યુરોપાઃ ભર્યા નાળિયેરના બર્ફીલા કાચલા નીચે સૂનકાર છે કે જીવનનો ધબકાર?
- એક નજર આ તરફ : હર્ષલ પુષ્કર્ણા
- 'આપ અંદર સે કુછ ઔર, બાહર સે કુછ ઔર નઝર આતે હૈ!' આ પંક્તિ ગુરુના ઉપગ્રહ યુરોપા માટે બંધબેસતી કેમ છે?
- યુરોપાની બર્ફીલી સપાટી નીચે સમુદ્ર હોવાનું નાસાએ શોધી કાઢયું છે. હવે વારો તે સમુદ્રમાં સંભવિત જીવસૃષ્ટિ શોધવાનો છે, જેનું મુહૂર્ત નજીકના જ ભવિષ્યનું છે.
- યુરોપના ગર્ભની ગરમી જો ભૂગર્ભ ભંગાણ મારફત દરિયામાં ટ્રાન્સફર થતી હોય તો ત્યાં જીવનનો સંચાર થયો કે નહિ તે જાણવા ભવિષ્યમાં એકાદ યાન મોકલવું રહ્યું
આપણી દિવ્ય વસુંધરાના જલ, થલ અને આકાશ એમ ત્રણેય 'લોક'માં જીવનનો સંચાર છે. સમુદ્રના ઊંડા પેટાળમાં જ્યાં પ્રકાશનું કિરણ સુદ્ધાં ન પહોંચી શકે ત્યાં પણ વિશિષ્ટ શારીરિક રચનાવાળાં જળચરો રહે છે. દરિયાની બહાર ડોકાતી નક્કર ભૂમિ તો અગણિત સ્પીસિસનાં સજીવોથી ધબકે છે, જ્યારે આકાશને પંખીડાં, કીટકો તથા સૂક્ષ્મ જીવાણુએ ચેતનવંતું રાખ્યું છે. ટૂંકમાં, પાતાળથી લઈને આકાશના લગભગ ૨૧ કિલોમીટર ઊંચા કલ્પિત ચબુતરાની જુદી જુદી ગોખમાં વિવિધ સજીવો વસે છે.
એકવીસ કિલોમીટર! અનંત અંતરિક્ષના સંદર્ભે કેવો ક્ષુલ્લક આંકડો છે! બ્રહ્માંડનું 'બાંધકામ' કરનાર કથિત સર્જનહાર કરોડો અવકાશી પિંડ રચે અને તે બધામાં ફક્તને ફક્ત પૃથ્વી નામના પિંડ પર ફક્તને ફક્ત એકવીસ કિલોમીટર જાડા પટ્ટામાં પ્રાણ ફૂંકે એ જરા અજુગતું નથી લાગતું?
સવાલ વિજ્ઞાાનનો નહિ, પણ સિમ્પલ લોજિકનો છે. આથી જ તો વિજ્ઞાાનને પાંખો ફૂટી એ પહેલાં ઈ.સ. પૂર્વે ૪૦૦માં (આજથી લગભગ ૨,૪૦૦ વર્ષ અગાઉ) પ્રાચીન ગ્રીસના ફિલસૂફ મેટ્રોડોરસે કહેલું કે, 'અવકાશમાં એકલી પૃથ્વી પર જીવન હોવાનું માની લેવું તે ઘઉંના વિશાળ ખેતરમાં કરોડો પૈકી માત્ર એક છોડ પર ઘઉંનો એક જ દાણો ફૂટે એમ કહેવા બરાબર છે'.
