સંયુક્ત પરિવારની સંકડામણ વચ્ચે ઘડાયેલું અડગ વ્યક્તિત્વ : સરદાર પટેલ
- સરદાર @150-હસિત મહેતા
- સરદારના આ સંજોગો માટે રાજમોહન ગાંધીએ લખ્યું છે કે ''દુનિયામાં ન્યાય કે સમભાવ નથી, તેનો અનુભવ વલ્લભભાઈને બહુ નાની ઉંમરથી થવા લાગ્યો.''
- એમના ભાઈઓ સોમાભાઈ અને નરસિંહભાઈએ તો ક્યારની યે નિશાળ છોડી દીધી હતી, પરંતુ સદનસીબે વિઠ્ઠલભાઈને પગલે વલ્લભભાઈને પેટલાદ અને કરમસદના પ્રાથમિક શિક્ષણ પછી મેટ્રિક થવા માટે મોસાળ નડિયાદની અંગ્રેજી શાળાનું ભણતર નસીબવંતુ થયું હતું.
સ રદાર વલ્લભભાઈ પટેલ જે ઘર-પરિવારમાં જન્મ્યાં, જે સમાજના ઉદાર-નિખાલસ અને સાહસિક લક્ષણોથી એમનું અડગ વ્યક્તિત્વ ઘડાયું, જે પરિવારનાં સુખદુ:ખ સદાય તેમનાં હૃદયમાં વસી રહ્યાં અને જે કુટુંબની આફતો નિવારવા માટે એમણે પોતાના અંગત જીવનનો ભોગ આપ્યો, એ ઘર, સમાજ કે સ્નેહી-સગાઓ સરદાર પટેલના અડગ વ્યક્તિત્વને ઘડનારાં પ્રેરક પરિબળ પણ હતાં, કારણો પણ હતાં, અનિવાર્ય અંગ પણ હતા.
પાંચ ભાઈઓ અને એક બહેન સાથેના સાત-સાત સંતાનો વચ્ચે વચેટિયા બાળક તરીકે ઉછરેલાં વલ્લભભાઈનું બાળપણ લાડ ભરેલું કે આરામદાયક નહોતું, એમના પિતાને આમેય વારસામાં જમીન ઓછી મળેલી, એમાં વળી ઝાઝો વસ્તાર, ઉલટમાં પિતાજીનો સાધુ સ્વભાવ અને ધાર્મિક્તાને કારણે ઘર-ખેતીમાં ઓછું ધ્યાન, આ બધા સંજોગો વલ્લભભાઈનાં બાળપણને અછતભર્યા સંજોગોમાં ફેરવવા પૂરતા હતા.
આવા સમયે તેઓ પિતા પાસેથી સ્વામિનારાયણ ધર્મ પ્રત્યેની અતિશ્રદ્ધા કે શતરંજની રમત શીખ્યા હોય કે ના શીખ્યા હોય, પરંતુ ગરીબાઈને કારણે કરવા પડતાં ઉપવાસ તો જરૂર શીખ્યાં હતા. આવા સમયે તેઓ માતા લાડબા પાસેથી નરમ સ્વભાવ કે મિતભાષીપણું શીખ્યાં હોય કે ના શીખ્યા હોય, પરંતુ બીજાને ખાતર શરીરને ઘસી નાંખવાની નિ:સ્વાર્થ સેવાવૃત્તિ અને બીજા ઉપર આંખ મીંચીને વિશ્વાસ મુકી દેવાની હિંમત જરૂર શીખ્યાં હતા.
સરદારથી મોટા ત્રણ ભાઈઓ અને સરદારથી નાના બીજા એક ભાઈ અને બહેન. આ રીતે તેઓ વચલા સંતાન હતા. સોમાભાઈ, નરસિંહભાઈ અને વિઠ્ઠલભાઈ સરદારથી મોટા, એ પછી વલ્લભભાઈનો જન્મ, તેમના પછી નાનાભાઈ કાશીભાઈ અને બહેન ડાહીબાનો જન્મ થયેલો. આ ઉપરાંત અડોશપડોશની શેરીઓમાં રહેતાં પિતરાઈઓ અને અન્ય સગાસંબંધીઓની મોટી ફોજ તો હતી જ. આ ફોજની વચ્ચે એમના બાળપણનું લાડ અને વ્હાલ ખોવાયું હતું.
સરદાર આ ભાઈ-ભાંડુઓ વચ્ચે સહુથી મોટા નહીં, અને સૌથી નાના પણ નહીં. વચેટ હોવાને કારણે એમને કપડાં કે મીઠાઈની વહેંચણી વખતે છેલ્લાં અને કામ કરવાનું આવે ત્યારે પહેલાં યાદ કરવામાં આવતા. તેમના મોટા બે ભાઈઓ સોમાભાઈ અને નરસિંહભાઈ મા-બાપને માટે આશાનો આધાર હતા, જ્યારે નાના ભાઈ-બ્હેન માબાપના લાડકાં હતાં. તેથી વચેટ વલ્લભભાઈ હંમેશા પરિવારમાં ઓછું ધ્યાન,માન અને પાન પામતા. માતા લાડબાનો સ્વભાવ અત્યંત શાંત અને પરગજું. આખો દિવસ તેમનો મહેમાનોની પરોજણમાં વ્યતીત થતો, તેથી બાળકો તરફ નજર નાખવાની એમને ફૂરસદ નહોતી અને જાગૃતિ પણ નહીં. આ રીતે સંયુક્ત અને ઝાઝા વસ્તારવાળા પરિવારમાં વલ્લભભાઈનો ઉછેર અભાવ અને અછતના ઓછાયા હેઠળ થયો હતો.
