ડાન્સ રાધા ડાન્સ .
- પ્રકરણ - ૬
- વિભાવરી વર્મા
- 'દેખા? ઈતની ગરીબ હોતે હુએ ભી ડાન્સ દિવાને ડાન્સ મેં આને કે લિયે કૈસી સ્ટ્રગલ કી હૈ ઈસ લડકીને! રાધા, હમારી સિમ્પથી તુમ્હારે સાથ હૈ.'
'તા રો નંબર છેલ્લો છે. તારો વારો આવતાં સાંજ પડી જશે. ત્યાં સુધી હું તને બતાડીશ કે અહીં આખું શૂટિંગ કેવી રીતે થાય છે. જેટલું જોવાય એટલું જોઈ લે કેમ કે તારા માટે આ પહેલું ને છેલ્લું જ છે !'
રાધા અત્યારે મુંબઈની ફિલ્મસીટીના ફ્લોર નંબર આઠના સ્ટુડિયોની પાસે આવેલી કેન્ટિનમાં બેઠી હતી. તેની સામે પાંત્રીસેક વરસના ગુજરાતી ફ્લોર મેનેજર મધુસુદન મિસ્ત્રી બેઠા હતા. કેન્ટિનના દેદાર જોઈને રાધાને થયું, ક્યાં પેલો ચળકતો, ઝગારા મારતો સ્ટુડિયો અને ક્યાં આ સાવ સાધારણ ટાઈપની કેન્ટિન ?
પણ આ જ હતી મુંબઈ નગરીની ખાસિયત. અહીં જ્યાં ઊંચી ભવ્ય મલ્ટિસ્ટોરી બિલ્ડીંગ હોય ત્યાં બાજુમાં જ ઝુંપડપટ્ટી પણ હોય ! એક બાજુ ચકાચક મર્સિડીઝ કાર ઊભી હોય તો એની પાછળ જ ઉકરડા પાસે ઊભેલું કૂતરું કારના ટાયર ઉપર પેશાબ કરતું હોય !
મધુસુદન મિસ્ત્રી રાધા માટે ઈડલી વડા સાંભારની બે ડિશો લઈને આવ્યા. એ બોલ્યા ઃ 'જો રાધા, આ છે ફિલ્મનગરી ! અહીં જે મોટા મોટા ફિલ્મસ્ટારો આવે છે એમનાં ભોજન મોટી મોટી ફાઈવસ્ટાર હોટલની રેસ્ટોરન્ટોમાંથી લાવવા માટે ખાસ કાર હોય છે. અને એ જ ફિલ્મ સ્ટારોનો જે મેકપ કરે છે, જે એમનાં કપડાં તૈયાર રાખે છે, જે એમના ચહેરા ઉપર લાઈટો ચમકાવે છે એ સૌ મામૂલી લોકો માટે આ કેન્ટિન છે.'
'તો પછી, મારી સાથે જે બીજા કોન્ટેસ્ટન્ટો આવ્યા છે એ ?'
'એ એમના મોબાઈલથી સ્વિગી અને ઝોમેટોમાં ઓર્ડર કરીને એમના પિત્ઝા, બર્ગર, મોમો એવું બધું મંગાવશે ! તું જોયા કરજે ને ?'
રાધાને કકડીને ભૂખ લાગી હતી. તે વધુ વિચાર કર્યા વિના ઈડલી વડાં ખાવા લાગી.
'અચ્છા સાંભળ, તારા મમ્મી પપ્પા શું કરે છે ?'
'મમ્મી ઘરે બેસીને સીવણકામ કરે છે અને બાપુજી સુથારીકામ કરવા જાય છે.'
'તું આ ડાન્સ કરવાનું કોની પાસેથી શીખી ?'
'કોની પાસેથી વળી શું ? યુ-ટયૂબમાં જોઈ જોઈને !' રાધા હસી પડી.
નાસ્તો કરતાં કરતાં મધુસુદન મિસ્ત્રીએ જાતજાતના સવાલો પૂછી લીધા. ઘરની આવક કેટલી ? રાધનપુરનું ઘર કેવડું છે ? ભાડે છે કે પોતાનું ? આ 'ડીડીડી'માં ભાગ લેવાનું ક્યાંથી સુઝયું ? લાઈફમાં શું એમ્બિશન છે ?...
