Dual Citizenship .
- જે મુદ્દે રાહુલ ગાંધી કાનૂની કાર્યવાહીઓનો સામનો કરી રહ્યા છે
- ભારત ઉપરાંત, બીજા કયા-કયા દેશોને તે માન્ય નથી?
- ભારતીય સંવિધાનમાં આર્ટીકલ ૯ દ્વારા તેમજ Citizenship Act-1955ની કલમ ૯ દ્વારા દોહરી નાગરિકતા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે એટલે, જે વ્યક્તિ ભારતનો નાગરિક છે તે માત્ર ભારતના જ નાગરિક બની રહેવાને (કાયદા દ્વારા) બંધાયેલ છે !
સામાન્ય રીતે, કોઈ પણ માણસ જે દેશમાં જન્મે તે દેશનું નાગરિકત્વ તેને જન્મજાત પ્રાપ્ત થઇ જતું હોય છે...જગતના દરેક દેશની આમાં સંમતિ છે. પણ, અમુક વાર વ્યક્તિને જન્મજાત નાગરિકતા જે દેશની મળી હોય છે તે દેશ ઉપરાંત પણ બીજા દેશની નાગરિકતા અમુક શરતો/વ્યવસ્થાઓને અધીન મળી શકતી હોય છે. દુનિયાના અમુક દેશો બીજા દેશના નાગરિક હોવા છતાં સાથે-સાથે પોતાની નાગરિકતા પણ આપે છે જયારે જગતમાં એવા દેશો પણ છે જે બીજા કોઈ પણ દેશના નાગરિક નહિ હોવાની શરતે જ પોતાની નાગરિકતા આપે છે.
એકી સાથે બબ્બે દેશોની નાગરિકતા વ્યક્તિ ધરાવતો હોય તેને દોહરી નાગરિકતા (Dual Citizenship) તરીકે ઓળખવામાં આવે છે. આપણો ભારત દેશ દોહરી નાગરિકતાને માન્યતા આપતો નથી. એટલે કે, જે વ્યક્તિ ભારત દેશનો નાગરિક છે તે માત્ર ભારત દેશનો જ નાગરિક બની શકે છે-રહી શકે છે...ભારતનો નાગરિક ભારતની નાગરિકતા સાથે બીજા કોઈ પણ દેશની નાગરિકતા ધરાવી શકે નહિ. ભારતના સંવિધાનમાં આર્ટીકલ ૯ હેઠળ ભારત દેશના નાગરિકો માટે દોહરી નાગરિકતા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તદુપરાંત, ભારતમાં સિટીઝનશીપ એક્ટ-૧૯૫૫ની કલમ ૯ મુજબ પણ ભારત દેશનો નાગરિક બીજા કોઈ દેશની નાગરિકતા ધારણ કરી નહિ શકે તેવી કાયદાકીય જોગવાઈ છે. તદુપરાંત, આપણે ત્યાં સિટીઝનશીપ એક્ટ-૧૯૫૫માં અમુક ફેરફારો સાથે એમેન્ડમેન્ટ પણ ૨૦૧૯માં આવેલું છે જે ્The Citizenship (AMENDMENT) Act,2019 તરીકે ઓળખાય છે.
આલિયા ભટ્ટ,સની લિયોન,કેટરીના કેફ, જેકલીન ફર્નાન્ડીઝ, ઇમરાન ખાન, નરગીસ ફખરી, નોરા ફતેહી, કલ્કિ કોચ્લીન વગેરે અભિનેત્રીઓ ભલે આપણા દેશના રૂપેરી પડદે ચમકી રહી છે પણ તેઓ ભારતની નાગરિકતા નથી ધરાવી રહી ! અભિજિત બેનર્જી -પૂજા બત્રા- હરગોવિંદ ખુરાના- દીપ્તિ નવલ-અરુણ શેનોય જેવી અનેક હસ્તીઓએ ભારતીય નાગરિકતા છોડી દઈ બીજા દેશની નાગરિકતા ધારણ કરી લીધી છે.
