ડાન્સ રાધા ડાન્સ - વિભાવરી વર્મા - પ્રકરણ - 10
- 'બેટા, એ જ તો આખો ખેલ છે! અહીં ચાવવાના જુદા અને દેખાડવાના જુદા છે. અને બીજું, તારી પાસે જે કોન્ટ્રાક્ટમાં સહી કરાવી હતી ને, એમાં આ બધી શરત લખેલી જ છે.'
'આ ઈ હેવ અ ફેન્ટાસ્ટીક આઈડિયા !' ટીવી ચેનલના ટોપ અધિકારીઓની મિટિંગમાં 'ડાન્સ દિવાને ડાન્સ'ના પ્રોડયુસરો, ડિરેકટર અને જજ લોકોને ખાસ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ચેનલના હેડ મિસ્ટર પ્રણવ રોય ચૌધરી એમનો એક 'જિનિયસ માર્કેટિંગ આઇડિયા' રજુ કરી રહ્યા હતા ઃ
'વો ગુજરાત કી લડકી હૈ ના, રાધા ? ધેટ ટિપિકલ મિડલ ક્લાસ સંસ્કારી ગર્લ ? ઉસ કા નિક-નેમ રખ્ખો... ગરબા ક્વીન !' પ્રણવ રોય ચૌધરી ઉત્સાહથી બોલી રહ્યા હતા. 'એ જ રીતે તામિલનાડુના નાના ટાઉનમાંથી પેલી લક્ષ્મીપ્રિયા નામની છોકરી છે ને, જે એના તમામ ડાન્સમાં ગમે ત્યાંથી ભરતનાટયમનાં સ્ટેપ્સ લઈ આવે છે ? એનું નામ પાડો.. ભારતી-નાટયપ્રિયા ! એક બંગાળી ગામડાની છોકરીને પણ આપણે પ્રમોટ કરી છે... શું નામ એનું.. અનન્યા.. એ પણ કંઈક બંગાળી ફોક-ડાન્સનાં સ્ટેપ્સ ઘૂસાડતી રહે છે ને !
'છાઉ-ડાન્સ, સર !' કોરિયોગ્રાફર ડિ'મેલોએ માહિતી આપી. 'તમારા જ રાજ્ય પશ્ચિમ બંગાળનું એ લોકનૃત્ય છે, જેમાં ડાન્સર ખુબ ઝડપથી હવામાં ઉછળતી વખતે ૧૨૦ ડિગ્રીની પલટી મારે છે !'
'રાઈટ'. પ્રણવ રોય ચૌધરીએ પોતાનું અજ્ઞાાન છૂપાવીને પોતાની ટાઈ સરખી કરતાં આગળ ચલાવ્યું, 'એનું નામ રાખો.. છાઉ-કોન્યા ! આ ત્રણેય મિડલ ક્લાસ છોકરીઓનાં ટાઉનમાં આપણી કેમેરા ટીમો જશે અને એમનાં મા-બાપ, અડોશી પડોશી વગેરેના ઇન્ટરવ્યૂ લઇને બતાડશે કે એ લોકો કેવી પેથેટિક (દયાજનક) જીંદગી જીવે છે ! એન્ડ યસ વિ મસ્ટ શો ધ રીલિજિયસ પાર્ટ.. એમના ઘરમાં આરતી-પૂજા થતી હોય, એ લોકો મંદિરે જતા હોય, મા-બાપને પગે લાગતા હોય.. વગેરે વગેરે.. યુસી ? ઉસ સે ઇન્ડિયા કા મિડલ ક્લાસ ઓડિયન્સ બહોત ખુશ હો જાયેગા ! હમારા ટીઆરપી બઢ જાયેગા..'
'એ તો બીજી તમામ ચેનલો કરે જ છે ને ?' ડીડીડીના ડિરેકટરે સવાલ કર્યો, 'એમાં જિનિયસ આઇડિયા ક્યાં આવ્યો ?'
