ પોતાના પૈસે એક ફિલ્મ બનાવી હતી પણ તે ચાલી નહીં. જીયાએ હવે કેરિયરને સાઈડલાઈન કરીને પોતાની લાઈફસ્ટાઈલને ગ્લેમરસ બનાવવાની કામગીરી હાથ ધરી લીધી હતી. તેણે પોતાના માટે બીએમડબ્લ્યૂ કાર લીધી હતી. જેની પાસે કેબમાં જવાના પૈસા નહોતા તે હવે લક્ઝુરિયસ કારમાં ફરવા લાગી હતી. આ ઉપરાંત દર વિકેન્ડમાં પાર્ટીઓ ગોઠવતી અથવા તો પાર્ટીઓમાં જતી હતી. બીયર અને દારૂ હવે તેના માટે પાન-મસાલા જેવા સામાન્ય થઈ ગયા હતા. તેને પણ હવે ઈન્જેક્શન, કેન્ડી અને ચરસમાં રસ પડી ગયો હતો. જીયાની પાર્ટીઓ બોલિવૂડમાં વખણાવા લાગી હતી. જીયા હવે તો બોલિવૂડમાં એક્ટ્રેસ કરતા પાર્ટી બર્ડ તરીકે વધારે જાણીતી થઈ ગઈ હતી. 

અજય તેની આ લાઈફ સ્ટાઈલથી અકળાતો હતો પણ તે પોતાના કોન્ટ્રાક્ટથી બંધાયેલો હતો. અજયે આખરે બે-ચાર મિત્રોને પોતાની સ્થિતિ વિશે વાત કરી અને તેમણે સોપારી આપવાની સલાહ આપી. અજયે બે-ત્રણ સોપારી કિલરનો સંપર્ક સાધ્યો અને જીયાને પતાવી દેવાની ગોઠવણ કરી પણ તેમાંથી માત્ર એક જ તૈયાર થયો.

એક દિવસ જીયા પોતાના મિત્રો સાથે પાર્ર્ટી કરવા માટે લોનાવલા જવા રવાના થઈ. અજયે પેલા સોપારી કિલરને આ વિશે માહિતી આપી દીધી. પેલો પોતાના માણસો સાથે જીયાનું ઢીમ ઢાળી દેવા નીકળી પડયો. લોનાવલાના એક ફાર્મહાઉસ પાસે જીયા રોકાઈ હતી અને પોતાની ફ્રેન્ડ્સ સાથે અંદર ગાંજો ફુંકવા ગઈ હતી. થોડીવાર પછી તેની ફ્રેન્ડ બહાર આવી અને ડ્રાઈવર સાથે ક્યાંક બહાર નીકળી. પેલા સોપારી કિલરને લાગ્યું કે જીયા નીકળી છે તો તેણે પોતાના સાગરીત સાથે ટ્રક લઈને ગાડીને ટક્કર મારી. ગાડી ખીણમાં પડી. થોડીવારમાં સમાચાર વહેતા થયા કે જાણીતા ફિલ્મ સ્ટાર અજય કપૂરની પત્ની જીયાનું અકસ્માતમાં મોત થયું. તેમની ગાડી કોઈ ટ્રક સાથે ટકરાઈને લોનાવલાની ખીણમાં ખાબકી ગઈ. 

