ચશ્માં બનાવવાની શરૂઆત 17મી સદીમાં હોલેન્ડ ખાતે થઈ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ચશ્માં બનાવવાની શરૂઆત 17મી સદીમાં હોલેન્ડ ખાતે થઈ 1 - image


- રોમન સમ્રાટ નીરો ટૂંકી નજરનો હતો. જ્યારે તે કોઈ સાથે વાતચીત કરતો ત્યારે સામાનો ચહેરો સ્પષ્ટ જોવા સ્ફટિક આંખ આગળ ધરી નજર ફેરવતો 

- 18મી સદીમાં ફ્રાન્સમાં મજાક ખાતર વિવિધ આકારનાં ચશ્માં બનાવવાની શરૂઆત થઈ. જે નબીરાઓમાં લોકપ્રિય બન્યાં.

- આપણા દેશમાં 20મી સદીની શરૂઆતમાં ચશ્માનો ઉપયોગ વધ્યો, પણ ત્યારે કાચ મોટા હતા, તેથી નાક પર વજન વધુ લાગતું 

આં ખો આગળ રહેતાં ચશ્માં એ આપણી રહેણીકરણીનો એક ભાગ બની ગયાં છે. ઘણા લોકોનાં ચશ્માં ક્યાંક મૂકાઈ ગયા હોય તો એ શોધવાનું ચશ્મા વિના મુશ્કેલ થઈ જાય છે. અને ઘણા તો આંખો ઉપર ચશ્માં ચઢાવેલાં હોય તોય ચશ્માં શોધવા લાગી જાય છે.

પણ આ ચશ્માં ક્યાંથી અને કેવી રીતે આવ્યાં, તે ઘણા જાણતા નહીં હોય, પ્રાગૈતિહાસિક કાળમાં ચશ્માં હતાં જ નહીં, એ સમયે પર્યાવરણ અને લોકજીવન એટલું સરસ હતું કે, બહું ઓછા લોકોને આંખે ઝાંખપ આવતી પણ પછી જીવન-રહેણી-કરણી, પર્યાવરણ બદલાતું ગયું, એમ ચશ્માં જેવી કોઈ વસ્તુની જરૂર ઉદ્ભવી, એ સમય લગભગ મધ્યયુગનો હતો, એ સમયે લખનારા, ચિત્ર દોરનારા કે અન્ય ઝીણું કામ કરનારા લોકોને ઝાંખપનો અનુભવ થતાં વિજ્ઞાાનનો સહારો લઈ બહિર્ગોળ કાચ હાથમાં રાખી વાંચન વિગેરે કરતા, પણ પછી દૂરનું જોવા મળે એ જ કાચમાં જરૂરી ફેરફાર કરી આંખો આગળ બાંધવાનું શરૂ થયું. ત્યારબાદ નાક અને કાનની મદદ લઈ એ કાચ આંખો આગળ રાખી શકાય, એવી વ્યવસ્થા કરાઈ.

જોકે ઈતિહાસ કહે છે તેમ રોમન સમ્રાટ નીરો ટૂંકી નજરનો હતો. તે પોતાની પાસે એક મોટો સ્ફટીક (મણિ) રાખતો હતો. જ્યારે તે કોઈ સાથે વાતચીત કરતો ત્યારે સામાનો ચહેરો સ્પષ્ટ જોવા એ સ્ફટિક આંખ આગળ ધરી નજર ફેરવતો જેથી તેને સ્પષ્ટ જણાતું. એમ એને લાગતું.

જોકે ચશ્માંના કાચ બનાવવાનું ક્યારથી શરૂ થયું, એ કહેવું મુશ્કેલ છે. પણ ઈસ્વીસન તેરમી સદીમાં વેનિસમાં ચશ્માના કાચનો ઉદ્ભવ થયાનું ગણાય છે, એ સમયે વેનિસમાં કાચનાં આભૂષણો, વિવિધ અરિસા અને અન્ય વસ્તુઓ બનતી ત્યારે ચશ્માનો કાચ બનાવવાનું શરૂ થયું. ત્યારબાદ ત્રણ સૈકા સુધી ચશ્મા કલાઈ કે તાંબાની પટ્ટીથી મઢેલાં અથવા તો હાથમાં પકડી શકાય, એવા ધાતુના હેન્ડલમાં કાચ નાખી ચશ્મા તરીકે ઉપયોગ કરાતો, પણ તે માટે હાથથી તેને સતત પકડી રાખવું પડતું.

જોકે બહું ઓછા લોકો ચશ્માનો ઉપયોગ ત્યારે કરતા પણ લગભગ ૧૭મી સદીમાં હોલેન્ડ ખાતે ચશ્માં બનાવવાનું શરૂ થયું. એ સદીના મહાન ફિલસૂફ સ્પિનોઝા હોલેન્ડના રહેવાસી હતા. તેઓ કાચને પોલીશ કરવાના નિષ્ણાંત હતા તેમણે કાચને વિવિધ રીતે ઘસી અલગ અલગ પ્રકારનાં ચશ્માં બનાવ્યાં.

