લવ ટ્રાયેંગલ પ્રકરણ - 09 .

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
લવ ટ્રાયેંગલ  પ્રકરણ - 09                                                                 . 1 - image


- 'દીકરા આટલી નાની વાતમાં લાગણીશીલ થવાની જરૂર નથી. તારે હજી ઘણું કરવાનું છે. મને ખબર છે કે, તારામાં ઘણું પોટેન્શિયલ છે...'

અ જયે અવાજની દિશામાં પાછળ જોયું, તો નંદુ ઊભો હતો. તેમના હાથમાં ભોજનની થાળી હતી અને તેઓ દરવાજાની પાસેથી બુમ મારી રહ્યા હતા. 

'અજય સર આપકા ખાના રેડી હૈ... મેમ સાબને ભીજવાયા હૈ...'- નંદુએ કહ્યું.

'ઠીક હૈ... વહીં ટેબલ પે રખ દો... ઔર હાં... મુઝે ઔર કુછ નહીં ચાહીયે તો દોબારા કુછ લેકર મત આના... મેમ સાબ કો બોલ દો ઉનકો ભી આને કી જરૂરત નહીં હૈ....'- અજય બોલ્યો.

'અને હા... જતા જતા રૂમનો દરવાજો બંધ કરતો જજે...'- અજયે કહ્યું અને નંદુ પ્લેટ ત્યાં મુકીને બહાર જતો રહ્યો. અજય હિંચકા ઉપરથી ઊભો થઈને ટેબલ સુધી આવ્યો અને પ્લેટ હાથમાં લેવા જતો હતો ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો....

'અજય ક્યાં છે યાર.... તને વાત કરી હતી કે, પેલો જર્નાલિસ્ટ મને વીડિયો માટે બ્લેકમેલ કરે છે, મને કંઈક હેલ્પ કર અને તું અમદાવાદ જતો રહ્યો. એ રાસ્કલ મારી વાત માનવા જ તૈયાર નથી. તે અઠવાડિયા સુધી રાહ જોવા પણ તૈયાર નથી. પ્લીઝ કંઈક હેલ્પ કર યાર... આનાથી છુટકારો જોઈએ છે... પેલી પણ પ્રેગનન્સી રિપોર્ટ બતાવી બતાવીને પૈસા લઈ જાય છે. મારી હાલત ખરાબ થઈ ગઈ છે'- જીમીતના અવાજમાં ભારોભાર આજીજી હતી.

પ્રેગનન્સી રિપોર્ટ શબ્દો કાને પડતાં જ અજયને કંઈક યાદ આવ્યું.

'બ્રો... ડોન્ટ વરી... આઈ વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ... ગીવ મી અ ડે... આઈ વિલ કોલ યુ ટૂમોરો... લગભગ આ જ સમયે કોલ કરીશ... ત્યાં સુધી મને હેરાન કરતો નહીં.'- અજયે એટલું કહીને ફોન ડિસકનેક્ટ કરી દીધો. 

અજય ડિનરની પ્લેટ ઉઠાવીને બહાર બાલ્કનીમાં આવ્યો અને પાછો ડાયરી લઈને હિંચકામાં ગોઠવાયો. તેણે ડાયરી આગળ વાંચવાની શરૂઆત કરી દીધી.

'અજય સર... ઓ અજય સર... જરા સુનિયે તો...'- એક અવાજ અજયની પીઠ ઉપર અથડાયો.

અજયે પાછળ જોયું તો જર્નાલિસ્ટ સુરભીએ બુમ મારી હતી. અજય ઊભો રહ્યો અને સુરભી દોડતી દોડતી તેની પાસે આવી.

'અજય સર મારે તમારી સાથે વાત કરવી છે. તમારે મને દસ મિનિટ આપવી પડશે... પછી હું આપને હેરાન નહીં કરું.'- સુરભીએ ખૂબ જ નરમાશથી કહ્યું.

'ઓફકોર્સ સુરભી... કમ વિથ મી. લેટ્સ હેવ અ કોફી ઈન માય વેનિટી... પ્લીઝ કમ'- અજય પણ વિવેક સાથે બોલ્યો.

'અજય સર સોરી પણ તમારી વેનિટીમાં નથી આવવું. મને વેનિટી વાનથી ખૂબ જ ડર લાગે છે. તેમાં ગમે ત્યારે ગમે તે થતું હોય છે અને ઈનફેક્ટ આજે મારે એવી જ એક ઘટનાની વાત કરવી છે.'- સુરભીના અવાજમાં આવેલી ધાર અજયને અનુભવાઈ.

'તો સીધું બોલને કે બ્લેકમેઈલ કરવા આવી છે. તમને કન્યા રાશીવાળાઓને આના સિવાય કશું આવડતું નથી. ક્યાં સીધામોઢે વાત કરતા નથી અને કરવાની આવે તો કંઈક લેવાનું જ હોય છે. ક્યાં સુધી આવું કરશો.'- અજયે ટોન્ટ માર્યો.

