ઔરંગઝેબના અત્યાચારો સામે સૂરતના 8000 વેપારીઓએ અહિંસક સત્યાગ્રહ કર્યો હતો
- શિરીન મહેતા
- ઔરંગઝેબે સુન્ની પંથનો ફેલાવો કરવા શિયા પંથના ધાર્મિક આગેવાનોની હત્યા કરી હતી
હા લમાં મહારાષ્ટ્રમાં હિંદના બાદશાહ ઔરંગઝેબકાળમાં મહારાષ્ટ્રને તારાજ કરવા શિવાજી, સંભાજી સાથે લડાઈઓ છેડાઈ તેનું બ્યાન આકર્ષક રીતે 'છાવા' ફિલ્મ દ્વારા થયું. આ પિકચર લોકોના દિલ, દિમાગમાં એટલું છવાયું કે પ્રજા મુઘલ બાદશાહો, ઔરંગઝેબકાળ પર પ્રશ્નો કરવા માંડયા. ઔરંગઝેબ મુઘલકાળનો છઠ્ઠો રાજવી હતો. ઔરંગઝેબ વિષે એક ક્રૂર રાજવીનો ખ્યાલ પ્રવર્તે છે. આપણે જોઈએ ઈતિહાસ શું કહે છે?
હકીકતમાં મુઘલકાળ (૧૫૨૬-૧૭૦૭) ઐતિહાસિક કાળ બન્યો. સમકાલીન લેખિત ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઔરંગઝેબકાળનું વાસ્તવિક ચિત્ર તેને ગાદીએ આવતા (૧૬૫૮) જાહેર કરેલા ફરમાનો, તારીખ-ઇ-દિશ (ભીમસેન સકસેન તેનો અમલદાર) મિરાતે અહમદી (અલી મહમદ ખાન, ગુજરાતનો દિવાન, ૧૭૬૧) તેમજ ઔરંગઝેબના સમયમાં ૧૬૩૮માં આવે તો જર્મન મુસાફર એલબર્ટ મેન્ડેસ્લો, ફ્રેચ ઝવેરી જે.બી. ટ્રાવેરનીયર-૧૬૬૬, જીવ દ યેવેનો ફ્રેચ મુસાફરના ૧૬૬૬ ના હેવાલો, 'ચિંતમણિ પ્રશસ્તિ કાવ્ય' વગેરે ઔરંગઝેબના સમકાલીન લખાણોને ઔરંગઝેબનું મૂલ્યાંકન કરવા બોલતા કરવા પડે.
ઔરંગઝેબનો રાજ્યકાળ - ગુજરાત કેન્દ્ર બિન્દુ
જોવાની ખૂબી એ છે કે મુઘલ બાદશાહાઓ આગ્રા અને દિલ્હીના રાજ્યકર્તા હતા પણ ઔરંગઝેબનો જન્મ ૩ નવેમ્બર ૧૬૧૮માં પિતા શાહજહાન અને માતા મુમતાઝમહાલને પેટે ગુજરાતના દાહોદમાં ક્યાંથી થયો?
અકબરે ગુજરાતનો સુલતાન બહાદુર શાહને ૧૫૭૩માં હરાવી ગુજરાત એક સલ્તનતકાળનું સ્વતંત્ર રાજ્ય મટી, મુઘલકાળમાં ગુજરાત દિલ્હી સલ્તનતનો એક સૂબમાં પરિવર્તિત થયો. પણ ગુજરાતની જાગીર ધન-ધાન્યથી ભરપૂર, ધીકતો વેપાર, સમૃધ્ધ બંદરો, દેશ-દુનિયામાં પંકાયેલા ધનઢય જૈન વેપારીઓ, વોરા, વાણિયા સમૃધ્ધ કોમોની અવગણના ક્યાંથી કરે ? ગુજરાત Fairest Jewel of Mughal Empire બની રહ્યું.