અજયે આ સમાચાર સાથે ફિલ્મનું કામ પડતું મુકી દીધું અને ઘરે આવી ગયો. તેણે ઘરે આવીને વિલાપ કરવાની એક્ટિંગ શરૂ કરી. તેણે પોલીસને તપાસ કરવાની અને બાકીના મિત્રો તથા મીડિયાને સધિયારો અને સહકાર આપવાની અપીલ પણ કરી. આ દરમિયાન ટીવી ઉપર એક ન્યૂઝ આવ્યા જેણે અજયને ઝાટકો આપ્યો. એક હિન્દી ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર આવ્યા કે, અજય કપૂર નાટક કરે છે. તેણે જ પોતાની પત્નીને મરાવી નાખી છે. તેણે જ જીયાની હત્યા કરાવવા માટે સોપારી આપી છે. તે હવે જીયાના જવાના નાટક કરે છે. તેને ખરેખર તો જીયાની ઈન્સ્યોરન્સની દસ કરોડની રકમમાં રસ છે તેથી જ તેણે જીયાની હત્યા કરાવી છે. અજયની છેલ્લી બે ફિલ્મ ચાલી નથી અને લોસ કરવા માટે તેણે પોતાની પત્નીની હત્યા કરાવી હોવી જોઈએ.

આ ઘટનાએ ઘણો વિવાદ ઊભો કર્યો. બીજી તરફ લોનાવલાના ફાર્મહાઉસમાં ગાંજા અને ડ્રગ્સ પાર્ટી કરી રહેલી જીયા, સ્વેની તથા બે-ત્રણ બીજી સ્ત્રીઓ બે દિવસે ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા બાદ તેમને સમગ્ર સ્થિતિની ખબર પડી. જીયા તરત જ ત્યાંથી કેબ કરીને સ્વેનીની સાથે ઘરે પહોંચી. ઘરે અજય તેના બેસણાની તૈયારી કરાવતો હતો ત્યાં જ જીયાએ પ્રવેશ કર્યો.

'વાહ, મારા પતિદેવ. તમે તો મને મરેલી જાહેર કરવામાં ખૂબ જ ઝડપ કરી. આમ તો કદાચ મારવાની જ ઝડપ કરી હશે પણ કુદરતે મને બચાવી લીધી છે. તમારા પેંતરા સફળ થાય એમ નથી. મારે હજી તમારી પાસેથી ઘણા રૂપિયા લેવાના છે. જે ગાડી પડી તેમાં તો મારી ફ્રેન્ડ હતી. કમનસીબે એ બિચારી ગાડીમાં ગઈ હતી અને ખીણમાં પડી ગઈ. તમારા અને એ બાપડીના કમનસીબ કે ટ્રક સામે ગાડી તો સાચી આવી પણ અંદર સ્ત્રી બીજી હતી. બરોબર ને... અજય કપૂર... ધ ગ્રેેટ ગેમ્બલર...'- જીયાએ ઘરમાં પગ મુકતાની સાથે જ કહ્યું.

'જીયા યુ આર અલાઈવ.ધેટ્સ રીયલી અમેઝિંગ.તને ભાન પડે છે કે તું શું બોલે છે. હજી પણ નશામાં છે કે શું. તને જીવતી જોઈને હું કેટલો ખુશ છું. હું તને શું કામ મારવાનો વિચાર કરું, તું તો મારી પત્ની છે. તું શા માટે આવા બધા ખોટા વિચારો કરે છે, શંકા કરે છે. મને તારા માટે ખૂબ જ પ્રેમ છે'- અજય દોડીને જીયાને ભેટયો અને આંખમાં આસું લાવીને બોલવા લાગ્યો.

ઘરમાં હાજર અન્ય લોકો પણ જીયાને જોઈને વિસ્મય પામ્યા. તેમણે પણ વારાફરતી જીયાની સાચી સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો. 

'મિત્રો તમે ઘરે જાઓ... હું બરાબર છું. મને કશું થયું નથી અને થવાનું પણ નથી. તમારા બધાનો અને અજયનો પ્રેમ જ મારી રક્ષા કરશે. મને જે દિવસે કશું થશે એ દિવસે અજય ગેલમાં નહીં પણ જેલમાં હશે તેથી એણે મારી રક્ષા કરવી જ પડે એમ છે. તમે ચિંતા ના કરશો. પ્લીઝ રિલેક્સ એન્ડ ચિલ...'- જીયા એટલું બોલીને પોતાના રૂમમાં જતી રહી. અજય પણ તેની પાછળ પાછળ રૂમમાં આવ્યો.

