પહેલાં ડેટા ડીલીટ કરો પછી જૂનાં કમ્પ્યુટર-મોબાઇલ વેચો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
પહેલાં ડેટા ડીલીટ કરો પછી જૂનાં કમ્પ્યુટર-મોબાઇલ વેચો 1 - image


- ડેટાનો બેક્અપ લો અને પછી હાર્ડ ડ્રાઇવનો નાશ કરો

- પ્રસંગપટ

- લોકો જૂનાં કોમ્પ્યુટર અને મોબાઇલ જેવી ચીજો ભંગારવાળાને વેચી દે છે, જે જોખમી બની શકે છે

જૂના મોબાઇલ ફોન, લેપટોપ કે ટેબલેટ વગેરે વેચવા ભલે આસાન હોય, પરંતુ તેને કાઢી નાખતાં પહેલાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. મોટા ભાગના લોકો જૂના ફોન, લેપટોપ વગેરે ઉપકરણો વેચીને હાશકારો અનુભવે છે, કેેમ કે તેમને નવું વર્ઝન કે લેટેસ્ટ મોડલ ખરીદવાની તાલાવેલી હોય છે. ધ્યાન રહે, જો તમારા જૂના ફોન કે લેપટોપના ડેટા કોઇ ચાલાક માણસના હાથમાં આવી જાય તો તેનો દુરૂપયોગ કરી શકે છે. 

જૂના મોબાઇલ કે લેપટોપ વેચતા પહેલાં તેની સાથે લિન્ક થયેલાં તમામ એકાઉન્ટ્સ ડીલીટ કરી નાખો. કાં તો તમારી હાર્ડ ડ્રાઇવ કાઢી નાખો અથવા તો તેને ડીલીટ કરો. કોઇ ફાઇલમાં કે અન્યત્ર સિરીયલ નંબર લખ્યો તો તેને પણ ડીલીટ કરો. ડિજિટલ સિસ્ટમ સાથે સંકળાયેલા અનુભવી લોકો એમ કહે છે કે વર્ષોથી તમે કોઇ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા હો ત્યારે તેને વેચવાના બદલે ડિસ્પોઝ કરવાનું વિચારવું જોઇએ. કોઇ પણ હાર્ડવેર ડિસ્પોઝ કરતાં પહેલાં તેના ડેટાનો બેક્અપ લઇ લેવો જોઇએ. આ ડેટાને પેન ડ્રાઇવમાં લઇ શકાય. જો ડેટા વધુ હોય તો તેને અન્યત્ર શિફ્ટ કરી શકાય છે.

લેપટોપમાં રહેલાં તમામ એકાઉન્ટ કે એપ્લિકેશન્સમાંથી લોગઆઉટ થઈ જવું અને ડેટા વાઇપિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને હાર્ડ ડ્રાઇવમાં રહેલા ડેટાને વાંચી ના શકાય એવો કરી નાખવો જોઇએ. જૂની ટેકનોલોજી ધરાવતી ડિવાઇસ જેવી કે  મોબાઇલ ફોન, લેપટોપ, ડેસ્ક ટોપ વગેરેમાં વર્ર્ષોેની માહિતી ભરેલી હોય છે. કેટલાક લોકો બેકઅપ ડેટાને ડીલીટ કરે છે, પરંતુ તે બહુ આસાન ઉપાય નથી. આ ડેટાને ક્લાઉડ સર્વિસ કે હાર્ડ ડ્રાઇવ પર સેવ કરી શકાય છે. તમારું હાર્ડવેર વેચતા પહેલાં તેનો ડેટા યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવો જરૂરી છે. ડિવાઇસ પરના તમામ આઇડી અને યુઝર્સ એકાઉન્ટને ડીલીટ કરો અને જુદાં જુદાં એકાઉન્ટમાંથી  લોગઆઉટ થઈ જાઓ.  

કમ્પ્યુટર સાથે ક્યારેક ઘણી  ડિવાઇસીસ જોડાયેલી હોય છે. હોમ સિક્યોરીટી ડિવાઇસ સાથે સંકળાયેલા  ડોરબેલ કેમેરા, આઇપી કેમેરા, સ્માર્ટહોમ ડિવાઇસની લિન્ક દૂર કરવી જરૂરી છે. ફાયનાન્શિયલ અને બેન્કિંગ એકાઉન્ટ વગેરેમાંથી તો ખાસ લોગઆઉટ કરી નાખો અને તેનાં સ્ટેટમેન્ટ્સ પણ ભૂલ્યા વગર ડિલીટ કરો. સૌથી અસરકારક પગલું તો એ જ  છે કે તમારા ડિવાઇસની હાર્ડ ડિસ્ક કાઢી નાખો. 

કેટલીક કંપનીઓએ પોતાના કર્મચારીઓને લેપટોપ, ડેસ્કટોપ અને મોબાઇલ વગેરે ડિવાઇસીસ આપેલી  હોય છે. નવું વર્ઝન આવતાં જૂનાં ઉપકરણો બિનઉપયોગી બની જાય છે અને સ્ટાફને ત્યાં પડયાં રહે છે. જૂના ડેટા મહત્ત્વના હોય છે. તેથી તેના માટે પ્રોફેશનલ  ડેટા ડીસ્ટ્રક્શન સર્વિસ ઉપલબ્ધ હોય છે. 

કેટલાક લોકોના કમ્પ્યુટરમાં પરિવારના સભ્યોના, ફેમિલી ફંકશનના ફોટાનો ભંડાર હોય છે. નઠારો માણસ આવા ફોટાનો મોર્ફીંગ માટે ઉપયોગ કરીને જે-તે વ્યક્તિને બદનામ કરી શકે છે.

ડિજિટલ ડિવાઇસ વેચવી આસાન છે, પરંતુ તેનો ડેટા સંપૂર્ણપણે ડીલીટ કરવો આસાન નથી હોતો. વપરાશમાં લેવાયેલું ફર્નિચર વેચવું અને ઇલેકટ્રોનિક ડિવાઇસ વેચવી એ બંને વચ્ચે આસમાન-જમીનનો ફર્ક છે. કેટલાક લોકો જૂનાં કોમ્પ્યુટર અને મોબાઇલ પસ્તી કે ભંગારવાળાને વેચી દે છે. ચાલાક પસ્તીવાળા વજનના આધારે પેૈસા ચૂકવી દે છે, પણ પછી આ ઇલેક્ટ્રોનિક ચીજો ચોક્કસ જાણકાર લોકોને વેચી મારે છે. આ જાણકાર માણસ ભંગારમાં આવેલાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ફંફોસીને તેમાં કોઇ ડેટા છે કે નહીં તે ચેક કરે છે. જો તે ઉપયોગી હોય તો હેકર્સને વેચી મારે છે. બધા ડેટા ઉપયોગી નથી હોતો, પરંતુ તે રી-ચેક થાય છે તે હકીકત છે. ડેટા એક જીવંત વસ્તુ છે. 

હવે જ્યારે પણ જૂની ઇલેકટ્રોનિક ડિવાઇસ કોઇને વેચો કે ભંગારમાં કાઢો ત્યારે ડેટા ડીલીટ કરવા બાબતે અવશ્ય સાવધાની રાખજો, અન્યથા ગંભીર નુકશાન થઈ શકે છે.

Prasangpat

Google NewsGoogle News