જાણીતા અભિનેતા અક્ષય કુમારે એક સમયે ભારતીય નાગરિકતા છોડી દઈ કેનેડાની નાગરિકતા લઇ લીધી હતી પણ, એ કામ તેને ખોટું લાગ્યું એટલે અંદાજે ત્રીસેક વર્ષ બાદ તેણે કેનેડીયન નાગરિકતા છોડીને વળી પાછા ભારતીય નાગરિક બનીને રહેવાનું પસંદ કરી લીધું !
કોઈ પણ દેશની નાગરિકતા પ્રાપ્ત કરવાના સામાન્ય રીતે ચાર રસ્તા હોય છે ઃ
(૧) જે-તે દેશમાં જન્મીને...એટલે કે, તમે તો જન્મી ગયાં પણ, તમે તમારા કોઈ ભાવિ સંતાનને બીજા દેશની નાગરિકતા અપાવવા માંગતાં હોવો તો તમારે સંતાનનો જન્મ જે-તે દેશમાં કરાવવો પડે ! જે પણ વ્યક્તિનો જન્મ થઇ ચૂક્યો છે તે વ્યક્તિને જન્મ આધારે કોઈ પણ બીજા દેશની નાગરિકતા મળી શકે નહિ ! કેમ કે, તે વ્યક્તિ ફરી વાર આ જીવનમાં બીજો જન્મ લઇ શકશે નહિ.
(૨) જે-તે દેશમાં જીવનસાથી પસંદ કરીને... દુનિયાના લગભગ મોટા ભાગના દેશોમાં એક પ્રણાલિ છે કે કોઈ વ્યક્તિ જો બીજા દેશની વ્યક્તિને પોતાની જીવનસાથી બનાવે તો જીવનસાથીના દેશની નાગરિકતા મેળવવાને પાત્ર તે બની જાય છે !
(૩) પોતાનાં મા-બાપના દેશની નાગરિકતા... વ્યક્તિનાં મા-બાપ જે દેશનાં હોય તે દેશની નાગરિકતા તે પ્રાપ્ત કરી શકે છે ! એટલે કે, તમે ધારો કે ભારત દેશના નાગરિક છો પણ તમારા મા-બાપ પૈકી કોઈ જો અમેરિકાનું નાગરિક હોય તો તમે અમેરિકાના નાગરિક બની શકો છો.
(૪) જે-તે દેશની કાનૂની વ્યવસ્થા-પ્રણાલિને અનુસરીને...જગતના કેટલાક દેશોમાં નાગરિકતા વેચાતી પણ મળી રહે છે ! જે-તે દેશની અમુક કાનૂની વ્યવસ્થા પ્રણાલિ વગેરેને અનુસરીને વ્યક્તિ તે દેશની નાગરિકતા મેળવી શકે છે.
- રાહુલ ગાંધી ઉપર દોહરી નાગરિકતાનો આરોપ છે અને, તે આરોપ બદલ તેઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. જો, કોઈ વ્યક્તિ દોહરી નાગરિકતા ધરાવે છે તેવું પુરવાર થાય તો તરત જ સરકારને તેની નાગરિકતા રદ કરવાનો અધિકાર છે...! સરકારે આ માટે કોઈના હુકમ-આદેશની જરૂરત નથી હોતી ! પણ, સરકારે હજુ સુધી રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરી નથી એટલે દેખીતી રીતે રાહુલ ગાંધી દોહરી નાગરિકતા નહિ ધરાવતા હોવાનું માની શકાય ! હકીકત એવી છે કે, યુનાઈટેડ કિંગડમની બેકોપ્સ લિમિટેડ કંપનીના એન્યુઅલ રિટર્નમાં રાહુલ ગાંધીએ પોતે બ્રિટીશર નાગરિકતા ધરાવતા હોવા સંબંધી કોઈ પુરાવો (૨૦૦૫-૦૬નો) ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી પાસે આવી ગયો અને તે આધાર ઉપર કાનૂની કાર્યવાહી એમણે શરુ કરી !