'સર જ્યાં સુધી પોલીસ, પ્રેસ અને પોલિટિક્સ આ દેશમાં જીવતું છે ત્યાં સુધી લખ્ખણખોટાઓને મુશ્કેલીઓ તો પડવાની જ છે. કલાકારો સાથે કલા કરવા માટે બીજા કોઈની જરૂર તો પડે જ ને. મને લાગે છે કે, તમને પેલી કહેવત તો ખબર જ હશે કે ઝેરનું મારણ ઝેર.'- સુરભીનો અવાજ હવે વધારે ધારદાર બન્યો હતો. 

'સ્પોટ દાદા... વેનિટી કે પીછે દો કુરસી ઔર એક ટેબલ રખવાઈયે... દો ગ્રીન ટી ભી લે આના.'- અજયે વેનિટી વાન પાસે ઊભેલા સ્પોટબોયને બુમ મારીને કહ્યું.

અજયે કહેતાની સાથે જ સ્પોટ દાદા દોડયા અને બે ખુરશી લઈ આવ્યા અને તેની પાસે એક પ્લાસ્ટિકનું ટેબલ મૂક્યું. 

'અજય સર વાત એવી છે કે, આ તમારી વેનિટી વાનમાં અંધારૂં થયા પછી જે અજવાળા થાય છે તેનો એક વીડિયો મારી પાસે છે. તમારે જોવો હોય તો બતાવું'- સુરભીએ એટલું કહ્યું અને ખુરશીમાં બેસતાની સાથે જ પોતાના મોબાઈલમાં એક વીડિયો પ્લે કરીને અજય સામે ધરી દીધો.

અજયે મોબાઈલ હાથમાં લીધો અને જોવા લાગ્યો. બે મિનિટના આ વીડિયોમાં અજયની કરતૂતો દેખાતી હતી. તેણે જીયા, સ્વેની, નૈત્રી, પ્રેરણા અને પુરાવી જેવી ઘણી છોકરીઓને વેનિટીવાનના અંધારામાં મજબૂર કરી હતી. આ તમામ વીડિયો ક્લિપને ભેગી કરીને એક ક્લિપ બનાવવામાં આવી હતી. દરેક ક્લિપમાં અજય એ જ હતો પણ સાથેનું પાત્ર બદલાતું હતું.

'અજય સર આ જે ટ્રેલર તમે જોયું તેની આખી ફિલ્મો મારી પાસે છે. તમે ઈચ્છો તો આપણે આ તમામ ફિલ્મોનું પ્રિમિયર રાખી શકીએ એટલું કન્ટેન્ટ મારી પાસે છે. બીજી મહત્ત્વની વાત આ વીડિયો માર્ફ નથી. તમારી જ આ વેનની અંદર ઉતારવામાં આવ્યા છે. આ સિવાય તમે એક અદભૂત કાંડ કર્યો છે તેનું એક કાગળ મારી પાસે છે.'- સુરભીએ ફોન પાછો લેતાની સાથે જ પર્સમાંથી એક કાગળ કાઢીને અજયની સામે ધર્યો.

અજયે જોયું તો પ્રેગનન્સી રિપોર્ટ હતો. તેમાં ત્રણ મહિનાના ગર્ભની વાત હતી. અજયે રિપોર્ટમાં પેશન્ટનું નામ વાંચ્યું તો તેના પગતળેથી જમીન ખસી ગઈ. તેમાં પેશન્ટનું નામ હતું જીયા અજય કપૂર. 

'વોટ નોનસેન્સ... આવા ખોટા વીડિયો અને રિપોર્ટ દ્વારા તમે મારી પાસેથી પૈસા પડાવવા આવ્યા છો. આવા તો કંઈક રિપોર્ટરો અને રિપોર્ટોને મેં ઉથલાવી કાઢયા છે. તને ખબર છે તું કોની સામે બેઠી છું અને કોના ઉપર આરોપો મૂકી રહી છું. આઈ વિલ ફિનિશ ઓલ ઓફ યુ. હું પોલીસ કમ્પ્લેઈન કરીશ. તમારું ફ્રોડ બે મિનિટમાં બહાર આવી જશે.'- અજયના અવાજમાં ભારોભાર ગુસ્સો જણાતો હતો.