આ છેલ્લું એમ્બિશનવાળુ આવ્યું ત્યારે રાધા ખુલ્લા મને હસી પડી. 'અંકલ, એવું બધું તો કદી વિચાર્યું જ નથી.' બસ, મનમાં એક નાનકડું સપનું હતું કે આ ડીડીડીના એકાદ એપિસોડમાં ચાન્સ મળે તો ભયો ભયો!
અચાનક મધુસુદનભાઈએ નોટપેડ બંધ કરી દીધું 'આવો જવાબ નહીં આપવાનો. સમજી ?'
'એટલે? કોને નહીં આપવાનો?'
'જજ લોકોને, આ મેં તને જે પૂછયું ને, એ બધું મેં તારા આ ફોર્મમાં ભર્યું છે. એ જોઈને જજ લોકો તને પૂછે, તો આવું સીધેસીધું કહી નહીં દેવાનું.'
'તો શું કહેવાનું ?'
'કહેવાનું કે બચપન સે મેરા યે સપના થા કે ડાન્સ દિવાને ડાન્સ મેં મૈં પુરે દેશ કે સામને અપની ટેલેન્ટ દિખા પાઉં... ઔર મેરે રાધનપુર ગાંવ કા નામ પુરી દુનિયા મેં રોશન કરું.'
રાધા હસી પડી. 'એવું બધું બોલવાનું ?'
'હાસ્તો ? અને હા, ગુજરાતનું નામ પણ લેવાનું. કહેવાનું કે મૈં ગુજરાત કે છોટે સે ગાંવ રાધનપુર સે આઈ હું મગર કલ દુનિયા દેખેગી કી ગુજરાત કી લડકીયાં ભી કુછ કમ નહીં હૈ !'
જે નાટકીય રીતે મધુસુદનભાઈ આવું બધું બોલી રહ્યા હતા એ જોઈને રાધા ખડખડાટ હસવા લાગી, પછી પૂછયું ઃ 'આવું બધું ચાંપલું, ચાંપલું ના બોલીએ તો ના ચાલે ?'
'તો ટીઆરપી ના મળે ને ?' મધુસુદનભાઈ બોલ્યા. 'તું એ બધું છોડ. ફક્ત એટલું સમજ કે આવું બોલીશ તો જજ લોકોને ગમશે અને બે માર્ક વધારે મળશે.'
રાધાને થોડી નવાઈ લાગી. સારો ડાન્સ તો બરોબર, પણ સારું સારું બોલવાથી પણ બે માર્ક વધારે મળે ?
'જો, આને કહેવાય લાઈવ એડિટીંગ સ્ટુડિયો મધુસુદન મિસ્ત્રી રાધાને શૂટિંગ ફ્લોરની એક અજબ દેખાતી જગ્યાએ લઈ આવ્યા હતા.'
અહીં એક સાથે મોટાં મોટાં ટીવી જોતા પંદર સોળ સ્ક્રીન હતા. તેની નીચે જાતભાતનાં બટનોવાળી પેનલો હતી. રીવોલ્વીંગ ખુરશીઓ, મોટાં મોટાં હેડફોન અને કંઈ ડઝનબંધ વાયરોનો અહીં ઝમેલો હતો.
