ડાન્સ રાધા ડાન્સ પ્રકરણ - 3 .

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ડાન્સ રાધા ડાન્સ    પ્રકરણ - 3                          . 1 - image


- વિભાવરી વર્મા

- રાધા ફરી એકલી પડી. કેમનું થશે આ બધું? એક નાનકડા અમથા સપનાને સાકાર કરવા માટે તે રાધનપુરથી નીકળી તો પડી હતી પણ...

એ ક પછી એક સ્ટેશનો પસાર થઈ રહ્યાં હતાં... પહેલાં રાધનપુર, પછી અમદાવાદ, પછી મુંબઈ સેન્ટ્રલ... અને મુંબઈની લોકલ ટ્રેનની ભરચક ભીડમાં રાધા જ્યાં ઊભી હતી. તે પહોળા દરવાજાની બહારથી સ્ટેશનો પસાર થઈ રહ્યાં હતાં... દાદર... માટુંગા... માહિમ...

પાટાઓ ઉપરથી ઝડપથી પસાર થઈ રહેલા ટ્રેનના ડબ્બાઓનો ખટાખટ... ખટાખટ... અવાજ રાધાના કાનથી પ્રવેશીને મગજની દિવાલો ઉપર પથરાની જેમ ટકરાઈ રહ્યો હતો. આ ઘોંઘાટમાં રાધાના મનમાં એક વિચાર ફરકી ગયો કે 'ક્યાંક આ ગોપાલ જ મને-'

ત્યાં જ ગોપાલ બોલ્યો : 'હું સું કહું છું, તમે જે શીતલની વાત કરીને, એના ફાધર મને ઓળખે હોં ! મેં એમની હોફિસે પટાવાળાની નોકરી કરેલી ને, એટલે ! બઉ સારા માણસ હોં ? એમણે જ મારા મામાને કહીને એક કાપડના હોલસેલ વેપારીની ઓળખાણ કરાઈને, મને અંઈ મુંબઈમાં નોકરીએ રખાયો ! કારણ સું, કે રાધનપુર જેવા નાના ગામમાં તો મારા જેવા દસમું ફેલનું તો કોઈ ફ્યુચર જ નંઈ ને ?'

રાધાને આ સાંભળીને થોડીક હાશ થઈ. ચાલો, કમ સે કમ એની ખાસ બહેનપણી શીતલના ડેડીનો ઓળખીતો તો ખરો ? કાલે ઊઠીને આ ગોપાલે કંઈક કર્યું તો -

'એ, હું સું કહું છું, તમે છે ને, પછી તમારી બેનપણી સીતલને બધી વાત કરીને કહી દેજો કે તમે મારી જોડે જ છો. કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સીતલને ખાસ કે'જો કે એના ફાધરને ખાસ યાદ કરાવે કે હું અમને તંઈ નોકરીમાં હતો અને હા, બધી વાત થઈ જાય ને, પછી તમે તમારો ફોન સ્વિચ-ઓપ કરી નાંખજો. કારણ સું, કે જો પછી પોલીસ તમને ખોળવા નીકળશે તો એ લોકો સૌથી પહેલાં તમારો ફોન ટ્રેસ કરવાના... એમાં જો ખબર પડી જાય કે તમે અંઈ છો, તો ભલું પૂછવું, તમારા બાપુજી ખોળતા ખોળતા અંઈ આઈ જાય, ને એમાં-

રાધાને ઘડીકમાં આ ગોપાલની વાતોમાં ડહાપણ હોય એવું લાગતું હતું અને ઘડીકમાં લાગતું કે ખરો બબુચક છે ! શીતલને બદલે 'સીતલ' બોલે છે અને સ્વિચ-ઓફને એ 'સ્વિચ-ઓપ' કહે છે !