'ઠીક છે સર તમે પોલીસ કેસ કરજો અને આરોપી તરીકે મારું નામ પહેલું રાખજો. મને એક વાત જણાવો કે તમે કેસ કયા આધારે કરશો. મેં તો તમને માત્ર વીડિયો અને રિપોર્ટ બતાવ્યા છે. મેં તમારી પાસે કોઈ માગણી કરી નથી. મેં તમને કંઈ કહ્યું નથી અને છતાં તમે ગમેતેમ બોલો છો અને પોલીસ કેસ કરવાની ધમકી આપો છો. સર પ્લીઝ તમે કેસ કરજો. બીજી વાત અત્યારે આપણી વચ્ચે જે થઈ રહ્યું છે તેનું પણ રેકોડગ ચાલે જ છે. સામે જુઓ પેલા ઝાડ નીચે. મને તમારો કેમેરા પ્રત્યેનો પ્રેમ ગમે છે એટલે જ તમારો લોન્ગ શોટ લેવડાવ્યો છે. હું તો માત્ર જાણવા આવી હતી કે, આ સાચું છે કે ખોટું છે. તમે બ્લેક મેઈલિંગની વાત કરી એટલે મને મારો જવાબ મળી ગયો. થેંક્યુ સો મચ સર.'-સુરભી એટલું બોલી અને ઊભી થઈને ચાલવા લાગી.

અજય તેની પાછળ પાછળ દોડયો અને તેને સમજાવવા અને મનાવવા લાગ્યો પણ સુરભી અટકી નહીં. તે પોતાના કેમેરામેન સાથે ગાડીમાં ગોઠવાઈ અને જતી રહી. અજય બિચારો નિરાશ ચહેરે સેટ ઉપર પાછો ફર્યો. હવે તને ખરેખર ચિંતા થતી હતી. તેણે આસિસ્ટન્ટને બોલાવી અને શૂટિંગ શિડયુલ પૂછયું. એ દિવસે અજયનો એકપણ સીન હતો નહીં તેથી તે ઘરે જવા નીકળી ગયો.

અજય ઘરે પહોંચ્યો ત્યારે છોટુ મહારાજ ઘરમાં નહોતા. તેને થોડી નવાઈ લાગી. તે જ્યારે અંદર પોતાના રૂમમાં ગયો તો તેની આંખો જ ફાટી ગઈ. તેના રૂમમાં તેના ઢગલાબંધ ફોટોગ્રાફ પડયા હતા. દીવાલો ઉપર, બેડ ઉપર, વોર્ડરોબ ઊપર, બાથરૂમમાં બધે જ તેની તસવીરો ચોંટાડવામાં આવી હતી. તેની અનેક યુવતીઓ સાથેની કઢંગી હાલતની તસવીરો ચોંટાડેલી હતી. તેણે તરત જ બધી તસવીરો ઉખાડવાનું અને ફાડવાનું શરૂ કરી દીધું. લગભગ અડધો કલાક તે મથ્યો ત્યારે બધી તસવીરો ભેગી કરી રહ્યો. તેણે બધી તસવીરો ફાડીને એક કોથળીમાં ભરી અને લઈને નીચે ઉતર્યો. તેણે ગાડી સ્ટાર્ટ કરી ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો.

'અજય, હાઉ આર યુ માય બેબી... તસવીરો તને ગમી કે નહીં. તારી પ્રોફાઈલમાં ઉપયોગમાં લેવાય એવી છે. તારું જે કેરેક્ટર છે તે આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. આમ તો તુ સમજદાર છે, તે તસવીરો ફાડી કાઢી હશે અને હવે તું તેને ક્યાંક ફેંકવા અથવા તો સળગાવવા માટે જતો હોઈશ. મને એમ થયું કે, તને કહી દઉં કે આ તસવીરોની બીજી કોપી પણ છે. તે જે વીડિયો વેબસાઈટો ઉપર ફરતો કર્યો હતો તેનો બીજે ભાગ મારી પાસે પણ છે. તારે જોઈતો હોય તો આપું... અરે સોરી... તને આપી જ દીધો છે. એક વખત તારો મોબાઈલ ચેક કરી લેજે. તું પહેલો વ્યૂઅર છું. શાંતિથી વીડિયો જોઈ લે એટલે ગીરગામ ચોપાટી આવી જજે. હું તારી રાહ જોતી હોઈશ.'- જીયાએ એટલું કહીને કોલ કટ કરી દીધો.

અજયે તરત જ મેસેન્જર ચેક કર્યું અને તેમાં આવેલો વીડિયો જોયો. અજયના મોતિયા મરી ગયા. તેણે તરત જ ગાડી સ્ટાર્ટ કરી અને ગીરગામ ચોપાટી તરફ હંકારી મૂકી. ગીરગામ ચોપાટી ઉપર તે પહોંચ્યો ત્યારે જીયા, સ્વેની અને સુરભી ત્રણેય ત્યાં હાજર હતા.

'મને ખબર જ હતી કે, તમારા જેવા લોકો જ આવું કરે. જીયા તું મને બ્લેકમેઈલ કરવા માગે છે તેની મને ખબર છે. સુરભી પણ તારા કહ્યે મારી પાસેથી પૈસા પડાવવા આવી હતી. તમને લોકોને હું જેલના સળીયા ગણતા કરી દઈશ.'- અજય બરાડયો.

