ડાન્સ રાધા ડાન્સ પ્રકરણ - 7 .
- વિભાવરી વર્મા
- એક ક્ષણ માટે રાધાના મનમાં ગોપાલનો ચહેરો ઉપસી આવ્યો. એ પણ આ શહેરમાં 'કોશિશ' જ કરી રહ્યો હતો ને? એની પાસે તો આ કિસનકુમાર જેવી કોઈ ટેલેન્ટ પણ નથી.
'બ હુ દોઢ ડહાપણ કરવાનું રહેવા દે. તું ગરીબ છે એટલે જ તારું સિલેકશન થયું છે ! તારા જેવીને શોમાં એટલા માટે જ રાખવામાં આવે છે, જેથી મિડલ કલાસ ઓડિયન્સ ટીવી સામે ચોંટી રહે...'
ટાઇ પહેરેલો ટીવી ચેનલનો યુવાન રાધાની નજીક આવીને કડક અવાજે જે કંઈ હિન્દીમાં કહી ગયો એનો ગુજરાતીમાં આ જ અર્થ થતો હતો.
રાધા માટે આ જબરદસ્ત આઘાત હતો. તેને હજી સમજાતું નહોતું કે 'મારી ગરીબીથી ફાયદો મને પોતાને થઈ રહ્યો છે, કે આ ચેનલને ?'
પણ અહીં દલીલો કરવાનો કશો અર્થ નહોતો. પેલો ટાઇવાળો સ્ટેજ પરથી ઉતરી ગયો કે તરત ડીરેક્ટરનો અવાજ સંભળાયો : 'ચલો, લાઈટ્સ ઓન ! શુરૂ કરતે હૈં...'
બીજી જ ક્ષણે આખો સેટ ઝળાંહળાં થઈ ગયો. રાધાએ એક ઊંડો શ્વાસ લીધો, પોતાના વ્હાલા કનૈયાને યાદ કર્યા અને આંખો ખોલી, ત્યાં ડીરેક્ટરે 'સ્ટાર્ટ'નો ઈશારો કર્યો... પહેલાં મ્યુઝિક અને પછી શરૂ થયો ગરબો 'નામ રે, સબ સે બડા તેરા નામ રે...'
રાધાના પગ થનગની ઉઠયા, હાથમાં જોમ આવી ગયું, સામે કોણ છે, પોતે ક્યાં છે એની જરાય પરવા કર્યા વિના તેણે છેલ્લા ચારેક કલાકમાં જે કંઈ તૈયારી કરી હતી તેનો અહીં નીચોડ ઠાલવી દીધો... રાધાના ડાન્સમાં ઘડીકમાં ગરબાની ઝલક હતી. ઘડીકમાં આરતીની મૃદ્રાઓ, ક્યાંક મા અંબાનો પોઝ, તો ક્યાંક મા અંબિકા રાક્ષસનો વધ કરતી હોય તેવી આક્રમકતા !
રાધા અમદાવાદના ઓડિશનમાં જે ભૂલી ગઈ હતી તે પોતાની ચુંદડી હવામાં ઉછાલીને પછી ફૂદરડી ફરીને કૂદકો મારતાં ઝીલી લેવાનું સ્ટેપ પણ બખુબી કર્યું અને કચ્છનાં ગરબામાં જેમ ત્રાંસા ભમરડા જેવા બનીને ફુદરડીઓ લેવાતી હોય છે તે પણ બેલેન્સ ગુમાવ્યા વિના કર્યું ! એટલું જ નહીં, છેલ્લે તો પોતે પોતાની સાથે દાંડિયા લાવી હતી તેને સ્ટેજના ફલોર પરથી ઉપાડીને તેને હવામાં ફંગોળતાં પોતાની ફેરફૂદરડીઓ કરતાં દાંડિયાને વારંવાર ઝીલી લેવાનાં સ્ટેપ પણ ભૂલચૂક વિના કરી બતાડયાં !
