ડાન્સ રાધા ડાન્સ પ્રકરણ - 4 .
- વિભાવરી વર્મા
- રાધા એને જોતી જ રહી ગઈ. આ છોકરો અહીં કેવી ખરાબ સ્થિતિમાં જીવે છે ? છતાં મુંબઈને 'મારું મુંબઈ' કહે છે ! જે હોય તે આ શહેરનાં પાણીમાં કંઈક તો જાદૂ છે....
જો ગેશ્વરીના ઇન્દીરા નગરની એ ખોલીમાં રાધાએ જેમ તેમ કરીને બે દિવસ તો કાઢ્યા. પણ હવે એનું મન ઢીલું પડી રહ્યું હતું. થતું હતું કે શી જરૂર છે આ બધી જફાઓ કરવાની ? જો પોતે એક વાર 'ડાન્સ દિવાને ડાન્સ'ના એપિસોડમાં નહીં આવે તો લાઈફમાં એવું તે શું ખાટુંમોળું થઈ જવાનું હતું ? આના કરતાં રાધનપુરમાં શું ખોટું હતું ? મનમાં આવતું હતું કે ખાડામાં જાય આ બધું ! ટ્રેનની ટિકીટ કઢાવીને પાછી જતી રહું...
રાધા આવા વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં ત્રીજા દિવસે ગોપાલ ઉત્સાહથી ઉછળતો ઘરમાં આવ્યો : 'હું સું કહું છું, સાંભળો ! તમારો સામાન પેક કરી લો ! તમારા રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે !'
પછી પોતાનું જ કપાળ કૂટીને બોલ્યો : 'લો, હું ય શું બોલ્યે રાખું છું કે સામાન પેક કરી લો ! હજી સામાન જ ક્યાં છે તમારો ? પણ હવે ચલો, રીક્ષાને ગલીના નાકે ઊભી રખાઈને આયો છું...'
રાધાએ પોતાની બેક-પેકમાં બે જોડી કપડાં ખોસ્યાં, ચંપલ પહેરી અને તૈયાર થઈ ગઈ, ત્યાં તો ગોપાલ બોલ્યો 'હું સું કહું છું, જોડે એક થાળી, બે વાટકી ને એક પ્યાલો બી લઈ લો...અને હા, માથુ ઓળવાની કાંસકી, નહાવાનો સાબુ, શેમ્પુનાં પાઉચ, નહાવાનો ટુવાલ, નેપકીન...આ બધું બી જોઈશે જ ને ? અહીંથી તમે મારો એ બધો સામાન લઈ લો, પછી મારે તો સું કે -'
રાધા આ માણસને જોતી જ રહી ગઈ ! પોતે જ્યારે રાધનપુરથી નીકળી ત્યારે પણ આટલું બધું નહોતું વિચાર્યું. અને આ ગોપાલ ? કેટ-કેટલી ઝીણી ઝીણી વસ્તુઓનું ધ્યાન રાખી રહ્યો છે !
રીક્ષામાં બેઠા પછી પણ ગોપાલની રેકોર્ડ સતત ચાલુ જ હતી. 'બોલો, જોગેશ્વરી વેસ્ટમાં જ રહેવાની જગ્યા મળી ગઈ. આમ જોકે બહુ હાઈ-ફાઈ ના કહેવાય, પણ મારે તમને આવી ઝુંપડપટ્ટીમાં તો ના રહેવા દેવાય ને ? જ્યારે અહીંયાં સું, કે ચાર માળના ફલેટ છે, આમ જુના છે, લિફટ બી નથી. પણ સું, કે તમારી જોડે પીજીમાં બીજાં બે લેડિસ હશે. પણ હું સું કહું છું, તમારે એમને તો કહેવાનું જ નંઈ કે તમે ખાલી મહિના દોઢ મહિના માટે રહેવાના છો. કેમકે સું છે, એમની જોડે જે ત્રીજી લેડિસ રહેતી હતી ને, એ છોડીને જતી રહી છે એટલે જગ્યા ખાલી પડી...અને બોલો, નસીબ બી કેવું કહેવાય ? આપણી દુકાનમાં પેલાં રૂકમણિ બેન ખરાં ને, એમની જ ઓળખાણમાંથી વાત મલી !'