'એ સડકછાપ હીરો... તારી એક્ટિંગ તારી અંદર ભરાવી દે. તારે જેવા સી ગ્રેડ ફિલ્મોના હીરોના અમે મેકઅપ પણ કરતા નથી. તે જે કર્યું છે એ જ તને બતાવ્યું છે. હવે જીયા જે કહે છે તે સાંભળી લે અને પછી તારે જે બોલવું હોય એ બોલજે.'- સ્વેનીએ ટોણો માર્યો.

'અજય તારે કંઈ ખાસ નથી કરવાનું. તારે સ્વેની અને સુરભીને બે-બે કરોડ રૂપિયા આપવાના છે. આ ઉપરાંત તારે મારી સાથે મેરેજ કરવાના છે. તું ચિંતા ના કરીશ એ કોન્ટ્રાક્ટ મેરેજ હશે. માત્ર પાંચ વર્ષ હું તારી સાથે જોડાઈશ અને રહીશ. ત્યારબાદ તારે મને પાંચ કરોડ રોકડા આપવાના છે તથા એક એપાર્ટમેન્ટ લઈ આપવાનો છે. ત્યારપછી તું કોણ અને હું કોણ. ખાસ વાત તો કરવાની જ રહી ગઈ. તારે મારો રિપોર્ટ બીજે ક્યાંક કઢાવવો હોય તો પણ તેને છૂટ છે. હું પ્રેગનન્ટ છું અને એ વાત તદ્દન સાચી છે. અત્યાર સુધી તે છોકરીઓનો ફાયદો ઉઠાવ્યો છે હવે તારો વારો છે. તું જેવું તારું કામ પૂરું કરી લઈશ તેની સાથે જ આ દસ્તાવેજો પણ તારી પાસે આવી જશે અને વીડિયો પણ તને મળી જશે. આપણા લગ્ન થશે પછી હું એબોર્શન કરાવી લઈશ. આપણા રિલેશન અને મેરેજ વિશે તું આવતીકાલે ફિલ્મના સેટ ઉપર જાહેરાત કરી દેજે બાકી સાંજે ટીવી ચેનલ ઉપર આપણા વીડિયો અને મારી પ્રેેગ્નેન્સીની વાત જાહેર થઈ જશે. સુરભીના અખબારમાં પણ ન્યૂઝ તૈયાર જ છે, તુ ઈચ્છે તો તને જોવા માટે એક પ્રિન્ટાઉટ આપું. સુરભી લઈને જ આવી છે.' - જીયાએ ઠંડાકલેજે કહ્યું.

'જો જીયા આવું બધું રહેવા દે. તું કહેતી હોય તો તને પૈસા આપી દઉં. ફ્લેટ લઈ આપું પણ આ લગ્ન અને બાળકની વાતો રહેવા દે. લોકોના કરોડો રૂપિયા દાવ ઉપર લાગ્યા છે. મારી પાંચ ફિલ્મો આવી રહી છે. મારી કરિયર અને નામ બધું જ બરબાદ થઈ જશે. તું પ્લીઝ આ બધું રહેવા દે. મને મારી ભુલ સમજાઈ ગઈ છે. હું હવે આવું કોઈની સાથે નહીં કરું.' - અજયે આજીજી કરી.

'અજય તારા આ મેલોડ્રામા રહેવા દે. તું અંકિતાના સેટ ઉપર પણ નથી કે તેની કોઈ સિરિયલનો શોટ પણ આપી નથી રહ્યો. બી બ્રેવ એન્ડ ફેસ ધ સિચ્યુએશન. તારી પાસે હવે કોઈ રસ્તો જ નથી. હા એક ઓપ્શન છે તારે સ્યુસાઈડ કરવું હોય તો કરી શકે છે. બાકી આવતીકાલ પછી તારે સ્યુસાઈડ કરવાનો વારો આવવાનો જ છે. આપણી અને તારી અન્ય લોકો સાથેની તસવીરોનું કલેક્શન અમદાવાદ પણ મોકલાવી દીધું છે. તે ગમે ત્યારે તારા મમ્મી-પપ્પા સુધી પહોંચી જશે. તારી એક્ટિંગ તારી ફિલ્મો અને આગામી કરિયર માટે બચાવી રાખ. તારે જે કરવું હોય તે કર પણ તારે આજ રાત સુધીમાં નિર્ણય લેવો પડશે. આવતીકાલનો સૂર્યોદય તારી કરિયર અને પર્સનલ લાઈફનો સુર્યાસ્ત ન બની જાય તેનું ધ્યાન રાખજે.' - જીયાના અવાજમાં હજી પણ એવી જ ધાર અને રોષ અનુભવાતા હતા.

'જીયા તું આવું કરીશ તેની મને કલ્પના પણ નહોતી. પૈસા માટે તું મારી સાથે આવું કરીશ. સ્વેની અને સુરભીને પણ તે સાથે રાખ્યા. આ રીતે કોઈ વ્યક્તિની જિંદગી બરબાદ થતી હશે.' - અજય રડમસ ચહેરે બોલવા લાગ્યો.