છેલ્લે ડાન્સ પુરો કરીને તે નમસ્કારની મુદ્રામાં ઊભી રહી ત્યારે સૌથી પહેલી તાળી સેટના ઉપરના ભાગમાં લાઇટ પકડીને ઊભા રહેલા લાઈટમેને વગાડી ! એ પછી તરત જ કેમેરામેનની તાળી પડી ! બીજી જ ક્ષણે તમામ ટેકનિશિયનોએ તાળીઓનો ગડગડાટ કરી મુક્યો !
પણ જજ લોકો બિલકુલ પૂતળાંની માફક સ્થિર હતા ! તાળીઓ બંધ થઈ ત્યાં સુધી એ લોકો એમ જ હતા ! છેવટે પેલાં જાડા સરખાં જજ મેડમ બોલ્યાં :
'રાધા, આજ તુમ ને જો કર દિખાયા હૈ વો હમને અબ તક કભી નહીં દેખા... તુમ્હે બહોત હી ઓર્ડીનરી ગીત દિયા ગયા થા. તુમ્હેં ગાઈડ કરને કે લિયે કોઈ કુરિયોગ્રાફર ભી નહીં થા, ઔર સિર્ફ તીન ચાર ઘંટે મેં યે ?!! માન ગયે રાધા !'
એ સાથે જ ત્રણે જજોએ તાળીઓ પાડીને રાધાને વધાવી લીધી ! ફરી એકવાર સ્ટુડિયોમાં ઊભા રહેલા ટેકનિશિયનોએ તાળીઓ ગગડાવી...
***
પાછા ફરવા માટે રાધા જ્યારે બસમાં ચડી રહી હતી ત્યારે એને પોતાને આખી ઘટના જે રીતે બની ગઈ તે જાણે એક અકસ્માતથી રચાઈ ગયેલા સપના જેવું જ લાગી રહ્યું હતું. પણ બસમાં દાખલ થયા પછી જાણે કોઈ મોટું પરાક્રમ થયું જ ન હોય એવું વાતાવરણ હતું. માત્ર બે યુવાન છોકરાઓએ તેની સીટ પાસે આવીને 'કોન્ગ્રેચ્યુલેશન' કહ્યું, બસ.
જોકે હોટલમાં પહોંચ્યા પછી રાધાએ સૌથી પહેલાં તો મમ્મીને ફોન કર્યો. પુરેપુરા ઉત્સાહ સાથે તમામ ડીટેલમાં આખી વાત કરી. પછી એટલાં જ ઉત્સાહ અને ખુશી સાથે ચિચીયારીઓ પાડતાં શીતલને બધું કીધું. એ પછી ગોપાલને પણ ફોન કરીને આખી વાત કરી. ગોપાલ તો સામા છેડેથી ઘેલાં કાઢવા માંડયો !
'ઓહોહો ! ગજ્જબ થઈ ગ્યો હોં ? આપડા રાધનપુરના નામનો ડંકો વગાડી દીધો તમે તો ! મેં નો'તું કીધું ? સૌ સારા વાનાં જ થવાનાં છે ! આ તો એમ જ માનવાનું કે તમારામાં સાક્ષાત મા અંબાની પધરામણી થઈ ! નહીંતર આવું બને ? હવે સાંભળો, હું સું કહું છું, આ બધું ટીવીમાં ક્યારે આવવાનું ? કેમકે સું છે, એ દા'ડે મારે રજા લેવી પડશે ને ? કારણ સું, કે અમારી ખોલીમાં તો ટીવી જ નંઈ ને, એટલે એનો ય ક્યાંક જઈને જોવાનો મેળ પાડવો પડશે ને ?'
રાધાને અચાનક ભાન થયું કે એક તરફ પોતે ટીવીની ચળકતી દુનિયામાં પહેલું પગલું મુકી દીધું છે અને બીજી તરફ આ ખતરનાક માયાનગરીમાં જેણે મને સવા મહિના સુધી સાચવી, એના પોતાના ઘરમાં ટીવી સુધ્ધાં નથી.
***
પણ હવે બધું બદલાઈ જવાનું હતું.
બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી અગિયારેક વાગે સૌ કોન્ટેસ્ટન્ટને બે વાનમાં બેસાડવામાં આવ્યા. વાનો ઉપડી ત્યારે રાધાએ જોયું કે બન્ને વાનમાં થઈને હવે ત્રીસને બદલે વીસેક જણા જ છે. ત્યારે એને સમજાયું કે ગઈકાલે દસ હરીફોની બાદબાકી થઈ ચૂકી હતી. એનો મતલબ એમ પણ થયો કે રાધાએ આ શોમાં પહેલી મંઝિલનો પડાવ પાર કરી લીધો છે.
જ્યારે બસ ઊભી રહી અને સૌને એક બિલ્ડીંગના સાતમે માળે એક વિશાળ ખુલ્લા અને ખાલી હોલમાં લાવવામાં આવ્યા ત્યારે રાધાને લાગ્યું કે આ હવે બીજી મંઝિલ છે ! અહીં એન્ટ્રન્સ પર સ્ટાઇલિશ અંગ્રેજી શબ્દોમાં લખ્યું હતું 'ડિ મેલો'ઝ ડાન્સ સ્ટુડિયો.'
અંદરની ફર્શ આ છેડેથી પેલા છેડા સુધી ચળકતી અને લીસ્સી હતી. તે લાંબી લાંબી સામસામેની દીવાલો ઉપર સળંગ છેકથી છેક સુધી ૧૦ ફૂટ ઉંચાઈના અરીસા લાગેલા હતા. એ જ રીતે આખી છત ઉપર દર ચાર ફૂટના અંતરે લાઇટો લાગેલી હતી.
'વેલકમ ટુ ધ ડ્રીમ કમ ટ્રુ સ્ટુડિયો ઓફ ડિ'મેલો સર !' એક સુંદર યુવતીએ નાનકડા માઈક સાથે એન્ટ્રી લઈને સૌનું સ્વાગત કર્યું. તેણે હિન્દીમાં કહ્યું : 'આ એ જગ્યા છે જ્યાં દેશભરના યુવક યુવતીઓનાં ડાન્સના સપનાં સાકાર થાય છે...'
એ પછી એક મોટા સ્ક્રીન ઉપર ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન શરૂ થયું જે જોતાં છેક હવે રાધાને ભાન થયું કે ગઈકાલે જે ત્રણ જજ હતા એમાંથી જે યંગ અને સ્ટાઈલીશ લાગતા હતા એ જ ડી'મેલો સર હતા ! પરદા ઉપર જે ચાલી રહ્યું હતું એ જોતાં રાધા દંગ થઈ ગઈ ! ઓહોહો... આ ડી'મેલો નામના કુરીયોગ્રાફરે આટલી બધી ફિલ્મોનાં આટલાં બધાં ગાયનોમાં આવડા મોટા મોટા ફિલ્મ સ્ટારોને નચાવ્યા છે ?!
પ્રેઝન્ટેશન પત્યા પછી ડી'મેલો સર પોતે જ પ્રગટ થયા ! તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓ વડે એમનું સ્વાગત થયું ! ત્યાર બાદ ડી'મેલોએ હાઈ-ફાઈ અંગ્રેજીમાં ટુંકું ભાષણ કર્યું, જેમાં રાધાને એક શબ્દની પણ ટપ્પી પડી નહીં ! એને થયું, આ આખો 'ડાન્સ દિવાને ડાન્સ' શો હિન્દીમાં, એમાં જે ગાયનો પર ડાન્સ થાય છે એ પણ નેવું ટકા હિન્દી ગાયનો, આ શો જોનારા લાખો કરોડો પ્રેક્ષકો પણ હિન્દીમાં સમજનારા, છતાં આ લોકો જ્યાં ને ત્યાં ઈંગ્લીશ જ કેમ ફાડયા કરતા હશે ?
ખેર, એ પછી એક બાઈએ આવીને થોડું વધારે ઈંગ્લીશમાં ફાડયું, એમાં રાધાને સમજાયું કે હવે દરેક કોન્ટેસ્ટન્ટને એક એક પર્સનલ 'ડાન્સ કોચ' આપવામાં આવશે. જે સતત એમની સાથે રહીને ડાન્સનાં સ્ટેપ્સ શીખવાડશે.
