Get The App

ડાન્સ રાધા ડાન્સ પ્રકરણ - 8 .

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
ડાન્સ રાધા ડાન્સ    પ્રકરણ - 8                          . 1 - image


- વિભાવરી વર્મા

- રાધા જે રીતે ફેરફૂદરડી ફરતી હતી એ જોતાં બધા કોન્ટેસ્ટન્ટો અથડાઈ પડવાના ડરથી બાજુમાં ખસી ગયા! રાધાએ મસ્તીમાં બૂમ પાડી 'એ હાલોઓઓ!'

મ થુરાથી મોડો મોડો આવેલો રાધાનો કુરિયોગ્રાફર કિસનકુમાર કહી રહ્યો હતો : 'રાધાજી, મેરી નૌકરી કા દાવ આપ કે ઉપર લગા હૈ, અગર આપ ને કમાલ કિયા તો બસ, ક્યા બતાઉં...'

અહીં રાધનપુરથી આવેલી રાધા મનમાં વિચારી રહી હતી કે બસ, મારું સપનું તો 'ડાન્સ દિવાને ડાન્સ'ના એકાદ એપિસોડમાં જ આવવાનું હતું ને ? પણ આ માણસ મારા આ તકલાદી સપના ઉપર પોતાની નોકરીને દાવ ઉપર લગાડીને બેઠો છે?

'એક બાત બતાઉં રાધાજી ?' કિસનકુમારની આંખોમાં હજી સપનાંની ચમક હતી. 'આપ કેં ડાન્સ મેં કુછ તો બાત હૈ...દેખિયે, જિસ તરહ સે આપ ને યે જમ્પ લિયા હૈ, યે જો ટર્ન દિખાયા હૈ....'

અચાનક રાધાને વિચાર આવ્યો કે આ ડાન્સનો વિડીયો રાધનપુરમાં જો મમ્મીને મોકલું અને એ બાપુજીને બતાડે...તો એમનો ગુસ્સો થોડો ઓછો થાય કે નહીં ?

રાધાએ કહ્યું, 'આ મારા ડાન્સનો વિડીયો  મને મારા મોબાઈલમાં સેન્ડ કરો ને !'

કિસનકુમારે એ વિડીયો મોકલ્યો કે તરત જ રાધાએ તે મમ્મીને ફોરવર્ડ કર્યો. બે જ મિનિટમાં એમાં બે બ્લુ-ટિક દેખાઈ ! રાધાએ તરત જ વિડીયો કોલ લગાડયો :

'મમ્મી ! જોયું ? ડાન્સ દિવાને ડાન્સના મુંબઈના આ સેટ ઉપર મારો પહેલો જ ડાન્સ !

હવે એ ટીવીમાં આવશે! બાપુજીને પણ આ વિડીયો બતાડજે! કહેજે કે જુઓ હવે તો ખુશ ને ? તમારી દીકરીએ રાધનપુરનો ડંકો વગાડયો છે!'

'તારા બાપુજી કંઈ એમ ખુશ થઈ જાય એવા નથી, પણ સાંભળ, અત્યારે તું ક્યાં છે ?'

'અરે હા મમ્મી! આ જો. 'રાધાએ મોબાઇલ ફેરવીને આખો ડાન્સ સ્ટુડિયો બતાડયો, 'મમ્મી, હવે પછીના જેટલા ડાન્સ હશે તેની ટ્રેનિંગ અહીં આપવાના છે ! ઉપરથી અમને દરેકને એક એક કુરિયોગ્રાફર પણ આપે છે !'

'કુરિયોં...શું ?'

રાધા હસી પડી ! એ અમને ડાન્સ શીખવાડશે. અમારા ડાન્સ ટીચર કહેવાય.'

'નમસ્તે આન્ટીજી!' કિસનકુમારે તરત જ મોબાઈલમાં જોઈને હાથ જોડયા. ઉપરથી ઉત્તર પ્રદેશના સંસ્કાર મુજબ બોલ્યો : 'પાય લાગું !'