અકબરનો પુત્ર જહાંગીર આગ્રા રાજધાની છોડી પાંચ વર્ષ, ૪ મહિના (સપ્ટે. ૧૬૧૩ થી જાન્યુ. ૧૬૧૯) ગુજરાતમાં રહ્યો. દાહોદના જંગલોમાં હાથીના શિકારની મોજ મઝા માણી. ૧૬૧૭માં કાંકરિયાની નગીના વાડીમાં તેના પ્રિય રાજકુમાર શાહજહાનની મુમતાઝ બેગમ સાથે તેનો ૨૩મો જન્મ દિવસ (જ.૧૫૯૪- ગાદી ૧૬૨૭-૧૬૫૮, મૃ. ૧૬૬૫) ઉજવ્યો. સોનાથી તોલ્યો અને શાહજહાનને ગુજરાતની જાગીર બક્ષીસમાં આપી.
શાહજહાંન ગુજરાતનો સૂબો ઔપચારિક રહ્યો. ૧૬૧૮માં દાહોદમાં ઔરંગઝેબને જન્મ આપ્યો પણ ૧૬૧૮-૨૨ માં આગ્રામાં આંતરવિગ્રહ ફાટી નીકળતા જીતની તૈયારી રૂપે સૂબા રૂસ્તમખાન (૧૬૧૮-૨૨) અને વિક્રમાજિત (૧૬૨૨-૨૩ સૂબેદાર પાસેથી જરૂરી ધન અને લશ્કર લઈ નૂરજહાંન વિરૂધ્ધ જહાંગીર સામે બંડ કરવા રવાના થયો.
સૂબા તરીકે રાજ્યકાળ
ઔરંગઝેબનું બાળપણ ચુસ્ત મૌલ્લવીઓની તાલિમમાં પસાર થયું. ઈસ્લામ ધર્મના નીતિ નિયમોનું ચુસ્તતાથી પાલન કરવાની શિક્ષા પ્રાપ્ત થઈ. બાળપણથી જ ઇસ્લામનું ધુ્રવીકરણ તેના મનમાં દ્રઢ રૂપે બેસી ગયું. જગતનો સર્વશ્રેષ્ઠ ધર્મ અને મનુષ્યના સુખ તરફ લઇ જનારો ધર્મ એક માત્ર ઇસ્લામ છે તે માનતો.
ઔરંગઝેબ બાળપણથી જ બહાદુર હતો. ૧૬૩૪માં આગ્રાની મુઘલ લશ્કરી છાવણીમાં ગાંડાતુર બનેલા હાથીએ ભય ફેલાવ્યો. ૧૬ વર્ષના ઔરંગઝેબે અક્કલ હોંશિયારીથી હાથીને કબજે કર્યો. શાહજહાન વારી ગયો. ઔરંગઝેબને ભર યુવાન વયે ૨૦,૦૦૦ ઘોડા, ૪૦૦૦ સિપાઈ આપ્યા, સેનાનો પ્રહરી મન્સ્બદાર બનાવ્યો.રાજ્ય ચલાવવાની તાલિમ આપવા ઔરંગઝેબને દક્ષિણનો વાઇસરોય બનાવ્યો. શાહજહાનને ચાર પુત્રોમાં સૌથી મોટો પુત્ર દારા સુકોહ હતો. બીજો શૂજા, ત્રીજો ઔરંગઝેબ અને છેલ્લે મુરાદ. દારા શાહજહાનનો પ્રિય પુત્ર હતો. તેને આગ્રાની સૂબાગીરી સોંપી. દારા ખૂબ ઉદારવાદી હતો. ઉપનિષદની ફિલસૂફીથી અંજાયેલો હતો. ઉપનિષદને ભાષાંતર તેને પર્શિયન ભાષામાં કરાવ્યું હતું. શાહજહાને બંગાળ શૂજાને સોંપ્યું અને મુરાદ થોડો વખત ગુજરાતનો સૂબો બની રહ્યો. પણ ૧૬૪૫-૪૬માં શાહજહાંને ઔરંગઝેબને ગુજરાતનો સૂબો બનાવ્યો.