ત્યાર બાદ વારાફરતી કોન્ટેસ્ટન્ટોનાં નામોની સાથે સાથે ડાન્સ કોચનાં નામો એનાઉન્સ થવા લાગ્યાં. વારાફરતી એ કોચ પોતપોતાના ડાન્સરને લઈને સાઇડમાં જઈ રહ્યા હતા. છેવટે રાધાનું નામ બોલાયું (છેલ્લું જ હોય ને ?) સાથે તેના ડાન્સ કોચનું નામ બોલાયું : 'કે. યાદવ...'
પણ કોઈ આવ્યું જ નહીં ! પેલી બાઈ ચાર પાંચ વાર બોલી 'કે. યાદવ... કે. યાદવ... કહાં હૈ કે. યાદવ ?'
ત્યારે પાછળથી હાંફળો ફાંફળો થતો એક વેરવિખેર ઝુલ્ફાંવાળો યુવાન પીઠ પાછળ લટકાવેલી કેરી-બેગ સાથે લગભગ દોડતાં દોડતાં અંદર આવ્યો ! એનો ચહેરો પરસેવાથી તરબતર હતો. શ્વાસ ફૂલી ગયેલો હતો, એના હાથમાં એક ફાઈલ હતી જેની ઉપર પણ એના હાથના પરસેવાનો ભીનો પટ્ટો દેખાઈ રહ્યો હતો.
'આર યુ કે. યાદવ ?' એવા સવાલના જવાબમાં તેણે હાંફતાં ફાંફતાં માથું હલાવીને હા પાડી.
'સોરી, યુ આર ટુ લેટ.' પેલી બાઈ બોલી. 'ડિમેલો સર ડઝ નોટ લાઈક ઈન-પંકચ્યુઅલ પિપલ ! યુ કેન પ્લીઝ ગો.'
'હેં ?' પેલો જરા ડઘાઈ ગયો.
'યસ, આપ જા સકતે હૈં.'
'મગર મથુરા સે આનેવાલી મેરી ટ્રેન કો એક છોટા એક્સિડેન્ટ હો ગયા થા, ઈસલિયે-'
'વો મૈં નહીં જાનતી. યુ પ્લીઝ લીવ.'
પેલા યુવાનને આ સાંભળતાં ચક્કર આવી ગયાં ! હા, ખરેખર ચક્કર ! એ અચાનક ફર્શ ઉપર ફસડાઈ પડયો !
રાધા આ જોઈને ચોંકી ગઈ. તે એના તરફ પહોંચી ગઈ. જોકે એને પાણી-બાણી છાંટયા પછી એ સ્વસ્થ થયો ખરો, પણ એ દરમ્યાનમાં ડી'મેલો સર આવી પહોંચ્યા.
'વોટ ઈઝ ધ મેટર ?'
'સર, યે... કે. યાદવ કહેતા હૈ કિ મથુરા સે આનેવાલી ટ્રેન કો એક્સિડેન્ટ હો ગયા થા, ધેટ્સ વ્હાય હિ ઈઝ લેટ.'
ડી'મેલોએ એ યુવાનને પગથી માથા સુધી નજર નાંખીને, કંઈક વિચાર્યા પછી કહ્યું 'તુમ જિસ કોન્ટેસ્ટન્ટ કે ડાન્સ કોચ ચૂને ગયે હો, અગર વો તુમ્હેં અલાવ કરે તો, યુ કેન સ્ટે.'
યુવાન સૌના ચહેરા તરફ જોવા લાગ્યો. એને ક્યાં ખબર હતી કે એની થનારી 'શિષ્યા' કોણ હતી ? એ ક્ષણે રાધાને શી ખબર શું થયું, તેણે આગળ આવીને એક જ શબ્દ કહ્યો : 'હાં...'
***
પેલી તરફ રાધનપુરમાં હલચલ મચી ગઈ હતી. રાધાની બહેનપણી શીતલે કોલેજની જેટલી બહેનપણીઓ અને મિત્રો હતા બધાને ફોન કરી કરીને ખબર પહોંચાડી દીધા હતા. એટલું જ નહીં, પોતાના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં પણ રાધાના ફોટા સાથે લખી નાંખ્યું 'પ્રાઈડ ઓફ રાધનપુર ! સિલેકટેડ ઈન ડાન્સ દિવાને ડાન્સ !'
