પ્રેમ પડછાયો .
- 'મેં છીનવી નથી. તમે જાતે જ તમારી પત્નીને ગુમાવી છે. યોર ઓનર, આ માણસને ફાંસી થવી જોઈએ, એણે કોઈનાં સપનાંઓનું ખૂન કર્યું છે.'
- પ્રકરણ - ૧૨
- રક્ષા શુક્લ
કાનજીને ગાર્ડનની લોન પર પડતો જોઈ સવજી ગભરાઈ જાય છે. એ કાનજી પર પાણી છાંટે છે. કાનજી આંખ ઉઘાડે છે. 'હું ડોક્ટરને બોલાવું છું સવજી કહે.
કાનજી 'કોઈ જરૂર નથી, જરા ચક્કર આવી ગયેલા.
સવજી 'તું ઘરની ચિંતા ન કર, હર્ષ અને મારી દીકરી સારા દોસ્ત છે, એ એને સમજાવશે.
કાનજી 'નહીં સમજે એ.. પૈસાની ચમકમાં બધું દેખાતું બંધ થઇ ગયું છે. પૈસાનું અભિમાન ખોટું, એમાંય બાપના પૈસાનું અભિમાન તો સાવ ખોટું...
સવજી 'પૈસાદારના સંતાનોની તકલીફ જ એ હોય છે કે એમને સંઘર્ષ વગર બધું મળી જાય છે એટલે કદર કે કૃતજ્ઞાતા જેવા શબ્દો એની ડીકશનેરીમાં હોતા જ નથી. એ લોકો દરેક વસ્તુની કિંમત આંકે છે મૂલ્ય નહીં..
;;;
કાનજી ગોપીના રૂમમાં બેઠો છે. કાનજીનો વાયરલ વીડિયો બતાવી ગોપી કહે છે, 'જુઓ, લોકો કેવી કેવી કમેન્ટ લખે છે !'
કાનજી : 'કુછ તો લોગ કહેંગે... !'
ગોપી : 'આ નાયકના જ કામ છે.'
કાનજી :'નાયક તો બિચારો હાથો છે.'
ગોપી : 'મેં અભાવને સ્વભાવ બનાવી દીધો હતો. આજકાલ આ નાની આંખે મોટા સપનાં જોવા લાગી છું ! પણ એક વાત પૂછું ? તમે કેમ કદી મારી પર્સનલ લાઈફમાં ડોકિયું ન કર્યું ?'
'હું થોડો મીડિયા છું.' કહીને કાનજી હસવા લાગે છે.
'હું ઘેલી હતી કે રોજે પગ માથા પર લઈને દોડતી હતી, હૈયું હરપળ જાણે ઝાકળમાં નહાતું હતું અને દિલ ફૂલોની ફરમાઇશ પર ગાતું હતું. પણ હવે લાગે છે એ દિવસો ગયા, હવે કોર્ટમાં જવાના દિવસો આવ્યા. શું થશે ? મારું દિલ તો ગભરાય છે !' ગોપીએ કહ્યું.
'સત્ય કદી ડરતું નથી' કાનજીએ કહ્યું.
;;;
કોર્ટનું શુષ્ક વાતાવરણ. હંમેશ સાથે બેસનાર રાધા આજે સામે બેઠી છે. હાથ પકડીને જેને ચાલતા શીખવાડયું એ હર્ષ આજે હાથથી બહાર છે. એક અભણ દંપતીના કેસથી કંટાળી જજ કહે, 'આ ગામડિયાના કેસમાં હું ગાંડો થઇ જઈશ.. કોઈ સોફીસ્ટીકેટેડ લોકોનો કેસ નથી ?'
રાઈટર : 'છે ને...'
જજ : 'તો બોલાવ ને... કંકુ ચોખા લઈને પ્રભુ કાનજી સાક્ષાત પ્રગટ થાય એની રાહ જોઇને બેઠો છો ?'
રાઈટર : 'કેસ નંબર ૨૫... કાનજી - રાધા'
'અત્યારે નહીં ફાવે, સાહેબ, એમનો બે વાગ્યાનો ટાઈમ છે.' પાછળ ખુરશીમાં બેઠેલો સવજી ઊભો થઈને બોલ્યો.
