ઉદ્યોગ ફ્રેન્ડલી બનવા મમતાના ફાંફા બૂંદસે ગઇ હૂઇ હોજ સે નહીં આતી
- ટાટા ગૃપ માટે પ.બંગાળ લાલજાજમ બિછાવીને બેઠું છે પણ..
- મમતા બેનરજી અનેક વાર મુંબઇના આંટા મારી આવ્યા છે અને એશિયાના નંબર વન અબજોપતિ મુકેશ અંબાણી સાથે પણ બેઠક કરી ચૂક્યા છે
જે ટાટા નેનોને પોતાના રાજ્ય પશ્ચિમ બંગાળમાંથી ભગાડવાનું બીડું ઝડપીને મુખ્ય પ્રધાન બનનાર મમતા બેનરજીએ હવે ફરી પાછું ટાટા-નેનોને પાછી પ. બંગાળમાં લાવવાનું બીડું ઝડપ્યું છે. કોઇ કંપનીને રાજ્યમાંથી કાઢવી હોય તો તોફાન કરાવવું પડે પરંતુ કોઇ કંપનીને પોતાને ત્યાં લાવવી હોય તો તે ગુરુ ચાવી ગુજરાત પાસેથી શીખવી પડે.
વાઇબ્રન્ટ ગુજરાત જેવો મહા મહત્વનો શામિયાણો યોજીને ગુજરાતે દેશ ભરના રોકાણકારોને એક સ્ટેજ પર લાવીને તેમના માટે લાલ જાજમ બિછાવી હતી. ઉદ્યોગપતિઓને પોતાને ત્યાં ખેંચી લાવવાના આવા કાર્યક્રમો દરેક રાજ્યો કરતા થઇ ગયા છે.
દરેક રાજ્ય મોટા ઉદ્યોગોથી શોભે છે. જે જ્ઞાાન ગુજરાતને દોઢ દાયકા પહેલાં થયું હતું તે જ્ઞાાનની પાઠશાળામાં હજુ મમતા બેનરજી છબછબીયાં કરી રહ્યા છે એમ કહી શકાય. નેનોને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢતી વખતે મમતાએ નહોતું વિચાર્યું કે તે દેશના સૌથી પ્રતિભાશાળી બિઝનેસ ગૃપ સાથે શિંગડા ભરાવી રહ્યા છે. નેનો માટે જ્યાં જમીન લેવાની હતી તેને મમતાએ મુખ્યપ્રધાન બનવા માટેનું સ્ટેજ તૈયાર કરી નાખ્યું હતું.
મોટા ઉદ્યોગ ગૃહો માત્ર રોજગારી નથી ખેંચી લાવતા પણ રાજ્યનું નામ પણ રોશન કરતા હોય છે. ટાટાને પોતાને ત્યાં લાવીને મમતા બેનરજી પોતાની ઉધ્યોગ વિરોધી ઇમેજ ભૂંસવા માંગે છે. પરંતુ ઉધ્યોગ ફ્રેન્ડલી થવા માટેના જે ગુણો રાજકારણીમાં હોવા જોઇએ તેવા એકેય ગુણ મમતા બેનરજીમાં જોવા નથી મળતા. મમતા બેનરજી આ અગાઉ પણ અનેક વાર મુંબઇના આંટા મારી આવ્યા છે અને એશિયાના નંબર વન અબજોપતિ મુકેશ અંબાણી સાથે પણ બેઠક કરી ચૂક્યા છે.
દરેક કંપની પાસે રોકાણ કરવા પાછળના કેટલાક હેતુઓ હોય છે. રાજ્ય સરકારો મફત જમીન આપે તો પણ અન્ય સવલતો માટેની બાંહેધરીની જરુર રહે છે . જેમકે સ્થાનિક લોકો સહકાર આપે એવી ગેરંટી અને સ્ટાફની સલામતી વગેરે મહત્વનો ભાગ ભજવે છે. બિઝનેસ ફ્રેન્ડલી દરેક રાજકારણી હોય છે પરંતુ સમયાંતર તેમનો ઉપયોગ પણ કરતા આવડવું જોઇએ.
પ.બંગાળના ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજીએ કહ્યું છે કે મમતા સરકાર કોઇ પણ બે મોટા ઉદ્યોગ ગૃહોને રાજ્યમાં લાવવા પ્રયાસ કરી રહી છે. મમતા સરકાર ટાટા ગૃપને દરેક સવલત આપવા તૈયાર છે. પાર્થ ચેટરજી કહે છે કે અમારો મુખ્ય આશય રોજગારી વધારવાનો છે. તે કહે છે કે અમારે ટાટા ગૃપ સાથે કોઇ દુશ્મનાવટ નથી કે અમે તેમની સામે ક્યારેય કોઇ વિરોધ નથી કર્યો.
