ડાન્સ રાધા ડાન્સ પ્રકરણ - 5 .
- વિભાવરી વર્મા
- આ જ હતો 'ડાન્સ દિવાને ડાન્સ'નો ભવ્ય સેટ ! અહીં હજી લાઇટિંગનું કામ ચાલી રહ્યું હતું પરંતુ જેટલું લાઇટિંગ થઇ ચૂક્યું હતું એ જોઇને રાધાની આંખો ફાટી ગઈ !...
રા ત્રે સાડા નવ વાગે ગોપાલ દર વખતની જેમ ત્રણ દાદરા ચડીને હાંફતો આવ્યો અને લગભગ નાચતો હોય એ રીતે ઉછળતાં બોલ્યો:
'જલ્દી કરો ! તમારો મોબાઈલ ચાલુ કરો ! મેસેજ આઈ ગ્યો છે તમારા 'ડીડીડી'માંથી !'
રાધાને નવાઈ લાગી. તેણે મોબાઈલ સ્વિચ ઓન કર્યો. અને ખરેખર ! એમાં મેસેજ હતો !
રાધાએ પૂછ્યું 'મેસેજની તમને શી રીતે ખબર પડી ?'
'એ લાંબી સ્ટોરી છે, પહેલાં ફટાફટ રેડી થઇ જાવ ! આજે, હમણાં જ તમારે મલાડની એક હોટલમાં પહોંચવાનું છે !'
રાધા તો ઉત્તેજના અને આનંદથી એટલી બહાવરી બની ગઈ કે એને સુઝ જ નાં પડી કે હવે કરવાનું શું છે ? ગોપાલ બોલ્યો :
'એમ ઊભા ના રહો ! ફટાફટ તમારાં કપડાં પેક કરવા માડો !' પછી પોતે જ બોલ્યો. 'લો, હું ય કેવો છું ! તમને નવાં કપડાં તો લઇ આલ્યાં, પણ પેક શેમાં કરવાનાં ? ઊભા રહો, હું બેગ પણ લાયો છું !'
ગોપાલ ધડધડ કરતો ત્રણ દાદરા ઉતરીને નીચે ગયો અને એટલી જ ઝડપે દાદરા ચડતો પાછો ઉપર આવ્યો. એનાં હાથમાં એક બેગ હતી ! એ હાંફતાં હાંફતાં બોલ્યો :
'રીક્ષા કરીને ધડાધડ અંઇ આવતો હતો ત્યાં રસ્તામાં જ મને બેગની દુકાન દેખાઈ ! એ જ વખતે મને મારી મુરખાઈ યાદ આવી, કે બોલો, તમને કપડાં તો લઇ આલ્યાં પણ - '
રાધા તો આ છોકરાને જોઈ જ રહી ! કેટલું બધું વિચારતો રહે છે. આ ગોપાલ મારા માટે ?
'હવે ફટાફટ કપડાં નાંખો આ બેગમાં ! અને હા, પેલું ટૂથબ્રશ, ને ટૂથપેસ્ટ, ને ટુવાલ ને એ બધું તો ખાસ હોં ? કેમકે હોટલમાં -'
રાધા પોતાનાં કપડાંને ગડી કરવા મથી રહી હતી ત્યાં ગોપાલે બધાં કપડાં લઇને કોઈ પ્રોફેશનલની માફક સટાસટ ગડી કરી કરીને બેગમાં ગોઠવવા માંડયા ! પાછો બોલતો જાય:
'એ તો સું છે કે આ સાડીની દુકાન પહેલાં એક લેડિસ ડ્રેસની દુકાનમાં નોકરી લાગેલી. એટલે ઘડી કરવાની મને પ્રેક્ટિસ હોં ? હવે જલ્દી કરો, રીક્ષા નીચે જ ઊભી છે.'