ગોપાલ સતત કંઈ ને કંઈ બોલ્યા કરતો હતો. 'મુંબઈમાં સું છે, કે જેને મહેનત કરવી છે એને ચાન્સ તો મલે જ છે. પછી આપડું લક, હેં ? બાકી...' વચ્ચે વચ્ચે એ ટ્રેનમાંથી 'મુંબઈ દર્શન' પણ કરાવી રહ્યો હતો : 'જુઓ આ બાંદ્રા સ્ટેશન આયું. આ છેક અંગ્રેજોના જમાનામાં બનેલું હોં ! આ એરિયામાં બધા ક્રિસ્ચનો બઉ રહે...' 'આ અંધેરી ખરું ને, એ ધીમે ધીમે ન્યુયોર્કને ટક્કર મારે એવું થઈ જવાનું...' 'અંઈ મુંબઈમાં ઘરોનાં ભાડાં જોયાં છે ? બધા કે છે કે મુંબઈમાં રોટલો મલે પણ ઓટલો ના મલે...'

એ સાથે જ રાધાના મનમાં સૌથી મોટો સવાલ ટકરાયો. 'ડાન્સ દિવાને ડાન્સ'નું શૂટિંગ તો હજી મહિના પછી ચાલુ થશે, ત્યાં સુધી રહેવાનું ક્યાં ? એના પાકિટમાં તો હવે માંડ દોઢસો રૂપિયા બચ્યા હતા. એને થયું કે આ સવાલ તે ગોપાલને પૂછી જ લે. પણ એટલામાં તો જોગેશ્વરી સ્ટેશન આવી ગયું.

બહાર નીકળીને રીક્ષામાં બેસાડીને ગોપાલ તેને એક સાડીની દુકાન પાસે લઈ આવ્યો. 'જુઓ, આવી ગઈ આપણી દુકાન ! એના માલિક ગુજરાતી જ છે હોં ! આવો...'

જોગેશ્વરી સ્ટેશનથી નજીક જ મેઈન રોડ ઉપર આ બે માળની દુકાન હતી. બહાર ગુજરાતી અને હિન્દી બે ભાષામાં બોર્ડ માર્યા હતાં : 'અંબિકા સાડી સ્ટોર્સ' વળી નાના અક્ષરે મરાઠીમાં પણ લખ્યું હતું 'યેથે સર્વ પ્રકારાંચા નવીન આણિ સુંદર સાળ્યા મિળેલ.'

દુકાનમાં લઈ જઈને ગોપાલે રાધાની ઓળખાણ કરાવી. 'આ રાધા અમારા' રાધનપુરનાં છે. પેલું ડાન્સ દિવાને ડાન્સ આવે છે ને, એમાં આવવાના છે ! સિલેક્ટ થઈ ગયા ને, એટલે... અને રાધા, આ અમારી દુકાનના શેઠ, મોહનલાલ...' રાધાએ એમને નમસ્કાર કર્યા. શેઠે પણ ખાસ  બતાડયા વિના માથું હલાવ્યું.

'તમે અંઈ બેસોને, હું મારું કામ પતાવું.' એમ કહીને ગોપાલ રાધાને એક સ્ટુલ ઉપર બેસાડીને પેલું પોટલું ખભે ઉપાડીને દુકાનની દિવાલને અડોઅડ આવેલા સાંકડા લાકડાના દાદરા ઉપર લટકતું જાડું દોરડું એક હાથે પકડીને, બીજા હાથે ખભે ગોઠવેલું પોટલું ઝાલીને ફટાફટ ઉપર જતો રહ્યો.

રાધા સ્ટુલ ઉપર બેસી રહી. રસ્તા ઉપર ભરચક ચહલ-પહલ હતી. આખો વિસ્તાર મિડલ ક્લાસના લોકોથી ઉભરાઈ રહ્યો હતો. પણ મુંબઈનો મિડલ ક્લાસ પણ કેવો ટીપટોપ હોય છે ? રાધાએ જોયું કે અહીં તો મામુલી ફૂલો વેચનારી પણ સરસ મજાની મરાઠી સાડી પહેરીને વાળમાં ફૂલોના મોટા ગજરા નાંખીને બેઠી હોય. નોકરીએ જતા પુરૂષો ભલે બફારામાં પરસેવાથી નીતરતા હોય, છતાં ગળામાં ટાઈ લટકતી હોય અને પગમાં ચળકતા બૂટ હોય ! કોઈને જાણે નવરાશ જ નથી...

