ડાન્સ રાધા ડાન્સ પ્રકરણ - 12 .
- વિભાવરી વર્મા
- 'જો રાધા, તારી ટેલેન્ટ આજે આખા દેશે જોઈ છે. આજે એકેએક ગુજરાતીને તારા માટે ગર્વ છે. હવે મારો વિચાર એવો છે...'
'જો યું ? તમને જે જોઈતું હતું તે મળી ગયું ને ?' ચેનલહેડ પ્રણવ રૉયચૌધરી અને રૂમી મહેરા એકબીજા સાથે ઈમ્પોર્ટેડ વાઈનના જામ ટકરાવીને હસી રહ્યાં હતાં.
'યુ આર અ જિનિયસ !' રૂમી મહેરાએ કહ્યું 'આખરે મારી કામ્યાને ડાન્સ દિવાને ડાન્સની ચેમ્પિયન બનાવવાનો રસ્તો ક્લિયર થઈ જ ગયો ! પણ ધારો કે રાધા શો છોડીને ના ગઈ હોત તો ?'
'તો પણ અમારી ચેનલનો એજન્ડા તો સફળ થવાનો જ છે !'
પ્રણવ રૉયચૌધરીના આ વાકયનો અર્થ રૂમી મહેરાને બરોબર સમજાયો નહીં. રૉયચૌધરીએ વાઈનની ચૂસ્કી લેતાં સમજાવ્યું :
'જુઓ, આપણે આ જે રિયાલિટી ટાઈપના શો ચલાવીએ છીએ તેનું મેઈન ઓડિયન્સ કોણ છે ? મિડલ ક્લાસનું ફેમિલી, રાઈટ ? કેમકે આપણે ટીન-એજરો અને ઈવન નાનાં બાળકોને આમાં કોન્ટેસ્ટન્ટો બનાવીએ છીએ. શરૂશરૂમાં આપણે એમાં વારંવાર ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલા, ભારતીય નૃત્ય-સંગીત-પરંપરા વગેરેનો વઘાર કરતા રહીએ છીએ.'
'અરે, તમે લોકો તો બિચારા ગરીબ મા-બાપને સારાં કપડાં પણ પહેરીને શોમાં આવવા પણ નથી દેતા !' રૂમી મહેરા હસ્યાં.
'એક્ઝેકટલી !' રૉયચૌધરીએ કહ્યું 'એનાથી થાય છે શું, કે દેશના કરોડો મા-બાપને આપણાં સ્પર્ધકોમાં પોતાનાં બાળકો દેખાવા લાગે છે ! પેલાં ફાલતુ કપડાં પહેરેલાં મા-બાપમાં પોતાની જ છબિ દેખાય છે ! હવે જ્યારે મા-બાપો પોતે જ પોતાનાં બાળકોને નાચવા ગાવા માટે પ્રોત્સાહન આપવા લાગે છે, ત્યારે...'
રૉયચૌધરી હવે મુખ્ય મુદ્દા ઉપર આવ્યા, 'ત્યારે આ ટીન-એજર અને નાની ઉંમરનાં કોન્ટેસ્ટન્ટો એક રીતે 'ઈન્ફ્લુએન્સરો' બની જાય છે ! લાખો કરોડો મા-બાપો અને બાળકો આ કોન્ટેસ્ટન્ટોને પોતાનાં રોલ મોડલ માનવા લાગે છે, કે યસ, આમના જેવું બનવું જોઈએ ! પણ ખરી ગેઈમ એ પછી શરૂ થાય છે.'
'કેવી ગેઈમ ?'
