કિડનીની સંભાળ કઈ રીતે રાખશો ?
ઉપચાર-મંજૂષા-વિસ્મય ઠાકર
કિડનીની કાર્યક્ષમતા હૃદયના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. હૃદય સારી રીતે કામ કરે તો જ કિડનીને જરૂરી માત્રામાં લોહી મળે. વ્યાયામથી હૃદયના સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે
પે ટના પોલાણમાં છેલ્લી પાંસળીની સમતલે કરોડની ડાબી અને જમણી બાજુએ એક-એક કિડની (મૂત્રપિંડ) સુરક્ષિત રીતે ગોઠવાયેલી છે. આશરે સવાસોથી દોઢસો ગ્રામ વજન ધરાવતી કિડનીનો આકાર ચોળાના દાણા જેવો, રંગ લાલાશ પડતો કથ્થઈ અને કદ માણસની મૂઠી જેટલું. આ વાત થઈ રૂપ-રંગની પણ આશ્ચર્યકારક તો એની કાર્યક્ષમતા છે. જગતની કોઈપણ ફિલ્ટરીંગ સિસ્ટમ (શુધ્ધિકરણની કાર્યપ્રણાલી) કરતા એની કાર્યપદ્ધતિ શ્રેષ્ઠ છે. એ એટલા માટે કે કિડનીમાં લાખોની સંખ્યામાં રહેલા નેફ્રોન નામના સૂક્ષ્મ ફિલ્ટરીંગ યુનિટ દર ચારથી પાંચ મિનિટમાં આખા શરીરમાં રહેલા રક્તના જથ્થાને શુદ્ધ કરી નાખે છે. આખા દિવસમાં કુલ સાડા ત્રણસો વખત આમ થાય છે. એટલું જ નહિ પણ સોડિયમ અને પોટેશિયમ જેવા મહત્વના ઈલેકટ્રોલાઈટસના નિયમન માટે કિડની સતત કાર્યશીલ રહે છે. હવે જો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે તો સોજા અને પોટેશિયમનું પ્રમાણ વધે તો હૃદયનું કાર્ય બંધ થઈ જવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે. આ ઉપરાંત પાણીના જથ્થાનું નિયમન, એસીડ-બેઝની સમતુલા જાળવવી, શરીરમાં ઉત્પન્ન થતા વિષયતત્વોના નિકાલની વ્યવસ્થા અને બેકટેરિયા તથા વાયરસથી થતા ચેપ સામે રક્ષણ જેવા મહત્વના કામો પણ કિડનીના ફાળે જાય છે. એની કાર્યપ્રણાલી એટલી તો ચોકસાઈભરી છે કે શરીરને જરૂરી એવા વિટામીન, પ્રોટીન, એમીનો-એસીડ અને ગ્લુકોઝ જેવા શરીરોપયોગી તત્વોનો એ કદી વ્યય થવા દેતી નથી. શરીરનું એકધારાપણું જાળવી રાખતી આ કિડની અતિઉપયોગી અને અગત્યનું અવયવ છે. જો કિડનીની સંભાળ કરવામાં ન આવે, અથવા તો કોઈપણ કારણસર કિડનીની કાર્યપ્રણાલીમાં સમસ્યા ઊભી થાય તો થતા રોગોની લાંબી યાદી છે. જેમ કે, કિડનીનો ચેપ, પથરી, સિસ્ટ, ગ્લોમેરુલોનેફ્રાઈટીસ, રીનલ ફેલીઅર, મૂત્રપિંડનું કેન્સર (રીનલ સેલ કાર્સીનોમા), હાયડ્રોનેફ્રોસીસ, યુરેમિયા, ક્ષય (TUBERCULOSIS), અસ્થિમૃદુતા (OSTEOMALACIA), હાયબ્લડપ્રેશર, હૃદયની વિફળતા વગેરે.
આટલું જોતા સમજાશે કે કિડનીની સંભાળ રાખવી કેટલી આવશ્યક છે ? PREVENTION IS BETTER THAN CURE - એ સિદ્ધાંત અનુસાર ખાનપાનની સમજણ કેળવી, કિડનીનું જતન કરીએ. એ માટે જરૂરી નિયમો આ પ્રમાણે છે.
