તહેવારોમાં રેલ્વે પ્લેટફોર્મ્સ પર ક્રાઉડ મેનજેમેન્ટના ધાંધિયા
- ધક્કામુક્કી કરવી એ ભારતીયોની સહજ વૃત્તિ છે
- પ્રસંગપટ
- પ્લેટફોર્મ પર જાતજાતની અફવાઓ ફેલાતી રહે છે ને અકળાયેલા પ્રવાસીઓ વધારે ઘાંઘા થાય છે
દિવાળી આવી નથી ને પોતાને વતન જવાની તાલાવેલી જાગી નથી. આ દિવસોમાં રેલ્વે સ્ટેશન, એસટી સ્ટેન્ડ, અને પ્રાઇવેટ ટ્રાવેલ્સની ઓફિસો તો ઠીક, એરપોર્ટ પર પણ ધક્કામુક્કીનાં દ્રશ્યો જોવા મળે છે. રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવે એટલે અંદર ઘુસવા માટે પ્રવાસીઆ, ખાસ કરીને એ પ્રવાસીઓ જેમની પાસે કન્ફર્મ્ડ બુકિંગ નથી, તેઓ જે રીતે ધક્કામુક્કી કરે છે તે જોઈને સ્તબ્ધ થઈ જવાય છે.
મુંબઇમાં બાંદરા રેલ્વે સ્ટેશન પર બનેલી ધક્કામુક્કીની ઘટના કરૂણ પણ છે એને પ્રેડિક્ટિબલ પણછે. ટ્રેન પ્લેટફોર્મ પર પ્રવેશી ત્યારે તેમાં ઘુસવાનું ઝનૂન એટલું તીવ્ર હતું કે આંધાધૂંધીમાં કેટલાય લોકો સંતુલન ગુમાવીને ગબડી પડયા ને બીજા લોકો તેમને કચડીને આગળ વધતા રહ્યા.
ભારતમાં આમેય જાહેર સ્થળો પર ધક્કામુક્કીને કારણે લોકો ઘાયલ થયા હોય કે મૃત્યુ પામ્યા હોય એવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. રેલ્વે સ્ટેશનો પર આ દિવસોમાં અમર્યાર્દિત ભીડ હોય છે. તહેવારોની વાત જવા દો, સામાન્ય સંજોગોમાં ટ્રેનોમાં ચડવા-ઉતરવા માટે ધક્કા મારવા જરૂરી છે? અરે, વંદે ભારત જેવી ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ કરાવી ચુકેલા પ્રવાસીઓ સુધ્ધાં અમદાવાદથી ઊપડતી ટ્રેનમાં બેસવા ધક્કામુક્કી કરતા હોય છે. શું ધક્કા મારવા એ ભારતીયોની સહજ વૃત્તિ છે? જો એડવાન્સ બુકિંગવાળા ડબાઓમાં પણ ધક્કામુક્કી થતી હોય તો જનરલ ક્લાસવાળા ડબાઓનું તો પૂછવું જ શું!
રેલવે કે એસટી સ્ટેન્ડ પર માત્ર મુસાફરો હોતા નથી, તેમને મૂકવા આવેલા પરિવારજનો પણ હોય છે.
જનરલ કોચમાં સ્વાભાવિકપણે જ ઘણી વધારે ધક્કામુકકી હોવાની, કારણ કે એની ટિકિટ સસ્તી હોય છે. ઇમર્જન્સીમાં બહારગામ જવાનું થાય અને તત્કાલમાં પણ ટ્રેન ટિકિટ ન મળે ત્યારે જનરલ ક્લાસ ઉત્તમ વિક્લ્પ બની રહે છે.
મુંબઇના રેલ્વે સ્ટેશનો પર ભીડ કાયમી છે. મુબઇની લોકલ ટ્રેનમાં ખાસ કરીને રશ-અવરમાં પ્રવાસ કરનારાઓ તો રોજેરોજ પ્રચંડ ભીડનો સામનો કરતા હોય છે. લોકલ ટ્રેનોમાં લગભગ અમાનવીય કહી શકાય એટલી ભીડ હોવા છતાં આ દૈનિક ક્રમ હોવાથી લોકો તેનાથી ટેવાયેલા હોય છે. બહારગામ જતા પ્રવાસીઓ ટ્રેનમાં કે બસમાં બેસવા અતિશય ઘાંઘા બની જાય છે, પણ કાયમી ધોરણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ ભીડની 'પેટર્ન' સારી રીતે જાણતા હોય છે.
અમદાવાદમાં સવારે મુંબઇ જતી ટ્રેનોમાં જનરલ કોચમાં સામાન્યપણે પ્રવાસીઓને કતારમાં જ અંદર જવા દેવામાં આવે છે. જોકે વેકેશનના સમયગળામાં લાઇનો શક્ય હોતી નથી, તેથી પ્લેટફોર્મ પરના પોલીસ સ્ટાફની જવાબદારી વધી જતી હોય છે.
ટ્રેન આવે તે પહેલાં કેટલાક લોકો ઉશ્કેરાટ ફેલાવવા કહેવા માંડે છેઃ આજે ટ્રેન અડધો કલાક મોડી છે. કોઈ કહેશે, યાર્ડમાંથી જ લાગવગીયા લોકોને ટ્રેનમાં ભરી દેવામાં આવે છે. કોઈ કહેશે, ટ્રેન થોડીક જ વાર ઊભી રહેવાની છે... તો કેટલાક એવું ડિંડક ચલાવે છે કે ટ્રેન આજે આ નહીં, પણ પેલા પ્લેટફોર્મ પર ઊભી રહેવાની છે, હમણાં જ જાહેરાત થઈ! ટ્રેનની રાહ જોઈ જોઈને કંટાળી ગયેલા લોકો આવું બધું સાંભળીને વધારે ટેન્શનમાં આવી જાય છે. કેટલાક પ્લેટફોર્મ પર પંખા ચાલતા હોતા નથી. ગરમીમાં રેબઝેબ થયેલા પ્રવાસીઓ વધારે અકળાય છે.
દિલ્હીના રેલ્વે પ્લેટફોર્મ પર પ્રવાસીઓના સંબંધીઓને સાથે આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૭ નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ આપવાની જ બંધ કરવામાં આવી છે. પ્રવાસીઓની સાથે આવતા સંબંધીઓ પ્લેટફોેર્મ પર ગોઠવેલા બાંકડા પર અડ્ડો જમાવી દે છે. ટ્રેન આવતાં જ તેમને ધક્કા મારવાનું શૂરાતન ચડે છે.
રેલ્વે સત્તાવાળાઓેએ પ્લેટફોર્મ પર પંખા, બાંકડા જેવી સુવિધાઓ વધારવાની જરૂર છે. ટ્રેનોની સ્થિતિ વિશે કરવામાં આવતું અનાઉન્સમેન્ટ વધારે પ્રોફેશનલ બનાવવું જોઈએ. પોલીસોની સંખ્યા પણ વધારવી જોઈએ. રેલ્વે પ્લેટફોર્મ પર ક્રાઉડ મેનેજમેન્ટ ટકોરાબંધ થવું જોઈએ. તહેવારોમાં ખાસ.