ભાઈઓ વચ્ચ યુદ્ધ
ગાદી વારસા માટેના યુધ્ધ જહાંગીર, શાહજહાન અને ઔરંગઝેબના જમાનાથી ચાલી આવતી રસમ બની ચૂકી હતી. ૧૬૫૭માં આગ્રામાં શાહજહાનની માંદગીના સમાચાર વાયુ વેગે પ્રસર્યા. ગુજરાતમાં બેઠેલા મુરાદે ઉતાવળે બાદશાહ તરીકે પોતાને જાહેર કર્યો. શુજાએ બંગાળમાં પોતાને બાદશાહ બનાવી દીધો અને દારા આગ્રામાં પોતાને હકુમતનો વારસદાર ગણી બેઠો. ઔરંગઝેબ દક્ષિણ ભારતમાથી તાબોડ તોબ આગ્રા ભણી દોટ મૂકવા નીકળ્યો. સામ-દંડ-ભેદ નીતિના નિષ્ણાંત ઔરંગઝેબે મુરાદ સાથે હાથ મેળવ્યા. શુજા અને દારા સામે જંગ માંડયો. મુરાદે ૫૦ હજાર સૂરતના વેપારી પાસેથી અને શાંતિદાસના પુત્ર માણેકચંદ પાસેથી ૫ લાખ ૫૦ હજાર રૂપિયા યુધ્ધની તૈયારી રૂપે લીધા. મુરાદ અને ઔરંગઝેબે શાહજહાંને મોકલેલા સૈન્યને ઉજ્જૈન આગળ હરાવી આગળ વધ્યા. આગ્રા પાસે સમુગઢમાં, દારાને હરાવ્યો. મુરાદ બક્ષને તેણે ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરી ફાંસી આપી. શાહજહાંનને આગ્રાના કિલ્લામાં નજરકેદ કર્યો. દારાને હરાવ્યો. તેની આંખો ફોડી, આગ્રામાં તેને સરઘસ આકારે ફેરવ્યો.
રાજ્યાભિષેક
૨૧મી જુલાઈ ૧૬૫૮માં ઔરંગઝેબ - અબુલ મુઝફર મોઇઉદ્દીન મહમદ ઔરંગઝેબ આલમગીર નામ જાહેર કરી તખ્તનશીન થયો. ગાદીએ બેસ્યાના આઠ જ દિવસમાં ઔરંગઝેબે શેઠ શાંતિદાસે પાલીતાણા, શેત્રુંજયના રક્ષણ માટે, માલિકી માટે અને ત્યાં કરવેરા ઉઘરાવમાં નહીં આવે એની ખાત્રી આપતું ફરમાન
૨૯ જુલાઈ ૧૬૫૮માં આવ્યું. ૧૦મી ઓગસ્ટ ૧૬૫૮માં ઔરંગઝેબે વજીર શાહનવાઝ ખાનને ફરમાન દ્વારા શેઠ શાંતિદાસને ૫।। લાખ રૂપિયા પરત કરવા પડયા. ૧૨મી માર્ચ ૧૬૬૦માં પાલીતાણા, ગિરનાર અને આબુના તીર્થ સ્થળો શેઠ શાંતિદાસ અને જૈન સમાજની માલિકીના જાહેર કર્યા.
૪૦ વર્ષની વયે આગ્રામાં તખ્તનશીન થયેલા ઔરંગઝેબે કોઇપણ મુઘલ બાદશાહ કરતા વિશાળ હિંદુસ્તાન પર રાજ્ય કર્યું. ૫૦ રાજ્ય તેના તાબા હેઠળ હતા અને ૩૨ લાખ પ્રજા ઉપર હુકુમત હતી. કહેવાય છે કે તેના સમયમાં ૩૩ ટકા હિન્દુઓ લશ્કર અને ગ્રામીણ વિસ્તારમાં જમીન મહેસૂલ (પેશકશ) તંત્રમાં નોકરીઓ આપી હતી.
ઔરંગઝેબનો આખરીકાળ
ઔરંગઝેબના જીવનના છેલ્લા ૨૭ વર્ષ દક્ષિણમાં વીતાવવા પડયા. ઔરંગઝેબ સામે છત્રપતિ શિવાજીના (૧૬૩૦-૧૬૮૦)ના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર મોટાપાયા પર વિદ્રોહ થયો. ઔરંગઝેબને નાકે દમ આવ્યો. ઔરંગઝેબને ૧૯૮૦માં શિવાજીના મૃત્યુ પછી તેમનો પુત્ર સંભાજી છત્રપતિ બનતા ખૂબ હંફાવ્યો. આ ઐતિહાસિક સત્ય છે કે સંભાજીને ખૂબ રીબાવીને માર્યા.