'બહાર સ્ટુડિયોમાં લગભગ બારથી સોળ કેમેરા લાગેલા હોય છે. એ કેમેરામાં જે શૂટ થતું હોય તે બધું જ અહીંના જુદા જુદા સ્ક્રીનમાં દેખાયા કરે... ચાર કેમેરા તો જુદા જુદા એંગલથી ડાન્સરોનું શૂટિંગ કરતા હોય. કોઈ દૂરથી, કોઈ ઊંચેથી, કોઈ સાઈડમાંથી તો કોઈ ફક્ત ચહેરાના હાવભાવ કેમેરામાં કેદ કરતા હોય ! એ જ રીતે બે ત્રણ કેમેરા અહીં શૂટિંગ જોવા માટે જે ઓડિયન્સ આવશે એમનું સતત શૂટિંગ ઉતાર્યા કરે... એક કેમેરો ખાસ કોન્ટેસ્ટન્ટના સગાંવ્હાલાંઓને જ કવર કરે. અને બીજો એક કેમેરો જે બીજા બાકીના કોન્ટેસ્ટન્ટો છે એમનાં રી-એકશનો લીધે રાખે... '
રાધા તો આ બધું આશ્ચર્યથી જોયા જ કરતી હતી. મધુસુદન મિસ્ત્રી સમજાવી રહ્યા હતા ઃ
'અમુક કેમેરાઓને ક્રેઈન ઉપર લટકાવેલા રાખેલા છે. એને નીચે બેઠાં બેઠાં રીમોટ વડે ઉપર નીચે કરવામાં આવે... અને અમુક કેમેરા જાણે રેલ્વેના પાટા હોયને, એની ઉપર ડાબે-જમણે સરકતા હોય !'
'પણ આ બધું એકસમાટું-'
'શૂટિંગ તો એકસામટું જ ચાલતું હોય !' મધુસુદનભાઈએ સમજાવ્યું 'અહીં એક ડિરેકટર બેઠો હોય. એ તમામ કેમેરામેન સાથે વોકી-ટોકી ઉપર સૂચના આપ્યા કરતો હોય...
'કેમેરા નંબર ચાર... ક્રેઈન ઊંચે લઈ જાવ... કેમેરા નંબર છ... ઓડિયન્સમાં પેલાં માજી અને કાકા બેઠા છે તેમને બતાડો, કેમેરા આઠ... મહિલા જજ બોલે છે તેની ઉપર રહો, કેમેરા નવ... યંગ ફલાણા જજનું રિ-એકશન પકડી રાખો... આવું બધું સતત ચાલતું હોય ત્યારે અહીં જે 'લાઈવ' એડિટર બેઠો હોય ને-'
'લાઈવ એડિટર, એટલે ?'
'એટલે આ પંદર સોળ કેમેરામાં જે કંઈ ઝિલાઈ રહ્યું છે તેને એ જ વખતે ફટાફટ ક્રમવાર ગોઠવતા જવાનું ! જેમકે ડાન્સ માટે તારી એન્ટ્રી થઈ, ત્યારે તને બતાડી, પછી જજ લોકોએ સવાલો કર્યા, તો તે વખતે તું અને જજ લોકો, પછી ડાન્સ ચાલુ... એટલે જુદા જુદા એંગલથી તારો ડાન્સ... વચ્ચે વચ્ચે જજ લોકોનાં રિએકશન... ઓડિયન્સનાં રિએકશન... દૂરથી આખો મંચ, નજીકથી તારી ખાસ મુવમેન્ટો... પછી ફરીથી ઓડિયન્સમાં કોઈ ખાસ ચેહરો... ફરી તારો ડાન્સ... પછી ડાન્સ પુરો... ઓડિયન્સની તાળીઓ, જજ લોકોનાં ચહેરાના હાવભાવો, ફરી તારા હાવભાવ...'
'બાપ રે ! આટલું બધું એકસાથે?'
મધુસુદનભાઈ હસ્યા. પેલા જજ લોકો તો માત્ર શોભાના ગાંઠીયા છે. ખરી મહેનત તો પરદા પાછળ રહેલા આ કસબીઓની છે ! અને આ એ જ લોકો છે જે રોજ ઘરેથી ટિફીન લાવે છે અથવા એમના માટે હમણાં જોઈ તે કેન્ટિન છે.
રાધા તો આ બધું જોઈને ચકરાઈ જ ગઈ હતી. બાપ રે ! માંડ અઢી ત્રણ મિનિટ માટે ટીવીના પરદે દેખાતા એક ડાન્સ માટે આટલી મોટી ટીમ !
