Get The App

ડાન્સ રાધા ડાન્સ - વિભાવરી વર્મા

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
ડાન્સ રાધા ડાન્સ - વિભાવરી વર્મા 1 - image


- પ્રકરણ - ૯

ડાન્સ રાધા ડાન્સ - વિભાવરી વર્મા 2 - image- 'ઈતના જી લગા કે મત નાચિયે, કેવલ દિલ લગા કે નાચિયે! મસ્તી સે ડાન્સ કિજિયે! સબ સે પહલે ડાન્સ કા આનંદ લેના હેં... ડાન્સ કા ઈનામ તો આતા રહેગા.'

ડિ'મેલો સરના સ્ટુડિયોમાં રાધાના ગરબા અને છેલ્લે ડાંડીયા પછી 'ધન-ધતૂડીપતૂડી'એ ધમાલ મચાવી દીધી! સળંગ દોઢ કલાક બિન્દાસ નાચ્યા પછી બધા પરસેવો લૂછતા મોટા ટીવી સ્ક્રીનની સામે બેઠા.

હવે 'ડાન્સ દિવાને ડાન્સ'નો પહેલો એપિસોડ ઓન-એર જવાનો હતો.

અહીં વીસ કોન્ટેસ્ટન્ટ હતા પણ આખા ઈન્ડિયામાં જેમણે ઓડિશન રાઉન્ડમાં ભાગ લીધો હોય એવા તો હજારો કોન્ટેસ્ટન્ટ હતાં. એપિસોડ શરૂ થયો પછી સમજાયું કે અહીં તો જે કોન્ટેસ્ટન્ટો સિલેક્ટ નહોતા થયા એમની પણ ઝલક બતાડી રહ્યા હતા.

એમાંય, આગળ જતાં તો ખાસ કરીને એવા નમૂનાઓને બતાડી રહ્યા હતા જેમના ડાન્સ કરતાં ભવાડા વધારે હતા ! કોઈ લાકડાનાં પૂતળાંની જેમ અક્કડ બનીને નાચી રહ્યા હતા તો કોઈ જાણે પગમાં સ્પ્રીંગ ચોંટી ગઈ હોય એમ જ્યાં ને ત્યાં ઠેકડા જ મારતા હતા ! જજ લોકો પણ એમની બરાબરની ફિરકી લઈ રહ્યા હતા.

આમાં જાણી જોઈને અમુક મોટી ઉંમરનાં આન્ટી કે અંકલોને પણ રાખ્યા હતા. કોઈ મનોજકુમારની નકલ કરતું હતું તો કોઈ ગોવિંદાની ! રાધાને સમજાયું કે આ ઓડિશન રાઉન્ડમાં જો બધા જ સિરીયસ ટાઈપના સ્પર્ધકોને બતાડવા જાય તો આખો એપિસોડ બહુ બોરિંગ બની જાય.

આમાં વચ્ચે વચ્ચે જ્યાં અહીં ડિં'મેલો  સરના સ્ડુડિયોમાં જે વીસ કોન્ટેસ્ટન્ટ બેઠા હતા. એમાંથી જે કોઈના ડાન્સની ઝલક દેખાતી, તો તે ઉછળીને મુઠ્ઠી ઉગામીને ચિચિયારી પાડતા હતા. છેલ્લે છેલ્લે એક આખું સેકશન બતાડયું. જેમાં સારા, ઠીક-ઠાક અને બેસ્ટ ક્વોલિટીના ડાન્સની નાની નાની ઝલકનું એડિટીંગ કરીને પાંચેક મિનિટની રજુઆત હતી. બસ, એમાં રાધાના અમદાવાદવાળો ડાન્સ પંદર વીસ સેકન્ડ માટે દેખાયો!

બસ, આટલું જ ? રાધા જરા નિરાશ થઈ ગઈ. એને હતું કે જો બાપુજી મને ટીવીમાં જોશે તો એમનો ગુસ્સો ઠંડો પડી જશે, પણ, આટલામાં શું થાય ?

ટીવીમાં એપિસોડ પુરો થયો અને બધા વિખેરાઈ રહ્યા હતા ત્યાં જ રાધાનો ફોન રણક્યો. જોયું તો ગોપાલ ! એની વાતોમાં તો જાણે લવિંગિયા ફટાકડાની લાંબી સેર ફૂટી રહી હતી ઃ

'એ મજ્જા આઈ ગઈ હોં ! બોલો, તમારું પહેલ્લી જ વાર ટીવીમાં આઈ ગ્યું ને ! એબી ફર્સ્ટમ્-ફર્સ્ટ ટ્રાયલે ! બાકી, લોકો મથી મથીને મરી જાય તોય એમનું આવતું નથી અને હું સું કઉં છું... ભલે થોડુંક જ આયું, પણ આ તો પાશેરામાં પહેલી પૂણી ! હેં ને ?'

