Get The App

ચાણક્ય ગોથાં ખાય એવા મહારાષ્ટ્રના જંગમાં 8000 ઉમેદવારો મેદાનમાં છે

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
ચાણક્ય ગોથાં ખાય એવા મહારાષ્ટ્રના જંગમાં 8000 ઉમેદવારો મેદાનમાં છે 1 - image


- ગઇ વિધાનસભામાં ત્રણ મુખ્ય પ્રધાન જોવા મળ્યા

- પ્રસંગપટ

- સમય સમય બલવાન હૈ - આ ઉક્તિ ઠાકરે પરિવાર માટે એકદમ બંધ બેસે છે

- દેવેન્દ્ર ફડનવીસ -  એકનાથ શિંદે - અજિત પવાર

મહારાષ્ટ્રમાં બે ઉત્સવો એક સાથે ઉજવાઇ રહ્યા છે. એક છે સંવત ૨૦૮૧ના નવા વર્ષમાં પ્રવેશનો ઉત્સવ અને બીજો  છે, મહારાષ્ટ્રની ૧૫મી વિધાનસભા માટેનો જંગ. મહારાષ્ટ્રમાં વિધાનસભાનો ચૂંટણી જંગ વધુનેે વધુ તીવ્ર બનતો જાય છે. આમ તો વિધાનસભાના લગભગ તમામ જંગ ઉથલપાથલ તેમજ અનિશ્ચિતતાથી ભરેલા હોય છે. ગઇ ૧૪મી વિધાનસભા જંગને મહાભારતના યુદ્ધ સાથે સરખાવવામાં આવ્યો હતો. આ વખતે જાણે મહાભારત કરતાં પણ વધુ તીવ્રતા સાથે યુદ્ધ લડવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે.  નવા વર્ષના ઉત્સવો દરમ્યાન ચૂંટણી પ્રચાર ચાલતો રહ્યો છે.  ૨૦મી નવેમ્બરે મતદાન યોજાશે.

આ વખતે જ્યોતિષો, અંકશાસ્ત્રીઓ, બાવાજીઓ વગરે કોની સરકાર બનશે તે કહી શકતા નથી. આમ જોવા જાઓ તો દરેક રાજકીય પક્ષમાં એક ચાણક્ય હોય છે. આ તમામ ચાણક્યો વારંવાર નિષ્ફળ ગયા છે. મહારાષ્ટ્રની ચૂંટણીઓની ખાસિયત એ છે કે તે ભલભલા ગર્જના કરતા લોકોને મીંદડી બનાવી દે છે. જે શિવસેનાના હાથમાં વિધાનસભાના જંગનું સ્ટીયરીંગ રહેતું હતું તેના બે ટુકડા થઇ ગયા છે. એક સમયે દરેક પક્ષના નેતા દિવંગત બાલ ઠાકરેના આશીર્વાદ લેવા લાઇનમાં ઊભા રહી જતા હતા. આજે તેમનો દીકરો ઉદ્ધવ અન્ય રાજકીય પક્ષની ઓફિસોમાં ટેકો મેળવવા સામેથી જાય છે.

સમય સમય બલવાન હૈ - આ ઉક્તિ ઠાકરે પરિવાર માટે એકદમ બંધ બેસે છે.ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શિંદેની શિવસેના  વચ્ચે મતભેદો વધતા ગયા છે. શરદ પવારના પક્ષ એનસીપીના પણ બે ભાગલા પડયા છે. આમ છતાં આ બંને પ્રાદેશિક પક્ષો - ઉદ્ધવની શિવસેના અને શરદ પવારની એનસીપી -  દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને ઘરઆંગણે હંફાવી રહ્યા છે. ભાજપ ૧૫૨ તો કોંગ્રેસ ૧૦૨ બેઠકો પર લડી રહી છે. આ ચૂંટણીમાં તીવ્ર રસાકસી એેટલા માટે પણ છે કે કોંગ્રેસ કોઇ પણ હિસાબે એકાદ રાજ્ય જીતીને પોતાના ઇન્ડી ગઠબંધનમાં ઉત્સાહનો નવો સંચાર પેદા કરવા માંગે છે. 

છેલ્લી બે વિધાનસભા જંગની વાત કરીએ તો, હરિયાણામાં ભાજપને સફળતા મળી હતી, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં જોડાણવાળા પક્ષોના ટેકો હોવા છતાં કોંગ્રેસ પ્રભાવશાળી બેઠકો મેળવી શકી નહોતી. એન્ટી-ઇન્કમબન્સીનો મુદ્દોે હરિયાણામાં હોવા છતાં ભાજપ જીત્યું હતું.  જેમ કોંગ્રેસને જીતની જરૂર છે એમ ભાજપ પણ કોઇ પણ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈના રાજ્ય એવા મહારાષ્ટ્ર પર શાસન જાળવી રાખવા માગે છે. 

જેમ મહાભારતમાં ભાઇઓ વચ્ચે યુદ્ધ થયું હતું એમ મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેનાના ટુકડાઓમાં એક સમયના મિત્રો વચ્ચે યુદ્ધ જોવા મળશે. ૨૦૧૯ની વિધાનસભા જંગમાં શિવસેના અને એનસીપી અકબંધ હતા. ૨૦૧૯માં ૩,૨૩૯ ઉમેદવારો જંગમાં ઉતર્યા હતા.

કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહારાષ્ટ્રનો જંગ પ્રતિષ્ઠા ભર્યો બની ગયો છે. બંને પક્ષના મોવડીમંડળ દૂર બેઠાં બેઠાં દોરીસંચાર કરી રહ્યા છે. ૨૮૮ બેઠકોમાટેના જંગમાં આ વખતે અંદાજે ૮,૦૦૦ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચોથી નવેમ્બર ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. 

મહારાષ્ટ્રની ૧૪મી વિધાન સભાના સમયકાળ દરમિયાન ત્રણ-ત્રણ મુખ્યપ્રધાનો શાસન પર આવ્યા હતા. પહેલાં ભાજપના દેવેન્દ્ર  ફડનવીસ મુખ્ય પ્રધાન બન્યા, પછી ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી સરકાર બનાવી  અને  ત્યાર બાદ  શિવસેનામાંથી છૂટા પડેલા એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને ઉદ્ધવ સરકારને ઉથલાવી દીધી. 

કોઇ પણ રાજકીય પક્ષ માટે મહારાષ્ટ્ર વિધાનસભા એક કોયડો છે. રાજકીય ક્ષત્રના અનેક બળવાન લોકો મેદાનમાં ઉતર્યા છે. ભારતની લોકશાહીની મજા જ એ છે કે ગમે એટલા બળવાને  પણ પ્રજાની વચ્ચે જઇને ઊભા રહેવાનું છે અને તેમના સમર્થન પર આધાર રાખવાનો છે. ગઇ વિધાનસભામાં છાશવારે બળવા થતા હતા અને રાતોરાત મુખ્ય પ્રધાનની ખુરસી પર નવો ચહેરો આવી જતો હતો. મહારાષ્ટ્રની પ્રજા રાજ્યના અતિ ચંચળ રાજકારણથી થાકી ગઈ છે. મહારાષ્ટ્રની નજતા હવે સ્થિર સરકાર ઇચ્છે છે.

Prasangpat

Google NewsGoogle News