મમ્મી જરા અચકાઈ ગઈ. પછી રાધાને પૂછ્યું 'કોણ છે આ ?'

'હમણાં મેં કહ્યું ને, એ જ ! ગુજરાતીમાં શું કહેવાય મારા ગુરુ છે.'

'અંહં....' મમ્મીને જરા અજુગતું લાગી રહ્યું હતું. આવો જુવાન વાંકડિયા છોકરો ગુરુ હોય ? રાધાએ તરત જ વાત બદલી 'સાંભળ, આ વિડીયો આપણાં બધાં સગા સંબંધીઓને મોકલજે, અને એ ટીવીમાં ક્યારે આવશે એની તારીખ મળે કે તરત હું તને ફોન કરીશ હોં !'

'સારું. તારી તબિયત સાચવજે.'

ફોન મુક્યા પછી રાધા મૂડમાં આવી ગઈ. એણે ધડાધડ પોતાના ડાન્સનો વિડીયો રાધનપુરમાં એની બહેનપણી શીતલ ઉપરાંત બીજા જેટલા ફ્રેન્ડ્ઝ હતા એ સૌને મોકલ્યો ! અહીં મુંબઈમાં પણ સૌથી પહેલાં ગોપાલને, અને પછી એની સાડીની દુકાનમાં જે કોંકણી છોકરી રૂકમણીએ એની સાથે સેલ્ફીઓ લીધી હતી એને મોકલ્યો. હજી વિડીયો સેન્ડ થયાને પાંચ મિનિટ પણ નથી થઇ ત્યાં તો ગોપાલનો ફોન આવી ગયો :

'ઓહોહો! ગજ્જબનો ડાન્સ કર્યો છે, હોં ? હું શું કઉં છું, આ તો ખુદ અમિતાભ બચ્ચન અને રેખા બી જુએને, તો મોંમાં આંગળાં નાખી જાય ! તમે એમના નંબર શોધીને એમને મોકલાવો. ને ? એ ચેનલવાળાઓ કને તો આ બધાનાં નંબરો હોય જ ને ! અને હું સું કઉં છું...'

ત્યાં તો વળી શીતલનો ફોન આવ્યો, એટલે ગોપાલને 'પછી કરું છું' એમ કરીને કટ કરવો પડયો. રાધાનું તો હસવું માતું નહોતું. એણે શીતલને ગોપાલની આ બધી વાતો કરી. શીતલ પણ પેટ પકડીને હસવા લાગી, એ બોલી 'જોજે હોં, એ દસમું ફેલ ગોપાલિયો ક્યાંક તારા પ્રેમમાં ના પડી જાય !

હસી હસીને વાતો કરતી રાધાને કિસનકુમાર તો સાઇડમાં ઊભો ઊભો સ્મિત કરતો, પોતાના ગાલે હથેળી મુકીને જોયા જ કરતો હતો. બધા ફોન પત્યા પછી રાધાની નજર પડી.

'ઐસે ક્યા દેખ રહે હો ?'

'દેખતા હું, ઈતની છોટી સી બાત પે આપ કિતની ખુશ હૈં ! બાકી દુનિયામાં લાખો લોકો એવા છે જેમને ખુબ જ સારી સફળતા મળ્યા છતાં દુ:ખનાં જ રોદણાં રડતાં હોય છે.'

'દુ:ખી થઇને શું મળવાનું ? મારું તો આટલું જ સપનું હતું કે ડીડીડીના એકાદ એપિસોડમાં મારો ડાન્સ આવે! એ પતી ગયું ! બસ, બીજું શું જોઈએ?'

કિસનકુમારના મનમાં હળવો ધ્રાસકો પડયો. 'મતલબ કે, આપ કો આગે નહીં જાના હૈ ?'

'જાને કો મિલેગા તો જાયેંગે, નહીં તો રાધનપુર પાછા ! 