'કોણ રૂકમણિ ?' રાધાએ પૂછ્યું.
'લો ભૂલી ગ્યા ?' ગોપાલ હસી પડયો. 'અરે, તે દિવસે તમારી જોડે જે બે છોકરીઓએ સેલ્ફી નંઈ પડાયેલી ? એમાંની એક ! એ કોંકણ બાજુની છે, તમે એના કોંકણી ભાત પણ ખાધેલા, એના ટિફીનમાંથી! બોલો, ઓળખાણ કેવી કામમાં આઈ ? એટલે જ પેલું, કીધું છે ને, કે ઓળખાણ એ જ સોનાની ખાણ છે! બાકી મુંબઈમાં તમને રોટલો મળી રહે, પણ ઓટલો ઝટ ના મલે ! પણ બોલો, મલી ગયો ને ? આ મુંબઈ શહેરને એટલે જ તો સપનાંની નગરી કીધું છે. અંઈ જે મહેનત કરે એને ફળ તો મલવાનું જ છે, પછી જેનાં જેવાં નસીબ, હેં! કોઈને થોડું મલે, કોઈને વધારે....બાકી -
રાધા ફરી વિચારે ચડી ગઈ. આ છોકરો, જે દસમું ફેલ છે, જેને મામુલી સાડીની દુકાનમાં સાવ ફાલતુ નોકરી છે અને જે કોઈ ગંધાતી ગલીની ખોલીમાં રહે છે એનો ઉત્સાહ કેટલો છલકે છે ! અને પોતે ?
'લો, આઈ ગ્યું તમારું ડિલાઈટ વ્યુ એપાર્ટમેન્ટ ! અંઈ ત્રીજા માળે તમારો ફલેટ છે. અંઈ ભાડું ઓછું છે, કારણ સું, કે પાછળની સાઈડે ઝુંપડપટ્ટીનો વ્યુ, આવે છે. બાકી બીજી કોઈ તકલીફ નંઈ હો ?'
'ભાડું ?' અચાનક રાધાને ભાન થયું કે આનું ભાડું કેટલું હશે ? હજી એ આગળ કંઈ પૂછે એ પહેલાં ગોપાલ બોલી પડયો : 'એ બધી ચિંતા હમણાં છોડોને ભૈશાબ ? મેં એડવાન્સ ભાડું ભરી દીધું છે. કારણ સું, કે આપડી દુકાનના શેઠ સ્વભાવના બહુ સારા ! એમણે જ મને કીધું કે હમણાં જોઈએ એટલા લઈ લે, પછી ધીમે ધીમે પગારમાંથી-'
દાદરા ચડતાં ચડતાં અચાનક ગોપાલ અટકી ગયો, 'લો બોલો, વાતો કરતાં કરતાં આપણે ત્રીજે માળે આઇ ગ્યા....લો, આ દરવાજો પણ ખુલ્લો લાગે છે !'
દરવાજો ખુલ્લો હતો છતાં ગોપાલે ડોરબેલ વગાડી. અંદરથી એક મરાઠી ટાઈપની સાડી પહેરેલી યુવતી બહાર આવી. ગોપાલ ઉત્સાહથી બોલવા લાગ્યો, 'વો રૂકમણી બેન સે બાત હુઈ થી ને ? આ રાધા હૈ, વો ટીવી મેં ડાન્સ દિવાને ડાન્સ આતા હૈ ને ? ઉસ મેં સિલેક્ટ હુઈ હે. બોત અચ્છી ડાન્સર હે, હોં ? ચલો, અબ મેં જાઉં ?'