'વોટ ધ હેલ આર યુ ડુઈંગ જીયા... લોકોને શું કહે છે તું... આમ બેફામ બોલે છે. તને ખબર છે તું કોણ છે... હું કોણ છું... અજય કપૂરની બ્રાન્ડ વેલ્યું શું છે... ડ્રગ્સ લેવાની તારી આદત એક દિવસ આપણને બધાને ડૂબાડશે... તું અત્યારે પણ નશામાં છે. જરાક ભાનમાં રહેતા શીખ. લોકો તારી પાછળ કેવી કેવી કોમેન્ટ્સ કરે છે... પેલો લબાડ મ્યુઝિક કમ્પોઝર રિંકુ કહેતો હતો કે, જીયાને જલસા છે... સૂર્ય અસ્ત બેબી મસ્ત... બેબીની સાથેના પણ મસ્ત... ધીસ ઈઝ વોટ યુ આર ડુઈંગ. તારી કેરિયર ઉપર ફોકસ કર.'- અજયે ગુસ્સામાં કહ્યું.

'સ્વેની પ્લીઝ કામ ડાઉન ધીસ બુલડોગ... ઓહ સોરી... આ તો મારું પોમેરિયન પીલ્લું છે. અજ્જુ... બચ્ચું... શાંતી રાખ... બેસી જા... લિસન મી. અજય કપૂર... તે જે મને મારવા માટે સોપારી આપી હતી તેની મને ખબર હતી... એટલું જ નહીં તેની ખબર ટીવી ચેનલને પણ હતી અને મેં જ કરી હતી. તને એમ હોય કે તું મારું મર્ડર કરાવી લઈશ અને મારાથી છુટી જઈશ તો એવું નથી. આ પાંચ વર્ષમાં હું ભુલથી પણ મરી જઈશ ને તો પણ તારા માટે પસ્તાળ પડશે. મારા અકસ્માતે મોતનો જવાબદાર તું જ હોઈશ. તારે નામ, કામ, બ્રાન્ડ અને વેલ્યૂ બધું જ ગુમાવવું પડશે. આમ તો દિવસે શૂટબૂટમાં ફરતો અજય કપૂર રાત્રે કેન્ડીઓ ખાવા માટે કેવો થઈને પડયો હોય છે એ પણ હવે ઈન્ડસ્ટ્રીમાં લોકોને ખબર જ છે. અર્જુનની રેવ પાર્ટીનો પાર્ટનર અને મફતીયો... કલરીયો એક્ટર... જે દિવસે પણ ગાંજો ફુકીને સેટ ઉપર ફરતો હોય છે તે મને નશો કરવાનું, બ્રાન્ડ વેલ્યુનું અને કેરિયરનું જ્ઞાન આપે છે.'-જીયાના અવાજમાં ભયાનક ગુસ્સો હતો.

'જીયા... ડોન્ટ ક્રોસ યોર લિમિટ. હવે હદ થાય છે. તું જે કરી રહી છે તેનું તારે બહુ ખરાબ પરિણામ ભોગવવું પડશે.'- અજય બરાડયો.