(૧) ખોરાકમાં નમક (મીઠુ)ના પ્રમાણને નિયંત્રીત કરવું જરૂરી છે. વધુ પડતું નમક ખાનાર વ્યક્તિના
શરીરમાં પાણીનો સંગ્રહ થઈ સોજા દેખાતા હોય છે. જેથી કરીને લાંબે ગાળે કિડની અને હૃદય પરનો બોજો વધી, તેમની કાર્યક્ષમતા ખોરવાઈ જાય છે.
(૨) કિડનીની કાર્યક્ષમતા હૃદયના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. હૃદય સારી રીતે કામ કરે તો જ કિડનીને જરૂરી માત્રામાં લોહી મળે. આમ જીવનશૈલીમાં હળવો વ્યાયામ અપનાવી હૃદયના સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે.
(૩) પેશાબ જવાના કુદરતી આવેગને કદી રોકવો નહિ. એમ કરવાથી રક્તમાં વિષતત્વોનું પ્રમાણ વધશે.
(૪) નીચે જણાવેલી વસ્તુઓને આહારમાં ક્યારેય સ્થાન ન આપશો. કૃત્રિમ સુગંધ, રંગ કે સ્વાદવાળા પદાર્થો, ચા, કૉફી, આલ્કોહોલ, કેમીકલ યુક્ત ફર્ટિલાઈઝરના ઉપયોગથી ઉગાડેલા શાકભાજી, સારી રીતે રાંધેલા ન હોય તેવા કઠોળ વગેરે.
(૫) દુઃખાવા માટે વપરાતી દવાઓ, ટેટ્રાસાયક્લીન, સ્ટ્રેપ્ટોમાયસીન, ઈરીથ્રોમાયસીનનો વારંવાર વધુ પડતો ઉપયોગ, પારદ, સીસુ, જસત જેવી ધાતુઓ જેમાં વપરાતી હોય એવી ભસ્મીકરણ કરેલી આયુર્વેદિક ઔષધીઓ, કેલ્શીયમનો વધુ પડતો ઉપયોગ ક્યારેક કિડની બગડવાના કારણોમાના એક બનતા હોય છે. માટે આવી ઔષધીઓ યોગ્ય ચિકિત્સકની સલાહ અનુસાર લેવી. કાર્બન ટેટ્રાક્લોરાઈડ જેવું રસાયણ જંતુનાશક દવાઓમાં રહેલું છે. એના ઉપયોગથી પણ કિડનીને હાનિ થઈ શકે છે.
(૬) મેદસ્વિતા, હાયબ્લડપ્રેશર, ડાયાબીટીસ, હૃદયને લગતા રોગો, અકસ્માત, જ્યારે શરીરનો મોટાભાગનો હિસ્સો દાઝી જાય ત્યારે કિડનીની વિશેષ સંભાળ સારૂ ચિકિત્સની સલાહ લેવી આવશ્યક છે.
(૭) શરીરને થતા ચેપી રોગ (INFECTIONS DISEASE) વખતે કિડનીને પણ ચેપ લાગવાની શક્યતા રહેલી હોય છે. એટલે વધુ ભીડવાળી જગ્યાએ જવું ટાળવું. ખાન-પાનની સ્વચ્છતા નિગમ અચૂક પાળવા. ઉપવાસ-એકટાણા ન કરતા પર્યાપ્ત પૌષ્ટિક ખોરાક લઈ, શરીરની રોગ પ્રતિકારક શક્તિ જાળવવી.
(૮) કિડનીના સ્વાસ્થ્યને ત્વચા સાથે સીધો સંબંધ છે. જે ત્વચા થકી પરસેવો વળે તો કિડની પર આવતા પાણીના નિકાલનો બોજો ઘટે. સ્નાન પૂર્વે આખા શરીરે તલના તેલની માલિશ અને હળળો વ્યાયામ જેવા ઉપાયો પરસેવો લાવવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. આ સાથે એર-કંડિશનરનો વધુ પડતો ઉપયોગ ટાળવો.
(૯) ઓછું પાણી પીનાર વ્યક્તિના શરીરમાં વિષતત્વોનો વધુ પડતો સંચય થાય અને કિડનીને ચેપ લાગવાની શક્યતા રહે. આથી દિવસ દરમ્યાન પૂરતું ૃપાણી પીવું.