રાધા ખડખડાટ હસી પડી એટલે ગોપાલ કહે છે ઃ 'ના ના, કંઈ ભૂલ થઈ ગઈ બોલવામાં ? એ તો પેલું, શું કેં વાય... ટીપે ટીપે સરોવર ભરાય, હેં ને ? હમણાં ટીપું આયું છે, પછી નળ જેટલું આવશે, પછી ધોધ જેટલું આવવાનું છે ટીવીમાં ! તમે ખંત રાખજો હોં ! અને બીજું કંઈ કામકાજ હોય, કંઈ જરૂર હોય તો કહેજો, કેમકે સું છે, હું તો નવરો જ છું ને !'

ગોપાલનો ફોન પત્યો પછી રાધાએ ઊંડો શ્વાસ લેતાં વિચાર્યું કે ક્યાં નવરો હતો ગોપાલ ? ચાર જણા વચ્ચે એક ગંધાતી ગલીની ખોલીમાં રહેવાનું, જાતે રાંધવાનું, જાતે કપડાં ધોવાનાં, જાતે વાસણ માંજવાનાં, ત્રણ ઠેકાણે રીક્ષા અને બસ બદલીને સાડીની દુકાને નોકરી કરવા જવાનું. ટ્રેનમાં બેસીને દૂર દૂરથી સાડીનાં પોટલાં ખભે ઉંચકી ઉંચકીને લાવવાનાં... આ બધું જ કરવાનું સાવ મામૂલી પગારમાં, અને છતાંય પોતે કહે છે કે હું તો નવરો જ છું ને !

અરે, એને પૂછતાં જ ભૂલી જવાયું કે 'ડાન્સ દિવાને ડાન્સ'નો આ એપિસોડ એણે કોના ટીવીમાં જઈને જોયો ? એની ખોલીમાં ટીવી પણ ક્યાં હતું...

    

પણ હવે તૈયારી કરવાની હતી, નવા એપિસોડ માટે નવા ડાન્સની... કિસને એને 'રાધા તેરી ચુનરી...'ના ફાસ્ટ સોંગ ઉપર સાવ નવી જ જાતનાં સ્ટેપ્સ કરાવવાનું બીડું ઝડપ્યું હતું. એની તડામાર પ્રેક્ટિસ પુરા પાંચ દિવસ સુધી ચાલી...

રાધા આમાં જીવ રેડીને મહેનત કરી રહી હતી. આ જોઈને કિસન તેને વારંવાર ટોકતો ઃ 'ઈતના જી લગા કે મત નાચિયે, કેવલ દિલ લગા કે નાચિયે ! મસ્તી સે ડાન્સ કિજિયે ! સબ સે પહલે ડાન્સ કા આનંદ લેના હેં... ડાન્સ કા ઈનામ તો આતા રહેગા.'

જોકે રાધા માટે આ જરા મુશ્કેલ હતું કેમકે ચેનલના ફ્લોર મેનેજર મધુસુદન મિસ્ત્રીએ તેને કહ્યું હતું કે 'હવે પછી રાઉન્ડમાં વીસ સ્પર્ધકોમાંથી દસેકની બાદબાકી થવાની છે. જો એમાં તું ટકી ગઈ તો આ લોકો રાધનપુર જઈને તારા મમ્મી પપ્પા અને ફ્રેન્ડ લોકોનું શૂટિંગ કરશે.'

રાધા અહીં આવી હતી માત્ર એક એપિસોડમાં દેખાવા મળે એટલા નાના સપના સાથે પરંતુ હવે એ સપનાનો જ ગાળિયો મોટો થઈ ગયો હતો.

શૂટિંગના આગલા દિવસે મધુસુદન અંકલનો ફોન આવ્યો ઃ 'અરે રાધા, કાલે તારું લાઈવ શૂટિંગ છે. ઓડિયન્સમાં બેસવા માટે કોઈને બોલવવાના છે ? કેટલા ફ્રી પાસ જોઈશે ?'

લો બોલો, રાધાને થયું, આ આખી વાત તો મનમાંથી સાવ જ નીકળી ગઈ હતી. હવે રાતોરાત કંઈ રાધનપુરથી મમ્મી અને બાપુજી કે શીતલને થોડા તેડાવાય ? પણ હા, ગોપાલ !