***
રીક્ષામાં બેઠાં પછી ગોપાલે આખી સ્ટોરી ચાલુ કરી : 'એમાં થયું સું, કે મેં તો તમને મોબાઈલ સ્વિચ-ઓપ કરવાનું કીધેલું ? એટલે તમારી જોડે તો મેસેજ આવે જ ક્યાંથી ? પણ થયું સું, કે તમારાં ફ્રેન્ડ સીતલબેન ખરાંને, એમણે મોબાઈલમાં સર્ચ મારવાનું રાખેલું, કે ભાઈ ડાન્સ દિવાને ડાન્સમાં જે બીજા બધા સિલેક્ટ થયા હોય એ બી પોતાની સ્ટોરી તો મુકે જ ને, કે હું સિલેક્ટ થઇ ગઇ ? તો એમાંની બે-ચારને સીતલે ફોલો કરવાનું રાખેલું ! ને બોલો, એમાંથી એક બે જણીએ લખ્યું ને, કે હું તો આજે મુંબઇ પહોંચી ગઈ ! કે તરત સીતલબેનને લાઇટ થઇ કે મેસેજ તો આઈ જ ગયેલો હસે, પણ લોચો સું થયો...'
ગોપાલ નોન સ્ટોપ બોલ્યે જતો હતો. રાધાને પણ થયું કે હવે આ આડી અવળી વાતો કર્યા વિના મેઇન વાત કરે તો સારું. પણ ગોપાલ આખી સ્ટોરી કહ્યા વિના રહે ખરો ?
'એટલે લોચો સું થયો કે એક બાજુ તમારો મોબાઈલ સ્વિચ-ઓપ, ને આ બાજુ મારા મોબાઈલની બેટરી ડાઉન ! સાલી, કાલે સાંજની બેટરી ઉતરી ગયેલી ! પણ મને ખબર જ નંઇ ! ક્યાંથી ખબર પડે ? કેમ કે આપડે કંઇક એવા મોટા વીઆઈપી થોડા છીએ કે વારેઘડીએ આપણા ઉપર ફોન આવે ? આ તો આજે બપોરે હું મુંબઇ સેન્ટ્રલના ગોડાઉનમાં માલ લેવા ગયેલો ને ત્યાં મારી નજર પડી ! એટલે મેં ફોન મુક્યો ચાર્જિંગમાં...'
રાધાને હવે હસવું આવી રહ્યું હતું. જોવાની વાત એ હતી કે ગોપાલ દરેક મુશ્કેલીનું વર્ણન પણ એવી રીતે કરી રહ્યો હતો કે જાણે કોઈ મોટું 'સાહસ' ચાલી રહ્યું હોય !
'હવે સું, કે ફોન-ચાર્જિંગમાં તો ખરો, પણ ગોડાઉન હતું ભોંયરામાં ! એટલે ટાવર ના પકડાય ? પેલી બાજુ તમારાં સીતલબેન ફોન પર ફોન માર્યા કરે, પણ અંઇ લગી રીંગ પહોંચે તો ને ? છેવટે છેક સાંજે સાડીઓના માલનું પોટલું માથે ચડાઈને હું ભોંયરામાંથી બહાર નીકળ્યો ત્યારે... જેવો ટાવર પકડાયો ને...'
ગોપાલે પોતાના જ હાથ વડે તાળી વગાડીને કહ્યું, 'ત્યારે આખો સસ્પેન ખુલ્યો, બોલો ! કેમ કે મોબાઈલમાં તમારાં સીતલબેનના ટોટલ બાર મિસ કોલ ? બોલો ! પછી મેં ફોન કર્યો ને, ત્યારે એમણે કીધું કે ફટાફટ રાધાને જાણ કરો કે મોબાઈલ ઓન કરે.. કેમ કે મેસેજ આઈ ગયો છે ! પણ બોલો, લોચો સું થયો...'
રાધાએ કહ્યું 'હાસ્તો ? મારો ફોન બંધ હોય તો તું મને કોલ કેવી રીતે કરે?'
'એક્ઝેટલી !!' ગોપાલે ફરી પોતાના હાથે જ તાળી મારી. 'એટલે ડાયરેક્ટ રીક્ષા કરીને આયા વિના છૂટકો જ નહોતો ! સાડીઓનું પોટલું બી દુકાને મુકવા નથી ગયો ! આ જુઓ, આ પડયું !'