'હમણાં આપણે શરૂ કરી એવી ગેઈમ.' રૉયચૌધરીએ કહ્યું : 'આપણે આપણા શોમાં શ્રૃંગાર રાઉન્ડ ઘૂસાડયો ! આની પહેલાં પણ અનેક સ્પર્ધકો ટિપિકલ ગરમાગરમ ફિલ્મી ગાયનો રજુ કરી જ ચૂક્યાં છે... એની અસર તો કુમળી પેઢીના પ્રેક્ષકો ઉપર છે જ ! પરંતુ જ્યારે ગુજરાતી 'ગરબાક્વીન' બંગાળની 'છાઉ-કોન્યા' કે તામિલનાડુની 'ભારતી-નાટયકિયા' જેવી હાઈલી ટ્રેડિશનલ ટાઈપની છોકરીઓ જ્યારે શૃંગાર રસના નામે કેબરે જેવા ડાન્સ રજુ કરે... ત્યારે એમની સીધી ઈન્ફ્લુઅન્સ માત્ર કુમળાં દિમાગો ઉપર નહીં, એમનાં મા-બાપો ઉપર પણ પડે છે કે 'હવે તો જમાનો બદલાઈ ગયો !...' 'હવે તો આવું બધું ચાલે...'
રૉયચૌધરીએ વાઈનનો ગ્લાસ પુરો કરતાં કહ્યું 'બસ, આ જ રીતે ધીમે ધીમે મિડલ ક્લાસનું બ્રેઈનવોશિંગ થાય છે ! એકવાર પરંપરા અને સંસ્કૃતિના પાયામાં સડો લાગવા માંડે પછી તહેવારોમાં મીઠાઈને બદલે ચોકલેટો ઘૂસાડી શકાય છે, છાશ અને શેરડીના રસને બદલે કરોડોનાં સોફટ ડ્રીંક્સ વેચી શકાય છે અને દિવાળી કરતાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું મહત્વ વધી જાય છે !'
'હાહાહા... એટલે જ યંગસ્ટરો દિવાળીમાં વેકેશનને બહાને ઘરથી દૂર ભાગી જાય છે ! પણ થર્ટી ફસ્ટની નાઈટે કોઈ દારૂ પીને ટલ્લી થવાનો ચાન્સ છોડતું નથી ! વાઉ !'
રૂમી મહેરાએ પણ વાઈનનો ગ્લાસ પુરો કરી નાખ્યો. છતાં એમના મનમાં એક ડાઉટ હતો : 'મિસ્ટર રૉયચૌધરી, આ રાધા જરા ડેન્જરસ નથી ? કેમકે સોશિયલ મિડીયામાં એના સપોર્ટમાં ઘણી કોમેન્ટસ આવી રહી છે.'
'એનો પણ ઉપાય છે.' રૉયચૌધરીએ નવો ગ્લાસ ભરતાં કહ્યું 'આપણી ચેનલનો રિપોર્ટર એનો એવો ઈન્ટરવ્યુ કરશે કે રાધાને બોલવાનાં ફાંફાં પડી જશે !'
***
આ તરફ રાધાનું શું થયું ? એ તો ડિ'મેલોના સ્ટુડિયોમાંથી પોતાની હેન્ડ-બેગ ખભે લટકાવીને નીકળી આવી ! પણ પછી શું ?
રાધાના મનમાં એક વાત બિલકુલ નક્કી હતી કે આ શો છોડવો છે, તો એની સાથે જોડાયેલું બધું જ છોડવું જોઈએ ! તે ટેક્સી કરીને સીધી હોટલ ઉપર આવી ગઈ. પરંતુ અહીં આવ્યા પછી પણ મગજનો ઘૂંઘવાટ શમવાનું નામ લેતો નહોતો.
આ લોકો અહીં આવીને હોટલ ખાલી કરવાનું કહેવાના જ છે ! તો 'હવે કરવું શું ? સીધા રાધનપુર જતા રહેવું ? અત્યારે કઈ ટ્રેન જતી હશે ? અમદાવાદ સુધી ટ્રેનમાં અને ત્યાંથી બસમાં જવા માટેના પુરતા પૈસા પર્સમાં છે ખરા ?'
કેમકે ચેનલ તરફથી તો રહેવાનું, ખાવાનું, ચા-નાસ્તો, કપડાં, બધું જ મળી જતું હતું. પોતાને એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નહોતી પડતી. એટલું જ નહીં, ચેનલવાળા કંઈ મહેનતાણા પેટે પૈસા તો આપતા જ નહોતા. તો હવે કરવું શું ?