'આ બધું તારે કાળી કરતૂતો કરતા પહેલાં વિચારવાનું હતું. હજારો છોકરીઓનું શોષણ કરતી વખતે તને આ વિચાર નહોતો આવતો. મને કહેતો હતો, બેબી તને તો હું ટોચની હિરોઈન બનાવી દઈશ. તારી તો કરિયરનો સિતારો બુલંદ બનાવી દઈશ. સ્વેની તારા તો મોટા મોટા સલૂન અને સ્કીન કેર સ્ટુડિયો લોન્ચ કરીશું. બસ એક રાતની મજા માટે તું આ બધા વાયદા કરતો હતો ને. આજે અમે તને વાયદો કરીએ છીએ કે, આજની રાતે તે નિર્ણય ન લીધો તો કાલે સવારે અમારું એક્શન જોજે અને મીડિયા તથા તારા પરિવારજનો અને બોલિવૂડનું રિએક્શન જોજે. તને શું લાગે છે, તને એકલાને જ વીડિયો બનાવતા અને બ્લેકમેઈલ કરતા આવડે છે. અમને તો નવાઈ એ લાગી કે અર્જુન તારા હાથે ભરાયો કેવી રીતે. છોડ એ બધું જવા દે. તારે શું કરવું એ તું નક્કી કરી લેજે. આવતીકાલે સવારે મળીએ તારા જ સેટ ઉપર. ગુડ બાય એન્ડ બેસ્ટ ઓફ લક.' - જીયાએ એટલું કહ્યું અને ત્રણેય છોકરીઓ ત્યાંથી જતી રહી.

અજય હવે બરાબરનો ફસાયો હતો. તેણે પોતાના કેટલાક અંગત કહી શકાય તેવા મિત્રોને વાત કરી પણ સાચું અથવા તો આખું તો તે કોઈને કહી શકે તેમ જ નહોતો. કોઈએ પણ તેને મદદ કરવાની હા પાડી નહીં. આખરે તેણે જીયાની વાત સ્વીકારવા સિવાય અથવા તો સ્યુસાઈડ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં હોવાનું પામી લીધું. 

બીજા દિવસે સવારે અજય ફિલ્મના સેટ ઉપર પહોંચ્યો ત્યારે જીયા, સ્વેની અને સુરભી ત્રણેય હાજર હતા. અજય ગાડીમાંથી ઉતર્યો અને પોતાની વેનિટિવાન તરફ ચાલવા લાગ્યો. ત્રણેય છોકરીઓ પણ વેનિટીની પાસે જ ઊભી હતી. અજય તેમની નજીક ગયો અને તેમને અંદર આવવા ઈશારો કર્યો. અજયની પાછળ ત્રણેય અંદર ગયા. અજય બેડ ઉપર બેઠો અને ત્રણેય તેની સામે ગોઠવાયા. 

'જીયા... પ્લીઝ મને થોડો સમય આપ. હું બધું સેટ કરી દઉં છું. તું અહીંયા સેટ ઉપર કોઈ ઉધામા ન કરીશ... પ્લીઝ. મારે પૈસા ભેગા કરતા અને બધી વ્યવસ્થાઓ કરતા થોડો સમય લાગશે. મને બે મહિનાનો સમય આપ.' - અજયે વિનંતી કરી.

'તું યાર હજી રડયા કરે છે. તારી પાસે સમય જ નથી દોસ્ત. બે મહિના પછી તો તારું બાળક પાંચ મહિનાનું થઈ જશે પછી તો એબોર્શન પણ નહીં થાય. ત્યાર પછી તો તારે બે લોકોની જવાબદારી ઉઠાવવી પડશે અને કદાચ જેલમાં પણ જવું પડશે. તારી પાસે કશું નવું હોય તો મને સમજાય બાકી તારી પડતી માટે તૈયાર થઈ જા.' - જીયાએ બેફિકરાઈથી કહ્યું.

'સારું, હું તમને લોકોને આવતીકાલે ૨૫ લાખ એડવાન્સ આપી દઈશ અને એક અઠવાડિયામાં તમારી બાકીની રકમ મળી જશે. જીયા હું તારી સાથે કોન્ટ્રાક્ટ મેરેજ કરવા તૈયાર છું પણ તારે મને ગેરન્ટી આપવી પડશે કે તું એબોર્શન કરાવી લઈશ. મને તમારા લોકોની તમામ શરતો મંજૂર છે.' - અજય ઘુંટણીયે આવી ગયો.