જજ : 'મેં કાંઈ એપોઇન્ટમેંટ આપી છે ? બોલાવું એટલે આવવાનું... આમ પણ અહીંયા સવારથી જ હાજર થઇ જવાનું હોય છે, નહીંતર કેસ ચલાવ્યા વિના છૂટાછેડા આપી દઈશ.'
રાઈટર : સર, ડિવોર્સ કહો, સોફીસ્ટીકેટેડ કેસ છે.
એ જ ક્ષણે રજનીકાંત સ્ટાઈલથી કાનજી પ્રવેશે છે અને કહે છે, 'ના, I am here.. ચલાવો કેસ અને કરો ફેંસલો. આજે જ અને અબ ઘડી.'
ડી. કે. : 'સર, એ મારા અસીલ રાધાબેનના પતિ કાનજી છે. અમારા અસીલનો દાવો છે કે કાનજીને એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. ઘરમાં પણ ધ્યાન આપતા નથી અને અમને શંકા છે કે તેઓ માલમિલકત પણ તેમની પ્રેમિકાના નામે કરી દેશે. માટે અમે ડિવોર્સ માંગીએ છીએ. અને તેમની મિલકતમાંથી ૭૫% મિલકત પર હક માંગીએ છીએ.' જજ હાથમાં ફાઈલ લઇ વાંચતા હોય છે, ત્યાં '૭૫% હક્ક' કાને પડતા એને ઝટકો લાગે છે.
જજ : '૭૫% એટલે ૭૫ કરોડ ?'
ડી. કે. : 'યેસ સર.. સો કરોડની મિલકત છે.'
'સારું છે, મારા વાળા ડિવોર્સ નથી માંગતા, નહીતર ૭૫% માંગે તો મારી પાસે તો ૨૫ હજાર જ વધે.' જજ રાઈટરને કહે.
રાઈટર : 'સાહેબ, લાખ રૂપિયા જ છે તમારી પાસે ? ઘરવાળા શું ધંધો કરે છે ?'
જજ : 'રૂપિયા વાપરવાનો.. મારી ક્રેડીટ ઉપર ક્રેેડીટ કાર્ડ લઇ આવી છે... હવે દે ધનાધન... ન વધે ધન.. (વકીલને) અમારી વાત શું સાંભળો છો.. ?'
ડી. કે. : 'સોરી, મિ લોર્ડ અમે આ વાતના પુરાવા તરીકે ફોટા અને વીડિયો પણ સામેલ કર્યા છે. જેથી આપને કાનજીના કામા અને ગોપીનું ગુટરગૂ ખબર પડે.'
જજ : (ફોટા જુએ) 'વાહ, સરસ છે.... આ ગોપી તો હિરોઈન જેવાં લાગે છે...'
કાનજી : 'સાહેબ, તો પછી હું કેવો લાગું છું ?'
જજ : નથી સારા લાગતા.. (ફોટા મુકીને) બોલો મિસ્ટર કાનજી, આ વાત સાચી છે ? તમે ગોપીને પ્રેમ કરો છો ? આ સાબિતી રૂપે ફોટા અને વીડિયો મારી સામે છે.'
કાનજી : 'સાચું છે જજસાહેબ... ગોપીને હું પ્રેમ કરું છું...'
જજ (ચમકીને) 'કોર્ટમાં સ્વીકાર કરે છે..? ઓકે. તો તમને ડિવોર્સ મળશે.'
કાનજી : 'પણ માંગેલા પૈસા નહીં મળે'
જજ : 'ઓહ...! આ તો કોન્ટ્રોવર્સી, પણ ઓકે. તમારા વકીલને ક્રોસ કરવા કેજો.'
કાનજી : સાહેબ, લોકોએ સુખી જીવન માટે સાધુ નહીં પણ સીધું થવાની જરૂર છે'
આ દરમિયાન રાધા કાનજીને કહે છે કે 'રૂપિયા તો લઈને રહીશ' કાનજી કહે છે કે 'એક રૂપિયો પણ નહીં આપું' બંને વચ્ચે બોલાચાલી થાય છે. વકીલ બંનેને છૂટા પાડે છે
જજ : આના કરતા તો પેલા ગામડિયા સારા હતા. ઓકે...મારો નાસ્તો કરવાનો સમય થઈ ગયો.. મતલબ આજે તમારો સમય પતી ગયો. ટાઈમ ઇઝ અપ. અહીં બીજા પણ હોય ને છૂટા થવાની રાહ જોતા..! હવે આવતીકાલે.... સૌ ગોવાળિયાઓને જયશ્રી કૃષ્ણ...'