જોકે દુકાનમાં હજી ખાસ ઘરાકી નહોતી. ગોપાલ ઉપર ગયો તે ગયો. હજી આવ્યો જ નહોતો. અડધા કલાક પછી તેણે ઉપરથી ડોકીયું કર્યું :

'એ હું સું કહું છું ? લંચ ટાઈમ થયો છે. જમી લેવું છે ? આઈ જાવને, ઉપર ?'

રાધા પેલાં લાકડાંનાં સાંકડા પગથિયા ચડીને ઉપર ગઈ. અહીં છત ખાસ્સી નીચી હતી. ચારે બાજુ સાડીઓ અને સાડીના ફોલનો સ્ટોક ભરેલો પડયો હતો. એક ખૂણામાં એક સિલાઈ મશીન હતું. કદાચ અહીં કોઈ કારીગર બેસીને સાડીના ફોલ નાંખી આપતો હશે.

'આવો, આવો... આ બાજુ.' ગોપાલે તેને દુકાનની પાછલી સાઈડે જ્યાં એક મોટી બારી જેવું હતું એ તરફ બોલાવી, તેની પાછળ પાછળ નીચેથી બીજા ચારેક સ્ટાફવાળા આવી રહ્યા હતા. એમણે અહીં રાખેલાં ટિફીનો ખોલવા માંડયાં. થોડી જ વારમાં બધા એક ગોળાકારમાં ગોઠવાઈને બેસી ગયા.

'જુઓ, શરમાવાનું નંઈ હોં ? બધાના ટિફીનમાંથી જે ભાવે એ ખાવાનું છે, હા !' ગોપાલે કહ્યું. રાધાએ સ્હેજ ખચકાટ સાથે ખાવાનું શરૂ કર્યું. ટિફીનોમાં જુદી જુદી જાતની ઘરેલુ વાનગીઓ હતી. કોઈના ઝુણકા ભાખર, કોઈની સત્તુ (ચણા) રોટી, તો કોઈના કોંકણી ભાત.. સ્ટાફમાં બે છોકરીઓ પણ હતી. એમાંની એકે પૂછયું :

'તુમ વો ટીવી મેં આતી હો ?'

'આતી નહીં, આવનેવાલી હૈ...' ગોપાલે ગર્વથી કહ્યું 'વો ડાન્સ કા પ્રોગ્રામ નંઈ આતા હૈ ? ઉસ મેં સિલેક્ટ હો ગઈ હૈ ! અબી શૂટિંગ બી સ્ટાર્ટ હોયેગા.'

સ્ટાફની છોકરીઓ ખુશ થઈ ગઈ 'અચ્છા ? તો ઉસ ટાઈમ હમ કો પાસ મિલેગા ના ? શૂટિંગ દેખને કો?'

'ક્યોં નંઈ મિલેગા ? મૈં હું ને ? ગોપાલ તો જાણે કોઈ મોટી ટીવી સ્ટારને દુકાનમાં લઈ આવ્યો હોય એવી રીતે વાત કરી રહ્યો હતો. જોકે એનાથી એક સારી વસ્તુ એ થઈ કે સ્ટાફના લોકો તેને જરા અહોભાવથી જોવા લાગ્યા અને આગ્રહ કરી કરીને પોતપોતાની વાનગીઓ ખવડાવવા લાગ્યા ! કેવા સરસ મજાના ભોળા લોકો હતા ! રાધાનું પેટ વાનગીઓ કરતાં પ્રેમથી વધારે ભરાઈ ગયું !'

જમી લીધા પછી પેલી બે છોકરીઓએ તો રાધા સાથે સેલ્ફીઓ પણ લીધી ! પોઝ આપતી વખતે રાધાના ચહેરા ઉપર તો સ્માઈલ હતું પણ મનમાં ઊંડે ઊંડે ડર હતો કે 'આ બધું કેમ કરીને પાર પડશે ? હજી તો અહીં મહિનો કાઢવાનો છે...'

