Get The App

ડાન્સ રાધા ડાન્સ .

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ડાન્સ રાધા ડાન્સ                               . 1 - image


- પ્રકરણ - 1

- વિભાવરી વર્મા

- રાધનપુરની એ રાધા ખરેખર એના મુરલીધર શ્રીકૃષ્ણના જ ભરોસે નીકળી પડી હતી. એસટી ડેપોએ પહોંચી ત્યારે ખબર પડી કે સાડા પાંચની બસ તો ગઈ... 

'શું ડાન્સ ડાન્સ ડાન્સ ? શું લાડવા દાટયા છે ડાન્સમાં? એના કરતાં તો જરીક ભણવામાં ધ્યાન આપતી હોય તો ?'

'મમ્મી, ભણવામાં ધ્યાન આપું જ છું. દર વરસે કોલેજમાં સિત્તેર ટકાથી વધારે માર્કસ લાવું છું. પણ ડાન્સ મારું પેશન છે.'

'પેશન ? બળ્યું, એ વળી શું ?'

રાધનપુરની કોમર્સ કોલેજમાં ભણતી રાધાની મા ઘરે રહીને સીવણકામ કરતી હતી. રાધાના બાપુજી સુથારીકામ કરવા જતા હતા. એમને 'પેશન' એટલે શું એ કેવી રીતે સમજાવવું ? છતાં રાધાએ કહ્યું હતું :

'મમ્મી, પેશન એટલે, એક જાતની ધૂન, સપનું પુરું કરવાની ધૂન.'

'બળ્યું, તને વળી એવાં ચેવાં સપના આવે છે ?'

મમ્મીનો સવાલ કંઈ ખોટો નહોતો. રાધાનું બસ એક નાનકડું જ સપનું હતું કે ટીવીમાં જે ડીડીડી યાને કે 'ડાન્સ દિવાને ડાન્સ' નામનો શો આવતો હતો એના માત્ર એકાદ એપિસોડમાં, બસ, એકાદ એપિસોડમાં, બસ, એકાદ એપિસોડમાં, એને ડાન્સ કરવા મળે !

રાધાને કંઈ ચેમ્પિયનશીપ જીતવાનાં સપનાં હતાં જ નહીં. એને પોતાની હેસિયતની પુરેપુરી ખબર હતી. વળી રાધનપુર જેવા નાનકડા શહેરમાં કંઈ હાઈ-ફાઈ ડાન્સિંગ સ્કુલો થોડી હોય ? અને હોય તો પણ શું ? એની ચીરી નાંખે એવી ફી રાધાનાં માબાપને પોષાતી હશે ? અહીં રાધનપુરનાં પૈસાદાર ફેમિલીનાં છોકરા છોકરીઓ નવરાત્રિ પહેલાં જે ગરબા ક્લાસમાં જતાં હતાં એની ફી પણ રાધાની કોલેજની આખા સેમેસ્ટરની ફી જેટલી હોય !

રાધા જે કંઈ ડાન્સ શીખી હતી તે માત્ર અને માત્ર મોબાઈલમાં જોઈને ! એ પણ ડીડીડીના જુના એપિસોડો જોઈ જોઈને ! રાધાની ખાસ બહેનપણી શીતલ પાસે આઈફોન હતો. શીતલના પપ્પા પૈસાદાર હતા. એટલે ડેટા રિ-ચાર્જની કશી ચિંતા નહોતી. એટલું જ નહીં, શીતલ એના આઈફોનમાં રાધાના ડાન્સ શૂટ કરીને એને એની ભૂલો બતાડતી. બસ, એમ કરતાં કરતાં રાધનપુરની આ રાધા ડાન્સ કરતાં શીખી હતી.

હવે એને 'ડાન્સ દિવાને ડાન્સ'માં આવવું હતું. જે ઘડીએ એણે ટીવીમાં ડીડીડીની નવી સિઝનમાં ઓડિશન્સની જાહેરાત જોઈ હતી એ જ દિવસે નક્કી કર્યું હતું કે ગમે તે થાય, એક વાર તો નસીબ અજમાવવું જ છે.

અને એ દિવસ આજનો દિવસ હતો. રાધા અહીં અમદાવાદની કર્ણાવતી ક્લબના મેદાનમાં એનો વારો ક્યારે આવે તેની રાહ જોતી બેઠી હતી. એને પોતાના ડ્રેસ ઉપર ચોંટાડવા માટે બાર ઈંચ બાય બાર ઈંચનું એક કઢંગું કાર્ડ આપવામાં આવ્યું હતું જેની ઉપર જાડી સ્કેચ પેન વડે તેનો નંબર લખ્યો હતો : ૧૨૩૪ ! હા, એની આગળ પુરા એક હજાર બસ્સો ને તેત્રીસ જણા પોતાનું નામ નોંધાવી ચૂક્યા હતા !