એમાં શું. હૈં?'

મુક્ત મને, ખિલખિલાટ કરીને હસતી રાધાને કિસન જોઈ જ રહ્યો. પછી એણે ધીમેથી પૂછ્યું : સચ બતાઓ રાધા, યે ડાન્સ કરના તુમ્હેં મહેનત કા કામ લગતા હૈ યા 

મસ્તી કા?'

'મસ્તી કા જ હોય ને વળી ?' રાધા હસતી રહી.

'બસ, તો મસ્તી મસ્તી મેં અગર અગલે રાઉન્ડ મેં ચલે ગયે તો ?'

'તો તો જાને કા જ ને ?' રાધા હજી હસતી જ હતી...

બસ, આમાં જ કિસનકુમારને એક ચાવી મળી ગઈ...

***

પેલી બાજુ રાધનપુરમાં રાધાના ઘરમાં ચણભણ ચાલી રહી હતી. રાધાનો વિડીયો જોઈને બાપુજી અકળાયા હતા.

'જોયું ? આખરે તારી છોકરીએ ટીવીમાં નાચીને આપણું નામ બોળ્યું ને ?'

'પણ તમે જરા જુઓ તો ખરા ?'  રાધાની મમ્મીએ દલીલ કરી 'આમાં નામ શું બોળ્યું છે ? સરસ મજાનો માતાજીનો ગરબો છે. એની ઉપર આપણી રાધાએ કેટલું સરસ કરી બતાડયું છે ! અને જુઓ, માતાજીના ગરબામાં બધી છોકરીઓ પહેરે એવાં ચણિયા-ચોળી જ પહેર્યા છે ને ? કશુંય આછકલું છે ? ક્યાંય કશુંય આપણું ખરાબ દેખાય એવું છે ?'

બાપુજી હવે થોડા ઢીલા પડયા. 'ઠીક છે. પણ એને કહેજે કે બસ હવે. ટીવીમાં આઈ ગઈ ને ? હવે પાછી આવતી રહે.'

'હજી ટીવીમાં ક્યાં આવ્યું છે ? એકવાર ટીવીમાં આવે પછી તો જોજો ? આખા રાધનપુરમાં વટ હશે આપણી રાધાનો.'

'હા, જોઈશું.' બાપુજીએ ફરી જુની વાત દોહરાવી 'પછી જ્યારે રાધાને પરણાવી હશે ત્યારે આ જ બધું નડશે, તું જોજે.'

***

'એક આઇડિયા હૈં !'

પેલી બાજુ મુંબઈમાં ડિ'મેલો સરની ડાન્સ એકેડેમીમાં જ્યાં દરેક કોન્ટેસ્ટન્ટ પોત પોતાના મેન્ટર સાથે નવા રાઉન્ડમાં રજુ કરવા માટેના ડાન્સની તૈયારીમાં લાગેલા હતા ત્યારે કિસનકુમારે રાધાને કહ્યું :

'તુમ્હારા નામ રાધા હૈ નાં...' કિસન હવે તુંકારા ઉપર આવી ગયો 'તો ગાના ઐસા સિલેક્ટ કરતે હૈં, જિસ કે બોલ મેં હી રાધા કા નામ આતા હો !'

'રાધા કા ભી શ્યામ વો તો મીરા કા ભી શ્યામ !' રાધા તરત બોલી ઊઠી.

'એ તો છે જ, પણ...' કિસને પોતાના મોબાઈલમાંથી શોધીને બીજું એક ગીત વગાડયું. એ હતું ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'નું ધમાકેદાર ફાસ્ટ સોંગ....

'ઓ રાધા તેરી ચુનરી

ઓ રાધા તેરા છલ્લા

ઓ રાધા તેરી નટખટ નજરિયા...'