'આ તો માત્ર કેમેરા અને એડિટીંગ ટીમનું કામ થયું. આ સિવાય, આ આખો ભવ્ય સેટ ઊભો કરનારા મિસ્ત્રીઓ, કારીગરો અને મજુરો તો અલગ ! અને હા, ચાલુ શૂટિંગ જે લાઈટિંગ બદલાય, પાછળના એલઈડી સ્ક્રીન પર જે દ્રશ્યો બદલાય એની ટીમો અલગ ! અને છેલ્લે સાઉન્ડ... જેનાં ઉપર તમે ડાન્સ કરો છો એ ગાયનો, જજ લોકો જે બોલે, ઓડિયન્સ જે તાળીઓ અને કીકીયારીઓ પાડે... આ બધાનું પણ સંકલન કરનારી એક અલગ ટીમ હોય છે.'
'ઓહોહો... જબરું કામકાજ છે!' રાધા બોલી,
'હવે જરા વિચાર કર. આ એક જ શો વડે કંઈ કેટલા લોકોને રોજી મળે છે ? એમાંનો હું પણ એક ખરોને !'
'હા, તમે તો ફ્લોર મેનેજર છો ને.' 'કહેવાના ફ્લોર મેનેજર ! બાકી કામ તો વધારે પગારના પટાવાળા જેવું જ છે ! કોઈને આ પહોંચાડો. કોઈને કોફી પહોંચાડો, ડાન્સરોના ડ્રેસ રેડી રખાવો, લાઈટમેનોની હાજરી પુરો, કેબલ બગડી ગયા તો નવા લાવી આપો. આભ તૂટી પડયું હોય તો દંડા વડે ટેકા કરીને ઊભા રહો !'
મધુસુદનભાઈ હસતાં હસતાં ઘણું બોલી ગયા. પછી કહે, 'હવે સાંભળ, ત્યાં પાછળ મેકપ રૂમ હશે. ત્યાં જઈને તારું આ ગળે લટકતું આઈકાર્ડ બતાડીને મેકપમાં બેસી જજે. પછી તારું સોંગ સિલેકશન થશે.'
'સોંગ સિલેકશન ? એ શું ?'
'એ તને સમજાઈ જશે. ચિંતા ના કરીશ.'
મેકપ રૂમમાં સળંગ આઠ દસ અરીસા હતા. દરેક અરીસાની આજુબાજુ ફરતે બલ્બ લગાડેલા હતા અને અરીસાની સામે સ્ટુલ હતાં. રાધા પહોંચી ત્યારે ઓલરેડી આઠ છોકરા છોકરીઓના મેકપ ચાલી રહ્યા હતા. એ સમજી ગઈ કે અહીં પણ એનો નંબર છેલ્લો જ છે.
થોડીવાર સુધી પોતાનો નંબર આવે તેની રાહ જોતી તે ઊભી રહી. છેવટે કંટાળીને દૂરનું એક સ્ટુલ ખેંચીને બેઠી.
ત્યાં એક ટાઈવાળો યુવાન આવ્યો. તેના હાથમાં પણ ક્લિપ-બોર્ડ હતું. તેણે રાધાને જોઈને પૂછયું ઃ 'તુમ રાધા પંચાલ ?'
'યસ ?' રાધાએ કહ્યું.
'તુમ ગુજરાત સે હોના ? તુમ્હેં ગરબા કરના હેં.'
'ગરબા ?' રાધાની આંખો ચમકી 'મૈં નગાડા સંગ ઢોલ બાજે કરું? રામલીલા સે ?'
'નો. ઈટ હેઝ બીન પ્રિ-બુકડ બાય સમવન એલ્સ. પેલો અંગ્રેજીમાં બોલ્યો. રાધાને કંઈ સમજાયું નહીં. તેણે કહ્યું ઃ
'નીબુડા નીબુડા ? વો ચલેગા ?'
'નીબુડા ?' પેલાએ ટાઈ સરખી કરી 'નહીં, વો તો એડવાન્સ લેવલ મેં હોગા.'
'તો પછી...' રાધાએ બે ત્રણ જાણીતા ગરબા યાદ કર્યા 'ઢોલી તારો ઢોલ વાગે ?... ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર ? હું તો ગઈતી મેળે ?'