રાધાને કદાચ આ બારસો ચોંત્રીસમો નંબર પણ ના મળ્યો હોત કેમ કે છેક રાધનપુરથી અહીં સુધી આવતાં જ એને મોડું થઈ ગયું હતું. 'કાલે અમારી કોલેજની સ્ટડી ટુર જવાની છે' એવું બહાનું તેણે આગલી રાત્રે જ કાઢી રાખ્યું હતું.

સવારે પાંચ વાગે ઊઠીને તેણે ચૂપચાપ પોતાની કોલેજ લઈ જવાની બેગ-પેકમાં બે જોડી કપડાં નાખી દીધાં હતાં. એની સાથે રસોડામાં, જ્યાં એની મા ચોખાના ડબ્બામાં પૈસા છૂપાવીને રાખતી હતી એમાંથી તેણે પાંચસો પાંચસોની બે નોટ અને બીજી સો-પચાસની નોટો કાઢીને પોતાના બટુવામાં મુકી દીધી હતી.

એ પછી જાતે જ સાદી બ્રેડની ત્રણ સેન્ડવીચો બનાવીને છાપાના કાગળમાં લપેટીને ઝોલામાં મુકી દીધી હતી. આ બધું મુકતાં એના મનમાં એક વિચાર ફરકી ગયો હતો કે 'આટલું કેટલા દિવસ માટે ચાલી રહેશે ?' છતાં હવે તો જે થવાનું હોય તે થાય... એમ વિચારીને ઘરની બહાર જતાં પહેલાં ઊંડો શ્વાસ લઈને, મનમોહન મુરલીધર કનૈયાનું નામ લીધા પછી તેણે ઊંઘમાં સૂતેલી મમ્મીને કહ્યું હતું : 'રાતે આવું છું મમ્મી, જયશ્રીકૃષ્ણ !'

રાધનપુરની એ રાધા ખરેખર એના મુરલીધર શ્રીકૃષ્ણના જ ભરોસે નીકળી પડી હતી. એસટી ડેપોએ પહોંચી ત્યારે ખબર પડી કે સાડા પાંચની બસ તો ગઈ... હવે સાડા છ વાળી આવશે ત્યારે વાત...

રાધનપુરથી અમદાવાદનો એસટી રૂટ જ પુરા સાડા ચાર કલાકનો. એમાં વળી મહેસાણા આગળ કોઈ એક્સિડેન્ટ થયો હતો એટલે ટ્રાફિકજામમાં વધુ એક કલાક ઘૂસી ગયો. એ પછી અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટોપ, ત્યાંથી રીક્ષા અને અહીં કર્ણાવતી ક્લબે પહોંચતાં રાધાને સાડા બાર વાગી ગયા હતા.

કોન્ટેસ્ટન્ટોનાં નામો નોંધનારો માણસ એક છોકરા જેવો જ હતો. એણે તો ચોખ્ખી ના જ પાડી દીધી. 'ટાઈમ તો જુઓ ? અમારે જે આવે એને એન્ટ્રીઓ જ આપ્યા કરવાની છે?' રાધા જાણતી હતી કે જો આ વખતે એન્ટ્રી નહીં મળે તો વાત આવતા વરસ પર જશે, અને શી ખબર, ત્યાં સુધીમાં તો એના બાપુજી એને ક્યાંક પરણાવી પણ દેશે. રાધાને ગળે ડૂમો બાઝી ગયો. એની આંખો હતાશાથી ભીની થઈ ગઈ. એ માંડ માંડ બોલી :

'છેક રાધનપુરથી આવું છું.'

'રાધનપુર ?' પેલા છોકરાના મનમાં વળી શું સુઝયું, તે એણે એક ફોર્મ કાઢીને આપ્યું. 'ઝટ ઝટ આ ભરી નાંખો. પણ કોઈને કહેતા નહીં.'

રાધાએ એ ફોર્મ ભર્યું. નામ, સરનામું, મોબાઈલ નંબર, અભ્યાસ, કોલેજ, માબાપ શું કરે છે... ત્યાં સુધી તો ભર્યું પણ પછીનાં ખાનાં અઘરાં હતાં. કેટલા એવોર્ડ મળ્યા છે, કેટલી કોમ્પિટીશનોમાં ભાગ લીધો છે, કઈ ડાન્સિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લીધી છે, એનાં સર્ટિફીકેટ, ડાન્સ ટિચરનું નામ, રેકમેન્ડેશન (ભલામણ)...