જમી લીધા પછી બધા નીચે ગયા ત્યારે છેલ્લે ઉતરી રહેલા ગોપાલે કીધું : 'તમતમારે અહીં શાંતિથી એક ઊંઘ ખેંચી કાઢો હોં ? કેમકે થાકયાં હશો ને ? અને, હું સું કહું છું, એક ફોન કરી દેજો સીતલબેનને, અને પછી, સું કહું છું, ફોન સ્વિચ-ઓપ કરી દેજો... હોંને ?'

ગોપાલ નીચે ગયો. રાધા હવે સાવ એકલી પડી. હવે અહીં બારીની બહાર જે મુંબઈ શહેર દેખાતું હતું. એમાં કોઈ ચળકાટ નહોતો, કોઈ ગ્લેમર નહોતું, કોઈ ભવ્યતા નહોતી. અહીંથી જુનાં, ભેજથી કાળાં પડી ગયેલાં મકાનો દેખાતાં હતાં. મકાનો ઉપર ટીવીની ડીશોનાં ઝુમખાં દેખાતાં હતાં અને બારીમાંથી જેટલું આકાશ દેખાતું હતું તે સાવ ફીક્કું, નિસ્તેજ અને ખાલી હતું. કેમકે માત્ર આ દુકાનની જ નહીં, મુંબઈની પણ પાછલી સાઈડ હતી.

એક નિશ્વાસ નાંખીને રાધાએ ફોન કાઢ્યો. શીતલને બધી વાત કરી અને પછી ફોન સ્વિચ-ઓફ કરી દીધો. આખા શરીરમાં અને મનમાં હવે એકસામટો થાક ઘેરાઈ રહ્યો હતો. તે આડી પડી... તેને ક્યારે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ તેની તેને પણ ખબર પડી નહીં.

મોડી સાંજે જ્યારે તેની આંખો ખુલી ત્યારે ઉપરની આ ઓરડીમાં અંધકાર છવાયેલો હતો. માત્ર એક પીળો બલ્બ એક ખૂણામાં ઝાંખો પ્રકાશ વેરી રહ્યો હતો. તો આંખો ચોળીને હજી બેઠી થઈ ત્યાં તો લાકડાંના પગથિયાં ઉપર પગના અવાજ સંભળાયા, ગોપાલનું મોં દેખાયું :

'લો. જાગી ગયાં ? ઊંઘ તો બરોબર આઈ ને ? અવે હેંડો, ચા-બા પી લો, પછી ઘરે જઈએ. મેં શેઠ જોડેથી રજા લઈ લીધી છે.'

રાધા નીચે ઉતરી. પ્લાસ્ટિકના કપમાં બે ઘુંટડા જેટલી ચા પીધી. ગોપાલે પોતાનું ટિફીન થેલીમાં નાંખ્યું. રાધાએ તેનું બેગપેક ખભે ભરાવ્યું. બન્ને રોડ ઉપર નીકળ્યાં. આગળ જઈને રોડની બાજુમાં લોકોની એક લાંબી લાઈન હતી ત્યાં જઈને ગોપાલે તેને અટકાવી.

'આ બસની લાઈન છે ?' રાધાએ પૂછયું.

'ના, રીક્ષાની.' ગોપાલે કહ્યું 'આપડે. જ્યાં રહીએ છીએ ત્યાં લગી બસ નથી જતી કેમકે રોડ સાંકડાને ? એટલે સટલિયા રીક્ષામાં જવાનું. પણ સું છે, કે મુંબઈની સિસ્ટમ બઉ પરફેક્ટ છે. આપડા રાધનપુર બસ સ્ટેન્ડ આગળ કેવી રીક્ષાઓની ભીડ ભીડ હોય છે ? એવું અંઈ નંઈ. અંઈ અગાડી પેસેન્જરો 'બી લાઈનમાં ઊભા રે' અને સટલિયાં રીક્ષાવાળા બી વારફરતી લાઈનમાં જ પેસેન્જરો ભરે... સિસ્ટમ એટલે સિસ્ટમ !'