'ધેટ્સ માય બોય. અમને તારી પાસેથી આ જ અપેક્ષા હતા. સ્વેનીને થોડો ડાઉટ હતો કે, નાલાયકીની પરાકાષ્ઠાએ જીવતો અજય આપણને તાબે નહીં થાય પણ તું તો ઉંદર કરતાય વધારે ડરપોક નીકળ્યો. હશે, જવા દે એ બધું. આવતીકાલે સવારે બે એન્ગેજમેન્ટ રિંગ લઈને આવજે. આપણે સેટ ઉપર જ સગાઈની જાહેરાત કરીશું અને અઠવાડિયામાં તું પૈસા આપી દે એટલે મેરેજ કરી લઈશું. જ્યાં સુધી અમને ત્રણેયને બે-બે કરોડ નહીં મળે ત્યાં સુધી કશું જ નહીં થાય. તો હવે તારા સેટ ઉપર જા અને શોટ આપવા માટે સેટ થા. અમે પણ જઈએ. હવે અમારે તારી સાથે કામ કરવાની જરૂર નથી. મને તો તું કામ ઉપર પણ રાખી નહીં શકે. સો એન્જોય યોર ઓન કંપની. ગુડ બાય ડીયર ફ્યુચર હબી.' - જીયાએ આટલું કહીને એક ફ્લાઈંગ કિસ આપી અને સ્વેની તથા સુરભી સાથે હસતી હસતી વેનિટીની બહાર નીકળી ગઈ.

અજય વિલાયેલા મોઢે બેડ ઉપર જ બેઠો હતો. તેણે બેડની બાજુનું કબાટ ખોલ્યું અને ચરસની એક પડીકી કાઢીને એક લાઈન ખેંચી લીધી. તેનું મગજ ચકરાવે ચડયું પણ હવે તે બરાબરનો ફસાયો હતો. તેને જરાય અણસાર નહોતો કે જીયા અને સ્વેની આવો ચક્રવ્યૂહ બનાવશે જેને તે ભેદી નહીં શકે. થોડીવાર પછી અજય બહાર આવ્યો અને પોતાના જે સીન હતા તે શૂટ કરીને નીકળી ગયો. 

બીજા દિવસે સવારે અજય ફરી પોતાના સેટ ઉપર આવ્યો. તેની પાછળ જ જીયા અને સ્વેની પણ આવ્યા. ત્રણેય ગાડીમાંથી ઉતર્યા અને અજયની વેનિટીવાન પાસે આવ્યા. અજયે ઈશારો કર્યો અને જીયા તથા સ્વેની જે ગાડીમાં આવ્યા હતા તેના ડ્રાઈવરે ડેકી ખોલી જેમાં અજયના માણસે ત્રણ બેગ મૂકી દીધી. આ કામ પૂરું થતાં જ અજય સેટ ગોઠવાયો હતો ત્યાં જવા લાગ્યો. અજયે મીડિયાને પણ બોલાવી રાખ્યું હતું. તેણે સેટ ઉપર જઈને માઈક હાથમાં લીધું અને બોલવા લાગ્યો...

'માય ડિયર ફ્રેન્ડસ, કલીગ્સ એન્ડ કો સ્ટાર્સ તથા અહીંયા હાજર મીડિયાના મિત્રો અને સાથીઓ... આજે મારે એક મોટી અને મહત્ત્વની જાહેરાત કરવી છે. મેં મારી જીવનસાથી પસંદ કરી લીધી છે અને ટૂંક જ સમયમાં હું તેની સાથે લગ્ન કરવાનો છું. આ બધું એકાએક નથી બન્યું. અમે છેલ્લાં ઘણા સમયથી એકબીજાની સાથે હતા અને એકબીજાને જાણતા હતા, પણ હવે મને એમ લાગે છે કે, અમારે આ મિત્રતા અને ડેટિંગને સપ્તપદીના સંબંધમાં પરિવર્તિત કરી દેવી જોઈએ.' - અજય આટલું બોલ્યો અને સહેજ અટક્યો. તેણે આસપાસ નજર કરી અને પોતાની આસિસ્ટન્ટને ઈશારો કર્યો અને તે બે બોક્સ લઈને અજયની પાસે પહોંચી ગઈ.

'મારા તમામ મિત્રો, સાથીઓ અને મીડિયાના મિત્રોની હાજરીમાં અને સાક્ષીએ હું જાહેરાત કરું છું કે, હું અને જીયા રિલેશનશિપમાં છીએ. આજે તમારી સામે એન્ગેજમેન્ટ કરીએ છીએ અને ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છીએ. પ્લીઝ કમ જીયા...' - અજય આટલું બોલ્યો અને જીયાને હાથ પકડીને પોતાની નજીક લઈ ગયો.

અજયે બોક્સ ખોલીને જીયાને રિંગ પહેરાવી અને જીયાએ પણ બીજા બોક્સમાંથી અજયને રિંગ પહેરાવી. બધા જ લોકોએ આનંદની ચિચિયારીઓ પાડી અને શેમ્પેન ઉડાડવામાં આવી. કેક કટ કરવામાં આવી તથા તમામ લોકોને ગિફ્ટ પણ આપવામાં આવી. મીડિયાએ આ ઘટનાની નોંધ લીધી. 