રાધાને છેક હવે સમજાયું કે આમ નાનકડા રાધનપુરમાં બેસીને ડીડીડીમાં એન્ટ્રી લેવાનાં સપનાં જોવાથી કંઈ ના થાય. સાથે આ બધું પણ જોઈએ !

ફોર્મ ભરીને આપ્યા પછી રાધાએ આસપાસ નજર દોડાવી. અહીં જે માહૌલ હતો એ જોઈને તો રાધાની હથેળીમાં પરસેવો વળી ગયો. અહીં જે કોન્ટેસ્ટન્ટો આવ્યા હતા એમનાં મસ્ત રંગીન કપડાં, એમની હાઈ-ફાઈ હેર-સ્ટાઈલો, એમની ચમકતી ગોરી ચામડી અને એમનાં મોંઘા પરફ્યુમથી મહેકતાં શરીર જોઈને રાધા સમજી ગઈ કે તેણે અહીં આવવાની આ પહેલી અને છેલ્લી ભૂલ કરી છે.

બપોરનો એક વાગી ચૂક્યો હતો. કોન્ટેસ્ટન્ટો અંદર હોલમાં જઈને, ઓડિશન આપીને બહાર આવી રહ્યા હતા. કેમેરાના બે યુનિટો એમનું કવરેજ કરી રહ્યા હતા. કોઈ હસતું હસતું બહાર આવતું, તો કોઈ રોતી સુરત સાથે ઢીલા પગે કદમ માંડતું દેખાતું હતું. એક ચિબાવલી એન્કર એમાંથી ખાસ ખાસ, અમુકને જ મોં આગળ માઈક ધરીને પૂછતી હતી 'સો, હાઉ વોઝ ઈટ ? કૈસા રહા ઓડિશન ?'

જવાબ આપનારાં છોકરા છોકરીઓને પણ શું એક્સ્પ્રેશનો આપવાનાં, કેવા 'ઓસ્સમ'. જવાબો આપવાના એની ખબર હોય તેમ જાણે બધા ઓવર એક્ટિંગ કરી રહ્યા હતા. સિલેક્ટ થઈને આવનારાઓને એમનાં પેરેન્ટસ, એમના ફ્રેન્ડઝ, એમના ડાન્સિંગ કોચ વગેરે ભેટી ભેટીને ઉછળતાં હતાં. સેલ્ફીઓ લેવાઈ રહી હતી, રીલ્સ બની રહ્યાં હતાં...

જે કોન્ટેસ્ટન્ટ રિજેક્ટ થઈને આવે એને પણ એમનાં પેરેન્ટસ 'ઈટ્સ ઓકે બેબી... ઈટ્સ ઓલરાઈટ, હની ! કમ ઓન... બિ બ્રેવ...' એવું બધું કહીને લાગણીવેડાનું પ્રદર્શન કરતા હતા. રાધાને વિચાર આવી ગયો કે જ્યારે હું અહીંથી રિજેક્ટ થઈને બહાર આવીશ ત્યારે મને સાંત્વના આપનારું કોણ હશે ?

રાધાને હવે ભૂખ લાગી હતી. તેણે જોયું કે અહીં બીજા કોન્ટેસ્ટન્ટો લોનમાં, વૃક્ષો નીચે કે બિલ્ડીંગના છાંયડામાં બેસીને નાસ્તો વગેરે કરી રહ્યા હતા. એમાંથી ભાગ્યે જ કોઈ એકલું-અટુલું હતું. સૌ પોતપોતાનાં ગુ્રપમાં હતા. એક ગુ્રપ કોઈ સારા ડાન્સ ક્લાસનું લાગતું હતું. એમાં દસ બાર છોકરા છોકરીઓ ઓનલાઈન ઓર્ડર કરેલા પિત્ઝા, બર્ગર, ફ્રેન્કી, જ્યુસ, સ્ટાર બક્સની કોફી, કોલા-પેપ્સી વગેરે એન્જોય કરી રહ્યા હતા.

બીજી બાજુ અમુક કોન્ટેસ્ટન્ટનાં મમ્મીઓ જાણે આખું કિચન ઉપાડી લાવ્યાં હોય તેમ ડબ્બાઓ ખોલીને, થર્મોસોનાં ઢાંકણાં ઉઘાડીને સેન્ડવીચો, ઢોકળાં, થેપલાં અને ઘરે બનાવેલા ચીકુ, નારંગી, પાઈનેપલના જ્યુસ પોતાનાં લાકડા અને ટેલેન્ટેડ સંતાનોને પ્રેમથી ખવડાવી રહ્યાં હતાં.