પાણી-બાણી પીધા વિના ગોપાલ સડસડાટ દાદરા ઉતરી ગયો ! રાધા હજી તો બારણે જ ઊભી હતી ! પેલી યુવતીએ સહેજ ખસીને અંદર આવવાનો ઇશારો કર્યો. રાધા અંદર આવી. તેણે ચારેબાજુ જોયું.
જુનો, ખખડી ગયેલો ફલેટ હતો. ઘર માલિકે રંગરોગાન કરાવ્યાને પણ દસ વરસ થઇ ગયાં હોય તેમ લાગતું હતું. બહાર જે ઓરડો હતો એમાં કહેવા ખાતર જે સોફા હતો તે ખરેખર પાટ હતો, જે રાતના સૂવા માટે બેડ તરીકે કામમાં આવતો હતો. એની સામે જ બીજો નાની સાઇઝનો બેડ હતો, જેની ઉપર થોડાં કપડાં, પર્સ, હેન્ડબેગ વગેરે સામાન પડયો હતો. અંદર એક નાનો બેડરૂમ હતો જેની ચાદર નવી લાગતી હતી. સાઇડમાં એક નાનું ટેબલ પણ હતું.
'ઉસ મેં સ્મિતા રહેતી હૈ. વૌ જ્યાદા ભાડા દેતી હૈ. હમ દોનોં બાહર કે રૂમ મેં....હાં, ઇધર કબાટ હૈ. સામાન રખના હો તો.'
સામાન તો હતો જ ક્યાં ? રાધા અંદર કિચનમાં આંટો મારીને પાછી આવી ત્યાં તો ગોપાલ ત્રણ દાદરા ચડીને હાંફતો અંદર આવ્યો. 'લો બોલો, હું ય ખરો છું ને ? તમને પૈસા આપવાનું તો ભૂલી જ ગયો. કેમકે સું છે, કે તમારે બી રોજના શાકભાજી કરિયાણું લાવવાનાં તો રહ્યાં જ ને ? અને બીજો બી ખર્ચો. એટલે આ રાખો.'
ગોપાલે રાધાની હથેળીમાં ગડી વાળેલી નોટો મુકી દીધી. રાધાએ જોયું કે ખાસ્સા ૫૦૦ રૂપિયા હતા. એ બોલવા ગઈ કે 'આટલા બધાની શી જરૂર.'
'ક્યારે શેની જરૂર પડે એની કોને ખબર હોય ? એટલે રાખોને ? અને હા, હું સું કહું છું, મેઈન વાત તો ભૂલી જ ગયેલો, બોલો !'
એમ કહેતાં ગોપાલે ખિસ્સામાંથી મોબાઈલ કાઢતાં કહ્યું, 'લો તમારા મધર જોડે વાત કરી લો...'
ગોપાલે નંબર લગાડીને રાધાને ફોન આપ્યો. રીંગ જતી હતી...રાધાનું મન વંટોળે ચડયું. શું કહેશે મમ્મી ? હું શું કહું ? બાપુજી સાંભળતા હશે તો ? ત્યાં તો મમ્મીનો અવાજ સંભળાયો.
'કેમ છે રાધા બેટા ? તું ત્યાં હેમખેમ તો છે ને ?'
'હા મમ્મી' કહેતાં તો રાધાને ગળે ડૂમો બાઝી ગયો, પણ પછી તેણે કાબૂ રાખ્યો. મમ્મી, હું બિલકુલ હેમખેમ છું. આપણા ગામનો ગોપાલ કરીને એક છોકરો છે ને -
'હા, મને શીતલે બધી વાત કરી. શીતલના પપ્પા ય એને ઓળખે છે.'
'હા, એણે બહુ મદદ કરી છે. આજે હું હમણાં જ એક ફલેટમાં રહેવા આવી ગઈ છું અને...રાધાના ગળામાં શોષ પડયો 'બાપુજીને બધી ખબર છે ?''