જો,કે રાહુલ ગાંધી દોહરી નાગરિકતા ધરાવે છે કે નહિ તેની તપાસ ભારત સરકારે કરવાની રહે છે ! ભારત સરકારે બ્રિટીશ સરકારને આ માટે પુછાવવું પડે અને, તે બ્રિટીશ સરકાર રાહુલ ગાંધી પાસે બ્રિટીશ નાગરિકતા પણ હોવાની વાત જણાવે ત્યારે આપણી ભારત સરકાર રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરી શકે ! પરંતુ, જો અભિનેતા અક્ષય કુમાર જેવો માણસ પણ કેનેડાની નાગરિકતા મેળવીને પછી તે રદ કરાવી પાછો ભારતીય નાગરિક બની જઈ શકતો હોય તો એ જ રસ્તે રાહુલ ગાંધી પણ ચાલી જઈ શકે અને બ્રિટીશ નાગરિકતા છોડી દઈ ભારતીય નાગરિકતા પરત મેળવી લેવાનું કામ તેમને માટે અઘરું નથી !
પણ, મુદ્દાનો સવાલ અહિ એ બની રહે છે કે રાહુલ ગાંધી પાસે સાચે જ દોહરી નાગરિકતા હશે ? તેઓ એક રાજઘરાનામાંથી આવે છે ત્યારે સંવિધાનની જોગવાઈઓ અને નાગરિકતાના કાયદાની વ્યવસ્થાઓ તેમને ખબર નહિ હોય તેવું તો નહિ જ બને !
બીજી કાનૂની ગૂંચ એવી છે કે, રાહુલ ગાંધીએ જો બ્રિટીશ સરકારને એમ જણાવ્યું હોય કે પોતે બ્રિટીશ નાગરિકતા ધરાવે છે તો તેનાથી કંઈ બ્રિટીશ નાગરિકતા સાબિત થઇ જતી નથી (પણ, બ્રિટીશ સરકારની તે વિષે કબૂલાત હોવી જોઈએ !) અને, એ બાબત વાંધો હોય તો એક ને માત્ર એક બ્રિટીશ સરકારને હોવો જોઈએ...બ્રિટીશ સરકારને આપેલ બયાન મૂલવીને ભારત સરકાર રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરી નહિ શકે ! બ્રિટીશ સરકારને દોહરી નાગરિકતા સામે કોઈ વાંધો નથી. રાહુલ ગાંધીની દોહરી નાગરિકતાનો ઈશ્યુ લાંબા સમયથી ચાલી રહ્યો છે પણ, ભારત સરકાર આ માટે સાવ ચૂપ છે તે પણ અવલોકનનો વિષય છે. હવે, તો રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા છે ત્યારે ભારત સરકારની પહેલી ફરજ આ દોહરી નાગરિકતા વિષે તપાસ કરી સત્ય પ્રજા સમક્ષ ધરવાની બની રહે છે. વળી, આપણે ત્યાં કાયદામાં એવી પણ જોગવાઈ છે કે કોઈની નાગરિકતા રદ કરવા સંબંધી આખરી ફેસલો સરકાર કરી શકે છે અને સરકારના તે ફેસલાને કોર્ટમાં પડકારી નહિ શકાય તેવો રહે છે ! દોહરી નાગરિકતા જેમ ભારત દેશને માન્ય નથી તેમ દુનિયાના અન્ય અગ્રણી દેશો જાપાન-ચીન-સાઉદી અરબિયા-સિંગાપોર-ઇન્ડોનેશિયા-કુવૈત-લાઓસ-નેપાળ-નેધરલેંડ-પનામા-મલાવી-મ્યાંમાર વગેરેને પણ માન્ય નથી તે અહિ નોંધવું જોઈએ. દુનિયામાં અમુક દેશો એવા પણ છે કે જે પોતાના પસંદગીના દેશો સાથે દોહરી નાગરિકતા માટે તૈયાર રહે છે !