પેલો નકારમાં ગરદન હલાવતો રહ્યો. છેવટે જાણે એને ઓલરેડી લેખિત સૂચના અપાઈ હોય તેમ પોતાના ક્લિપ-બોર્ડમાં જોઈને બોલ્યો ઃ
'દો ઓપ્શન હૈ, મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ, ઔર... નામ રે, સબ સે બડા તેરા નામ રે...'
હજી રાધા ગણગણતી હતી કે 'મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ...' ત્યાં ટાઈવાળો બોલ્યો ઃ 'સોરી, ઉસ કી ફાઈલ કરપ્ટ હૈ, આપ કો 'નામ રે' હી કરના હોગા.' આટલું કહીને એ તો જતો રહ્યો !
રાધા તો ટેન્શનમાં આવી ગઈ. 'નામ રે' તે કંઈ ગરબો છે ? પેલી જુની 'સુહાગ' નામની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રેખા જે મંદિરમાં ગરબો કરે છે એ જ ને ? એમાં તો કેવાં મામૂલી અને ફાલતુ સ્ટેપ છે ?
પણ રાધા પાસે કોઈ ચોઈસ પણ ક્યાં હતો ? ત્યાં જ એને યાદ આવ્યું કે ગરબા માટે ચણિયાચોળી પણ એની પાસે ક્યાં હતા ? એ વખતે એને મધુસુદન અંકલ યાદ આવ્યા. તે બહાર નીકળીને રાધાએ એમને શોધી કાઢ્યા. મધુસુદન અંકલે કહ્યું ઃ
'જો તને કોસ્ચ્યુન ડિપાર્ટમેન્ટનો રસ્તો બતાડું. ત્યાંથી તને મલી જશે અને હા, કદાચ તારા માપમાં ના હોય તો સેફટી-પિનો મારી લેવાની. સમજી ગઈ ?'
એ વખતે રાધાએ જોયું કે બીજી અમુક છોકરીઓ કંઈ ગજબના કોસ્ચ્યુમ પહેરીને સ્ટેજ ઉપર પ્રેક્ટિસ કરી રહી હતી ! એટલું જ નહીં, એમને દરેકને કોઈ વ્યક્તિએ પ્રોપર રિહર્સલો પણ કરાવી રહ્યા હતા. રાધાએ પૂછયું ઃ
'આમના કોસ્ચ્યુમો ક્યાંથી આવ્યા ?'
મધુસુદન હસ્યા ઃ 'બેટા, એ બધી લખપતિઓની ઓલાદો છે. એમના કોસ્ચ્યુમો પણ પોતાના છે અને એમને શીખવાડનારા કુરિયોગ્રાફરો પણ એમના પર્સનલ છે.'
રાધાનું મોં વીલાઈ ગયું. મધુસુદન મિસ્ત્રીએ તેનો ખભો થાબડતાં કહ્યું 'બીજાનું નહીં જોવાનું, પોતાનું બેસ્ટ કરવાનું, સમજી ? હજી તારી પાસે ચાર પાંચ કલાક છે. ઓકે?'
કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટમાંથી જે ચણિયા ચોળી મળ્યા એ લીધા પછી રાધાએ હવે કમર કસી. યુ-ટયુબમાં એ ગાયન જોવાનો તો કશો મતલબ જ નહોતો. છતાં ગીતના શબ્દો વારંવાર સાંભળીને તે પોતાની રીતે જેવાં આવડે એવાં સ્ટેપ્સ તૈયાર કરતી રહી.
છેવટે સાંજે ચારેક વાગે જજ લોકો આવ્યા. સેટ ઉપર 'ફૂલ લાઈટ્સ !!' એવી બૂમ પડી અને આખો ભવ્ય સેટ ઝળહળી ઊઠયો ! જોકે અહીં ઓડીયન્સની ખુરશીઓ તો ખાલી જ હતી! રાધાએ મધુસુદન અંકલને પૂછયું 'અહીં પ્રેક્ષકો તો છે જ નહીં !' મધુસુદન હસ્યા. 'એ તો પેચ-અપ કર્યા પછી આવી જશે.'
'પેચ-અપ ? એટલે ?'
