ભવિષ્યમાં પાણીની પ્રચંડ અછતનો સૌથી વધુ માર ભારતને પડશે
- પાણીની અછત અનુભવતા 80 ટકા લોકો એશિયામાં વસે છે
- પ્રસંગપટ
- પૃથ્વી પાણીની તીવ્ર તંગી તરફ ભયજનક ગતિથી ધસી રહી છે તે વિશે માનવજાતમાં સભાનતા જ નથી
મૂળ વિષય આવતા પહેલાં આ સમાચાર પર નજર ફેરવી લઈએ. છત્તીસગઢનો એક ફૂડ ઇન્સપેક્ટર. રાજેશ વિશ્વાસ એનું નામ. રજાના દિવસે ભાઈસાહેબ મિત્રગણ સાથે પરાલકોટ નામના એક ડેમ પર ફરવા ગયા ત્યારે એમના હાથમાંથી મોબાઇલ છટકીને ડેમ નજીકના જળાશયમાં ડૂબી ગયો. ૯૬ હજાર રૂપિયાનો મોંઘોદાટ પર્સનલ ફોન જવા થોડો દેવાય? સ્થાનિક લોકો એ પાણીમાં કૂદીને ફોન શોધી ન શક્યા એટલે ૩૦ હોર્સપાવરના પમ્પ મગાવીને પાણી ઉલેચાવાનું શરૂ કરવામાં આવ્યું. ચાર દિવસમાં ૨૧ લાખ લીટર પાણી ખાલી કરી નંખાયું. ઉનાળાની સિઝનમાં જે પાણી સેંકડો એકરમાં ફેલાયેલાં ખેતરોની તરસ છીપાવી શકતું હતું તે પાણી તદન વેડફી નાખવામાં આવ્યું. હો-હા મચી ગઈ. મજા જુઓ. તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલો પેલો મૂર્ખ અને અણધડ અધિકારી હજુય પોતાની ભૂલ સ્વીકારતો નથી.
આ સરકારી સાહેબ જ નહીં, ભારતના-દુનિયાના કરોડો લોકોને એ વાતની સભાનતા જ નથી કે આખી પૃથ્વી પાણીની તીવ્ર તંગી તરફ કેટલી ભયજનક ગતિથી ધસી રહી છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ ૨૦૨૩ની વિગતો પર નજર નાખતાં ધૂ્રજી ઉઠાય છે. આ અહેવાલ કહે છે કે દુનિયામાં પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં વસવાટ કરતા ૮૦ ટકા લોકો એકલા એશિયામાં રહે છે. એમાંય ખાસ કરીને નોર્થ-ઈસ્ટ ચાઈના, ભારત અને પાકિસ્તાનમાં રહેતા લોકો. ૧૪૦ કરોડના આંકડા સાથે ભારત હવે દુનિયામાં માનવવસતીની દષ્ટિએ નંબર વન દેશ બની ગયો છે, પણ દુનિયામાં તાજા પાણીના જેટલા સ્રોતો છે એના કેવળ ૧.૪ ટકા સ્રોત આપણા દેશમાં છે. ૨૦૧૬માં દુનિયામાં પાણીની અછત અનુભવી રહેલું અર્બન પોપ્યુલેશન ૯૩૩ મિલિયન હતું (જે દુનિયાની કુલ શહેરી વસતીનો ત્રીજો ભાગ થયો). વસતીનો આ આંકડો ૨૦૫૦ની સાલ સુધીમાં ૧.૭થી ૨.૪ બિલિયન (એટલે કે દુનિયાના કુલ અર્બન પોપ્યુલેશનના એક તૃતિયાંશથી લગભગ અડધો ભાગ) થઈ જશે... અને આમાં સૌથી વધારે ખરાબ હાલત ભારતની હશે.
આપણને પાણીની વિકટ સમસ્યા તરફ ધસી રહ્યા હોવા છતાં આપણે આટલા નિશ્ચિંત શા માટે છીએ? મેઇનસ્ટ્રીમ અને સોશિયલ મિડીયા આ મુદ્દે જેટલું બોલકું બનવું જોઈતું હતું એટલું હજુ સુધી બન્યું નથી.યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઓડ્રી અઝોલે સ્પષ્ટપણે કહે છે કે, 'પાણીની સમસ્યા કાબૂ બહાર જતી રહે તે પહેલાં વિશ્વસ્તરે ઉપાયો શોધવા મચી પડવાની તાત્કાલિક જરૂર છે. પાણી તો આખી માનવજાતનું ભવિષ્ય છે. આજની તારીખે દુનિયાના બે અબજ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી.'
વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ ૨૦૨૩ના ચીફ એડિટર રિચર્ડ કોનોર તો એનાથી આગળ વધીને કહે છે, 'જો આપણે આ સમસ્યા તરફ ધ્યાન નહીં આપીએ તો કટોકટી સર્જાઈ જશે એ તો નિશ્ચિત છે. શહેરોની વસતી, કૃષિ અને ઉદ્યોગો જ દુનિયાના કુલ પાણીનો ૭૦ ટકા વાપરી નાખે છે.'
યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ દુનિયાભરમાં આડેધડ થઈ રહેલા 'વિકાસદ માટે 'વેમ્પાયરિક' (એટલે કે લોહીતરસ્યો અસુર) વિશેષણ વાપરે છે. તેઓ કહે છે, 'આ જીવલેણ ઓવર-ડેવલપમેન્ટ, પાણીનો અયોગ્ય વપરાશ, પ્રદૂષણ તેમજ ગ્લોબલ વોર્મિંગ ટીપે ટીપે માણસજાતનું લોહી ચૂસી રહ્યાં છે. આપણે આવનારી પેઢીઓ માટે કેવી પૃથ્વી છોડીને જવાના છીએ તેનો સઘળો આધાર આ સમસ્યાના નિવારણ માટે તમામ દેશો એકબીજાને કેટલો સહયોગ આપીને કામ કરે છે, તેના પર છે. વોટર રિસાર્સીસના સંવર્ધન તેમજ સ્માર્ટ મેનેજમેન્ટ માટે દુનિયાભરના દેશોની સરકારો, ઉદ્યોગો, વૈજ્ઞાાનિકો અને આમજનતાએ એક થવું જ પડશે.'
આના માટે ટ્રાન્સબાઉન્ડ્રી કો-ઓપરેશન - સરહદોને વળોટીને થતો સહયોગ - એવો શબ્દપ્રયોગ થાય છે. વૈશ્વિક સહયોગ અનિવાર્ય છે, કેમ કે દુનિયાની ૯૦૦ જેટલી નદીઓ અને તળાવો ૧૫૩ દેશો એકમેક સાથે શેર કરે છે. સો વાતની એક વાત. 'જળ છે તો જીવન છે' એ ઠાલું સૂત્ર નથી. આ સત્ય છે.