Get The App

ડાન્સ રાધા ડાન્સ પ્રકરણ - 11 .

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
ડાન્સ રાધા ડાન્સ પ્રકરણ - 11                            . 1 - image


- વિભાવરી વર્મા

- રાધા, આપણા જેવા મિડલ ક્લાસના લોકોએ કંઇક બનવું હોય તો જાતજાતનાં કોમ્પ્રોમાઇઝ કરવા પડતાં હોય છે. કામ્યાને  મહત્ત્વ ન આપ્યું હોત તો આજે હું શોમાંથી બહાર થઇ ગયો હોત

'યે રાધનપુર કી મિડલ ક્લાસ લડકી કા કુછ કિજિયે મિસ્ટર રોયચૉધરી !'

ડાન્સ દિવાને ડાન્સની એક ધનવાન પરિવારની દીકરી કામ્યા મહેરાની મોમ રૂમી મહેરા સીધી ચેનલ હેડની ઓફિસમાં ધસી આવી ! પોતાના બોયકટ વાળ ઉલાળતાં તેણે કહ્યું :

'યે સબ ક્યા ચલ રહા હૈ ? તમે મને પ્રોમિસ કર્યું હતું કે ચેમ્પિયન તો મારી દીકરી જ થશે. પણ આ મામૂલી છોકરી લાખોની સંખ્યામાં પોપ્યુલર વોટ ઉઘરાવી રહી છે ! એન્ડ વોટ ઈઝ ઓલ ધીસ... રાધા-ક્રિશ્ના રાધા-ક્રિશ્ના ? એ છોકરી હંમેશાં કોઈ ધાર્મિક ટાઈપનું, સંસ્કારી છાપ સોંગ પકડી લાવે છે, અને તમે આ બધું એલાવ કરી રહ્યા છો ?'

ચેનલ હેડ પ્રણવ રોયચૌધરી સ્હેજ હસ્યા. એમણે રૂમી મહેરાને બેસાડીને, કોલ્ડ કોફી પીવડાવ્યા પછી કહ્યું 'તમને શું લાગે છે, અમારી ચેનલમાં જે વિદેશી બ્રોડકાસ્ટિંગ કંપનીએ અબજો રૂપિયા વડે પચાસ ટકા જેટલું માતબર ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે, તે શું આ ભારતીય સંસ્કૃતિની આરતીઓ ઉતારવા માટે કર્યું છે ? ના ! પણ મેડમ, દરેક પ્રોગ્રામ પાછળ એક સ્ટ્રેટેજી હોય છે અને એ સ્ટ્રેટેજી એવી છે...'

પ્રણવ રૉયચૌધરીએ જે સ્ટ્રેટેજી કહી એ સાંભળીને રૂમી મહેરા બોલી ઉઠયાં : 'વાઉ ! યે તો માસ્ટર સ્ટ્રોક કા ભી બાપ હૈ !'

***

'ડાન્સ દિવાને ડાન્સ'ના હવે પછીના રાઉન્ડ માટેની થિમ હતી 'પ્રેમ, લવ, ઈશ્ક, મહોબ્બત...'

આના માટે કયું ગીત પસંદ કરવું એનો વિચાર ચાલી રહ્યો હતો ત્યાં કિસનકુમાર હસતાં હસતાં બોલ્યો 'લગતા હૈ રાધાજી, ઈસ બાર તો હમેં આપ કો પ્યાર ભી સીખાના પડેગા !'

કિસનકુમાર જે અદાથી બોલ્યો એ રાધાને ગમ્યું. એણે કહ્યું 'દેખિયે, હમને આપ કી નૌકરી બચાઈ હૈ, અબ આપ કી બારી હૈ, કોમ્પિટીશન મેં હમારી પોઝિશન બચાઈયે. ઈસ બાર હમારા પૈર ફિસલના નહીં ચાહિયે.'

કિસન સમજી ગયો કે એ ઈશારો કઈ તરફ હતો. જોકે રાધાને પણ ક્યાં ખબર હતી કે હવે એનો પગ નહીં પણ દિલ લપસી જવાનું છે !