ઘણા બુદ્ધિગમ્ય લોજિક તારીખિયાના કે સમયના મોહતાજ હોતા નથી. મેટ્રોડોરસે ૨,૪૦૦ વર્ષ પહેલાં ઉઠાવેલો લોજિકલ મુદ્દો તે પ્રકારનો છે, માટે હજી શાશ્વત છે. 'શું અખિલ બ્રહ્માંડમાં આપણે પૃથ્વીવાસી એકલા છીએ?/ છિી ુી ચર્નહી?દ એ સવાલ જાણે અમરપટ્ટો બાંધીને આવ્યો હોય તેમ છેલ્લાં પચાસેક વર્ષ થયે એવરગ્રીન છે. ખગોળવિદ્દોને તેણે અવકાશી ફલક ફંફોસતા કરી દીધા છે. ચંદ્ર અને મંગળ જેવાં નિકટતમ પડોશીનાં દ્વાર તો તેમણે વખતોવખત ખટખટાવીને 'કોઈ હૈ?'નો સાદ દીધો છે. પરંતુ હજી પ્રત્યુત્તર મળ્યો નથી. ક્યારે મળે તેનો કશો ધડો ન? હોવા છતાં પ્રયાસો પડતા મુકાયા નથી.
ચંદ્ર પર પાણી અને મંગળ પર જીવન મળે ત્યારની વાત ત્યારે, પણ દરમ્યાન એક નવાજૂની અહીં તાજા કલમ તરીકે જાણી લો. સમાચાર સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૨ના છે અને ગેસ જાયન્ટ ગુરુના ઉપગ્રહ યુરોપાથી આવ્યા છે. ન્યૂઝના પ્રસારણકર્તાનું નામ છે 'વેર્હ/ જુનો'અવકાશયાન કે જેને અમેરિકી ખગોળીય સંસ્થા નાસાએ ઓગસ્ટ પ, ૨૦૧૧ના રોજ પૃથ્વી પરથી ગુરુના સરનામે રવાના કરેલું. ગેસ જાયન્ટર ગુરુ અને તેના ચાર મુખ્ય ચંદ્રોના (નામઃ આઇઓ, ગેનિમિડ, કેલિસ્તો અને યુરોપા) વૈજ્ઞાાનિક અભ્યાસ કરવા ગયેલું 'જુનો' ૨૯મી સપ્ટેમ્બરે યુરોપાની સપાટીથી માત્ર ૪૦૦ કિલોમીટર ઊંચેથી પસાર થયું. યાનના પાવરફુલ કેમેરાએ ત્યારે યુરોપાની બર્ફીલી સપાટીની જે ક્લોઝ-અપ તસવીરો નાસાને મોકલી તે અભૂતપૂર્વ હતી. કારણ કે તેમાં દેખાય છે તેવો યુરોપાનો સ્પષ્ટ ચહેરો અગાઉ ક્યારેય જોઈ શકાયો નથી.
ઈ.સ. ૧૬૧૦માં ઇટાલીના ગેલિલિયો ગેલિલિએ સ્વહસ્તે બનાવેલા દૂરબીન વડે ગુરુ અને તેના ચાર ચંદ્રો શોધી કાઢયા હતા. આ શોધ થયાના સાડા ત્રણસો વર્ષ સુધી તે પાંચેય દૂરવર્તી અવકાશી પિંડોના બંધારણ વિશે ખગોળજગત અજ્ઞાાનના અંધકારમાં રહ્યું. આખરે જ્ઞાાનનો પ્રકાશ ફેલાવ્યો નાસાના 'પાયોનિયર' તથા 'વોયેજર' અવકાશયાનોએ કે જેમણે ૧૯૭૦ના દસકામાં ગુરુની મુલાકાત લીધી. બન્ને યાનોના કેમેરાએ તથા વીજાણું સેન્સરોએ ગુરુ ઉપરાંત ચારેય ચંદ્રોની ભૂસ્તરીય કુંડળી કાઢી આપી, એટલે તેના આધારે નાસાના પંડિતોએ અહીં બેઠા બેઠા દરેકનો બાયો-ડેટા મેળવી લીધો. પાંચેયમાં સૌથી રસપ્રદ પિંડ યુરોપા હતો, કેમ કે તેની બર્ફીલી સપાટી નીચે ખારા પાણીનો સમુદ્ર વલોવાતો હોવાનું 'વોયેજર'નાં વીજાણંે યંત્રોએ શોધી કાઢયું હતું. સૂર્યમાળાના પૃથ્વી ઉપરાંતના કોઈ પિંડ પર પાણી હોવું અને તેય વળી સમુદ્રના સ્વરૂપે હોવું તે ભારે રોમાંચની વાત હતી. કારણ કે યુરોપા પર પાણી હોય તો કદાચ તેમાં જીવસૃષ્ટિ ખીલી હોય તે બનવાજોગ ખરું. આખરે તો જળ એ જ જીવન!
