દિલ્હીમાં રેવડીની રેલમછેલ કોઇ પણ ભોગે સત્તા જોઇએ
- નાગરિકોના મત ખરીદવા માટેનો આ ભ્રષ્ટાચાર જ છે
- પ્રસંગપટ
- મહિલા મતદારોને આકર્ષવા વિવિધ સ્કીમો મુકાય છે. આઠ રાજ્યોની તિજોરી પર કુલ 1.5 લાખ કરોડનો બોજો
મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોમાં બહુમતી મેળવવા માટે ભારતીય જનતા પક્ષે જેટલા તનતોડ પ્રયાસો કર્યા હતા તેનાથી વધુ મહેનત દિલ્હીની માત્ર ૭૦ બેઠકો જીતવા માટે કરી રહ્યો છેે. ચૂંટણી વ્યૂહરચનામાં આમ આદમી પાર્ટી દેશના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરતાં વધુ આઇડિયા ધરાવતી પાર્ટી સાબિત થઇ રહી છે. દેશમાં મતદારોને વીજળી-પાણી મફત આપવાના ટ્રેન્ડની શરૂઆત કરનારી આમ આદમી પાર્ટીના પગલે દેશના અન્ય રાજકીય પક્ષો પણ ચાલી રહ્યા છે.
હવે તો દરેક વિધાનસભા મહાભારતના યુદ્ધની જેમ લડાય છે. દરેક પક્ષ પોતાની પાસે વધુ રાજ્યોનો કબ્જો આવે તેમ ઇચ્છે છે. દિલ્હી વિધાનસભા જીતવાની ચડસાચડસી જોતાં એમ કહી શકાય કે અંતિમ દિવસોમાં મતદારો માટે ઔર વધુ રાહતો અને મફત સવલતોની સ્કીમો જાહેર થઈ શકે છે.
મતદારોને મફત સવલતો આપીને જીતી લેવાના ટ્રેન્ડને લગભગ બધા રાજકીય પક્ષોએ અપનાવી લીધો છે. ચૂંટાયા પછી મફત સવલતોનો પૈસો ક્યાંથી આવશે અને તેનાથી રાજ્યોની તિજોરી પર કેવો ભાર પડશે તે બાબતે કોઇ રાજકીય પક્ષ ખુલાસો કરવા તૈયાર નથી, કેમ કે એમને તો કોઇ પણ રીતે દિલ્હી સર કરવું છે.
મતદારોને મફત સવલતો આપવાની પ્રથા ખોટી છે એમ સૌ કોઈ જાણે છે છતાં રાજકીય પક્ષો મફત સવલતોની ગંગામાં ડૂબકી મારવાનું ચૂકતા નથી. મહિલા મતદારોને આકર્ષવા વિવિધ સ્કીમો મુકાઈ રહી છે, જેમ કે વિધવા સહાય યોજના, ઘર ચલાવતી મહિલાઓમાટે સ્કીમ, ભણતી દીકરીઓને લેપટોપ-સાઇકલ આપવા વગેરે. મહિલાઓના ખાતામાં સરકારી સહાય સીધી જ જમા થઈ જશે તેવી ખાતરી અપાય છે. આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની રકમમાં પણ વધારો થઇ રહ્યો છે.
આવી સ્કીમો જાહેર કરનારાં આઠ રાજ્યોની તિજોરી પર કુલ ૧.૫ લાખ કરોડનો બોજો પડયો છે. કેટલાંક રાજ્ય આ ખર્ચનો પહોંચી વળે છે, જ્યારે બાકીના રાજ્યોએ દેવામાં વધારો કરવો પડે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ઓડિસા જેવું રાજ્ય મહિલાઓને સહાય આપતી સ્કીમને પહોંચી વળે છે. ઓડિસામાં નોન ટેક્સ રેવન્યુ વધારે હોવાથી તેણે કેન્દ્ર પાસે હાથ લંબાવવો પડતો નથી.
જોકે અન્ય રાજ્યોને નાણાખાધની ચિંતા સતાવતી રહે છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકમાં દરેક કુટુંબની વડીલ મહિલાને ગૃહલક્ષ્મી સ્કીમ હેઠળ દર મહિને ૨,૦૦૦ રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ ચૂકવવામાં આવે છે. તેના માટે ૨૮,૬૦૮ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે રાજ્યની આવકના ૧૧ ટકા જેટલા છે.
એવી જ રીતે પશ્ચિમ બંગાળમાં લક્ષ્મીર ભંડાર સ્કીમ ચાલે છે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગની મહિલાને એક સમયની ગ્રાન્ટ તરીકે ૧,૦૦૦ રૂપિયા અપાય છે. આ સ્કીમ માટે મમતા સરકારે ૧૪,૪૦૦ કરોડ ફાળવ્યા છે, જે રાજ્યની આવકના ૬ ટકા જેટલી થાય છે. દિલ્હીમાં કુટુંબની વડીલ પ્રૌઢાને દર મહિને ૧,૦૦૦ રૂપિયા દિલ્હી મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના સહાય હેઠળ આપવામાં આવે છે. તેના માટે મહિને ૨,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડે છે. આ રકમ દિલ્હીની આવકના ત્રણ ટકા જેટલી છે.
હવે જેમ જેમ રાજ્ય વિધાનસભાની ચૂંટણી નિકટ આવતી જશે તેમ તેમ મહિલાઓના મત મેળવવા વિવિધ સ્કીમો જાહેર થતી રહેશે. આવી સ્કીમો સરકારની તિજોરી પર ભારરૂપ છે છતાં કોઇ રાજકીય પક્ષ પોતાનો અભિગમ બદલવા તૈયાર નથી.
અરવિંદ કેજરીવાલે મફત સવલતો આપવાનું પગલું ભરીને સત્તા મેળવી ત્યારે ભાજપના નતાઓએ, ખાસ કરીને વડાપ્રધાન મોદીએ, આ પ્રથાને રેવડી કલ્ચર કહીને ટીકા કરી હતી. આજે સ્થિતિ એ છે કે અન્ય પક્ષોની સાથે ભાજપ પણ રેવડી કલ્ચરને અપનાવી રહ્યો છે. દરેક પક્ષ કોઇ પણ રીતે સત્તા હાંસલ કરવા માંગે છે. રેવડી કલ્ચર આમ જોવા જાઓ તો નાગરિકોના મત ખરીદવા માટેનો ભ્રષ્ટાચાર જ છે.