બીજા કોન્ટેસ્ટન્ટોએ હિન્દી ફિલ્મોનાં રોમેન્ટિક ગાયનો પસંદ કર્યા પણ રાધાને એક પરફેક્ટ જુનું ગીત યાદ આવ્યું 'જા તોસે નહીં બોલું કન્હૈયા, રાહ ચલત પકડી મોરી બૈંયા!'

'વાહ !' કિસન બોલી ઊઠયો 'આમાં પ્રેમ તો છે જ, ઉપરથી રાધા પણ છે !'

ગીતના શબ્દો મુજબ ડાન્સનાં સ્ટેપ્સનું રિહર્સલ ચાલુ થયું. આ વખતે ખુદ કિસનને સ્ટેજ ઉપર કનૈયો બનીને ઉતરવાનું હતું. એણે એક પછી એક એવા મનમોહક સ્ટેપ્સ બનાવવા માંડયાં જેમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ઝલક પણ આવે અને સાથે સાથે રાધા અને કૃષ્ણની અદ્ભૂત પ્રેમલીલા પણ છલકાતી રહે.

'રાધાજી, સ્ટેપ્સ કો ભૂલ જાઈએ, મન મેં રાધા કા ભાવ લાઈયે ! અગર મન મે પ્રેમ કી અનુભૂતિ કરેંગે તો ચહેરે પર પ્યાર એક્સ્પ્રેશન ઔર બોડી મેં પ્યારભરી મૂવમેન્ટ અપને આપ આ જાગેગી.'

રિહર્સલો દરમ્યાન રાધાને આવા બનાવટી હાવભાવ લાવવાની જરૂર જ ક્યાં હતી ? એ ધીમે ધીમે કિસન તરફ એવી રીતે આકર્ષાઈ રહી હતી કે એને પોતાને એની સભાનતા નહોતી.

***

'આ શું ચાલી રહ્યું છે, રાધાડી ?' રાધનપુરથી તેની બહેનપણી શીતલનો ફોન હતો. 'ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં તારા અને તારા કુરિયોગ્રાફરનાં રિહર્સલોના વિડીયોના વ્યૂઝ પાંચ કરોડને પાર કરી ગયા છે ! બધા એમ માને છે કે તું કિસનના પ્રેમમાં પડી ગઈ છું !'

રાધા જરા ચમકી 'ખરેખર ?'

'શું ખરેખર ?' શીતલ હસી 'પ્રેમમાં ખરેખર પડી છે કે નથી પડી ? હજી ફાઈનલ નથી ?'

'એની વાત નથી, આ વિડીયો કોણે મુક્યા ?'

'લો બેનને કંઈ ખબર જ નથી ? અલી, તારી 'ડાન્સ દિવાને ડાન્સ'ની તમામ સોશિયલ મિડીયા ઉપર ચેનલો છે ! છેક પહેલા દિવસથી રાધાડી, હવે આખું ઈન્ડિયા રાહ જુએ છે કે કિસન તને પ્રપોઝ ક્યારે કરશે !

'જાજા હવે !' એમ કહીને રાધાએ વિડીયો કોલ કટ કરી નાંખ્યો. જોકે મનમાં તો શીતલના પેલા વાકયના જ પડઘા ગુંજી રહ્યા હતા કે 'કિસન તને પ્રપોઝ ક્યારે કરશે...'

***

જ્યારે આ રોમેન્ટિક ગાયનોનો એપિસોડ શૂટ થવાનો હતો ત્યારે એ જોવા માટે ઓડિયન્સમાં ગોપાલ પણ આવ્યો હતો. પણ રાધાને હવે એની ક્યાં પરવા હતી ? શૂટિંગ શરૂ થતાં પહેલાં તે 'ઓલ ધી બેસ્ટ' કહેવા માટે આવ્યો ત્યારે એ 'હું સું કહું છું...' એમ કરીને ઉત્સાહથી કંઈ કહેવા જતો હતો પણ રાધા અચાનક 'થેન્કયુ, થેન્કયુ, થેન્કયુ હોં!' કરીને બેકસ્ટેજમાં જતી રહી.