'જિનિયસ માસ્ટર સ્ટ્રોક આઇડિયા તો બાદ મેં આયેગાં...' એમ કહીને ચેનલ હેડ પ્રણવ રોય ચૌધરીએ જે ખતરનાક વાત કરી એની સીધી અસર રાધનપુરની રાધા ઉપર થવાની હતી.
રાધનપુરમાં જેવી ખબર ફેલાઈ ગઈ કે 'ડાન્સ દિવાને ડાન્સ'વાળા આપણા ગામની રાધાનું શૂટિંગ કરવા આવ્યાં છે, તેવાં હરખથી ઉછળતા ટોળેટોળાં જ્યાં શૂટિંગ થતું હોય ત્યાં ઉમટી પડતાં હતાં.
રાધાની મમ્મીએ આવડયું એવું હિન્દીમાં કહ્યું, 'રાધા ઐસે સંતા-સંતા કે ડાન્સ કી પેકટિસ કરતી થી, વો રાધા કે બાપુ કો ખબર નંઈ થી, મગર મેરે કુ બરોબર ખબર થી, હોં ! અબી તુમેરે પોગરામ મેં ઉસ કા નંબર લગા હે યે જાણકર આખા રાધનપુર ખુસ-ખુસ હો ગયા હૈ ! બાકી યે તો કૃષ્ણ કનૈયા લાલ કી કૃપા હૈ ને, ઇસલિયે રાધા કો આસીર્વાદ
મિલા હે!'
રાધાને ડાન્સ કરવા માટે કેવું 'એનર્જી ન્યુટ્રિશીયસ ફૂડ' તમે આપતા હતા ? એવો સવાલ પહેલાં તો મમ્મીને સમજાયો જ નહીં. પછી સમજાયો ત્યારે કહ્યું 'ઇસ મેં વળી ક્યા ? રાધા કો બાજરી કા રોટલા ને રીંગણ કા ઓળા બોત ભાવતા હૈ.. મગ કી ફાડાવાળી ખિચડી ઓર તીખી કઢી બી ભાવતી હે, જો બી ભાવતા હે વો પેટ ભરકે ખાવે તો જ નાચને કી તાકત આવેગી ને ?'
શૂટિંગ યુનિટ શીતલના ઘરે પણ ગયું. ત્યાં રાધા શીતલના મોટા સ્માર્ટ-ટીવીમાં ગાયનના વિડીયો જોઈને શી રીતે પ્રેકટિસ કરતી હતી તેનું શૂટિંગ કર્યું. જોકે ખરી મઝા કોલેજમાં આવી. ત્યાં પેલો હલકટ વિમલ પણ પહોંચી ગયો હતો.
કોઈએ તેને બોલાવ્યો નહોતો છતાં તે સ્ટુડન્ટની વચ્ચેથી કેમેરા સામે આવીને બોલ્યો, 'રાધા મુજ સે લવ કરતી હૈ !' આ સાંભળતાં જ આજુબાજુ ઉભેલા કોલેજીયનો ખડખડાટ હસી પડયા.'
કેમેરામેનને મસ્તી સુઝી. એણે કહ્યું, 'ક્યા બોલા ? ઠીક સે સુનાઇ નહી ંદિયા !' વિમલ ફરી ઠાંસ મારતાં બોલ્યો, 'રાધા મુજ સે લવ કરતી હૈ !' કલેજીયનો ફરીથી ખડખડાટ હસ્યા ! કેમેરામેને વિમલ પાસે ત્રીજી, ચોથી, પાંચમી વાર એ જ વાક્ય બોલાવડાવ્યું ! હવે તો કોલેજીયન એકબીજાને તાળીઓ આપીને હસી રહ્યા હતા.
છેવટે વિમલ પોતે જ ભોઠો પડીને ત્યાંથી જતો રહ્યો ! રાધનપુરનો રાઉન્ડ લીધા પછી યુનિટ રાધાના બાપુજી પાસે પહોંચ્યું. તે સુથારી કામ કરતા હોય એની સાથે જ એમનો ઇન્ટરવ્યુ થયો.