રાધાને થયું, સૌથી પહેલાં મગજને ઠંડું કરવા માટે બાથરૂમમાં જઈને શાવર નીચે બેસીને સ્નાન કરી લેવું જોઇએ. મગજ શાંત હશે તો કંઇ સરખો વિચાર આવશે.
ખાસ્સા અડધા પોણા કલાક સુધી સ્નાન કર્યા બાદ રાધા બહાર આવી. હજી કંઇ સુઝતું નહોતું. છતાં એક વાત તો મનમાં આવી કે 'ચાલો, બેગ તો પેક કરી લઉં?'
આ મોટી બેગ ગોપાલે જ લઇ આપી હતી ને ? પરંતુ હજી રાધાને ગોપાલનો વિચાર આવતો નહોતો. ગોપાલે જે ડઝનબંધ કપડાં ખરીદીને આપ્યાં હતાં એને ગડી કરી કરીને બેગમાં મુક્તી વખતે પણ વિચાર તો રાધનપુરમાં બેઠેલા બાપુજી અને મમ્મીના આવતા હતા.
શું કહેશે બાપુજી ? એ તો ગુસ્સે જ થઇ જશે કે 'આવા તમાશા કરવા માટે મુંબઈ ગઈ હતી ? શું એવી રહી ગઈ હતી ટીવીમાં ડાન્સ કર્યા વિનાની ?' અને મમ્મી ? એ શું કહેશે ? એમ તો રાધનપુરમાં રહેનારા સૌની આશા ઉપર પાણી ફરી વળ્યું ને ?
બેગ પેક કરી લીધા પછી રાધાનું મગજ કંઇ ચાલ્યું. તેણે કિસનને ફોન કર્યો. પણ કિસને ફોન ઉપાડયો જ નહીં !
બીજી વાર...ત્રીજી વાર...ચોથી વાર...એમ છ છ વાર ફોન લગાડવા છતાં કિસન ફોન ઉપાડતો નહોતો. ઉલ્ટું હવે તો રીંગ વાગે કે તરત કટ કરી નાંખતો હતો !
રાધાને સમજાઈ ગયું, મથુરાના એ છોકરા માટે સવા લાખનો પગાર અને ફિલ્મોની કેરિયર વધારે મહત્વની છે, 'પ્રેમ' વગેરે તો બહાનું હતું. કાલે ઊઠીને એ ફરીવાર મને 'સોરી' કહેવા આવશે. ફરી મને મુંબઈમાં નાનકડા ફ્લેટમાં સાથે રહેવાનાં સપનાં બતાડશે...પણ હવે એની સાચી ઓળખ થઇ ચૂકી હતી.
અને એમાંય, કિસનનો ક્યાં વાંક હતો ? એ તો હું જ મુરખ હતી કે એની સાથેના સંબંધને પ્રેમ સમજી બેઠી હતી. આ રાધાનું તો સાવ નાનકડું જ સપનું હતું ને, કે 'ડાન્સ દિવાને ડાન્સ'ના એકાદ એપિસોડમાં દેખાવા મળે ! બાકી કિસનનાં સપનાં તો મોટાં હતાં ને ?
તો હવે રહ્યું કોણ ? હજી રાધા કંઇ વિચારે એ પહેલાં ઇન્ટરકોમ ફોનની રીંગ વાગી. ઉપાડયો તો રિસેપ્શનીસ્ટનો અવાજ સંભળાયો. 'આપ સે કોઈ મિલને આયા હૈ...'
'કોણ હશે...' એવું વિચારતાં રાધા નીચે આવીને જુએ છે તો ગોપાલ!
'અરે તું ?' રાધાને નવાઈ લાગી.