કાનજીએ આવા હળવાફૂલ જજ ગમ્યા. એને લાગ્યું કેસ લાંબો ખેંચાશે તો ય કંટાળો નહીં આવે.
;;;
'તમારો આભાર કે મને નવું જીવન આપ્યું....' ઘરમાં પ્રવેશતા ગોપી કહે.
કાનજી : 'તારો પણ આભાર. મારા જીવનમાં રંગો પૂરી તું બદલાવ લાવી અને મારા જીવનને નવીનતાથી ભરી દીધું.
ગોપી : 'કજિયા-કંકાસ એટલા બધાં જોયાં છે કે હવે હું જીવવાથી જ થાકી ગઈ છું. કોઈને પણ ઝગડતા જોઉં તો હું દૂર ભાગું...'
કાનજી : 'હવે બોલ્યું છે અને બોળ્યું છે તો પલાળવું તો પડશે. આપણે સગાવહાલા શબ્દ બોલીએ છીએ પણ મોટાભાગે સગા હોય એ વહાલા હોતા નથી અને વહાલા હોય એ સગા નથી હોતા. હવે જોઉં છું કે સંબંધોના સમરાંગણમાં સગા જીતે છે કે વહાલા...'
ગોપી : 'હું કોઈનું ઘર ભાંગી ન શકું... પતિ પત્નીએ તો સાથે બેસવાનું હોય, સામસામે નહીં..'
કાનજી : 'મેં રાધાને મનથી તો ક્યારના છૂટાછેડા આપી દીધા છે.'
'હું રાધાને સમજાવીશ...'
'ભોટ ભાર્યા સામે ભાગવત વાંચવી હોય તો જા...' કાનજી કહે.
ગોપી ઊભી થઇ રાધા પાસે જાય છે અને કહે છે, 'હું આપની દસ મિનિટ લઈ શકું ?'
રાધા : મારું બધું જ લીધું ત્યારે તો પૂછવા આવી ન હતી. હવે દસ મિનિટ માટે પૂછે છે ?
ગોપી : 'લંકાના રાવણ કરતા શંકાનો રાવણ ખતરનાક છે.'
રાધા : 'પારો કરતા ચંદ્રમુખી વધુ ખતરનાક છે.'
ગોપી : 'તમારો અને મારો ઉદ્દેશ એક જ છે કાનજીને ખુશ રાખવાનો... તો ચાલો, આજે તમને એક ચેલેન્જ આપું... કાનજીને કોણ વધુ ખુશ રાખી શકે એની કોમ્પીટીશન કરીએ.. જે જીતે એનો કાનજી.'
રાધા : 'ચેલેન્જ મંજૂર છે. હું કાનજીને ચાહું છું. જેમ વિદેશ જઈએ ત્યારે જ દેશની કિંમત સમજાય એમ કાનજીથી દૂર થઇ અને કાનજીની કિંમત સમજાણી..'
ગોપી : 'તો આજે પહેલી ચેલેન્જ, ચા કોણ સારી બનાવે..'
રાધા : 'ચેલેન્જ એક્સેપ્ટ.'
બંને ચા બનાવવા રસોડામાં જાય છે. ગોપીને ખબર છે કે 'રાધા ચા ઉત્તમ બનાવે છે. જીતી હુઈ બાજી હારનેવાલે કો બાજીગર કહતે હૈ... બંને ચા બનાવી કાનજીના રૂમમાં જઈ, ચા મૂકે છે. રાધા ગોપીની ચા ઢોળી નાખી કહે છે, 'ચા મારી જ બેસ્ટ છે આમ પણ ચા અને ચાહમાં કોઈ ભાગ પડાવે એ મને પસંદ નથી. તારા જેવી સાથે કોમ્પીટીશન કરું ? અમે તો દુશ્મન પણ બળવાન રાખીએ છીએ ! તને તો જેલના સળિયા ગણાવીને જ રહીશ. સી યુ ઇન ધ કોર્ટ'
રાધા ઢોળાયેલી ચામાં ગોપીનો દુપટ્ટો નાખી 'માય ફૂટ' કહીને જતી રહે છે. ગોપી એ દુપટ્ટાથી ઢોળાયેલી ચા સાફ કરવા લાગે છે.