પણ હું શું કહું છું... હવે આ હોટલ પર જઇને પહેલું કામ તમારાં મધરને ફોન કરવાનું કરજો... કારણ સું કે...
ગોપાલની રેકોર્ડ આખા રસ્તે નોન-સ્ટોપ ચાલતી જ રહી. એમાં એ બધું જ બોલી ગયો : 'તબિયતનું ધ્યાન રાખજો. નરવસ જરાય ના થતા, કોઈ બી તકલીફ હોય તો મને ફોન કરજો, ભગવાનનું નામ લઇને મહેનત કરવાની, બધાં સારાં વાનાં થઇ જસે...'
રાધા એને સાંભળવા કરતાં જોવામાં વધારે પરોવાયેલી હતી. એને થયું કે મને પોતાને જેટલો આનંદ અને ઉત્સાહ છે એના કરતાં દસ ગણો ઉભરો તો આ ગોપાલને આવી રહ્યો છે !
ગોપાલ એકની એક વાત વારંવાર કરી રહ્યો હતો એમાં રાધાને કદાચ ધ્યાનમાં જ ના આવ્યું કે ગોપાલે શૂટિંગ જોવા માટે 'પાસ'ની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું હતું, કેમ કે રાધાને હવે ગોપાલ નહીં, એની નવી મંઝિલ દેખાઈ રહી હતી.
***
'લો, આઈ ગઇ તમારી હોટલ !' ગોપાલે નીચે ઉતરીને તરત જ રીક્ષાવાળાને પૈસા ચૂકવી દીધા. રાધા કંઇ કહેવા ગઇ તો કહે : 'હમણાં તમે તમારા ડાન્સ ને એ બધા ઉપર ધ્યાન રાખો, હિસાબની ક્યાં ઉતાવળ છે, હેં ?'
ગોપાલે રાધાની બેગ ઉપાડી લીધી. હોટલમાં દાખલ થયા ત્યારે ખાસ્સા અગિયાર વાગી રહ્યા હતા. આમ જોવા જાવ તો જોગેશ્વરીથી મલાડ માંડ દસેક કિલોમીટરનું અંતર થાય. પણ મુંબઇનો ટ્રાફિક એવો હોય છે કે સૌનો સમય એમાં જ ફસાઇ જતો હોય છે.
હોટલના રિસેપ્શન પર પહોંચ્યા પછી રાધાએ મોબાઈલમાંથી મેસેજ બતાડયો. કાઉન્ટર પર બેસેલા માણસે કહ્યું 'થર્ડ ફ્લોર, રૂમ નંબર ૩૧૧.'
રાધા બેગ લઇને લિફ્ટ તરફ ગઈ. ગોપાલ તેને છેલ્લું 'બાય બાય' અને 'ગુડલક' કહેવા માટે હજી રિસેપ્શન ઉપર ઊભો રહ્યો હતો પરંતુ રાધા લિફ્ટમાં પ્રવેશી પછી તેણે આ તરફ જોયું પણ નહીં... કેમ કે એની મંઝિલ હવે ઉપરની તરફ હતી.
જો કે ગોપાલના ચહેરા ઉપરનું સ્મિત હજી વિખરાયું નહોતું. ઉલ્ટું, ઉછળતા ડગલે એ રીક્ષા તરફ ગયો અને પૂછ્યું. 'ઇધર સ્ટેશન કિધર બાજુ પડતા હૈ ?'
કેમકે અહીંથી મલાડ સ્ટેશન સુધી તેને ચાલીને જવાનું હતું...
***
રાધા ૩૧૧ નંબરની રૂમમાં દાખલ થઇ ત્યારે તેની સાથે રૂમમાં જેને ઉતારો મળ્યો હતો એ છોકરી ઓલરેડી ડબલ બેડમાં ઊંઘી ગઈ હતી. રૂમમાં અંધારું હતું. માત્ર એક નાઇટ લેમ્પ ચાલુ હતો.
રાધાએ એની મમ્મીને વિડીયો કોલ લગાડયો. બે ચાર રીંગ પછી મમ્મીએ ઉપાડયો. રાધા ધીમા અવાજે બોલી : 'મમ્મી, હું અહીં મલાડની એક હોટલમાં પહોંચી ગઈ છું. પછી કાલે નિરાંતે ફોન કરું છું.'