'લો, હું જ હોઉં ને !' ગોપાલ બોલ્યો. 'કારણ સું કે, તમે તો આખો શો છોડી દીધો એ બધું મોબાઇલમાં જોયું, એટલે મને થયું કે-'
'કે શું ?' રાધાને મનોમન હસવું આવી ગયું. ખરો છે ગોપાલ ! અને ગોપાલ પણ એની પોતાની સ્ટાઇલમાં બોલવા લાગ્યો.
'હું સુંકહું છું', આપડે ભલે ગુસ્સામાં આઈને એકવાર કહી દીધું કે મારે તમારા શોમાં કામ નથી કરવું. પણ હું સું કહું છું, આપડે એમને સમજાઈ જોઇએ ને, કે ભઇ, આવું નંઇ ને બીજી ટાઇપનું ગાયન આલો...કે પછી આવાં નંઇને બીજી ટાઇપના કપડાં...ના ના, આમાં સું કે આપણને ટીવીમાં આગળ આવવાનો ચાન્સ ફરી ક્યારે મળવાનો ?
રાધાનું મગજ છટક્યું 'ગોપાલ ? તું આવું બધું દોઢ ડહાપણ કરવા જ અહીં આવ્યો છે ?'
'ના ના હું તો -' ગોપાલ નીચું જોઇ ગયો. પછી ધીમા અવાજે બોલ્યો, 'રીક્ષા લઇને જ આયો છું, કેમ કે હું તમારો સ્વભાવ જાણું ને !'
કોણ જાણે કેમ રાધાને એ ક્ષણે લાગ્યું કે દુનિયામાં જો કોઇ એક વ્યક્તિ હોય, જે તેને પુરેપુરી સમજી શકે છે, તો એ માત્ર ગોપાલ જ છે !
'હું સું કહું છું, સામાન પેક કર્યો છે કે હજી બાકી છે ?'
અંધેરીની એ હોટલથી ઉપડેલી રીક્ષાને દાદરના સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલી ખેડ ગલીના એક ઘર પાસે પહોંચતાં ખાસ્સા બે કલાક લાગી ગયા કેમ કે મુંબઈનો ટ્રાફિક! પેલી સાડીની દુકાનમાં કામ કરતી કોંકણની છોકરી રુકમણિ અહીં રહેતી હતી. આખો વિસ્તાર મરાઠીઓનો હતો.
ઘરમાં દાખલ થતાં જ રાધાને જોઇને સૌ ઘેલાં ઘેલાં થઇ ગયાં. ખબર ફેલાતાંની સાથે જ આજુબાજુમાં રહેતા લોકોનું ટોળું જમા થઇ ગયું. સૌ કહી રહ્યા હતા. 'તુમિ બરોબર ચ કેલે...' 'એવ્હા વાઇટ (ખરાબ) ટાઇપ ચા શો સાડેલા ચ પાહિજે' 'તુમિ કાહી પણ કાળજી (ચિંતા) કરું નકા...' 'ઇથે ચ રહા...આપલ્યા સ્વતાલા (તારું પોતાનું) ચ ઘર સમુન રહા.'
એમાં વળી એક ઘરડી ડોશીએ તો રાધાનાં ઓવારણાં લઇને પોતાના કાને ટચાકા કોડતાં કહ્યું 'આલી રે આલી, માઝી રાધા આલી રહે !'
રાધાને આજે પહેલીવાર ભાન થયું કે આવા સામાન્ય ચાલીમાં રહેનારા લોકોમાં તે કટલી બધી 'પોતીકો' બની ગઈ હતી ! ગોપાલે એની બેગ ઘરમાં મુકતાં કહ્યું :
'હું સું કહું છું, આજની રાત અહીં રોકાઈ જાવ, પછી કાલે આપડે રાધનપુરમાં બધા જોડે વાત કરીને નક્કી કરીએ હોં ? અને હા, બેગમાં તમારું ટુથબ્રશ, ટુથપેસ્ટ, નહાવાનો ટુવાલ એવું બધું મુકેલું છે ને ?'
રાધાને ફરી હસવું આવી ગયું...