રોજિંદા વ્યવહારમાં વપરાતી જળ = જીવન ઉક્તિ વિજ્ઞાાનના દ્રષ્ટિકોણે જરા સમજવા જેવી છે. જીવસૃષ્ટિના જન્મ માટે પાણી સૌથી અનિંવાર્ય ઘટક છે. પૃથ્વી પર મનુષ્યો, મનુષ્યેતર જીવો તથા વનસ્પતિનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એટલા માટે થઈ કે તેમના કોષમાં આશરે ૮૦ ટકા પાણી છે. અર્થાત્ કોષ ઘણે અંશે પ્રવાહી સ્વરૂપે છે. પ્રોટીનથી માંડીને હોજરીના પાચકરસો સુધીનાં જૈવિક રસાયણો પ્રવાહી સ્વરૂપ વગર સંભવ નથી. રખે તેમનું સ્વરૂપ પ્રવાહી ન હોય તો જૈવિક ક્રિયા ચલાવવા માટે તે શરીરના અમુક યા તમુક હિસ્સે પહોંચે નહિ.
બીજો મુદ્દોઃ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવાં રસાયણોથી બનેલા ઇલેક્ટ્રોલાઇટ નામના પ્રવાહી વિના જ્ઞાાનતંત્ર માટે વિદ્યુત સિગ્નલોનું સર્જન થવું શક્ય નથી. આવાં સિગ્નલો વિચારોથી માંડીને હાથ-પગ હલાવવા સુધીના કાર્યોમાં ચાવીરૂપ બનતાં હોય છે.
ત્રીજી અને સૌથી અગત્યની વાતઃ કોષ જો 'પાણીદાર'ને બદલે તદ્દન શુષ્ક, ઘન સ્વરૂપે હોય તો તેનું વિભાજન જ ન થાય. વિભાજન નહિ, તો નવા કોષનું સર્જન નહિ' અને નવા કોષ ન બને તો જૈવિક વિકાસ અટકી પડે.
આ છે જળ = જીવન સૂત્રનો વૈજ્ઞાાનિક મર્મ ! આ ઉક્તિ માત્ર પૃથ્વીને જ નહિ, બ્રહ્માંડના દરેક ગ્રહ-ઉપગ્રહને પણ લાગુ પડે છે. આથી અવકાશી પિંડ પર જીવસૃષ્ટિનો અંકુર ત્યારે જ ફૂટે કે જ્યારે ત્યાં પાણી હોય. સૂર્યમાળાની બહાર સંશોધકોને સંખ્યાબંધ ગ્રહો મળી આવ્યા છે, પરંતુ બહુધા ગ્રહો પૃથ્વી જેવા પાણીદાર નથી. બલકે, સૂકાયેલા ટોપરા જેવા છે. બીજી તરફ, ગુરુનો ચંદ્ર યુરોપા એવું નાળિયેર છે જેના બર્ફીલા કાચલાની ભીતરમાં ખારું પાણી છે.
