રાજકોષીય અને મહેસૂલી ખાધ સૌથી મોટી સમસ્યા
- બજેટ પૂર્વે દેશના અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા
- પ્રસંગપટ
- ફુગાવો ટોચે છે, ખાદ્ય પદાર્થનો ફુગાવો 2012 થી 2024 દરમિયાન સરેરાશ 6.18 ટકા રહ્યો છે
- પી. ચિદમ્બરમ
અર્થતંત્રમાં સુસંગતતા અને સાતત્ય જાળવવાની વર્તમાન સરકાર જો ફિલોસોફી ધરાવતી હશે તો આવનારા બજેટની વિશિષ્ટતાઓ વિશે ભવિષ્ય ભાખવાનું શકય છે, સિવાય કે કોઈ આશ્ચર્ય સર્જવામાં આવે તો. જોકે અગાઉ આવું જોવા મળ્યું નથી. દેશના અર્થતંત્રની સ્થિતિનું વર્ણન કરવાનું સરળ છે અને નાણાં વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ હાલના પડકારોને પૂરતા પ્રતિસાદ આપનારું બની રહેશે કે કેમ તે દરેકના વિવેક પર છોડવામાં આવે છે.
મેં દેશના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી છે, સમાજના વિવિધ વર્ગો સાથે ચર્ચા પણ કરી છે અને મને સમૃદ્ધિના પુરાવા પ્રાપ્ત થયા છે. ૧૯૫૦ના દાયકાથી ૧૯૮૦ના દાયકાની સરખામણીએ છેલ્લા ત્રણ દાયકામાં આકર્ષક વૃદ્ધિ અને વિકાસ થયાના પુરાવા છે. ઉદારીકરણે લાખો લોકોને માલસામાન તથા સેવાના ઉત્પાદન તથા તેના વેપારના માર્ગો શોધવા માટેના દરવાજા ખોલી નાખ્યા છે. ઉદારીકરણને કારણે ભારત પાંચ ટકાનો વિકાસ દર કરવા જેટલુ તો સક્ષમ બન્યું જ છે. પોતાની નીતિઓ અને પગલાંઓ મારફત સરકાર જે કંઈપણ કરે છે તેનાથી વિકાસ દર અસર જોવા મળે છે.
વિકાસ દરમાં ઘટાડો
જ્યાંસુધી વર્તમાન સ્થિતિને સંબંધ છે ત્યાં સુધી એવું જણાય રહ્યું છે કે આર્થિક વિકાસ દર ઘટી રહ્યો છે. આપણે ૬થી ૭ ટકાના વિકાસ દર વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છીએ. તેમ છતાં એવી બડાઈ કરવામાં આવી રહી છે કે, વિશ્વમાં ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ સત્ય છે, કારણ કે, અન્ય મોટા અર્થતંત્રો ધીમા દરે વિકસી રહ્યા છે. અમેરિકા ૨.૭૦ ટકાના દરે જ્યારે ચીન ૪.૯૦ ટકાના દરે વિકસી રહ્યું છે. જોકે આપણે તે ભૂલી જઈએ છીએ કે, ૨૦૨૪માં અમેરિકાએ તેના જીડીપીમાં ૭૮૭ અબજ ડોલર અને ચીને ૮૯૫ અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો, જ્યારે ભારતે તેના જીડીપીમાં ૨૫૬ અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. ભારત તથા ચીન વચ્ચેનું અંતર વધી ગયું છે. આમ ભારતે, જો ચીન તથા અમેરિકાની બરોબરી કરવી હશે તો તેને ઝડપથી વિકસવું પડશે.
વિકાસ દર ઘટી રહ્યો છે, કારણ કે વિકાસનાં મુખ્ય પરિબળો જેમ કે ઉપભોગ, પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ તથા પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યા છે. આમાંથી ખાનગી ઉપભોગમાં ઘટાડો નજરે પડી રહ્યો છે. ગણ્યાગાંઠયા ધનવાનો (લોકસંખ્યાના એક ટકાથી પણ ઓછા) દ્વારા કરાતા ઉપભોગને આગળ કરી અર્થતંત્ર મજબૂત હોવાનો આભાસ કરવવામાં આવે છે. મધ્યમ વર્ગ (લોકસંખ્યાના ૩૦ ટકા) અને ગરીબ વર્ગે (૬૯ ટકા) ઉપભોગમાં કાપ મૂકયો છે. મોજશોખ પાછળના ખર્ચમાં ઘટાડો થયો છે.