રાધાનો ડાન્સ શરૂ થયો અને બન્નેને રાધા-કૃષ્ણના વેશમાં જોઈને જ ઓડિયન્સ ઘેલું થઈ ગયું ! એ પછી તો દર ત્રીસમી સેકન્ડે તાળીઓ પડતી રહી. છેવટે ગીતના અંતે જ્યારે 'માન ગઈ રાધા, માન ગઈ રાધા, માન ગઈ રાધા !' એમ ગવાતાંની સાથે જેમ કોઈ વૃક્ષની આજુબાજુ વેલ લપેટાઈ જાય એ રીતે રાધા કિસનને લપેટાઈ ગઈ ! એ સ્થિર પોઝ ઉપર તો તાળીઓનો ગડગડાટ થઈ ગયો !

કિસન અને રાધાના હોઠ વચ્ચે માત્ર એક જ સેન્ટિમીટરનું અંતર હતું. રાધાની આંખો માત્ર કિસનની આંખોને જોઈ રહી હતી. તેના દિલની ધડકનો તેજ થઈ ચૂકી હતી. સમય જાણે થંભી ગયો હતો... આખરે જ્યારે તાળીઓના ગડગડાટ શમ્યો ત્યારે રાધા જાણે આસમાનમાંથી ધીમે રહીને ધરતી ઉપર આવી !

એ જ વખતે ઓડિયન્સમાંથી કોઈએ બૂમ પાડી 'ઓવે કિશન ! અભી કે અભી રાધા કો પ્રપોઝ કર ડાલ !'

પ્રેક્ષકોમાં હાસ્ય ફેલાઈ ગયું. રાધાના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા. કિસનથી છૂટા પડતાં તેણે પોતાનો ચહેરો બન્ને હથેળી વડે છૂપાવી દીધો...

જજ લોકોની કોમેન્ટો તો અદ્ભૂત જ હતી. પણ રાધાને એ કોમેન્ટો સાંભળવાના હોશ જ ક્યાં હતા ? સ્ક્રીન ઉપર માર્કસ એનાઉન્સ થયા એમાં પણ રાધાનું ધ્યાન નહોતું. છેવટે પ્રેક્ષકો આગળ બન્ને જણાએ હાથમાં હાથ પરોવીને નમન કરતાં આભાર માન્યો, પછી સ્ટેજની પાછળ ગયા ત્યાં સુધી એમના હાથ છૂટા પડયા નહોતા !

***

રાધાના ડાન્સ પછી શૂટિંગમાં બ્રેક પડયો હતો. કિસન ડિમેલો સર સાથે કંઈ વાતોમાં ગુંથાયેલો હતો ત્યારે ગોપાલ પાછલે રસ્તે બેકસ્ટેજમાં આવ્યો.

'જોરદાર હોં ! સખ્ખત બાકી ! આજે તો છવાઈ ગ્યાં તમે હોં ! પણ હું સું કહું છું...'

રાધાને સ્હેજ હસવુ આવી ગયું. આ ગોપાલનું 'હું સું કહું છું...' જ્યાં ને ત્યાં આવી જ પડે ! રાધાએ કહ્યું 'બોલ ને, શું કહે છે ?'

'હું સું કહું છું...' ગોપાલ જરા ખચકાઈ રહ્યો હતો. 'આમ તો તમારી ને કિસનભાઈની જોડી બિલકુલ રાધા-કૃષ્ણ જેવી જ લાગે છે... પણ હું સું કહું છું... આ સોશિયલ મિડીયામાં જે બધું ચાલે છે, એ સાચું ? હેં ? બાકી, સાચું હોય તોય એમાં ખોટું શું છે, હેં ? પણ હું સું કહું છું...'

ગોપાલનો અવાજ થોડો ગંભીર થઈ ગયો. 'આમ તો તમને પસંદ પડે એ જ બરોબર હોય, પણ, સું છે કે કંઈ બી ડિસીઝન લેતાં પહેલાં સામેવાળાનું બેક ગ્રાઉન્ડ ચેક કરી લેવું સારું... કે ભઈ, એ કોણ છે, ક્યાંથી આવે છે, એમનું ફેમિલી કેવું છે, આગળ એ સું કરવા માગે છે...'