'ગેટ લોસ્ટ... મને ડરાવાનો પ્રયાસ જ ના કરતો. હું જીવતી પાછી આવી ત્યારે તારા ચહેરા ઉપર મેં ડર જોયો હતો. હજી એ વાતને પંદર-વીસ જ મિનિટ થઈ છે. તારી મેમેરી સારી હોય તો યાદ કરી જો કે તારું મોઢું કેવું થઈ ગયું હતું... ચહેરા ઉપર ભય દેખાતો હતો કે આ બચી કેવી રીતે ગઈ... તારે હજી ભયનો અનુભવ કરવો હોય તો એક કામ કર તારી આસિસ્ટન્ટને ફોન કરીને આપણા લગ્નનો એગ્ર્રીમેન્ટ ચેક કરાવી લે. એમાં એક ક્લોઝ એવો છે કે, આપણા લગ્નના ટેન્યોરમાં જો ભુલથી પણ મારું અકુદરતી મોત થશે તો તેની પાછળ કારણભૂત તું જ હોઈશ. તે આ કોન્ટ્રાક્ટ ઉપર સહી પણ કરેલી છે. એક વખત એ કોન્ટ્રાક્ટ જોઈ લેજે અને પછી મને મારવાના વિચાર કરજે. તું જે લવારી કરતો હતો એ બધું જ તારે ગુમાવી દેવું પડશે... તારા બાપનો પૈસો પણ તને બચાવી નહીં શકે. તું પહેલેથી જ આરોપ સ્વીકારીને બેઠો છે.'- જીયાએ કહ્યું અને સાથે સાથે ગાળ પણ દીધી.

અજય ઊભો થઈને બારણું પછાડીને બહાર જતો રહ્યો. સ્વેની ખુરશી ઉપરથી ઊભી થઈને જીયાની પાસે બેડ ઉપર આવીને બેઠી.

'યાર.... યુ આર ઓસમ... આ ડફોળને તે જબરો ફસાવ્યો છે.... તારી આ ટ્રિક વિશે એણે સપનેય વિચાર્યું નહીં હોય...'- સ્વેનીએ જીયાના ખભા ઉપર હાથ મુકતા કહ્યું.

'આ ડફોળે નહીં એના બાપને પણ વિચાર આવે એવું નથી. તને શું લાગે છે કે, અહીંયા લોકોની જિંદગી ઘસાઈ જાય છે અને તો પણ આખી જિંદગી સ્ટ્રગલિંગ એક્ટરના ઝંડા લઈને ફરતા હોય છે અને ઉકલી પણ જતા હોય છે. મારે આવી જિંદગી જીવવી જ નહોતી. હું મુંબઈ પહોંચી ત્યારે હિરોઈન બનવાની ઈચ્છા હતી પણ જ્યારે આખો દિવસ ફિલ્મના સેટ ઉપર પસાર કર્યો ત્યારે જ નિર્ણય બદલી કાઢયો હતો. એકાદ હીરો કે નબીરાને ફસાવીને જિંદગીભર જલસા કરવા છે. આ રીતે કામ માટે સુવુ અને પછી તેને આદત બનાવી દેવી એવું મને ફાવે એમ જ નથી. અજયે ધાર્યું હતું કે, હું પ્રેમ અને સમર્પણનું પૂતળું બનીને તેના પડખા સેવતી રહીશ પણ એને ખબર જ નથી કે હું પણ કોણ છું... એના જેવા સત્તરને ફેરવીને અહીંયા સુધી આવી છું.'- જીયા આટલું બોલીને ખડખડાટ હસવા લાગી. 

'યુ આર... ઓહ જીયા... શું કહું તને. છોડ બધું. ચાલ આ વખતે તો બચી ગઈ પણ દર વખતે નસીબ સાથ નહીં આપે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે, અજય તારાથી છૂટો થવા માગે છે અને એ પણ વહેલી તકે. તારે આ વિશે ગંભીરતાથી વિચારવું પડશે. દર વખતે નસીબ સાથ આપે એવું ન બને.'- સ્વેનીના અવાજમાં ગંભીરતા હતી. 

'સ્વેની. મેં તને કહ્યું ને કે, કરિયરના પહેલા દિવસથી મેં પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. અજય જેવા કાછડીછુટા માણસો આ ઈન્ડસ્ટ્રીના ખુણે ખુણે ભરેલા છે. આ શિકારીઓ જ દર વખતે શિકાર કરે એવું જરૂરી નથી ક્યારેક તેમણે પણ શિકાર બનવું પડે છે. હું તો પહેલેથી જ આવા કોઈ શિકારીને આંટી દેવાની તૈયારી કરતી હતી. અજય તેમાં જાતે આવીને ફસાયો હતો. હવે તો કોન્ટ્રાક્ટ ઉપર એના હસ્તાક્ષર છે. હવે તો હું જાતે પડી જાઉં અને કંઈક વાગે તો મારા કરતા વધારે એ ચિંતા કરશે. ઈટ્સ ટાઈમ ટુ મેક મની.'- જીયાએ કહ્યું અને જોરજોરથી હસવા લાગી.