સરદાર ઉપર આખું ઘર હુકમગીરી ચલાવે એ સ્વાભાવિક હતું. બધા ભાઈઓ વલ્લભભાઈને જ કામ સોંપતા. તેઓ ખેતરમાં સીધા અને ઊંડા ચાસ માટે સારી રીતે હળ ચલાવી જાણતાં. બિયારણની વાવણી સફળ રીતે કરી શક્તા અને ઢોરઢાંખરને પણ સાચવી રાખી શકે. વળી પિતા ઝવેરભાઈએ તો બહું વહેલાં ઘર-ખેતરની જવાબદારી છોડી દઈને મંદિરની ભક્તિ શરૂ કરી દીધી હતી, તેઓ માત્ર બપોરે જમવા અને રાતે સૂવા જ ઘરે આવતા. એટલે વલ્લભભાઈને માથે તો ભાઈઓના હુકમો જ લખાયેલાં હતા. માતાની ઘરકામની વ્યસ્તતા અને પિતાની મંદિર-ભક્તિની આશક્તિએ વલ્લભભાઈને મા-બાપના પ્રેમથી વંચિત જ રહેવું પડેલું. મોટાભાઈઓ સાથે કામકાજ બાબતે કાંઈ બોલવાનું થાય, મતભેદ થાય, ત્યારે એમને ઘરમાં 'ગાંડો બળદ' કહીને ઉતારી પાડવાનું ઉપેક્ષિત વાતાવરણ પણ હતું.
મોટા પરિવારના અને સામાન્ય સ્થિતિના ખેડૂતના ઘરમાં ભણતરનું વાતાવરણ તો ક્યાંથી હોય? એમના બધા ભાઈઓ ખેતરમાં જ કામ કરતાં હતા. તેમણે લખેલુ છે કે 'અમે બધા ભાઈઓએ ખેતરમાં કામ કરેલું છે, એકલા વિઠ્ઠલભાઈએ કદાચ નહી કર્યું હોય, કારણ કે પહેલી અંગ્રેજીથી તેઓ અંગ્રેજી ભણવા નડિયાદ મોસાળમાં રહેલાં.' વલ્લભભાઈને તો સાત-આઠ વરસના થયા ત્યાં સુધી ઘરમાં જ રહેવું પડેલું. સરદારના આ સંજોગો માટે રાજમોહન ગાંધીએ લખ્યું છે કે ''દુનિયામાં ન્યાય કે સમભાવ નથી, તેનો અનુભવ વલ્લભભાઈને બહુ નાની ઉંમરથી થવા લાગ્યો.'' વલ્લભભાઈ ચૌદ વર્ષના થયા ત્યારે કરમસદમાં નવીસવી શરૂ થયેલી અંગ્રેજી નિશાળમાં હઠ કરીને જોડાયા હતા, અને ત્યાં પણ પરિવારની જેમ શિક્ષકોની ઉપેક્ષાનો ભોગ બનીને, પોતાની જાતે જ અભ્યાસ કરવા માંડયા હતા.
એમના ભાઈઓ સોમાભાઈ અને નરસિંહભાઈએ તો ક્યારની યે નિશાળ છોડી દીધી હતી, પરંતુ સદનસીબે વિઠ્ઠલભાઈને પગલે વલ્લભભાઈને પેટલાદ અને કરમસદના પ્રાથમિક શિક્ષણ પછી મેટ્રિક થવા માટે મોસાળ નડિયાદની અંગ્રેજી શાળાનું ભણતર નસીબવંતુ થયું હતું. એ જમાને મેટ્રિક પાસ થાઓ, એટલે શાળા-ભણતર પૂરું. સ્કૂલ માટેની છેલ્લી પરીક્ષા મેટ્રિકની ગણાતી, જે નડિયાદની ગર્વમેન્ટ હાઈસ્કૂલમાં પાસ કરી શક્યા હતા. પરંતુ એ પહેલાં તો છઠ્ઠુ અને સાતમું ધોરણ પાસ થવામાં એમને બે વરસને બદલે ત્રણ વરસ લાગ્યાં હતા, કારણ કે ઘરમાં ભણતરનું વાતાવરણ નહીં અને સ્કૂલમાં શિક્ષકોનો પ્રેમ નહીં.
આવા, અભાવો અને અગવડો વચ્ચે ઉછરેલો આ બાળ જીવ આખરે પોતાના બળે ઈંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયો, ગાંધીશરણે ઝૂકીને સરદાર બન્યો અને લોખંડી તાકાત થકી અખંડ ભારતના ઘડવૈયાનું ચિરંજીવ બિરુદ પામ્યો છે.