'હજી સુધી તો નથી, પણ તું ચિંતા ના કરીશ. હું શીતલના પપ્પાને કહીને એમની જોડે વાત કરાવડાઈશ.'
'પણ બાપુજી ગુસ્સો કરશે તો ?'
'ત્યારની વાત ત્યારે. હમણાં તો તું તારી તબિયત સંભાળજે. ખાવાપીવાનું ધ્યાન રાખજે અને -' અચાનક મમ્મીનો અવાજ ધીમો થઈ ગયો. 'તારા બાપુજી આવતા લાગે છે. ચાલ, આવજે.'
ફોન કટ થઈ ગયો. અને આ 'આવજે' એટલે શું? મારે રાધનપુરમાં ક્યું મોઢું લઈને જવાનું છે ? રાધાએ આંખમાં ધસી આવતા આંસુ હથેળી વડે લૂંછીને ગોપાલને ફોન આપ્યો. એ બોલ્યો :
'એમ, રડવાનું નંઈ ભૈશાબ! હિંમત રાખવાની ! આપણે માથે કંઈ આભ થોડું તૂટી પડયું છે, હેં ? બધું થઈ પડશે. અને, હું સું કહું છું, રાતના જમવા માટે બહારથી કંઈ લઈને આવી જઉં ?'
'ના, અહીં કિચન છે ને ?'
'લો બોલો !' ગોપાળ હસ્યો. 'અમારી ઇન્દીરા નગરની ખોલી કરતાં તો તમારું રસોડું મોટું લાગે છે ! બોલો, જલસા છે ને ? અચ્છા, સાંભળો, આપણી દુકાન અહીંથી ખાસ દૂર નથી હોં, આખો દહાડો અંઈ કંટાળો આવે તો દુકાને આઈ જવાનું...ટાઈમપાસ ! ચલો, હવે હું જઉં ?'
ગોપાળ આવ્યો હતો એ જ ઝડપથી દાદરા ઉતરીને જતો રહ્યો. રાધા વિચાર કરતી રહી. આ ગોપાલને કેટલો પગાર હશે ? અને કેટલા ઘરે મોકલતો હશે ? મારા માટે થઈને એણે દુકાનના માલિક પાસેથી કેટલા રૂપિયા એડવાન્સ પેટે લીધા હશે ? રાધાને થયું, આ બધું 'દેવું' એ ક્યારે ચૂકવી રહેશે ? પેલાં 'ડાન્સ દિવાને ડાન્સ'વાળા કંઈ પૈસા બૈસા આપતા હશે કે પછી -
*****
પેલી ઈન્દીરા નગરની ખોલી કરતાં તો અહીં સારું હતું. દુકાનમાં જેણે પોતાની સાથે સેલ્ફી લીધી હતી તેની ઓળખાણવાળી યુવતીનું નામ ગોમતી હતું. એ એક જથ્થાબંધ ગારમેન્ટ બનાવતી ફેકટરીમાં સિલાઈ મશીન પર સિલાઈકામ કરવા જતી હતી.
તે સવારે પોતાનું ટિફીન જાતે બનાવીને લઈ જતી હતી અને રાતે આઠેક વાગે રોજના ત્રણ કલાકનો ઓવરટાઇમ કરીને આવતી હતી, સ્વભાવની ખૂબ જ ઓછા બોલી હતી. પૂછે એટલાનો જ જવાબ આપતી હતી.
એ સિવાય જે બીજી છોકરી હતી, સ્મિતા, તે બીજી રીતે ઓછું બોલતી હતી. કેમકે તે અહીં કોલેજમાં ભણવાની સાથે ક્યાંક નોકરી પણ કરતી હતી. આ છોકરી પોતાને વધુ 'એજ્યુકેટેડ' માનતી હશે એટલે ખાસ વાતચીત કરતી નહોતી.