રાધા હસવા લાગી 'શું ગોપાલ ! આવું બધું શું બોલ્યા કરે છે ? સાચું કહેજે, તને જલન થાય છે ને?'

'હોતું હસે ? મને તો-' આટલું બોલતાં ગોપાલ અટકી ગયો. પછી એ કંઈ બોલ્યો જ નહીં.

રાધાને પણ તે વખતે વિચાર ન આવ્યો કે સતત બોલ-બોલ કરનારો ગોપાલ કેમ અચાનક મુંગોમંતર થઈ ગયો ?

***

'મે આઈ કમ ઇન સર ?'

કિસનને ડિ'મેલો સરે પોતાની કેબિનમાં બોલાવ્યો હતો. ડિ'મેલો સરની બાજુમાં મિસિસ રૂમી મહેરા બેઠાં હતાં. ડિ'મેલો સરે કિસનને બેસાડીને વાત શરૂ કરી.

'લુક કિસન, વ્હેન યુ કેઇમ ફ્રોમ મથુરા... તુમ્હારી જોબ ખતરે મેં થી,' એ કહેવા લાગ્યા. 'પણ જે રીતે તેં શોમાં કુરિયોગ્રાફી કરી છે એ જોઈને હું ખરેખર ઈમ્પ્રેસ થયો છું. તને મારી ડાન્સ એકેડમીમાં મહિને સવા લાખ રૂપિયાની જોબ તો ઓફર કરી જ રહ્યો છું પણ...'

કિસનના કાન સરવા થઈ ગયા. ડિ'મેલો સરે કહ્યું 'હું તને એથી પણ વધારે કંઈક ઓફર કરવા માગું છું, યુસી, મારી પાસે મોટી મોટી ફિલ્મોની કુરિયોગ્રાફી કરવાના કોન્ટ્રાક્ટસ આવતા રહે છે, બટ યુસી, હું એકલો તો બધે પહોંચી ન વળું ને, એટલે...'

ડિ'મેલોએ ટેબલ ઉપર પેપર્સની એક થપ્પી આગળ સરકાવતાં કહ્યું 'બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સની ચાર મેગા બજેટ મુવીઝમાં આસિસ્ટન્ટ તરીકે જોડાવાની તને ઓફર આપી રહ્યો છું. રૂપિયા તો તેં ધાર્યા હશે એનાથી અનેકગણા મળવાના જ છે. બટ યુ વિલ હેવ અ ચાન્સ ટુ મેક અ બિગ નેમ ઈન ધ ઈન્ડસ્ટ્રી.'

'થેન્ક યુ સો મચ સર !' કિસન તો ગદગદ થઈ ગયો.

'આ પેપર્સમાં સાઇન કરવાની એક ફોર્માલિટી કરવી પડશે. એ પછી હું તને બીજી એક વાત કહેવા માગું છું.'

કિસને ફટાફટ કોન્ટ્રાક્ટના પેપર્સમાં સહીઓ કરી નાંખી. પેપર્સ પાછા લેતાં ડિ'મેલોનો આખો ટોન ફરી ગયો: 'યુસી કિસન, તું ભલે સારો કુરિયોગ્રાફર હોવ, પરંતુ તને શોમાં જે પોપ્યુલારીટી મળી છે એમાં રાધાનો બહુ મોટો ફાળો છે. જો તને રાધા ન મળી હોત તો તું હજી ફાંફાં મારતો હોત. રાઇટ ?'