જેવું એ ગીત વાગવા લાગ્યું કે તરત રાધા બેઠી હતી ત્યાંથી ઊભી થઈ ગઈ ! એના પગ એની મેળે તાલમાં થિરકવા લાગ્યા ! ંકિસન હજી કંઈ કહે, સમજાવે, એ પહેલાં તો રાધા એની મેળે જ નાચવા લાગી !

'એ બ્બાત !' કિસન બોલી ઊઠયો 'લગતા હૈં, મેરી તો નૌકરી ગઈ !'

'કેમ ? રાધા અટકી ગઈ.'

'કેમ વળી શું ? તું પોતે જ આટલાં સારાં સ્ટેપ્સ, એક સેકન્ડનો વિચાર કર્યા વિના જાતે જ બનાવીને નાચી શકે છે, તો મારી હવે જરૂર જ ના રહી ને ? રાધાજી, તમે મને બેરોજગાર બનાવીને જ રહેશો.'

રાધા હસી પડી : 'ના ના, એવું નથી. બસ, એટલું કરજો કે તમારો પહેલો પગાર આવે એમાંથી મને થોડા રૂપિયા આપજો. મારે થોડું કરજ ઉતારવાનું છે.'

'અચ્છા ?' કિસને 'કરજ' શબ્દ સાંભળ્યો કે તરત એના ચહેરા ઉપર ગંભીરતા આવી ગઈ. કેમકે એ પોતે પણ મિડલ કલાસિયો જ હતો ને ?

***

'રાધા, સાંભળ...એક ગૂડ ન્યૂઝ છે.'

એક સાંજે જ્યારે રાધા ડિ'મેલો સરની ડાન્સ એકેડમીમાં 'રાધા તારી ચુનરી'ના ડાન્સની સળંગ ચાર કલાક પ્રેક્ટિસ કર્યા પછી જ્યારે ચેનલની વાનમાં બેસીને હોટલ ઉપર પાછી આવી ત્યારે ચેનલના પેલા ગુજરાતી ફલોર મેનેજર મધુસુદન મિસ્ત્રી તેની રાહ જોતા રિસેપ્શન એરિયામાં બેઠા હતા.

'નાનકડા' ગુડ ન્યુઝ એ છે કે હવે આપણો ડાન્સ દિવાને ડાન્સ પ્રોગ્રામ આવતા શુક્ર-શનિથી સ્ટાર્ટ થઇ જશે!'

'અરે વાહ !' રાધા ખુશ થઈ ગઈ. 'તો તો હું બધાને ઢંઢંરો પીટીને જણાવી દઈશ.'

'હજી ઢંઢેરો પીટવાને વાર છે કેમકે આ તો શરૂઆતનાં ઓડિશન રાઉન્ડો જ છે. એમાં તું અમદાવાદમાં જે છેલ્લી ઘડીએ સિલેક્ટ થયેલી ને, એનો નાનકડો ટુકડો હશે. એથી વધારે કંઈ નહીં.' 'તોય એ ગુડ ન્યુઝ તો ખરા ને ?' 'હા, પણ એનાથી મોટા ગુડ ન્યુઝ તારા માટે છે.' મધુસુદન મિસ્ત્રીએ પોતાનું નોટ-પેડ બહાર કાઢ્યું 'તારા રાધનપુરમાં તું કઈ સ્કૂલમાં ભણી ? કઈ કોલેજમાં જાય છે ? તારા ફ્રેન્ડઝ કોણ કોણ છે ? તને ડાન્સનો ચસકો કેવી રીતે લાગ્યો ? કોલેજમાં તેં કોઈ ડાન્સ રજુ કરેલો ખરો ? કોલેજમાં તારા પ્રોફેસરો, તારી નિશાળના શિક્ષકો...'

'અરે, અરે ?' રાધા પૂછવા લાગી 'આ બધાનું શું કામ છે ?'

'એ બધાનાં ઇન્ટરવ્યુ લેવાના છે.' તારા મમ્મી પપ્પાના તો ખાસ ! તારી મમ્મી સિવણકામ કરતી હોય, પપ્પા સુથારીકામ કરતા હોય...એમ કરતાં કરતાં એ લોકો તારા વિશે બધું બોલશે...'