'ગ્રેટ. તારી જોડે જોડે મારી પણ જિંદગી બની જશે. થેંક્યુ સો મચ યાર. હું આજીવન તારી ણી રહીશ. હવે આગળનું કંઈક વિચારજે અને મને કહેજે. મારે આજે દીદીને મળવા જવાનું છે સાંજે. મને લાગે છે કે, અજયે એને કશુંક કહ્યું હશે અથવા તો... જવા દે... સાંજે પડશે એવા દેવાશે. હું હવે નીકળું છું.'- સ્વેનીએ કહ્યું.

'ડોન્ટ વરી યાર... હવે બધું સારું જ થવાનું છે.'  ચિંતા કર્યા વગર જા. તને કંઈ લાગે તો મને તરત જ ફોન કરજે હું આવી જઈશ નહીંતર આપણે બે દિવસ પછી ભેગા થઈશું. હું એક સરસ પાર્ટી રાખવાની છું.આપણે બધા મજા કરીશું. હવે આપણી આવી જ લાઈફ હશે. આપણે જે સાંભળતા અને જોતા આવ્યા હતા તે હવે એન્જોય કરતા થઈ જઈશું'- જીયાએ ઊભા થઈને સ્વેનીના ખભે હાથ મુક્યો અને બંને ચાલવા લાગ્યા.

સ્વેની ફ્લેટની બહાર આવી અને જીયા પાછી અંદર જતી રહી. જીયાએ બેડ ઉપર લંબાવ્યું અને થોડીવારમાં જ ઉંઘી ગઈ. લગભગ આ રીતે સાંજ પડી ગઈ. સાંજે જ્યારે તે જાગીને બહાર આવી તો છોટુ કાકા રસોઈ બનાવતા હતા. તેણે રસોડા તરફ એક નજર કરી અને પછી ડાઈનિંગ ટેબલ ઉપર પડેલી ગાડીની ચાવી લઈને ઘરની બહાર જતી રહી. નીચે આવીને પાર્કિંગમાં બેઠેલા ડ્રાઈવરને કશુંક કહ્યું અને પેલો ગાડી લઈને આવ્યો અને જીયા તેમાં ગોઠવાઈ ગઈ. યે શામ મસતાની... મદહોશ કીયે જાય... ગીત ગાડીમાં વાગવા લાગ્યું અને ગાડી માયાનગરીના લિસ્સા રસ્તાઓ ઉપર સરકવા લાગી.

સાંજે સ્વેની જ્યારે તેની બહેનને મળવા માટે પહોંચી ત્યારે કંઈ ખાસ થયું નહીં. તેને બે નવા કામ આપવા અને બે-ત્રણ ક્લાયન્ટને મળવાનું કહેવામાં આવ્યું. સ્વેની ત્યાંથી થોડીવારમાં નીકળી ગઈ અને હોટેલમાંથી બહાર આવીને તેણે જીયાને ફોન લગાડયો. જીયાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેણે એક-બે વખત ટ્રાય કર્યો પણ ફોન બંધ આવતો હોવાથી આખરે કંટાળીને ફિલ્મ સિટી જવા માટે કેબમાં ગોઠવાઈ. 