રાધાએ મનમાં ગણીને કહ્યું ઃ 'દસેક પાસ તો જોઈશે, હોં ?'

રાધાની ગણત્રી આ મુજબ હતી ઃ એક તો ગોપાલ, બીજા એની દુકાનના માલિક અને એમનાં પત્ની, પછી દુકાનના સ્ટાફમાં જેની સાથે ટિફીન ખાધાં હતાં તે ચાર જણા, જેમાં પેલી સેલ્ફી લેવડાવનારી કોંકણી છોકરી રૂકમણિ તો ખાસ... અને પોતે જ્યાં આશિયાના ફ્લેટમાં રહી હતી ેતે બે જણી...

    

ગોરેગાંવની વિશાળ ફિલ્મ સિટીના સ્ટુડિયો નંબર આઠમાં બનેલા 'ડાન્સ દિવાને ડાન્સ'ના ભવ્ય રંગીન અને ઝળહળતા સેટ ઉપર સવારે દસેક વાગ્યાથી શૂટિંગની તૈયારીનો શરૂ થઈ ગઈ હતી. રાધાનો વારો લંચ પછી હતો.

તે સતત ઓડિયન્સમાં શોધી રહી હતી કે ગોપાલ બધાને લઈને હજી કેમ ના આવ્યો ? બીજા પૈસાદાર કોન્ટેસ્ટન્ટોના ફ્રેન્ડઝ અને સંબંધીઓ લેટેસ્ટ ફેશનનાં કપડાં પહેરીને આવી રહ્યાં હતાં. સૌ પોતપોતાની સાથે ફૂલોના બુકે અને મોટાં મોટાં 'બેસ્ટ લક'નાં કાર્ડઝ વગેરે લાવતા હતા. શૂટિંગ માટે લાઈટિંગ ચાલી રહ્યું હોય એ દરમ્યાન તો એ સૌનાં ઝૂમખે ઝૂમખાં સેટ ઉપર ઠેરઠેર જઈને સેલ્ફીઓમાં રચ્યા પચ્યા હતા.

એવામાં રાધાએ જોયું કે સ્ટુડિયોના છેવાડેના દરવાજેથી ગોપાલ આવી રહ્યો હતો. એ ઝડપથી ચાલીને સામે મળવા ગઈ.

'કેમ એકલો જ આવ્યો ?'

'અરે, મારી ખોલીમાં રહેનારા અડબંગ બજરંગોને તો કંઈ ડાન્સ-બાન્સમાં હાંધાની હુઝ પડે નંઈ ! એ ત્રણ પાસ તો આમેય બાત્તલ હતા ? પછી તમારા એપાર્ટમેન્ટમાં પેલાં બે બહેનો હતાં એમને મેં પાસ આલ્યા, તો કે' જોઈસું... અને-'

'અને તમારી દુકાનમાં?'

ગોપાલ જરા ફીક્કું હસ્યો. 'બધાને રજા મલવી જોઈએ ને ?' પછી તરત છાતી કાઢીને બોલ્યો ઃ 'પણ મેં તો મારા શેઠને કહી દીધું, તમારે મારો પગાર કાપવો હોય તો કાપી લેજો, પણ અમારા રાધનપુરના છે, એટલે હું તો જવાનો, જવાનો, ને જવાનો જ !'

રાધા સમજી ગઈ કે ગોપાલ અહીં કપાતે પગારે આવ્યો છે. સાથે તેને એ પણ ભાન થયું કે અહીં મુંબઈ નામની આ માયાનગરીમાં જે મામૂલી લોકો છે એમને મફતમાં જોવા મળે તોય ડાન્સનાં શૂટિંગો જોવાનું પરવડે એમ નથી. સૌને અહીં આવક અને જાવકના ખર્ચા વચ્ચે બચતનો ખાડો પણ પુરતા રહેવાનું છે. ગોપાલે તો એનો બચતનો ખાડો ઉલેચીને પોતાને કેટલી બધી મદદ કરી છે ?

    

લાઈટિંગ સાથે આખો સેટ રેડી થઈ ગયો અને ઓડિયન્સમાં પોણા ભાગની સીટો ભરાઈ ગઈ ત્યારે સ્ટેજ ઉપર ચેનલનો એક માણસ આવીને થોડી સૂચનાઓ આપવા લાગ્યો. તે હિન્દી અને અંગ્રેજીમાં બોલતો હતો.