થોડી વાર પછી એમનો નંબર આવ્યો ત્યારે રીક્ષામાં બેસતાં ગોપાલે રીક્ષાવાળાને કહ્યું : 'ઈન્દીરાનગર'.

જ્યારે ઈન્દીરાનગર આવ્યું ત્યારે રાધાને ખ્યાલ આવ્યો કે આ આખો વિસ્તાર મુંબઈની એક જાતની ઝુંપડપટ્ટી હતી, ફરક એટલો જ કે અહીં સાવ કાચાં મકાનોને બદલે ઈંટોવાળી દિવાલો હતી અને છાપરાંમાં ઘાસ કે નળિયાંને બદલે અહીં પતરાં અથવા લીલા-ભૂરા પ્લાસ્ટિકની મોટી મોટી ચાદરો જેવા ટુકડાઓ હતા. રસ્તા તો ડામરના હતા પણ. તેની બન્ને બાજુએ જાતજાતના ગંદવાડ વચ્ચે... પ્લાસ્ટીકની પાણીની ટાંકીઓ, પતરાના ખોખાંઓ, જાળીઓમાં બંધ ફફડાટ કરતી મરઘીઓ, રખડતાં કૂતરાં, રઝળતાં નાનાં છોકરાં, ક્યાંક તૂટેલી ખુરશી ઉપર બેસીને ખાંસતા ઘરડાઓ તો ક્યાંક એંઠા વાસણ ઘસતી સ્ત્રીઓ... રાધાને થયું. શું આ છે મુંબઈ ? જેને લોકો માયાનગરી કહે છે ?

છેવટે એક લાંબી ચાલીના છેડે ગોપાલ આવીને એક ઓરડી આગળ અટક્યો. તેણે સ્હેજ હસીને કહ્યું 'લો, આઈ ગયો આપણો રાજમહેલ!'

તાળું ખોલીને અંદર આવતાં જ ગોપાલે બારી ખોલી નાંખી. રૂમમાં ટયુબલાઈટ અને પંખો ચાલુ કરી દીધાં. ગોપાલ બોલ્યો : 'બેસો ને ?'

પણ બેસવું ક્યાં ? રૂમની બન્ને સાઈડની દિવાલોને અડોઅડ બે પલંગ હતા. જેમની ઉપર પણ એક એક પલંગ હતો ! રેલ્વેના સ્લીપર કોચમાં હોય છે ને એવી રીતે ! ગોપાલ બોલ્યો:

'અમે અંઈ અગાડી ચાર જણા રહીએ છીએ. બે જણા બિહારના છે. એ લોકો અહીં રેલ્વે સ્ટેશન બાજુ ભેંસના તબેલા ખરાને, ત્યાં કામે જાય છે. ત્રીજો યુપીવાળો છે. એ એના માલિકની ટેક્સી ચલાવે છે. એકચ્યુલી આ જગ્યા મારા શેઠના કહેવાથી સસ્તામાં મલી ગઈ હોં ? ખાલી બાર હજાર જ ભાડું છે. એમાં જુઓ, આ અંદર જ બાથરૂમ બી છે, ને ટોઈલેટ બી છે. જ્યારથી ઘર ઘર સોંચાલયનું આયું ને, ત્યારથી આ ટોઈલેટ...'

રાધાના ચહેરા ઉપર જે હાવભાવ હતા તેને ગોપાલે તરત વાંચી લીધા. એ બોલ્યો 'તમે ચિંતા ના કરો. આ તો જ્યાં લગી તમારી કોઈ સારી જગ્યાએ રહેવાની સગવડ ના થાય ને, ત્યાં સુધી જ ! બાકી હું સું કહું છું, અહીં કોઈ બીજી તકલીફ છે જ નહીં ! સવાર સાંજ પાણી આવે છે, ગેસની સઘડી છે, ગેસનો બાટલો જ્યારે જોઈએ ત્યારે મલી રહે છે... અને આજે તો રસોઈ કરવાનો વારો બી મારો જ છે, બોલો ! તમે કહો એ વસ્તુ બનાઈ આલું ! કેમકે શાકભાજી, કરિયાણું, મરી મસાલા બધું આટલામાં જ મલી રે છે.'