રાધાની તો ખુબ ઇચ્છા હતી કે મમ્મીને અને શીતલને પણ વિડીયો કોલમાં બતાડે કે આ હોટલની રૂમ કેટલી સરસ છે ! પણ...
***
થાક અને ગભરાટને કારણે રાધાને રાત્રે વહેલી ઉંઘ આવી જ નહીં... ઉપરથી પેલી બીજી છોકરીએ રૂમમાં એસી ફૂલ કરી નાંખેલું હતું. રાધાની હથેળી આમ પણ ઠંડી પડી ગઈ હતી. કાલનો શું પ્રોગ્રામ છે ? મારે શું તૈયારી કરવાની છે ? કશી જ ખબર નહોતી... વિચારોમાં ને વિચારોમાં છેવટે ત્રણેક વાગે ઊંઘ આવી.
સવારે જ્યારે તેની આંખ ખુલી ત્યારે દસ વાગી ગયા હતા. તેની સાથે જે રૂમ પાર્ટનર હતી તે સરસ કપડાં પહેરીને, અરીસા સામે બેસીને પોતાના વાળ ઓળી રહી હતી. તેણે અરીસામાં જ જોઇને રાધાને કહ્યું :
'વિ હેવ ટુ બિ રેડી બાય ઇલેવન.'
'હેં ? રાધાના મોંમાંથી નીકળી ગયું.
'ગ્યારા બજે તક રેડી હોના હૈ.' પેલીએ સપાટ અવાજે હિન્દી અનુવાદ કરીને ઉમેર્યું ગુજરાત સે હો ?'
'હા,' રાધા ફટાફટ બાથરૂમમાં જતી રહી.
***
અગિયાર વાગે તે રૂમની બહાર નીકળી ત્યારે ખબર પડી કે હોટલના કોન્ફરન્સ રૂમમાં જવાનું છે. અહીં દરેક કોન્ટેસ્ટન્ટના આઈ-કાર્ડ બની રહ્યાં હતાં. વારાફરતી બધાને બોલાવીને એમની પાસે કંઇ કાગળિયાઓમાં સહી કરાવતા હતા.
રાધા છેક છેલ્લી અહીં આવી હતી. એટલે એનો નંબર છેલ્લે આવ્યો. ટીવી ચેનલના સ્ટાફ મેમ્બરે તેને એક પ્લાસ્ટિકમાં ફીટ કરેલું આઈ-કાર્ડ આપ્યું. 'યે હમેશા ગલે મેં લટકા કર રાખના હૈ, ઔર ઇધર સાઈન કરો.'
કાગળોની એક થપ્પી તેની તરફ ખસેડાઈ. 'યે ક્યા હૈ ?' રાધાએ પૂછ્યું. પેલો હવે ઉતાવળમાં હતો. એ બોલ્યો : 'કોન્ટ્રાક્ટ હૈ, સાઈન કરના હૈ, યા-'
એ ઊભાં જ થવા જતો હતો ત્યાં રાધાએ કહ્યું 'પેન પ્લીઝ...' પેલાએ પેન આપી અને કાગળની થપ્પીનું છેલ્લું પાનું ખોલીને જ્યાં સહી કરવાની હતી તે ઠેકાણે આંગળી મૂકી.
રાધાએ સહી કરી દીધી. પેલો કાગળિયાં ભેગાં કરીને ઊભો થતાં બોલ્યો : 'દસ મિનિટ મેં વાન નિકલેગી. સ્ટુડિયો પર જાના હૈ. ઓકે ?'
આખરે સ્ટુડિયો !! રાધાના મનમાં ઝણઝણાટી થઇ આવી.