આ બધામાં પોતે પોતાની છાપામાં લપેટેલી સેન્ડવીચ કાઢીને ખાય તો કેવું લાગશે ? રાધાએ પોતાની બેગ-પેકમાંથી કાઢેલું સેન્ડવીચોનું પકીડું પાછું મુકી દીધું. ત્યાં જ પાછળથી પેલો ફોર્મ આપનારો છોકરો આવીને બોલ્યો :

'ત્યાં પાછળ એક કેન્ટિન જેવું છે. ત્યાં ચા-કોફી મળી જશે, દસ-દસ રૂપિયામાં. શાંતિથી બેસીને ખાઈ લો. તમારો નંબર આવતાં સાંજ પડશે.'

રાધા એને કંઈ બીજું પૂછે એ પહેલાં તો એ જતો રહ્યો. 'હાસ્તો...' રાધાને થયું, 'જે પતાકડું આપ્યો છે એ હિસાબે તો મારો નંબર બારસો ને ચોત્રીસમો છે ને ?'

બિલ્ડીંગની પાછળના ભાગે જે કેન્ટિન જેવું હતું તે હકીકતમાં ટીવી ચેનલના સ્ટાફ માટે ટેમ્પરરી ઊભી કરેલી કેબિન જેવું હતું. બહાર થોડી પ્લાસ્ટિકની ખુરશીઓ પડી હતી. રાધાએ કેબિન પાસે જઈને કીધું એક ચા અને એક પાણીની બોટલ આપોને?

સામેથી સવાલ આવ્યો : 'આઈ કાર્ડ ?'

રાધા પાસે આઈ કાર્ડ ક્યાંથી હોય? ત્યાં તો પેલો રજીસ્ટ્રેશનવાળો છોકરો આવી પહોંચ્યો. તેણે કહ્યું 'અરે, આપડી ઓળખાણમાં છે, આપી દો ને ?'

રાધા એને થેન્ક્યુ કહેવા જાય ત્યાં એ બોલ્યો : 'સાંજે મોડું થાય ને, ભૂખ લાગે તો અંઈ અગાડી ઈડલી સાંભાર બી છે હોં ?'

પછી રાધા કંઈ પૂછે એ પહેલાં જ એ બોલવા લાગ્યો : 'તમે રાધનપુરના? મું પાટણનો છું. અંઈ બીકોમ કરું છું, કાકાને ઘેરે રઈને. આ તો ખબર પડી કે અંઈ એક દા'ડાના તૈણસો આલે છે એટલે આયો છું. બાકી...'

એણે આમતેમ જોઈને અવાજ ધીમો કર્યો. 'મું હવારથી જોઈ રહ્યો છું. અંઈ લાગવગ જ ચાલે છે. ડાન્સ ક્લાસવાળાઓને વચમોં વચમોં વ્હેલા લઈ લે છે. કોઈ પૈસાદાર પાર્ટી આવે તો ઈનાં છોકરાંને પણ ફટાફટ બોલઈ લે છે. એટલે જ કઉં છું. શાંતિ રાખજો... નંબર લાગતોં વાર જ લાગવાની ! બાકી...'

ફરીવાર એણે નજીક આવીને પૂછયું 'તમે કંઈ ડાન્સ-ડાન્સ શીખેલા છો કે એમ જ -'

રાધા શું કહે ? છોકરો જવાબની રાહ જોયા વિના જતો રહ્યો. રાધાએ ચા સાથે પોતાની છાપામાં લપેટેલી સેન્ડવીચો ગળચીને પેટ ભર્યું.

અહીં બેઠાં બેઠાં હવે તેને પોતાની મુર્ખામી ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. પેલી આઈફોનવાળી શીતલ પણ મારા જેવી જ ને ? કમ સે કમ એને તો ભોન થવું જોઈતું હતું કે આમાં આપણું કામ નહીં ? ખેર, હવે છેક અહીં સુધી આવી જ છું તો એક ઓડિશન આપીને તો જાઉં ? પાછાં રાધનપુર પહોંચતાં અડધી રાત થઈ જશે...

રાધા પોતાના બારસો ચોંત્રીસમા નંબરની રાહ જોતી બેસી રહી. પેલા છોકરાએ કહ્યું હતું એવું જ ચાલી રહ્યું હતું. કંઈ કેટલાયે સ્માર્ટ છોકરા છોકરીઓ હજી આવીને બેસે ત્યાં તો એમને અંદર બોલાવી લેતા હતા.