'હું કહેતો નહોતો રાધાને સમજાવવી મુશ્કેલ છે !' કાનજી રાધાની ચા વોશ બેઝીનમાં ઢોળતા કહે છે.
'આ મારો જ રૂમ છે, મારું ઘર છે, તો હું શું કામ બહાર જાઉં ?' થોડીવારમાં રાધા પાછી આવીને કહે છે. એ કાનજી પાસે પલંગ પર જઈ બેસે છે.
;;;
કોર્ટમાં કાનજી વિરુદ્ધ એક પછી એક બધાં પુરાવાઓ રજૂ થાય છે. કાનજી મિસ્ટર કૂલ બની બધું જોયાં કરે છે. કાનજી પોતાનો કેસ પોતે જ લડવા માટે જજની સંમતિ માગે છે.
કાનજી : 'જો વહાલ કરવું ગુનો હોય તો એ ગુનો મેં કર્યો છે.'
વકીલ : 'આને વહાલ નહીં વ્યભિચાર કહેવાય...'
કાનજી : 'એ તો દ્રષ્ટિકોણનો સવાલ છે. સરહદની આ બાજુ ઊભેલ સૈનિક માટે સામેનો વ્યક્તિ દુશ્મન છે અને સાથેનો સૈનિક દેશભક્ત. સરહદની સામેની બાજુ માટે આપણે દુશ્મન. તમે ક્યા એન્ગલથી જુઓ છો એના પર બહુ બધો દારોમદાર હોય છે.'
વકીલ : 'એમ તો હું આ હાથમાં ૬ લખું છું (અંગ્રેેજીમાં ૬ લખે) અને એને ઉલટો કરું તો ૯ થઇ જાય. શબ્દ અને આંકડાની રમત પર કેસ જીતાતો નથી મિસ્ટર કાનજી. કોર્ટ પુરાવા માંગે છે પોચટ વાતો નહીં. જજસાહેબ, હું એક ગવાહ રજૂ કરવા માંગીશ.'
જજ : 'અનુમતિ છે'
નોકર રામુકાકાને બોલાવવામાં આવે છે.
વકીલ : 'સાહેબનું વર્તન ગોપી આવ્યા પછી કેવું છે ?'
રામુકાકા : 'સાહેબે તો કાયમ મને આર્થિક મદદ કરી છે, એ મારા ભગવાન છે.'
વકીલ : 'તમને પૂછું એનો જ જવાબ આપો.'
રામુકાકા : 'ગોપીબૂન આવ્યા ત્યારથી સાયબનું વર્તન બદલાયેલું છે, મેં માતાજીને ૧૧ નાળિયેર માન્યા છે. મને લાગે છે કે એમને કોઈ ડાકણ વળગી છે.'
વકીલ : 'આભાર.' (રામુકાકાને જવાનું કહે છે) 'યોર ઓનર. નોટ કરજો.. ગોપીબેન આવ્યા ત્યારથી વર્તન બદલાયું. ડાકણ વળગી છે. હવે હું ડાકણ, સોરી ગોપીબેનને બોલાવવા માંગીશ.'
વકીલ : 'કહેવાય છે કે વાઈન, વુમન અને વેધરનો કોઈ ભરોસો નહીં...'
ગોપી : 'એમ તો એમ પણ કહેવાય છે કે વડીલ બધાની ખૂબીઓ જુએ અને વકીલ બધાની ખામીઓ...'
વકીલ : 'તમે પર્સનલ થઇ રહ્યા છો.'
ગોપી : 'શરુઆત કોણે કરી ?'
વકીલ : 'ગોપીબેન, મિસ્ટર કાનજી તમારા માટે શું છે ?'
ગોપી : 'સર્વસ્વ'
વકીલ : 'આભાર.' (ગોપી બેસી જાય છે) 'સાહેબ પોતાના પતિ સિવાય કોઈને સ્ત્રી સર્વસ્વ ન ગણે.'
જજ : 'મિસ્ટર કાનજી, તમારે કંઇ કહેવું છે ?'
કાનજી : 'મારે એટલું જ કહેવું છે કે આ કેસને બુદ્ધિથી નહીં સમજાય પણ હૃદયથી જોશો તો સમજાશે.'