સ્વેની જ્યારે ફિલ્મસિટી પહોંચી ત્યારે અજયના સેટ ઉપર તથા ત્રીજા સેટ ઉપર અને ચોથા સેટ ઉપર કામ ચાલતું હતું. તેણે જોયું તો અજય સેટ ઉપર હાજર હતો અને ફરી કોઈ પંખી ફસાવીને તેને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો. તે અજયની પાછળ ગઈ અને તેના બે-ચાર ફોટા પાડી લીધા. ત્યારબાદ તે સંજયસરના સેટ તરફ ગઈ. તેણે બહારથી જ જોયું તો રાજ અંદર કામ કરતો હતો. સ્વીને ત્યાં પૂછપરછ કરી તો તેને સમાચાર મળ્યા કે રાજ હવે સંજય સરના આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગયો છે. તેને આનંદ થયો. તે થોડીવાર સેટની આસપાસ ફરી અને પછી ઘરે જવા નીકળી ગઈ.

ઘરે આવીને તેણે ટીવી ઓન કર્યું અને ફ્રીજમાંથી બિયરની એક બોટલ કાઢી. ટીવી ઓન થતાની સાથે જ સમાચારની ચેનલમાં જીયા અને ન્યૂઝ એન્કર દેખાયા. ન્યૂઝ એન્ક જીયા કપૂરનો ઈન્ટરવ્યૂ કરતી હતી. અજય સાથે કેવી રીતે જોડાણ થયું, મિત્રતા, તેમના સંઘર્ષ પ્રેેમમાં પડવું અને બીજી ઘણી વાતો થતી હતી. સ્વેનીને રસ પડયો અને તે ટીવી જોવા લાગી. બીજી તરફ ફોનમાં સતત મેસેજ ટોન પણ રણકતા હતા. તેણે એકાદ-બે વખત ફોન હાથમાં લઈને જોયું તો આ પ્રોગ્રામ વિશે જ વોટ્સએપમાં વિવિધ ગૂ્રપમાં વાત થતી હતી. તે સમજી ગઈ કે જીયાએ કોઈ મોટો ખેલ કર્યો છે. 

અજય કપૂરના સેટ ઉપર આસિસ્ટન્ટ તરીકે કામ કરતી છોકરી એકાએક અજય કપૂરની પત્ની બની જાય તે વાતમાં લોકોને ખૂબ જ રસ પડયો હતો. જીયા લોકોને જે જોઈતું હતું તે પિરસતી હતી. લગભગ એકાદ કલાક આ કાર્યક્રમ ચાલ્યો અને તેને પગલે બાકીની ચેનલો અને સોશિયલ મીડિયામાં હો-હા થવા લાગી. સ્વેનીને હવે ચાનક ચડી હતી કે, તે જીયાની સાથે વાત કરે પણ જીયાનો ફોન હજી સ્વીચઓફ જ આવતો હતો. આખરે થાકીને તે ઉંઘી ગઈ. 

બીજી તરફ જીયા જેવી ન્યૂઝ ચેનલની ઓફિસમાંથી નીકળીને સીધી જ ઘરે પહોંચી. તેણે ઘરે જઈને જોયું તો છોટુ કાકા ડિનર બનાવીને ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવીને પોતાના રૂમમાં આરામ કરતા હતા. રાત મોડી થઈ હતી તેથી તેણે થોડું ખાધું ન ખાધું અને પોતાના રૂમમાં જતી રહી. તેણે જોયું તો અજય હજી આવ્યો નહોતો. તેને ખબર હતી કે અજય આવશે પણ નહીં. 

જીયાના મનમાં હવે વિચારોના વંટોળ શરૂ થયા હતા. છેલ્લાં પંદર દિવસમાં તેની જિંદગીએ જે રોલર કોસ્ટર રાઈડ કરી હતી તેના વિશે તે વિચારતી હતી. એકાએક અજયને ફસાવી લેવો, રાજની સામે આવી હાલતમાં આવવું. અજયને બ્લેકમેલ કરવો, તેની સાથે લગ્ન કરી લેવા, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ, નશાખોરી, મોતને હાથતાળી આપવી અને હવે આજે જે તે કરી આવી હતી તે... સામાન્ય રીતે લોકો જે ફિલ્મોમાં જોતા હોય છે અથવા તો ફિલ્મો વિશે સાંભળતા હોય છે તેવી જ વાર્તા તે જીવી રહી હતી. તેની પોતાની જિંદગી એક જીવતી વાર્તા જેવી થઈ ગઈ હતી. 