ગોપાલે પણ હરખઘેલા થઈને પોતાના ફોનથી રાધનપુરમાં તે જેટલાને ઓળખતો હતો એ સૌને ફોન કરી કરીને કીધું 'રાધાને આપડે ત્યાં મુંબઈમાં રહેવાની સગવડ મેં જ કરેલી, બોલો !' એ તો ઠીક, વોટસ-એપમાં સૌને પોતે રાધા જોડે જે સેલ્ફી લીધી હતી તે મોકલી આપી !
રાધાની મમ્મીએ તો ખાસ કોઈને આ સમાચાર આપ્યા નહોતા પણ પેલા ફોટા ફરતા ફરતાં રાધાના બાપુજીના સુથારીકામના કારીગરો પાસે પહોંચ્યા તે જોઈને એમનો ગુસ્સો ફાટી પડયો. એમણે તરત રાધાની મમ્મીને ફોન કર્યો :
'આપણે છોકરીને કોલેજમાં ભણવા માટે મુકી હતી કે આવું નાચવા માટે ? આપણને હતું કે છોકરી બીકોમ થયેલી હોય તો છોકરો સારો મલે, પણ આવી નાચનારીને પૈણવા હારુ હવે નાતનો ક્યો છોકરો તૈયાર થશે ? સત્યાનાશ વાળ્યું છે તારી છોકરીએ !'
***
આ બાજુ 'ડિ'મેલો ડાન્સ એકેડમી'માં રાધાએ પોતાના ઝોલામાંથી ઠંડા પાણીની બોતલ કાઢીને કે. યાદવને આપી, તેના બે ચાર ઘુંટડા પીધા પછી તેનો શ્વાસ હેઠો બેઠો. તે બે હાથ જોડીને બોલ્યો :
'રાધાજી, આપ ને મેરી નૌકરી બચા લી !'
'નૌકરી ?' રાધા આ યુવાનને જોતી જ રહી ગઈ. 'મૈં ને આપ કી નૌકરી કૈસે બચાઈ ?'
યુવાને કહ્યું 'મારું આખું નામ કિસનકુમાર યાદવ છે. હું મથુરાનો રહેવાસી છું. બીકોમ ફાઇનલ યરમાં બે વાર નાપાસ થયા પછી મારી પાસે આ જ નોકરી બચી હતી જેના આધારે હું આગળની જીંદગી જીવી શકું.'
'પણ આ તમારી નોકરી શાની છે?'
'ડાન્સ કોચની.' કિસનકુમારે કહ્યું 'આ અગાઉ હું યુપીની 'દંગલ' ચેનલના ડાન્સ શોમાં ક્વાટર ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. એ પછી મને અહીંની એક હિન્દી ચેનલમાં ચાન્સ મળેલો. પણ -'
'પણ ?' રાધાએ પૂછ્યું
'હવે શું કહું?' કિસનકુમારે આજુબાજુ નજર નાંખ્યા પછી અવાજ ધીમો કરતાં કહ્યું 'એ ચેનલના એક એકિઝક્યુટિવે મારી પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા ! હું ના આપું તો મને ત્રીજા રાઉન્ડથી આગળ જવા ના મળે.'
'અને તમારી પાસે તો એટલા પૈસા જ નહોતા. બરોબર ?'
કિસનકુમાર રાધા સામે એવી નજરોથી જોઈ રહ્યો કે 'તમને શી રીતે ખબર પડી ?' પછી પોતાના દેદાર જોઈને એ સમજી ગયો કે કોઈપણ માણસ તેને એક વાર જોઈ લે પછી સમજી જાય કે મારી ઔંકાત શું છે !