****
હોટલની બહાર પંદર-વીસ સીટોવાળી બે વાન હતી. આમાં પણ રાધાનો નંબર છેલ્લી સીટ પર હતો. રાધાએ જોયું કે વાનમાં જે છોકરા છોકરીઓ હતાં એ તમામ એટલાં ટીપટોપ હતાં કે એમાંથી ભાગ્યે જ કોઈ મિડલ ક્લાસનું હોય. ચાર પાંચ હેન્ડસમ અને બ્યુટિફૂલ છોકરા છોકરીઓ નજીક નજીકની સીટ ઉપર બેસીને એકબીજા સાથે ઇંગ્લીશમાં મજાક મસ્તી કરી રહ્યાં હતાં. બાકીના જે કોન્ટેસ્ટન્ટ હતા એમણે વાન સ્ટાર્ટ થતાં જ પોતાના કાનમાં ઇયર પ્લગ નાંખી દીધાં !
રાધા કોની સાથે વાત કરે ? ના, સવાલ એ હતો કે રાધા સાથે કોણ વાત કરે ? રાધાનાં કપડાં હતાં તે દૂરથી જોતાં જ પેલા લોકો સમજી જતા હતા કે આ 'આપણામાંની' નથી. રાધા બારીની બહાર જોતી બેસી રહી.
આખરે જ્યારે ગોરેગાંવની ફિલ્મસીટીનો ગેટ દેખાયો ત્યારે રાધાની આંખો ચમકી. આહા ! તો આ છે એ નગરી જ્યાં ટેલિવિઝન અને ફિલ્મોનાં સપનાં તૈયાર થાય છે !
રાધા પહોળી આંખે બહાર જોતી રહી. પણ અહીં જે દેખાઈ રહ્યું હતું તે રાધાની કલ્પનાથી ઘણું અલગ હતું. ખાસ્સા ૫૨૦ એકરમાં પથરાયેલી આ ફિલ્મસીટીમાં મોટાભાગે વાહનોની અવરજવર દેખાઈ રહી હતી. ક્યાંક એક 'પરમેનેન્ટ' મંદિર હતું, તો ક્યાંક ખાસ શૂટિંગ માટે 'સેન્ટ્રલ જેલ'નો માત્ર દરવાજો હતો, કોઈ ઠેકાણે શૂટિંગ માટેનું ચર્ચ, તો ક્યાંક શૂટિંગ માટેનું કબ્રસ્તાન...હા, દૂરથી એક જગ્યાએ ખાસ શૂટિંગ માટે બનાવેલું રેલવે સ્ટેશન પણ હતું ! જેના પાટા બન્ને સાઇડે થોડે આગળ જતાં કપાઈ ગયેલા હતા !
જો કે આ બધું એકબીજાથી ખાસ્સું દૂર દૂર પથરાયેલું હતું. વાન પસાર થઇ રહી હતી એ દરમ્યાન રાધાએ જોયું કે અહીં જાણે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ હોય એવાં 'છૂટાં છૂટાં બાંધકામો દેખાતાં હતાં જેની ઉપર મોટા અક્ષરે અંગ્રેજીમાં ૧, ૨, ૮, ૧૨ એવા આંકડા લખેલા હતા. આખરે જ્યારે ૮ નંબર લખેલા શેડ પાસે આવીને વાન ઉભી રહી ત્યારે બસમાં બેઠેલા બધાં બોલ્યા :'
'ચલો સ્ટુડિયો આ ગયા...'
રાધા વિચારમાં પડી ગઈ ! આવા હોય સ્ટુડિયો ? કારખાનાં જેવાં ? પણ જ્યારે એમને સૌને એક મોટી ટ્રક દાખલ થઇ શકે એવા દરવાજામાંથી અંદર લઇ જવામાં આવ્યા ત્યારે જે દ્રશ્ય દેખાયું એ જોઇને રાધાની આંખો ચકિત થઇ ગઈ !
આ જ હતો 'ડાન્સ દિવાને ડાન્સ'નો ભવ્ય સેટ ! અહીં હજી લાઇટિંગનું કામ ચાલી રહ્યું હતું પરંતુ જેટલું લાઇટિંગ થઇ ચૂક્યું હતું એ જોઇને રાધાની આંખો ફાટી ગઈ !... તો આખરે આ હતી એની મંઝિલ ! આ જ હતું એનું નાનકડું સપનું !