આ વિચારોના વમળમાં ફસાયેલી જીયા ક્યારે ઉંઘી ગઈ તેને ખબર જ ન રહી. સવારે જ્યારે તે જાગી ત્યારે તેની સામે એક મોટું આશ્ચર્ય ઊભું હતું. 

'ગુડ મોર્નિંગ માય લવ... હાઉ આર યુ નાઉ... મને લાગે છે કે, તારે હવે થોડું તારું ધ્યાન રાખવું જોઈએ. મેં અને અર્જુને આજે સાંજે એક પાર્ટી રાખી છે. ઈનફેક્ટ આપણા લગ્નના સમાચાર જોયા અને જાણ્યા પછી અર્જુને આપણા માટે એક પાર્ટી રાખી છે. ત્યાં આપણે જવાનું છે. આપણા લગ્નજીવનની શરૂઆત થ્રિલિંગ થવી જોઈએ અને એન્ટરટેઈનિંગ થવી જોઈએ એવું બધાનું કહેવું છે. ઝડપથી તૈયાર થઈ જા પછી આપણે શોપિંગ માટે જવાનું છે અને બીજા ઘણા કામ છે.'- અજયે જીયાને ખૂબ જ રોમેન્ટિક રીતે કહ્યું.

'તું સવારના પહોરમાં પીને આવ્યો છે કે, રાતની હજી ઉતરી જ નથી. ફિલ્મનો કોઈ સીન તો ઘરમાં રિહર્સ કરતો નથી ને... તારા મોઢે આ બધું શોભતું નથી. તારા ચહેરા ઉપરના ભાવ અને તારા મનમાં રહેલી લાગણીઓ જરાય સેટ થતા નથી. તું પહેલેથી જ નબળો એક્ટર છે.. આટલું સરસ તું યાદ રાખી શકતો નથી અને એક્સ્પ્રેસ પણ કરી શકે તેમ નથી. તો આ બધું રહેવા દે... પ્લીઝ.'- જીયાએ બેડરૂમમાંથી બહાર નીકળતા કહ્યું.

'અરે.. જીયા હું સાચું કહું છું. ગઈકાલે તે જેવી રીતે સરપ્રાઈઝ ન્યૂઝ આપ્યા એવી જ રીતે આજે મેં સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. મારી ગઈ બે ફિલ્મોની સક્સેસ પાર્ટી અને આપણા લગ્નની પાર્ટી. આજે ઘણી બધી સરપ્રાઈઝ હશે. આઈ વોન્ટ યુ ટુ લુક બેસ્ટ. તો અત્યારથી જ તૈયારીઓમાં પડી જા. સાંજે તિલક તને લેવા આવશે તેની સાથે વેન્યુ ઉપર આવી જજે. મારે થોડા કામ છે હું બહાર જાઉં છું. તિલક સાંજે પાંચ વાગ્ય આવશે અને તને સાંજે મારી પાસે લઈ આવશે... આપણે સાથે પાર્ટી વેન્યુ ઉપર જઈશું. ગુડ બાય ડાલગ.'- અજય ધીમે રહીને બોલ્યો અને જીયાના માથે હાથ ફેરવીને ઘરની બહાર નીકળી ગયો.

અજયના ગયા પછી જીયા ક્યાંય સુધી વિચારતી રહી પણ તેનો તાળો મળતો નહોતો. તેણે તો પાર્ટીમાં જવા માટે તૈયારીઓ શરૂ કરી અને સાથે સાથે પોતાના પ્લાનને પણ આગળ વધારવાની તૈયારીઓ ચાલુ કરી. સાંજે નક્કી કરેલા સમયે તિલક આવી ગયો અને જીયા તેની સાથે અજયની પાસે જવા નીકળી ગઈ. 