'દેખિયે, ટીવીમેં જો આપ દેખતે હૈં ઉતના ફટાફટ સબકુછ અસલ મેં નહીં હોતા... અહીં વચ્ચે વચ્ચે ટેકનિકલ કારણોસર અમુક ઘટનાઓ જુદા જુદા એંગલથી કદાચ બે ત્રણ વાર લેવાતી હોય છે... એ વખતે થોડી ધીરજ રાખશો. બીજું ખાસ... તમે અહીં પ્રેક્ષકો તરીકે જેટલો ઉત્સાહથી ભરેલો રિસ્પોન્સ આપશો એટલો જ આપણો શો વધારે સફળ થશે ! એટલું જ નહીં, અહીં તમારા જે સંતાનો કે દોસ્તો પરફોર્મ કરી રહ્યા છે એમને પણ તમારા સપોર્ટની જરૂર છે...'

એમ કરીને એણે આગળ કહેવા માંડયું ઃ 'અહીં જ્યારે ગ્રીન લાઈટો થાય ત્યારે તમારે સૌએ દિલ ખોલીને તાળીઓ વગાડવાની છે ! એ જ રીતે જ્યારે અહીં પિન્ક લાઈટ ઝબકારા મારવા લાગે ત્યારે જરૂર જરૂરથી સીટીઓ વગાડશો ! અને પૂરેપૂરા જોશથી ચિચિયારીઓ પાડવા વિનંતી છે ! અને હા, જ્યારે લાલ લાઈટ થાય ત્યારે તમારે ગંભીર હાવભાવ બતાડવા...'

રાધા તો વિચારમાં પડી ગઈ ! તેણે બાજુમાં ઊભેલા મધુસુદન અંકલને પૂછયું 'આ ટીવીમાં જે દેખાડે છે એ આ રીતે ભણાવેલું-પઢાવેલું-શીખવાડેલું ઓડિયન્સ હોય છે ?'

મધુસુદન મિસ્ત્રી હસ્યા ઃ 'તું જોયા કરને ? આ તો કંઈ નથી...'

અને ખરેખર ! જજ લોકો આવી ગયા પછી વારાફરતી કોન્ટેસ્ટન્ટો પોતાના ડાન્સ રજુ કરી રહ્યા હતા ત્યારે આખો ડાન્સ પતી જાય. લોકોની તાળીઓ, ચિચિયારીઓ બધું શમી જાય પછી પણ એ જ ડાન્સની અમુક મૂવમેન્ટો ફરી ફરીને શૂટ થઈ રહી હતી !

રાધાએ મધુસુદન અંકલને પૂછયું 'આ ફરીથી કેમ ડાન્સ કરાવે છે ?'

અંકલે કહ્યું 'મેં તને અગાઉ કહ્યું હતું ને ? પેચ-વર્ક ! તે આને જ કહેવાય સાંધા-સલાડાં ! તું ધ્યાનથી જો... સળંગ ડાન્સમાં જ્યાં નાની નાની ભૂલ થઈ હોય એનું જ શૂટિંગ ફરી વાર કરવામાં આવે છે !'

'પણ આ તો 'રાધા ચોંકી ગઈ' આ તો લાગવગ ના કહેવાય ?'

'હાસ્તો ?' મધુસુદન મિસ્ત્રી હસ્યા.' બેટા, અહીં સુધી પહોંચવા માટે અને અહીંથી આગળ વધવા માટે ભલભલાં મા-બાપો જોઈએ એટલા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. મોટા શહેરોમાં ચાલતા અમુક ડાન્સ ક્લાસિસના માલિકો પણ પોતાના સ્ટુડન્ટોને ચમકાવવાની ગેરંટી આપતા હોય છે. એમણે પણ એમની દુકાનો તો ચલાવવાની ને ?'

'તો પછી હું-'

'તું એક સ્પેશીયલ કેસ છે.' મધુસુદન અંકલે રાધાને ખભે હાથ મુકતાં કહ્યું 'તારું નસીબ તને જ્યાં સુધી સાથ આપે છે ત્યાં સુધી દોડી લે. પછી... તને યાદ છે ? જ્યારે તું અહીં પહેલા દિવસે આવેલી ત્યારે મેં શું કીધું હતું ? મેં કીધું હતું કે અહીં જે બધું જોવા મળે છે તે જોઈ લે. કદાચ આ તારો પહેલો અને છેલ્લો ચાન્સ હોય.'