'હા, આપની વાત તો સાચી છે.' કિસને કબૂલ કર્યું, કે તરત જ ડિ'મેલોએ મિસિસ રૂમી મહેરા તરફ હાથ કરીને કહ્યું : 'હવે પછીનો જે રાઉન્ડ છે એમાં તારે આમની દીકરી કામ્યાને લેવાની છે ! ઓફ કોર્સ, રાધાને પણ સાથે રાખવાની જ છે, પણ મારી નાનકડી એક શરત એવી છે કે -'

***

નેકસ્ટ રાઉન્ડ માટે જે ગાયન સિલેક્ટ થયું હતું એના શબ્દોમાં રાધા અને કૃષ્ણ બન્ને હતાં જ : 'મધુબન મેં જો કન્હૈયા કિસી ગોપી સે મિલે, રાધા કૈસે ના જલે...' પણ રાધાને કોણ જાણે કેમ કિસનનું આખું વર્તન અલગ જ લાગી રહ્યું હતું. ગોપી તરીકે જેને ચેનલે પસંદ કરીને આપી હતી એ ધનવાન દીકરી કામ્યા મહેરા ઉપર કિસનનું ધ્યાન વધારે પડતું હતું !

એટલું જ નહીં, કામ્યાને સ્ટેપ્સ પણ વધારે સારાં અપાઈ રહ્યાં હતાં, ઘણીવાર તો એવું થતું કે કિસન સતત કામ્યાને સ્ટેપ્સ શીખવવામાં એટલો મશગૂલ રહેતો કે રાધા ઊભી ઊભી કલાકો સુધી જોયા જ કરતી ! ખુદ રાધાને સમજાતું નહોતું કે તેના મનમાં શા માટે અચાનક કામ્યા માટે ઈર્ષ્યા થવા લાગી હતી ?

કામ્યા પણ કંઈ ઓછી માયા નહોતી. રિહર્સલ પતે કે તરત એ કોઈને કોઈ બહાને કિસનને પોતાની મોંઘી કારમાં બેસાડીને ક્યારેક રેસ્ટોરન્ટમાં, ક્યારેક પોતાના મુંબઈના લકઝુરિયસ એપાર્ટમેન્ટમાં તો ક્યારેક ફાઈવ સ્ટાર હોટલના સ્વિમિંગ પુલમાં ખેંચી જતી હતી. બહાનાં તો અનેક હતાં 'આજે મારી મોમ તને ખાસ મળવા બોલાવે છે...' 'આજે મારી ખાસ ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે...' 'આજે મારા ડેડી સાથે તારી ઈન્ટ્રો કરાવવાની છે...'

જાણે આટલું ઓછું હોય તેમ કામ્યા રાધાના ઘા ઉપર નમક છાંટતી હોય તે રીતે દર વખતે છેલ્લું વાક્ય ઉમેરતી. 'એમાં રાધાનું શું કામ ? એ બિચારીને એની પ્રેક્ટિસ કરવા દે ને ? નહિતર એના માર્કસ ઘટી જશે !'

આખરે માર્કસ તો ઘટયા જ ! કેમકે કિસને રાધાને સ્ટેમ્સ જ એટલાં ઓછાં અને સિમ્પલ આપ્યા હતાં કે સૌનું ધ્યાન કામ્યા અને કિસનની જોડી ઉપર જ જતું હતું.

***

'વાઉ ! માન ગયે સર !' મિસિસ રૂમી મહેરા ચેનલ હેડ પ્રણવ રૉય ચૌધરીનાં વખાણ કરી રહી હતી 'આખરે રાધાનો ઘમંડ તૂટી રહ્યો છે. નોટ જસ્ટ ધેટ, એના સોશિયલ મિડીયાના ઘેલસઘરા, સ્ટુપિડ ફોલોઅર્સ પણ એનાથી દૂર થઈ ગયા છે.'

'ડિયર રૂમી...' પ્રણવ રૉય ચૌધરી ત્રાંસુ સ્માઇલ કરતાં બોલ્યા. 'ધીસ ઈસ જસ્ટ બિગિનીંગ ! નવી જનરેશનના દિમાગમાં એન્ટ્રી લેવા માટેનું બેસ્ટ હથિયાર છે લવ... પ્રેમ... ઈશ્ક... મહોબ્બત ! એકવાર આ નાદાન બચ્ચાંઓ પ્રેમમાં પડે પછી એ લોકો ધર્મ, કલ્ચર, મા-બાપ, કુટુંબ, વેલ્યુઝ... કશાયની પરવા કરતા નથી ! આ જ એ જગ્યા છે જ્યાં તેઓ મોસ્ટ વર્નરેબલ હોય છે, ડિયર રૂમી, તમે જોતાં જાવ, આગળ શું શું થાય છે...'