સેટ ઉપર જ એન્ગેજમેન્ટ કર્યા બાદ અજય, જીયા અને સ્વેની ત્રણેય પાછા વેનિટીમાં અંદર ગયા. અજયે જીયાને કહ્યું કે તારી બે શરતો પૂરી કરી દીધી છે. બાકીની બે અઠવાડિયામાં પૂરી થઈ જશે. તું એબોર્શન માટે તૈયાર રહેજે. જીયાએ હા પાડી દીધી. અજયે ત્યારબાદ તેના હાથમાં કોન્ટ્રાક્ટ મેરેજના પેપર્સ પકડાવી દીધા. જીયા એ પેપર્સ લઈને વેનિટીની બહાર નીકળી ગઈ અને સ્વેની પણ તેની પાછળ પાછળ બહાર આવી.

બંને ચાલતા ચાલતા અજયના સેટની બહાર આવ્યા અને ગાડીમાં ગોઠવાવા જતા હતા ત્યાં જ સ્વેનીની નજર રાજ ઉપર પડી. 

'રાજ... ઓ રાજ... ક્યાં હતો તું... કેમ ઘરે આવતો નથી... આટલું બધું નારાજ થવાનું ન હોય. પ્લીઝ એક વખત વાત તો કર.' - સ્વેનીએ રિક્વેસ્ટ કરી. 

'મારે અજયની ભાવી પત્ની સાથે કોઈ વાત કરવી નથી. પહેલાં છુપાઈને જે બધુ થતું હતું અને હવે તેને ઢાંકવા સગાઈના ધતિંગ કરવાના. હવે તો વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. તમે બંને તમારી લાઈફ એન્જોય કરો, હું મારી જિંદગીમાં મસ્ત અને વ્યસ્ત છું. પ્લીઝ મને મળવાનો કે ફરીથી બોલાવવાનો પ્રયાસ ન કરતા. તમારા નામની જગ્યા મારા મનમાં ક્યારની પુરાઈ ગઈ છે. ઈશ્વર તમને સદબુદ્ધિ આપે અને જીયા તને તારા સાહસો અને અભિયાનો માટે અભિનંદન. મને ક્યારેય તારો ચહેરો બતાવતી નહીં.' - રાજ ગુસ્સામાં આટલું બોલીને ચાલ્યો ગયો.જીયા અને સ્વેની નિરાશ ચહેરે ગાડીમાં ગોઠવાયા અને ગાડી ઉપડી ગઈ. 

બીજી તરફ રાજ ફિલ્મ સીટીના સેટ નંબર ૪ ઉપર પહોંચ્યો. ત્યાં રઘુબીર તેની રાહ જોતો હતો. રાજ તેને જઈને મળ્યો અને રઘુબીર તેને લઈને અંદર ગયો. રઘુબીર તેને સીધો જ સંજય સર પાસે લઈ ગયો.

'સર આ એ જ છોકરો છે જેના વિશે મેં તમને કહ્યું હતું. એનું નામ રાજ છે. તેની પાસે રાઈટિંગ અને ડાયરેક્શન બંનેની આવડત છે. તેના સેટ ડિઝાઈનિંગ અને સેન્સ સારા છે. તમે પરમિશન આપો તો આસિસ્ટન્ટ તરીકે તેની એક ટ્રાયલ લઈ લઈએ.' - રઘુબીરે સંજય સરની સામે ઊભા રહેતા કહ્યું.

'રાજ ડુ વન થિંગ... આજ એક ગાને કા શૂટ હૈ... મુઝે લો લાઈટ ચાહીયે... ત્યાં જો... પેલા માણસો લાઈટ સેટઅપ કરી રહ્યા છે. તારે એવી રીતે લાઈટ ગોઠવવાની છે કે, એક્ટર્સ ઉપર લાઈટ પડે જ્યારે બાકીનો ભાગ ડીમ લાઈટવાળો અથવા તો સેમી ડાર્ક લાગવો જોઈએ.' - સંજય સર બોલ્યા.

રાજ તરત જ તેમણે ઈશારો કર્યો હતો ત્યાં ગયો. લાઈટમેન અને તેમના માણસો જે સેટઅપ કરતા હતા તેને જોયું અને સમજ્યું. લગભગ દસેક મિનિટ પછી તેણે લાઈટમેનની કામગીરી જોઈએ અને પછી તેમની પાસે સીડી માગી. પેલી વ્યક્તિએ તેને સીડી આપી અને રાજ સીડી લઈને સેટના કોર્નર ઉપર જતો રહ્યો. 