બાપુજી તો ગુજરાતીમાં જ બોલ્યા ઃ
'ઠીક છે, રાધાને તમે ટીવીમાં ચાન્સ આલ્યો છે એ સારી વાત છે, પણ એ બધા શોખ પુરા કરીને પછી ભણવામાં ધ્યાન આપવું પડશે. કેમકે ખાલી ડાન્સ કરવાથી પેટ ના ભરાય. જો છોકરી ભણી હશે તો એ જ કામમાં આવવાનું છે. આ તમારું ડાન્સવાળું નંઈ.'
મધુસુદન મિસ્ત્રી પણ રાધનપુર આવ્યા હતા. બાપુજીનો ઇન્ટરવ્યુ પત્યો પછી એમણે મધુસુદન મિસ્ત્રીને પૂછ્યું, 'આ ચેનલવાળા રાધા પાછળ આટલો ખર્ચો કરે છે. પણ રાધાને કંઈ રૂપિયા આલવાના કે નંઈ ? કે પછી આપણી જોડે માગશે?'
મધુસુદન હસ્યા. 'એ જ તો જોવાનું છે કાકા.'
રૂપિયા તો એ લોકોને પૈસાદાર મા-બાપો સામેથી આપે છે. રાધાને તો ઇનામ મળે ત્યારે વાત.'
'તો પછી રાધાને શું મફતમાં ટીવીમાં ચમકાવે છે આ લોકો ?'
'ના. મફતમાં નહીં. પણ રાધા જેવાં મિડલ ક્લાસ સંતાનોને આ રીતે બતાડે ને, એમાં દેશનાં લાખો સાધારણ લોકો એમનો પ્રોગ્રામ જોતા થઈ જાય ને? બાકી ફક્ત પૈસાદારોનાં છોકરાં જ બતાડે તો એમને કોણ જુએ ?'
'અચ્છા.' બાપુજી બોલ્યા. 'ટુંકમાં મધ્યમવર્ગના ખભે આ પૈસાદાર લોકો પોતપોતાની તોપ ફોડી રહ્યા છે, એમ જ ને ?'
'ડાન્સ દિવાને ડાન્સ'ના નવા એપિસોડ માટે તૈયારી કરવાની હતી. કુરિયોગ્રાફર કિસન કુમારે તો નક્કી જ રાખ્યું હતું કે રાધા માટે એવાં જ ગીતો પસંદ કરવાં જેમાં 'રાધા' શબ્દ આવતો હોય. એ મોબાઇલમાં એ ટાઇપના ગીતો શોધી રહ્યો હતો એવામાં રાધાએ કહ્યું ઃ
'એક ગાના ઐસા હૈ જિસ મેં ડબલ રોલ હૈ !'
'ડબલ રોલ ?' કિસ કા ?'
'એક રાધા.. એક મીરાં... અંતર ક્યા દોનોં કી પ્રીત મેં બોલો...'
રાધાએ આ ગીત ગણગણવાનું શરૂ કર્યું કે તરત જ કિસન ઉછળી પડયો, 'વાહ ! ક્યાં બાત હૈ !' પછી તરત જ જરા સિરીયસ થઈ ગયો. 'મગર મુશ્કીલ ભી હૈ.'
રાધા હસવા લાગી 'મુશ્કીલ હૈ તો ક્યા હોગા ? જજ લોગ ફેલ કર દેંગે, ઇતના જ ને?'
કિસનના પેટમાં ધ્રાસકો પડયો. આ છોકરી તો જરાય સિરિયસ નથી ! જો રાધા કોમ્પિટીશનમાંથી બહાર થઈ જાય તો કિસનનું પત્તું પણ કપાઈ જાય. અને જો એમ થાય તો એની નોકરી પણ જાય !
રાધા જાણે એનો ચહેરો વાંચી ગઈ હોય એમ બોલી 'ક્યા સોચ મેં પડ ગયે કિસન બાબુ ? હાર સે ડરતે રહે તો જીત કૈસે પાઓગે ?'
કિસનના ચહેરા ઉપર હવે નવી ચમક આવી ગઈ..