***

આગળ જે થવાનું હતું તે પ્રણવ રોયચૌધરીના પ્લાન મુજબ જ થવાનું હતું. એક સાંજે એનાઉન્સ થયું કે 'ડાન્સ દિવાને ડાન્સ'ની ભવ્ય સફળતાને સેલિબ્રેટ કરવા માટે એક શાનદાર પાર્ટી રાખવામાં આવી છે... ઓન્લી ફોર અવર યંગ એન્ડ બ્યુટિફુલ કોન્ટેસ્ટન્ટસ !

મુંબઈની અત્યંત શાનદાર નાઇટ-કલબમાં રાખેલી આ પાર્ટીમાં 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના ઓડિશન રાઉન્ડમાં સિલેક્ટ થયેલા તમામ ૩૦થી ૪૦ કોન્ટેસ્ટન્ટોને ચેનલના ખર્ચે તેડાવવામાં આવ્યા હતા. રાધાને આ પાર્ટીમાં જવાનું જરાય મન થતું નહોતું છતાં પેલાં કોન્ટ્રાક્ટનાં જે પેપર્સ ઉપર તેની સહી લઈ લેવામાં આવી હતી એ હિસાબે પાર્ટીમાં ગયા વિના છૂટકો પણ નહોતો.

પાર્ટી ખરેખર ભલભલાને મદહોશ કરી મુકે એવી હતી. તમામ પ્રકારના એકઝોટિક ફૂડ સાથે અનેક પ્રકારના પીણાં અહીં ફ્રી હતાં. જેણે અગાઉ પીધું હોય તેને બિન્દાસ થઇને 'નો-લિમિટ' પીવાનો મોકો હતો. અને જેણે આ અગાઉ આનાં ટેસ્ટ ન કર્યો હોય તે પણ અહીનું 'એટમોસ્ફીયર' જોઇને બે ચાર જાતનાં ડ્રીંક 'ટ્રાય' કરવા ખાતર પીવા લલચાઈ જ જાય !

જો કે રાધા આનાથી દૂર જ રહી, તે જોતી હતી કે કિસન સતત પેલી કામ્યાને રાજી કરવા માટે તેની આગળ પાછળ ફરી રહ્યો હતો. વચ્ચે જ્યારે કિસને રાધાને જોઈ, અને તેને ડાન્સ માટે બોલાવવા આવ્યો, ત્યારે કામ્યા જીદ કરીને કિસનને પાછો ખેંચી ગઈ.

આમ ને આમ રાતનો એક વાગી ગયો... રાધાએ જોયું કે કામ્યા કિસનને ફ્લાઇંગ કિસ આપીને ક્લબની બહાર જતી રહી. હવે કિસન એકલો પડયો. તે ધીમા ડગલે રાધા પાસે આવ્યો.

'રાધા, આઈ એમ સોરી' એ બોલ્યો.

'શેના માટે સોરી ?' રાધા ગુસ્સામાં હતી. 'તને અબજપતિની દિકરી હાથલાગી ગઇ છે. એની મમ્મીના કારણે મોટી ફિલ્મોના કોન્ટ્રાક્ટ મળી ગયા છે. ડિ'મેલો સરને ત્યાં સવા લાખની નોકરી પાકી થઇ ગઈ છે. હવે મારી જરૂર જ ક્યાં રહી ?'

