Get The App

OpenAI સામે પડેલા 26 વર્ષના વ્હીસલ-બ્લોઅરનું રહસ્યમય મોત

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
OpenAI સામે પડેલા 26 વર્ષના વ્હીસલ-બ્લોઅરનું રહસ્યમય મોત 1 - image


- પોલીસની આપઘાતની થિયરી સાથે એની માતા સંમત નથી

- પ્રસંગપટ

- ઇલોન મસ્કે પણ સુચિરના કેસમાં શંકા વ્યક્ત કરતાં આઇટી ઉદ્યોગમાં તરંગો પેદા થયા છે

- સુચિર બાલાજી અને તેની મમ્મી પૂર્ણિમા

ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ચાલતી ગળાકાપ હરીફાઇ અને વિશ્વસ્તરે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની હોડમાં સુચિર બાલાજી નામના એક વ્હીસલ-બ્લોઅરનું મોત વિવાદ ઊભો કરી રહ્યું છે. ઓપનએઆઇ (OpenAI) કંપનીની જાહેરમાં ટીકા કરનાર અને તેના લૂપહોલ્સ (ક્ષતિઓ) બહાર પાડનાર ૨૬ વર્ષના સુચિર બાલાજીને ઠંડે કલેજે પતાવી દેવાયો છે તેવો આક્ષેપ થઇ રહ્યો છે.

પહેલાં સુચિર બાલાજીની મમ્મીએ શંકા વ્યક્ત કરીને કહ્યું હતું કે મારા પુત્રે આપઘાત નથી કર્યો, પણ એની હત્યા થઈ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર અને ટેસ્લાના માલિક ઇલોન મસ્કે પણ કહ્યું છે કે મને પણ આ કેસ આપઘાતનો નથી લાગતો. ઇલોન મસ્કનું આ નિવેદન જાહેર થતાં જ આઇટી ઉદ્યોગમાં ભડકો થયો હતો. 

ગયા મહિને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેર ખાતે સુચિરનો મૃતદેહ મળી આવ્યો ત્યારે પોલીસે આપઘાતનો કેસ ગણાવીને તેનું ફિંડલું વાળી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃતકનાં મમ્મી પુર્ણિમા રામારાવ માનવા તૈયાર નહોતાં કે તેમના પુત્રે આપઘાત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મને શંકા છે કે મારા પુત્ર સાથે કંઇક અજુગતું થયું છે.

સુચિર જેવો જુવાનજોધ છોકરો અચાનક આપઘાત કેવી રીતે કરી શકે? આ વાત પરિવારના કોઈ સભ્યના ગળે ઉતરતી નથી. પોલીસ કંઇક બીજું જ કહેતી હતી, જ્યારે  ફેમિલી માનતું હતું કે સુચિર કોઇના બિઝનેસમાં આડો આવી રહ્યો હતો અને વિશ્વ સમક્ષ તેની પોલ ખોલી રહ્યો હતો, એટલે જ એને પતાવી દેવાયો હતો. 

સુચિર બાલાજીએ આપઘાત નથી કર્યો પણ તેને પતાવી દેવાયો છે એવી શંકા વ્યક્ત કરી રહેલાં પૂર્ણિમા રામારાવને ઇલોન મસ્કનો ટેકો મળ્યો છે. સુચિર બાલાજી ચેટજીપીટીને કારણે વિશ્વવિખ્યાત બની ગયેલી OpenAI કંપનીમાં એન્જિનીયર હતો. સાથે સાથે એ વ્હીસલ-બ્લોઅર તરીકે પણ પ્રવૃત્ત હતો. OpenAIના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સયુક્ત ચેટજીપીટી પ્રોજેક્ટમાં એ સક્રિય હતો. 

પોલીસે કહ્યું હતું કે પ્રારંંભિક તપાસમાં તેની હત્યા હોવાનું જણાયું નથી. સાન ફ્રાન્સિસ્કોના મેડિકલ ઓફિસરે પણ કેસ  આપઘાતનો હોવાનું જણાવ્યું હતું, પરતું સુચિરનાં મમ્મી આ વાત માનવા તૈયાર નથી. તેથી જ તેઓ એફબીઆઇની તપાસ માગી રહ્યા છે. તેઓ કહે છે કે સુચિરના એપાર્ટમેન્ટમાં તોડફોડ કરવામાં આવી હતી અને બાથરૂમની બહાર ઝપાઝપીના નિશાન છેે. બાથરૂમમાં લોહીના સ્પોટ જોતાં લાગે છે કે સુચિરને માર મારવામાં આવ્યો હતો. સુચિરનાં મમ્મી કહે છે કે મારા પુત્રની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી છે, પણ પોલીસ તેને આપઘાતમાં ખપાવે છે. અમારા પુત્રના મૃત્યુના કેસમાં એફબીઆઇની તપાસ જરૂરી છે એમ કહીને મમ્મી પૂર્ણિમાએ ઇલોન મસ્કનો સંપર્ક કર્યો હતો. મસ્કે પણ જ્યારે શંકા વ્યક્ત કરી ત્યારે આઇટી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. સુચિર OpenAIની કોઇ પોલ ખોલે તે પહેલાં જ તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું તેવી થિયરી હવે પ્રબળ બની રહી છે. 

સુચિર બાલાજીનો ઉછેર સાન ફ્રાન્સિસ્કોેમાં થયો હતો. કેલિફોર્નિયામાં બર્કલી ખાતે કમ્પ્યુટર સાયન્સના અભ્યાસ બાદ ૨૦૧૮ની સમર ઇન્ટર્નશિપમાં OpenAIની રિસર્ચ લેબમાં કામ કર્યું હતું. બહુ ગાજેલા ચેટજીપીટીની સફળતા પાછળ સુચિરના વેબજીપીટી નામના પ્રોજેક્ટનું પણ યોગદાન હતું. 

સુચિરના પ્રોજેક્ટની મદદ ના મળી હોત તો OpenAI  સફળ ન થઈ શક્યું હોત એવું ખુદ ર્OpenAIના કો-ફાઉન્ડર  જ્હોન સ્મલમને જણાવ્યું છે. જ્હોન સ્મલમને સુચિરને જોબ પર રાખ્યો હતો. સુચિરે ચેટજીપીટીના અમુક ડેટા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેની 'ધ ન્યુયોર્ક ટાઇમ્સે' નોંધ લીધી હતી. OpenAIના ડોક્યુમેન્ટ્સ કોપીરાઇટના ભંગ સમાન છે એવું સાબિત કરતા દસ્તાવેજ સુચિરે તૈયાર કર્યા હતા, જેના થકી પુરવાર કરી શકે એમ હતું કે કંપની કોપીરાઇટનો ભંગ કરીને મનમાની કરી રહ્યું છે. સુચિરે કરેલા કેસની મુદત ૨૬ નવેમ્બરે હતી અને એનું મોત પણ ૨૬મીએ સવારે થયું હતું. 

વ્હીસલ-બ્લોઅર મોટી કંપનીઓને આંખના કણાની જેમ ખંૂચતા હોય છે. ભારતમાં આઇસીઆઇસીઆઇ બેંકનાં ચેરપર્સન ચંદા કોચરે ગેરકાયદેઆપેલી લોન સામે એક વ્હીસલ બ્લોઅરે જાણ કરતાં તપાસ થઇ હતી. વ્હીસલ બ્લોઅરની જાગૃતિના કારણે જ ચંદા કોચરને જેલની હવા ખાવી પડી હતી.

Prasangpat

Google NewsGoogle News