'એક રાધા એક મીરાં' ડાન્સની આખી ચાવી એના કોસ્ચ્યુમ ડિઝાઇનમાં જ હતી. રાધા જે વસ્ત્રો પહેરે એમાં રાધા અને મીરાં બન્નેની ઝલક આવવી જોઈએ. એક એંગલથી જુઓ તો એ મેવાડની મીરાં લાગવી જોઈએ અને બીજા એંગલમાં વૃન્દાવનની રાધા! આ દેખાડવું શી રીતે?
જેમ જેમ વિચારતા ગયા તેમ તેમ આઇડિયા મળતા ગયા. શરીરની અડધી બાજુ રાધા જેવી હોય અને બીજી અડધી બાજુ મીરાં જેવી હોય. રાધાનો ચહેરો ગામઠી, ગોકુળની ગોવાલણ જેવો, તો મીરાંનો ફેસ રાજપૂતાણી રાણી જેવો જાજરમાન લાગવો જોઈએ.
રાધાનાં ચણિયા ચોળીમાં ક્યાંક મોરનાં પીંછાનાં રંગ, ક્યાંક યમુનાનાં ઘેરાં પાણીની ઝલક હોય અને કેડમાં વાંસળી ખોસેલી હોય. એ નાચે ત્યારે માખણની મટકી પણ ઉપાડે અને કનૈયાની મોરના પીંછાની કલગી પણ ખોસે !
તો બીજી બાજુ મીરાંનાં વસ્ત્રોમાં મહારાણીનો ઠાઠ તો હોય જ, સાથે કનૈયાની કાળી કામળી પણ ઓઢી લીધી હોય ! હાથમાં મંજીરાં અને તંબૂરો.' રાધાના પગમાં ઝાંઝર, તો મીરાંના પગમાં ઘુંઘરુ !
એમ કરતાં કરતાં ગીતના શબ્દો મુજબ ડાન્સનાં સ્ટેપ ગોઠવાતાં ગયાં. ક્યારેક લાગતું કે આ બધું બહુ અટપટુ છે. તો ક્યારેક થતું કે વાહ ! શું સરસ મજાની વાત બની રહી છે ! પરંતુ અઘરું તો હતું જ, કેમકે બધું કેમેરાના એંગલથી વિચારવાનું હતું. એટલું જ નહીં, ઓરીજીનલ ગીતની સ્પીડ પણ સવા ગણી કરી લીધી, જેથી ટેમ્પો બની રહે.
આખરે જ્યારે આખો ડાન્સ તૈયાર થઇ ગયો ત્યારે એમણે ડિ'મેલો સરને ફૂલ કોસ્ચ્યુમ સાથે બતાડયો. ડાન્સ પુરો થયો પછી થોડી ક્ષણો સુધી તો ડિ'મેલો કંઈ બોલ્યા જ નહીં ! પછી અચાનક કિસન કુમારને ભેટી પડયા !
રાધાને નજીક બોલાવીને તેનો ખભો થાબડતાં કહ્યું 'ડુ યુ નો સમથિંગ ? અમદાવાદમાં તને છેલ્લી ઘડીએ એટલા માટે સિલેક્ટ કરી હતી કેમકે તારી ફાઇલ જોઈને ચેનલવાળાનુ સજેશન હતું કે આ ટાઈપનું બેકગ્રાઉન્ડ ધરાવતા કોન્ટેસ્ટન્ટને લેવાના છે. પણ હવે હું ચેનલવાળાંઓને કહેવાનો છું કે આવી ટેલેન્ટને તમે બેકગ્રાઉન્ડમાં નહીં રાખી શકો !
રાધા, યુ આર અ સ્ટાર ! રિયલ સ્ટાર !'
જ્યારે ડિ'મેલો રાધા અને કિસનનાં વખાણ કરી રહ્યા હતા ત્યારે પાછળથી એમને જોઈ રહેલી એક વ્યકિતના પેટમાં તેલ રેડાઈ રહ્યું હતું... તે મનમાં વિચારી રહી હતી ઃ 'જો આ છોકરી સ્ટાર બની જશે તો મારી દિકરીનું શું થશે ? કંઈક તો કરવું પડશે...'