ઔરંગઝેબ ૩ માર્ચ ૧૭૦૭માં ૮૯ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી ખૂબ દુ:ખી થઈ મૃત્યુ પામ્યો. તેની પત્નીઓ દિલબારબાનુ, નવાબ બાઈ, ઔરંગાબાદી મહલ, ઉદયપુરી મહલ બધા જ મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામતા પહેલા તે ખૂબજ હૃદય દ્રાવક પત્ર કામબક્ષ ને લખે છે જે Lanefulle અંગ્રેજ લેખક ‘History of Aurangzeb’માં નોંધે છે.
‘I have come alone and will go alone. Come what may I am launching my boat in the sea of degert. I request thee never to get separated from nobel rules of Islam and rule accrodingly.
With Muslim corfession on his lips the Emperar died at Ahmedabad’ જે હાલનું ઔરંગાબાદ અને હવે સંભાજીનગર કહેવાય છે.
ઔરંગઝેબ ગુજરાતમાં હતો ત્યારે કટ્ટરવાદી બન્યો
૧૬૪૫માં ઔરંગઝેબે જૈનોનું બેનમૂન મંદિર ચિંતામણિનો ધ્વંસ કરવાનો હુકમ આપ્યો. આ મંદિર ૧૬૨૫માં શેઠ શાંતિદાસ ઝવેરીએ અમદાવાદના સરસપુર વિસ્તારમાં બંધાવ્યું હતું. આ મંદિરના ઘુમ્મટો, થાંભલાઓ, સુંદર કોતરણીના જર્મન મુસાફર મેન્ડેલ્સો, જીન વેવેનો ફ્રેન્ચ મુસાફર અને ફ્રેન્ચ ઝવેરી ટ્રેવેરનીયર એ આ મંદિરની બેનમૂનતાના વર્ણનો કર્યા હતા. ઔરંગઝેબે રાતોરાત ચિંતામણિનું મંદિર તોડી પડાવી, ગાય મરાવી અને મંદિરને મસ્જિદમાં 'કવ્વાત-ઊલ-ઇસ્લામ' (ઇસ્લામનું શૌર્ય) નામ આપી ફેરવી નાંખી. આ ઉપરાંત ગુજરાતમાં મહમદ બેગડાના સમયમાં (૧૪૫૯-૧૫૧૧) ઇમામ મહેદીપંથનું વર્ચસ્વ વધ્યું હતું. એ ઇસ્લામનો જ ફાંટો હતો પણ ઔરંગઝેબ કટ્ટર સુન્ની પંથમાં માન્યતા ધરાવતો હોવાથી મહેદીપંથના વડા સૈયદ રાજુની સાથે હુલ્લડ કરી મરણને શરણ કર્યા. ઔરંગઝેબે વેપારીઓ સામે કડક પગલા જાહેર કર્યા અને તેમને મારી નાંખવાની ધમકી આપી. ઔરંગઝેબ કાળમાં સૂરતના વઝીર આઝમખાને સૂરતના પ્રખ્યાત જૈન વેપારી ભીમજી પારેખના ભત્રીજાને જબરજસ્ત ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવ્યું. સૂરતના ૮૦૦૦ વેપારીઓએ ઔરંગઝેબ સામે શાંત અહિંસક સત્યાગ્રહ જાહેર કર્યો. તેઓ ખંભાત તરફ પ્રયાણ કર્યું. ઔરંગઝેબને આ સત્યાગ્રહ પાછો ખેંચી લેવાની અને સૂરતના વેપારીઓને માફી માંગી ફરીથી વસવાટ કરવા બોલાવ્યા.
દેશમાં ગાંધીજી પહેલાનો આ શાંત, અહિંસક સત્યાગ્રહ ૧૬૪૬માં સૂરતમાં થયો હતો.