જોકે ૧૮મી સદીમાં ચશ્માં એ સુંદર સ્વરૂપ ધારણ કર્યું, અને ત્યારે જરૂરિયાત વધતાં એ લોકપ્રિય પણ થયાં. વળી એ સમયથી ચશ્માંને એક આભૂષણ રૂપે પહેરવાં એવી પ્રથા ઉદ્ભવી. જેમાં સોના અને ચાંદીનો ઉપયોગ ફ્રેમ બનાવવામાં થવા લાગ્યો. જેથી તે એક રોયલ લોકોનું ઘરેણું બની રહ્યું.

અઢારમી સદીમાં ફ્રાન્સમાં મજાક ખાતર વિવિધ આકારનાં ચશ્માં બનાવવાની શરૂઆત થઈ. જે યુવા વર્ગના ખાનદાન નબીરાઓમાં લોકપ્રિય બન્યાં.

વળી જેઓને ચશ્માંની જરૂર ન હોય, તેવા પણ એ વિચિત્ર ઢબનાં ચશ્માં પહેરતા, જોકે ત્યારે રંગીન કાચનો ઉપયોગ કરી આપણે જેને 'ગોગલ્સ' કહીએ છીએ તેની શોધ થઈ એ સમય ગાળામાં સ્ત્રીઓ પણ એ રંગીન કાચનાં ચશ્માં પહેરતી થઈ, પણ ત્યારે એ એક ફેશનરૂપે પહેરાતાં.

એક આંખનાં ચશ્માં, તથા નાકની દાંડી પર વળગાડી શકાય તેવાં ફ્રેન્ચ ચશ્માં, જેને બેવડાં વાળી શકાય તેવાં ચશ્માં એ સદીના અંતભાગમાં વિવિધ પ્રયોગો કરી શોધાયાં. જોકે અગાઉ ચશ્માંના કાચની ફ્રેમને નાક પર ટેકવી તેને બાંધેલી દોરીઓ કાન પર વીંટવામાં આવતી હતી. જે અગવડભર્યું હતું, તેથી કાન પર પણ ધાતુની પટ્ટી આવે એવી વ્યવસ્થા વિચારાઈ.

આપણા દેશમાં વીસમી સદીની શરૂઆતમાં ચશ્માનો ઉપયોગ વધ્યો, પણ ત્યારે કાચ મોટા હતા, તેથી નાક પર વજન વધુ લાગતું તે ઓછું કરવાના પ્રયોગો થયા, અને પાતળા, નાના કાચમાં અમૂક પ્રકારની ઘસાઈ કરી જૂદી જૂદી દ્રષ્ટિ માટેનાં ચશ્માં શોધાયાં. તેની પટ્ટી ધાતુની જ ન રહેતાં, પ્રાણીઓના શિંગડાંમાંથી કે પ્લાસ્ટિકમાંથી બનાવવાની શરૂઆત થઈ. વળી ચશ્માંનાં કાચના આકારમાં પણ ગોળ ઉપરાંત લંબગોળ, ચોરસ, લંબચોરસ વિગેરે પ્રયોગો થયા. એ સમયે અમેરિકાની એક કંપનીએ ચશ્માંના કાચનો પેટન્ટ રજિસ્ટર કરાવ્યો, અને બજારમાં મૂક્યો.

જોકે ત્યારબાદ અન્ય દેશોમાં પણ ચશ્માંનો ઉદ્યોગ વિકસ્યો, અને વિવિધ પ્રકારનાં ચશ્માં મળવા લાગ્યાં. ગેલેલિઓના જમાનામાં ડઝનેકથી વધુ પ્રકારના કાચ નહતા, પણ હવે તો ૪૦૦૦થી વધુ પ્રકારનાં કાચ બજારમાં આવી ગયા છે, તે ઉપરાંત અનબ્રેકેબલ ગ્લાસ જે સારા ઊંચા પ્રકારનાં પ્લાસ્ટિકમાંથી બને છે, તે હવે વધુ વપરાશમાં આવ્યાં છે.

જોકે ચશ્માંનો ભાર ઘણા નથી સહી શકતા કે ઘણાને નથી ગમતાં અથવા સુંદરતામાં અવરોધરૂપ લાગે છે, તેમના માટે 'કોન્ટેક્ટ લેન્સ' પણ શોધાયાં, અને આંખમાં અડોઅડ ચીપકાવી દેવાતા આ કાચ મોંઘા છતાં લોકપ્રિય બન્યાં.

હવે તો પર્યાવરણ ડહોળાઈ જતાં, તથા પોષક તત્ત્વોના અભાવથી આંખોના નંબર આવવા સામાન્ય થઈ ગયું છે, બાળકોને પણ ચશ્માંની જરૂર પડે છે, વળી આ મોબાઈલ, લેપટોપ વિગેરે નવી ટેકનોલોજીએ ચશ્માંની જરૂરીયાત વધારી દીધી છે. એમ કહી શકાય તેમ છે. ત્યારે ચશ્માં શોખ નહીં, આવશ્યક જરૂરીયાત બની ગયાં છે. કદાચ આ લેખ વાંચવા પણ તમારે ચશ્માંનો સહારો લેવો જ પડયો હશે. તો આ છે, ચશ્માંની ચકળવકળ વાતો.

- દુર્ગેશ ઉપાધ્યાય

Ravi-Purti

Google NewsGoogle News