'મેડમ, કુછ કરો...' દિલ્હીની કોન્ટેસ્ટન્ટ કામ્યા મહેરાની મોમ રૂમી મહેરા પોતાના બોયકટ વાળ સરખા કરતાં 'ડાન્સ દિવાને ડાન્સ'ની જજ રુખસાના ખાનને કહી રહી હતી, 'અગર વો છોટે ગાંવ કી લડકી યે ડબલ રોડ ડાન્સ અચ્છે સે કર લેતી હૈ તો મેરી બેટી કા ક્યા હોગા?'
'યુ આર રાઇટ ડિયર રૂમી...' જાડાં સરખાં જજ રુખસાના ખાન પણ ટેન્શનમાં હતાં. 'ડિ''મેલો એ છોકરી ઉપર કંઈ વધારે પડતો મહેરબાન છે. એણે 'એક રાધા એક મીરાં' સોંગને ખાસ રિ-મિક્સ કરાવીને નવસેરથી રેકોર્ડ કરાવ્યું છે. સ્ટેજની પાછળના એલઇડી સ્ક્રીનમાં પણ કંઈ જોરદાર વિઝયુઅલ્સ ઉમેરાવી રહ્યો છે.'
'એટલે જ કહું છું' રૂમી મહેરાએ કહ્યું, 'આમાં ને આમાં જો એ રાધા નામની બે બદામની છોકરી ઓડિયન્સ પર છવાઈ જશે તો આગળ જતાં જ્યારે તમે લોકો મારી દીકરીને ચેમ્પિયન ડિકલેર કરશો તો પબ્લિક સોશિયલ મિડીયમાં એને ધોઈ નાંખશે ! તમારી ચેનલની પણ ક્રેડિબિલીટી રહેશે નહીં.'
'જોકે એક રસ્તો છે...' રુખસાના ખાને કહ્યું, 'મને ખબર મળી છે કે ડાન્સનું જે લાસ્ટ સ્ટેપ છે એમાં રાધા સ્ટેજની બિલકુલ સેન્ટરમાં આવીને, કથ્થક સ્ટાઇલમાં ત્રણ ત્રણ વાર ડબલ સ્પીડમાં ફૂદરડી ફરશે. જો એ વખતે ફલોરમાં જ કંઈક -'
'યેસ્સ !' રૂમી મહેરાના ચહેરા ઉપર સ્માઈલ આવી ગયું. તેણે ચેકબુક કાઢતાં પૂછયું, 'એની વ્યવસ્થા કરવા માટે તમને શું આપું?'
'નો ચેક... કેશ ઓન્લી..' રુખસાના મેડમે નાનકડી ચીઠ્ઠીમાં એક રકમ લખીને કાચના ટેબલ ઉપર સરકાવી.'
'બાપુજી તમે શૂટિંગમાં આવવાના છો ને ?' રાધા ખુબ જ ઉત્તેજિત હતી કેમ કે હવે જે એપિસોડનું લાઇવ શૂટિંગ થવાનું હતું એમાં ખાસ હાજરી આપવા માટે રાધનપુરથી તેના મમ્મી અને બાપુજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
'સાંભળ રાધા !' મમ્મી વિડીયો કોલમાં કહી રહી હતી. 'ટીવીમાં આવવા માટે તારા બાપુજીએ ખાસ નવો નક્કોર કોટ સીવડાવ્યો છે ! જો..'
મમ્મીએ મોબાઇલ બાપુજી તરફ ફેરવ્યો. રાધા તો બાપુજીનું આ રૂપ જોઈને દંગ જ થઈ ગઈ ! એમણે ધોળા થઈ ગયેલા વાળમાં ડાઈ કરાવી હતી. સરસ મજાના ભૂરા બુશકોટ ઉપર કાળા રંગનો મોટો કોટ પહેર્યો હતો ! એ હા, નીચે નવા નક્કોર પેન્ટ સાથે મેચિંગ થાય એવા ચમકતા ચામડાના બૂટ પણ હતા !