'રાધા...' કિસને રાધાના બે હાથ પકડીને તેને પોતાની તરફ ફેરવી. 'રાધા, આપણા જેવા મિડલ ક્લાસના લોકોએ જિંદગીમાં કંઇક બનવું હોય તો જાતજાતનાં કોમ્પ્રોમાઇઝ કરવા પડતાં હોય છે. કામ્યાને જો મેં મહત્ત્વ ન આપ્યું હોત તો આજે હું પોતે આખા શોમાંથી બહાર થઇ ગયો હોત... તું રાધનપુર પાછી જતી રહી હોત અને હું મથુરાની ટિકીટ કપાવીને ટ્રેનમાં બેસી ગયો હોત. પણ કિસને ઊંડો શ્વાસ લઇને કહ્યું 'રાધા, મારે માત્ર મારાં જ નહીં તારાં સપનાં પણ પુરાં કરવાનાં છે. આ નોકરી હશે, આ ફિલ્મોનાં કામ હશે તો આપણે બન્ને આ મુંબઇમાં એકાદ નાનકડા ફ્લેટમાં સાથે રહીને આપણાં સપનાંઓને થોડાં ઘણાં સાચાં પડતાં જોઈ શકીશું ને ? આજે મારી કરિયર શરૂ થઇ છે. કાલે મારે તારી કરિયર પણ આસમાને જતી જોવાની છે, રાધા ! પ્લીઝ, મારો ભરોસો કર, મારે મજબૂરીમાં આ બધું કરવું પડયું છે. બાકી મારા દિલમાં માત્ર અને માત્ર તું જ છે !''

'ખરેખર ?' રાધાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. દિલની ધડકનોમાં નવો તાલ ધબકવા લાગ્યો. અંગેઅંગમાં પ્રેમની ઝરમર વર્ષા થવા લાગી. અને એ જ વખતે કિસને તેને બાથમાં લઇને રાધાના હોઠ ઉપર પોતાના હોઠ મુકી દીધા !

રાધા પણ હવે પાર્ટીના નહીં પણ પ્રેમના નશામાં ડૂબી ચૂકી હતી. તેણે પણ પોતાના હોઠ વડે કિસનના હોઠનો રસ માણવા માંડયો...

***

'યે દેખિયે. હમારા માસ્ટર સ્ટ્રોક ! આ જ તો રિયાલિટી શોની મજા છે ! આપણે આ પ્રોગ્રામના બહાને સોશિયલ મિડિયામાં 'રિયાલીટી' બતાડાને આપણો ખેલ પાડી રહ્યા છીએ. જુઓ !' ચેનલના હેડ પ્રણવ રૉય ચૌધરીએ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયેલા રાધા અને કિસનના ચુંબન દ્રશ્યનો વિડીયો મિસિસ રૂમી મહેરાને બતાડતાં અટ્ટહાસ્ય કર્યું.

'માત્ર આ રાધા જ નહીં, 'ડાન્સ દિવાને ડાન્સ'ની બીજી ત્રણ-ચાર ટિપિકલ મિડલ ક્લાસિયણ છોકરીઓ, જેમાંની એક તામિલનાડુની છે, એક બંગાળની છે, એક મરાઠણ છે, એક વળી પંજાબની છે... આ બધી 'લવ'માં પડી ચૂકી છે! બસ, હવે આ 'લવ'ને ખાતર આમની પાસે જે કરાવવું હોય તે કરાવી શકાય ! કેમકે એમને પસંદ કરનારી ભોળી પ્રજાને આ છોકરીઓ જે કંઇ કરશે. એમાં કશું જ ખરાબ દેખાવાનું નથી ! અને ત્યાં જ આપણી વિદેશી બ્રોડકાસ્ટિંગ કંપનીને જે જોઇએ છે તે મળી જશે.'

'પણ એક્ઝેક્ટલી કેવી રીતે ?' રૂમી મહેરાએ પૂછ્યું.

જવાબમાં પ્રણવ રૉય ચૌધરીના ચહેરા ઉપર ભેદી સ્માઈલ રમી રહ્યું હતું...

***

'લિસન બોયઝ એન્ડ ગર્લ્સ...' ડિ'મેલો સ્ટુડિયોઝમાં જ્યાં 'ડાન્સ દિવાને ડાન્સ'નાં રિહર્સલો થતાં હતાં ત્યાં હવે પછીના રાઉન્ડ માટે ચેનલ હેડ પ્રણવ રોય ચૌધરીએ આવીને જાહેરાત કરી. 'નેકસ્ટ રાઉન્ડ કી થિમ હૈ શૃંગાર... યાને કે શરીર કા સૌંદર્ય...'