આમ કરતાં કરતાં રાત પડી રહી હતી. હજી ત્રીસેક જણા બહાર રાહ જોતા બેઠા હતા. આઠ વાગ્યા... ત્યારે ખબર પડી કે જજ લોકો ડીનર લેવા ગયા છે...

રાહ જોવા સિવાય છૂટકો જ ક્યાં હતો ? રાધાને ભૂખ લાગી હતી. તે પેલી કેન્ટિન પાસે ગઈ. અહીં સેન્ડવીચ, સમોસા, કચોરી ખલાસ હતાં. છેલ્લા વડા સાંભાર બચ્યા હતાં. રાધાએ એ ખાધા. જોકે ખાતાં ખાતાં લાગ્યું કે કંઈક તો ગડબડ છે. વડાનો સ્વાદ થોડો વિચિત્ર હતો.

આખરે નવેક વાગે જ્યારે જજ લોકો પાછા આવ્યા ત્યારે રાધા હોલની બહાર રાહ જોતી બેસી ગઈ. નંબરના હિસાબે હજી ચાલીસ જણા બાકી હતી. સમયના કાંટા ગોળ-ગોળ ફરતા રહ્યા...

અચાનક રાધાને પેટમાં ચૂંક ઉપડી ! રાધા તરત સમજી ગઈ કે આ પેલાં વડાસાંભાર ખાધા એની જ અસર છે. એને તાત્કાલિક બે નંબર જવું પડે તેમ હતું. તેણે એક સ્માર્ટ દેખાતી ટીવીવાળીને પૂછયું : 'અહીં... પેલું શું કહેવાય, જાજરૂ ક્યાં હશે ?'

ટીવીવાળીએ બહુ ખરાબ રીતે મોં બગાડીને કહ્યું 'ઉસ કો વોશરૂમ કહતે હૈં... રાઈટ સે અંદર જાકર સામને.'

રાધા જ્યારે પંદર મિનિટ પછી પાછી આવી ત્યારે અહીં આખો સીન પલટાઈ ગયો હતો ! બહાર કોઈ જ રાહ જોતું બેઠું નહોતું ! કેમેરાવાળા એમનો સામાન પેક કરી રહ્યા હતા. એક વાનમાં બધો સામાન મુકાઈ રહ્યો હતો. ટીવીના સ્ટાફ પોતાના ગળે લટકતા બેજ કાઢીને એક લકઝરી બસમાં બેસી રહ્યા હતા. રાધાએ પૂછયું 'મેરા ઓડિશન ?'

'વો તો ખતમ હો ગયા !'

'મગર મેરા નંબર ૧૨૩૪ થા. અભી તો બીસ પચ્ચીસ લોગ મેરે આગે થે !'

'વો સબ એક દૂસરે કે ફ્રેન્ડઝ થે. ઔર બીસ કોન્ટેસ્ટન્ટ આયે હી નહીં થે!'

રાધાને ફાળ પડી. છેક અહીં સુધી આ સાંભળવા આવી હતી ? તે અંદર હોલ તરફ દોડી. અહીં ત્રણ જજ ઊભા થઈને નીકળવાની તૈયારી જ કરી રહ્યા હતા. રાધાએ હતી એટલી હિંમત ભેગી કરીને કહ્યું :

'સર ! મેડમ ! મૈં... દો નંબર ગઈ થી ! પ્લીઝ, મેરા ઓડિશન લે લો ના ?'

ત્રણ જજમાંથી એક જાડાં સરખાં મેડમ હતાં. એના ચહેરા ઉપર વિચિત્ર સ્માઈલ આવ્યું. એણે બાકીનાં બે જજને કહ્યું : 'ચલો, થોડા ઔર ટોર્ચર ટોલરેટ કર લેતે હૈં ?'

ત્રણે જજ બેઠા. રાધાએ ઝોલામાંથી એની પેન-ડ્રાઈવ કાઢી. એક ટેકનિશિયને આવીને તે લીધી. એક જજ બોલ્યા : 'ક્યા દિખા રહી હો?'

'સર, મેરે ઢોલના...'

'ઓકે ?' જજે કહ્યું. રાધાએ તેનો દુપટ્ટો કમરે બાંધ્યો. આંખો બંધ કરીને, ઊંડો શ્વાસ લેતાં તેણે મુરલીધર કૃષ્ણને યાદ કર્યા અને શરૂ કર્યું...

(ક્રમશ:)

Ravi-Purti

Google NewsGoogle News