'કેવો લાગું છું દીકરા ?'
બાપુજીને આવા હરખમાં પહેલી જ વાર જોયા !
રાધાની આંખોમાં તો ઝળઝળિયાં આવી ગયાં. તે બોલી 'વટ પડી જવાનો હોં, તમારો તો !'
મમ્મીએ કહ્યું, 'જો, હું પણ આ સોનેરી બોર્ડરવાળી કાંજીવરમ સાડી પહેરવાની છું ! બરોબર છે ને !'
'હાસ્તો વળી !' વિડીયો કોલમાં મમ્મીએ બતાડેલી મોંઘી સાડી જોઈને રાધા ખુશ થઈ ગઈ. 'મમ્મી, હવે એની જોડે સાવ પ્લેન બ્લાઉઝ ના પહેરતી. એમાં પણ સોનેરી બોર્ડર સીવીને મુકજે ! હું ટીવીમાં કહીશ કે મારી મમ્મીનું સીવણકામ કેટલું જોરદાર છે !'
'બસ બસ હવે. તું તો વળી એમ પણ કહેશે કે આખું સિલાઇ મશીન લેતી આવજે !' મમ્મી હસી રહી હતી. 'હવે સાંભળ, અમે લોકો આવીએ ત્યારે તારો ડાન્સ કયા ગાયન પર હશે ?'
'એક રાધા, એક મીરાં... તું જોજે તો ખરી !' ગાભા કાઢી નાંખીશ ગાભા !'
જે દિવસે રાધાના ડાન્સવાળા એપિસોડનું શૂટિંગ થવાનું હતું એ જોવા માટે ઓડિયન્સમાં ગોપાલ પણ આવ્યો હતો ! એની સાથે સાડીના શૉ-રૂમની પેલી સ્ટાફવાળી રૂકમણિ પણ આવી હતી. એ તો ઠીક, આ વખતે તો સાડીની દુકાનના શેઠ પણ આવ્યા હતા. શેઠાણીને લઈને ! રાધાએ હસીને કહ્યું, 'જોયું ? મેં તમારી રજા પડાવી દીધી ને !'
ગોપાલ કહેવા લાગ્યો, 'હું સું કહું છું, રાધનપુરમાં જે બધું શૂટિંગ થયેલું એ તો આપણા ગામના લોકોએ મોબાઈલમાં વાયરલ કરી દીધું છે. હવે તમે બી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં તમારું ખાતું ખોલાઇ દો ! એકલાં શીતલબેન તમારું ક્યાં સુધી તાણશે ?'
રાધા હસવા લાગી. 'એ હા ! શીતલ અને એના પપ્પા પણ આવવાના હતા ને ? ક્યાં છે એ લોકો?'
ગોપાલે ફરીથી એમને દેખાડયા. રાધા ત્યાં દોડી ગઈ. શીતલના પપ્પાએ કહ્યું, 'ચેનલવાળા તો તારા મમ્મી-પપ્પાને રહેવા માટે હોટલનો રૂમ આપવાના હતા પણ મેં કહ્યું, તમારે અમારી જોડે અમારી હોટલમાં જ રહેવાનું છે.'
'બહુ સારું કર્યું. કેમકે ચેનલવાળાઓ અંગ્રેજીમાં ફાડે, અને બાપુજીને ફાવે જ નહીં. પણ બા-બાપુજી છે ક્યાં ?'
'એમને મેકપ કરવા લઈ ગયા છે. તારો પણ મેકપ બાકી છે ને ?' શીતલે યાદ કરાવ્યું.
'હા, મારે તો બે કલાક લાગશે મેકપમાં...' રાધા 'આવજો' કહીને ઉપડી..
રાધાનો ડાન્સ શરૂ થવા પહેલાં તેને બા-બાપુજી જોવા જ ના મળ્યાં. જો કે રાધા જાણતી હતી કે એમને સ્ટેજ ઉપર સરપ્રાઇઝની જેમ રજુ કરશે..