અહીં વચ્ચે જે સ્ટેજ હતું એની ફર્શ તો જાડા કાચની હતી ! નીચેથી જાતજાતની લાઇટો ટેસ્ટિંગ માટે ઝબૂકી રહી હતી. સ્ટેજની પાછળના બેકગ્રાઉન્ડમાં હજારો એલઇડી લાઇટ્સનો એક વિશાળ સ્ક્રીન હતો જેમાં વિવિધ દ્રશ્યો બદલાઈ રહ્યાં હતાં. ઘડીકમાં સ્વીટ્ઝરલેન્ડના બર્ફીલા પહાડો તો ઘડીકમાં અરબસ્તાનનું સોનેરી લાગતું રણ...
જો કે આ બધું અહીં ટેસ્ટિંગ જ ચાલી રહ્યું હતું. એ જ સ્ક્રીન ઉપર થોડી ક્ષણો પછી રંગબેરંગી લાઇટોની જુદી જદી પેટર્ન નાચતી ફરતી દેખાવા લાગી ! રાધા તો જાણે પૂતળું બની ગઈ હતી 'બાપરે... આવો હોય સ્ટુડિયો?'
સ્ટેજની આજુબાજુ પ્રેક્ષકો માટેની બેઠકો હતી જે કોઈ બાસ્કેટબોલ સ્ટેડિયમની માફક હરોળબંધ ગોઠવાઈને ઊંચી ઊંચી થતી જતી હતી. જો કે એ તરફ હાલમાં અંધારું હતું. સ્ટેજની જમણી તરફ થોડી ખાસ સીટો હતી જે કદાચ કોન્ટેસ્ટન્ટો અને એમનાં મા-બાપ અથવા બીજા વીઆઈપી પ્રેક્ષકો માટે હોય તેમ લાગતું હતું. અને સ્ટેજની બિલકુલ સામે...
આહા ! જ્યાં રાધાની કિસ્મતનો ફેંસલો કરનારા બેસવાના હતા તે જજ લોકોની સીટો હતી. બે ક્ષણ માટે રાધાના પગ ઢીલા થઇ ગયા. અમદાવાદના ઓડિશનમાં તો આ જજ લોકોએ એનો ડાન્સ જોઇને એક તાળી સુધ્ધાં નહોતી પાડી.
હવે અહીં શું થશે ?
અને હા, કેમેરા ક્યાં હતા ? રાધાની નજરો કેમેરાઓને શોધી રહી હતી. ત્યાં પાછળથી કોઇનો ગુજરાતીમાં અવાજ સંભળાયો :
'રાધા પંચાલ ? ગુજરાતથી આવો છો ?'
રાધાએ પાછળ ફરીને જોયું તો પાંત્રીસેક વરસના એક ભાઈ હાથમાં નોટ-પેડ સાથે ઊભા હતા.
'હું મધુસુદન મિસ્ત્રી. અહીં ફ્લોર મેનેજર છું. તે કંઇ ખાધું ?'
'હેં ?' અચાનક થયેલા સવાલથી રાધા જરા ગુંચવાઈ ગઈ. પેલા ભાઈ હસી પડયા.
'તારા મોઢા પરથી તો લાગે છે કે સવારની ચા પણ સરખી રીતે પીધી નથી. ચાલ, અહીં એક ફક્કડ કેન્ટિન છે. મારે પણ હજી નાસ્તો બાકી જ છે.'
'પણ મારું. રાધા હજી ગુંચવણમાં હતી.'
'તારો નંબર છેક છેલ્લો છે. ચિંતા ના કરીશ. તારો વારો આવતાં સાંજ પડી જશે.'
'તો ત્યાં સુધી ?'
'ત્યાં સુધી હું તને બતાડીશ કે અહીં આખું શુટિંગ કેવી રીતે થાય છે ! જેટલું જોવાય એટલું જોઇ લે, કેમ કે તારા માટે તો આ પહેલું ને છેલ્લું જ છે !'
રાધા હવે વિચારમાં પડી ગઈ. આ ભાઈ એવું કેમ બોલ્યા ?
(ક્રમશ:)