***
હજી સવારના દસેક વાગ્યા હતા ત્યાં તો ખેડ ગલીમાં હલચલ મચી ગઈ ! 'ડાન્સ દિવાને ડાન્સ'ની ચેનલવાળા ઉપરાંત બીજી બે ત્રણ ન્યુઝ ચેનલોવાળા કેમેરા અને લાઇટો લઇને આવી પહોંચ્યા હતા ! એમની સાથે સાથે સોશિયલ મિડીયામાં પોતપોતાની ચેનલો ચલાવતા પોડકાસ્ટરો, વ્લોગરો વગેરે નાના કેમેરા તથા મોબાઈલ લઈને રાધાને ઘેરી વળ્યા. 'ડાન્સ દિવાને ડાન્સ'ની ચેનલવાળાએ રાધા સામે માઈક ધરીને પૂછયું :
'ક્યા આપને હંમેશા કે લિયે શો છોડ દિયા હૈ ?'
રાધાએ હસીને કહ્યું 'ક્યા આપ લોગ મુઝે મનાને આયે હો ?'
ભીડમાં ખડખડાટ હાસ્યો ફેલાઈ ગયાં. ચેનલવાળાએ હવે ધારદાર સવાલ કર્યો 'ક્યું છોડ દિયા, શો ?'
રાધાએ કહ્યું 'મને જે પ્રકારનું ગાયન આપવામાં આવ્યું અને જે ટાઈપનાં કપડાં પહેરવાનું કહ્યું એની સામે મને સખત વાંધો હતો, એટલે.'
'રાધાજી, આ ટાઈપનાં ગાયનો તો આપણી ફિલ્મોમાં આવતાં જ હોય છે. આપણે સૌએ આવા ગાયનો સાથેની ફિલ્મો ફેમિલી સાથે જોઈ છે. તો પછી એમાં વાંધો શું છે ?'
'વાંધો છે !' રાધાએ તરત જ સામું ચોપડાવ્યું 'એ ગાયનો ફિલ્મની સ્ટોરીના ભાગરૂપે હોય છે ! એમ તો ફિલ્મોમાં બળાત્કાર પણ બતાડે છે. એટલે શું રિયાલીટી શોમાં બળાત્કાર કરવાનો ? ફિલ્મોમાં દારૂ પણ પીએ છે એટલે શું ફેમિલી ઓડિયન્સ સામે દારૂ પીવાનો ? અરે, આજકાલની ફિલ્મોમાં તો પાત્રો પથારીમાં સૂઈ જાય છે ! એટલે શું આવા ફેમિલી શોમાં બધાની વચ્ચે સ્ટેજ ઉપર તમે સ્પર્ધકોને સૂઈ જવા કહેશો ?'
આજુબાજુ ઉભેલી ભીડે તાળીઓનો ગડગડાટ કરી મુક્યો. ચેનલવાળાએ કહ્યું : 'મેડમ, એ પણ સમાજની રિયાલીટી છે ને ?'
'તો એ રિયાલિટીને તમે તમારી ન્યુઝ ચેનલમાં બતાડો ને ? એને ફેમિલી શોમાં શા માટે ઘૂસાડો છો ? જોવા જાવ તો મુંબઈ શહેરમાં જ્યાં જુવો ત્યાં ગટર છે... તો શું એ ગટરોને તમે મંદિરોમાં લાવશો ? ગટરની ગંદકીને તમારા ઘરમાં બેસાડશો ?'
ભીડે ફરી તાળીઓનો ગડગડાટ કરી મુક્યો. એમાં કોઈએ શરૂ કર્યું 'રાધા રાધા... ઝિંદાબાદ !' 'રાધા રાધા... ઝિંદાબાદ !' પેલો ચેનલવાળો હવે બઘવાઈ ગયો. છતાં તેણે છેલ્લું તીર છોડયું :
'જે રીતે તમે ટીવીમાં કૃષ્ણની રાધા બનીને આવો છો, એ હિસાબે તમે લોકોની ધાર્મિક લાગણીઓ સાથે નથી રમી રહ્યા ?'