છેવટે રાધાના ડાન્સનું એનાઉન્સમેન્ટ થયું ઃ
'અબ આ રહી હૈ રાધનપુર ગુજરાત કી ગરબા ક્વીન... રાધા!'
ગીતના આલાપ સાથે જ રાધાએ જે રીતે એન્ટ્રી લીધી અને પ્રેક્ષકોને એક જ વ્યકિત બે-બે પૌરાણિક પાત્રોની ઝલક દેખાડી, એ જોઈને સૌને જલસો પડી ગયો !
એમાંય વળી જેમ જેમ ગીત આગળ વધતું ગયું અને જે રીતે 'રાધા' અને 'મીરાં'નાં અલગ અલગ સ્ટેપ્સ, અલગ અલગ ભાવ ભંગિમાઓ ઉપરાંત ફાસ્ટ સ્પીડમાં ગીતનો ઉપાડ થયો એમાં તો મિનિટે મિનિટે ઓડિયન્સમાં ચિચિયારીઓ પડી રહી હતી !
પેલી બાજુ રૂમી મહેરાનું ટેન્શન આ રિસ્પોન્સ જોઇને વધી રહ્યું હતું. હવે ગીત પુરું થવાની તૈયારીમાં હતું... રાધા સ્ટેજના બિલકુલ સેન્ટરમાં પહોંચી કે તરત માત્ર ટોપ ઉપરની એક જ સ્પોટ-લાઇટ ચાલુ રહી અને બીજી તમામ લાઈટો બંધ થઈ ગઈ ! પ્રકાશનો એક માત્ર શેરડો રાધા ઉપર હતો.
રાધાએ અહીં કથ્થક સ્ટાઇલમાં ત્રણ ઘુમરીઓ ૩૬૦ ડિગ્રીએ લેવાની હતી પણ એ સ્પોટ પર પહોંચતાં જ રાધાનો પગ સહેજ લપસ્યો !
રાધાને તરત જ ખ્યાલ આવી ગયો કે અહીં ફલોર ઉપર ચોક્કસ કુંડાળામાં કોઈ ચીકણો પદાર્થ ચોપડેલો છે ! હવે જો તે કુંડાળાથી બહાર નીકળી જાય તો સ્પોટલાઇટમાં ન રહે, અને જો કુંડાળામાં જ રહે તો આ ફલોરની ચીકાશ..
પરંતુ રાધાએ કશાયની પરવા કર્યા વિના કથ્થક શૈલીમાં ઘુમરીઓ લીધી જ ! પહેલી ઘુમરી બરોબર રહી પણ બીજી ઘુમરીએ તેનો પગ લપસ્યો ! હવે શું ?
રાધા તો એ જ ક્ષણે સમજી ગઈ હતી કે અહીં કોઈ કાવતરું રચાયું છે. પગ લપસતાંની સાથે જ તેનું બેલેન્સ ગયું ! તે ઘુમરી ખાતાં ગોઠણભેર નીચે પડી ! પરંતુ એ જ વખતે સમયસૂચકતા વાપરીને તેણે બેઠાં બેઠાં ગીતના એન્ડને સૂટ થાય એવાં સ્ટેપ કરીને છેલ્લે પ્રેક્ષકો તરફ એ રીતે નમસ્કાર કર્યા કે જાણે રાધા અને મીરાં બન્ને એકસાથે કૃષ્ણને વંદન કરી રહ્યાં છે !
તાળીઓનો ગડગડાટ તો એવો જબરદસ્ત થયો કે પેલાં રૂમી મહેરા અને રુખસાના ખાનના પેટમાં રીતસરનું તેલ રેડાઈ ગયું ! જોકે રાધા જ્યારે ઊભી થવા ગઈ ત્યારે એને ભાન થયું કે પોતે લપસીને પડી તે વખતે તેના ઘૂંટણ પર ખાસ્સી ચોટ લાગી હતી. છતાં તે પીડા છૂપાવતી પ્રેક્ષકોનાં અભિવાદન લેતી રહી.