રાધા આ ગોપાલને જોતી જ રહી ગઈ ! કેટલા ઉત્સાહથી એ આ એરિયાનાં 'વખાણ' કરી રહ્યો હતો?

'એમ તો મને યુ-ટયુબમાંથી જોઈને નવી નવી વાનગીઓ બનાવતાં પણ આવડી ગયું છે, હોં ? પેલું સું કહેવાય, ફ્રેન્કી ! એય આવડે છે, અને જુઓ, તમને સાઉથ ઈન્ડિયન ઢોંસા ને ઉત્તપ્પા ને એવું ખાવું હોય તો બહાર એક દુકાનમાં તૈયાર ખીરુ બી મલે છે ! અને સંભાર માટે સું કરવાનું કે તૈયાર મસાલાનું પેકેટ જ લાઈ દેવાનું ને ?' અચ્છા, સાંભળો, હું સું કહં છું, ચા પીવાની ઈચ્છા ખરી ?'

'હેં ?' રાધા જાણે ઝબકીને જાગી હોય તેમ બોલી,

'ચા... મેં કીધું, ચા પીવાની ઈચ્છા ખરી ? કેમકે આ ડબ્બામાં મેં જોયું. ખાંડ પતી ગઈ છે. એટલે જરી દુકાને જઈને ખાંડ લેતો આવું, ને દૂધની કોથળી પકડતો આવું.'

'હા, ચા પીએ... ચાલો. હું બનાવીશ, ઓકે ?'

'ઓક્કે !' ગોપાલ હરખાઈ ઉઠયો. 'અને હું સું કહું છું, રાતના સૂવાની ચિંતા ના કરશો. તમે આ પલંગની ઉપર જતા રહેજો, ને હું આ નીચે વચ્ચેના ભાગમાં ગોડદી પાથરીને સૂઈ જઈશ. બસ, જરા-'

ગોપાલ બોલતાં અટકી ગયો. એ પોતે જાણતો હતો કે રાધાને માટે આ બધું કંઈ સગવડભર્યું ના કહેવાય પણ 

બીજો છૂટકો પણ ક્યાં હતો ? બીજી તરફ રાધા પણ સમજતી હતી કે ગોપાલ એને કંઈ મોંઘી ફાઈવ સ્ટાર હોટલમાં તો રાખી શકવાનો નહોતો. એ તો બસ, 'તમે અમારા રાધનપુરમાં ખરાં ને' એટલી જ ઓળખાણથી શક્ય એટલી મદદ કરી રહ્યો હતો.

'હું આ બધું લઈને આવું, બે મિનિટમાં હોં...' એમ કહીને ગોપાલ ગયો. રાધા ફરી એકલી પડી. કેમનું થશે આ બધું ? એક નાનકડા અમથા સપનાને સાકાર કરવા માટે તે રાધનપુરથી નીકળી તો પડી હતી પણ...

રાધા બે ડગલાં ચાલીને પેલી નાની બારી પાસે જઈને ઊભી રહી. આ બારીમાંથી જે મુંબઈ દેખાતું હતું. તે તો સાવ જ ગંદુ, ગોબરૃં અને વિચિત્ર હતું. બારીમાંથી દેખાતા આકાશમાં પણ હવે ધીમે ધીમે કાળાશ ઘેરાઈ રહી હતી.

પણ હા, દૂર રોશનીનું ટપકું ઝબકતું હતું. શું એ કોઈ તારો હતો ? કે પછી ઉપરથી પસાર થઈ રહેલું ધનાઢય લોકોનું કોઈ વિમાન ? (ક્રમશ:)

Ravi-Purti

Google NewsGoogle News