'અચ્છા ? હવે રાધા ભડકી' તમે જે રીતે સારા ઘરની છોકરીઓને સસ્તી કેબ્રે ડાન્સરો બનાવીને રજૂ કરવા માંગો છો એમાં કોની લાગણીઓ સાથે રમી રહ્યા છો ? બોલો ? પત્રકાર સાહેબ, લોકો આંધળા નથી ! એમને તમારા બધા પેંતરા દેખાય છે ! એટલે તમારી આ ચાંપલાશ રહેવા દો..'
આ સાથે જ ખેડ ગલીની ભીડે ચેનલવાળાઓનો હૂરિયો બોલાવવા માંડયો ! ભીડનો મિજાજ જોઈને કેમેરાવાળાને ત્યાંથી ફટાફટ રવાના થઈ જવા સિવાય છૂટકો નહોતો.
***
આ બાજુ પ્રણવ રૉયચૌધરીનું દિમાગ ફાટફાટ થઈ રહ્યું હતું. એ ફોન ઉપર આદેશ આપી રહ્યા હતા : 'એ બે બદામની છોકરીનો ઈન્ટરવ્યુ આપણી ન્યુઝ ચેનલ અને તમામ સોશિયલ મિડીયામાં દેખાવો ના જોઈએ !'
સામેથી એમને જવાબ મળી રહ્યા હતા. 'સર, આપણી ચેનલો તો નહીં જ બતાડે, પણ આપણી હરીફ ચેનલોનું શું ? આપણી જ્યાં જ્યાં પહોંચ છે ત્યાં તો રાધાના ઈન્ટરવ્યુને દબાવી દેવાની કે ખૂણામાં નાંખી દેવા માટે પ્રેશર કરવાનું ચાલુ જ છે, પણ સર, એ વખતે ત્યાં સોશિયલ મિડીયાના વ્લોગરો અને પોડકાસ્ટરો હાજર હતા. એમણે તો બઢાવી ચઢાવીને રાધાનો ઈન્ટરવ્યુ રજુ કરી દીધો છે ! ધ સિચ્યુએશન ઈઝ નોટ ઈન અવર કંટ્રોલ, સર !'
પ્રણવ રૉયચૌધરી હવે ટેન્શનમાં આવી ગયા : 'ક્યાંક આખી વાતમાં હવે પોલિટીશીયનો ના કૂદી પડે તો સારું...'
***
રાધા તો પોતાના મોબાઈલમાં કદી સોશિયલ મિડીયાનો ઘોંઘાટ જોતી જ નહોતી પણ બપોરે દોઢેક વાગે ગોપાલે આવીને નવા ખબર આપ્યા : 'લો, આ જુઓ ! તમારા શોમાં પેલી મહારાષ્ટ્રિયન છોકરી હતી ને, જેનું નામ 'મરાઠી મુલગી'' પાડયું હતું. એ મીનાક્ષીએ પણ 'ડાન્સ દિવાને ડાન્સ'નો શો છોડી દીધો છે !'
સાંજ પડી ત્યાં તો ખેડ ગલીમાં નવી હલચલ મચી ગઈ ! લગભગ ૩૦૦-૪૦૦ લોકોનું ટોળું 'ડીડીડી મુર્દાબાદ !' અને 'ડાન્સ દિવાને બંધ કરો !' ના નારા લગાવતું આવી પહોંચ્યું. એમને જોઈને આજુબાજુના વિસ્તારના લોકો પણ એકઠા થઈ ગયા. અમુક લોકો આ તમાશો પોતપોતાના મોબાઈલમાં ઉતારવા લાગ્યા. આ ટોળાના જે આગેવાનો હતા તેઓ રાધા પાસે આવ્યા અને કેમેરા સામે ફરીવાર એ જ બોલાવડાવ્યું જે રાધાએ પેલી ચેનલોને ચોપડાવ્યું હતું.