'બાપુજી તો મને ખખડાવી જ નાંખશે !'

'તો એનું શૂટિંગ પણ કરીશું ! તારે પણ રાધનપુર આવવું પડશે, અમારી ટીમ સાથે.'

'મધુસુદન અંકલ, તમે તો મને ચણાના ઝાડ ઉપર ચડાવી રહ્યા છો હોં ? હજી તો માંડ પહેલા એપિસોડમાં મારો ડાન્સ આવ્યો છે, અને બીજાની તો હજી પ્રેક્ટિસ ચાલી રહી છે ત્યાં આટલું બધું ? અત્યારથી ?

'ના, અત્યારથી નહીં.' મધુસુદન મિસ્ત્રી થોડાં ગંભીર થઈ ગયા, 'જોં તું હવે પછીના રાઉન્ડમાં બીજાઓ કરતાં આગળ વધે તો જ આ બધું થશે.'

'બીજાઓ કરતાં એટલે ? બીજા બધા કરતાં ?' 

'ના પણ હાલમાં જે વીસ કોન્ટેસ્ટન્ટ છે ને, એમાંથી બીજા રાઉન્ડમાં કમ સે કમ દસ જણાની બાદબાકી થઈ જશે.'

રાધાના પેટમાં હળવો ધ્રાસકો પડયો. પહેલાં રાઉન્ડ વખતે ત્રીસમાંથી વીસ જ પસંદ થયા હતા તેની તો તેને ખબર સુધ્ધાં પડી નહોતી પણ હવે જ્યારે વીસમાંથી અડધો અડધનાં પત્તાં કપાઈ જવાનાં છે એવું જાણવા મળ્યું કે તરત રાધાના ચહેરા ઉપર ગભરાટની છાયા ફરી વળી.

મધુસૂદન મિસ્ત્રીની પારખી નજરમાં આ ફેરફાર...આવ્યા વિના રહ્યો નહીં. તેણે રાધાના ખભો થાબડતાં કહ્યું 'તું એ બધું ટેન્શન છોડ ને ? જજ લોકો શું વિચારે છે એ જોવાનું તારું કામ નથી. તું બસ, તારા ડાન્સમાં ધ્યાન આપ...નસીબમાં શું લખ્યું છે એની ચિંતા અત્યારથી શું કામ કરવાની ?'

મધુસુદનભાઈની વાત પણ જરાય ખોટી નહોતી.

***

'લિસન એવરીબડી ! પ્લીઝ કમ હિયર !' 

શુક્રવારે સાંજે છએક વાગ્યે જ્યારે ડિ'મેલો સરના સ્ટુડીયોમાં કોન્ટેસ્ટન્ટો અને તેમના મેન્ટર કુરિયોગ્રાફરો પ્રેક્ટિસ કરી લીધા પછી રિલેક્સ કરી રહ્યા હતા ત્યારે ડિ'મેલો સરની એન્ટ્રી થઈ.

એમણે સૌને નજીક બોલાવીને કીધું : 'ટુ ડે, એટ શાર્પ એઇટ થર્ટી પીએમ....અવર ડ્રીમ્સ આર ગોઇંગ ટુ કમ ટ્રુ....આપણો ડાન્સ દિવાને ડાન્સનો પહેલો એપિસોડ ઓન એર જઈ રહ્યો છે !'

'વ્હુઉઉઉ !' સૌએ ચિચિયારીઓ સાથે તાળીઓ પાડી, ડી'મેલો સરે આગળ ચલાવ્યું :

'નાવ, ધેટ કોલ્સ ફોર અ સેલિબ્રેશન !  થોડી જ વારમાં આખા હોલનું લાઇટિંગ બદલાઈ જશે...તમારા સૌ માટે લીંબુપાનીથી લઈને વાઈન એન્ડ વ્હીસ્કી સુધીનાં ડ્રીંક્સનું મિની-બાર હાજર થઈ જશે...અને...થ્રી-ડી સરાઉન્ડ સાઉન્ડ મ્યૂઝિક સાથે આપણે ડાન્સ કરીશું !'