પ.બંગાળના ઉદ્યોગ પ્રધાન તો એટલે સુધી કહી રહ્યા છે કે ટાટા નેનોએ અમારા રાજ્યને છોડવાનો નિર્ણય કર્યો તેમાં કંપનીનો કોઇ વાંક નથી. દરેક સલામતીની અપેક્ષા રાખતા હોય છે. મમતાના પ્રધાને ટૂકમાં ટાટા માટે લાલ જાજમ બિછાવી છે. હકીકત એ છે કે ટાટા ગૃપને મમતાનો કડવો અનુભવ થઇ ગયો છે. જ્યારે ટાટાએ નેનો માટે ગુજરાત પસંદ કરીને પ.બંગાળ છોડયું ત્યારે અહેવાલ ફ્રન્ટપેજ ન્યુઝ બન્યા હતા. દેશનું એક નામાંકિત ગૃપ જ્યારે કોઇ રાજ્યની ગુંડાગીરીથી ત્રસ્ત થઇને ભાગવું પડે એવી સ્થિતિમાં આવી જાય ત્યારે દેશના અન્ય બિઝનેસ ગૃહો પણ વિચારતા થઇ જાય છે.
પ.બંગાળ ઇચ્છે છે કે ઇલેકટ્રીક વેહીકલ આવી રહ્યા છે ત્યારે તેનું ઉત્પાદન પ.બંગાળમાં પણ થવું જોઇએ પરંતુ ઉદ્યોગ એકમો અને પ.બંગાળની કુંડળી મળતી હોય એમ લાગતું નથી. બિઝનેસ માટેનું વાતાવરણ ઉભું કરવા માટેના પ્રયાસો મમતા સરકારે કરવાની જરૂર છે. તાજેતરમાં વિશ્વના ટોપના અબજોપતિ એલન મસ્કની ઇલેક્ટ્રીક કાર ભારતમાં ઉત્પાદન કરવાની વાત ચાલી ત્યારે ત્રણ રાજયો સાથે ચર્ચા થઇ તેમાં ગુજરાત , મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થયો હતો. અંતે ટેસ્લાએ કર્ણાટક પસંદ કર્યું હતું. આ રાજ્યોના નામોે પસંદ એટલા માટે થાય છે કે ત્યાં અન્ય બિઝનેસ ગૃહો કામ કરતા હોય છે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પ.બંગાળનો ઉલ્લેખ ક્યાંય નથી. જ્યાં ઉદ્યોગપતિનું કોઇ સન્માન ના હોય ત્યાં કોઇ બિઝનેસ ગૃહ પગ નથી મુકતા. મમતા બેનરજી પ.બંગાળને બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય બનાવવાની તક ગુમાવી ચૂક્યા છે. એપલના બેંગલોર ખાતેના યુનિટમાં કામદારોએ તોફાન કરીને ૨૫૦ કરોડનું નુકશાન કર્યું તો પણ એપલે પોતાનું કારખાનું ત્યાંથી શિફ્ટ કરવા નહોતું વિચાર્યું કેમકે બેંગલુરૂમાં અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે છે.
ઉધ્યોગો માટે પ. બંગાળ સાવ ડ્રાય છે એવું નથી કેમકે હૂગલીમાં બિરલા એમ્બેસેડોર બનાવી ચૂક્યા છે. પરંતુ સિંગુર હૂગલીમાંજ છે તે પણ ઉલ્લેખનીય છે. પોતાના રાજ્યમાં ઉદ્યોગો હોવા જોઇએ તેનું ભાન મમતાને મોડે મોડે પણ થયું છે તેની પાછળ તેમનું વડાપ્રધાન બનવાનું સમયનું પણ જવાબદાર છે એમ કહી શકાય. તે દરેકનો ટેકો લેવા માંગે છે માટે ફ્રેન્ડલી બનવા જાય છે.
ટૂંકમાં પ.બંગાળમાં ઉદ્યોગો લાવવાના મમતાના પ્રયાસને બૂંદ સે ગઇ હૂઇ હોજ સે નહીં આતી તે કહેવત સાથે સરખાવી શકાય. ઉદ્યોગ ફ્રેન્ડલી બનવાની બસ મમતા ક્યારનાંય ચૂકી ગયા છે.