ગુજરાતના જૈનોનું વર્ચસ્વ અને મુઘલ બાદશાહના ફરમાનો
શેઠ શાંતિદાસે તાબડતોબ પોતાના માણસોને શાહજહાનના દરબારમાં મોકલ્યા અને ઔરંગઝેબની વર્તણૂંકની કથા રજૂ કરી. રાતોરાત શાહજહાઁને દારાશિકોદને ગુજરાતનો સૂબો નીમ્યો. ૩ જુલાઈ ૧૬૪૮માં 'શાહ-ઇ-બુલંદ ઇકબાલ મહમદ દારા શુકોદ'ની મહોરથી જૈન મંદિર ફરીથી બાંધી આપ્યું અને આસપાસના ગામોની જમીન મહેસૂલ ઉઘરાવી ખર્ચ કરવાનો હુકમ ધૈઈશતખાન વઝીરને કરવામાં આવ્યો. પણ અહિં ગાય મરાવી હોવાથી શેઠ શાંતિદાસે ફરીથી જૈન મંદિર ના બંધાવ્યું. અને ઇસ્લામમાં બીજાના કબજાની જમીન ઉપર મસ્જિદ ના બંધાવાય આ સિધ્ધાંતના આધારે આ જગ્યા વેરાન બની રહી. મંદિરની મૂર્તિઓ ઝવેરીવાડના ભોંયરામાં દાટી દેવાઈ. કહેવાય છે કે ૧૭૪૩માં આ મૂર્તિઓ ગાડા મારફતે ભરાઈ હતી. અને જૈન મંદિરોમાં તેની સ્થાપના થયેલી. આગ્રાના જૈનોને રીઝવવામાં પાછી પાની કરી ના હતી. અકબરે ઇબાતખાના (પ્રાર્થના ગૃહ)માં ૧૫૮૦માં દિગ્વિજય સૂરી પાટણમાં જૈન પટાધારી હતા. તેમને આમંત્ર્યા હતા. ૧૫૯૪-૯૫માં હિરવિજયસૂરીને પાલીતાણાના શેત્રુંજય પર્વત ઉપર આવેલા જૈન મંદિરોમાં 'અમારી ઘોષણા' (પશુઓની કતલ ના કરવાના) ના ચાર ફરમાનો આપ્યા હતા.શાહજહાનને પણ ગુજરાતના જૈનોને ખુશ કરવા શેઠ શાંતિદાસ અને સમગ્ર જૈન આલમને તેની ગાદીએ બેઠાને બીજા જ વર્ષમાં ૨૧ મે (૧૬૨૯-૩૦માં 'ચિંતામણિ', 'શેત્રુંજય', 'શંખેશ્વર', 'કેસરી' તેમજ અમદાવાદ, સૂરત, ખંભાત, રાધનપુરની પોશાળા શેઠ શાંતિદાસ અને જૈનોની માલિકીની છે ત્યાં કોઈએ બાંધકામ કરવું કે કબજો મેળવવો નહિ. શેઠ શાંતિદાસને ઔરંગઝેબ પાદશાહ બન્યા પછી જૈનોના પ્રભાવ અને ટેકાને ચાલુ રાખવા ફરમાનો આપતો રહ્યો હતો.
ઔરંગઝેબનું મૂલ્યાંકન
ઔરંગઝેબ રાજકીય કાવાદાવા અને કૂટનીતિમાં પારંગત હતો. તેણે હિન્દુ મંદિરોને જમીન દાનમાં આપી હતી. એ બાબત સત્ય છે. તો એટલી જ સત્ય ઘટના છે કે ૧૬૪૫માં ચિંતામણિનું મંદિર અમદાવાદમાં તોડયું તો કયા વિદ્રોહીઓ છૂપાયેલા હતા ? વૃધ્ધ ઔરંગઝેબ દક્ષિણમાં પડયા પડયા પણ ગુજરાતના શુજાતખાન સૂબાને ૧૬૯૩-૯૪માં ૭૫ વર્ષે વડનગરનું હાટકેશ્વર મંદિર તોડી પડાવે છે. વડનગરના ૩૦૦ મંદિરો અને તેના સમૃધ્ધ વેપારીઓ 'ગુજરાતની સોનાની પાંખો' કહેવાતી. ૧૭૦૨-૩માં ૮૪ વર્ષે બાદશાહે મહમદ બાબીને સોમનાથનું મંદિર તોડી પાડવાનો હુકમ કરી નેસ્તનાબૂદ કરાવે છે. ઔરંગઝેબ શિયા, વહોરા, સૂફીઓની પણ કત્લેઆમ કરાવે છે. કારણ ઇસ્લામના ચુસ્ત નિયમોથી તેઓ જુદા પડતા હતા.