લગભગ કલાક પછી તેઓ એક હોટેલમાં પહોંચ્યા. હોટેલમાં અજય જાણે કે તેની રાહ જોતો હોય તેમ દરવાજે જ ઊભો હતો. જીયાને આવેલી જોઈને અજય તેની પાસે ગયો. કારનો દરવાજો ખોલ્યો અને જીયાને કારમાંથી નીચે આવવામાં મદદ કરી. જીયાને હાથ પકડીને હોટેલની અંદર લઈ ગયો. હોટેલમાં ખરેખર બંનેના લગ્નની ભવ્ય પાર્ટીનું આયોજન થયેલું હતું. 

પાર્ટીનું આયોજન જોઈને જીયાને ખૂબ જ આશ્ચર્ય થયું. અજય તેને લઈને હોટેલના દસમાં માળે આવ્યો જ્યાં તેણે ભવ્ય સ્યૂટરૂમ બુક કરાવ્યો હતો. ત્યાં કોસ્ચ્યુમ ડિઝાઈનર, મેકઅપ આર્ટિસ્ટ અને બીજા લોકો હાજર હતા. તેમણે બંનેને તૈયાર કર્યા અને જાણે કે ખરેખર ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય અને કોઈ ભવ્ય સેટમાં રિસેપ્શન પાર્ટી હોય તેવી રીતે બધું ગોઠવાયેલું હતું. બંને તૈયાર થઈને નીચે આવ્યા અને એક ભવ્ય પાર્ટીની શરૂઆત થઈ. બોલિવૂડના ઘણા જાણીતા ચહેરાઓ, નેતાઓ, અભિનેતાઓ, સિંગર્સ અને બીજા ઘણા લોકો આ પાર્ટીમાં આવ્યા હતા. 

રાત જામતી ગઈ તેમ તેમ પાર્ર્ટીની રંગત વધારે જામતી ગઈ. લગભગ પરોઢિયા સુધી પાર્ટી ચાલી અને બધાએ ખૂબ જ આનંદ લીધો. પાર્ટી પૂરી થઈ અને બધા પોત-પોતાના ઘરે જવા સજ્જ થઈ ગયા. જીયાને હજી વિશ્વાસ નહોતો આવતો કે અજયે એકાએક તેના લગ્નને આટલું ગંભીરતાથી કેવી રીતે લઈ લીધું. તેણે આટલી મોટી પાર્ટી કેવી રીતે રાખી લીધી. તે વિચારો કરતી કરતી ઘરે પહોંચી. 

બીજા દિવસની સવાર જીયા માટે તેનાથી પણ મોટા આશ્ચર્યો અને સરપ્રાઈઝ લઈને સજ્જ હતી પણ જીયા કદાચ તેના માટે તૈયાર નહોતી અથવા તો તેને આ વિશે કલ્પના પણ નહોતી. જીયાનું જીવન ખરેખર એવા વળાંકે હતું જેના વિશે તેણે કલ્પના પણ નહોતી કરી. પાર્ટી કરીને થાકેલા જીયા અને અજય ઘરે આવીને આરામ કરવા લાગ્યા. એ દિવસે સવાર નહીં સીધી સાંજ જ પડી. સાંજે જ્યારે જીયાની આંખ ખુલી ત્યારે તેણે જોયું તો અજય તેની બાજુમાં જ ઉંઘતો હતો. તે ધીમે રહીને રૂમની બહાર આવી અને ડાઈનિંગ ડેબલની ચેર ખેંચીને તેમાં ગોઠવાઈ. તેણે અખબાર હાથમાં લીધું અને તે ફાટી આંખે તેમાં છપાયેલા એક સમાચાર જોતી જ રહી.

(ક્રમશ:)


Google NewsGoogle News