આ બધી ધમાલ વચ્ચે વધુ એક ખબર આવી કે તામિલનાડુની ભરતનાટયમ્ કરનારી છોકરીએ પણ શો છોડવાની જાહેરાત કરી દીધી છે !
આ તરફ જે ટોળું આવ્યું હતું. એમાંના એક જણે રાધાને ઘરમાં લઈ જઈને ફોન ઉપર એક ખાસ વ્યક્તિ જોકે વાત કરાવડાવી. એ એક હરીફ ચેનલનો માલિક હતો !
એણે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : 'તુમ ઉસ ચેનલ કો છોડકર હમારી ચેનલ મેં આ જાઓ ! આપ કી જોભી શર્ત હો, હમેં મંજુર હૈ !'
રાધા તો ડઘાઈ જ ગઈ ! ઓહો ? એક વલ્ગર ગાયન પર ડાન્સ કરવાની ના પાડી દીધી એમાં આટલું બધું હલબલી ગયું ? જોકે એણે ફોનમાં એટલું જ કહ્યું કે 'સોચકર બતાઉંગી...'
ગોપાલને આ વાતની ખબર પડી કે તરત એ બોલી ઉઠયો 'હું, સું કહું છું, આમાં બહુ લાંબો વિચાર કરવાનો જ ના હોય ને ? લક્ષ્મીજી અને કૃષ્ણ ભગવાન બન્ને સામે ચાલીને ચાંલ્લો કરવા આવ્યાં કહેવાય ને ? કારણ સું, કે તમને જેવો ડાન્સ કરવો છે એમાં કૃષ્ણ ભગવાનની કૃપા છે, અને તમારે જે રૂપિયા -'
'રૂપિયા માટે હું મુંબઈ નહોતી આવી, ગોપાલ !' રાધા બોલી ઊઠી. ગોપાલ ચૂપ થઈ ગયો. પછી થોડીવાર રહીને બોલ્યો તો ખરો :
'હું સું કહું છું, તમારે જે નક્કી કરવું હોય એ કરજો, પણ હમણાં મુંબઈ છોડીને જવાની વાત ના કરતા.'
'ગોપાલ, ખરેખર તો મને એ જ વિચાર આવે છે... બધું છોડીને જતી રહું રાધનપુર.'
'એવું ના કરાય ને...' ગોપાલ કોઈ પ્રૌઢ વ્યક્તિની ગંભીરતા સાથે બોલ્યો, 'કેમકે એનો અર્થ તો એવો થશે કે તમે આ લોકોથી ડરીને, હારીને, મેદાન છોડીને જતાં રહ્યાં ! કમ સે કમ આ બધું ઠંડુ પડે ત્યાં સુધી તો મુંબઈ છોડીને ના જ જવાય.'
રાધાને પણ ગોપાલની વાત બરોબર લાગી, પણ સવાર પડતાં જ નવો ફણગો ફૂટયો...
દસેક વાગે વીસ પચ્ચીસ સજ્જનો અને સન્નારીઓ આવ્યાં. એમણે રાધાને હાર પહેરાવીને સન્માન કર્યું. શાબાશી આપી. ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવવા બદલ અભિનંદન આપ્યાં. સૌએ ગુ્રપ ફોટા પડાવ્યા. અમુક સજ્જનો અને સન્નારીઓએ વ્યક્તિગત રીતે રાધા જોડે ફોટા પડાવ્યા.
એ લોકો ગયા એના બે જ કલાકમાં ગોપાલે રાધાને ખબર આપ્યા : 'લો બોલો, આ લોકો જે આવેલા એ તો એક રાજકીય પાર્ટીના આગેવાનો હતા ! એમણે સોશિયલ મિડીયામાં બધા ફોટા મુકીને વાહ વાહ કરવા માંડી છે !'