'ઔર અબ...' એનાઉન્સર બોલ્યો, 'રાધનપુર કી ગરબા ક્વીન કે લિયે એક સરપ્રાઈઝ હૈ ! દેખો કૌન આયા હૈ !
તાળીઓ વચ્ચે જ્યારે સ્ટેજ ઉપર રાધાના મમ્મી અને બાપુજીને લાવવામાં આવ્યાં ત્યારે રાધા ચોંકી ગઈ ! બાપુજીનો પેલો મસ્ત મજાનો કોટ ક્યાં ગયો ? અહીં તો એમને સાદું ચોળાયેલું, ઇસ્ત્રી વિનાનું શર્ટ, માપ વિનાનું ઢીલું પેન્ટ અને પગમાં સાદાં ચંપલ પહેરાવ્યાં હતાં !
એ જ રીતે મમ્મીની કાંજીવરમ સાડીને બદલે સાવ સાદી સુતરાઉ સાડી હતી, જે એટલી ફાલતુ હતી કે મમ્મી એવી સાડી ઘરમાં પણ કદી ના પહેરે ! ઉપરથી જ્યારે એમની સાથે જજ લોકોએ થોડી વાતો કરી ત્યારે મમ્મીના આંખોમાંથી તો સડસડાટ આંસુ વહી રહ્યાં હતાં !
રાધા સખત ધૂંધવાઈ રહી હતી. જેવું એનું પત્યું કે તરત એ સ્ટેજ પાછળ જઈને બા-બાપુજીને કહેવા લાગી 'આવાં શું કપડાં પહેર્યાં છે ?'
બાપુજી બોલ્યા ઃ 'અમે શું કરીએ ? આ લોકોએ કીધું કે અમે આપીએ એ જ કપડાં પહેરવાં પડશે, નહિતર તમારી દીકરીનું બધું કેન્સલ થઈ જશે !'
મધુસુદન મિસ્ત્રી ત્યાં જ હતાં. રાધાએ એમને પૂછ્યું, 'અંકલ, આ બધું શું ધતિંગ છે ? મારાં મા-બાપ સારાં કપડાં પણ ના પહેરી શકે ?'
'બેટા, એ જ તો આખો ખેલ છે! અહીં ચાવવાના જુદા અને દેખાડવાના જુદા છે. અને બીજું, તારી પાસે જે કોન્ટ્રાક્ટમાં સહી કરાવી હતી ને, એમાં આ બધી શરત લખેલી જ છે.'
'અચ્છા ? તો પછી મમ્મી આટલું બધું રડતી કેમ હતી ? એવું પણ કોન્ટ્રાક્ટમાં લખેલું છે ?'
'અરે ના... મમ્મી બોલ્યાં, 'છેલ્લી ઘડીએ પેલી મેકપવાળી આવી અને મારી આંખમાં કાજળ ટચિંગ કરવાને બહાને શી ખબર શું લગાડી ગઈ, તે એવી ઝાળ બળવા લાગી કે એની મેળે જ આંસુ દદડી રહ્યાં હતાં !'
'જોયું ?' મધુસુદન બોલ્યા ઃ 'એ ગ્લિસરીન હશે ! તમને રડતાં જોઈને ટીવી જોનારું ઓડિયન્સ પણ રડે જ ને ? એક જજ તો રડવા માટે ખાસ ગ્લિસરીનની ડબ્બી સંતાડીને રાખે છે! લાગ જોઈને એમાં આંગળી બોળીને આંખ ચોળવાને બહાને દડદડ આંસુ પાડતાં
રહે છે !'
રાધાને હવે આ 'રિયાલીટી શોની અસલી 'રિયાલીટી' સમજાઈ રહી હતી. એના જોરદાર પરફોર્મન્સને કારણે તેણે બીજા ચાર કોન્ટેસ્ટન્ટોની વિકેટ તો પાડી દીધી હતી પણ હવે તેને ફસાવવા માટેનું નવું ષડયંત્ર તૈયાર જ હતું....
(ક્રમશઃ)