'એએએએ !' સૌએ કિલકારીઓ કરી.

'મગર...મગર...મગર...' ડિ'મેલો બોલ્યા. 'આ ડાન્સ કોઈ કોમ્પિટીશન માટે નથી ! કોઈ માર્કસ કે કોઈ ટ્રેનીંગ માટે નથી, બલ્કે, તમારી પોતપોતાની મસ્તીને સેલિબ્રેટ કરવા માટે છે ! સો..ગો એહેડ એન્ડ બ્રેક ધ ફલોર !!'

થોડી જ વારમાં લાઇટિંગ બદલાઈ ગયું..રંગીન પીણાં અને મનભાવન ફૂડ્સ હાજર થઈ ગયાં....મસ્ત મજાનું ફાસ્ટ વેસ્ટર્ન મ્યુઝિક વાગવા લાગ્યું...બીજા કોન્ટેસ્ટન્ટો અને એમના મેન્ટરો તો મોજમાં આવી ગયા ! ગણતરીની મિનિટોમાં આખો ફલોર જાણે કોઈ ડિસ્કો કલબમાં ફેરવાઈ ગયો !

રાધા દૂરના છેડે ઊભી ઊભી આ બધું જોતી જ રહી ગઈ. છોકરા-છોકરીઓના જે ચેનચાળા હતા એવા તો તેણે કદી હિન્દી ફિલ્મોમાં પણ નહોતા જોયા, બે ઘડી થયું કે પોતે કંઈ દુનિયામાં આવી ગઈ છે ?

ત્યાં પાછળથી કિસને આવીને ખભે ટપલી મારી. 'ક્યા સોચ રહી હો?'

'કંઈ નહીં...યે સબ હમ કો ફાવતા નહીં હૈં.'

'તો જો ફાવતા હૈ વૈસા નાચો ના ?'

'મતલબ ?'

'ગરબા તો ગમે ને ?'

રાધાને થયું, હાસ્તો વળી, કેમ નહીં ? અહીં થોડો ડિ'મેલોનો બાપ એને રોકવા આવવાનો હતો ? રાધાએ થોડીવાર માટે રીધમને સમજી લીધી. પછી એણે હિલોળા સાથે વચમાં ઝૂંકાવ્યું !

રાધા જે રીતે ફેરફૂદરડી ફરતી હતી એ જોતાં બધા કોન્ટેસ્ટન્ટો અથડાઈ પડવાના ડરથી બાજુમાં ખસી ગયા ! રાધાએ મસ્તીમાં બૂમ પાડી 'એ હાલોઓઓ !'

એ જોઈને પહેલાં તો બે ચાર જણા ગરબામાં જોડાયા...અને પછી તો આખું ટોળું ગરબે ગાંડું થયું ! સીન જોવા જેવો હતો, મ્યુઝિક વેસ્ટર્ન, તાલ વેસ્ટર્ન, લાઈટિંગ પણ વેસ્ટર્ન છતાં ગરબા દેશી ! (એમાં વળી કોઈ ક્યાંકથી દાંડીયાઓ લઈ આવ્યું ! પછી તો જે રમઝટ જામી છે... આખરે દોઢેક કલાકની ધમાચકડી પછી એમાં 'ધનધતૂડી પતૂડી' પણ રાધાએ બધાને શીખવાડી દીધી હતી) સૌ પરસેવો લૂછીને ટીવીના મોટા સ્ક્રીન સામે ગોઠવાયા.

હવે 'ડાન્સ દિવાને ડાન્સ'નાં પહેલો એપિસોડ ઓન એર જવાનો હતો....

(ક્રમશ:)


Google NewsGoogle News