સ્મિતા સવારે ટિફીનમાં માત્ર સેન્ડવિચ જેવું કંઈ બનાવીને લઈ જતી હતી. કદાચ કોલેજ પછી જ્યાં નોકરી કરતી હશે ત્યાં બહારનું ટિફીન મંગાવીને ખાતી હશે. કેમકે તે રાત્રે પાછી આવે ત્યારે એના ડબ્બામાં થોડી સબ્જી, એકાદ રોટી અને રાઈસ-દાલ પાછાં આવતાં હતાં. રાત્રે તે એમાંથી જ ખાઈ લેતી હતી.
******
આવા બે મુંગા લોકો સાથે દહાડા કેમ પસાર થશે ? એવું રાધા વિચારતી હતી ત્યાં બે દિવસ પછી રાત્રે નવેક વાગે ત્રણ દાદરા ચડીને હાંફતો ગોપાલ બારણે ડોકાયો ! એના હાથમાં છ સાત મોટી મોટી પ્લાસ્ટિકની થેલીઓ હતી.
'લો બોલો, હું સું કહું છું, હું યે કેવો ડફોળ છું ! તમને અહીં રહેવા માટે તો લઈ આયો પણ તમારે પહેરવા માટે કપડાં તો જોઈએ કે નહીં? એટલે જુઓ આ....'
ગોપાલે પાટ ઉપર થેલીઓ મુકીને અને એમાંથી વારાફરતી સાત-આઠ ડ્રેસિંસ કાઢીને બતાડવા લાગ્યો. એનો ઉત્સાહ તો જાણે માતો જ નહોતો ! પણ રાધાએ જોયું કે દરેક ડ્રેસ ઉપરથી એણે પ્રાઇઝ ટેગ કાઢી નાખ્યું હતું. હજી તે પૈસાની વાત કાઢે ત્યાં ગોપાલ બોલી ઊઠયો :
'એમાં સું છે, મને તો કંઈ તમારા લેડિઝ કપડાંમાં બહુ સમજ પડે નહીં, પણ આ તો મને ઠીક લાગ્યાં એવાં લઈ આયો ! કારણ સું, તમને બી ક્યાંક બહાર જવું હોય, આવું પહેરીને ડાન્સની પ્રેક્ટિસ કરવી હોય તો વિડીયોમાં બી સારું લાગવું
જોઈએ ને?'
'એ તો બરાબર પણ-'
'રાધાની વાત કાપી નાંખતાં ગોપાલ બોલ્યો, હું સું કહું છું. આમાં પેલાં તમારાં સું કહેવાય, અંદર પહેરવાનાં કપડાં નથી....કેમકે એમાં તો મને સ્હેજે ય સમજ ના પડે ને ?' બોલતાં બોલતાં ગોપાલ શરમાઈ નીચું જોઈ ગયો. રાધાને હસવું આવી ગયું. જોકે ગોપાલની રેકોર્ડ ફરી સ્ટાર્ટ થઈ ગઈ. 'તમને જે પૈસા આપ્યા છે ને, એમાંથી તમારા હિસાબે માપથી લઈ લેજો, હોં ? બોલો બીજું ?'
ગોપાલે બીજું બોલવા જેવું રાખ્યું જ શું હતું ? છતાં બોલ્યો તો ગોપાલ જ! 'આમ ઘરમાં ને ઘરમાં બેસીને તમે કંટાળી જશો, એના કરતાં હું સું કહું છું, અંઈ આયા છો તો ભેગાભેગું થોડું મુંબઈ શહેર બી જોઈ લો ને ? રવિવારે મારે રજા હોય છે. બોલો, આવવું છે ? તમને મારું મુંબઈ બતાડું!'
રાધા એને જોતી જ રહી ગઈ. આ છોકરો અહીં કેવી ખરાબ સ્થિતિમાં જીવે છે ? છતાં મુંબઈને 'મારું મુંબઈ' કહે છે ! જે હોય તે આ શહેરનાં પાણીમાં કંઈક તો જાદૂ છે....