'લાઈટ દાદા મુઝે પીલી લાઈટ યહાં પે ચાહીયે... ઔર હાં... યે જો સારી ખિડકિયાં હૈ ઉસ કે પીછે સફેદ વાલી છોટી એલઈડી લગા દો... યે જો ઉપરકી ઔર આપને ફુલ રખ્ખે હૈ ઉસ કે પીછી સે હરી રોશની આની ચાહીયે. ઉપરકી ઔર દો સફેદ એલઈડી બડીવાલી લગા દો. એક કે ઉપર પીલા પ્લાસ્ટિક ડાલ દેના... મુઝે કોમ્બિનેશન ચાહીયે.' - રાજે કહ્યું અને સીડી ઉપરથી ઉતરીને નીચે આવ્યો.

રઘુબીર તેની પાસે આવીને ઊભો રહ્યો અને રાજનું લાઈટ સેટઅપ સમજવા લાગ્યો. લગભગ અડધો કલાક પછી લાઈટ સેટઅપ તૈયાર થઈ ગયું અને રાજ સંજય સર પાસે ગયો.

'સર, લાઈટ સેટઅપ રેડી હૈ... તમારે એક વખત ચેક કરવું હોય તો કરી લઈએ. મારા તરફથી મેં તમામ પ્રયાસ કર્યો છે. જો તમને એક ટકા પણ ગમશે તો મારા માટે એ આનંદની વાત હશે.' - રાજે નરમાશથી કહ્યું.

'ઓફ કોર્સ યંગ મેન. તમે લોકો જો સાચું અને સારું લાઈટ સેટઅપ કરી આપો તો મારા માટે પણ આનંદની જ વાત છે. આ રઘુબીરને લાઈટ સેટઅપ બરાબર ફાવતું નથી. 

ચાલ આજે તે શું કર્યું છે જોઈએ... રઘુબીર વો બેકસાઈડ ડાન્સર્સ મેં સે આઠ-દસ લોગો કો બુલાલે સેન્ટર મેં...' - સંજયસર એટલું બોલીને સેટના સેન્ટરમાં આવીને ઊભા રહ્યા. તેમણે ચારે તરફ નજર કરી. 

'લાઈટદાદા લાઈટ... ક્ રેડી ફોર ધ એક્શન... સાઉન્ડ દાદા વો ગાના બજાઓ... એન્ડ એક્શન' - સંજયસરે આટલું કહ્યું અને બધું જ ચાલું થઈ ગયું.

'વેલડન માય બોય... યુ આર જીનિયસ... મારે જે જોઈતું હતું તેવું જ સેટઅપ તે કર્યું છે. આઈ લવ યુ મેન... મને લાગે છે કે, આપણી જોડી જામશે... અને આ રઘુબીરને પાછો બંગાળભેગો કરી દઈએ....' - સંજય સર આટલું બોલીને હસવા લાગ્યા અને રાજને ભેટી પડયા.

રાજે તેમનો આભાર માન્યો અને રઘુબીર સામે જોઈને સ્મિત કર્યું.

'રાજ... સ્ટાર્ટ યોર વર્ક ફ્રોમ ટુડે ઈટસેલ્ફ... રઘુબીર તું આજ સે સ્ટારકાસ્ટ કો સંભાલ ઔર સેટ કા કામ રાજ કો દેદે... મેરે લીયે ભી અચ્છા રહેગા ઔર તેરે લીયે ભી... રાજ વેલકમ ટુ કર્મા પ્રોડક્શન એઝ એન આસિસ્ટન્ડ ડાયરેક્ટર.' - સંજય સરે ખુરશીમાં બેસતાની સાથે કહ્યું.

'થેંક્યુ સો મચ સર... મારી ડૂબતી નાવને તમે બચાવી લીધી.' - રાજ એટલું બોલ્યો અને સંજયસરને પગે લાગ્યો.

'દીકરા આટલી નાની વાતમાં લાગણીશીલ થવાની જરૂર નથી. તારે હજી ઘણું કરવાનું છે. મને ખબર છે કે, તારામાં ઘણું પોટેન્શિયલ છે. સો બી અવેર... બી રેડી ફોર યોર જોબ. તારી મહેનત અને ડેડિકેશન જ તને આગળ લઈ જશે. રઘુબીર બે વર્ષમાં મારો માનીતો થઈ ગયો છે. તું ધારે તો આ કામ છ મહિના કે એક વર્ષમાં પણ કરી શકે છે. સો બેસ્ટ ઓફ લક. મને જે દિવસે લાગશે કે રાજ રેડી છે તે દિવસે હું તને આખી ફિલ્મ ડાયરેક્ટ કરવા આપી દઈશ. એ પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. લોઢું હોય કે સોનું એ બરાબર તપે પછી જ આકાર આપી શકાય છે. તો તપવા માટે અને ટીપાવા માટે તૈયાર થઈ જા.' - સંજય સરે રાજની પીઠ થપથપાવી.

રાજ ત્યાંથી ઊભો થઈને રઘુબીર જોડે ચાલવા લાગ્યો. બંને હજી તો સેટની બહાર આવ્યા અને ત્યાં જ અજયની ગાડી તેમની સામે આવી. 

(ક્રમશ:)


Google NewsGoogle News