રાધા હવે ખરેખર મુંજાઈ ગઈ. હવે તો એ રાજકારણનો ભાગ બની ગઈ ! ગોપાલે પૂછયું 'રાધા, શું વિચારે છે ?' તો રાધાએ કહ્યું 'ગોપાલ, આ રાજકારણીઓ, આ ન્યુઝ ચેનલવાળા અને આ ટીવી પ્રોગ્રામવાળા... બધા સરખા જ છે. એમને આપણો ઉપયોગ જ કરવો હોય છે.'
'પણ હું સું કહું છું, આમાં આપણે કરવું શું ?'
ગોપાલના એ પ્રશ્નનો જવાબ સાંજે મળી ગયો. સાંજે પાંચેક વાગે આ ખેડ ગલીમાં જેનું આગમન થયું એ જોઈને રાધા આનંદથી ઉછળી પડી !
કેમકે રાધાના બાપુજી, મમ્મી, શીતલ અને શીતલનાં પપ્પા આવી પહોંચ્યા હતા ! રાધા તો મમ્મી અને શીતલને ભેટી પડી ! બાપુજીને પગે લાગી અને શીતલના પપ્પાના આશીર્વાદ લીધા. એ પછી શીતલના પપ્પાએ કહ્યું : 'અમે અહીં એક ખાસ વાત લઈને આવ્યા છીએ...'
***
સાંજે એક સારી રેસ્ટોરન્ટમાં ચા-નાસ્તો કર્યા પછી શીતલના પપ્પાએ માંડીને વાત કરી :
'જો રાધા, તારી ટેલેન્ટ આજે આખા દેશે જોઈ છે. આજે એકેએક ગુજરાતીને તારા માટે ગર્વ છે. હવે મારો વિચાર એવો છે...'
શીતલના પપ્પાએ રાધાના બાપુજી તથા મમ્મી સામે નજર નોંધ્યા પછી આગળ ચલાવ્યું. 'આમાં તારા બાપુજી અને મમ્મીની પણ સંપત્તિ મેં લઈ લીધી છે. મારી પ્રપોઝલ એવી છે કે મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી વધારે હોય એવા વિસ્તારમાં એક જગ્યા ભાડે લઈને આપણે એક ડાન્સ એકેડેમી ચાલુ કરીએ. એમાં શું શીખવવાનું, શી રીતે ક્લાસ ચલાવવાના, ફી કેટલી રાખવાની એ બધું તારી નક્કી કરવાનું. બસ, પૈસા હું રોકીશ. બોલ, શું કહે છે ?'
રાધા અડધી મિનિટ માટે વિચારતી રહી. પછી એ હસીને બોલી 'જુઓ અંકલ, હું જે વિચારીને ડાન્સ દિવાને ડાન્સના શોમાં આવી હતી ને, કે બસ, એકાદ એપિસોડમાં આવીએ તો બહુ થયું... એ જ રીતે મને લાગે છે કે એકાદ વરસ આ ચલાવી જોઈએ ! ચાલ્યું તો ઠીક, નહિંતર રાધનપુર તો છે જ ને ?'
રાધાની આ વાત પર બધા હસી પડયા. જોકે શીતલના પપ્પા બોલ્યા 'બેટા, એના માટે અહીં મુંબઈમાં તારી પાસે એક એવી વ્યક્તિ હોવી જોઈએ, જે પુરેપુરી વિશ્વાસુ હોય, જેની ઉપર હિસાબ, વહીવટ, રૂપિયા અને બીજી કામગીરીની તમામ જવાબદારી સોંપી શકાય અને જે -'
'જે આપણું પોતાનું હોય ! બરોબર ?' રાધાએ હસીને કહ્યું 'છે ને ! આપણો ગોપાલ !'
***
મિત્રો, થોડા જ દિવસોમાં મલાડ વેસ્ટમાં એક કોમ્પ્લેક્સમાં 'રાધા ડાન્સ એકેડેમી'નું એક સુંદર બોર્ડ લાગવાનું છે. જેમાં નાના અક્ષરોએ લખ્યું હશે 'માત્ર ભારતીય ફેમિલીનાં સંતાનો માટે...' (સમાપ્ત)