યુરોપા વિશે અત્યાર સુધી જેટલું જાણી શકાયું તે મુજબ તેનો આંતરિક ગર્ભ મુખ્યત્વે લોખંડ અને નિકલનો બનેલો છે, જેની ઉપર માટી વત્તા ખડકોનો અનેક કિલોમીટર જાડો ઓળીપો છે. આ થરની ઉપર મહત્તમ ૧૬૦ કિલોમીટર ઊંડો સમુદ્ર હોવાનું 'વોયેજર' યાનનાં સેન્સર યંત્રોએ શોધી કાઢયું હતું. અંતરિક્ષમાં યુરોપાનો ગોળો સૂર્ર્યથી ૭૮ કરોડ ?કિલોમીટર દૂર ગોઠવાયો છે, એટલે તેની સપાટી પર સૌરકિરણોનો ખાસ પ્રભાવ નથી. આને કારણે યુરોપાની સપાટીનું સરેરાશ તાપમાન શૂન્ય નીચે ૧૬૦ અંશ સેલ્શિયસ રહે છે. આવા આઇસ કોલ્ડ શીતાગારમાં યુરોપાની સમુદ્ર સપાટીનો મોટો હિસ્સો ઘટ્ટ બરફમાં ફેરવાઈ ચૂક્યો છે. આપણા ઉત્તર ધુ્રવ પ્રદેશમાં હિમનો પોપડો આર્કટિક સમુદ્ર પર (દૂધ પર તરતી મલાઈની માફક) સતત તર્યા કરે છે. યુરોપાનું પણ એવું જ છે. ફરક એટલો કે ત્યાં બરફનો જાડો થર આખા ગોળાને ઘેરી વળ્યો છે. આથી યુરોપાની સફેદ, બર્ફીલી સપાટી મકરાણા આરસની ચકચકતી ફરસની જેમ ઝગારા મારે છે.
ભૂતકાળમાં 'વોયેજરે' તથા તાજેતરમાં 'જુનો' યાને જણાવ્યું તેમ યુરોપાની સપાટી આરસ જેવી ચમકતી ખરી, પણ લીસ્સી નથી. બલકે, તે અનેક જગ્યાએ લાંબા-પહોળા સાંધા ધરાવે છે. ભૂગર્ભ સમુદ્રનું પાણી સપાટીનો નક્કર બરફ ભેદીને બહાર આવ્યા પછી માઇનસ ૧૬૦ અંશ સેલ્શિઅસના તાપમાન હેઠળ બરફમાં ફેરવાતાં એવા સાંધા રચાયા છે.
ઉપરનો ફકરો જો બરાબર સમજીને વાંચ્યો હોય તો એક સવાલ મનમાં અચૂક થવો રહ્યો કે, બરફના તોતિંગ પોપડાને તોડી દે એટલી તાકાત સમુદ્રના પાણીમાં આવી ક્યાંથી?
જવાબ માટે યુરોપાના સમુદ્રમાં ઊંડે ઊતરવું પડે તેમ છે. (આમેય જ્ઞાાનનું મોતી ઊંડાણમાં જ મળી આવતું હોય છે.) યુરોપાનો ગોળો વિરાટ કદના ગુરુ અને ગેનિમિડ ઉપગ્રહની વચ્ચે ગોઠવાયો છે. એક તરફ તેને ગુરુનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ વરતાય છે, તો બીજી બાજુ ગેનિમિડનું! રસ્સીખેંચની રમત જેવા તે પરસ્પર વિરુદ્ધ ખેંચતાણને કારણે યુરોપાનો આંતરિક હિસ્સો ક્યારેય સ્થાયી રહેતો નથી. સતત હાલકડોલક થયા કરે છે, જેના નતીજારૂપે ભૂગર્ભ સમુદ્ર સખત રીતે વલોવાતાં તેમાં સેંકડો મીટર ઊંચી ભરતી ચડે છે. મોજાંનું દબાણ એટલું પ્રચંડ હોય કે ઉપર તરતા બર્ફીલા પોપડાને તોડી નાખે. સપાટી પર એકાદ ઠેકાણે ભંગાણ પડતાવેંત તેના મારફત પાણીનો પ્રવાહ ફુવારાની માફક બહાર નીકળી આવે. (જુઓ, રેખાંકન). બર્ફીલી ચાદર ભેદીને બહાર નીકળેલું પાણી જોતજોતામાં સોલિડ બરફમાં ફેરવાઈ જાય છે.