વકીલ : 'વાહ હૃદયથી સમજવાની વાત કરો છો, પણ કોઈનું હૃદય તોડવામાં તમે માહેર છો. જજસાહેબ, હું એક વધુ ગવાહ રજૂ કરવા માંગું છું.' (નાયકને બોલાવે છે) 'તમે શું કહેશો મિસ્ટર, આ કાનજી વિશે ?'
નાયક : 'આ માણસે મારી પત્ની છીનવી લીધી.'
કાનજી : 'જજસાહેબ, હું મિસ્ટર નાયકને સવાલ પૂછી શકું ?' (જજ હા કહેતા) 'મેં છીનવી નથી. તમે જાતે જ તમારી પત્નીને ગુમાવી છે. યોર ઓનર, આ માણસને ફાંસી થવી જોઈએ, એણે કોઈનાં સપનાંઓનું ખૂન કર્યું છે.'
નાયક : 'બીજાની સ્ત્રી પર નજર બગાડનાર આવો માણસ...'
કાનજી : (નાયકનું ગળું પકડી) હું નહીં, તું નજર બગાડનાર છે...
જજ : 'મિસ્ટર કાનજીઈઈઈઈ... હવે ફરી તમે આવું વર્તન કર્યું છે તો હું કોર્ટની તૌહીન બદલ સજા કરીશ.'
કાનજી : 'માફ કરજો જજસાહેબ, આવેશમાં આવી ગયો. પણ આ માણસે એક કૂમળી છોકરીને ચાંદ-તારા બતાવી ધરતી પર પછાડી છે. તું કલાકાર કદી ન હોય શકે. કલાકાર નાટકમાં લાગણી દર્શાવે પણ લાગણીમાં ક્યારેય નાટક ન કરે. આભાર. (નાયક બેસી જાય છે) હું રાધાને બોલાવવા ઈચ્છું છું. (રાધા આવે છે) હું કોણ છું ?'
રાધા : 'મારા પતિ...'
કાનજી : 'ખાલી પતિ.. આટલા વર્ષોમાં સંબોધનમાં ફેર આવ્યો. પહેલા પતિદેવ કહેતી હતી અને હવે માત્ર પતિ... ઘરમાં રૂપિયાની રેલમછેલને કારણે ઘણા સંબંધોના સરનામાં બદલાઈ ગયા.. મહેનત વગરના પૈસા પચતા નથી. રાધા,મારી જન્મ તારીખ કેશો ?'
રાધા : 'તમારું એકાઉન્ટ ફેસબુકમાં નથી તો કેમ ખબર પડે.'
કાનજી : 'મને ફેસબુકમાં નહીં પણ બુક ફેસ કરવામાં રસ છે. રીડીંગ એ જ મારી હોબી છે, જજસાહેબ. પહેલા મારો જન્મદિન ત્રણ દિવસ ચાલતો, પ્રિ બર્થડે, બર્થડે ડે અને થેન્ક્સ ગીવીંગ ડે. મને પોતાને જન્મદિન ઉજવવામાં સહેજ પણ રસ નથી, જન્મ લેવો એ કોઈ મહાન ઘટના નથી પણ જન્મીને વિશેષ કામ કરો તે મહાન ઘટના છે. પણ પરિવારની લાગણી હતી એટલે ઉજવતો હતો.'
વકીલ : 'જન્મદિન ભૂલી જવો, એનો અર્થ એ નથી કે લાગણી ઓછી થઇ ગઈ..'
કાનજી : 'જન્મદિનના બહાને પરિવાર સાથે રહી શકીએ. પરંતુ પૈસાને કારણે ઘરમાં બધાં એવું માનવા લાગ્યા કે બધું જ શક્ય છે. પૈસાથી તમે પલંગ ખરીદી શકો, ઊંઘ નહીં. રોજ સાંજે સાથે જમતા એ બંધ થયું, શનિ-રવિ ફાર્મ હાઉસમાં સાથે આવવાનું બંધ, મારી સાથે કોઈ પણ પ્રસંગમાં આવવાનું બંધ. સુખદુ:ખનો સાથી સવજી હતો એની સાથે પણ ઘરનાએ સંબંધ બગાડયા. આ કંપનીમાં ભાગીદારીનો દાવો કોઈ કરી શકે એમ હોય તો એક માત્ર સવજી છે. એના સિવાય સૌએ મને એકલો કરી દીધો. કોઈ મહેફિલમાં હોઉં તો ય એકલતા ઘેરી વળે એટલો એકલો. હું મારી જાત સાથે પણ રહી શકતો ન હતો. રાધા અને હર્ષ પોતાના મિત્રો, પાર્ટી અને સોશિયલ મીડિયામાં કાયમ ગુમ. એમાં કાનજી ક્યાંક ખોવાઈ ગયો એનો કોઈને અહેસાસ પણ નથી, દરકાર તો ક્યાંથી હોય !'
