કેનેડામાં વર્ક પરમીટના કાયદા બદલાતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
કેનેડામાં વર્ક પરમીટના કાયદા બદલાતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં 1 - image


- 70,000 વિદ્યાર્થીઓના ભાવિ પર લટકતી તલવાર

- વિદ્યાર્થીઓ કેનેડાના વિવિધ પ્રાંતમાં રેલીઓ કરીને દેખાવો કરીને વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોનું ધ્યાન ખેંચવા માગે છે

- પ્રસંગપટ

કેનેડામાં વર્ક પરમીટ પર રહેતા વિદેશના વિદ્યાર્થીઓએ આ વર્ષના અંતે કેનેડા છોડવું પડે એવી સ્થિતિ ઊભી થઇ છે. કેનેડાની સરકારે ઇમિગ્રેશનના કાયદામાં ફેરફાર કર્યો છે, જેના કારણે નવી આસાન જીંદગી બનાવવા કેનેડા ગયેલા કેટલાય લોકોને પોતપોતાના દેશમાં આ વર્ષના અંતે સંભવતઃ પરત ફરવું પડશે. 

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં છે, જે આંદોલન કરી રહ્યા છે. ભારત સરકાર દરમ્યાનગીરી કરે તેવી માંગ પણ કરાઇ છે.

વિદેશ ભણવા માટે જવા માગતા વિદ્યાર્થીઓ માટે વિદેશયોગ બહુ આસાન હોતો નથી. વારંવાર બદલાતા ઇમિગ્રેશનના કાયદા લટકતી તલવાર સમાન હોય છે. કેનેડામાં વિવિધ દેશોમાંથી આવેલા ૭૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પર હકાલપટ્ટીનાં વાદળો છવાયેલાં છે. કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ આંદોલન કરીને વર્ક પરમીટનો સમય વધારવા માંગે છે. કેનેડામાં પરમેનન્ટ થવાનો માર્ગ આસાન હોવો જોઇએ એવી પણ તેમની માગણી છે.  

કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ સામે જોખમ એ વાતનું છે કે ત્યાંની સરકારે કહ્યું છે કે આ વર્ષના અંતે જેની વર્ક પરમીટની મુદત પુરી થાય છે તેની મુદત લંબાવવામાં નહીં આવે. કેનેડામાં બહુ આશાએ આવેલા વિદ્યાર્થીઓનું ભાવિ ઇમિગ્રેશનમાં આવેલા નવા સુધારાના કારણે અંધકારમય બની ગયું છે. પરમેનન્ટ રેસિડન્સીના નોમિનેશન ક્વોટામાં સરકાર પચ્ચીસ ટકાનો ઘટાડો કરવા માંગે છે.

અહીં વિદ્યાર્થીઓ ગયા મે માસથી સેંકડો વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.  પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડથી શરૂ થયેલું  આંદોલન હવે અન્ય ચાર પ્રાંતોમાં પહોંચ્યું છે. વિદ્યાર્થીઓ કેનેડા એટલા માટે પસંદ કરતા હતા કે ત્યાં સિટીઝન બનવાની સિસ્ટમ પ્રમાણમાં ખાસ્સી આસાન હતી.  દેખાવકારો કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોનું ધ્યાન ખેંચવા માંગે છે. અને ઇમિગ્રેશનના નવા નિયમોને પડકારી રહ્યા છે. 

વિદેશ ભણવા જતા ભારત કે અન્ય દેશોના વિદ્યાર્થીઓનો મુખ્ય આશય ભણવા સાથે પાર્ટટાઇમ જોબ કરીને ત્યાં જ ઠરીઠામ થઇ જવાનો હોય છે. વિદેશ ભણવા જતા સ્ટુડન્ટ્સ આ બાબતે બહુ સ્પષ્ટ હોય છે કે ભણવા જેટલું જ મહત્ત્વ પાર્ટટાઇમ જોબનું પણ છે. વિદેશ મોકલતા એજન્ટો વિદ્યાર્થીઓને જોબ અપાવવાના પ્રોમીસ સાથે ફી લેતા હોય છે. ભારતમાં દેવું કરીને ગયેલ વિદ્યાર્થીઓ ભણવા કરતાં જોબ પર વધુ ધ્યાન આપતા હોય છે. 

વિદેશની કમનસીબી એ છે કે તેમને ભારતની સ્કિલ્ડ લોકોની જરૂર હોય ત્યારે લાલ જાજમ પાથરે છે, પણ સ્થાનિક લોકોનું પ્રેશર આવ ત્યારે ઇમિગ્રેશનના કાયદા બદલવા તૈયાર થઇ જાય છે.

કેનેડાના નવા કાયદા અનુસાર આ વર્ષના અંતે તેમની પરમીટ રીન્યુ કરવામાં નહીં આવે. જો કેનેડાની સરકાર નવા કાયદાને પરત નહીં ખેંચે તો ભારતના હજારો વિદ્યાર્થીઓને માદરે વતન પાછા ફરવું પડશે. વર્ક પરમીટ રીન્યુ નહીં થાય તો તેમને કેનેડામાંથી તગેડી મુકવામાં આવશે.

એક તરફ કેનેડાના સત્તાવાળાઓ પરમેનન્ટ રેસિડન્સીના નોમિનેશનમાં પચ્ચીસ ટકા કાપ મુકવા માગે છે અને બીજી તરફ વર્ક પરમીટ રીન્યુ કરવા તૈયાર નથી. કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની વર્ક પરમીટ માટે અરજી કરી શકશે નહીં એમ કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જણાવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયના અહેવાલ અનુસાર કેનેડામાં ૨૦૦૦ના વર્ષમાં ૬,૭૦,૦૦૦ ભારતીયો હતા, જે વધીને હાલમાં ૧૦ લાખ ઉપર પહોંચી ગયા છે.

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ત્યાંની સરકારે જાહેરાત કરી છે કે ૨૦૨૫માં તે માત્ર ૨૭,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવશે. ઓસ્ટ્રેલિયન સરકારનાં સૂત્રો કહે છે કે ભણવા આવતા વિદ્યાર્થીઓને કારણે મકાનોનાં ભાડાંમાં તોતિંગ વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાએ વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓની વિઝા ફી પણ બમણી કરી નાખી છે. 

ખરેખર, વિદેશી ભણતર સામે જુદા જુદા દેશોમાં જુદા જુદા પડકારો ઊભા થઈ રહ્યા છે એ તો નક્કી.

Prasangpat

Google NewsGoogle News