2025ના અંત સુધીમાં નોર્વેમાં વેચાતી દરેક કાર ઈલેક્ટ્રિક હશે
- ભારત 2030માં માંડ 30 ટકા ઈવીના વેચાણે પહોંચશે
- પ્રસંગપટ
- નોર્વેમાં 2024માં 1,28,691 કાર વેચાઈ હતી, એમાંથી 1,14,409 કાર ઈલેક્ટ્રિક હતી
ઈલેક્ટ્રિક કારનો વપરાશ, ઉત્પાદન, સેલિંગ અને ઉભરતું માર્કેટ - એમ અલગ અલગ સંદર્ભમાં જુદા જુદા દેશનું નામ આવે છે. ઈવીના ઉત્પાદનની વાત હોય તો ચીનનું નામ પહેલા ક્રમે છે. દુનિયામાં જેટલાં ઈવી વેચાય છે, એમાંથી ૬૬ ટકા ચીની કંપનીઓ બનાવે છે. જ્યાં ચીની કંપનીઓ પ્રત્યક્ષ રીતે પ્રોડક્શન કરતી નથી ત્યાં પરોક્ષ રીતે રોકાણ કરે છે. ચીનની બીવાયડી ઓટો કંપની દુનિયાની સૌથી મોટી ઈવી મેકર છે અને દુનિયાના ખૂણે ખૂણે તેના ઈવી પહોંચી ગયા છે. વપરાશમાં સંખ્યાની રીતેય ચીન નંબર વન છે. ચીનના માર્ગો પર બે કરોડ ઈવી દોડી રહ્યા છે અને ૧૦ લાખ તો પબ્લિક પરિવહન માટે બસો ચાલી રહી છે.
યુરોપમાં દોઢેક કરોડ ઈલેક્ટ્રિક કાર વેચાઈ ચૂકી છે. યુરોપમાં જર્મની ઈવી લીડર્સ તરીકે ઉભરી આવ્યું છે. એટલા જર્મનીમાં જ ૧૫ લાખ ઈવી દોડે છે. ટેસ્લાના ઈવી માટે દુનિયાભરમાં માર્કેટની તલાશ કરવામાં આવે છે, પરંતુ અમેરિકામાં આજની તારીખે ૪૫ લાખથી વધુ ઈવી નથી. અમેરિકન કાર માર્કેટમાં ઈવીનો હિસ્સો માત્ર દોઢ ટકો છે. હા, છેલ્લાં બે વર્ષથી ઈવીનું વેચાણ વધ્યું છે એટલે ૨૦૩૦ સુધીમાં અમેરિકામાં પાંચ કરોડ ઈલેક્ટ્રિક કાર દોડતી થઈ જશે એવો અંદાજ છે.
એશિયામાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. લગભગ ૫૬થી ૬૦ લાખ ઈલેક્ટ્રિક વાહનો દેશમાં દોડતાં થયાં છે. ભારત ઈવીનું દુનિયામાં સૌથી ઉભરતું માર્કેટ છે. તેનો અંદાજ એ બાબત પરથી આવે કે ગયા વર્ષે દેશમાં નાના-મોટા ૨૦ લાખ ઈવી યુનિટ વેચાયા હતા. ખૂબ ઝડપથી દેશનું પરિવહન ઈલેક્ટ્રિક સંચાલિત થઈ રહ્યું છે. તેમ છતાં ભારતમાં છેક ૨૦૩૦માં કુલ વાહનોમાંથી ૩૦ ટકા વાહનો જ ઈવી હશે. પાંચ વર્ષ પછીય પેટ્રોલથી ચાલતા વાહનોનો મોટો હિસ્સો હશે. ચીન અને ભારત જેવા વિશાળ વસતિ ધરાવતા દેશોમાં તુરંત મોટું પરિવર્તન કરવું શક્ય નથી. અમેરિકા ગાઈ વગાડીને ઈલેક્ટ્રિક વાહનોનો, ઝીરો કાર્બનનો પ્રચાર કરે છે તે છતાં ત્યાં પણ ૨૯ લાખ કારમાંથી માંડ ૪૦ લાખ ઈલેક્ટ્રિક કાર છે.