વકીલ : 'મિસ્ટર કાનજી, તમે વિદ્યાર્થી અવસ્થામાં નાટકમાં નંબર લાવેલા, એમાં ય ઈમોશનલ રોલ સારો કરતા, એવું સાંભળ્યું છે.'
કાનજી : 'જજસાહેબ, મારા ઘરને મકાન બનતા બચાવો... હા, વેલેન્ટાઈન ડેએ મેં રાધાને કદાચ ગુલાબ નહીં આપ્યું હોય પણ શાક રોજ લાવી આપ્યું છે. આટલા કામ વચ્ચે પણ હું કદી ઘરની ફરજો ભૂલ્યો નથી.'
વકીલ : 'જજસાહેબ બધાં જ પુરાવા કાનજીની વિરુદ્ધમાં છે. ઈમોશનલ ડ્રામા અને સૂફિયાણી વાતો કરી તેઓ કેસને ભટકાવી રહ્યા છે.'
જજ : 'હવે જજમેન્ટ પર જઈએ છીએ. મિસ્ટર કાનજી છેલ્લે તમારે કંઈ કહેવું છે ?'
કાનજી : 'જે પ્રેમની અપેક્ષા પરિવાર પાસે હતી તે ન મળી, પણ તે રાધા પાસેથી મળી. એક પુરુષ અને સ્ત્રી વચ્ચે પ્રેમનો અર્થ હંમેશા સંકુચિત અને સાંકડો કેમ કરવામાં આવે છે ? ગોપી સીતા જેટલી જ પવિત્ર છે. પ્રેમને અઢી ફૂટની ફૂટપટ્ટીથી માપવાનો ન હોય, એ તો અનંત આકાશ જેવો છે. સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ બાપ-દીકરી કે ભાઈ-બહેન જેવો પણ હોય, મારી અને ગોપી વચ્ચે જે પ્રેમ છે એ બાપ-દીકરી વચ્ચેનો પ્રેમ છે. અમે બિઝનેસ ટૂર પર ગયા ત્યારે રૂમ અલગ અલગ રાખેલા, મેં દારુ પીવાની પણ એક્ટિંગ કરી છે. હોટલની ટિકિટ અને બીજા પુરાવા આ રહ્યા...(હાથ લંબાવી પૂરાવા આપે છે)
ગોપી મને પહેલીવાર મળી ત્યારે ઓફિશિયલી તરછોડાયેલી હતી અને હું અનઓફિશિયલી તરછોડાયેલો હતો. એને વધુ પડતી ગરીબીએ મારી હતી અને મને વધુ પડતા પૈસાએ. પરિવારના લોકો મને બે હજારની નોટની જેમ રદબાતલ કરવા માંગતા હતા એટલે ઘરનાને સાચે રસ્તે લાવવા મેં એને પ્રેમિકાનું નાટક કરવા કહ્યું હતું...
ફ્લેશબેક...
કાનજી : 'પૈસાના કારણે મારો પરિવાર છકી ગયો છે, મારે એમને સબક શીખવાડવો છે. એક નાટક કરવાનું છે. તું મારી દીકરી જેવી છે પણ આ નાટકમાં તારે મારી પ્રેેમકાનો રોલ કરવાનો છે.'
ગોપી : 'અરે.. નાટકમાં પણ જીવનનો આટલો મોટો રોલ મેં કદી નથી કર્યો, તો વાસ્તવિક જીવનમાં આટલું મોટું નાટક કેમ કરી શકીશ ? હું તો આમ પણ એવરેજ અભિનેત્રી છું.'
કાનજી : 'સ્કૂલમાં છેલ્લી બેંચ પણ બેઠેલા વિદ્યાર્થી જ જીવનમાં પહેલી બેંચ પર બેસતા હોય છે. વિશ્વનો ઈતિહાસ તપાસો તો ખબર પડશે કે બધાં ઉદ્યોગપતિ ઓછું ભણેલા છે અને સ્કોલર ધુરંધરો એમને ત્યાં નોકરી કરતા હોય છે.'