હવે ચર્ચાનું ફોકસ વળી પાછું યુરોપાના સમુદ્રની સંભવિત જીવસૃષ્ટિ પર લાવીએ. ગુરુ અને ગેનિમિડના ગુરુત્વાકર્ષણ ગજગ્રાહથી યુરોપાનો આંતરિક ગર્ભ ભઠ્ઠીની જેમ ધગધગે છે. કેંદ્રની ફાટ ફાટ થતી ગરમી ભૂસ્તરીય ભંગાણો મારફત દરિયાના પાણીમાં ટ્રાન્સફર થતી હોય તેવું વિજ્ઞાાનીઓ માને છે. આ માન્યતા અદ્ધરતાલ નથી; તેને ઠોસ આધાર છે. પૃથ્વીના ઊંડા સમુદ્રોના તળિયે ઠેકઠેકાણે ભૂસ્તરીય ભંગાણો પડયા છે. પૃથ્વીના ગર્ભમાં ખદબદતો લાવા તે ભંગાણ મારફત સમુદ્રમાં ભળે છે અને આસપાસના જળને હૂંફાળું બનાવે છે. માફકસરના ગરમાવાને લીધે એટલા વિસ્તારમાં બેક્ટીરિઆ, એકકોષી શેવાળ, વિવિધ જીવાણુઓ, બહુકોષી તંતુજીવો, વાદળી, કનિ ઝિંઘા અને કવચવાળા જીવોની સજીવસૃષ્ટિ ખીલી છે. યુરોપાના સાગરપેટાળમાં પણ એ જ રીતે પ્રાથમિક જીવજગત પાંગર્યું હશે? આનો જવાબ તો એકાદ અવકાશયાન યુરોપાના બર્ફીલા કાચલાની ભીતરમાં ડોકિયું કરે ત્યારે જ મળી શકે.
અલબત્ત, ગૂડ ન્યૂઝ! આજથી બરાબર એક વર્ષ; અગિયાર મહિના પછી નાસાનું 'યુરોપા ક્લિપર' અવકાશયાન યુરોપાની યાત્રાએ નીકળવાનું છે. સાડા પાંચ વર્ષનો અવકાશી પ્રવાસ ખેડીને તે નિર્ધારિત મુકામે પહોંચશે અને ત્યાર બાદ ચારેક વર્ષ સુધી યુરોપાના ગોળા ફરતે ચક્કરો કાપશે. પ્રત્યેક પ્રદક્ષિણા દરમ્યાન તે પોતાના સંકીર્ણ ઉપકરણો વડે યુરાપાનો ભૂગર્ભ દરિયો 'ફંફોસવાનું' છે. ખાસ તો ઊંડા સમુદ્રી જળનું તાપમાન માપવાનું છે, જે જીવસૃષ્ટિ ખીલવા યોગ્ય જણાય તો સમજવું કે 'શું અખિલ બ્રહ્માંડમાં આપણે પૃથ્વીવાસી એકલા છીએ?/ છિી ુી ચર્નહી?દ એ સવાલનો અમરપટ્ટો કદાચ ભવિષ્યમાં નીકળી જાય. ભવિષ્ય પાછું બહુ દૂરનુંય નથી. કારણ કે 'યુરોપા ક્લિપર' પછી નાસા 'યુરોપા લેન્ડર' નામનું વધુ એક યાન મોકલવાનું છે. યુરોપાની ભૂમિ પર ઉત્તરાણ કરનાર તે યાનનું કામ બર્ફીલા દરવાજે 'અંદર કોઈ હૈ?'ની દસ્તક દેવાનું છે. સાદ ઝીલાયો તો ઠીક, નહિતર બ્રહ્માંડમાં કોઈ બીજો દરવાજો શોધવા નીકળો!?