**********
રવિવારે સવારથી ગોપાલ હાજર થઇ ગયો ! રાધા પણ ખુશમિજાજમાં હતી. ગોપાલે આપેલા ડ્રેસમાંથી એને જે સૌથી વધારે પસંદ આવ્યો હતો તે મોરપીંછ કલરનો ડ્રેસ એણે પહેરી લીધો. બન્ને નીકળી પડયાં.
ગોપાલ તેને પહેલાં સિદ્ધિ વિનાયકના મંદિરે દર્શન કરાવવા લઈ ગયો. પછી ત્યાંથી છત્રપતિ શિવાજીનું મ્યુઝિયમ, રાજાબાઈ ટાવર, ઊંચી ઊંચી બિલ્ડીંગો...એમ કરતાં પહોંચ્યા ગેટવે ઓફ ઇન્ડિયા ! અહીંથી ગોપાલે દરિયામાં જતી ફેરીમાં બેસીને એલિફન્ટાની ગુફાઓ સુધીની સફર કરાવી.
ગુફાઓ જોઈને તો એ બોલ્યો પણ ખરો : 'બોલો, તમે ના આયાં હોત તો હું અંઈ કદી આયો જ ના હોત! મેં પણ પહેલી જ વાર જોઈ હોં?'
ફેરીમાં જતાં, ફેરી વડે પાછાં આવતાં, દરેક ઠેકાણે ગોપાલ સતત રાધા સાથે પોતાની સેલ્ફીઓ લઈ રહ્યો હતો. 'તમે તો પાછાં રાધનપુર જતાં રહેવાનાં. પણ હું તો દિવાળીમાં એક જ વાર ત્યાં આવવાનો ને ? તે વખતે બધાને બતાડીશ કે જુઓ, તમારી રાધનપુરની રાધાની જોડે અમારી બી સેલ્ફીઓ છે !
સાંજ પડતાં ગોપાલ તેને ચોપાટીના દરિયે લઈ ગયો. ભેળપુરી, પકોડી, પાણીપુરી એવું જાતજાતનું આગ્રહ કરી કરીને
ખવડાવ્યું. રાધા રખડી રખડીને થાકી હતી છતાં ગોપાલ તેનો હાથ ખેંચી ખેંચીને 'મારું મુંબઈ' બતાડતો રહ્યો.' પાછા વળતાં રાધા એટલી થાકી ગઈ હતી કે રીક્ષામાં બેઠાં બેઠાં ખભે માથું મુકીને ક્યારે ઊંઘી ગઈ તેની તેને જ ખબર નહોતી ! છેવટે જ્યારે તે જોગેશ્વરી વેસ્ટના ડિલાઇટ વ્યુ એપાર્ટમેન્ટના દાદરા સુધી મુકવા આવ્યો ત્યારે રાધાને અંદરખાને ડર લાગી રહ્યો હતો કે આ ગોપાલ તેને ક્યાંક 'આઈ લવ યુ'ના કહી બેસે !
****
મહિનો આમ પસાર થઈ ગયો....એક રાત્રે સાડા નવ વાગે ગોપાલ દર વખતની જેમ ત્રણ દાદરા ચડીને હાંફતો આવ્યો અને લગભગ નાચતો હોય એ રીતે ઉછળતાં બોલ્યો : 'જલ્દી કરો ! તમારો મોબાઈલ ચાલુ કરો ! મેસેજ આઈ ગ્યો છે તમારા 'ડીડીડી'માંથી '
'હેં ?' રાધાને નવાઈ લાગી. તેણે મોબાઈલ સ્વિચ-ઓન કર્યો....અને ખરેખર ! એમાં મેસેજ હતો !
રાધાએ પૂછ્યું : 'મેસેજની તમને શી રીતે ખબર પડી ?'
'એ લાંબી સ્ટોરી છે પહેલાં ફટાફટ રેડી થઈ જાવ ! આજે, હમણાં જ તમારે મલાડની એક હોટલમાં પહોંચવાનું છે !'
(ક્રમશ:)