ગોપી : 'ઠીક છે, તમે મને ગાઈડ કરજો.'
કાનજી : 'ફિકર નોટ... આ કાનજી ઉત્તમ ડિરેક્ટર છે'
ફ્લેશબેક પૂરું...
કાનજી : રાધા તને યાદ છે, તારે પહેલીવાર નવમો મહિનો ચાલતો હતો ત્યારે મેં કહેલું કે દીકરી આવે તો ગોપી નામ રાખીશું. પણ ન દીકરી આવી, ન દીકરો આવ્યો, લાશ આવી. દીકરી જન્મતા જ મૃત્યુ પામી. ગોપીનું નામ સાંભળતા જ મને એનામાં દીકરી દેખાણી. બાપ દીકરી વચ્ચે ક્યારેય જેન્ડરબાયસ જેવું હોતું જ નથી. ગોપી મારી દીકરી જેવી છે. રાધા છૂટછેડા લેવા માંગતી હોય તો મને વાંધો નથી પણ મારે એમને નથી છોડવા.'
આ સાંભળી રાધા અને હર્ષ કાનજીને ગળે વળગે છે. બંને કાનજીની માફી માંગે છે. કેસ પરત લેવામાં આવે છે.
જજ : 'અદભુત કેસ અને અદભુત માણસ. કાનજી જેવી સમજણ દરેકમાં હોય તો સમાજમાં છૂટાછેડાના કેસ ઘટશે અને ભેગાછેડાના વધશે. કોર્ટનો જજ હું છું પણ જીવનના જજ તમે છો મિસ્ટર કાનજી..'
કોર્ટ બહાર, અન્ય એક પતિ અને પત્ની ઝગડતા હોય છે, બંનેના વકીલ એમને છૂટા પડાવતા હોય, કાનજી એમની પાસે જઈને પત્નીને કહે છે, 'પતિ મોર્ડન જમાના સાથે તાલ નથી મિલાવતો એ ફરિયાદ છે ને ?'
પત્ની : 'હાસ્તો...'
કાનજી : (પતિને) 'પૈસા આવ્યા પછી પત્ની એનામાં ડૂબી ગઈ એવી ફરિયાદ છે ને ?'
પતિ : 'હા'
;;;
સવજીના ઘરે, સવજીની દીકરી સાથે હર્ષના લગ્નનું પાક્કું થાય છે. 'લે, આ તારું સપનું' કહીને કાનજી સવજીને નવી સ્કૂલ બનાવવા એક કરોડનો ચેક આપે છે.
હર્ષ : 'હું આ ચેક નહીં આપવા દઉં..'
કાનજી : 'જેની પાસે ફિ ભરવાના પૈસા ન હોય પણ ટેલન્ટ હોય એવા બાળકો માટે સ્કૂલ બનાવવા હું આ રૂપિયા આપું છું.'
હર્ષ : 'મને ખબર છે... આ પરસેવાની કમાઈ છે'
કાનજી : 'પરસેવાનો અર્થ છે પરની સેવા... એટલે કે બીજાની સેવા..'
હર્ષ : 'એટલે જ ના પાડું છું... એક કરોડથી શું થાય... જે ખર્ચો થતો જશે તે બધો આપીશું.'
કાનજી : યે હુઈ ના મેરે બેટે વાલી બાત... ગોપી એ સ્કૂલમાં ડાયરેક્ટર હશે'
રાધા : 'ના, હું વિરોધ નોંધવું છું '
કાનજી : 'હજુ વિરોધ...!'
રાધા : 'ગોપી ડાયરેક્ટર નહીં, દીકરી છે... અમારી દીકરી. અને સ્કૂલનું નામ કાનજીના નામ પરથી રાખજો.'
કાનજી : 'હુતુતુતુ પૂરું થયું હવે હું અને તું... સ્કૂલમાં આપણા બંનેનું નામ હશે. પછી 'હું તો પ્રેમની પાઠશાળા શરુ કરવાનો છું, એમાં સ્નેહનો સૂર્ય તપતો હોય અને પ્રેમનો પડછાયો પડતો હોય...
રાધા : 'તો એમાં પહેલું એડમિશન મારું...'
(સમાપ્ત)