'પેચ-અપ એટલે સાંધા-સલાડાં! આના પછીનાં જે રાઉન્ડ થશે એમાંના પ્રેક્ષકોના શોટ્સ આમાં ઉમેરી દેવાશે ! અરે, આવા તો ઘણા સાંધા જોવા મળશે તને ! બસ તું જોયા કર...'
જોકે શરૂઆતના ત્રણ ચાર જણાના જે જબરજસ્ત ડાન્સ જોયા એનાથી રાધાના તો પગ ઢીલા થઈ ગયા. એ નર્વસ થઈ ગઈ. પરંતુ એને મધુસુદન અંકલના શબ્દો યાદ આવ્યા ઃ 'બીજાનું નહીં જોવાનું. પોતાનું બેસ્ટ કરવાનું, સમજી ?'
રાધા તરત જ સ્ટેજની પાછળ જઈને પોતાનાં સ્ટેપની પ્રેક્ટિસ કરવા લાગી.
આખરે છેલ્લે તેનું નામ પોકારવામાં આવ્યું. તેના હાથમાં માઈક પકડાવવામાં આવ્યું. રાધા ધડકતી છાતી સાથે સ્ટેજ ઉપર આવી. બરોબર વચ્ચે જઈને તે સ્ટેજની ધૂળ માથે ચડાવતી હોય તેમ પ્રણામ કરીને મનમાં પોતાના પ્રિય કનૈયાનું નામ લીધું.
'રાધા પંચાલ, તુમ તો ગુજરાત સે હો ના ?'
'જી, રાધનપુર સે. છોટા સા ગાંવ હૈ હમારા.'
'ઔર આપકે પેરેન્ટ્સ ક્યા કરતે હૈં ?'
'મા સીલાઈકામ કરતી હૈ ઔર બાપુજી સુથારીકામ કરતે હૈ.'
'ઓ વાઉ ! તો ફિર યે ડાન્સ કહાં સે સીખા ?'
'વો તો બસ, યુ-ટયુબ મેં દેખકર !'
જજ લોકો સહેજ હસ્યા. પછી એમાંની એક જાડી સરખી જજ બોલી ઃ
'દેખા? ઈતની ગરીબ હોતે હુએ ભી ડાન્સ દિવાને ડાન્સ મેં આને કે લિયે કૈસી સ્ટ્રગલ કી હૈ ઈસ લડકીને ! રાધા, હમારી સિમ્પથી તુમ્હારે સાથ હૈ.'
'સિમ્પથી નહીં ચાહિયે !' રાધા તરત જ બોલી પડી. 'હમારી ટેલેન્ટ કી કદર ચાહિયે ! ઔર હાં, હમ ગરીબ નહીં હૈં !'
આટલું બોલતાંની સાથે જ ખળભળાટ મચી ગયો ! ફ્લોર પરથી ડિરેકટરનો અવાજ સંભળાયો ઃ 'કટ ! કટ ! કટ !'
શૂટિંગ બંધ પડી ગયું ! રાધાને કંઈ સમજાયું જ નહીં ! આ શું થઈ ગયું ? તેણે જોયું કે પેલા જજ લોકો પેલા ટાઈવાળાને બોલાવીને કંઈક સમજાવી રહ્યા હતા.
રાધા હજી ત્યાં જ ઊભી હતી. પેલો ટાઈવાળો તેની નજીક આવીને કડક હિંદી શબ્દોમાં જે બોલી ગયો એનો ગુજરાતીમાં મતલબ એમ થતો હતો કે 'બહુ દોઢ ડહાપણ કરવાનું રહેવા દે. તું ગરીબ છે એટલે જ તારું સિલેકશન થયું છે! તારા જેવીને શોમાં એટલા માટે જ રાખવામાં આવે છે, જેથી મિડલ ક્લાસ ઓડિયન્સ ટીવી સામે ચોંટી રહે...'
રાધા માટે આ જબરદસ્ત આઘાત હતો. તેને હજી સમજાતું નહોતું કે 'મારી ગરીબીથી મને પોતાને ફાયદો થઈ રહ્યો છે, કે આ ચેનલને ?'
(ક્રમશઃ)