Get The App

કોર્પોરેટ ગીફટમાં સુકોમેવો અને ચોકલેટનું વધતું ચલણ

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
કોર્પોરેટ ગીફટમાં સુકોમેવો અને ચોકલેટનું વધતું ચલણ 1 - image


- પ્રસંગપટ

- એલચી બજારમાં દિવાળી પૂર્વે તેજીનો કરન્ટ

- ગયા વર્ષે એલચીનું ઉત્પાદન આશરે ૨૫ હજાર ટન થયું હતું. આ વર્ષે એલચીનું ઉત્પાદન ૩૦થી ૪૦ ટકા ઓછું થવાની ભીતિ 

દેશના વિવિધ કૃષી કોમોડિટીઝ બજારોમાં દિવાળીના તહેવારો પૂર્વે ચહલ પહલ તથા રોનક વધતી જોવા મળી છે. દિવાળી પૂર્વે ખાસ કરીને સૂકામેવાની બજારોમાં મોસમી માગ વધતી જોવા મળી છે. 

સૂકા મેવા ઉપરાંત ચોકલેટસનું ચલણ તાજેતરના વર્ષોમાં દિવાળી પૂર્વે વધતું રહ્યું છે. કોર્પોરેટ ગીફટીંગમાં પણ હવે મીઠાઈઓનું ચલણ ઘટયું છે તથા સૂકોમેવો અને ચોકલેટસનું ચલણ વધતું હોવાનું બજારોના જાણકારોએ જણાવ્યું હતું. લોકો હવે આરોગ્ય માટે વધુ સભાન બન્યા છે તથા સુગર ઓછી હોય એવા પદાર્થો હવે વધુ વપરાતા થયા છે. સૂકામેવામાં બદામ તથા કાજુ ઉપરાંત અખરોટ અને પીસ્તા તથા એલચીની માગ તહેવારોના દિવસોમાં વિશેષ જોવા મળે છે.

દરમિયાન, એલચી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન હાર્વેસ્ટ મોસમમાં દેશમાં એલચીના ઉત્પાદનમાં ખાસ્સી પીછેહટ જોવા મળી છે. એલચીનું ઉત્પાદન આ મોસમમાં આશરે ૩૫થી ૪૦ ટકા ઓછું થવાની ભીતિ સૂત્રો  બતાવી રહ્યા હતા. 

એલચીનું ઉત્પાદન દક્ષિણ ભારતમાં વિશેષ થાય છે. એલચીના ઉત્પાદક મથકોના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ,ે ફેબુ્રઆરીથી મે દરમિયાનના મહિનાઓમાં દુકાળ જેવી સ્થિતિ તથા ત્યારબાદ જૂનથી ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદના પગલે એલચીના ઉત્પાદન  પર ખાસ્સી પ્રતિકૂળ અસર જોવા મળી હોવાનું આ સૂત્રો જણાવી રહ્યા હતા. 

એલચીમાં ઓછા ઉત્પાદનના નિર્દેશો વહેતા થતાં એલચીના બજાર ભાવમાં તેજીનો કરન્ટ જોવા મળ્યો છે. એલચીના બજારભાવ કિલોના રૂ.૨૦૦૦ની ઉપર બોલાતા થયા હતા તથા એલચીના ઓકશનોમાં ઉંચામાં ભાવ રૂ.૨૨૦૦થી ૨૩૦૦ સુધી પણ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. 

કેરળમાં ઈડુક્કી વિસ્તારમાં એલચીનું ઉત્પાદન તથા એલચીના વેપારો વિશેષ થાય છે આ ઈડુક્કી  ખાતેથી મળેલા સમાચાર મુજબ આ વર્ષે એલચીના ઉત્પાદનમાં ઓછામાં ઓછી ૩૦થી ૪૦ ટકાની ઘટ પડવાની શક્યતા જણાય છે. ગયા વર્ષે એલચીનું ઉત્પાદન આશરે ૨૫ હજાર ટન થયું હતું.

 તેની સામે આ વર્ષે એલચીનું ઉત્પાદન ૩૦થી ૪૦ ટકા ઓછું થવાની ભીતિ બતાવાતી થતાં દિવાળી પૂર્વે દેશના એલચી બજારોમાં  ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. ઉત્પાદક મથકોએ ઘણાં ઓકશનોમાં જૂના માલો વેંચાતા જોવા મળ્યા હતા.

આ વર્ષે ફેબુ્રઆરીથી શરૂ થયેલી સખત ગરમી તથા દુકાળ જેવી સ્થિતિ મે મહિના સુધી ચાલી હતી  અને તેના કારણે એલચીના છોડવાઓને અસર પડી હતી તથા આરંભની હાર્વેસ્ટ પર પણ તેની અસર દેખાઈ હતી. 

જૂન તથા ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદ થતાં તેના પગલે એલચીના છોડવાઓ પર પ્રતિકૂળ અસર વધુ ઘેરી બની હતી તથા પાક પર ફંગસની અસર પડી હતી. અને તેના પરિણામે એલચીની ઉત્પાદકતાને અસર પડી હતી.

 પવન જોરથી ફૂંકાતા તેના કારણે પણ એલચીના છોડવાઓને ખાસ્સું નુકશાન પહોંચ્યું હતું. ભારતના બજારોમાં એલચીના ભાવ ઉંચા જતાં વૈશ્વિક સ્તરે ભારતની એલચીમાં  રહેતી માગ ગ્વાટેમાલામાં બનતી એલચી તરફ વળ્યાના વાવડ પણ મળ્યા હતા. ભારતની એલચી ગુણવત્તાના સંદર્ભમાં વિશ્વ બજારમાં જો કે વધુ વખણાય છે પરંતુ ગ્વાટેમાલાનો માલ આપણા માલો કરતાં કિફાયતી રહેતાં ભારતથી થતી એલચીની નિકાસ પર તેની અસર દેખાઈ છે. 

ભારતના એલચીમાં અગાઉ ગલ્ફના દેશોેની માગ વધુ રહેતી હતી પરંતુ ભારતના માલો મોંઘા થતાં ગલ્ફની માગ ગ્વાટેમાલાની એલચી તરફ વળ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. એલચી બજારની નજર હવે દિવાળીના તહેવારોની મોસમી માગ પર રહી છે.નવેમ્બર-ડિસેમ્બરમાં માગ સારી રહેવાની આશા પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

 વૈશ્વિક સ્તરે ઈરાન તથા ઈઝરાઈલ વચ્ચે તંગદિલી વધતાં તેની અસર પણ એલચીની નિકાસ પર દેખાઈ છે. એલચીના ઓકશનોમાં હજી પણ ૬૦થી ૭૦ ટકા માલો ગયા વર્ષના પાકના આવી રહ્યા હતા અને આ ટકાવારી હવે પછી નવેમ્બર મધ્ય પછી ઘટવાની ગણતરી બજારમાં બતાવાઈ રહી હતી.

Prasangpat

Google NewsGoogle News