કન્ઝમ્પશન અને ઈન્વેસ્ટમેન્ટ
ઉપભોગ મંદ રહેવા પાછળનાં કારણોમાં (૧)ઊંચો ફુગાવો ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ, (૨)નીચા અને લગભગ સ્થિર વેતન સ્તર. ૨૦૧૭થી ૨૦૨૩નાં છ વર્ષના ગાળામાં ખેત મજૂર (પુરુષ)નું વેતન સ્તર પ્રતિ દિન રૂપિયા ૧૩૮થી વધીને રૂપિયા ૧૫૮ થયું છે. બાંધકામ ક્ષેત્રના પુરુષ કામદારોનું વેતન સ્તર રૂપિયા ૧૭૬ પરથી વધી રૂપિયા ૨૦૫ પર પહોંચ્યુ છે. વેતનના આ સ્તર લાખો લોકો પોતાની રોજબરોજની જરૂરિયાત પૂરી કરવા સંઘર્ષ કરી રહ્યાના સંકેત આપે છે.
છેલ્લાં દસ વર્ષમાં પબ્લિક ઈન્વેસ્ટમેન્ટનું સ્તર જીડીપીના ૬.૭૦ ટકાથી ૭ ટકાની વચ્ચે રહ્યું છે. કેન્દ્ર સરકાર તથા જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા મૂડી ખર્ચ, જે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં જીડીપીના ૪.૭૦ ટકા હતો તે ૨૦૨૩-૨૪માં ઘટી ૩.૮૦ ટકા પર આવી ગયો છે. ખાનગી ઈન્વેસ્ટમેન્ટનું સ્તર જીડીપીના૨૧ અને ૨૪ ટકાની વચ્ચે રહ્યું છે. ગ્રાફ પર આ આંક જો મૂકવામાં આવે તો તે લગભગ સમાન રેખામાં જણાશે.
ફુગાવો, બેરોજગારી અને વેરા
ફુગાવો ટોચે છે. ખાદ્ય પદાર્થનો ફુગાવો ૨૦૧૨થી ૨૦૨૪ દરમિયાન સરેરાશ ૬.૧૮ ટકા રહ્યો છે. આરોગ્યસંભાળ પાછળના ખર્ચમાં વાર્ષિક ૧૪ ટકાના દરે વધારો થયો છે. શિક્ષણ ખર્ચ ૧૧ ટકા વધ્યો છે. સીએમઆઈઈના ડેટા પ્રમાણે, ગયા વર્ષના ડિસેમ્બરમાં દેશમાં બેરોજગારીનો દર ૮.૧૦ ટકા હતો. વય અથવા શૈક્ષણિક લાયકાત કે જાતિ પ્રમાણે આંકડા તપાસીએ તો ચિત્ર ભયાનક જણાશે.
બજેટ પહેલાની ચર્ચામાં જેનો અવાજ થઈ રહ્યો છે તે કરદાતાઓને રાહતને લગતો છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે આવક વેરા રિટર્ન્સ ફાઈલ કરનારા કરદાતાની સંખ્યા ૮,૦૯,૦૩,૩૧૫ અથવા દેશની લોકસંખ્યાના ૬.૬૮ ટકા હતી. આમાંથી ૪,૯૦,૦૦,૦૦૦એ શૂન્ય ટેકસ સાથેનું રિટર્ન્સ ફાઈલ કર્યું હતું. કરદાતાને રાહત મહત્ત્વની છે ત્યારે શ્રમિકોને રાહત જરૂરી છે. હાલની સ્થિતિનું બીજું નબળું પાસું જટિલ વેરા માળખું છે. ખાસ કરીને જીએસટી માળખું જે ગરીબો સહિત દરેક લોકોને અસર કરે છે.
વર્તમાન સરકાર કંપનીઓ અને મૂડીવાદીઓની હોવાની છાપ ઊભી થઈ છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં કોર્પોરેટ પ્રોફિટનો આંક જે રૂપિયા ૧૦,૮૮,૦૦૦ કરોડ હતો તે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં વધી રૂપિયા ૧૪,૧૧,૦૦૦ કરોડ જોવા મળ્યો હતો.