આવી પરિસ્થિતિમાં આ લિસ્ટમાં એક નાનકડો દેશ નોર્વે ધ્યાન ખેંચે છે. યુરોપનો આ રળિયામણો દેશ આખી પરિવહન સિસ્ટમ ઈવી બેઝ્ડ કરવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. આ વર્ષના અંતે નોર્વેમાં વેચાતા બધા જ વાહનો ઈવી હશે. નોર્વેમાં ચાલતા બધા વાહનો ઈવી નહીં હોય, વેચાતા બધા વાહનો ઈવી હશે. અગાઉ વેચાઈ ગયેલાં પેટ્રોલ-સીએનજી સંચાલિત વાહનોની જ્યાં સુધી સમયમર્યાદા પૂરી નહીં થાય ત્યાં સુધી અથવા તો સરકાર કોઈ યોજના લાવીને પેટ્રોલ-સીએનજી સંચાલિત વાહનોના માલિકોને ઈવી લેવા પ્રેરિત ન કરે ત્યાં સુધી જૂના વાહનો ચાલશે, પરંતુ નવા વેચાતા વાહનો તમામ ઈલેક્ટ્રિક હશે.
આ બહુ મોટી વાત છે. નવા વાહનો ખરીદનારા બધા ઈવી જ ખરીદે તો ઝીરો કાર્બનનો લક્ષ્યાંક હાથવેંતમાં આવી જાય. નોર્વેમાં ૨૦૨૪માં કુલ ૧,૨૮,૬૯૧ કાર વેચાઈ હતી, એમાંથી ૧,૧૪,૪૦૯ કાર ઈલેક્ટ્રિક હતી. કારની ૮૯ ટકા નવી ખરીદી ઈવીની થઈ હતી. ૨૦૨૩માં નવી કારના વેચાણમાં ૮૨ ટકા ઈલેક્ટ્રિક કાર હતી. એ પછી નોર્વેની સંસદે ૨૦૨૫ના અંત સુધીમાં ૧૦૦ ટકાનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલા ક્વાર્ટર સુધીના પરિણામો ઉત્સાહવર્ધક છે. નોર્વેમાં જાન્યુઆરીથી માર્ચ સુધી જેટલા વાહનો વેચાયા એમાંથી ૯૩ ટકાનો લક્ષ્યાંક અચિવ થઈ ગયો છે. હવે જેટલા વાહનો રજિસ્ટર થાય છે એમાં ૨૦માંથી ૧૯ વાહનો ઈવી છે. વર્ષ પૂરું થશે તે પહેલાં વેચાતા તમામ વાહનો ઈવી હશે એવું નોર્વેના ટ્રાન્સપોર્ટ મંત્રાલયનું માનવું છે.
નોર્વેનું પબ્લિક પરિવહન તો ક્યારનું ઈવી બેઝ્ડ થઈ ચૂક્યું છે. સરકાર કોઈ વાહન ખરીદે તો એ ઈવી જ હોય છે. કમર્શિયલ હેતુથી વાહન ખરીદવાનું હોય તો સરકારે ટોલ ટેક્સથી લઈને વાહન ટેક્સ સુધી ઈવીમાં એટલી છૂટ આપી છે કે ખરીદનારાઓનું વલણ ઈવી તરફી જ રહે છે. અન્ય ફ્યૂલથી ચાલતા વાહનોમાં ટેક્સ વધારે ચૂકવવો પડે અને પછીય ટોલ સહિતના ટેક્સમાં કોઈ રાહત નહીં. એ સરવાળે મોંઘું પડતું હોવાથી લોકો ઈવી તરફ વળ્યા છે.
અત્યારે નોર્વેમાં જેટલી કાર ચાલે છે એમાંથી ૩૫ ટકા ઈવી છે. એ આંકડો ૨૦૨૮ સુધીમાં ૮૦ ટકા થવાની ધારણા છે. નોર્વેમાં આ અશક્ય નથી. નોર્વેની વસતિ માંડ ૫૫ લાખ છે અને કુલ નોંધાયેલા વાહનો છે માંડ ૫૪ હજાર. પ્રાઈવેટ કાર જ માંડ ૨૮ લાખ છે. ભારતની સાથે સીધી કોઈ સરખામણી થઈ શકે નહીં. ભારતમાં તો એક વર્ષમાં પેસેન્જર વાહનો જ ૪૦-૪૨ લાખ વેચાય છે, પરંતુ હા નોર્વે જે રીતે પરિવહનનું ઈલેક્ટ્રિફિકેશન કરી રહ્યું છે એ ઉદાહરણરૂપ છે. રાજ્યો પ્રમાણેય જો આ મોડલ લાગુ થાય તો લાંબાંગાળે ઉમદા પરિણામો મળી શકે.