'પણ એવામાં મને આ ડી'મેલો ડાન્સ એકેડમીની ઓનલાઇન એડ. જોવા મળી. એમાં ડાન્સ કોચ જોઈતા હતા. મેં મારા રીલ્સ મોકલી આપ્યાં, મારો ઓનલાઇન ઈન્ટરવ્યુ થયો... હું સિલેક્ટ પણ થઈ ગયો, અને જો આજે-'
'એ તો ઠીક છે, પણ તમે આ ડીડીમાં જ કેમ ભાગ નથી લેતા ?'
કિસનકુમાર કડવું હસ્યો, 'કેમકે બીજી ચેનલમાં હું એક વાર આવી ગયો એટલે હવે એંઠો થઈ ગયો કહેવાઉં !'
'ઓહ, એવું હોય છે ?'
'હા પણ ખાસ ચિંતાની વાત નથી. આ ડિ'મેલો સરની મુંબઈમાં જ ત્રણ એકેડમી ચાલે છે. એ ઉપરાંત દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, ગોવામાં પણ એકેડમીઓ છે. આગળ જતાં હૈદરાબાદ, અમદાવાદ જેવા શહેરોમાં પણ એકેડમીઓ ખુલશે, જો અહીં હું ઠીકઠાક કામ બતાડીશ તો ગમે તે ઠેકાણે મને પરમેનેન્ટ નોકરી મળી જશે.'
'તો હજી તમારી નોકરી પણ ટેમ્પરરી જ છે ?'
'દુનિયામાં ક્યાંય કશું પરમેનેન્ટ નથી હોતું, રાધાજી !' કિસનકુમારના ચહેરા ઉપર ઝાંખી ઉદાસી ફરી વળી,
પણ બીજી જ ક્ષણે જાણે એ ઉદાસીને ધક્કો મારતો હોય તેમ માથું ધૂણાવતાં બોલી ઉઠયો :
'વો કહતે હૈં ના, કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી !'
એક ક્ષણ માટે રાધાના મનમાં ગોપાલનો ચહેરો ઉપસી આવ્યો. એ પણ આ શહેરમાં 'કોશિશ' જ કરી રહ્યો હતો ને ? એની પાસે તો આ કિસનકુમાર જેવી કોઈ ટેલેન્ટ પણ નથી. છતાં એના ચહેરા ઉપર હમણાં આ કિસનકુમારના ચહેરા ઉપર દેખાઈ એવી ઉદાસીની નાની સરખી ઝલક પણ તેને જોવા મળી નહોતી !
'મગર પતા હૈ ?' કિસનકુમારે પોતાનો મોબાઈલ કાઢતાં કહ્યું 'જબ મૈં ને તુમ્હારે યે પરફોર્મન્સ કી ક્લિપ દેખી, તબ મુઝે યકીન હો ગાય કિ મેરી નૌકરી અબ પક્કી હૈ !'
રાધાએ એના મોબાઈલમાં જોયું તો તે ચમકી ગઈ ! આ તો તેણે આગલી રાત્રે 'નામ રે... ગરબા ઉપર જે ડાન્સ કર્યો હતો તેની ક્લિપ હતી ! એ જોતાં જોતાં રાધાની આંખો પહોળી થઈ ગઈ ! એક બાજુ પેલા રંગબિરંગી ભવ્ય સ્ટેજ ઉપર પોતાને નાચતી જોઈને તેનો આનંદ માતો નહોતો, પણ બીજી બાજુ પોતે જે નાની મોટી ભૂલો કરી હતી તે જોઈને જીવ બળી ગયો.'
છતાં કિસનકુમાર કહી રહ્યો હતો. 'રાધાજી, મેરી નૌકરી કા દાવ આપકે ઉપર લગા હૈ. અગર આપને કમાલ કિયા તો બસ, ક્યા બતાઉં...'
અને અહીં રાધા વિચારી રહી હતી કે બસ, એનું સપનું તો 'ડાન્સ દિવાને ડાન્સ'ના એકાદ એપિસોડમાં જ આવવાનું હતું ને ? અને આ માણસ મારા આ તકલાદી સપના ઉપર પોતાની નોકરીને દાવ ઉપર લગાડીને બેઠો છે ? શું થશે બિચારાનું ?
(ક્રમશ:)