'આના માટે આ વખતે ચેનલ જ દરેક સ્પર્ધકને ગીત પસંદ કરીને આપશે અને એના માટેનો કોસ્ચ્યુમ પણ ચેનલ જ પસંદ કરશે.' એક લેડી આસિસ્ટન્ટે અંગ્રેજીમાં એનાઉન્સ કરતાં ઉમેર્યું, 'ઇટ્સ અ ન્યુ ચેલેન્જ ! બેસ્ટ ઓફ લક એવરીવન !'

વારાફરતી દરેક કોન્ટેસ્ટન્ટને એક એક ગાયન અપાઈ રહ્યું હતું. કોઇને 'ચોલી કે પીછે ક્યા હૈ' મળ્યું, કોઇને 'શીલા કી જવાની' આપવામાં આવ્યું, કોઇના નામ ઉપર 'ભીગે હોંઠ તેરે...' તો કોઇને ફાળે હાંફતા અવાજોવાળું 'પિયા તૂ અબ તો આજા' આવ્યું એ છેલ્લે રાધા માટે સૌથી ઉત્તેજક ગીત આવ્યું 'હુશ્ન કે લાખો રંગ...'

આ સાંભળતાં જ રાધાનો મિજાજ ગયો. પણ હજી બધાને વારાફરતી કોસ્ચ્યુમ અપાઈ રહ્યા હતા. જ્યારે રાધાના હાથમાં 'હુશ્ન કે લાખોં રંગ' માટેનો કોસ્ચ્યૂમ આપવામાં આવ્યો કે તરત તેણે ફ્લોર ઉપર ઘા કરીને કહી દીધું :

'મેં યે નહીં પહનુંગી !'

'ક્યા ?' ચેનલ હેડ પ્રણવ રૉય ચૌધરી રાધા પાસે આવી પહોંચ્યા. 'ક્યા બોલા તુમ ને ?'

'તુમ ને ઠીક સુના.' રાધાએ સ્પષ્ટ અવાજે કહ્યું, 'મેં યે નહીં પહનુંગી... ઔર મેં યે સોંગ પર ડાન્સ ભી નહીં કરુંગી !'

બધા સ્તબ્ધ હતા. કિસને સમજાવવાની કોશિશ કરી 'રાધા, જરા સોચ લો-'

'સોચ લિયા હૈ !' રાધાનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. 'તમને ખબર છે, એમાં આગળ શું શબ્દો છે ? આગ હૈ યે બદન...કૌન સા અંગ દેખોંગે... શું આ કોન્ટેસ્ટમાં હું મારું અંગ દેખાડવા આવી છું ?'

પ્રણવ રૉય ચૌધરીએ હવે સીધું રાધા ઉપર નિશાન તાક્યું 'તને ખબર છે, તારી સહી કરેલા ચેનલ સાથેના કોન્ટ્રાક્ટ મુજબ જો તું આ રીતે ના પાડે તો તારે શો માંથી બહાર થઇ જવું પડશે ?'

'ભાડમાં જાય તમારી ચેનલ ! અને ખાડામાં જાય તમારો કોન્ટ્રાક્ટ ! હું આ ગાયન પર ડાન્સ નહીં કરું !'

'ધેન આઈ એમ સોરી...' પ્રણવ રોય ચૌધરી બોલ્યા 'યુ આર આઉટ !'

રાધાએ પણ એક ક્ષણનો વિચાર કર્યા વિના પોતાની હેન્ડ બેગ ઉપાડી, ખભે ભેરવી, અને બહાર જતાં કહી દીધું 'ગુડબાય સર !'

***

થોડા જ કલાકમાં લાઈવ કેમેરામાં શૂટ થયેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડિયામાં આગની જેમ ફેલાઈ ગયો...

એ રાત્રે મિસિસ રૂમી મહેરા સાથે વાઈનનો ગ્લાસ ટકરાવતાં રોય ચૌધરી કહી રહ્યા હતા : 'જોયું ? તમને જે જોઇતું હતું તે મળી ગયું ને !'

(આવતા રવિવારે છેલ્લું પ્રકરણ)

Ravi-Purti

Google NewsGoogle News