રાધાને તરત જ યાદ આવી ગયું. એને એ પણ યાદ આવી ગયું કે એક ટાઈવાળો એક્ઝિક્યુટિવ હિન્દીમાં ખખડાવી ગયો હતો કે 'બહુ દોઢ ડહાપણ કરવાનું રહેવા દે. તું ગરીબ છે એટલા માટે જ તારું સિલેકશન થયું છે ! તારા જેવીને શોમાં એટલા માટે જ રાખવામાં આવે છે, જેથી મિડલ ક્લાસ ઓડિયન્સ ટીવી સામે ચોંટી રહે !'

ફરી રાધા નરવસ થઈ ગઈ. આ બધા હાઈ-ફાઈ લાગવગવાળા અને પૈસાવાળા કોન્ટેસ્ટન્ટો વચ્ચે મારો ક્યાં ગજ વાગશે ? મધુસુદન મિસ્ત્રી જાણે રાધાના મનના ભાવ કળી ગયા હોય તેમ તેનો ખભો થાબડતાં બોલ્યા ઃ

'બીજાનું નહીં વિચારવાનું... આપણે આપણું બેસ્ટ કરવાનું ! સમજી ને ?'

* * *

મોડી સાંજે જ્યારે રાધાનો નંબર આવ્યો ત્યારે સ્ટેજ ઉપર જઈને ત્યાંની રજ માથા ઉપર ચડાવતાં એના મનમાં બે જ વિચાર ચાલી રહ્યા હતા. એક તો એ, કે મારે તો અહીં માત્ર એક એપિસોડ માટે જ આવવું હતું ને ? આ જે કંઈ અત્યારે થઈ રહ્યું છે એ તો માગ્યા ઉપરાંતનું મારા કૃષ્ણ કનૈયાનું વરદાન છે ! અને બીજો વિચાર નહીં પણ એના કુરિયોગ્રાફર કિસનનું એક વાકય એના મનમાં ગુંજી રહ્યું હતું કે ઃ

'જી લગા કે મત નાચિયે, કેવલ દિલ લગા કે ડાન્સ કિજીયે ! સબ સે પહલે ડાન્સ કા આનંદ લેના હૈ... ઈનામ તો આતા રહેગા.'

બસ, એ પછીની ક્ષણોમાં રાધા બિલકુલ બિન્દાસ થઈ ગઈ. એણે વિચાર્યું 'ભાડમાં જાય આ લોકોની બનાવટી દુનિયા અને બનાવટી શો... હું અહીં આવી છું મારી મસ્તી માટે, મારી મોજ માટે, મારા આનંદ માટે, બસ !'

એ પછી તેણે 'રાધા તેરી ચુનરી' ઉપર જે ધમાચકડી, તોફાન અને મસ્તી સાથે ડાન્સ કર્યો એ જોઈને પેલા ટેકનિકલ સ્ટાફે લીલી કે ગુલાબી લાઈટો કરવાની જરૂર જ નહોતી ! ખરેખર ઓડિયન્સમાંથી તાળીયો અને ચિચિયારીઓ પડી ! જજ લોકોએ પણ દિલ ખોલીને વખાણ કર્યાં... પેલાં જાડાં સરખાં મહિલા જજે તો સાફ શબ્દોમાં કહી દીધું ઃ

'રાધા, તુમ અબ સિર્ફ રાધનપુર કી નહીં, પુરે દેશ કે દિલ કી ધડકન બનનેવાલી હો !'

આ વાકયનો સ્પષ્ટ અર્થ એ થતો હતો કે અહીંના વીસ કોન્ટેસ્ટન્ટોમાંથી રાધા બાકાત થવાને બદલે આગલા રાઉન્ડમાં આગેકૂચ કરી રહી છે...

    

આટલું હજી ઓછું હોય તેમ રાત્રે શૂટિંગ પત્યું ત્યારે મધુસુદન મિસ્ત્રીએ આવીને કહ્યું 'રાધનપુર જવાની તૈયારી કરો રાધા બેટી ! કેમકે આપણી ચેનલની એક ખાસ ટીમ તને લઈને ત્યાંના લોકોનું શૂટિંગ કરવા માટે જશે, એ ફાઈનલ થઈ ગયું છે !'

રાધા ખુશીથી ઉછળી તો પડી, પણ પગ જમીન ઉપર પાછા પછડાયા ત્યારે મનમાં વિચાર ફરકી ગયો કે 'બાપુજી શું કહેશે ?'

(ક્રમશઃ) 


Google NewsGoogle News